પતિ પત્ની અને પ્રેત - 5 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - 5

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

રેતાના માથા પર ચાંદલો ટકતો જ ન હતો. તેની સાથે હવે સાસુ દક્ષાબેનના મનમાં ભયનાં બીજ રોપાઇ ચૂક્યા હતા. એક તરફ વિરેનના કોઇ સમાચાર ન હતા અને બીજી તરફ વહુનો ચાંદલો નીકળી જતો હતો. દક્ષાબેને બોલ્યા:"વહુ, કાળજી રાખો. એક નાનકડો ચાંદલો સચવાતો નથી. આ તો સૌભાગ્યનું ચિન્હ છે..."

ગિનીતાએ બીજો ચાંદલો આપતા કહ્યું:"ભાભી, આ લો લગાવી દો... અને મમ્મી, તું અત્યારે બીજી વાત રહેવા દે. ભાભી કંઇ જાણી જોઇને ચાંદલો કાઢી નાખતા નથી. એમના કપાળ પરના પરસેવાના બિંદુઓને તો જો. એના કારણે ચાંદલો ટકતો નથી. એક તરફ ભાઇના કોઇ સમાચાર નથી એની ચિંતા છે ત્યારે તું ચાંદલાનું સમજાવવા બેઠી છે...."

"આ આજની પેઢી કશું સમજતું જ નથી..." કહી દક્ષાબેન બબડતા અટકી ગયા અને બોલ્યા:"કેમ હજુ સુધી વિરેનના કોઇ સમાચાર નથી?"

"મમ્મી, ભાભીએ ઘણી વખત ભાઇનો ફોન લગાવ્યો પણ લાગતો જ નથી. એક કામ કરું મારા ફોન પરથી ટ્રાય કરું. મારું બીજી કંપનીનું કાર્ડ છે. એનું નેટવર્ક સારું છે..." બોલીને ગિનીતાએ વિરેનનો નંબર ડાયલ કર્યો. એને 'આ નંબર અસ્તિત્વમાં નથી' એવો રેકોર્ડેડ જવાબ આવ્યો. તે નવાઇમાં ડૂબી ગઇ. અને કહેવા લાગી:"આવું તો કોઇ વખત થયું નથી. આપણો ફોન ભાઇને લાગ્યો ના હોય અને ભાઇનો આટલા કલાકો સુધી આવ્યો ન હોય. મને તો કોઇ ગરબડ લાગે છે..."

દક્ષાબેન સ્થિતિ સંભાળતા હોય એમ બોલ્યા:"ગિની, ધરપત રાખ.' પછી રેતા તરફ વળીને કહ્યું:"વહુ, એની તારાગઢની કંપની પર ફોન લગાવીને પૂછી જુઓ..એ ત્યાં જ છે કે નીકળી ગયો..."

રેતા ઝડપથી કંપનીની વેબસાઇટ પરથી ફોન નંબર લઇ લગાવ્યો.

ફોન કોઇએ ઉપાડ્યો એટલે રેતા એક ક્ષણ ગુમાવ્યા વગર બોલી:"મિ.વિરેન સાથે વાત કરાવશો..."

સામેથી સવાલ આવ્યો:"કોણ મિ.વિરેન? અહીં એ નામની કોઇ વ્યક્તિ નથી.."

રેતાએ દિલમાં પડેલી ફાળ પર કાબૂ મેળવીને વિદેશથી આવેલા ડેલિગેશનમાં અમદાવાદથી કંપનીના મિ.વિરેન આવ્યા હોવાની માહિતી આપી ત્યારે સામેની વ્યક્તિએ ફોન ચાલુ રાખી કોઇને બોલાવી પૂછ્યું. પછી કહ્યું:"અત્યારે તો કંપનીની બધી ઓફિસો બંધ થઇ ગઇ છે. ફક્ત પ્રોડક્શન પ્લાન્ટ ચાલુ છે. તમે સવારે ફોન કરો..."

સામેની વ્યક્તિ ફોન મૂકી દેવા જતી હતી ત્યારે રેતાએ તેને અટકાવી કહ્યું:"એક...એક મિનિટ. તમારી પાસે મિ.રિલોકનો નંબર મળશે?"

"હા, ચાલુ રાખો. એ નીકળી ગયા છે પણ નંબર નોંધી લો..."

રેતાએ રિલોકનો નંબર નોંધીને ફોન કાપી નાખ્યો.

દક્ષાબેન અને ગિનીતા રેતા સામે જ તાકીને તેની વાતો સાંભળી અંદાજ મેળવી રહ્યા હતા.

એમની આંખોમાં ડોકાતા પ્રશ્નોના જવાબમાં કહેતી હોય એમ રેતાએ ખુલાસો કરતાં કહ્યું:"મમ્મી, ફેકટરીની ઓફિસો બંધ થઇ ગઇ છે. મતલબ કે બધાંની સાથે વિરેન ત્યાંથી નીકળી ગયા છે. અને એ વાતને ઘણો સમય થઇ ગયો હશે. વિરેન તારાગઢ વિસ્તારની બહાર આવી ગયા હોવા જોઇએ. તેમ છતાં તેમનો ફોન લાગતો નથી. મને યાદ આવ્યું કે એમણે અહીંથી તારાગઢમાં ગયેલા રિલોકની બે-ત્રણ વખત વાત કરી હતી. એની સાથે તેમની મિત્રતા છે. મેં એમનો નંબર મેળવી લીધો છે. એમની પાસે માહિતી હશે જ. હું એમને ફોન લગાવું છું.."

રેતાએ દક્ષાબેનની પરવાનગીની રાહ જોયા વગર રિલોકનો નંબર ડાયલ કરી દીધો. ફોન પર 'આ નંબર હાલમાં વ્યસ્ત છે' નો સંદેશ સાંભળી રેતા નિરાશ થઇ. તેણે ફોનને સ્પીકર પર રાખ્યો. દક્ષાબેન અને ગિનીતા સમજી ગયા. તે રિલોકના ફોનની રાહ જોવા લાગ્યા.

એકએક ક્ષણ ભારેખમ થઇને વહી રહી હતી. ત્રણેયના ચહેરા ચિંતાગ્રસ્ત હતા. રેતાએ કપાળ પરના ચાંદલાને દબાવ્યો. અને ખાતરી કરી કે તે પરસેવાના કારણે પડી ગયો નથી. રેતાની નજર વિરેનના ફોટા પર જ હતી. એની ઉપર એક ચિત્ર હતું. એમાં મધદરિયે ફસાયેલી અને જાણે સંઘર્ષ કરતી હોય એવી નાવ હતી. આજ સુધી પ્રેરણા આપતું આ ચિત્ર આજે મનમાં શંકાઓ રોપી રહ્યું હતું. રેતાને પોતાની સ્થિતિ એવી જ લાગી. ત્યાં રિલોકનો ફોન આવ્યો. રેતાએ અડધી રીંગ પણ વાગવા ના દીધી અને ઉઠાવી લીધો. કોઇ ઔપચારિક વાત કર્યા વગર ગભરાયેલા સ્વરે તેણે પહેલું જ પૂછી લીધું:"રિલોકભાઇ, વિરેનના શું સમાચાર છે?"

"વિરેનના સમાચાર? તમે રેતાભાભી જ બોલો છોને?" રિલોકે નવાઇથી પૂછ્યું.

"હા, એ હજુ સુધી આવ્યા નથી અને એમનો ફોન લાગતો નથી. તમારી પાસે એમની કોઇ માહિતી છે?"

"એ તો નીકળી ગયો ને ત્રણ કલાકથી વધારે સમય થઇ ગયો છે. ફેકટરીના પાર્કિંગમાંથી મેં એને વિદાય આપી હતી અને ઘરે પહોંચે એટલે ફોન કરવા પણ કહ્યું હતું. કદાચ ટ્રાફિકમાં ક્યાંક ફસાઇ ગયો હશે... પણ એવી શક્યતા નથી. ચાલુ રાખો હું એને ફોન કરું છું. રિલોકે બીજા ફોન પરથી વિરેનનો નંબર ડાયલ કર્યો. એને પણ 'આ નંબર અસ્તિત્વમાં નથી' એવો જવાબ આવ્યો, જે સામે છેડે સ્પીકર પર રહેલા ફોનમાં ત્રણેય જણે સાંભળ્યો.

રિલોક કહે:"આપણે હજુ એક-બે કલાક રાહ જોઇએ. પછી વધુ તપાસ કરીએ. તમને એનો ફોન આવે કે ના આવે મને જાણ કરો..."

રેતાએ 'કોલ એન્ડેડ' ના લખાણ સાથે બંધ થઇ ગયેલા ફોન પરથી નજર હટાવી દીધી. દક્ષાબેન ઉતાવળે પગલે મંદિરમાં જઇને માતાજી સમક્ષ દીવો પ્રગટાવવા લાગ્યા. રેતા તેમની પાસે બેસી ગઇ. બંને વિરેનના જીવનની સલામતિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. વિરેનના પિતા ઘણા મહિનાથી લકવાની અસરને કારણે પથારીવશ હતા. તેમને આ વાત કહી શકાય એમ ન હતી. બંને કોઇ અજાણ્યા ભયથી અંદરથી ધ્રુજારી અનુભવી રહ્યા હતાં.

ગિનીતા કહે:"ગભરાવા જેવું કંઇ નથી. ભાઇ આવી જશે. મોબાઇલ લાગતો નથી એનો અર્થ એવો થોડું છે કે આપણે અમંગળ કલ્પનાઓ કરતા બેસી રહીએ. મોબાઇલ બગડી ગયો હોય કે એ જાતે આવીને સરપ્રાઇઝ આપવા માગતા હોય એવું પણ બને ને...?"

ગિનીતાની વાત કોઇ સાંભળવા માગતું ના હોય એમ રેતા કે દક્ષાબેન તરફથી કોઇ હોંકારો ના આવ્યો.

બે કલાક સુધી ના વિરેનનો ફોન આવ્યો કે લાગ્યો ના રિલોકનો ફોન આવ્યો. રિલોકને ફોન કર્યો ત્યારે લાગ્યો જ નહીં. ગિનીતાને થયું કે હવે ચિંતા કરવાનો સમય શરૂ થઇ ગયો છે. ભાઇને તારાગઢથી આવતાં આટલો બધો સમય ના લાગે. વરસાદ ક્યારનો રહી ગયો છે. કોઇ તકલીફ હોય કે મોડું થવાનું હોય તો તરત ફોન કરે એવો છે. નક્કી કોઇ મોટી મુસીબતમાં ફસાયો છે. એણે કહ્યું:"મા, આપણે પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઇએ..."

રેતા કહે:"અહીંની પોલીસને જાણ કરીને મદદ માટે કહેવાનો કોઇ અર્થ નથી. એ તારાગઢથી નીકળ્યા પછી એમનો સંપર્ક થઇ રહ્યો નથી. આપણે ત્યાંની પોલીસને જાણ કરવી પડે...મને તો લાગે છે કે આપણે બીજી કાર કરીને તારાગઢ જવા ઊપડી જઇએ...'

દક્ષાબેન કહે:"રાત્રે આપણે એકલા કેવી રીતે જઇ શકીશું? અત્યારે તારાગઢ પોલીસમાં જાણ કરી રાખો. સવારે કોણે નીકળવું તે નક્કી કરી લઇશું..."

રેતા અને ગિનીતાને મમ્મીની વાત યોગ્ય લાગી. રેતાએ તારાગઢ પોલીસમાં ફોન કર્યો અને પતિ વિરેન ગૂમ થયાની ફરિયાદ લખવા કહ્યું. પોલીસ કર્મચારીએ કેટલાક પ્રશ્ન પૂછ્યા અને પહેલાં તો બે દિવસ રાહ જોવા માટે કહ્યું. રેતાના આગ્રહ પછી પોલીસે વિરેનના ફોટા સાથેની માહિતી લઇ રૂબરૂ આવવાનું કહ્યું. એ પછી જ આગળ કાર્યવાહી કરવાની વાત કરી.

રેતા પાસે બીજો કોઇ ઉપાય ન હતો. તેણે રિલોકને ફોન કર્યો. આ વખતે તેની સાથે વાત થઇ. એણે એવી જ સલાહ આપી કે કાલે તારાગઢ આવી જાવ. ફેકટરીના માલિકની ભલામણથી પોલીસ જલદી ફરિયાદ લઇને આગળ તપાસ શરૂ કરી શકે છે.

દક્ષાબેનની મૂંઝવણ વધી ગઇ. તે પતિને એકલા મૂકીને જઇ શકે એમ ન હતા. ગિનીતાને પરીક્ષા હતી. રેતાને એકલી મોકલી શકાય એમ ન હતી. તેમણે કહ્યું કે કોઇ સંબંધીના છોકરાને ફોન કરી બોલાવી લઇએ. રેતા દક્ષાબેનની મૂંઝવણ સમજી ગઇ. એણે કહ્યું:"મમ્મી, તમે ચિંતા ના કરશો. હું ડ્રાઇવરને લઇને એકલી જઇ આવીશ. તારાગઢ બહુ દૂર નથી. સગાં-સંબંધીઓમાં હમણાં જાણ કરવી નથી. એવું પણ બને કે કાલે વિરેન મળી જાય. એમનું અપહરણ થયું હોય કે સામાન્ય તબિયત બગડી હોય અને ક્યાંક અટકી ગયા હોય..."

દક્ષાબેન રેતાની વાત સાથે સંમત થયા. ગિનીતાને સાથે જવું હતું. તેની પરીક્ષા મહત્વની હતી. તે અફસોસ વ્યક્ત કરવા લાગી. રેતાએ તેને ચિંતા ન કરવા કહ્યું.

રેતાને મોડી રાત્રે ઊંઘ આવી. પણ એક ભયાનક સપનું આવતા જાગી ગઇ.

*

વિરેને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે લાકડામાંથી બનેલું એક મકાન હતું. એમાં તે એક ખાટલામાં સૂતો હતો. તેણે આમતેમ નજર ફેરવી પણ કોઇ દેખાતું ન હતું. ઘર સામાન્ય અને જૂનું લાગતું હતું. ઘરમાં ખાસ કોઇ સામાન ન હતો. તેણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો. શરીરમાં દુ:ખાવો થયો. તે પાછો પથારીમાં સૂઇ ગયો. તેને કંઇ સમજાતું ન હતું. તેણે માથા પર હાથ દાબ્યો. તેને વધારે દુ:ખાવો થયો. માથે પાટો બાંધવામાં આવ્યો હોય એવું અનુભવાયું. માથામાં ઇજા પહોંચી હોય એવો અહેસાસ થયો. નજીકની બારીમાંથી ઠંડો પવન સૂસવાટા સાથે વહી આવતો હતો. તેને શરીરમાં ધ્રૂજારીનો અનુભવ થયો. અચાનક ઝાંઝરનો રણકાર સંભળાયો. તેણે સૂતાં સૂતાં પહોંચે એટલી નજર કરી. કોઇ દેખાયું નહીં. ધીમે ધીમે ઝાંઝરનો રણકાર નજીક આવવા લાગ્યો. તેણે મહામહેનતે સહેજ ઊંચા થઇને જોવાનો પ્રયત્ન કર્યો. દરવાજામાં કોઇ સ્ત્રી પ્રવેશી રહી હતી. દૂરથી જ એ અપ્સરા જેવી લાગતી હતી. ઊંચા થવાથી તેને શરીરનું કળતર વધી ગયું. આંખો ખુલ્લી રાખી એ ખાટલામાં પડી રહ્યો. એના નજીક આવવાની રાહ જોવા લાગ્યો. સ્ત્રી નજીક આવી. એણે વિરેન પર પોતાનો ચહેરો ઝુકાવ્યો. એની આંખો ખુલ્લી જોઇ તે બોલી:"તમે જાગી ગયા?"

એ કોઇ રૂપવતી યુવતી હતી. તેનો મધુર સ્વર જાણે કાનમાં મધ ઘોળી રહ્યો હતો. તેના ચહેરાની સુંદરતા એટલી બધી હતી કે વિરેન આંખનું મટકું મારી શક્યો નહીં. ચહેરો જાણે પૃથ્વી પર ઉતરી આવેલો ચાંદ જ જોઇ લો. તે હસી ત્યારે ફૂલ ઝરતા હોય એવું લાગ્યું. સુંદર યુવતી અત્યંત મોહક લાગતી હતી.

તેનો જવાબ ના આવ્યો એટલે વિરેનનો હાથ પોતાના ગોરા અને કોમળ હાથમાં લઇ કહ્યું:"તમને કોઇ તકલીફ તો નથી ને?"

વિરેનને આ યુવતી કોઇ મોહિની જેવી જ લાગતી હતી. તેના હાથનો સ્પર્શ આખા શરીરમાં રણઝણાટી ફેલાવી ગયો હતો. વિરેન જાતને સંભાળીને મુશ્કેલીથી બોલ્યો:"ના..."

વિરેને તેની આંખોમાં જોયું. એની આંખોમાં ગજબનું આકર્ષણ હતું. આંખોમાં ડૂબી જવાય એવો કેફ હતો.

"હાશ..." કહી એ કોમલાંગિની વિરેનના ચહેરા પર વધારે ઝૂકી અને તેના હોઠ પર પોતાના ગુલાબની કળી જેવા નાજુક હોઠ ચાંપી દીધા. એના હોઠના સહેજ ભીના સ્પર્શથી વિરેનની રગેરગમાં રોમાંચ ફેલાઇ ગયો. તેના નાજુક અંગોના શરીર સાથેના સંપર્કથી બધો દુ:ખાવો ભુલાઇ ગયો. યુવતીનું નાજુક શરીર તેના કળતર પર જાણે મલમનું કામ કરવા લાગ્યું. રોમરોમમાં ઘંટડીઓ રણકવા લાગી. તે આશ્ચર્ય સાથે મધુરસ પી રહ્યો હતો. થોડીવારે યુવતી અળગી થઇ. પુલકિત અવસ્થામાં રહેલો વિરેન તેને જોઇ જ રહ્યો. તેને થયું કે એ કોઇ સપનું જોઇ રહ્યો છે કે શું? તેણે પૂછ્યું:"હું કોણ છું? અહીં કેમ છું? અને તમે કોણ છો?"

વધુ છઠ્ઠા પ્રકરણમાં...

***

ઓકટોબર -૨૦૨૦ સુધીમાં ૫.૩૮ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.