ખામોશી Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખામોશી

"અદિ....આ લે દવા ખાઈ લે," સત્યજીતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ગોળીઓ કાઢી અદિતિની હથેળીમાં મૂકી, "જ્યારે જ્યારે તું બિમાર પડે છે તું સાવ ઉદાસ થઈ જાય છે. તારી વાચા હણાઈ જાય છે, તું સાવ નખાઈ જાય છે, નિસ્તેજ બની જાય છે..." સત્યજીતે હળવેથી અદિતિનો ખભો દબાવ્યો.

એક ફીકા સ્મિત સાથે ગોળીઓ ગળી જઈને અદિતિ ફરી ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ અને બારી બહાર નજર દોડાવવા લાગી.

"સત્યજીત મને કેટલો પ્રેમ કરે છે. છ વર્ષના લગ્નજીવનમાં એણે મને ક્યારેય દુઃખ નથી પહોચાડ્યું. બિઝનેસમેન હોવાને લીધે ક્યારેક સમયનો અભાવ હોય છે પણ એના પ્રેમમાં ક્યાંય કોઈ કમી નથી તેમ છતાંય કંઈક ખૂટતું હોય એમ લાગે છે." અદિતિ ફરીથી ભૂતકાળની ગર્તામાં સરી પડી અને એને ત્રણ વર્ષ પહેલાંની અકસ્માતે ઘટેલી ઘટના નજર સમક્ષ તરવરી ઉઠી.

**** ****

"કાંઈ જ નવાજુની નથી રાગિણી, વહુને આવ્યે ત્રણ વરસ પુરા થવા આવ્યા છે પણ હજી કોઈ સારા સમાચારના આસાર-અણસાર નથી. રામ જાણે ક્યારે મારા સત્યના ઘરે પારણું બંધાશે ને ક્યારે મારી આંખોમાં પૌત્રને રમાડવાના તરવરતા ઓરતા પુરા થશે..?" સુમિત્રાબેન ફોનપર પોતાની બેનપણી આગળ બળાપો વ્યક્ત કરી રહ્યા હતા અને અનાયાસે અદિતિના કાને આ વાર્તાલાપ અથડાયો. એનાથી ડૂસકું મુકાઈ ગયું, ગળે આવેલા ડુમાને અંદરોઅંદર દબાવી આંખો લૂછતી એ દોડીને બેડરૂમમાં જતી રહી.

પોતાના મનની પીડા અદિતિ કોને કહે કે ખોટ એનામાં નહોતી પણ સત્યજીતમાં હતી.. અને આ વાત માં-દીકરો કોઈ કાળે સ્વીકારવા તૈયાર નહોતા. અદિતિની સમજાવટ પથ્થર પર પાણી સમી પુરવાર થઈ.

**** ****

કેટલાક દિવસો પછી સુમિત્રાબેનનું જાત્રાએ જવું અને એ દરમિયાન સત્યજીતનું બિઝનેસ ટૂર માટે બેંગ્લોર જવાનું થયું. એ સમયગાળામાં ભરાયેલું અકલ્પનીય પગલું પીડાદાયક ખામોશી બનીને દઝાડતું રહ્યું.

એ અષાઢી મેઘલ સાંજે સત્યજીતના બાળપણના મિત્ર કંદર્પનું ઘણા સમય બાદ ઘરે આવવું અને વરસાદનું તૂટી પડવું જાણે નિયતીએ ચાલેલી શતરંજની અનોખી ચાલ..

ગરમાગરમ મસાલા ચા અને નાસ્તાની પ્લેટ લઈ આવતી અદિતિના સુંદર ચહેરા પર છવાયેલી ઉદાસીની વાદળી કંદર્પથી છાની ન રહી.

"અદિતિ... એની પ્રોબ્લેમ?? તારા ખામોશ ચહેરા પર વિષાદની વાદળી સ્પષ્ટ દેખાઈ આવે છે..."

"તમને તો બધી ખબર છે કંદર્પ..." અદિતિની આંખોમાં તગતગી રહેલા આંસુ પાંપણોનો બંધ તોડી ગાલ પર ધસી આવ્યાં.

અદિતિએ ડૂસકાં ભરતાં સુમિત્રાબેનનો ફોન પર થયેલો વાર્તાલાપ અને સત્યજીતના મેડિકલ રિપોર્ટ વિશે કંદર્પને ટૂંકમાં જણાવી એ ખાલી કપ અને પ્લેટ મુકવા કિચન તરફ જઈ રહી હતી ત્યાં જ અચાનક થયેલી વાદળોની ગડગડાટ ગર્જના એને ડરાવી ગઈ અને એ દીવાલ સાથે અથડાઈ અને નીચે પડે એ પહેલાં જ કંદર્પએ એને ઝાલી લીધી. કંદર્પની મજબૂત બાહુઓના ગરમ સ્પર્શે એ અંદરથી વિચલિત થઈ ગઈ.

**** ****

"અદિતી આ અશક્ય છે... મિત્રદ્રોહ કરી સત્યજીતની પીઠમાં વિશ્વાસઘાતનું ખંજર ભોંકી હું ભાગી જાઉં એવો નમાલો કે કાયર નથી હું..." કંદર્પનો સ્વર ઉંચો થઈ ગયો હતો.

"પણ... આમાં કશુંય ખોટું નથી.. મારી મદદ કરીને તમે તમારા મિત્રની જ મદદ કરી રહ્યા છો. મારી કોરી વેરાન જમીનમાં તમે બીજ વાવી દો કંદર્પ.. કોઈનેય ખબર નહિ પડે અને સત્યજીત અને મમ્મી પણ ખુશ થઈ જશે. મમ્મીના મહેણાં અને સત્યજીતની આશભરેલી આંખો મને સુખેથી જીવવા નહીં દે...આ તરસતી ધરતી પર આભ બની વરસી જાઓ કંદર્પ." અદિતિ કંદર્પને વેલની વીંટળાઈ ગઈ અને અદિતિના આંસુઓમાં કંદર્પનું હૈયું પીગળી ગયું અને મિત્ર મદદની ભાવના એના માનસ પર છવાઈ ગઈ અને એ અષાઢી રાતે બંનેના દેહ એકમેકમાં ઓગળી ગયાં.

સવારે જ્યારે અદિતિ ઉઠી ત્યારે કંદર્પ ન દેખાતાં એણે આમતેમ નજર દોડાવી ત્યાં જ એણે ડ્રેસિંગટેબલ પર મુકેલી ચિઠ્ઠી જોઈ.

"અદિતિ.... હું આ શહેર છોડીને તમારા બેઉની જિંદગીથી દૂર જઈ રહ્યો છું.. હું સત્યજીત સામે નજર નહિ મેળવી શકું અને મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું..મારો અંશ તમારી ખુશીઓનો વંશ આગળ વધારે એ જ મનોકામના...."
અદિતિએ ચિઠ્ઠીના ઝીણા ઝીણા ટુકડા કરી ફ્લશ વાટે વહાવી દીધા.

લગભગ અઢી મહિનાની જાત્રાએથી પરત ફર્યા બાદ સુમિત્રાબેને જ્યારે અદિતિના ગર્ભધારણના સમાચાર સાંભળ્યા ત્યારે એમના ચહેરા પર હરખ નહોતો માતો.. 'પોતે કરેલી જાત્રાનું આ ફળ છે' એ વિચારે જ એમની આંખો હર્ષથી છલકાઈ જતી તો સત્યજીત પણ પિતા બનવાની વાતથી બહુ જ ખુશ હતો અને અદિતિનું પૂરતું ધ્યાન રાખવાનો પ્રયાસ કરતો. વાચાળ અદિતિની ખામોશ થઈ ગઈ હતી.

**** ****

"ચહેરેમહોરે અદ્દલ એની અદિતિ પર જ ગયો છે.." સત્યજીત નાનકડા કવિશની પાછળ દોડતો આવ્યો. એની વાતથી અદિતિએ અજાણ હાશકારો અનુભવ્યો અને એની નજર સમક્ષ કંદર્પનો ચહેરો તરવરી ઉઠ્યો.

દોઢ વર્ષનો કવિશ દોડતો આવીને મમ્મી મમ્મી કરતો બારી પાસે બેઠેલી અદિતિની ગોદમાં ભરાઈ ગયો અને બહાર વરસતા વરસાદની છાલક અદિતિના ગાલે વહેતા આંસુઓમાં ભળી જઈ એને દઝાડતી ખામોશીને ઠારવાનો પ્રયત્ન કરી રહી...