લવ બાઇટ્સ
પ્રકરણ-78
સ્તવન વિવાહની રજાઓ પછી ઓફીસ આવેલો. સ્તુતિ એનાં પહેલાંજ આવી ગઇ હતી. સ્તુતિને કામની જાણે બધી ખબરજ હતી. અગોચર શાસ્ત્રનાં અભ્યાસ પછી એ જ્ઞાતા થઇ ગઇ હતી. સ્તવનને આષ્ચર્ય હતું કે આવું કેવી રીતે શક્ય છે એને બધુજ ખબર પડી જાય દૂર રહીને પણ જાણી જાય ?
સ્તવને પૂછ્યું તને કેવી રીતે બધી જાણ થાય છે ? એવું તો ક્યું જ્ઞાન કઇ સિધ્ધી પ્રાપ્ત છે કે તું આમ બધુ આગળથી જાણી પછી મને... એ અટક્યો.
સ્તુતિએ કહ્યું સ્તવન અભ્યાસ જ્ઞાન-સિધ્ધી એક તપ છે તું પણ મેળવી શકે એમાં અશક્ય કશું નથી આ ધરા પર જન્મ લીધા પછી અગોચર-અગમ્ય સૃષ્ટિને સમજવા એવી દ્રષ્ટિ કેળવવી પડે હા એટલું જરૂર કહું કે કશુંજ અશક્ય નથી કોઇ કાળો જાદુ કોઇ મેલી શક્તિ નથી આપણાં જીવઆત્મામાં રહેલાં બ્રહ્માંડમાં બધુજ શક્ય છે અને એ મેં તને પામવાજ મેળવ્યું છે મને ખબર નથી આ શક્તિ મને ક્યાં સુધી મદદ કરશે પણ બસ એટલી ચોક્કસ ખબર છે કે હું તને સમર્પિત છું તનેજ અપાર પ્રેમ કરું છું.
સ્તવન એનાં તરફ આકર્ષાયો ઝૂક્યો અને સ્તુતિએ સ્તવનનાં હોઠ પર હોઠ મૂક્યાં અને જાણે દુનિયા બદલાઇ ગઇ. બન્ને એમની અલગ દુનિયામાં ખોવાયાં. સ્તુતિનાં ગળા ઉપરનાં બાઇટ્સનાં નિશાનનાં રંગ બદલાઇ ગયાં ધીમે ધીમે આછા થવા માંડ્યા.
સ્તવને સ્તુતિને કહ્યું આજે આપણું આવુ મિલન પણ સુખદાયી છે છતાં મારો જાગૃત જીવ કહે છે આપણે અહીં પ્રોફેશનલ રહેવું જોઇએ આ ઓફીસ છે અને આપણે માથે કામની જવાબદારી છે એ સ્વસ્થ થયો અને સ્તુતિને કહ્યું તારે વર્ક ફ્રોમ હોમ છે. અહીં આજે હું તને આગળનાં કામ અંગે બધી સૂચના આપીશ તું મને મેઇલ દ્વારા બધાં રીપોર્ટસ આપજે. હું અહીં જવાબદાર અધીકારી છું અને આ કાર્યક્ષેત્રમાં મહેનત કરી હજી ઘણી સફળતા મેળવાની છે.
સ્તુતિ અવાચક બનીને સ્તવનની સામે જોઇ રહી એણે કહ્યું હું જ્યારે જ્યારે તક મળે તને આપણાં પ્રેમની યાદ અપાવુ છું તને તારું કામજ સ્ફુરે છે ?
સ્તવને કહ્યું સ્તુતિ મારો આશય તને હર્ટ કરવાનો નથી તારી પાસે જે સિધ્ધી છે એ મારી પાસે નથી મને બોસે ઘણાં કામ સોંપ્યા છે એ મારે એક વીકમાં એનું રીઝલ્ટ આપવાનું છે હું અત્યારે પ્રેમ કરવા બેસીશ તો મારાંથી કામ નહીં થાય મારું મન કામમાં કેન્દ્રીત નહીં થાય હું ફરજ ભૂલીને અત્યારે પ્રેમની અય્યાશી ના કરી શકું એનાં માટે આપણે સમય પછી કાઢી લઇશું. પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કર. તું કહે છે એમજ આપણો પ્રેમ હોય તો એટલી સમજદારી પણ આપણાંમાં હોવી જોઇએ. હું બધી જવાબદારી માથે લઇને બેઠો છું કલ્પનાઓમાં વિહાર કરી હું સમય ના વેડફી શકું વળી બે રજા વચ્ચે આવે છે ત્યારે પણ કામ નથી થવાનું... આજે મેં તને જે કંઇ કીધું છે એ મારી સમજ છે અને એનાંથી મારો પ્રેમ ઓછો નથી થતો.
સ્તુતિ સ્તવનને સાંભળી રહી... પછી એણે કહ્યું ઓકે સ્તવન હું બધી વાત સમજી ગઇ મેં બધીજ સૂચના સાંબળી હવે હું તને મેઇલ કરીને બધાંજ રીપોર્ટ આપીશ પણ એટલું યાદ રાખ કે જ્યારે જ્યારે તું મારી સામે આવે છે હું દુનિયા ભૂલૂં છું કામ ફરજ બધુજ ભૂલૂ છું મારાં માટે તારાં સિવાય કંઇજ અગત્યનું નથી રહેતું. બસ તુંજ રહે છે. પણ તારી વાત તારી જગ્યાએ સાચી છે એટલે હવે હું રજા લઊં રીપોર્ટથી બધુ આપી દઇશ. એમ કહીને સ્તુતિ ઓફીસ છોડીને જતી રહી.
સ્તુતિનાં ગયાં પછી સ્તવન વિચારી રહ્યો કે મેં કંઇ ખોટું કીધું ? આગળની રજાઓ પછી મને જે કામ સોંપવામાં આવ્યાં છે. મારે પુરા કરીને આપવાનાં છે અને હમણાંથી હું જાણે કામ નહીં બસ મારાં પ્રેમ -પ્રસંગ અને હરવા ફરવામાંજ કાઢ્યાં હજી બે દિવસ એમાં જવાનાં છે પછી કામ ક્યારે કરીશ ?
સ્તવને બધાં વિચારોમાંથી મનને શાંત કર્યુ અને કામમાં જીવ પરોવવાનો પ્રયત્ન કર્યો. આજે આખો દિવસ અને મોડી સાંજ સુધી કામ કરીને એણે સોફટવેર અપગ્રેડ કરવાનાં બધાં પોઇન્ટસ નક્કી કરી દીધાં. થોડીક હળવાશ અનુભવી અને પછી ઘરે જવા નીકળ્યો. ઘરે પહોચંતા ગાડી ડ્રાઇવ કરતાં એનાં મનમાં ઘણાં વિચાર આવી ગયાં. સ્તુતિ - આશા-કાલે જવા અંગેની ગોઠવણ અચાનક એને ખ્યાલ આવ્યો કે કામનાં પ્રેશર નીચે એણે ફોનજ નથી જોયો એણે ફોન સાયલન્ટ કરી દીધેલો. એણે સ્ટીયરીંગ એક હાથે પકડી બીજા હાથે ફોન નોરમલ મોડ પર લીધો અને જોયું કે આશાનાં 6 મીસકોલ છે એક જયમલકાકાનો અને એક પાપાનો. .. એને ચિંતા થઇ એણે કાર રોડની એક સાઇડ પાર્ક કરી અને પહેલો પાપાને ફોન કર્યો. સામેથી તરતજ ફોન ઊપાડ્યો અને પાપાએ કહ્યું બેટા મને ખબર છે તું કામમાં હોઇશ એટલે ફોન નહોતો ઉપાડ્યો પણ તને ખાસ કહેવા ફોન કરેલો કે તું અહીંથી રાણકપુર પહેલો મહાદેવનાં દર્શને જવાનો બધી પ્રસાદી લાડુ તૈયાર છે ઘરે પણ તું અને આશા વિવાહ પછી પહેલીવાર જાવ છો તો મહાદેવજી માટે સરસ પીતાંબર લેતો આવજે જેથી એમને પહેરાવી શકાય પછી ઘરે આવે ત્યારે વાત કરીશું.
સ્તવને કહ્યું ઓકે પાપા હું લેતો આવીશ સારું કર્યું તમે યાદ કરાવ્યું. ભલે ઘરે આવું ત્યારે વાત કરીએ એમ કહી ફોન મૂક્યો.
પછી જયમલકાકાને ફોન કર્યો. જયમલકાકાએ કહ્યું સ્તવન માણેકસિહ તને.. સ્તવને કહ્યું પાપા સાથે વાત થઇ ગઇ હું પિતાંબર લઇ આવીશ. જયમલકાકાએ કહ્યું હાં એ તો બરાબર છે પણ મારે એક વાત કરવની હતી કે... કંઇ નહીં તું હવે ઘરેજ આવે છે ત્યારે શાંતિથી વાત કરશું.
સ્તવને કહ્યું કંઇ નહીં કાકા શું હતું કહોને ? હું ગાડી સાઇડમાં પાર્ક કરીનેજ વાત કરું છું જયમલકાકાએ કહ્યું દીકરા એવું ખાસ નથી પણ.. સ્તવન તારાં માટે કોઇ પાર્સલ આવ્યું છે.. પણ ફોન કરી જણાવવાનું એટલે હતું કે એ પાર્સલ કંઇક વિચિત્ર છે અને મેં કોઇને બતાવ્યું નથી. તારાં રૂમમાં મૂક્યું છે મને લાગે તારે કોઇની સામે ના ખોલવું જોઇએ. ઘરે આવીને જોઇ લેજે મને ફોન કરી જણાવવા જેવું લાગ્યું એટલે કીધુ. સ્તવને ઓકે કહીને ફોન મૂક્યો પછી વિચારમાં પડી ગયો વિચિત્ર પાર્સલ એટલે ? શું હશે ? કંઇ નહીં ઘરેજ જઊં છુંને..
પછી આશાને ફોન કર્યો તરતજ સામેથી ફોન ઊચક્યો આશા એ કહ્યું સ્તવન તમને કેટલો ફોન કર્યા ? તમે એક ફોન ના રીસીવ કર્યો ? એટલાં કામમાં વ્યસ્ત હતાં ? કે ફોન પણ સાયલન્ટ કરી દીધેલો ? મારી યાદ ના આવી ?
સ્તવને કહ્યું તારી યાદમાં તો જીવું છું પણ મારે આજે ખરેખર ખૂબ કામ હતું. એટલે સાયલન્ટ કરેલો મને બોસે નવું કામ આપેલું છે એની ચિંતામાં હતો પણ તારે શું કામ હતું એ કહે પહેલાં.
આશાએ કહ્યું સ્તવન સાચું કહુ મને તમારી ખૂબ યાદ આવતી હતી અને એક કામ એવું હતું કે તમે આવતાં એક મોટો થરમોસ લેતાં આવજો આપણે બે દિવસ જવાનાં કુંબલગઢ એકજ થરમોસ છે ઘરે તમે બીજો 2 લીટરનો સરસ લેતા આવો પછી ઘરે આવો એટલે ઉપયોગ સમજાવીશ એમ કહીને હસી પડી.. બોલી તમને થશે કેવાં ફાલતું કારણે આટલાં ફોન કર્યા પણ સ્તવન આપણે સાથે ગાળવાની પળો વધારે આનંદમય જાય એનાંજ વિચારો મને આવ્યા કંઇ નહીં ઝડપથી ઘરે આવો તમારી રાહ જોઊં છું અને કાલની તૈયારીઓ કરવાની છે.
અને હાં... સ્તવન મારાં પાપા અને તમારાં પાપાને કોઇ અગત્યની વાત થઇ છે આપણાં લગ્ન અંગે તમે ઘરે આવશો એટલે જણાવશે મને પણ ખબર નથી શું વાત છે. કંઇ નહીં બધુ લઇને ઘરે આવો બસ બહુ રાહ જોવરાવી.
સ્તવને કહ્યું હું બધુ ખરીદીને આવું છું બાય. સ્તવને ફોન મૂક્યો અને સરસ રેશમી પીતાંબર મહાદેવજી માટે લીધું અને શોરૂમમાંથી બે લીટરનું થરમોસ લીધું. અને પાર્સલનાંજ વિચારો આવતાં હતાં. આશાએ પાર્સલ નહીં જોયું હોય ? વિચારતો રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ -79