IAS ની પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયા બાદ આજે ઉત્તર ગુજરાતના એક શહેરમાં શિવાનીનું પોસ્ટિંગ થયું હતું. શિવાની એની મમ્મી વૈશાલી સાથે એને ફાળવાયેલા બંગલામાં રહેવા સરકારી ગાડીમાં આવી પહોંચી. આમ તો બંગલામાં બધીજ વ્યવસ્થા હતી, શિવાની થોડા દિવસ પહેલા જ આવીને બધું ચેક કરી ગઈ હતી. એમનો જરૂરી સામાન ટેમ્પોમાં આવવાનો હતો. આજે એના અને વૈશાલીએ જોયેલા શમણાં સાકાર થવા જઈ રહ્યા હતા.
"મમ્મી, આજે તારી વર્ષોની મહેનત રંગ લાવી છે. છેલ્લા ચોવીસ વર્ષથી તેં મને ઉછેરવા માટે એકધારી મહેનત કરી છે. મારી લાઈફ બનાવવા તે તારી લાઈફનું સમર્પણ આપ્યું છે. આજે આ બંગલામાં પહેલું પગલું તું જ મુકીશ. તું જ મારી લક્ષ્મી ને તું જ મારી સરસ્વતી," કહી શિવાની વૈશાલીનો હાથ પકડી નાના પણ આધુનિક સુવિધાઓથી સજ્જ એવા બંગલામાં લઈ જઈ સૌ પ્રથમ દેવઘરમાં લઈ ગઈ. ત્યાં ગણપતિ અને કુળદેવીની મૂર્તિની બાજુમાં પોતાની છબી જોઈ વૈશાલી અવાચક બની ગઈ.
*** *** ***
ફક્ત બે વર્ષના દુઃખી લગ્નજીવનથી કંટાળી વૈશાલી છ મહિનાની શિવાનીને લઈ પિયર પાછી ફરી હતી. એના પતિ વિનય ના બીજી સ્ત્રી સાથેના સંબંધને લઈ એનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. કોર્ટ થકી મ્યુચ્યુઅલ કનસેન્ટથી છૂટાછેડા લઈ વૈશાલી શિવાની સાથે પિયરમાં રહેવા લાગી. માતા-પિતા, ભાઈ-ભાભીના, સયુંકત કુટુંબમાં એ ને હૂંફ, લાગણી અને સહકાર મળ્યો. પણ સ્વમાની એવી વૈશાલી પરાવલંબી બનવા નહોતી માંગતી. એ પોતે ગ્રેજ્યુએટ હતી પણ શિવાની માટે સારી નોકરીની ઓફર ઠુકરાવી એણે ઘરે જ હોમ ટ્યુશન શરૂ કર્યા. થોડાજ સમયમાં એના વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ. સારી આવક થવા લાગી. શિવાની પણ મોટી થઈ રહી હતી. એને સારું શિક્ષણ મળે એ માટે સારી સ્કૂલમાં એડમિશન લીધું. શિવાની પણ હોશિયાર હતી. સ્કૂલમાં, કોલેજમાં સારા માર્કે ઉત્તીર્ણ થતી રહી. એની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. ગ્રેજ્યુએટ થયા પછી વૈશાલીએ શિવાનીને IAS ની તૈયારી માટે બે વર્ષ માટે દિલ્લી મોકલી. શિવાનીએ ઘણી મહેનત કરી અને પરીક્ષા પાસ કરી. આજે વૈશાલીનો અથાગ પરિશ્રમ અને શિવાનીની લગનનું પરિણામ સામે હતું.
*** *** ***
"મમ્મી, હજી એક સરપ્રાઈઝ છે તારા માટે," કહી શિવાનીને આંખો બંધ કરવા કહી વૈશાલીનો હાથ ઝાલી શિવાની એને હોલમાં લઈ આવી."આંખ ખોલ મમ્મી."
વૈશાલીએ આંખ ખોલી તો એની સામે સંદીપ ઉભો હતો. વૈશાલી ફાટી આંખે એને જોતી રહી. સંદીપ વૈશાલીની બેનપણી ભાવિનીનો મોટો ભાઈ હતો.
"મમ્મી, હું જાણું છું કે તું અને સંદીપ અંકલ છેલ્લાં ચાર વર્ષથી એકબીજા માટે કૂણી લાગણી ધરાવો છો અને આ જ તો વય છે જ્યારે માણસને કોઈ અંગત સાથની સહુથી વધારે જરૂર હોય. સંદીપ અંકલે નિસ્વાર્થ ભાવે આપણને ઘણી વખત મદદ કરી છે, મને સંદીપ અંકલમાં મારા પિતા દેખાય છે. એમના પણ અંગત કારણોસર હજી લગ્ન નથી થયાં અને તમે બંને એકબીજાને પસંદ કરો છો એનાથી વધારે શું જોઈએ. તમે બંને તમારી હવે પછીની જિંદગી શાંતિથી વિતાવો. પચાસની ઉમર વટાવ્યા બાદ કોઈપણ વ્યક્તિને એક આત્મીયતા અને હૂંફની વધારે જરુર હોય છે. અને મારે હવે કાંઈ નથી સાંભળવું. મમ્મી આનાથી વધુ સારી રીતે હું તારું ઋણ નહીં ચૂકવી શકું. મને પણ પપ્પાની સ્નેહવર્ષામાં ભીંજાવું છે અને આમ પણ હું તો લગ્ન કરીને સાસરે જતી રહીશ પછી તું કોના પર તારો હુકમ ચલાવીશ," કહી શિવાનીએ હસતાં હસતાં વૈશાલીનો હાથ સંદીપના હાથમાં સોંપી દીધો. આ હતો શિવાનીનો ઋણ સ્વીકાર...
એક પુત્રીએ પોતાની માંના જીવનમાંથી વિખેરાઇ ગયેલા રંગોને ફરી સમેટી સુખી ભાવિ જીવનનું મેઘધનુષ રચી દીધું...