Whose fault is it? books and stories free download online pdf in Gujarati

દોષ કોનો?





સુનિતાબેન અને સુનિલભાઈ એક અજબ વ્યથામાંથી પસાર થઈ રહ્યાં છે.કોને દોષ દેવો?! નસીબને દોષ દેવો ક્યાં સુધી વ્યાજબી? સુનિલભાઈએ દીકરીઓને વધુ પડતી આપેલી સ્વતંત્રતા તો જવાબદાર નહોતીને?! તો પછી એક જ પર કેમ આડ અસર?!એ લોકોની દોસ્તી અને બેઝિક સ્વભાવની અસર હશે?! વિચારો...વિચારો ને વિચારો..!

વાત જાણે એમ હતી કે એમની બે દીકરીઓ વિનિતા અને વિશાખા આમ તો જોડિયાં પણ દેખાવે અને સ્વભાવે સાવ જ જુદી હતી.નાની હતી ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યું પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એમને સંભાળવું થોડું અઘરું થતું ગયું. એક ઉત્તર તો બીજી દક્ષિણ!વિનિતાની જીદ વધુ, પ્રમાણમાં વિશાખા ડાહી હતી. એ સમજતી થઈ પછીથોડું જતું કરતી હતી અને મૉમ-ડેડનું કહ્યું માનતી હતી. સુનિલભાઈએ દીકરીઓને જરાય ઓછું ન આવે એ રીતે મોટી કરી હતી.દરેક જીદ અને દરેક માંગ પુરી કરતાં હતાં.

હવે,બંને દીકરીઓ કૉલેજમાં આવી ગઈ.વિનિતાએ કોમર્સ અને વિશાખાએ આર્ટ્સ લીધું હતું.બંનેનો કોલેજનો સમય બદલાયો અને દોસ્તો બદલાયાં. વિનિતાને પોતાનું નામ ઓલ્ડ ફેશન લાગતાં "વિની" રાખી લીધું હતું.દોસ્તો એને "વિન્સ" કહેતાં!

વિનીને ડેડ જોઈએ એટલાં રૂપિયા આપ્યાં કરતાં હતાં ક્યારેય કોઈ સવાલ નહોતાં કરતાં.સુનિતાબેન ઘણીવાર કહેતાં હતાં,"શું તમે પણ માથે ચડાવો છો આને?પૂછો તો ખરાં આટલાં રૂપિયાની જરૂર શું છે? હું પૂછું તો સીધે મોઢે જવાબ નથી આપતી કહે કે હું વિશુ(વિશાખા) જેવી મણીબેન નથી,મારે લાઈફ ઍન્જોય કરવી હોય મૉમ."સુનિલભાઈ કહેતાં,"તું નાહકની ચિંતા કરે છે આપણી દીકરીઓમાં આપણાં સંસ્કારો છે, વિશ્વાસ રાખ. જેટલું બંધનમાં રાખીશું એટલું એ લોકોને દુનિયાની નવી વસ્તુઓ માણવાની તાલાવેલી વધશે એટલે હું એ બંનેને એ લોકોની રીતે જીવવાની પૂરેપૂરી છૂટ આપવામાં માનું છું."
સુનિતાબેન બોલ્યા,"જીવવાની છૂટની વાત જુદી હોય સુનિલ,પણ આપણે પેરેન્ટ્સ તરીકે જાણવું જ રહ્યું કે એ કઈ રીતે જીવે છે."સુનિલભાઈ થોડા કચવાતા અવાજે બોલ્યા,"તું તારી આ ફિલોસોફી તારી પાસે જ રાખ,તને આપણાં સંસ્કારો પર વિશ્વાસ ન હોય તો જવા દે પણ મને એ વિચારોમાં ન ઘસેડ." "પણ..."સુનિતાબેનનું પણ ગળે જ અટકેલું રહ્યું ને સુનિલભાઈ,"હું જાઉં એક કોન્ટ્રાક્ટ માટે મીટિંગ છે" કહેતાં નીકળી ગયાં.
વિનિતા જીવનને બધી રીતે માણવામાં માનતી હતી એવું જ કહેતી,"ડ્યુડ! લાઈફ એકવાર મળે છે અને આવા ડેડ પણ એકવાર જ મળે છે જે મને મારું ફ્રીડમ ઝોન જાતે જ નક્કી કરવા દે છે, થોપતા નથી....સો...ક્યોં ન ઉડે હમ બેફિકરે!" વિશાખા એને સમજાવતી,"વિની, ડેડ આપણે ખોટું ન કરીએ એ વિશ્વાસ સાથે આપણને ફ્રીડમ આપે છે સો આપણે પણ એમના વિશ્વાસને ઠેસ ન પહોંચે એને માટે આપણો એક ગર્લઝોન પોતે જ નક્કી કરવો પડે.તું લેટ નાઈટ પાર્ટીઝ,પબ જેવી જગ્યાએ જાય છે ત્યાં કેવા-કેવા ફ્રેન્ડ્ઝ સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે એ બધું ડેડ નથી જાણતાં એટલે ચાલે છે.સમજ ને પાછી વળ ડિયર!" પણ આ બધું વિનિતાને માથા ઉપરથી જતું.એનો જવાબ પણ એનાં જેવો અલ્હડ,"વિશુ તું બસ કરકે...તારે ડેડની મોમ બનવાનું હતું.. તું થોડી મોડી આવી દુનિયામાં.આ જાણી લે મેરી જાન!જિંદગી ના મિલેગી દોબારા! જે જીવવું,જે માણવું હોય એ આ જિંદગીમાં જ જીવી લેવું..અપના તો એક હી ફન્ડા,"વર્તમાનમાં જીવો,ભવિષ્યની ફિકર આપણે નહિ ભવિષ્ય ખુદ આપણી કરશે."વિશાખા ફરી સમજાવવાની કોશિશ કરતી બોલી,"આ બધાં ડાયલોગ્સ અને આ વેબસિરિઝથી ઈમ્પ્રેસ થઈ જીવાતી લાઈફ સ્ટાઇલ આપણાં સંસ્કારોની નાવ લઈ ડૂબે છે!તું ક્યાં અને કેવી રીતે ભટકી જઈશ તને ખબર પણ નથી પડવાની,હજી કહું છું થિંક ટવાઈઝ બેનુ." "શશશ....નાઉ સ્ટોપ ધિસ ઓલ દાદીઅમ્મા ટાઈપ ભાષણ.. લેટ મી ગો.." કહેતાં વિની એની કહેવાતી ફંકી લાઈફ તરફ પર્સ ઝુલાવતી ચાલી નીકળી.
**************************
પોલીસને હાઈ વૅ પર રોડસાઈડ એક ન જેવાં કપડામાં અને પહેલી નજરે જોતાં જ રેપનો શિકાર થઈ હોય એવી યુવતી બેભાન અવસ્થામાં મળી આવી.મિસીંગ કમ્પ્લેઈન જોતાં ખ્યાલ આવ્યો કે આ વિનિતા જ છે!સુનિલભાઈને જાણ કરવામાં આવી અને એ સુનિતાબેન અને વિશાખાને લઈને આવી પહોંચ્યા. સુનિતાબેન તો વિનિતાની દશા જોતાં જ ચોધાર આંસુએ રડી પડ્યાં. ડૉકટરે કહ્યું," વિનિતાએ ડ્રગ્સનો ઓવરડોઝ લીધો છે અને અમને ઈન્ટર્નલ ઇન્જરી પણ દેખાઈ છે તો રેપ થયો છે એવું પણ લાગે છે.હવે એ ભાનમાં આવે એની રાહ જોવી રહી." વિશાખા પણ એકદમ ડઘાઈ ગઈ હતી,મનોમન બોલી,"હું હંમેશા રોકતી હતીને કે સ્વતંત્રતાનો દુરૂપયોગ ન કર મારી બેન!પણ તું ન માની તે ન જ માની ને આજે..." પણ આંખમાં આંસુ સાથે મૉમ-ડેડને આશ્વાસન આપી રહી હતી.સુનિતાબેન બોલ્યા,"સુનિલ,તમે તો બન્ને દીકરીઓને સરખી જ સ્વતંત્રતા આપી હતી,પણ વિનીથી સ્વતંત્રતા અને સ્વછન્દતાની પાતળી ભેદરેખા ભુલાઈ ગઈ એનું આ પરિણામ છે." સુનિલભાઈ ભીની આંખે વિચારી રહ્યાં,"વધુ પડતી સ્વતંત્રતા જ કદાચ સ્વછન્દતાની જન્મદાત્રી છે.કેમકે સંતાનો આપણાં સંસ્કારોની છત્રછાયામાં ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી બાલ્યાવસ્થામાં હોય છે,સંપૂર્ણપણે આપણાં કહ્યામાં હોય છે.તરુણાવસ્થામાં એ લોકો ભણવા માટે ને જુદાં જુદાં કલાસીસ જતાં હોવાને કારણે ઘરથી 8 થી 10 કલાક દૂર હોય છે તો કદાચ આપણાં સંસ્કારો કરતાં ફ્રેન્ડ્સની વિચારધારા મગજ પર હાવી થઈ જતી હશે.મારી એ ભૂલ થઈ કે મેં કોઈ જ રોક ટોક ન કરી.એનાં ફ્રેન્ડ્સ કેવા છે ક્યારેય ન પૂછ્યું." ત્યાં જ બૂમ આવી,"વિનિતા ભાનમાં આવી ગઈ છે.." સુનિલભાઈ દોડ્યા પણ મક્કમ મનોબળ સાથે કે હવે વિનિતાને સ્વછન્દતાંનું આકરું પરિણામ ન જ ભોગવવા દઉં.

કુંતલ ભટ્ટ.
સુરત.
kuntalbhatt2012@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED