"દેવકી, ક્યાં છે તું? મને ઓફિસે જવા મોડું થાય છે, મારા શર્ટનું બટન તૂટી ગયું છે જલ્દીથી ટાંકી આપ." ચિરાગે દેવકીને બૂમ પાડી. દેવકી દોડવાની ઝડપે આવી. જલ્દીથી સોય-દોરો લઈ ચિરાગના શર્ટનું તુટેલું બટન ટાંકવા લાગી. પછી ચિરાગની બેગ, વોલેટ, મોબાઇલ, રૂમાલ, ટિફિન બધું ચિરાગને આપી એ પોતાના કામે લાગી. ચિરાગ બધું લઈ ઓફિસ જવા રવાના થયો.
દેવકી ઘર વ્યવસ્થિત ગોઠવવામાં લાગી. છેલ્લા દસ-બાર દિવસથી મંગીમાસી કામે નહોતા આવતા. દેવકીને આદત નહોતી આટલું કામ કરવાની. જ્યારથી આ સોસાયટીમાં રહેવા આવ્યાં ત્યારથી મંગીમાસી એના ઘરે કામ કરતાં હતાં. ચિરાગની બદલી થતાં એ બંને અહીં રહેવા આવ્યાં હતાં.
લગભગ બે વર્ષ થવા આવ્યા હતા. એમના લગ્નજીવનને સાત વર્ષ થઈ ચૂક્યા હતા પણ હજી એ દંપતિ નિઃસંતાન હતું. મંગીમાસીનું મૂળ નામ તો મંગળા હતું પણ સોસાયટીમાં એ મંગીમાસીના નામથી જ જાણીતા હતાં. ખપ પુરતું બોલવું, નિયમિત આવવું અને ચિવટભર્યું કામ એ એમની વિશેષતાઓ હતી.
પંદરેક દિવસ પહેલા મંગીમાસીએ દેવકી પાસે પૈસાની માંગણી કરી હતી. "બેન, મારી છોડીની દવા કરાવવી છે થોડા પૈસા આલો ને. હું કામમાં વાળી દઈશ. મારી છોડીને એના દારૂડિયા ધણીએ ઘરની બહાર કાઢી મેલી છે. નાનકડી છોકરીને લઈને એ ક્યાં જશે? " દેવકીએ દવા માટે પાંચસો રૂપિયા મંગીમાસીને આપ્યા હતા. એના બે દિવસ પછી મંગીમાસી કામે આવવાના બંધ થઈ ગયા હતાં. કદાચ તબિયત સારી નહીં હોય એમ માની દેવકીએ બે-ત્રણ દિવસ તો કાઢ્યાં.
ગયા રવિવારે ચિરાગની ઓફિસના મિત્રો પરિવાર સાથે લંચ માટે આવ્યાં હતાં. દેવકી મૂંઝાઈ ગઈ હતી પણ મિત્રપત્નીઓ એ મદદ કરી અને બધું પાર પડ્યું. સાંજે ચિરાગ દેવકી પર ગુસ્સે થઈ ગયો હતો, "દેવકી આવા લોકોને માથે ના ચડાવાય. ક્યારે દગો આપે કહેવાય નહીં. પહેલાં આપણો વિશ્વાસ જીતે પછી આપણને જ રડાવે. હજી કહું છું બીજી કામવાળી શોધી લે મંગીમાસીની રાહ નહીં જો." પહેલાં તો દેવકીએ ચિરાગની વાતનો વિરોધ કર્યો પણ હવે એને લાગતું હતું કે ચિરાગ સાચો હતો તો બીજી તરફ એનું હૃદય કહેતું હતું કે મંગીમાસી એક દિવસ જરૂર પાછા આવશે.
આજે રવિવાર હતો. ચિરાગને રજા હતી એટલે એણે દેવકીને ઘરકામમાં મદદ કરી. આજે દેવકી સવારથી જીદ લઈને બેઠી હતી કે "સાંજે મંગીમાસીની ખબર કાઢી આવીએ, એમણે એક વાર કીધું હતું કે એ શહેરની પાસે આવેલા તળાવની બાજુની વસ્તીમાં રહે છે. પ્લીઝ ચિરાગ, એક વાર મારી સાથે ચાલો. આપણે એમનું ઘર શોધી લઈશું." ઘણી આનાકાની પછી ચિરાગ સાથે આવવા રાજી થયો.
સાંજે બંને ગાડી લઈ મંગીમાસીના ઘરે જવા નીકળ્યા. વસ્તીની બહાર આવેલા પાનના ગલ્લે એમણે મંગીમાસી વિશે પૂછપરછ કરી. ત્યાં ઉભેલા ત્રણ-ચાર જણમાંથી એક જણે રસ્તો બતાવ્યો. " અહીંથી સીધા હાલી જાઓ પછી ડાબે વળી જજો. છેલ્લેથી ત્રીજું ઘર મંગીમાસીનું આવશે." બંને જણ આગળ વધ્યાં. એકબીજાને અઢેલીને પતરાંના નાનાં-નાનાં ઘરો આવેલાં હતાં. વચ્ચે ગટર વહેતી હતી. કેટલાંક બાળકો રમતાં હતાં. દેવકી અને ચિરાગ મંગીમાસીના ઘરે પહોંચ્યા. એમના ઘર પાસે નાનું ટોળું જમા થયું હતું. અંદરથી રોકકળના અવાજો આવતા હતા. બંનેને આવતાં જોઈ ટોળામાં ઉભેલા લોકોએ જગ્યા કરી આપી.
બંનેને આવતાં જોઈ મંગીમાસી રડતાં-રડતાં બહાર નીકળ્યા.
એમણે પોતાની દીકરીના અણધાર્યા મૃત્યુની વાત કરી.
નાનું તૂટેલા છાપરાવાળા પતરાંના ઘરમાં તૂટેલી ચટાઇ પર એક ૨૪-૨૫ વર્ષની યુવતીનો મૃતદેહ પડ્યો હતો. બાજુમાં એક ૯-૧૦ મહિનાની બાળકી મૃતદેહની ઓઢણી પકડી રમી રહી હતી. અચાનક એ બાળકી દેવકી તરફ બાખોળિયા ભરતી આવી અને દેવકીની સાડીનો છેડો ખેંચવા લાગી. એ બાળકીની ભોળી આંખો અને માસુમ ચહેરો જોઈ દેવકીની છાતીએ વહાલ ઉભરાયું. એનામાં રહેલું માતૃત્વનું ઝરણું એની આંખોમાંથી બહાર વહેવા લાગ્યું. દેવકીએ બાળકીને તેડી લીધી અને છાતીસરસી ચાંપી લીધી. આજુબાજુના વાતાવરણની પરવા કર્યા વગર બાળકીને ચૂમીઓથી નવડાવી દીધી.
મંગીમાસીના ઘરે આવેલા લોકો જોતાં રહી ગયાં. દેવકી ચિરાગ સામે જોવા લાગી. ચિરાગની મુક સહમતિને એ સમજી ગઈ. એની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. આ તરફ મંગીમાસી અવઢવમાં હતાં. એક તરફ મૃત દીકરીની નનામી કાઢવાનો સમય થઈ ગયો હતો તો બીજી તરફ નાનકડા જીવને દેવકીરૂપી માં મળી રહી હતી. મંગીમાસીની અવઢવ સમજી જઈ દેવકી અને ચિરાગ નાનકડી બાળકીને લઈ બહાર નીકળ્યા. એકતરફ દીકરીના મૃત શરીરને વળાવવાનું દુઃખ અને બીજી તરફ એ બાળકીને માં મળ્યાનું સુખ મંગીમાસી છલકાતી આંખે જોઈ રહ્યાં.
- શીતલ મારૂ (વિરાર).