લવ બાઇટ્સ
-- નવલકથા --
સ્તવન, નવલકથાનો નાયક એને અવારનવાર કોઇ અગમ્ય દોરા પડે છે માનસિક રીતે ચલિત થઇ રહ્યો હોય છે એની ઘણી સારવાર પછી પણ એને ખરેખર શું તકલીફ છે ? શું રોગ છે એ પકડાતું નથી કોઇ અગમ્ય સૃષ્ટિમાં જતો રહે છે અને એને બધી યાદો તાજી થાય છે.
સ્તુતિ નવલકથાની નાયિકા એનાં જન્મથીજ એનાં શરીર પર ચકામાંનાં નિશાન હોય છે એનાં માતાપિતાને ખબર નથી પડતી કે આ શેનાં ચકામાં દીકરીનાં શરીર પર છે ? સ્તુતિનાં એ ચકામાં જેમ ઊંમર વધે એમ જાણે ધા તાજા થતાં હોય એમ એને અસર વર્તાય છે એ પીડાય છે એની ડોક, એનાં ખભા ઉપર આ શેનાં ઘા છે અને ઘા મટવાની જગ્યાએ વધારે લીલા તાજાં થતાં જાય છે જ્યારે એ એનાં પર હાથ ફેરવે એની અસર ક્યાંક બીજે બીજી વ્યક્તિને થાય છે એ વ્યક્તિ એટલે નવલકથાનો નાયક સ્તવન એજ સમયે એને સમજાતુ નથી કે મને શું થાય છે ?
વાર્તા આગળ વધે છે.. સમય જાય એમ બંન્ને જણાંને કોઇ અગમ્ય ગત જન્મની યાદો તાજી થાય છે...
બંન્ને સ્તવન અને સ્તુતિ કેવી રીતે મળે છે ? એમાં આ સંબંધનો અર્થ શું છે ? જીવન શું જીવવા માંગે છે શું કહેવા માંગે છે એમને પ્રેમ હતો ? શું શું જીવનમાં બનેલું એ યાદો કઇ હતી ? અચાનક જ અગમ્ય સૃષ્ટિનો અનુભવ થાય છે અને વાર્તા રંગ પકડે છે.
બે જીવન અને બે વ્યક્તિ... કેવો પ્રેમ ? ક્યા પ્રસંગો એની રસપ્રદ છણાવટ આ નવલકથામાં છે. પ્રેમ માં સમર્પિત થયાં પછી એ કેવાં રંગ રાખે છે એ આ "લવ બાઇટ્સ" નવલકથામાં ખૂબ જ રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી છે. મારાં વાચકોને ખૂબ જ ગમશે એવો વિશ્વાસછે.
દક્ષેશ ઇનામદાર.
લવ બાઇટ્સ
પ્રકરણ-1
ટ્રેઇન ઝડપથી એનાં પાટા પર દોડી રહી છે. સાથે સાથે ઘણાં મુસાફરોને એમની મંઝીલ પર પહોચાડી રહી છે ટ્રેનનીગતિ સાથે એનાં અવાજ આવી રહ્યાં છે અને બોગીનાં દરવાજા પાસે બેઠેલો સ્તવન શૂન્ય મનસ્કે બહારનાં દ્રશ્યો જોઇ રહ્યો છે. એની પેરેલલ ટ્રેઇનની બીજી ટ્રેકમાં પાટા જાણે ઝડપથી દોડી રહ્યાં હોય એમ જોઇ રહ્યો છે. પાટા જે સ્લીપર્સ પર ફીટ થયેલાં છે એપણ ઝીણાવટથી જોઇ રહ્યો છે સાથે સાથે બહારની ઘરતી પર વૃક્ષો એટલાં જ ઝડપથી વિરૂધ્ધ દિશામાં દોડી રહ્યાં હોય એવો આભાસ થાય છે.
ત્યાંજ બીજી ટ્રેક પર ટ્રેઇન ઝડપથી પસાર થઇ રહી છે ઝડપથી જતી ટ્રેઇનની બારીઓમાં માણસો દેખાય છે કોઇનાં ચહેરા ઓળખાતાં નથી અને ફરીથી એની નજર પાટા નીચેનાં સ્લીપર્સ પર પડે છે ટ્રેઇનમાં ઝડપથી જવા સાથે એ સ્લીપર્સ પાટા નીચે ઊંચા થઇ પાછા શાંત થઇ જાય છે.
સ્તવનને એવુ લાગે છે કે એની સ્થિતિ એ સ્લીપર્સ જેવી છે એ લાકડામાં મજૂબત ટુકડા એનાં પર પાટા અને ટ્રેઇનનો ભાર ખમીને હચમચે છે પાછા શાંત થઇ જાય છે કેટલો ભાર સહે છે એને મોટાં મોટાં ખીલા મારીને ધરતી સાથે જડી દીધાં છે અને એમને સોંપવામાં આવેલુ કામ મૌન રહી સહી રહ્યાં છે એ નિર્જીવ છે કંઇ અવાજ કે પીડાથી ચીસો પાડી નથી ઉઠતાં અને અનેક ટ્રેઇનોમાં ભાર ખમી જાય છે.
સ્તવન વિચારે છે મારી સ્થિતિ એવી જ છે મને ખબર નથી હું શેનો ભાર વેઠું છું ? મને શેની પીડા થાય છે ? નથી હુ સમજી શકતો નથી એનો કોઇ ઉપાય નથી મળતો ? આ જીંદગીની સફર મને મંઝીલ સુધી પહોચાડશે ?
અને ત્યાં અચાનક બીજી સુપરફાસ્ટ ટ્રેઇન પસાર થાય છે ખૂબ મોટો અવાજ.. પાટા પીલાવાનો ચીસીયાટા જેવો અવાજ એને ખળભળાવી મૂકે છે એ થોડો હેતબાઇને સાવધ થવા જાય છે ત્યાંજ એને એની બિમારીનો "હુમલો" આવે છે એ આકુળવ્યાકુળ થાય છે એને થાય છે હું બહાર કૂદી પડુ.. છુટકારો મેળવી લઊં એનુ શરીર શિથિલ થાય છે. હાથમાં પકડેલો બોગીનો પાઇપ છૂટવા જાય છે ત્યાંજ પાછળ ઉભેલી વ્યક્તિ અને પકડી લે છે.
અરે એરે છોકરા હમણાં તું બહારની તરફ પડી જાત.. અંદર આવીને બેસ આમ ડોર પાસે બેસાતુ હશે ? કોઇ સદગૃસ્થ એને બચાવે છે ટોકે છે.. સ્તવન થોડીવાર એમની સામે જોઇ રહે છે એ ઉભો થઇ અંદર તરફ આવે છે એ સદગૃસ્થની આંખોમાં જુએ છે એની આંખો વિસ્ફારીત થાય છે આંખોનો રંગ લાલ થઇ જાય છે એનાં ચહેરાની નસો ખેંચાઇ આવે છે એનો તંગ ચહેરો જોઇને પેલાં સદગૃહસ્થ ગભરાય છે અને ઓહ..નો એમ કહેતાં અંદરની તરફ દોડી જાય છે.
સ્તવન એનાં ગળામાં બંન્ને હાથ ભેરવીને બોલે છે કોણ છે તું ? કેમ હેરાનકરે છે ? એનાં કપાળ પર પ્રસ્વેદ બિદુંઓ નીકળી આવે છે આખુ અંગ ખેંચાય છે ફરીથી જોરથી ચીસ પાડી ઉઠે છે.. કોણ છે તું ? કોણ છે ? અને ત્યાંજ એ ઢગલો થઇને નીચે પડી જાય છે અર્ધબહોશ હાલતમાં નીચે પડીને જાણે સામે કોઇ ઉભું હોય એમ જોઇ રહે છે કોઇને જોઇને ઓળખવા પ્રયત્ન કરે છે.
સ્તવનની ચીસો સાંભળીને બોગીમાં બેઠેલા મુસાફરો દોડીને એની તરફ આવેછે પણ એની સ્થિતિ જોઇને હિંમત નથી કરતાં. પેલાં સદગૃહસ્થે કહ્યું "એ છોકરો કંઇક જુદો જ છે આધા રહેજો કંઇક વિચિત્ર વર્તન કરે છે બધાં દૂર ઉભા રહી તમાશો જોતાં હોય એમ જોઇ રહે છે.
થોડીવાર પછી સ્તવન શાંત થતાં એ નોર્મલ વર્તન કરવા માંડે છે ઉભો થાયછે અને એની સીટતરફ આગળ વધે છે બધાં આધા ખસી જઇને એને રસ્તો આપે છે એની સીટ પર આવી કોથળાની જેમ પડે છે એનાં આખા શરીરમાં ધુજારી વર્તાય છે ખૂબ પરસેવો વહી રહ્યો હોય છે. એણે પોતાની વોટર બોટલમાંથી થોડું પાણી પીધુ અને સ્વસ્થ થયો.
એણે બધાં જોઇ રહ્યાં છે એની એવી ખબર હોવાં છતાં ગણકાર્યા વિના બારી બહાર નજર કરે છે. ક્યાંય સુધી શાંત બેસી રહ્યાં પછી એની સામે એક લેડી બેઠાં છે એ હિંમત કરે છે એમણે સ્તવનને પૂછ્યું "દીકરા શું થાય છે ? તારી તબીયત તો ઠીક છે ને ? ક્યા જવાનો છે તું ? તું એકલો છે ? તારી સાથે કોઇ નથી ? સ્તવન શાંતિથી એમને સાંભળે છે પછી ખીસામાંથી રૂમાલ કાઢી કપાળ અને ચેહરાં પરનો પરસેવો લૂછે છે અને શાંત સ્વરે કહ્યું "કંઇ નહી માસી હવે સારુ છે મને. હું એકલો જ છું અને નેક્ષ્ટ સ્ટેશને હું ઉતરી જવાનો મારે રાણકપુર જવા ફાલના ઉતરવાનું છે. પેલા લેડીએ કહ્યું "હા હવે ફાલના જ આવશે પછી એ પણ કંઇક વિચારી ચૂપ થઇ ગયાં.
પેલો લેડીએ પાછુ પૂછ્યુ -રાણકપુર તો ઐતિહાસીક જગ્યા છે. નાથદ્વારા દર્શન માટે કેટલાં લોકો આવે છે. તું રાણકપુર રહે છે કે કુંભલગઢ ? એતો ફરવાનું સરસ સ્થળ છે. કેવો સરસ કિલ્લો. પેલા લેડી સ્તવન સાથે પરીચય કેળવી એમનુ કૂતુહૂલ શાંત કરવા પ્રયત્ન કરી રહેલાં.. એ પૂછી રહેલાં સ્તવન સાંભળી રહેલો. એણે થોડીવારનાં મૌન પછી કહ્યું "હાં હુ રાણકપુર રહુ છું કુભલગઢ મારાં ઘરથી કલાકમાં જવાય.
"આંટી હું જોધપુર કામથી ગયેલો હવે ઘરે પાછો જઇ રહ્યો છું મારી તબીયત ઠીક નથી હવે ઘરે જ જવાનો એમ કહી પાછો શાંત થઇ ગયો. આંટી પણ આટલી માહિતીથી જાણે સંતોષિ ગયાં.
રાણકપુર એક ગામ જે પાલી ડિસ્ટ્રીક્ટમાં આવેલું પૌરાણીક ઐતિહાસિક સ્થળ હતું જે જોધપુર અને ઉદેપુરની વચ્ચે આવેલુ છે સ્તવન રાજસ્થાની ક્ષત્રિય કુટુંબમાં જન્મેલો યુવાન રાજપૂત લોહી એનાં શરીરમાં વહેતું હતું એનાં કુટુંબમાં એનાં માતા-પિતા અને નાની બહેન હતી.
એનાં પાપા ટંકારાનુ કામ કરતાં પત્થરમાંથી મૂર્તિઓ બનાવતાં જૈન અને હિંદુધર્મનાં દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવીને વેચતાં એમનાં ધર્મ અને સમાજનાં નિયમો રીતરીવાજો પ્રમાણે સારુ જીવન જીવતાં પણ એકનાં એક છોકરાને મહેનત કરી ભણાવેલો. રાણકપુરની વસ્તી માંડ 32 હજારની આસપાસ હશે મુખ્ય ધંધો ટુરીઝમ, નક્શી, પત્થરનાં કામ અને મંદિરો એમાંય સદરીમાં આવેલુ શ્રી પુરષોત્તમ મહાદેવ મંદિર હતુ અને કલાકેક નાં રસ્તે કુભલગઢ.
ફાલના અને રાણી રેલ્વેસ્ટેશનથી રાણકપુર જવાય. એણે સ્તવન ફાલના ઉતરી જવાનો હતો ત્યાંથી ગામ પહોંચી જવાય.
સ્તવનનાં પિતા માણેકસિંહ અને માતા ભંવરીદેવી જે ખૂબ ધાર્મિક સ્વભાવનાં હતાં પુરષોત્તમ મહાદેવમાં ખૂબ જ આસ્થા. ભંવરીદેવી એમની સ્થાનિક અને એમની સંસ્કૃતિ પ્રમાણેનાં ગીતો ગાતાં અને દીકરી મીહીકાને શીખવતાં. સ્તવન પણ ખૂબ સરસ ગાઇ શકતો નાનકડુ કુટુંબ હતું સુખી સંસાર હતો.
સ્તવન જેમ મોટો થતો ગયો એમ એનામાં ગાયકીનું જ્ઞાન ખૂબ વધ્યુ એ ખૂબ સરસ શાસ્ત્રિય રાગ-રાગીણી ગાઇ શક્તો. ભણવામાં પણ હુંશિયાર હતો સ્કૂલ રાણકપુરમાં જ કરી પછી કોલેજ પાલીમાં કરી ઐશ્વર્યા કોલેજમાં ભણ્યો.એણે આઇ.ટી. સોફ્ટવરેનું એજ્યુકેશન લીધુ હતું અને એ પાસ કરીને જોધપુર ઇન્ટરવ્યુ આપીને પાછો આવી રહેલો.
સ્તવનને એ 16 વર્ષનો થયાં પછી એને અચાનક દોરા પડતાં ક્યારેક ભણતાં ભણતાં અચાનક પીડા ઉપડે અને ચીસો પાડે અચાનક હીંસક થવા માંડે.. એનાં માતા પિતાને ખૂબ ચિંતા થતી છેક જોધપુર સુધી ડોક્ટરો પાસે ઇલાજ કરાવ્યાં પૈસાનાં પાણી કર્યા પણ કંઇ ફાયદો ના થયો.
છેવટે પુરુષોત્તમ મહાદેવનાં પૂજારીનો કહેવાથી-એમણે બતાવ્યુ દોરાધાગા કરાવ્યાં પણ પરિણામ શૂન્ય જ રહ્યુ. જેમ જેમ મોટો થતો ગયો તેમ એ પોતે સમજતો થયો કે મારાં શરીમાં કોઈક આવેગ આવે છે અને હું કાબૂ બહાર વર્તન કરુ છું પણ ઇલાજ મળતો નહોતો.
આવી બિમારી અને અગમ્ય એહસાસ સાથે એવો ભણતર પુરુ કર્યુ પણ સમજી નહોતુ શકાતું કે એને થાય છે શું એનાં માતા પિતા ચિંતા કરતાં રહેતાં.
એની બહેન મિહીકા પણ મોટી થઇ રહી હતી આજ વર્ષમાં એ દસમાં ધોરણમાં આવી અને એને પણ મોટાં ભાઇની ચિંતા થતી પણ કંઇ સમજાતું નહોતું.
ફાલના સ્ટેશન આવ્યુ અને સ્તવન ટ્રેઇનથી નીચે ઉતર્યો અને સ્ટેશન પરથી નીચે ઉતરતાં જ એની દ્રષ્ટિ એક નવયુવાન છોકરી પર પડી એ માંડ 18 વર્ષની હશે અને એને જોતાં જ એને આવેગ આવ્યો અને એની તરફ દોડીને...
વધુ આવતા અંકે - પ્રકરણ-2