Poshi Purnima books and stories free download online pdf in Gujarati

પોષી પૂર્ણિમા

લેખ:- પોષી પૂર્ણિમાની માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ હોય છે. પૂર્ણિમાની તિથિ ચંદ્રમાને પ્રિય હોય છે, તે સાથે આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા(પોષી પૂનમ)ના દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ક આપવાનું વિશેષ મહત્વ છે. પોષ પૂર્ણિમાના દિવસે કાશી પ્રયાગરાજ અને હરિદ્વારમાં ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે.

પોષ પૂર્ણિમાનું મહત્વ:-

વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મ સાથે જોડાયેલી માન્યતા અનુસાર, પોષ સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધનાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને સૂર્યદેવની આરાધના કરવાની પરંપરા છે. સૂર્ય અને ચંદ્રમાનો અદ્દભૂત સંગમ પોષ પૂર્ણિમાની તિથિ પર જ આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેના પૂજનથી મનોકામના પૂર્ણ થાય છે, તે સાથે જીવનમાં આવનારી મુશ્કેલી દૂર થાય છે.

પોષ પૂર્ણિમા વ્રત અને પૂજા વિધિ:-

– પોષ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરતા પહેલા ઉપવાસનો સંકલ્પ કરો.
– પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરીને, વરુણ દેવને પ્રણામ કરો.
– સ્નાન કર્યા પછી સૂર્યમંત્રનો જાપ કરી સૂર્ય ભગવાનને જલ અર્પણ કરો.
– ભગવાન મધુસુદનની સ્નાન કર્યા પછી પૂજા કરવી.
– કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન અર્પણ કરો અને દાન આપો.
– ખાસ કરીને તલ, ગોળ, ધાબળા અને ઉનનાં કપડાં અર્પણ કરો.

મા અંબાનો પ્રાગટ્ય દિવસ:-

ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્રથી ઘાત પામેલા મા જગદંબાનાં શરીરનાં બાવન ટૂકડા થયાં. તેમાંથી હ્રદય ગબ્બર પર્વતની ટોચ ઉપર પડ્યું. આ જગ્યાએ માની આરાધના અખંડ જ્યોત સ્વરૂપે થાય છે. આ જ દિવસ એટલે પોષી પૂનમનો દિવસ. આથી આ દિવસને મા આંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસથી માઘસ્નાનનો પ્રારંભ થાય છે, જે મહાસ્નાન તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ મહિનો સૂર્યદેવનો મહિનો ગણાય છે. ઉપરાંત પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેનાં દર્શનનો મહિમા છે. એવું કહેવાય છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્રને કરેલી આરાધના મનોવાંછિત ફળ આપે છે.

આ દિવસે એકટાણુ અથવા માત્ર ફળાહાર કરી ઉપવાસ કરવાથી તેમજ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાથી અને સ્નાન કર્યા બાદ 'ૐ નમો નારાયણાય' કે 'ૐ સોમાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

જૈન ધર્મમાં આ દિવસે પુણ્યાભિષેક યાત્રાનો પ્રારંભ થાય છે. બનારસમાં દશાશ્વમેઘ તથા પ્રયાગમાં ત્રિવેણી સંગમ પર આજનાં દિવસે સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અન્ય ધાર્મિક મહત્ત્વ:-

ગુજરાતમાં પોષી પૂનમે બહેન, ભાઈના આયુષ્ય માટે અને પોતાના ભવિષ્યનાં સૌભાગ્ય માટે પોષી પૂનમનું વ્રત કરે છે. આખો દિવસ ઉપવાસ કરે છે. ચંદ્રોદય પછી ભાઈ-બહેન બંને ચંદ્રનાં દર્શન કરે છે અને ચંદ્રની સાક્ષીએ બહેન ભાઈને પૂછે છે અને રોટલીમાં કાણું પાડીને તેમાંથી ચંદ્ર દર્શન કરે અને ચંદ્રમાને કહે છે: 'ચાંદા તારી ચાનકી, મારી પોષી પૂનમ'

ભાઈ- બહેનના પ્રેમ- સ્નેહના પ્રતિકરૂપે વર્ષમાં ત્રણ તહેવારો આવે છે. બહેન ભાઈના ઘેર આવે છે ને રાખડી બાંધે છે તે તહેવાર એટલે રક્ષાબંધન કે બળેવપૂનમ.

રાખડીના બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. દિવાળી પછી ભાઈબીજના દિવસે (કારતક સુદ બીજ) ભાઈ બહેનના ઘરે આવે છે. ભાઈ પોતાની બહેનને પોતાના પ્રેમના પ્રતિકરૂપે કોઈક ને કોઈક વસ્તુ ભેટ આપે છે. ભાઈ - બહેન આ દિવસે સુખ-દુઃખની વાતો કરે છે.

ત્રીજો તહેવાર પોષ સુદ પૂર્ણિમાના દિવસે કુંવારી બહેન ભાઈના સુખ, સંપતિ ને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે તથા આ પૂર્ણિમાએ આખો દિવસ ઉપવાસ કરે છે. આ દિવસે ભાઈ બહેનના પ્રેમનું ઊંડું હાર્દ સમાયેલું છે. આ દિવસે કુંવારી બહેન ભાઈ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તેના દીર્ધાયુષ્ય માટે ભગવાનને અરજ કરે છે. પોષી પૂનમ ભાઈ - બહેનના હેતનું આગવું પર્વ છે. ભાઈ - બહેનના પ્રેમનું મંગલ પર્વ એટલે પોષી પુનમ. રાત્રે ચંદ્ર ઉગે ત્યારે બાજરાનો નાનો રોટલો, વચ્ચે કાણું પાડવામાં આવે, તેમાંથી બેન ચંદ્ર સામે જોઈને નીચેનું ગીત ગાય છેઃ

પોષી પોષી પૂનમડી
અગાસીએ રાંધ્યાં અન્ન,
ભાઈની બહેન રમે કે જમે?

આ ઉત્તરમાં ભાઈ જવાબ આપે કે મારી બહેન જમે. એ પછી જ બહેન ઉપવાસ તોડીને એકટાણું જમે. એ પહેલાં ચંદ્રમાની સાક્ષીએ ભાઈના આયુષ્ય અને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.

'પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઇની બહેન રમે કે જમે?' આમ ભાઈ રમવાનું કહે તો આખી રાત બહેનને રમતુ રહેવાનું છે. બેન બપોરે ફરાળ કરે છે. જો ભાઈને બહેન પ્રત્યે ઈર્ષા કે અદેખાઈ હોય તો ભાઈ બહેનને રમવાનું કહે છે. આ પોષી પૂનમનું હાર્દ છે. આખો દિવસ બહેન ભાઈનું સ્મરણ કરે છે. જે બહેનને ભાઈ નથી હોતો તે બહેન પોતાની દૂરના પિતરાઈ ભાઈ માટે આ વ્રત રાખે છે અને તેના માટે ભગવાન આગળ ભાઈના હેમક્ષેમની માંગણી કરે છે.

જય માતાજી🙏

સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED