પુસ્તક 'કાવ્ય પરિચય' - વિહંગાવલોકન
નવજીવન પ્રકાશનનું આ 1928માં લખાયેલું અને અનેક આવૃત્તિઓ બાદ 1960 માં ફરી પ્રકાશિત થયેલું પુસ્તક એક પુસ્તકમેળામાંથી મળેલું.
કવિતાઓ કે ગીતો આપણી ભાષામાં ઘણાં છે ને ઘણાં ઉમેરાયે જાય છે. કવિતાઓ પણ મારી, આજે દાદા થયેલી પેઢીનાં પણ મા બાપો ભણતાં તે વખતની એક પ્રકારની હતી તો અમારી પેઢીને બીજી અને હવેની પેઢીને અલગ જ પ્રકારની ભણવા, વાંચવા મળે છે. જે તે કવિતામાં એ વખતની સંસ્કૃતિ અને રિવાજોનું દર્શન થાય છે.
આ 212 પાનાંની ચોપડી વાંચતાં એક દોઢ સદી પહેલાંથી આશરે 60 વર્ષ પહેલાં સુધીની સમય યાત્રા કરી આસ્વાદ માણ્યો.
પુસ્તકમાં કવિ મુજબ કવિતાઓ છે. કવિ ખબરદારની કવિતાઓ 'યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' જેવી વીરરસની છે, 'સદા કાળ ગુજરાત' ગુજરાતીપણાનું ગૌરવ કરે છે તો શામળ જેવા કવિની પ્રારબ્ધની પ્રબળતા સુચવતી.
કેટલીક કવિતાઓ એમ ને એમ થોડી વાંચી 'ઠેકાવી દેવી' પડી કેમ કે એમાંના ઘણા શબ્દો સમજાયા નહીં.
એક રસપ્રદ વસ્તુ જોઈ. આખી ને આખી વાર્તા કે લઘુ નવલ કાવ્યના ફોર્મમાં ગવાઈને કહેવાઈ હોય.જેમ કે પ્રેમાનંદ નું 'ચંદન મલ્યાગરી' કે 'રણભૂમિ પર કુંભકર્ણ'.
કહેવાની સ્ટાઇલ પણ કેવી? રાજા નવો મહેલ બંધાવે છે અને રાત્રે દીવાલ બોલી ઉઠે છે 'પડું પડું. હમણાં પડું કે ક્યારે?' ને રાજા સ્પષ્ટતા માંગે તો ગ્રહદશા બોલતી હોય. રાજા કહે કે તો બાકી શું કામ, હમણાં જ પડ' અને બુરી દશા રાજા, રાણી, કુંવરોની. પાછું ભાગ્ય પલટાય અને બધા ભેગા થાય ત્યાં વળી 'પડું પડું, ક્યારે પડું'. - ચંદન મલ્યાગરી ની વાર્તા.
કલાપી ની 'તે પંખીની ઉપર પથરો'.. 'ફૂલ વિણ સખે' (આ કવિતા આવતી તક ઝડપી લેવા કહે છે કેમ કે સમય વહી જાય પછી મળે તો પણ પહેલાં જેવું માણી શકાતું નથી). 'ગ્રામ્ય માતા' માં રાજા ખેડૂત વૃદ્ધા પાસે પાણી માંગે છે, વૃદ્ધા શેરડી ખેંચી દાતરડી મારે છે તો રસથી પ્યાલો છલકાઈ જાય છે. રાજા મનમાં વિચારે કે આ લોકો પાસેથી વેરો વધારું તો શેરડીમાંથી રસ નિકળતો નથી. વૃદ્ધા રાજા લોભી હશે એમ કહે અને રાજા પશ્ચાતાપ કરતાં રસની પહેલાં કરતાં પણ વધુ ધારા પડે.
એ વખતે વહેમનું સામ્રાજ્ય હતું એ આ અને ઘણી કવિતાઓમાં દેખાયું.
કેટલીક મઝાની કવિતાઓ પણ છે જેમ કે સુભદ્રા ની ભાભીઓ- એમાં અર્જુન પત્નીને પંચમાસી બાંધવા રૂક્ષ્મણી, જાબુંવતી વગેરે રાણીઓ આવે છે. કૃષ્ણે જેનો વધ કરેલો એનો જીવ સુભદ્રાના ગર્ભમાં છે જે સુભદ્રાનો જીવ લેશે. ભાભીઓ આખરે વસ્ત્રોની આપ લે કરી પંચમાસી બાંધે છે ને શ્રાપનું નિવારણ કરે છે.
'નણંદ પરોણેલાં' માં બાર વર્ષે પરોણો એટલે મહેમાન બની આવતી નણંદ ભાભીને ગમતી નથી એટલે ખંડેરમાં રહેવા, થોરનું દાતણ કરવા કહે, ઘેર ભાઈના ઘઉં માં ગેરુ પડી ગયા કહી ખરાબ જમવાનું આપે વગેરે અને નણંદ ઘેર જવા નીકળે તો ' ભર્યા કૂવે પડજો ખાલી કૂવા ઠેકજો' કહે છે. છતાં ' રાંડ માર્યા વગર રહી' કહી દાંત પીસે છે.
'જાન જનાવરની.. મેઘાડમ્બર ગાજે' માં .બકરી એનું ગાડરૂં પરણાવવા નીકળે છે ને ઘેંટું વર પક્ષે છે એની વાત નવલરામે કહી છે.
એવું જ હાસ્ય કાવ્ય 'દરબારમાં કણબી' દલપતરામ નું છે. કણબી રાજાને એક લટકતી સલામ કરે એટલે માન ન મળવાથી રાજા ગુસ્સે થાય ને તેને જેલમાં પુરી દે. એનો બાપ આવી કહે 'સલામ રાજાને અને બીજી સલામ એમની આ દુંદ ને' વળી બાપને પૂર્યો. એમ કોઈ રાણીને વિશ્વાસમાં લેવા જતાં ' રાજા સહુનાં ધણી, તમે તો મારાં ધણીયાણી' કહે! રાજા બધા કણબીઓ ને દેશ નિકાલ કરે પણ કોઈ અન્ન ઉગાડવાનું જાણતું ન હોઈ પાછા લાવે.
ખબરદારનું મહાકાવ્ય 'હલદી ઘાટ નું યુદ્ધ' વિરરસથી તો ભરેલું છે જ, શબ્દો પણ હાક પાડી ગાવું ગમે એવા છે. વારંવાર આવતો ફ્રેઇઝ 'શુરા બાવીસ હજાર'.
હરિહર ભટ્ટ માત્ર એક જ કાવ્ય લખી અમર થઈ ગયા એ કાવ્ય 'એક જ દે ચિનગારી' તો સહુને યાદ હશે જ. એવું જ સુંદરમ નું ' રંગ રંગ વાદળીયાં'.
જુગતરામ દવે નું 'બે પંખી ' પાંજરામાં પુરાયેલા પોપટ અને બહાર ઉડતા પોપટ કદાચ પોપટી ના પ્રેમાલાપ અને અંદર બહારની સ્થિતિઓ જેમ કે અંદર સુખ માણતો પોપટ ઉડીને પગ ક્યાં ઠેકવું, થાકી જવાય' કહે છે. બેય પોતાની સ્થિતિને સારી માને છે.
ઇતિહાસની આરસી મહાકાવ્યમાં નવલરામ વળી કહે છે કે અકબર વધુ પડતો ટેક્સ ઉઘરાવતો પણ સમજીને જ્યારે મરાઠાઓ તો ગુજરાત 'પોલું ભાળી' લૂંટ જ ચલાવતા.
ગરબી 'ગુજરાતની મુસાફરી' એ વખતનાં પ્રખ્યાત સ્થળોની યાત્રા કરાવે અને ક્યાં શું જોવા જેવું ને લેવા જેવું છે એની વાત કહે છે જેમ કે કપડવંજ માં કાચ સાબુ. સુરત નું કિનખાબ, (અહીં પણ ઉલ્લેખ છે કે ખૂબ સમૃદ્ધ સુરત અંગ્રેજોએ મુંબઇ બનાવી વિકસતું અટકાવ્યું એના કરતાં મરાઠાઓ પાયમાલ કરેલું), કબીરવડ કે ડભોઇ ચાંદોદ જેવાં ઓછાં જાણીતાં સ્થળોમાં શું છે તેની પણ વાત છે.
ઇન્દુલાલ ગાંધી ની ' મચ્છુ' મોરબીની એ નદીની અને શહેરની ભવ્યતા કહે છે. આમ તો મચ્છુ સાંભળતાં જ ઓગસ્ટ 1979 ની ગોઝારી ઘટના યાદ આવે.
નરસિંહ મહેતાની અમર કવિતાઓ 'જાગ ને જાદવા' જેવી ઉપરાંત 'જે ગમે જગત ગુરુ..' કે જ્યાં લાગી આત્મા તત્વ ચીંત્યો..' જેવી તત્વજ્ઞાન થી ભરેલી ફરીથી માણી.
અખા ના છપ્પા તો ખરા જ.
બ. ક. ઠાકોર કે નરસિંહરાવ ની કવિતાઓમાં જાણી જોઈ અઘરા શબ્દો એ વખત મુજબ વિદ્વત્તા જ બતાવવા મુકયા હોય એવું લાગ્યું. દા.ત. 'માનવ રાજે રચ્યાં મંદિરો કીર્તિ કાજે, કાળ મહોદધિ મહીં કહીં લુપ્ત થયાં આજે'. કે 'કદીકે કૌમુદીનાં પૂર, જાજવલ્યમાન કોમલ નૂર. કદી નક્ષત્ર કદી અંધાર, ઝઝૂમી સરે જલ મોઝાર'!
ત્રિભોવન વ્યાસની કવિતા 'ખારાં ઉસ જેવાં આછાં તેલ, પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ. આરો કે ઓવારો નહીં, પાણી કે પથારો નહીં' સ્કૂલ છોડ્યા પછી ઘણા વખતે જોઈ ને ગમી.
આમ આપણા ગુજરાતી પદ્યના વારસાની એક દુર્લભ, અમૂલ્ય કૃતિ વાંચી.
'નવજીવન' પ્રેસ ની અંદર આવેલાં કાફે માં જાઓ કે કોઈ પુસ્તક મેળામાં આ પુસ્તક જુઓ તો અવશ્ય ખરીદીને રાખો. તમારે અને તમારી આવતી પેઢીઓ માટે.
***