રક્ત ચરિત્ર - 35 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 35

૩૫

"અરુણએ તને શું કીધું?" સાંજએ પૂછ્યું.
"તું મદદ માંગવા આવી હતી ત્યારે મારી મમ્મીએ તારી મદદ ન્હોતી કરી, પણ તું જે બોલી એ શું હતું?" સુરજએ પૂછ્યું.
"કંઈ નઈ, તું જા અહીંથી."સાંજને હવે ભાન થયું કે તેણીએ બધું બાફી નાખ્યું હતું.

"તેં એમ કીધું કે મારી માંએ તારા બાપુને મરાવ્યા હતા, શું મતલબ છે આનો?" સુરજએ સાંજને બાવડેથી પકડી.
"હાથ છોડ મારો, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." સાંજએ તેનું બાવડું છોડાવ્યું અને સડસડાટ પગથિયાં ઉતરી ગઈ.

સુરજ નીચે આવ્યો અને ભાવનાબેનને શોધવા લાગ્યો. ભાવનાબેન પાછળ બગીચામાં છે એમ જાણ્યા પછી સુરજ બગીચા તરફ જઈ રહ્યો હતો અને અચાનક એક ચીસ તેના કાને પડી.
"બેનબા ભાગો......" લાલજી દોડતો આંગણામાં આવ્યો, તેના માથામાંથી લોહીના રેલા નીકળી રહ્યા હતા.
"શું થયું તમને? કોણે કર્યું આ?" સુરજ દોડતો લાલજી પાસે આવ્યો.

"બધાંને લઇ જા, આપણા બધા માણસોને બેભાન કરી દીધા છે મોહનએ.... જલ્દી જાઓ, બધાંને લઇ જાઓ." લાલજી માંડ આટલુ બોલી શક્યો.
સુરજએ શિવાની, ચિંકી, શાંતિ, મહેશભાઈ, રતન અને રતનના પરિવારને ભેગાં કર્યાં, બધાંને સુરક્ષિત અહીંથી લઇ જવાની જવાબદારી મહેશભાઈને આપીને સુરજ સાંજ અને ભાવનાબેનને શોધવા નીકળ્યો.

"સંજુ ક્યાં છે મમ્મી?" સુરજ બગીચામાં આવ્યો ત્યારે ભાવનાબેન બાંકડા પર બેઠાં હતાં.
"મને ખબર નથી, હું તો ક્યારની અહીં જ છું." ભાવનાબેનએ જવાબ આપ્યો.
"સારું, ચાલ મારી સાથે." સુરજ ભાવનાબેનને ખેંચીને તેની સાથે લઇ ગયો.

"પણ ક્યાં લઇ જાય છે મને?"
"તું ચાલ, પછી જણાવીશ. અહીં જોખમ છે મોટુ, તું અહીંથી નીકળી જા. પપ્પા અહીંથી જ ગયા છે બધાં સાથે, તું એમના ભેગી થા." સુરજએ ભાવનાબેનને પાછળને બારણેથી ઘરની બાર મોકલી દીધાં અને હવેલીમાં પાછો આવ્યો.

સુરજએ આખા ઘરમાં સાંજને શોધી, છેલ્લે સાંજ તેને ભોંયરામાં મળી.
"તું ફરી આવી ગયો?" સાંજએ સુરજને જોઈને મોઢું ફેરવી લીધું.
"આપણા પર હુમલો થયો છે, મોહનલાલએ બધાંને બેભાન કરી નાખ્યા છે." સુરજ ભાગીને આવ્યો હતો તેથી હાંફી રહ્યો હતો.

"આપણો પરિવાર...." સાંજ ઘર તરફ દોડી.
"બધાંને મેં પાછલા બારણેથી ભગાવી દીધાં છે, દેવજીકાકા ઘરે નથી. આપણા બધા માણસો બેભાન પડ્યા છે, તું ચાલ મારી સાથે." સુરજએ સાંજનો હાથ પકડ્યો અને તેને ખેંચીને લઇ ગયો.

"ક્યાં છે સાંજ, બા'ર નીકળ...." મોહનલાલ હાથમાં ધારિયું લઈને આંગણામાં આવ્યો, અને તેની નજર સાંજ અને સુરજ પર પડી.
"સંજુ..." સુરજ સાંજને અહીંથી લઇ જવા ખેંચી રહ્યો હતો પણ સાંજ તેનો હાથ છોડાવીને મોહનલાલ તરફ આગળ વધી, "મને ખબર હતી તું આવીશ, વેલકમ મોહનલાલ."

મોહનલાલએ કોઈ વાતચિત્ત કર્યાં વગર સાંજ ઉપર ધારિયાનો વાર કર્યો, સાંજ સતર્ક હતીજ એટલે નીચે નમી અને તેના ખિસ્સામાંથી ચાકુ કાઢીને મોહનલાલના પંજામાં માર્યું.
"તારી તો...." મોહનલાલએ પાછા ફરીને સાંજ ઉપર વાર કર્યો અને સાંજના ડાબા હાથ પર ચીરો પડ્યો.

"સંજુ...." સુરજ દોડતો સાંજ પાસે આવ્યો, સાંજના હાથમાંથી નીકળતું લોહી જોઈને સુરજ ગુસ્સે ભરાયો અને મોહનલાલના હાથ પર લાત મારી.
સુરજની લાતથી મોહનલાલના હાથમાંથી ધારિયું છૂટીને દૂર પડ્યું, સુરજએ મોહનલાલના ગાલ ઉપર એક તમાચો માર્યો અને તેની બોચી પકડીને બોલ્યો, "સંજુને કંઈ થાય તો સહન નઈ કરી શકતો હું."

સાંજ એક ડંડો લઈને આવી અને મોહનલાલને ઉદેશીને બોલી, "છે હિમ્મત લડવાની કે પાછળના બારણેથી આવીને ખૂન કરતાં જ શીખ્યો છે?"
મોહનલાલ ગુસ્સામાં સાંજ તરફ ધસ્યો, સાંજએ ડંડો ઉઠાવીને મોહનલાલના વાંસામાં માર્યો. જોરદાર પ્રહારથી મોહનલાલ બેવડ વળી ગયો, એ ઉભો થાય એના પેલાજ બે ત્રણ વાર તેની પીઠ પર ડંડા પડ્યા.

"મારા બાપુને મારવાની યોજના તેજ બનાવી હતીને, તારા રહસ્યો ન ખુલે એટલે તેં મારા બાપુને મરાવી નાખ્યા. તેં માર્યા મારા બાપુને....." સાંજ બોલતા બોલતા ધડાધડ મોહનલાલ પર વાર કરી રહી હતી અને એજ વખતે સાંજની બેકપોકેટમાંથી બંદૂક નીચે પડી ગઈ.
"સાંજ, મરી જશે એ. છોડી દે એને સાંજ." સુરજએ સાંજને રોકવાનો પ્રયત્ન કર્યો પણ સાંજની આગઝરતી નજર સામે એ બીજું કંઈ બોલી ન શક્યો. "

"શું લાગ્યું હતું તને? કોઈ નિર્દોષ માણસને મારીને તું બચી જઈશ?" સાંજએ મોહનલાલના વાળ પકડીને તેનું માથું ઊંચું કર્યું.
"નિર્દોષ માણસ? તારો બાપ નિર્દોષ માણસ છે?" મોહનલાલ હસ્યો, તેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેના સફેદ દાંત લાલ થઇ ગયા હતા.

"એટલે? ચાલાકી કરવાની કોશિષ કરતો હોયને...." સાંજની વાત વચ્ચેજ કાપીને મોહનલાલ બોલ્યો, "આમ તો તને આખા ગામ વિશે ખબર હોય છે, પણ તારા બાપ વિશે તું ન જાણી શકી?"
સાંજ અસમંજસમાં ફસાઈ હતી, તેણીએ મૂંઝવણભરી નજરે મોહનલાલ સામે જોયું.

"અનિલને જ્યારે મારા અને ભાવનાના સબંધ વિશે ખબર પડી, ત્યારે તેણે ભાવનાને ખુબ હેરાન કરી હતી અને મારી ભાવનાને હેરાન કરનારને હું જીવતો જમીનમાં દાટી દઉં." મોહનલાલ ગુસ્સામાં બોલ્યો.
"ભાવના? મારી મમ્મી?" સુરજએ મોહનલાલ સામે જોયું, હવે મોહનલાલને ભાન થયું કે સુરજ પણ અહીં છે.

સુરજએ સાંજ સામે જોયું, એ ચુપચાપ ઉભી હતી. તેને ચૂપ જોઈને સુરજને ધાબા પર સાંજ જે બોલી હતી તેં યાદ આવ્યું,"તું જાણતી હતી?"
"હું..... બસ...." સાંજની જીભ થોથવાઈ ગઈ હતી.
"તું બસ શું? તું બધું જાણતી હતી સાંજ, છતાંય તેં મારી માંની હકીકત છુપાવી. અમને દુઃખ ન થાય એટલે તેં આટલુ દુઃખ મનમાં ભરી રાખ્યું." સુરજની આંખોમાંથી એક આંસુ દડી પડ્યું.

સુરજ અને સાંજ વાત કરતાં હતાં ત્યાંરે મોહનલાલની નજર પરસાળ નજીક પડેલી બંદૂક પર પડી, તેણે આજુબાજુ નજર કરી તો ભાવનાબેન હમણાંજ પાછળના બારણેથી ઘરમાં દાખલ થયાં હતાં.
બન્નેની નજર એક થઇ, મોહનલાલએ ભાવનાબેનને ઈશારાથી બંદૂક ઉઠાવીને સાંજ પર ચલાવવાનું કહ્યું. ભાવનાબેન ધીમે ધીમે બંદૂક તરફ આગળ વધ્યાં, બંદૂક હાથમાં લઈને સાંજ પર તાકી.

માત્ર અમુક સેકન્ડમાં બે ઘટના ઘટી, મોહનલાલને ઈશારા કરતો જોઈને સાંજની નજર બંદૂક લઈને ઉભેલાં ભાવનાબેન સામે પડી અને સાંજ સાથે નજર મળતાંજ ગભરાહટમાં ભાવનાબેનએ ધ્રુજતા હાથે ગોળી ચલાવી.
સાંજના પેટમાં ગોળી વાગી અને સાંજ જમીન પર ફસડાઇ પડી, સુરજએ પાછળ ફરીને જોયું અને ભાવનાબેનના હાથમાં બંદૂક જોઈને ચોંકી ગયો.
"સાંજ.... હું તને દવાખાને લઇ જઉ. તું ડરતી નઈ, તને કંઈ નઈ થાય." સુરજએ સાંજને ઉઠાવી અને ગાડી તરફ ભાગ્યો.

"તમે ઠીક છો?" ભાવનાબેન દોડતાં મોહનલાલ પાસે આવ્યાં, મોહનલાલએ બંદૂક ભાવનાબેનના હાથમાંથી લીધી અને સાંજને ઉઠાવીને જઈ રહેલાં સુરજની પીઠમાં ગોળી મારી.
ગોળી વાગવાથી સુરજનું સંતુલન ગયું અને તેં સાંજ સાથે નીચે પછડાયો, ભાવનાબેનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને તેં સુરજ તરફ ભાગવા ગયાં પણ મોહનલાલએ તેમનો હાથ પકડી લીધો.

"આ શું કર્યું? મારા દીકરાને મારી નાખ્યો, કેમ?" ભાવનાબેન સુરજ પાસે જવા ધમપછાડા કરી રહ્યાં હતાં.
"એ સાંજને કંઈક થઇ જાત તો આ તારો દીકરો સીધો પોલીસ સ્ટેશન પહોંચીને કંઈ આવશે કે મેં તેની સંજુને મારી છે." મોહનલાલએ ભાવનાબેનનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો.

"મારા દીકરાને કંઈ થયું તો હું પણ પોલીસ સ્ટેશન જઈશ અને કંઈ દઈશ કે તેં મારા દીકરાને માર્યો છે." ભાવનાબેનએ રાડ પાડી.
"તો તું પણ જા, તારા દીકરા ભેગી ઉપર." મોહનલાલએ ભાવનાબેનના માથા ઉપર ગન મૂકી.
"તું... તું મને પ્રેમ કરે છે મોહન, તું મને... મને મારી ન શકે." ભાવનાબેન થોથવાતા અવાજે બોલ્યાં.

"મૂર્ખ છે તું, અનિલસિંહની દોલત મેળવવા મેં તારો ઉપયોગ કર્યો અને તું એને પ્રેમ સમજી બેઠી છે." મોહનલાલ ખડખડાટ હસી પડ્યો.
"એટલે?" ભાવનાબેનની આંખો ભીંજાઈ ગઈ.

"એટલે એમજ કે અનિલએ આપણને સાથે જોયાં, પછી અનિલએ તારી હેરાનગતિ કરી, તારી સાથે જબરદસ્તી સબંધ બાંધ્યો, તને એટલી હેરાન કરી કે તેં મને અનિલને મારવાનું કહી દીધું, આ બધુજ મારી યોજનાનો ભાગ હતો." મોહનલાલ ખંધુ હસ્યો.
"પણ અનિલસિંહ તારા કીધે મને હેરાન શુકામ કરે? એ તારી વાત કેમ માને?" ભાવનાબેનએ પૂછ્યું.

મોહનલાલએ ભાવનાબેનના ચેહરા પર હાથ ફેરવ્યો અને બોલ્યો,"તને યાદ છે બાળપણમાં સુરજને કોઈ ઉઠાવી ગયું હતું અને એ ચાર દિવસે મળ્યો હતો. એ હું જ ઉઠાવી ગયો હતો અને અનિલસિંહને ધમકી આપી કે જો એ તારી સાથે જબરદસ્તી સબંધ નઈ બાંધે તો હું સુરજને મારી નાખીશ. એ છતાંય ન માન્યો, તો મેં સુરજના પગ પર ચીરો મારીને એક ફોટો મોકલી દીધો. બસ મારું કામ થઇ ગયું."

ક્રમશ: