તેઓ ઓફિસની બહાર વટ મારતી ગૌરવ ભરી ચાલે નીકળ્યા. આખી ઓફિસે દરવાજા સુધી આવી તેમને આવજો કહ્યું. થોડી વાર પહેલાં સહુએ તેમને સુખપુર્વકનાં અને આનંદમય નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
"આવતા રહેજો. મળતા રહેશું તો જિંદગી આનંદભરી લાગશે." સાહેબે એમ કહીને તેમની સાથે હાથ મિલાવેલા.
મિત્રો ગળે મળ્યા, ક્લીગ્સ સહુએ 'કામકાજ કહેજો, અવારનવાર આવતા રહેજો' કહ્યું અને તેઓએ અનેક બદલીઓ બાદની આ આખરી ઓફીસ, સાથે આ નોકરીને અલવિદા કહ્યું અને એ જ હંમેશની ગૌરવવંતી ચાલ સાથે બહાર નીકળ્યા. આખરે ઓફીસ બિલ્ડિંગની બહાર ઉભી ઓફીસ પર એક આખરી નજર નાખી થોડી વાર એમ જ જોઈ રહ્યા. ભૂતકાળની અનેક યાદોમાં જાણે ક્યાં ખોવાઈ ગયા.
આજે સાથે આવેલ પત્નીએ હાથ પકડી કહ્યું 'જશું ને હવે ઘેર?' અને તેઓ જાગૃત થઈ વર્તમાનમાં આવ્યા. થોડા ભારે હૃદયે, અમુક ગૌરવની લાગણી અને સંપૂર્ણ સંતોષ સાથે ઘર તરફ રવાના થયા અને નિવૃત્ત જીવનની શરૂઆત કરી.
આખરે એ દિવસ આવ્યો જયારે તેઓ હવે એક નિવૃત્ત માણસ હતા, એક ઉચ્ચ અધિકારી નહીં. નહીં લો ટાર્ગેટ્સનું ટેંશન, નહીં સ્ટાફ એડમિનિસ્ટ્રેશન કે નહીં કોઈ ચિંતા.
થોડા દિવસો બાદ એક સવારે ઉઠ્યા. શું કરવું? નિવૃત્તિ પછી એક્ટિવ તો રહેવું પડશે. તેઓ ખાસ વૉકિંગ માટે નિવૃત્તિ પહેલાં વસાવેલ ટ્રેક પહેરી ચાલવા નીકળ્યા. કેટલાક સમવયસ્કો સામા મળ્યા. તેમણે થોડા ઝૂકીને સ્માઈલ કર્યું. એવી ઇચ્છાએ કે કોઈને મિત્ર બનાવીએ. એક વયસ્કે તેમની સામે આશ્ચર્યથી જોયું. એ બધા અંદરોઅંદર વાતો કરતા તેમની નોંધ પણ લીધા વિના ચાલ્યા ગયા. તેમણે ફરી સ્માઈલ કર્યું. કોઈ પ્રત્યુત્તર નહીં. વડીલ નિરાશ થઈ ગયા. 'ચાલો, બીજા કોઈને મળીએ.' તેમણે વિચાર્યું. આગળ જતાં જોયું કે ત્રણ વૃદ્ધોની કંપની આવતી હતી. તેઓ પોતે ખૂબ ખુશ છે તેમ બતાવવા મોટેમોટેથી કાંઇંક બોલતા અને વિના કારણ ખડખડાટ હસતા હતા. તેઓએ એ કંપનીને 'ગુડમોર્નિંગ' કહ્યું. વયસ્કોએ તેમની નોંધ જ ન લીધી અને એ જ બૂમ બરાડા પાડતા ચાલ્યા ગયા. તેઓ પહેલાં તો નિરાશ થયા પણ પછી ' બધા સરખા ન હોય' કરી ઘરભેગા થઈ ગયા.
સાલું નવો ટ્રેક, એમની દ્રષ્ટિએ મોંઘા ઈયરફોન ને બધું વટ મારવા નહીં તો પોતે કોઈ અગત્યના માણસ છે એમ જાહેર કરવાનું કેવી રીતે કરવું?
ન કરીએ તો પણ કોઈ પોતાની મિત્રતા કરે, પોતાના અસ્તિત્વની નોંધ લે તેમ કેવી રીતે કરવું?
ચાલવા જવા તેમને ખૂબ એકલું લાગવા માંડ્યું. કંટાળો આવવા લાગ્યો. તેમણે પત્નીને કંપની આપવા આવવા કહ્યું પણ પત્ની કહે એ સમયે તેને ખૂબ કામ હોય છે. કામવાળી આવવાનો સમય, નાનાં કામો પતાવવાનો સમય વગેરે. ચાલો, દુનિયા પોતાની રીતે ચાલશે. 'એકલો જા ને રે..' તેમણે મનોમન સ્વીકાર કર્યું.
થોડા દિવસ બાદ તેમણે ઓફીસ બાજુના માર્કેટ એરિયામાં જવાનું હોઈ ઓફિસની મુલાકાત લેવા નક્કી કર્યું. આમેય સહુ કહેતા તો હતા કે મળતા રહેજો, અવારનવાર આવતા રહેજો.
તેઓ તો તેમના નવા ઇસ્ત્રીટાઈટ ડ્રેસમાં સજ્જ થયા અને બુટને ચકાચક પોલિશ કર્યો. જાણે ઓફિસનો કોઈ ઇન્ટરવ્યૂ આપવા જતા હોય એમ તૈયાર થયા. ઓફિસે પહોંચ્યા. તેઓ તો એ ઓફિસના ખૂબ સિનિયર વ્યક્તિ હતા. દાખલ થાય એટલે સ્ટાફ ઉભો થઈ માન આપતો. આજે તેઓ દાખલ થયા અને અંદર જોયું. પીયુને 'આવો આવો સાહેબ' કહી હાથ મિલાવ્યા. અરે આ તો રોજ સલામ કરતો!
સ્ટાફમાં નજીકના સંબંધો હતા તેવા બે ત્રણ અધિકારીઓ ઉભા થઈ તેમને ભેટયા. તેઓ ખુશ થયા. 'કોઈ તો હોગા જીસકો .. હમ આપના કહતે હૈ યારોં' તેમને થયું. મેઈન બોસે તેમને બોલાવ્યા અને નિવૃત્તિના દિવસો કેવા જાય છે એ પૂછ્યું. ઘેરથી પી ને આવેલા છતાં પણ બોસની ચા પીધી. પોતે અવારનવાર લેઈટ સીટીંગ વખતે બોસ અને સ્ટાફ માટે ચા નાસ્તો મંગાવેલાં જ. તેઓ ખુશ થતા નીકળ્યા.
સાંજે બહાર નિકળે ત્યારે સમવયસ્કો કે થોડા મોટા કાકાઓ જોઈ લળીને વડીલ તેમને હેલો કરે. તેમનાં ગૃપમાં ભળવા. પણ સહુની પોતાની દુનિયા હતી કે બની ગયેલી એમાં નવી વ્યક્તિને સ્થાન ન હતું. હવે તો આ જે કોઈ સગાંઓને ફોનથી મળતા એમને મળવા રૂબરૂ જવા લાગ્યા. જે બહારની દુનિયાની ખબર રહે. બાકી હવે તો પત્ની એ જ મિત્ર, એ જ પ્રેમિકા. એ જ સદા પરિચિત એક માત્ર વ્યક્તિ. પાડોશીઓ સામે મળે ત્યારે ખબર અંતર જરૂર પૂછે પણ જે કોન્ટેક્ટ ઓફિસમાં હતા એના પ્રમાણમાં નગણ્ય. મન કાંઈ ને કાંઈ વાત કરવા ઈચ્છે પણ કોણ સાંભળનારું મળે!
એમ ને એમ એક બે વર્ષ નીકળી ગયાં.
તેઓ બહાર નિકળે ત્યારે હંમેશાં ઈસ્ત્રીટાઈટ નવાં વસ્ત્રો પહેરતા. દુનિયાને ખબર તો પડે ને કે તેઓ ઉચ્ચ અધિકારી તરીકે રીટાયર થયેલા! બેન્ક કે
સરકારી ઓફીસમાં જાય ત્યારે મોં પણ ભારે રાખે. સામેવાળા ને ખબર તો પડવી જોઈએ કે પોતે કોઈ આલિયામાલીયા ન હતા, મોટા સાહેબ હતા.
ઇવનિંગ કે મોર્નિંગ વૉકમાં જાય ત્યારે પણ પહેલાં જતા ત્યારે તો ઈસ્ત્રીટાઈટ કપડાં અને ફોર્મલ શૂઝ પહેરતા. પછી લાગ્યું કે કોઈ સામે જોઈ ઈમ્પ્રેસ થતું નથી એટલે ટ્રેક ને ટીશર્ટ પહેરવા પર આવી ગયા. આમેય ધોબી ત્રણ ચાર દિવસે કપડાં આપતો ને ઈસ્ત્રીના ભાવ વધેલા.
પછી થયું કે બહાર પણ કોઈ ખાસ નોંધ લેતું નથી એટલે કોઈ સગાને ઘેર સપત્ની જાય તો જ ફોર્મલ પહેરવા માંડ્યા. બાકી 'ચાલશે હવે' કહી નજીકમાં તો હવે થોડાં ઝાંખાં થયેલ કપડાં પહેરવા માંડ્યા.
એકવાર તેઓ પેંશન લેવા બેંકમાં ગયા. કાઉન્ટર પર ચેક રજૂ કર્યો. બેંકના કેશિયરે પૈસા આપતાં કહ્યું "લો દાદા. આવજો." કેશિયરનો અવાજ ખૂબ વિનયી હતો પણ તેમને 'દાદા' શબ્દપ્રયોગ ખૂંચ્યો. સર કહેતાં શું થતું હતું!
તેમણે આખરે મન ન માને તો પણ મનાવવું પડ્યું કે 'હવે હું ઉતર્યો અમલદાર છું.'
એકવાર મનમાં થયું કે હવે બધું ચાલશે એટલે તેઓ સાવ સાદાં કપડાં, એક ટીશર્ટ અને એક ચોળાયેલું જીન્સ કે ટ્રેક પહેરી વૉક કેવા તો શું, નજીકમાં કાંઈ લેવું હોય તો ત્યાં પણ એમ જ જવા લાગ્યા. એ લોકો 'કાકા' કે 'દાદા' કહીને જ બોલાવતા. પછી શું ફેર પડે?
સાદગી અને લેટ ગો ની ભાવના તેમની વર્તણુંક માં ડોકાવા લાગી. હવે તેઓ વૉક લેવા જાય તો કાનમાં ઇયરફોન લગાવી મ્યુઝિક, ભજન કે કોઈ ગમતો ઓડિયો સાંભળે પણ આજુબાજુ ખાસ જુએ જ નહીં. પેલા હો.. હો.. કરી ખડખડાટ હસતા વૃદ્ધો હજી એમ ને એમ જ પોતાની દુનિયામાં મશગુલ હતા. વિના કારણ એક બીજાને તાળીઓ આપતા ને ખૂબ મોટેથી હો હા કરતા. એમની ટોળીમાંથી ન કોઈ ખૂટેલો ન વધેલો. એમની મિત્રતા ન થવાથી પોતાને કાંઈ જ ખોટ નથી ગઇ એમ મન મનાવ્યું.
વડીલ ફરી એક વખત જૂની ઓફિસ ખૂબ યાદ આવતાં ત્યાં ગયા. બસ,એમ જ. ફરી ઇસ્ત્રીબંધ ફોર્મલ ડ્રેસ પહેરી, શૂઝને પોલિશ કરીને. ઓફીસ સાવ બદલાઈ ગયેલી. તે વખતના ઉપરી તો ટ્રાન્સફર થઈ ગયેલા. પોતાના કાઉન્ટરપાર્ટ અધિકારીને પોતે જ પોતાની ઓળખાણ આપી. તેણે વિવેક ખાતર ફોર્મલ સ્મિત કરી ઢીલા હાથ મિલાવ્યા. "બોલો, શું કામ હતું?" તેમણે પૂછ્યું.
"કામ તો શું હોય? ખાલી આ બાજુ આવેલો હતો મળતો જાઉં." એમણે કહ્યું. ઓફીસને લગતી ઇધર ઉધરની થોડી વાતો પોતે પૂછી એના ટૂંકા જવાબો મળ્યા. તેઓને પીવી તો ન હતી છતાં થયું
કે ચા મંગાવે તો સારું. ઓફિસની, બહાર લારીની ગળી, ઉકાળેલી ચા નો સ્વાદ યાદ આવતાં તેમનાં મોં માં અનાયાસે પાણી આવી ગયાં.
"મારા વખતના …, … એ કોઈ છે? લાવો એ સહુ સાથે ચા પીએ. હું જ મંગાવું." તેમણે ન છૂટકે કહ્યું.
"એ સહુની તો ટ્રાન્સફર પ્રમોશન પર કે સીટી રોટેશન માં થઈ ગઈ છે. બાકી એમ કાંઈ તમારે મગાવવાની હોય? લાવો, થોડી વાર પછી મારે મગાવવી જ છે. હું મંગાવું. સાથે પીએ." સાહેબે કહયું અને કામમાં પરોવાઈ ગયા. લાગ્યું કે એ ઠાલો વિવેક જ હતો. વડીલ થોડી વાર બેઠા. બીજી થોડી વાર. હજુ થોડી વાર. લાગ્યું કે ચા નહીં આવે. મોંમાં એ ગળી, ઉકાળેલી ચા નો સ્વાદ યાદ આવતાં પાણી તો છૂટતાં હતાં. આખરે તેમણે ઘડિયાળમાં જોઈ કહ્યું "ઓકે. તમે કામ ચાલુ રાખો. હું રજા લઉં." તેઓ ઉભા થાય ત્યાં એ જૂનો પટાવાળો ચા લઈને આવ્યો. હવે ઓફિસની મોંઘી ક્રોકરી માં નહીં, પેપર કપમાં. પહેલી વડીલને અને પછી એ સાહેબને આપી. વડીલને કેવી તબિયત રહે છે એ પટવાળાએ પૂછ્યું. કહે હું પણ બસ આવતા વર્ષે રીટાયર થાઉં છું.
વડીલ પગથિયાં ઉતર્યા. થોડાં ભારે હૈયે. એ વિચાર સાથે કે આ છેલ્લી વાર ઉતરું છું. ઈશ્વર અહીંનું
કોઈ કામ ન પાડે.
'દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. ઓફીસ સાથેના સંબંધો નું આયુષ્ય પૂરું થયું.' તેમણે પોતાને જ કહ્યું.
બસ, વડીલ નિવૃત્ત થયેલા ત્યારે નવી રાહત ભરી જિંદગીને ભેટવા જે ઉત્સાહથી ભર્યા ભર્યા હતા તેની જગ્યાએ પોતે a man of no importance છે એ વિચારે અંદરથી હતાશ થવા માંડ્યા. એકલતા તેમને કોરી ખાવા માંડી. મનને લાગેલ લૂણો શરીર પર દેખાવા માંડ્યો. તાજગી ભર્યું મોં કરચલી ભર્યું બનવા લાગ્યું. સિંહ જેવી ટટ્ટાર ચાલે થોડી મંથર ગતિ પકડી લીધી. આગળથી તેઓ થોડા ઝૂકી ગયેલા. ડ્રેસ તો ઘણા વખતથી સાવ સામાન્ય પહેરવા લાગેલા, બહાર જાય તો પણ.
વડીલે જો કે સવારે એ મોર્નિંગ વૉક નો નિયમ તોડ્યો નહીં. ભલે કોઈ સામું ન જુએ. 'દુનિયાને મારી નથી પડી તો મને પણ દુનિયાની નથી પડી.' વિચારી પોતાનામાં મસ્ત તો નહીં પણ ખોવાયેલા રહેવા લાગ્યા.
સાંજે ક્યારેક પત્ની સાથે આવે, ક્યારેક એકલા નજીકના 2 કે 3 કી.મી. દૂરનાં ગાર્ડનમાં એક્ટિવા લઈ જાય, બે ચાર આંટા મારે અને વૃક્ષો કે ફુલછોડ જોતા રહે. તેમને ક્યાં ન્યુટન જેવી શોધ સુલભ હતી!
આખરે પત્નીએ સૂચવ્યું કે એકલા તો એકલા. જેવું આવડે એવું સાંજે બેડમિન્ટન રેકેટથી શટલકોક ઉલાળતાં રમીએ. વડીલને ગમ્યું. ફ્લેટનાં પાર્કિંગ પાસે દસેક મિનિટ રોજ રમતા. પત્નીને ઊંચી થઈ રેકેટ ફટકારતી, હળવું કૂદતી જોઈ તેમને આશ્ચર્ય થયું . એ કરી શકે તો પોતે કેમ નહીં! તેઓ નીચા નમી શટલકોક લે અને ઉભા થઇ થોડા વળી રેકેટ ફટકારે એમાં તેમને કસરત મળી. એ પછી બેય સાથે ફરવા જવા લાગ્યાં. પત્નીને મંદિર જવું ગમતું પણ વડીલને ખાસ નહીં. તેઓ એટલી વાર શાકભાજી લેતા કે આવતા જતા લોકોને જોયા કરતા. એમની અલગ અલગ વર્તણુંક જોઈ, એમની બોલીઓના લ્હેકા સાંભળી વડીલને જે થોડી રમૂજ મળી. થોડું સ્મિત ફરકતું ને મન પ્રસન્ન થઈ જતું. કોઈ બે વાક્યો બોલનાર ન હોય તો શું થયું, આ રીતે આખી દુનિયા વાત કરે છે પોતાની સાથે. અત્યાર સુધી પોતે જ મૌન હતા.
ઘેર આવી પોતે ન્યુઝ જુએ પછી પત્ની જુનાં ગીતો સાંભળે. વડીલ કહે 'એક વાર આખું ગીત ગા ને!'
પત્ની શરમાઈ પણ એના પ્રૌઢ અવાજે ઘણા વખતે ભગવનને દીવો કરતાં આરતી ગાતી એ સિવાય કશુંક ગાયું. અવાજ જાડો હતો પણ વડીલે તાળી પાડી. પત્ની ફરી શરમાઈ. વડીલે કહ્યું કે તું શરમાયેલી સારી લાગે છે. પત્ની કહે તમે ગાઓ. વડીલને આખું ગીત આવડે નહીં. ઠીક, ગુગલ પર થી ટેક્સટ લઈ ગાયું. રેકોર્ડ કરી સંતાનોને મોકલ્યું. સહુનું સ્માઇલી આવ્યું. વડીલ તો ચગ્યા! પોતે અને પત્નીએ સામે મોબાઇલ રાખી ગાયું અને વીડિયો અપલોડ કર્યા. સગા વહાલાઓની જે 30-35 લાઇક્સ મળી. ચાલો, સાવ નિરવ બંજર એકલતામાં આનંદની કોઈક કૂંપળ ફૂટી!
એક દિવસ પત્ની મંદિર ગયેલી અને પોતે બહાર ઉભેલા. એક બીજા વડીલ મંદિર તરફ આવ્યા. તેઓના પગ સારી રીતે ચાલતા ન હતા. તેઓ રસ્તો ક્રોસ કરી શકતા ન હતા. આપણા વડીલ સામે ગયા અને તેમનો હાથ પકડી રસ્તો ક્રોસ કરાવ્યો. એ વડીલે મંદિરમાં જતાં તેમનો આભાર માન્યો. એમણે પોતાનું નામ કહી આપણા વડીલે હજુ પકડી રાખેલો હાથ મિલાવ્યો. તેમણે ઓળખાણ આપી કે પોતે એક વખતના મોટા પોલીસ અધિકારી છે. એક પગ ઓન ડ્યુટી ધીંગાણામાં ગોળી વાગતાં નુકસાન પામેલો ને બીજાની ઢાંકણી ઘસાઇ રહી હતી. વડીલ ખુશ થયા કે કોઈ મિત્ર થાય એવો મળ્યો. વડીલે પોતાની ઓળખાણ આપી. બન્ને એ સાંજ ઉપરાંત સવારની વૉક સાથે લેવા નક્કી કર્યું.
એ બે એક બાંકડે બેસી કોઈ વર્તમાન ટોપીક પર ચર્ચા કરતા હતા ત્યાં ત્રીજા કોઈ વડીલે પસાર થઈ સુર પુરાવ્યો. તેઓ એક નિવૃત્ત શિક્ષક નીકળ્યા. તેઓ પણ બે ત્રણ વર્ષથી એકલા જ ફરતા. એમણે સહેજ દૂર ત્રણ બાંકડા રોકી બેસતી વૃદ્ધોની ટોળી માં બેસવા પ્રયત્ન કરેલો પણ તેમની પણ કોઈએ નોંધ લીધી નહોતી. આમેય કાં તો જમીન મકાન ના ક્યાં કેટલા ભાવે સોદા પડ્યા, મોદી સરકાર માત્ર દેખાવ કરે છે કે કામ ને એવી વાતોમાં રચ્યાપચ્યા રહે ત્યાં સુધી ઠીક, વૃદ્ધો હોવા છતાં ક્યારેક નહીં, અવારનવાર ગંદી સેક્સની ને એવી જ વાતો કરતા.
"ઉંમર વધે એમ ઉલટાનું તમે જે જિંદગી જીવ્યા છો એ જ અનુભવો રી લીવ કરતા હો છો, વાગોળતા હો છો. વૃદ્ધ થયા એટલે ભલા, ખુલ્લા મનના કે પ્રભુલક્ષી હરગિજ નથી બનતા. જે જિંદગી આજ સુધી જીવ્યા એ જ તમારી વર્તણુંક બની રહે છે. આ લોકો એને જ સાચી જિંદગી માને છે." શિક્ષક મિત્રએ કહ્યું.
બીજા બે સાથીઓ - પોલીસ અધિકારી અને શિક્ષક ની પત્નીઓ પણ સાંજે સાથે આવવા લાગી. તેઓ સાથે મળી વડીલની પત્નીએ સૂચવેલ ગીતો ગાવા લાગ્યાં. ભજનો પણ અને ફિલ્મી ગીતો પણ. પોલીસ અધિકારી ની પત્નીને રંગોળી સારી આવડતી તો વડીલને સુવાક્યો સારાં આવડતાં. બાગના મેન્ટનાન્સ કરનારાઓની પરમિશન લઈ તેમણે છ એ મળી બાગની બહાર ભીંત પર સુંદર ચિત્રો કર્યાં. વડીલે સુંદર અક્ષરોમાં સુત્રો લખ્યાં અને એ સ્ત્રીઓએ ચિત્રો દોર્યાં, રંગો પુર્યા.
કોઈ ચેનલ વાળાએ એની નોંધ લીધી અને તેમના ઇન્ટરવ્યુ લીધા.
વડીલે સૂચવ્યું કે આઝાદ દિન આવે છે તો પોતે ઓફિસમાં મોટાં ફંક્શનો સારી રીતે ઓર્ગેનાઇઝ કરતા.પોલીસ અધિકારીએ યોગ્ય પરમિશનો લઈ લીધી. શિક્ષકમિત્ર એ નજીકની સ્કૂલનાં બાળકોને બોલાવ્યાં અને એ બાગમાં જ સ્ટેજ જેવું હતું ત્યાં કપડાં પર હોર્ડિંગ લગાવી કાર્યક્રમ કર્યો. વડીલ એ ચેનલવાળાને લાઈવ ટેલિકાસ્ટ માટે બોલાવી આવ્યા.
ખૂબ સરસ રીતે બધું પત્યું.
ઓફિસના એ કાઉન્ટરપાર્ટ નો ફોન આવ્યો કે તમે તો ઓફિસની રોનક હતા જે મને કોઈએ કહેલું નહીં. એક પ્રોગ્રામ અહીં રાખો.
પેલા હો..હા.. કરતા વયસ્કોએ સામેથી તેમને ઉભા રાખ્યા અને કહે અમે સમાજને ખુશ રહેવા મેસેજ આપવા માંગીએ છીએ. પ્લીઝ અમારો પ્રોગ્રામ રાખો ને, અને તમે અમારી સાથે આવતા કેમ નથી? વડીલે તેમને સ્મિત સહ ચોક્ક્સ જોઇશ કહી ટાળ્યા. તેઓ દૂર ઉભી એ જ એક બીજાને તાળીઓ આપતા હો.. હો.. કરવા લાગ્યા. એમની એ જ દુનિયા હતી.
પેલું બાંકડા રોકી બેસતું ગ્રુપ ચિત્રો, પ્રોગ્રામ અને લાઈવ ટેલિકાસ્ટ જોઈ 'યાર અમારું પણ કાંક ગોઠવો ને, બીજી ડોશીઓ જે અમને જોઈ લટટૂ થતી હોય તો' કરતા આગળ પાછળ થયા પણ શિક્ષક મિત્રએ તેમને કોઠું આપ્યું ન વડીલે.
કેટલાક વૃદ્ધો ત્યાંથી પાટલી બદલી વડીલ નું છ નું ગ્રુપ શું વાત કરે છે એ સાંભળવા નજીક આવી બેસવા લાગ્યું. હવે તેઓ શિષ્ટ વાતો કરવા લાગ્યા હતા.
વડીલ ને પત્નીએ કહ્યું કે આ રીતે જિંદગીનો અસ્તાચળ માણીએ, એના ખુશનુમા રંગો સાથે. વડીલ કહે સાચું. હું 'બાકી અભી દિન શેષ હૈ..' યાદ રાખી આનંદથી કર્તવ્ય બજાવીશ. સંધ્યાના રંગો મધ્યાન ના પ્રકાશ કરતાં વધુ ગમે.
આખરે દિવાળી આવી. રંગોળીમાં હોંશિયાર શિક્ષક પત્નીએ દીવાલ પાસે મોટી રંગોળી માટે વિષય માંગ્યો. વડીલે તરત સૂચવ્યું કે અત્યારે દેખાય છે એ અસ્ત થતો સૂર્ય અને આભ ચીતરો. શીર્ષક આપો
'સૂર્યાસ્તની લાલિમા.'
***