પતિ પત્ની અને પ્રેત - ૪૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૪૩

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૩

વિરેન નાગદાના બહાર જવાની રાહ જોઇ રહ્યો હતો. નાગદા કોઇ સ્ત્રીનો ગીત ગાતો અવાજ સાંભળીને અટકી ગઇ હતી. રેતાના ગીતનો અવાજ વિરેનના કાનમાં થઇ દિલને સ્પર્શી રહ્યો હતો. તેનું દિલ ખુશીથી ઝૂમી રહ્યું હતું. તે મનોમન બોલી ઉઠ્યો:"રેતા, તારો સાયબો તારી નજીકમાં જ છે. હું તને મળવા માટે તડપી રહ્યો છું. આ સ્ત્રી મને રહસ્યમય લાગી રહી છે. તેની સાથે સંઘર્ષમાં ઉતરવામાં અત્યારે ભલાઇ નથી. તે મને પોતાની અર્ધાંગિની માની રહી છે. મેં તારા સિવાય બીજા કોઇને ચાહી નથી કે બીજી સ્ત્રી વિશે વિચાર કર્યો નથી. તો પછી આ સ્ત્રીનો પતિ હું કેવી રીતે બની ગયો? એની દરેક હિલચાલ પર મારે નજર રાખવી પડશે...સારું છે કે તેના વિશે સાચું જાણ્યા વગર હું કંઇ બોલ્યો નથી. મારી ઓળખ છતી કરી નથી."

રેતાએ ગીતની બીજી કડી ગાવાનું શરૂ કર્યું ત્યારે વિરેન મનમાં જ એનો પડઘો પાડતાં બોલી રહ્યો હતો. તેણે ફરી ત્રાંસી નજરથી જોયું અને ખુશીથી બેઠો થઇ ગયો. નાગદાએ બહાર નીકળીને દરવાજો આડો કરી દીધો હતો. વિરેન ધીમા પગલે ચાલીને બારી તરફ જવા લાગ્યો. તેણે બારીની આડશમાંથી નજર કરી ત્યારે જોયું કે નાગદા મકાનની વાડના દરવાજા તરફ આગળ વધી રહી હતી. સામેથી કોઇ સ્ત્રી આવી રહી હતી. પણ એ રેતા નથી. અવાજ તો રેતાનો આવતો હતો. આ સ્ત્રી કોણ હશે? જાગતીબેન વાડની નજીક આવ્યા એટલે દૂરથી વિરેનને અંદાજ આવ્યો કે કોઇ ઉંમરવાળી મહિલા છે. તેણે આ મહિલાને અગાઉ જોઇ નથી. થોડીવાર સુધી બંને વચ્ચે કોઇ ચર્ચા અને વિવાદ થતો લાગ્યો. અચાનક સામે ઉભેલી સ્ત્રીએ ચાકુ કાઢ્યું અને વિરેન ચોંકી ગયો.

***

જાગતીબેનના હાથમાં ચાકુ હતું અને એને નાગદા રોકી રહી હતી એ જોઇ રિલોક ધીમેથી બોલ્યો:"ભગતજી, તમારી શક્તિઓનો ઉપયોગ કરો. નાગદા જાગતીબેનને હાનિ પહોંચાડી શકે છે. એમણે પોતાની સુરક્ષા માટે ચાકુ કાઢ્યું છે... પણ... આ શું...? નાગદા એમને અટકાવી રહી છે. એમને ચાકુ મૂકી દેવા કહી રહી છે... કે સમજાવી રહી છે...? જાગતીબેને એને એવી કઇ વાત કરી હશે કે એ અટકી ગઇ છે. જયનાના પ્રેત તરીકે એ કોઇ ગેરવર્તન કરી રહી હોય એવું લાગતું નથી. તે કોઇ શક્તિનો પ્રયોગ પણ કરી રહી નથી. આટલી બધી વાર એમની સાથે વાદ-વિવાદ અને ચર્ચા જ કરતી રહી હતી. કદાચ એણે જાગતીબેનને સમજાવવાની કોશિષ કરી હશે અને કોઇ ચીમકી આપી હશે એના પરિણામસ્વરૂપ જાગતીબેને ચાકુ કાઢ્યું હશે..."

"રિલોક, તું જે વિચારી રહ્યો છે એ તારું અર્થઘટન છે. અસલમાં એમની વચ્ચે શું વાતચીત થઇ રહી છે એ જાણ્યા વગર હકીકતનો ખ્યાલ આવે એમ નથી. જાગતીબેન મોટું સાહસ કરી રહ્યા છે. મને જયનાના પ્રેતનો જરાપણ વિશ્વાસ લાગતો નથી. જાગતીબેન તેની જાળમાં ફસાઇ ના જાય તો સારું છે. પહેલી વખત મળ્યા ત્યારે કહેતા હતા કે એ એમની પુત્રી સ્વાલા નથી. અમે તો પહેલાં જ કહ્યું હતું કે એ નાગદા છે. એમની પુત્રીના ફોટાના ચહેરા સાથે નાગદાનો ચહેરો મળતો આવ્યો હોય તો એ માત્ર સંજોગ પણ હોય શકે. હવે એની સાથે આટલી બધી વાત અને દલીલ કેમ કરી રહ્યા છે? જાગતીબેન મારી પાસેથી વચન લઇ ગયા છે કે હું ના કહું ત્યાં સુધી મારે કોઇ શક્તિનો પ્રયોગ કરવાનો નથી. એમની આગળની યોજના શું છે એ જ સમજાતું નથી. ક્યાંક આપણે જશવંતભાઇને જવાબ આપવાનું મુશ્કેલ ના બની જાય તો સારું છે..." ચિલ્વા ભગતને લાગ્યું તે અહીં આવીને પોતે ફસાઇ ગયા છે.

બંનેની વાતો સાંભળી રેતા ડર સાથે બોલી:"ભગતજી, તમે જાગતીબેનને બચાવો. હું એક વખત નાગદાની સામે જઇ આવી છું. મારી માનસિક હાલત તેણે બગાડી હતી. હું એને હવે છોડવાની નથી..." અને જાગતીબેન પાસે જવાનો પ્રયત્ન કરવા લાગી.

રિલોકે આગળ વધી એનો હાથ પકડી અટકાવી અને ઝાડ પાછળ લઇ જઇ મોં પર આંગળી મૂકી ચૂપ રહેવાની વિનંતી કરી. કેમકે જાગતીબેન શાંત થઇ ગયા હતા અને એમણે ચાકુને પોતાની કમરની સાડીમાં પાછું મૂકી દીધું હતું. નાગદા સ્થિર જ ઊભી હતી. કંઇક વિચાર કરતી હોય એમ લાગતું હતું. જ્યારે જાગતીબેન તેના જવાબની રાહ જોતા હોય એમ ઊભા હતા.

રેતાની ચિંતા વધી રહી હતી. તે બોલી:"ભગતજી, નક્કી જયનાનું પ્રેત જાગતીબેન પર ત્રાટક કરી રહ્યું હશે. તે પોતાની શક્તિથી સ્વાલા પર કબજો લઇ ચૂક્યું છે એમ જાગતીબેનની મતિ બગાડશે..."

"ના, તે જાગતીબેન પર સવાર થઇ શકશે નહીં. તે એક વખતમાં કોઇ એક જ શરીરમાં રહી શકે છે. પણ તેની હરકત સારી લાગી રહી નથી. જુઓ... તે જાગતીબેનની નજીક જઇને કંઇક કહેવા લાગી છે..." ચિલ્વા ભગતના અવાજમાં કંપન હતું."

"લાગે છે કે જાગતીબેન પર એણે કાબૂ મેળવી લીધો છે. જુઓ...નાગદા ઘર તરફ વળી ચૂકી છે. અને...આ જાગતીબેન તેની પાછળ પાછળ કેમ જઇ રહ્યા છે. કોઇ સંમોહનથી ખેંચાઇને એ તેની પાછળ જાઇ રહ્યા લાગે છે. એવું તો નથી ને કે સ્વાલા એના મકાનમાં છે એમ કહીને તે જાગતીબેનને લઇ જઇ રહી હોય? ભગતજી, હવે તમે જાગતીબેનનું વચન ભૂલી જાવ. એમને બચાવો. એ એક વખત ઘરમાં પ્રવેશી જશે પછી આપણે એમને બચાવી નહીં શકીએ..." રેતા ગભરાતાં ગભરાતાં બોલતી હતી.

રિલોક પણ હવે ઉશ્કેરાયો:"ભગતજી, આપણે અહીં તમાશો જોવા આવ્યા છે? જાગતીબેને કહ્યું હતું એ કોઇ પથ્થરની લકીર છે? તમે એમની મદદ માટે જાવ...તમે કેમ કંઇ કરતા નથી? તમારી કરેલી સાધના કોઇ કામ આવવાની નથી? તમે અમારાથી વધારે ડરી ગયેલા લાગો છો..."

ચિલ્વા ભગત પાસે હવે કોઇ વિકલ્પ ન હતો. તે ઝોળીમાં હાથ નાખી ભસ્મ કાઢવા જતા હતા ત્યાં નાગદાની પાછળ ધીમા પગલે જતા જાગતીબેન અચાનક પાછળની તરફ ફર્યા અને સહેજ ફરીને આસપાસમાં નજર નાખવા લાગ્યા. રેતા ઝાડની ઓથેથી બહાર નીકળીને હાથ હલાવતી એમની તરફ આગળ વધવા જતી હતી ત્યારે જાગતીબેને એને જોઇ લીધી અને ઇશારાથી ત્યાં જ ઊભી રહેવા કહ્યું પછી બીજા ઇશારામાં પાછળ જવા કહ્યું. રેતા બાઘાની જેમ એમના ઇશારાને જોઇ રહી અને એનું પાલન કરતી હોય એમ પાછી વળવા લાગી.

***

જાગતીબેન અને નાગદા વચ્ચેની વાતચીતને દૂર બારીમાંથી નિહાળતા વિરેનનું આશ્ચર્ય વધી રહ્યું હતું. સામેની સ્ત્રીએ ચાકુ કાઢ્યા પછી જાણે બંને વચ્ચે કોઇ સમાધાન થયું હોય એમ તેને અર્ધાંગિની તરીકે ઓળખાવનારી સ્ત્રી મકાન તરફ આવી રહી હતી. અને પેલી અજાણી સ્ત્રી તેના પગલે પાછળ પાછળ આવી રહી હતી. વિરેન ઝડપી પગલે પોતાના ખાટલા પર જઇને સૂઇ જવા માગતો હતો. તે ભય અને ચિંતા સાથે આંખો મીંચીને દોડતો ખાટલા સુધી પહોંચે એ પહેલાં તેને કંઇક અથડાયું અને તે ગભરાયો. તેને લાગ્યું કે એક સેકન્ડ માટે તેનું હ્રદય ધબકારો ચૂકી ગયું છે.

વધુ ચુમ્માલીસમા પ્રકરણમાં...