"તે હેં પાપા, આ મારા ટીચર કહેતા હતા એમ ગાય અને ભેંસ દૂધ આપે એ ડેરીમાં જાય ને ત્યાં પ્રોસેસ થઈ પાઉચમાં આપણે ઘેર આવે તો એ કેવી રીતે બધું થાય?"
નાનો મિતુલ એના પપ્પા સંજયભાઈને પૂછી રહ્યો.
"ગુડ ક્વેશ્ચન બેટા. દૂધ આપણા બધા માટે જરૂરી છે. એ પ્રોટીન, ફોસ્ફરસ ને કેલ્શિયમ આપે. પણ એક જમાનો હતો જ્યારે ઘરમાં લોકો ગાય રાખતા અને દૂધ દોહતા. આજથી દોઢસો બસો વર્ષ પહેલાં શહેરોમાં પણ એવું હતું. પછી રહેવાની જગ્યા ઓછી થવા લાગી એટલે ગાય ભેંસ બાંધવાની જગ્યા ન મળે, એની દેખભાળ પણ ખૂબ કરવી પડે અને એ વખતે જોઈન્ટ ફેમિલી હતાં. દાદા દાદી તો ઠીક, એના ચાર કે પાંચ દીકરા એમ કાકા કાકીઓ, એનાં છોકરાં ને મોટું કુટુંબ એટલે ઘેર ગાય ભેંસ રાખવી પોષાતી. પછી એ કામ ગામના રબારીવાસમાં થવા લાગ્યાં.
પછી શહેરમાં ઘણા માણસો રહે ને દૂધની જરૂર ખૂબ, એટલી જગ્યા પણ છેક ગામની બહાર જ મળે તો ત્યાંથી શહેરની અંદર દૂધ આપવા આવવું ફાવે નહીં. એટલે ગામડાઓમાં દુધનો ધંધો થવા લાગ્યો અને શહેરોમાં એ પહોંચાડવા લાગ્યા.
તને ખબર છે મિતુલ, દૂધ એમને એમ ચારેક કલાક જ રહે. ગરમ કરો તો દસ બાર કલાક. એટલે ડેરીમાં એને ખાસ જંતુ મુક્ત કરી અમુક દવાઓ નાખે, પછી એકદમ ગરમ કરી એકદમ ઠંડુ પાડે. એને પાસ્ચુરાઇઝેશન કહેવાય. એ પછી પ્લાસ્ટિકની થેળીઓમાં પેક થાય અને આપણને શહેરમાં સવારે રીક્ષા કે કોઈ વાહનમાં પ્લાસ્ટિકની ક્રેટમાં ભરી ડોર ટુ ડોર દૂધ મળે."
"પપ્પા, મારે દૂધ કેવી રીતે દોહવાય, કેવી રીતે ગાય ભેંસ રહે, કેવી રીતે એના છાણ પોદળાનો નિકાલ થાય એ બધું જોવું છે. કોઈ ગામડામાં તમને ઓળખે છે?"
"ના બેટા. આપણી પેઢીઓ નોકરી કે નાના ધંધા કરી જીવનારી શહેરી. કોઈ ઓળખતું નથી પણ ચાલ, આ રવિવારે બાઇક લઈને જઈએ હાઇવે પર ને ત્યાંથી કોઈ ગામમાં. હા, દૂધ બહુ વહેલું દોહવું પડે એટલે આપણે સવારે ચાર વાગે જ નીકળી જશું." સંજયભાઈએ પુત્રની જિજ્ઞાસા સંતોષતાં કહ્યું.
પિતા પુત્ર રવિવારે વહેલા ઉઠી નીકળી પડ્યા. કોઈ ગામનું કાળું પાટિયું જોઈ એની તરફ જતા સાંકડા ડામર રોડ પર ગયા. આગળ એક માટીનો રસ્તો આવ્યો. પૂરું સરફેસિંગ કરેલું એટલે એક સરખો લાલ માટીનો હતો.
"મિતુલ, તને ખબર નહીં હોય, હજી દસેક વર્ષ પહેલાં ઘણાં ગામડાંઓને એવા રસ્તા હતા કે વાહન તો ઉછળતું જ જાય. ખૂબ ખરબચડા. બીજું, લોકો તું જેને શીટ કે પૂ કહે છે એ છી કરવા લોકો ગામની બહાર આવા અંધારામાં જાતા. નવી સરકાર 2014માં આવી પછી એણે સ્વચ્છતા ઉપર પૂરો ભાર મુક્યો અને ઘેરઘેર ઈંટ માટીના કે કાંઇ નહીં તો પ્લાસ્ટિક ફાઇબર શીટનાં સંડાસ બનાવરાવ્યાં.
રસ્તાઓ પણ આવા બહુ મોડા થયા."
"પપ્પા, ડ્રોઈંગ ટીચરે ગાડું દોરી બતાવેલું એની જ અહીં અવરજવર હશે, કાં?"
"હવે તો બેટા એ માત્ર ચિત્રમાં જ જોવા મળે. લોકો પાસે મીની ટ્રેક્ટર, બાઇક ને એવું આવી ગયું. એ ઝડપી પણ હોય અને રસ્તાઓને નુકસાન પણ ઓછું કરે."
આમ વાત કરતા પિતા પુત્ર ગામમાં દાખલ થયા. સહેજ આગળ એક ઘરમાં લાઈટ બળતી હતી. કોઈ સ્ત્રી મોટા તીણા અવાજે ગીત ગાતી હતી
"મારા તે ઘરમાં નાની શી ઘંટી. ઝીણું દળું તો ઉડી ઉડી જાય.."
સંજયભાઈએ ડેલી ખખડાવી. મિતુલ બોલી ઉઠ્યો- "પપ્પા, આ ડોર તો જુઓ, કેવું જાડું લાકડું અને કેવડું મોટું છે?"
"બેટા, એને ડેલી કહેવાય. જો. આ લોખંડનું કડું છે. ગોળ રીંગ. આ અંદરથી લાકડાનો આડો પટ્ટો ખોલશે એને આગળીયો કહેવાય. આ કોતરણી જો. આ મોર, આ ફૂલ, ઉપર ડોલ્સ છે એને પુતળીઓ કહેવાય."
"અરે હા પપ્પા. બત્રીસ પૂતળીની વિક્રમરાજાની વાત વિશે સાંભળ્યું છે. એ પૂતળી એટલે શું એ અત્યારે જોયું."
ડેલી ખુલી. એક પટેલ સ્ત્રી પીળી સાડી, હાથે મોટી બંગડીઓ અને પગમાં મોટાં ઝાંઝર સાથે આવી. અંદર મોટું કમ્પાઉન્ડ હતું. એક કાથીનો ખાટલો ઢાળેલો. ચોરણી કેડીયા વાળા પટેલ સુતા હતા.
"વાઉ પપ્પા, આ કોટ, બેડ તો જુઓ ? દોરડીઓની કેવી ડિઝાઇન છે?"
સંજયભાઈ રોકે તે પહેલાં પુત્રએ એમનો મોબાઈલ લઇ ખાટલા સાથે પટેલનો ફોટો પણ લઈ લીધો.
પટલાણીએ તેમની સામું જોયું.
સંજયભાઈએ તેને નમસ્તે કરી કહ્યું "આ મારો દીકરો છે. મિતુલ. અમે બાજુનાં શહેરમાં રહીએ છીએ. એને ગાય ભેંસ કેવી રીતે રખાય અને એનું દૂધ દોહી શહેરમાં કેવી રીતે જાય એ જોવું છે."
પટલાણીએ બે હાથના ટચાકા ફોડી મિતુલનાં ઓવારણાં લીધાં અને કહ્યું " આવ બેટા. ટાઇમસર આવ્યો. ગાય દહોવાય જ છે."
મિતુલે પપ્પાના મોબાઈલમાં જોયું. પાંચ વાગેલા.
એક કાળી સાડીને જાંબલી કોર વાળી, હાથે લાખનાં જાડાં બલોયાં પહેરેલી સહેજ બરછટ લાગતી બીજી સ્ત્રી ગાય પાસે ગોઠણભેર બેઠેલી. તેના હાથ પર છૂંદણાંની ડિઝાઇન હતી.
"જો દીકરા, આ ભુરીબેન રબારણ છે. એ દૂધ દોહશે." કહેતાં પટલાણીએ અંદર ઘરની ઓસરીમાં જઈ એક પિત્તળનું નાનું વાસણ લઈ ભુરીબેનને આપ્યું.
"આંટી, તમે પોતે કેમ નથી દોહતાં?" મિતુલ પુછ્યું.
"ગાયની દેખભાળ કરવી પડે. એને નવરાવવી પડે, સમયસર તને તારી મમ્મી લન્ચબોક્સ આપે ને જમાડે એમ ઘાસ નિરવું પડે, એનું છાણ સાફ કરવું પડે. ઇ બધાં માટે ટ્રેઇન્ડ બાઈ જોઈએ. તમારે ઘેર વાસણ પોતાં કરવા બાઈ આવતી હશે ઇ તારી મમ્મી કરતાં ફાસ્ટ કરે ને? એમ આ કરે. મને પણ આવડે. જો, ઓલી ભેંસ હું દોહીશ." પટલાણીએ કહ્યું. તે બીજું મોટું એવું જ વાસણ લાઇ આવી.
"આ અમારે ઘણાં ઘરોમા ફ્રિજ બોટલની બદલે માટીના ગોળા હોય છે એને મળતું પણ ઉપર ધારવાળું વાસણ શું કહેવાય?"
"એને અમે બોઘડું કહીએ. ઘડો કે ગાગર પણ કહેવાય. જો કે ઘડો મોટો હોય. પાણી ભરવા જ્યારે ગામ બહાર નદીએ જવું પડતું ત્યારે માથે લઈ જતાં એ ઘડો."
"તો આંટી, આજે પાણી કેવી રીતે ભરો છો?" મિતુલે પૂછ્યું.
"બેટા, હવે લગભગ દરેક ઘેર નળ છે. ગામની મોટી ટાંકીએથી એમાં પાઇપથી પાણી આવે. ઉનાળામાં કૂવે જવું પડે કે ટેન્કર આવે ત્યારે ઘડાની જરૂર પડે."
પટલાણીએ ભેંસ પાસે જઈ એને નજીક ગમાણમાંથી લાવી ઘાસ આપ્યું.
મિતુલ નજીક જવા ગયો ત્યાં તો ભેંસે 'ભોં.. હું.. હું..' કરી જોશથી શીંગડાં મિતુલ તરફ ઉગામ્યાં. મિતુલ તો ભડકીને પાછળ હટી ગયો.
પટલાણીએ કહ્યું "દીકરા, ગાય ભેંસ પણ માલિક સિવાય કોઈને અડવા ન દે. આ ભેંસ ડાહી છે. તને શીંગડું મારત નહીં. તને દૂર રાખવા જ શીંગડાં સાથે માથું ઉલાળ્યું."
"આંટી, તમારું નામ શું?"
"મોંઘી. એનો અર્થ કોસ્ટલી થાય. જો, હવે ભુરીબેન ગાયનાં આંચળ ધોવે છે. હવે નીચે બોઘડું રાખી બે આંગળીએ ગાયનાં આંચળ પકડી નીચે ખેંચ્યાં આમ ઉપર નીચે કરે એટલે ધાર ચારે બાજુ પિચકારીની જેમ ઊડે. એને આંગળીઓ વચ્ચેથી ઉતારે એટલે સીધી બોઘડાંમાં પડે."
મિતુલ પહોળી આંખે આશ્ચર્યથી આ દોહવાની ક્રિયા જોઈ રહ્યો.
"ગગા, અડ આ બોઘડાંને. જો, તાજું દોહ્યેલું દૂધ કેવું ફીણ વાળું ને ગરમ છે?" ભુરીબેને મિતુલને બોલાવી બોઘડાંને હાથ અડકાવ્યો. મિતુલની આંખો હસી ઉઠી.
"મોંઘી આંટી, આ તો જો, કેવું ફીણ વાળું ને ગરમ છે? મમ્મી ગેસ ઉપર ગરમ કરે ત્યારે ઉભરો આવે ત્યારે જ આવું હોય છે."
મોંઘીબેન મિતુલને હાથ પકડી ભેંસ પાસે લઈ ગયાં. કહે "હવે આને પહેલાં હું વહાલ કરી પંપાળીશ. તું પણ હાથ ફેરવ."
મિતુલે હાથ ફેરવ્યો. ભેંસની ચામડી થથરી.
"એ પપ્પા, જુઓ તો! કેવી રૂંછા વાળી, આપણા બ્લેન્કેટ જેવી ચામડી છે! કેવી ધ્રુજાવી!"
મોંઘીબેને કહ્યું "ભાઈ, થોડી વાર ઉભો. પછી ઘરમાંથી ખુરશી લઈ આવું."
"ના બહેન. હું ઉભો છું."
મોંઘીબહેને તેઓ આવ્યા ત્યારે ગાતાં હતાં એ ગીત લલકાર્યું. ભેંસને વહાલ કર્યું. એના મોટા ફાટફાટ થતા આંચળોને આંગળીથી પકડી પહેલી ધાર બોઘડામાં લીધી.
"લે, શું નામ, મિતુલ. તું પણ મારી સાથે હળવેથી આંચળ પકડ." મોંઘીબેન સાથે મિતુલે પણ દૂધ દોહવાનો અનુભવ લીધો. ભેંસે પહેલાં તો અજાણ્યો હાથ અડતાં પગ ઉલાળ્યો પણ કદાચ નાનકડા હાથની કુમાશ અનુભવી એ ઉભી રહી. કદાચ એને મઝા આવતી હતી.
"ભેંસ વધારે દૂધ આપે. ગાય ઓછું. પણ ગાયનું દૂધ પૌષ્ટિક હોય. ઘણા લોકોને આપવા પહોંચી વળાય એટલે ભેંસનું દૂધ વધુ ચલણમાં છે. ગાયને માતા કહીએ છીએ પણ ભેંસનું મહત્વ ઓછું નથી દીકરા." મોંઘીબેને દૂધ દોહવાનું પૂરું કરતાં કહ્યું.
"અમે આ ગાઈએ એટલે અમને કામ કરતાં હળવાશ લાગે ને ઢોરને શાંતિ રહે. સાથે મ્યુઝિક વાગતું હોય તો ઢોર વધુ દૂધ આપે. એટલે અમે ન ગાઈએ તો રેડિયો પણ મૂકીએ." ભુરીબેને કહ્યું.
દૂધ દહોવાઈ રહ્યું એટલે મોંઘીબેન આંગળી પકડી મિતુલને ગમાણમાં લઈ ગયાં.
"જો દીકરા. આ ગાયનાં વાછરડાં એક બાજુ ને આ શેડ નીચે ભેંસનાં પાડાં. ઢોર પહેલું દૂધ એનાં બચ્ચાંને પાય. પછી એને તો આટલું ન જોઈએ એટલે બાકીનું માણસો માટે દોહવા દે.
હવે તારા કાકા ઉઠશે એટલે સામે પડેલાં એલ્યુમિનીયમનાં મોટાં કેનમાં ભરી ગામની ડેરીમાં આપવા જશે. ડેરી કેટલી ફેટનું છે એટલે કેટલું જાડું દૂધ છે એ માપી અમને પૈસા આપશે. એ દૂધ ત્યાંથી મોટી જિલ્લાની ડેરીએ ને અમૂક સીધું આણંદ અમુલ ડેરી જશે." મોંઘીબેને કહ્યું.
ત્યાં તો ખાટલે સળવળાટ થયો. પટેલ ઉઠ્યા. નાનો છોકરો અને શહેરી પુરુષ ડેલીમાં ઉભા જોઈ બેઠા થઈ 'રામરામ. ક્યાંથી આવ્યા ભાઈ?' એમ પૂછયું.
મોંઘીબેને ટૂંકમાં તેઓ શહેરમાંથી છોકરાને દૂધ દોહવાતું બતાવવા આવ્યા છે એ કહ્યું.
પટેલ ખુશ થઈ ગયા. કહે " આવ દીકરા. ચાલ. હું "
બ્રશ કરી લઉં એટલે તને લઈ જાઉં ડેરીએ દૂધ ભરાતું બતાવવા. બેસો ભાઈ." કહેતાં તેમણે સંજયભાઈને બેસવાની જગ્યા કરી.?" મિતુલે પૂછ્યું.
"અંકલ, ગામડામાં તો લોકો બ્રશ ને બદલે દાતણ કરે એમ કહેવાય છે. તમે બ્રશ?"
એ તો સિત્તેર એંસી વર્ષ પહેલાં. હવે ગામડાંની શહેરીઓએ લખેલી વાર્તા સિવાય ક્યાંય એવું નથી હોતું." અંકલે કહ્યું.
"શેમાં ભણે છે દીકરા?" એમણે પૂછ્યું..
"છઠ્ઠીમાં. સિક્સથ." મિતુલે કહ્યું.
"લે. મારી બાજુનાં ઘરમાં ઈશ્વર રહે છે. એ પણ છઠ્ઠામાંજ છે. તને આપણે આવીએ એટલે ગામમાંથી આપણા ખેતરે ઉગેલા ઘઉં બતાવવા ને પોંક ખાવા લઈ જશે."
"એક વાત પૂછું અંકલ, તમે અને આંટી ચોપડીઓમાં ગામડાની ભાષા તરીકે ભણાવાય છે એવું કેમ નથી બોલતાં? તમે તો અમારી જેવું જ બોલો છો."
"દિકરા, એક તો એ ચોપડીઓ દોઢસો વર્ષ પહેલાં મેઘાણીએ વાર્તાઓ લખેલી એ જ ભાષા ગામડામાં બોલાતી હશે એમ માને છે. કોઈ એવું બોલતું નથી 2022 માં. અને હું બી.એસ.સી. એગ્રી. ભણ્યો છું. તારી આંટી, અહીં તો માસી કહે પરિચિત સ્ત્રી ને. એ પ્રાથમિક શાળામાં જ શિક્ષક છે."
'તો તમારા ડ્રેસ?' મિતુલને નવાઈ લાગી એટલે તરત પૂછી નાખ્યું.
'મારાં ચોરની કેડિયું ને આંટી ની પીળી સાડી ને? એ ડેલીની અંદરનો ડ્રેસ. ઘરમાં અમે સંસ્કૃતિ સાચવવા માંગીએ છીએ.' અંકલ બોલ્યા.
મિતુલનું આશ્ચર્ય વધ્યું ત્યાં તો માસી કે આંટી બોલ્યાં "અહીંની સ્કૂલમાં ધો. 6 ની જ કલાસ ટીચર છું."
"શહેરમાં ઉદ્યોગો વધુ હોય અને જમીન આધારિત ખેતી ને પશુપાલન વગેરે ગામડામાં. બેય એક બીજાની અનુકૂળતા સાચવે છે. આજે તો શહેરો ખૂબ મોટાં થઈ ગયાં છે અને ગામડામાં પણ ઘણું શહેરીકરણ થઈ ગયું છે. છતાં આજના વિકસિત ભારતની તાસીર નવું 2022નું ગામડું છે. તેં ગામડું પણ જોયું અને દૂધ દોહવાતું પણ." સંજયભાઈ બોલ્યા.
"તમે તમારે બાઇક લઈને ઘેર જાઓ. અમારાં ભાભી વાટ જોશે. હું સાંજે શહેરમાં મોંઘી સાથે પિક્ચર જોવા આવું છું તો છોકરાને મૂકી જઈશ."
પટેલ બોલ્યા. મોંઘીબેન પિત્તળના ચકચકિત ગ્લાસોમાં ફળફળતું તાજું દોહ્યેલું દૂધ લઈ આવ્યાં.
"પપ્પા, તમે સાચે જ જાઓ. હું આ માસા માસી સાથે શહેર આવીશ અને બીઆરટીએસ પકડી ઘેર આવીશ." મિતુલે પિતાને હૈયાધારણ આપી.
"એમ કેમ, તમે બન્ને હું સરનામું આપું ત્યાં આવજો ને પછી ફિલ્મમાં જજો. તમે મારાં મહેમાન બનો. મિતુલને તમે સરસ સમજાવ્યું." સંજયભાઈએ આગ્રહ કર્યો.
"ને મેં આજનું ગામડું કેવું હોય એ બરાબર જોયું. દૂધનું તો સમજ્યો પણ ગામડાં વિશે પણ.
હું અમારી સ્કૂલમાં આવતા મહિને અનુભવો બોલવાના છે એમાં જે આજે જોયું એ 'દુધનો એક પ્યાલો કેમ ભરાય છે' કહી વર્ણવીશ." મિતુલ આમ કહેતો પટેલની બાઇક પાછળ દૂધનાં કેન પર પગ રાખી બેઠો અને સંજયભાઈ તેને આવજો કરી રહ્યા.
***