Mogul's Internal Violence - Book Introduction books and stories free download online pdf in Gujarati

મોગલોનો આંતરિક હિંસાકલહ - પુસ્તક પરિચય

પુસ્તકનું નામ:- મોગલોનો આંતરિક હિંસાકલહ
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદજી
કિંમત:- રૂપિયા 230
પ્રથમ આવૃત્તિ:- ઈ. સ. 2020
પ્રકાશક:- ગુર્જર પ્રકાશન, અમદાવાદ
મુદ્રક:- ભગવતી ઑફસેટ

શ્રી સ્વામી સચ્ચિદાનંદજી હાલનાં સમયમાં સૌથી ક્રાંતિકારી સંત ગણાય છે. તેમનાં ભાષણો અને પુસ્તકો એકદમ ધારદાર શૈલીમાં હોય છે. આણંદ જિલ્લાના પેટલાદ શહેર નજીક દંતાલી ગામ ખાતે તેમનો 'ભક્તિનિકેતન આશ્રમ' આવેલો છે. પ્રવાસ તેમજ જીવનચરિત્રને લગતાં ઘણાં પુસ્તકો એમણે લખ્યાં છે.

આજે હું જે પુસ્તક વિશે તમને જણાવી રહી છું એ એમનું ગયા વર્ષે જ લખાયેલું પુસ્તક છે. દેશમાં મોગલો રાજ કરતાં હતાં. આખુંય ભારત એમનાં કબ્જામાં હતું, છતાંય આંતરિક વિગ્રહને કારણે તેઓ અંદરોઅંદર લડી મર્યા અને અંગ્રેજોએ એમનાં આ આંતરિક કલહનો પૂરેપૂરો લાભ ઉઠાવી દેશ પોતાનાં કબ્જામાં કરી લીધો. સ્વામીજીની ખૂબ જ આગવી શૈલીમાં તેમણે આ વિગ્રહને ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે.

ચાલો, પરિચય મેળવીએ આ પુસ્તક વિશે.

આ પુસ્તકની પ્રસ્તાવના સ્વયં સ્વામીજી દ્વારા જ લખવામાં આવી છે. પુસ્તક કુલ 49 પ્રકરણો ધરાવે છે.

શરૂઆત મોગલો અને મંગોલો વચ્ચેનો તફાવત દર્શાવે છે. મંગોલિયાનાં સૂકાં રણપ્રદેશોમાં વસતાં મંગોલો ટોળી બનાવી લૂંટફાટ કરીને જીવન જીવતાં હતાં. મંગોલોનો સૌથી મોટો વડો એટલે ઈતિહાસનો સૌથી ક્રૂર શાસક ચંગીઝખાન. એની ક્રૂરતા માટે એ ઘણો જ બદનામ છે. એનાં પછીનાં મંગોલોએ સમરકંદની આજુબાજુનો વિસ્તાર જીતી લીધો હતો. થોડાં વર્ષો પછી બાબરનાં પૂર્વજોએ મંગોલો પાસેથી આ વિસ્તાર છીનવી લીધો અને ત્યારબાદ એ સમગ્ર વિસ્તાર મોગલોનો થઈ ગયો. ત્યારબાદ મોગલોએ ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારવા માંડ્યો હતો.

યુદ્ધો કરીને જીતતા જીતતા તેઓ ભારત સુધી આવી પહોંચ્યાં હતાં. તે સમયે તેમનો બાદશાહ બાબર હતો. ભારત જીત્યા બાદ બાબર વધુ વર્ષો જીવ્યો ન્હોતો. માત્ર ચાર વર્ષ બાદ તેનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ તેનો પુત્ર હુમાયુ ગાદીએ બેઠો હતો અને એની સાથે શેરશાહ સુરીનો હુમલો, હુમાયુની હાર અને તેનું ઈરાન પલાયન થવું અને દિલ્હીની ગાદીએ સુરીના પુત્ર સલીમનું રાજ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. પોતાના જ ત્રણ ભાઈઓ દ્વારા દગો આપવાને કારણે હુમાયુની હાર થઈ હતી.

15 વર્ષ પછી ભારત પરત આવીને હુમાયુએ ફરીથી દિલ્હી જીતી લીધું અને સૌથી પહેલું કામ પોતાના ત્રણેય ભાઈઓને ઠેકાણે પાડવાનું કર્યું.

હુમાયુનું મૃત્યુ થયું ત્યારે તેનો મોટો પુત્ર અકબર તેની સાથે ન્હોતો, લાહોર હતો અને નાનો પુત્ર હકીમ ખાં તેની સાથે જ હતો, પણ ખૂબ નાનો હતો. પછીથી તાત્કાલિક ધોરણે અકબરને ગાદી આપવામાં આવી. અકબરના ચાર પુત્રોમાંથી એકમાત્ર સ્લીમ જ જીવતો રહ્યો હતો. સલીમને બાદશાહ બનવાની એટલી ઉતાવળ હતી કે એણે પોતાના સગા પિતા સામે જ બે વાર વિદ્રોહ કર્યો હતો. અકબરે સલીમના પુત્રને પોતાનો વારસદાર ઘોષિત કર્યો. સલીમે પોતાના જ પુત્રની આંખો ફોડી જંગલમાં છોડી મૂક્યો, અને પોતે જહાંગીર નામ ધારણ કર્યું. ત્યારબાદ તેના નાના પુત્રએ સલીમ સામે વિદ્રોહ કર્યો અને બાકીના તમામ વારસદારોને મારી નાંખ્યાં. સલીમના નાના પુત્રનું નામ ખુર્રમ હતું, જે તેણે ગાદી મેળવ્યા બાદ બદલીને જહાંગીર કરી નાંખ્યું હતું.

ત્યારબાદનાં ભાગમાં મહંમદ ગઝનીએ ભારત પર કરેલા આક્રમણ અને હાર જીતને લગતી બાબતો લખી છે. શાહજહાંની નવ બેગમો હતી, જેમાંથી મુખ્ય અને સૌથી વ્હાલી મુમતાઝ હતી. મુમતાઝનાં મૃત્યુનો એને એટલો શોક લાગ્યો હતો કે એક વર્ષ સુધી એ બહાર નીકળ્યો ન્હોતો, અને મુમતાઝનાં મડદાંને મસાલા ભરીને સાચવી રખાવ્યું હતું. તેને દફન કરવા માટે તાજમહલ બનાવ્યો. તેઓના ચૌદ સંતાનોમાંથી આઠ જીવતાં રહ્યાં હતાં. પરંતુ ત્યારબાદ ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન થયું. એનાં સંતાનો વચ્ચે પણ ગાદી માટે ઝગડા થવા માંડ્યાં.

શાહજહાં ગુપ્ત રોગોમાં ફસડાઈ પડતાં એનો સૌથી મોટો પુત્ર અને સૌથી મોટી પુત્રી જ એની સાથે હતી. તેનાં અંત સમય સુધી તેઓ સતત એની ચાકરી કરતાં રહ્યાં. બાકી સૌ એનાં વિરોધી હતાં. તેનાં મોટા પુત્રને તેણે ગાદી તો સોંપી હતી, પરંતુ બીજા નંબરનો પુત્ર ઔરંગઝેબ આ સહન કરી શક્યો નહીં અને તેણે પોતાના જ મોટા ભાઈને હરાવવા માટેના પ્રયત્નો કરવા માંડ્યો હતો. અંતે તેને એમાં સફળતા મળી હતી. દિલ્હીની ગાદીએ ઔરંગઝેબ બેઠો.

ઔરંગઝેબે સૌથી પહેલું કાર્ય હિંદુ મંદિરો તોડવાનું કર્યું હતું. સાથે સાથે તેણે પોતાનાં પિતાને એટલે કે મરણપથારીએ પડેલા જહાંગીરને જ કેદખાનામાં નાંખી દીધાં. જહાંગીરની સૌથી મોટી પુત્રી તેની સાથે સેવા કરવા કેદખાનામાં જ રહી હતી, અંત સમય સુધી. ત્યાર પછી તો ઔરંગઝેબ એક પછી એક ભારતનાં વિસ્તારો જીતતો ગયો. એ બિકાનેર પર આક્રમણ કરવા માંગતો હતો, અને ત્યારબાદ તેની આજુબાજુના પ્રદેશોમાં. પરંતુ બિકાનેરના મહારાજા તેની આ ચાલબાજી જાણી ગયા હતા અને તેણે બાકીનાં પણ બધાં રાજાઓને સમજાવી દીધાં અને ઔરંગઝેબનાં આક્રમણને નિષ્ફળ બનાવ્યું.

ઉપરાંત ઔરંગઝેબની લડાઈ શિવાજી મહારાજ સાથે પણ થઈ હતી. શિવાજી મહારાજને પૈસાની જરુર પડતાં તેમણે સુરત સહિતનાં ગુજરાતના વિસ્તારોમાં આક્રમણ કરી લૂંટ ચલાવી જતા રહ્યા હતા.

ઔરંગઝેબને પાંચ પુત્રો અને પાંચ પુત્રી હતી. તેણે પોતાના સૌથી મોટા પુત્રને ગાદી ન આપવી પડે એ માટે મોટો થતાંની સાથે જ એને સોળ વર્ષ માટે જેલમાં નાંખી દીધો અને એ ત્યાં જ મૃત્યુ પામ્યો. બીજા પુત્રને સાત વર્ષ માટે જેલમાં પૂર્યો હતો અને ઔરંગઝેબનાં મૃત્યુ પછી 64 વર્ષની ઉંમરે એ રાજા બન્યો. પરંતુ ત્રીજા પુત્રએ આ બીજા પુત્રને મારી નાખી પોતે ગાદી પર બેઠો. અને પાંચેય પુત્રો વારાફરતી યુદ્ધમાં માર્યા ગયા.

ઔરંગઝેબે પોતાના તમામ ભાઈઓ, કાકાઓ તેમજ પાંચેય. પુત્રીઓને પણ જેલમાં રાખ્યા હતા. પોતાના પિતા શાહજહાંને તો મૃત્યુપર્યંત જેલમાં રાખ્યા હતા. એવું કહેવાય છે કે ઔરંગઝેબ ન તો પોતાના પરિવારને સુખ આપી શક્યો કે ન એમની પાસે મેળવી શક્યો. એની ગણના પરિવારદ્રોહી તરીકે થાય છે.

ઔરંગઝેબનાં સમયમાં સિંધ અને પંજાબમાં જાહોજલાલી હતી, જ્યારે અફઘાન વિસ્તાર ગરીબીમાં સબડતો હતો. મોગલસેના અફઘાન વિસ્તાર પર ચડાઈ કરી યુદ્ધ જીતી ત્યાંના સ્ત્રી, પુરુષો અને બાળકોને ગુલામ તરીકે લઈ જતા. થોડા પોતાની પાસે રાખતાં અને બાકીના બીજા રાજાઓને વેચી ધન કમાતા. મહંમદ ગઝનવી પણ ગુલામો ખરીદનારમાંનો એક હતો. ઔરંગઝેબ સત્તા મોટી કરવા માટે તો ખૂબ જ આતુર હતો, અને ચડાઈઓ કરીને ઘણું બધું જીત્યો પણ હતો. પરંતુ તેને સત્તા સાચવતા આવડી નહીં.

તે એટલો ક્રૂર હતો કે પોતાનું ભલું કરનાર માટે પણ સારું વિચારતો ન્હોતો. એણે મારવાડ પર લડાઈ કરીને ત્યાંના રાજા અજીતસિંહને હરાવી જોધપુરનાં મહેલ પર કબ્જો કર્યો. તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની શરતે જોધપુર પાછું આપવા જણાવ્યું. પણ અજીતસિંહ નહીં માન્યો. અજીતસિંહનાં ખાસ માણસે તેને ખૂબ જ ચાલાકીથી છોડાવી દીધો અને ક્યાંક ગાયબ કરી નાંખ્યો. આથી ઔરંગઝેબે પોતાના સિપાહીઓને એનાં મહેલ પર મોકલી ત્યાંથી જે કોઈ પણ મળે એ બધાંને કેદ કરી લાવવા કહ્યું. પરંતુ કોઈ જ મળ્યું નહીં.

જે કોઈ પણ તેનો વિરોધ કરતું તેને ઔરંગઝેબ ક્યાં તો કારાવાસમાં પુરતો, ક્યાં તો મારી નાખતો.

આમ ને આમ જ મોગલોની આવનારી તમામ પેઢીઓ અંદરોઅંદર જ લડતી ગઈ. એમનાં અંદરોઅંદરનાં ઝગડાનો ગેરલાભ ઉઠાવનાર પણ ઘણાં હતાં. અંગ્રેજોએ તો આનો બહુ મોટો ગેરલાભ ઉઠાવ્યો હતો. કેવી રીતે તેમણે મોગલો પાસેથી ભારતમાં વેપારની પરવાનગી લીધી અને બાદમાં બધાંને અંદરોઅંદર લડાવીને એમને પોતાનાં ગુલામ બનાવી દીધાં એ પણ એક ખૂબ જ રસપ્રદ ઈતિહાસ છે.

મોગલોનાં જૂલ્મોને કારણે જ ભારતમાં મરાઠાશક્તિ, જાટશક્તિ, રાજપૂતશક્તિ અને શીખશક્તિનો ઉદય થયો. પરંતુ એકેય સંગઠન એક થઈ રહ્યું નહીં. તેઓ અંદરોઅંદર એકબીજાથી ચડિયાતા સાબિત થવાની લ્હાયમાં લડતા જ રહ્યાં, જેનો સીધો લાભ મોગલો અને અંગ્રેજોને મળ્યો.

આમ, મોગલોનો આંતરિક વિગ્રહ જ એમનો નાશ કરી ગયો. આખીય ઘટનાનું, આખાય મોગલ વંશના રાજથી માંડીને તેમનાં પતન સુધીનું વર્ણન ખૂબ જ સરસ રીતે આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યું છે. ઉપરાંત, કેટલીય અજાણી બાબતો આમાં સમાવવામાં આવી છે.

આ પુસ્તક એક વાર તો વાંચવું જ રહ્યું. આશા રાખું કે તમને આ પુસ્તકનો આટલો પરિચય વાંચ્યાં પછી પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ હશે.

વાંચવા બદલ આભાર🙏

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED