લેખ:- પરશુરામજીની પરશુ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
કેમ છો બધાં? મજામાં? ઓહો, આનંદમાં છો, એમ ને? સરસ, સરસ. જલસા કરો. ઘણાં સમયથી તમને બધાંને ફરવા નથી લઈ જઈ શકી તો વિચાર્યું કે આજે લઈ જાઉં. આમેય વેકેશન શરુ થઈ ગયું છે. બધાં ફરવા જવાનાં સ્થળની પસંદગી કરતાં જ હશે. એક જગ્યા આજે હું તમને બતાઉં. તો તૈયાર છો ને? ચાલો ત્યારે જઈએ એક સરસ સ્થળે.
આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુ ના અવાતર એવા પરશુરામ ભગવાન છે.જમદગ્નિ ઋષિ અને રેણુકાપુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.
આજના સમયમાં તેમનું પરશુ ભારતના એક મંદિરમાં છે. ઝારખંડનાં થી 150 કી.મી દૂર ગુમલા જિલ્લાના પર્વતમાં એક ટાંગીધામ આસલ ચેમ જ્યા ભગવાન પરશુરામ નું પરશું છે. આટલા વર્ષો પછી પણ એ પરશુમા કંઈ થયું નથી. ખરેખર આ એક અદભુત ચમત્કાર છે. આ મંદિરની ખૂબ જ રોચક વાત પણ છે. એ તમે જાણશો તો આશ્ચય પામશો. ખરેખર જાણવા જેવું છે.
ભારતમાં આમેય ભગવાન પરશુરામજીનાં મંદિરો ઓછાં છે. ભગવાન પરશુરામજીમાં ભારતનાં ઘણાં લોકોને આસ્થા છે.
એમનો ઉલ્લેખ આપણને રામાયણ, મહાભારત, ભગવત પુરાણ, કલ્કિપુરાણ આદિમાં થયેલો જોવાં મળે છે. એમનું નામ બે શબ્દો સાથે મળીને બનેલું છે - “પરશુ ” અને “રામ”. પરશુનો અર્થ થાય છે 'કુહાડી'. આ રીતે એમનાં નામનો અર્થ થાય છે - કુહાડીની સાથે રામ એટલે કે કુહાડી હાથમાં ધારણ કરેલા રામ. ઋષિપુત્ર હોવા છતાં પણ તેઓ એક કુશળ યોદ્ધા હતા. એમનું ખાસ માનીતું શસ્ત્ર હતું પરશુ. જેને ફરસુ પણ કહેવાય છે. દેવતાઓનાં બધાં જ શત્રુઓ, દૈત્યો, રાક્ષસો અને દાનવોનાં સંહાર કરવાની ક્ષમતા પ્રદાન કરવા ભગવાન શિવજીએ એમની કઠોર તપસ્યાની ફલશ્રુતિ સ્વરૂપે આ પરશુ એમને ભેટ કરી હતી, અને તેમણે વરદાન આપ્યું હતું કે તેઓ આનાથી જ બધાં દુષ્ટોનો નાશ કરશે. ભગવાન પરશુરામજીનાં આ પરશુનો આકાર જોતાં જ એ અતિ ભયંકર લાગે તેવો હતો. એને જોતાં જ કોઈની પણ આત્મા ગભરાઈ જા! આજે પણ આ પરશુ ઝારખંડનાં “ટાંગીનાથ ધામ”માં છે.
ટાંગીનાથ ધામ:-
ઝારખંડની રાજધાની રાંચીથી ૧૫૦ કિલોમીટર દૂર જીલ્લા મુખ્યાલય ગુમલાથી ૭૫ કિલોમીટર દૂર સ્થિત ડુમરી ગામથી માત્ર ૮ કિલોમીટર દૂર લુચુતપાટની પહાડીઓમાં બાબા ટાંગીનાથ ધામ સ્થિત છે. આ હિન્દુઓનું અતિપ્રાચીન મંદિર અને આસ્થાનું કેન્દ્ર છે. આજ જગ્યાએ આજે પણ ભગવાન પરશુરામજીનું એ અમોધ અને અતિપ્રિય શસ્ત્ર જમીનમાં દાટેલું જોવાં મળે છે. પરશુને ઝારખંડની નાગપુરિયા ભાષામાં “ટાંગી” કહેવામાં આવે છે. આથી જ આ સ્થળનું નામ “ટાંગીનાથ ધામ” પડી ગયું. ભગવાન પરશુરામજીનાં આ પરશુ સાથે એમનાં “પદચિન્હ” પણ આ સ્થાનની વિશેષતા છે. બાબા ટાંગીનાથ ધામમાં ભગવાન શિવજીનું મંદિર આવેલું છે. આ એક મંદિર સિવાય અહીં ઘણાં નાનાં મંદિરો છે. આ સ્થળ ઐતિહાસિક અને પુરાતત્વિક મહત્ત્વ પણ ધરાવે છે. અહીં ચારે તરફ સેંકડો શિવલિંગ અને દેવી દેવતાઓની મૂર્તિઓ વેરવિખેર થયેલી પથરાયેલી પડેલી છે.
લુચુતપાટની આ પહાડીમાં સેંકડો શિવલિંગ સહિત અન્ય દેવી - દેવતાઓની પ્રતિમા વિખેરાયેલી પડી હતી. પાછલાં કેટલાંક વર્ષોમાં આ પહાડીમાં વિખેરાયેલી પ્રતિમાઓ અને શિવલિંગ અને દેવી-દેવતાઓની પ્રતિમાઓને એકસરખી કતારબદ્ધ રીતે ગોઠવી દઈને એમને સ્થાપિત કરી દઈને પર્યટન વિભાગ અને જીલ્લા પ્રશાસને ભવ્ય અને આકર્ષક મંદિરનું નિર્માણ કર્યું છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર બાબા ટાંગીનાથ ધામ એ ભગવાન પરશુરામની તપોસ્થળી છે. ભગવાન પરશુરામે અહીંયાં ભગવાન શિવજીની ઘોર ઉપાસના કરી હતી અને અહીં જ એમણે પોતાનાં પરશુને જમીનમાં દાટી દીધું હતું. આ પરશુની ઉપરનો ભાગ કેટલેક અંશે ત્રિશૂળને મળતો આવે છે.
આ જગ્યા એ પોતાનામાં જ એક સુંદર સ્થાન છે. રસ્તો બહુજ સરસ છે. આજુબાજુનાં જંગલનાં દ્રશ્યો રમણીય છે. આ મંદિર આમ તો એક મંદિર સંકુલ જ છે, જે જંગલમાં પહાડીઓ પર સ્થિત છે. અહીં એક ઝરણું પણ વહે છે. લોકો એમાંથી જળ લઈને જલાભિષેક કરતાં નજરે પડતાં હોય છે. આ મંદિર હાલમાં જ બનેલું હોવાથી એમાં વિશેષ જોવાનું કંઈ નથી. જંગલમાં અને પહાડી પર હોય એવું જ આ મંદિર છે. અહીં કોઈ જ શિલ્પ સ્થાપત્ય કે કલાકોતરણી નથી, પણ આજુબાજુનું વાતાવરણ અતિસુંદર છે એમાં બેમત નથી. જંગલ હોય એટલે ઝાડ-પાન તો હોય જ અને પહાડ હોય એટલે ઝરણાં તો હોવાનાં જ. પણ મંદિરનું વાતાવરણ અદભૂત છે. કોઈ પણ સ્થળનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ શું છે એ અવશ્ય જાણવું જ જોઈએ.
અહીં જે મુખ્ય મંદિર છે એ ભગવાન શિવનું મંદિર છે. આ મંદિરમાં શિવલિંગ એ સામાન્ય શિવલિંગ હોય છે એવું શિવલિંગ નથી. અહીં સ્થિત પ્રાચીન શિવલિંગ એ ચંદનના ઝાડમાંથી બનાવેલું એક શિવલિંગ છે. અહી જ લોકો જલાભિષેક કરે છે અને નારીયેળ વધેરે છે. કહેવાય છે કે ભગવાન શિવજી આમાં જ સમાયેલા છે, અને એટલે જ આ મંદિર લાખો લોકોની શ્રદ્ધાનું પ્રતિક બની શક્યું છે. એમ કહેવાય છે કે આ ટાંગીનાથ ધામની સ્થાપના એટલે કે અહીં બાજુમાં એક અત્યંત પ્રાચીન મંદિર છે, જે શિલ્પસ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો ગણી જ શકાય એમ છે. એની સ્થાપના ભગવાન વિશ્વકર્માએ પોતાનાં હાથે જ કરી હતી. આ જ મંદિરમાં ભગવાન પરશુરામજીનાં પદચિન્હો છે.
આ સ્થાનનું મહત્વ ઐતહાસિક, પુરાતત્વિક અને ધાર્મિક દ્રષ્ટીએ એકસમાન છે. જો કે આવાં મંદિરો તો ભારતમાં ઘણાં જ છે, પણ આની તો વાત જ કંઈ નિરાળી છે. અહીં ચાલતાં ચાલતાં જંગલો અને પહાડોમાં ટ્રેકિંગ કરીએ છીએ એમ અહીં પહોંચવું પડે છે. જેની આજબાજુના દ્રશ્યો નયનરમ્ય છે અને જંગલ પણ ગીચ અને સરસ છે. ઉપર પહોંચીને પણ ચારે બાજુ નજર દોડાવતાં મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહી જંગલમાં કેડીઓ અને પગથિયાં મારફતે જવું પડે છે. પહાડી બહુ ઉંચી નથી એટલે બહુ વાંધો આવી શકે એમ નથી.
અહીં એક મંદિર છઠ્ઠી શતાબ્દીનુ છે, જે શિલ્પસ્થાપત્યની દ્રષ્ટીએ ખાસ જોવાં જેવું છે. હાલમાં એ ખંડિત અવસ્થામાં છે, જેનો ઉપરનો ભાગ એટલે કે શિખર તૂટેલું છે અને એ તૂટેલું શિખર એની આજુબાજુમાં અને કેટલીક મૂર્તિઓ પણ એની નજીક ગોઠવાયેલી છે. આ મંદિર આર્કીયોલોજીમાં જેને રસ હોય એણે ખાસ જોવું જોઈએ. આવું મંદિર અને આવી સ્થાપત્યકલા બીજે ક્યાંય જોવાં નહીં મળે. અહીં જે મૂર્તિઓ અને શિલ્પો મળી આવ્યાં છે એ છઠ્ઠી સદીથી લઈને અત્યારનાં આધુનિક યુગ સુધીના શિલ્પો છે. એમાં આવા અસંખ્ય શિવલિંગોનો સમાવેશ થાય છે. એવું પણ નથી કે માત્ર શિવલિંગો જ મળી આવ્યાં છે પણ વિધવિધ આકારનાં નાનાં મોટાં નંદી પણ મળી આવ્યાં છે. અહીં એક ટુકડાઓને જોડીને બનાવેલું યોગી માતાનું મંદિર છે. અહીં જે મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે એ મંદિરની આસપાસ છે. તેમાં વધારે તો શિવજીની મૂર્તિઓ છે. ઉપરાંત, ઉમા-મહેશ્વર, કાર્તિકેય અને ભગવાન ગણેશજીની મૂર્તિઓ વધારે છે. પુરાતત્વ ખાતાને આ મંદિરની નીચે અને પહાડીની આજુબાજુ ખોદકામ કરતાં બીજાં પણ મંદિરોના અવશેષો દેખાયાં છે. હજુ પણ ખોદકામ અને અન્ય શોધખોળ ચાલુ જ છે.
ભગવાન પરશુરામની તપસ્યા:-
ટાંગીનાથ ધામમાં ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ઘોર તપસ્યા કરી હતી. ભગવાન પરશુરામ ટાંગીનાથ કેવી રીતે પહોંચ્યા એની કથા કંઇક આ પ્રકારે છે. જ્યારે ભગવાન શ્રી રામ રાજા જનક દ્વારા સીતા માટે આયોજિત કરાયેલા સ્વયંવરમાં ભગવાન શિવજીનું ધનુષ તોડી દે છે તો ભગવાન પરશુરામ બહુજ ક્રોધિત થઈને ત્યાં પહોંચે છે અને ભગવાન શ્રી રામને ભગવાન શિવજીનું આ ધનુષ તોડવાં માટે ખરું - ખોટું સંભળાવે છે. આ બધું સાંભળીને પણ ભગવાન શ્રી રામ મૌન જ રહે છે. આ જોઈને લક્ષ્મણને ક્રોધ આવી જાય છે અને એ ભગવાન પરશુરામજી જોડે વાદવિવાદમાં ઉતરી પડે છે. આ વાદવિવાદ દરમિયાન જયારે ભગવાન પરશુરામજીને એ ખબર પડે છે કે ભગવાન રામ જ ભગવાન વિષ્ણુનાં અવતાર છે એ બહુજ લજ્જિત થાય છે અને ત્યાંથી નીકળી જઈને પશ્ચાતાપ કરવાં માટે ગાઢ જંગલમાં એક નાની પહાડી પર ત્પસ્શ્ચર્યા કરવાં આવી જાય છે. જેથી તેમનાં મનને શાંતિ મળે અને એમનો ક્રોધ શાંત થાય. અહીં પરશુરામ ભગવાન શિવજીની સ્થાપના કરીને એની પાસે જ પોતાનું પરશુ દાટી દઈને તપસ્યા કરવાં માંડે છે. એ જ જગ્યા એ આજનું આ ટાંગીનાથ ધામ છે.
અહીંયાં દાટેલું જે પરશુ છે તે લોખંડનું છે એની એક વિશેષતા એ છે કે એ હજારો વર્ષોથી આ ખુલ્લામાં બદલાતી ઋતુઓ અને બદલાતાં વાતાવરણમાં અને હજારો વર્ષો કે સદીઓ રહેવાં છતાં પણ એણે કાટ નથી લાગ્યો અને બીજી વિશેષતા એ છે કે એ જમીનમાં કેટલું નીચે સુધી દટાયેલું છે એની પણ કોઈને કોઈ જાણકારી નથી. એક અનુમાન છે કે એ નીચે ૧૭ ફૂટ દટાયેલું હોઈ શકે છે.
પરશુ સાથે જોડાયેલી માન્યતા:-
એમ કહેવાય છે કે એક વખત આ ક્ષેત્રમાં રહેતી લુહાર જાતિનાં કેટલાંક લોકોએ આનું લોઢું કાપવાની કોશિશ કરી હતી પરંતુ એ લોકો પરશુને તો ના કાપી શકયાં પણ એમની જાતિનાં લોકોને આ કામની કિંમત ચૂકવવી પડી અને એ લોકો આપોઆપ ટપોટપ મરવાં લાગ્યાં. આના ડરથી લુહાર જાતિએ એ ક્ષેત્ર જ છોડી દીધું અને આજે પણ આ ધામથી ૧૫ કિલોમીટર સુધીની સીમા સુધી આ લુહાર જાતિનાં લોકો નથી વસતાં.
ભગવાન શિવજી સાથે ટાંગીનાથ ધામનો સંબંધ:-
કેટલાંક લોકો ટાંગીનાથ ધામમાં દટાયેલાં આ પરશુને ભગવાન શિવજીનું ત્રિશૂળ બાતાવે છે અને એનો સંબંધ ભગવાન શિવજી સાથે જોડે છે. તેમનાં કહેવા અનુસાર એક વાર ભગવાન શિવજી કોઈ વાતે શનિ દેવ પર ક્રોધિત થઈ જાય છે. ગુસ્સામાંને ગુસ્સામાં એ પોતાનાં ત્રિશૂળથી શનિદેવ પર પ્રહાર કરે છે. શનિદેવ તો કોઈને કોઈ રીતે પોતાની જાતને બચાવી લે છે પરંતુ ભગવાન શિવજી દ્વારા ફેંકાયેલું આ ત્રિશૂળ એક પર્વતના શિખર પર જઈને જમીનમાં ખૂંપી જાય છે. આ ખૂંપાયેલું ત્રિશુલ આજે પણ યથાવત ત્યાંજ દટાયેલું છે, કારણકે ટાંગીનાથ ધામમાં આ દટાયેલાં પરશુનો ઉપરનો ભાગ કેટલીક રીતે ત્રિશૂળ સાથે મળતી આવે છે એટલાં માટે આને કેટલાંક લોકો ભગવાન શિવજીનું ત્રિશૂળ પણ માને છે.
ઐતિહાસિક અને પુરાતાત્વિક મહત્ત્વ:-
અહીં સેંકડોની સંખ્યામાં પ્રાચીન શિવલિંગ અને મૂર્તિઓ વેરવિખરાયેલી પડી છે પણ એમની કાળજી માટે અહીં કોઈ પ્રબંધ થયો નથી અને જે થયો છે એ પૂરતો નથી. ટાંગીનાથમાં સ્થિત આ પ્રતિમાઓ ઉત્ક્લનાં ભુવનેશ્વર, મુક્તેશ્વર કે ગૌરી કેદારમાં પ્રાપ્ત પ્રતિમાઓ સાથે મેળ ખાતી જણાય છે.
ટાંગીનાથ ધામમાંથી મળ્યાં હતાં સોના અને ચાંદીના આભૂષણ:-
ઈ. સ ૧૯૮૯માં પુરાતત્વ વિભાગે આ ટાંગીનાથ ધામમાં ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં એમણે સોના ચાંદીનાં આભૂષણ સહિત અનેક મુલ્યવાન વસ્તુઓ મળી આવી હતી. પરંતુ કેટલાંક કારણોસર અહીનું ખોદકામ અટકાવી દેવામાં આવ્યું અને પછી ક્યારેય પણ થયું નહીં. ખોદકામમાં એમને હીરા જડિત મુકુટ, ચાંદીના અર્ધગોળાકાર સિક્કાઓ, સોનાનાં કડા, કાનની સોનાની વાળી, તાંબાનાં બનેલાં ટીફીનો કે જેમાં કાળા તલ અને ચોખા રાખેલાં હતાં તે તમામ વસ્તુઓ મળી આવી હતી, જે આજે પણ ડુમરી થાણાનાં મ્યુઝીયમમાં રખાયેલી છે.
હિન્દુઓનું પ્રમુખ તીર્થ સ્થળ:-
ટાંગીનાથ ધામનાં આ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલાં અગણિત અવશેષો એ બતાવવાં માટે પૂરતાં છે કે આ ક્ષેત્ર કોઈને કોઈ જમાનામાં હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થળ રહ્યું હશે. કદાચ કોઈ કારણવશ આ ક્ષેત્ર ખંડેરમાં ફેરવાઈ ગયું અને અહી ભક્તોનું આવવું - જવું ઓછું થઈ ગયું.
પરંતુ હવે આ પવિત્રધામની હાલત હવે સુધરી ગઈ છે. આ સ્થાન ધાર્મિક સ્થળ હોવાથી અને એ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલું હોવાથી એમની ધાર્મિક માન્યતાઓને ઠેસ ના પહોંચે એટલાં માટે તેઓએ કહેવાતી ચુપકીદી સેવી દીધી છે. જો આટલાં બધાં લોકો અહીં આવી શકતાં હોય અને મંદિર ખરેખર સુંદર બન્યું છે ત્યાં તેઓ લાઈનમાં ઊભાં રહીને દર્શન કરી શકતાં હોય તો અને કોઈ ભય વિના તેઓ ત્યાં જઈ શકતાં હોય અને પોતાની માનતા કે બાધા માંગવા આવે છે.
આ જગ્યા ભગવાન પરશુરામજી સાથે સંકળાયેલી છે. ભગવાન પરશુરામજી એ આપણા હિંદુ ધર્મમાં આસ્થાનું પ્રતિક ગણાય છે. કથાઓ તો અમર છે જ છે પણ સાથોસાથ આ જગ્યા અને આ સ્થળ સાથે જોડાયેલાં સ્મારકો અને પૌરાણિક પુરાવાઓ પણ અમર છે. જે પહેલાં પૌરાણિક હતું તે કદાચ આજે ઐતિહાસિક ગણાતું હોય એવું પણ બને. કદાચ પ્રાગ ઐતિહાસિકકાળની અનેક ચીજ વસ્તુઓ અને સ્થળો ખોદકામમાંથી મળી આવ્યાં છે. આમ તો આ પ્રાગ ઐતિહાસિક યુગ એ લાખો વર્ષ પુરાણો છે. આપણે જેને ઓળખીએ છીએ એ સિંધુ સંસ્કૃતિ છે. જે સિંધુ સંસ્કૃતિનો એક ભાગ જ છે. આ પ્રાગ ઐતિહાસિક કાળનો પણ એક ઈતિહાસ છે.
હવે વાત ભગવાન પરશુરામજીની તો એમ કહેવાય છે કે એમનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૧૪૨ વિક્રમ સંવતમાં થયો હતો. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૧૧૪ વિક્રમ સંવતમાં થયો હતો એટલે કે અત્યારની કાળગણતરી પ્રમાણે એ તામ્ર્યુગમાં આવે. એટલે એ શક્ય છે કે એમનું અમોધ શસ્ત્ર પરશુ પણ એ યુગની જ બનાવટ હોઈ શકે છે, કારણ કે પરશુ લોખંડનું જ હતું એનાં કોઈ જ પુરાવા મળ્યાં નથી. બની શકે છે કે મિશ્રધાતુનું પણ બનેલું હોય!
દિલ્હીમાં મહેરોલીમાં જે લોહ સ્તંભ છે એને આ પરશુને મેળખાતો નજરે પડે છે. પુરાતત્વવિદોના જણાવ્યા પ્રમાણે આ પરશુને કયારેય કાટ નથી લાગતો એમ મહેરોલીના લોહસ્તંભને પણ કાટ નથી લાગતો. આ સ્તંભ એ ઈસવીસનની પાંચમી સદીમાં બન્યો છે, એટલે કે ગુપ્તકાલીન સમયમાં. હવે પુરાતત્વવિદોનાં સંશોધન પ્રમાણે ગુપ્તકાલીન સમયમાં એટલે કે મગધમાં આવાં જ શસ્ત્રોનો ઉપયોગ થતો હતો. આ મગધ એટલે આજનું બિહાર અને આ ઝારખંડ પણ પહેલાં બિહાર રાજ્યનો જ એક ભાગ હતું એટલે એ પણ મગધમાં જ આવે એટલે એ સમયનું આ શસ્ત્ર છે જેને આપણે પરશુ અને અહીના કેટલાંક લોકો એને ત્રિશૂળ કહે છે, તે આ સમયમાં જ બનેલું છે. જોકે પુરાતત્વ ખાતું એમ કહે છે કે આ સ્થળનું વધારે ખોદકામ કરવામાં આવે અને આ પરશુનું જો કાર્બન ડેટિંગ કરવામાં આવે તો એ આપણને ભગવાન પરશુરામ પાસે પણ લઈ જઈ શકે છે.
અહીં જે ભગવાન શિવજીનું મંદિર છે એ આ ટાંગીનાથ ધામમાં સાક્ષાત ભગવાન શિવજીનો નિવાસ છે. સ્થાનીય આદિવાસી બૈગા અને પાહન જાતિના લોકો અહીંના પૂજારીઓ છે. એમના કહ્યા પ્રમાણે તો આ મંદિર અત્યંત પ્રાચીન છે. અહીંના આદિવાસી લોકોને એમાં અપાર શ્રદ્ધા છે. તેઓ પોતાની માનતા જલ્દીથી પૂરી થાય એને માટે એક અને એનાથી પણ જલ્દીથી પૂરી થાય એ માટે ૨ શ્રીફળ વધેરતાં હોય છે.
બાકી આજુબાજુનાં રમણીય દ્રશ્યો, પહાડીઓ અને ઝરણાઓ અને એક સાથે આટલાં બધાં શિવલિંગો અને મૂર્તિઓ અને ખાસ તો આ ભગવાન પરશુરામજીનું અદભૂત પરશુ અને ભગવાન પરશુરામજીનાં આ પદચિન્હો જોવાં એકવાર તો આ ડુમરી-ગુમલી ઝારખંડ જવું જ જોઈએ.
જય પરશુરામ🙏
સૌજન્ય:- ઈન્ટરનેટ
સ્નેહલ જાની