Pati Patni ane pret - 6 books and stories free download online pdf in Gujarati

પતિ પત્ની અને પ્રેત - 6

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૬

રેતા 'વિરેન' ના નામની ચીસ પાડીને પથારીમાં બેઠી થઇ ગઇ. આજે ગિનીતા તેની બાજુમાં જ સૂઇ ગઇ હતી. એ ગભરાઇને જાગી ગઇ. જોયું તો રેતા બે હાથ ફેલાવી 'વિરેન...વિરેન...' ની બૂમો પાડી જાણે એને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના કપાળ પર પરસેવો હતો. ડરથી તે ધ્રૂજી રહી હતી. ગિનીતાએ રેતાને હચમચાવી. "ભાભી...ભાભી...આંખો ખોલો...શું થયું છે?"

રેતા એક આંચકા સાથે વાસ્તવિકતામાં આવીને આંખો ચોળતી આમતેમ જોવા લાગી. પોતે ઘરના બેડરૂમમાં હતી અને બાજુમાં ગિનીતા એના શરીરને હલાવી રહી હતી. 'ઓહ! તો શું પોતે સપનું જોઇ રહી હતી?" એક પળ તો તેને આ સપનું હતું એમ માની રાહત થઇ પણ બીજી જ પળે એક અજાણ્યો ડર તેના ચહેરા પર આવી ગયો. "આ સપનું સાચું તો નહીં હોય ને?"

ગિનીતાએ ફરી કહ્યું:"ભાભી...શું થયું? કોઇ ખરાબ સપનું જોયું?"

"હા...હા...વિરેનની કારને અકસ્માત થયો..." રેતાએ રડતાં-રડતાં કહ્યું.

ગિનીતા તેની પીઠ પર હાથ ફેરવવા લાગી. પછી બાજુના ટેબલ પર મૂકેલા જગમાંથી પાણી કાઢી રેતાને ગ્લાસ આપ્યો. રેતા એક જ ઘૂંટડે બધું પાણી પી ગઇ. રેતાને શાંત થયેલી જોઇ ગિનીતા તેના માથા પર હાથ ફેરવતાં બોલી:"ભાભી, તમે સપનું જોયું છે. ભાઇને કંઇ થવાનું નથી. તમે આખી રાત ચિંતામાં હતા અને જાતજાતના વિચાર કરતા હતા એની જ આ અસર છે. તમે સપનાંને ભૂલી જાવ. આપણે આજે વિરેનને શોધી કાઢીશું. એ સલામત હશે..."

"બેન, માતાજી કરે વિરેન સલામત જ હોય. પણ કહે છે કે સવારના સપનાં સાચા પડે છે. મેં જોયું કે વિરેન કારમાં પૂર ઝડપે તારાગઢથી નીકળીને ઘર તરફ આવી રહ્યો છે. અચાનક ભારે વરસાદ ચાલુ થઇ ગયો. રસ્તા પર પાણી પાણી થઇ ગયું. તે કાર ચલાવતો જ રહ્યો. આગળ વધતો જ રહ્યો. એકાએક તેની કારની લાઇટ બંધ થઇ ગઇ અને અંધારામાં એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ. હું ચીસ પાડતી તેને બચાવવા બૂમો પાડવા લાગી...."

"ભાભી, અકસ્માત થયો હશે તો પણ વિરેન બચી ગયો હશે. એને ઊની આંચ આવી નહીં હોય. તમે થોડીવાર સૂઇ જાવ. મનને આરામ આપો. વધારે વિચારો ના કરશો...." ગિનીતાએ કહ્યું ત્યાં દક્ષાબેન દોડતા આવ્યા. "રેતા..બેટા રેતા...શું થયું? કેમ આમ ચીસો પાડે છે?"

"મા, કંઇ થયું નથી. ઊંઘમાં તે વિરેનને બૂમો પાડી રહી હતી." ગિનીતાએ માને સપનાની વાત કરવાનું ટાળ્યું.

"મને તો રેતાને એકલી મોકલતાં જીવ ચાલતો નથી. પણ થાય શું? હું તારા પપ્પાને છોડીને જઇ શકું એમ નથી. માતાજી મારા વિરેનની રક્ષા કરજો..." કહેતાં દક્ષાબેન ગિનીતાની બાજુમાં બેસી ગયા.

"મા, તમે ચિંતા ના કરશો. હું તારાગઢ જઇને રિલોકની મદદ લઇશ..." રેતાએ કહ્યું.

"હા વહુ બેટા, તું વિરેનની કંપનીમાં વાત કરીશ તો એ તને જરૂર મદદ કરશે..." બોલીને દક્ષાબેન આંસુને અટકાવવા લાગ્યા.

"હું હવે તૈયાર થઇ જાઉં. થોડા વહેલા નીકળી જઇએ. ગિનીબેન, તમે ડ્રાઇવરને ફોન કરી દો ને..." કહી રેતા પોતાની જાત સંભાળતી ઊભી થઇ.

ગિનીતાએ તરત જ ડ્રાઇવર સુરેખને ફોન લગાવ્યો અને જલદી આવી જવા કહ્યું.

રેતા ડ્રાઇવર સાથે કાર લઇને તારાગઢ જવા નીકળી ત્યારે દક્ષાબેન અને ગિનીતાની આંખ ભીની થઇ. એમણે માંડ માંડ આંસુને રોક્યા.

કાર તારાગઢ તરફ આગળ વધી રહી હતી. ડ્રાઇવરે સમય પસાર કરવા સ્પીકર ચાલુ કર્યું. પેનડ્રાઇવમાં મૂકેલું ગીત વાગવા લાગ્યું અને રેતાને વિરેન તીવ્રતાથી યાદ આવવા લાગ્યો.

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

મને ભૂલી ના જાતો રે...

જન્મોજનમનો નાતો રે...

યુગોયુગો યાદ રહેશે....

તારી-મારી વારતા રે...

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

રેતા મનોમન બોલી:"સાયબા, હું આવી રહી છું. મારી રાહ જોજે..."

રેતા રસ્તામાં સતત બંને બાજુ જોતી રહી. કોઇ કાર ઊભેલી જુએ કે કોઇ અકસ્માતનો બનાવ જુએ કે તરત સુરેખને કાર ધીમી કરવા સૂચના આપતી હતી.

એક જગ્યાએ વિરામ લઇને રેતાની કાર તારાગઢની કંપનીની ઓફિસે પહોંચી ત્યારે રેતાને અહીંનું કુદરતી વાતાવરણ ગમ્યું. ચારે તરફ વૃક્ષો આચ્છાદિત પહાડો હતા. ઠંડો પવન વહી રહ્યો હતો. વિરેનની ચિંતાથી દુ:ખી રહેલા મનને જાણે થોડી શાતા મળી. વિરેન હવે મળી જશે એવી આશાએ મન શાંત થયું. રિલોકને ફોન કરી દીધો હતો એટલે તે આવી પહોંચ્યો હતો.

"આવો ભાભી..." રિલોકે રેતાને બેસવા કહીને ચા મંગાવી.

"રિલોક, આપણે પહેલાં પોલીસ સ્ટેશન પર જઇએ. જ્યાં સુધી વિરેનના કોઇ સમાચાર નહીં મળે ત્યાં સુધી મારા ગળે કંઇ ઉતરશે નહીં..." રેતાના સ્વરમાં ભીનાશ હતી.

"ઠીક છે ભાભી. કંપનીના મેનેજરે પોલીસમાં ફોન કરી દીધો છે. એ લોકો આપણાને મદદ કરશે..." કહી રિલોક ઊભો થયો.

પોલીસ મથક ઘણું દૂર હતું. રેતા અને રિલોક પોલીસ મથકે પહોંચ્યા. પોલીસે રેતાની વાત સાંભળી અને તેના મોબાઇલમાંથી ફોટો મેળવ્યો. પછી રજીસ્ટર તપાસીને કહ્યું:"આવી કોઇ વ્યક્તિ ગૂમ થઇ હોય કે આ નંબરની કારને અકસ્માત થયો હોય એવી કોઇ જાણકારી નથી. અમે વિરેન ગૂમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધી લઇએ છીએ. બીજા પોલીસ મથકોમાં પણ વિરેનનો ફોટો મોકલી આપીએ છીએ. કોઇ માહિતી મળશે તો તમને ફોન કરીશું..."

પોલીસે ઝડપથી કામગીરી કર્યાનો સંતોષ માન્યો. રેતાને થયું કે એમની પાસે આશા રાખવી નકામી છે.

તેને એક વિચાર આવ્યો અને તે બોલી:"સાહેબ, વિરેનના મોબાઇલને ટ્રેસ કરી જુઓને...."

પોલીસ અધિકારી વિચારમાં પડ્યા પછી બોલ્યા:"બેસો થોડીવાર, પ્રયત્ન કરી જોઉં..."

થોડીવાર પછી પોલીસ અધિકારી આવ્યા અને બોલ્યા:"તારાગઢમાં જ છેલ્લું લોકેશન બતાવે છે. કદાચ તેમનો મોબાઇલ ક્યાંક પડી ગયો હશે. અમને માહિતી મળશે તો ચોક્કસ જાણ કરીશું...."

રેતા સમજી ગઇ કે પોલીસ તેમના કાયદા અને નિયમ પ્રમાણે તપાસ કરશે મારી લાગણીને ધ્યાનમાં રાખીને વિરેનને શોધવા દોડવાની નથી. તે રિલોકની સાથે પોલીસ મથકની બહાર આવી અને કારમાં બેસતાં બોલી:"રિલોક, પોલીસના ભરોસે બેસી રહેવાય નહીં. તું વિરેનની અહીંની મુલાકાતની પળેપળની વિગત મને આપ..."

રિલોકે વિરેન આવ્યો અને વિદેશી ડેલિગેશન સાથે ફરીને છેલ્લે તેને 'આવજે' કરીને નીકળ્યો ત્યાં સુધીની વાત કરી દીધી.

રેતાને થયું કે વિરેન તારાગઢ વિસ્તારમાં જ ક્યાંક ગાયબ થયો છે. ફેકટરી પરથી નીકળ્યા પછી તે કોઇને ક્યાંય દેખાયો લાગતો નથી કે તેના વિશે કોઇ માહિતી નથી. તેણે કારને ફેકટરી પર લેવડાવી. પછી રિલોક સાથે એ જગ્યા જોઇ જ્યાંથી વિરેન કાર લઇને ઘર તરફ નીકળ્યો હતો. રેતાએ એ માર્ગ પર કારને આગળ લઇ જવા સુરેખને કહ્યું. થોડે દૂર ગયા પછી ત્રણ રસ્તા આવ્યા. એક રસ્તો તારાગઢ તરફ જતો હતો અને બીજો વળાંક હતો એની ખબર ન હતી. રેતાએ પૂછ્યું ત્યારે રિલોક કહે:"ભાભી, આ રસ્તો જંગલ તરફ જાય છે. ત્યાંથી ઘાટી શરૂ થાય છે અને એ પછી બીજા રાજ્યની સરહદ આવે છે. એ તરફ જવાનો કોઇ અર્થ નથી..."

"આ રસ્તા પર ફેકટરીની કોઇ ઓફિસ કે બીજું કંઇ નથી?" રેતાએ પૂછ્યું.

"ના, આ રસ્તે જવાની જરૂર પડતી નથી. હા, આપણો માલ બીજા રાજ્યમાં આ રસ્તેથી ટ્રકમાં જાય છે..." રિલોકને રેતાના સવાલથી નવાઇ લાગી હતી.

"એવી કોઇ જગ્યા કે સ્થળ છે જ્યાં લોકો ફરવા જતા હોય..." રેતાએ કંઇક યાદ આવતાં પૂછ્યું.

"હં...એવું તો કોઇ ખાસ સ્થળ નથી. વનરાજી છે અને કુદરતી વાતાવરણ છે...." બોલીને પછી એકદમ ઉત્સાહમાં આવી રિલોક બોલ્યો:"હા, આ રસ્તે એક સનસેટ પોઇન્ટ છે. જેના વિશે મારી વિરેન સાથે વાત થઇ હતી. ચોમાસામાં કોઇ જતું નથી. પણ એ જવાનો ન હતો. એવી કોઇ વાત કરી ન હતી. તો શું એ ત્યાં ગયો હશે? એ રસ્તો બહુ જોખમી છે..." રિલોકનો અવાજ છેલ્લે ધ્રૂજી ગયો.

રેતાએ નક્કી કરી લીધું. "સુરેખ, એ રસ્તે ગાડી લઇ લે..."

અનેક ઉતાર –ચઢાવવાળા રસ્તા પરથી પસાર થતી વખતે રેતાની નજર ચારેતરફ ફરતી હતી. રિલોક પણ જોઇ રહ્યો હતો. થોડે દૂર ગયા પછી બે રસ્તા આવતા હતા. રેતાએ કાર ધીમી પડાવી. તેની નજર એક ઝૂંપડી પર પડી. ત્યાં હોટલ જેવું હતું. રેતા અને રિલોક કારને રસ્તાની બાજુમાં પાર્ક કરાવી ઝૂંપડી પાસે ગયા. એક આદિવાસી જેવો માણસ કંઇક બનાવી રહ્યો હતો. રેતાએ રસ્તા વિશે પૂછ્યું. તેને આદિવાસી ભાષા જ આવડતી હતી. રેતાએ પછી લાલ રંગની કોઇ કાર જોઇ હતી કે કેમ? એવો સવાલ કર્યો. તેને કાર કોને કહેવાય એની સમજ ન હતી. રેતાએ એને સનસેટ પોઇન્ટ વિશે પૂછ્યું. તેણે પોતાની અજ્ઞાનતા દર્શાવી. રિલોકને અચાનક કંઇક યાદ આવ્યું. એણે મોબાઇલની ફોટો ગેલેરીમાંથી સૂરજનો ફોટો બતાવી ઇશારાથી તેના આથમવાની જગ્યા પૂછી. આદિવાસી માણસે બીજા રસ્તે વળી જવા કહ્યું. રેતાએ કારને તરત જ એ રસ્તે લેવડાવી. એકલ-દોકલ ટ્રક અને ટેમ્પોની અવરજવર થતી હતી. તેણે કારને એકદમ ધીમે ચલાવવા સૂચના આપી હતી. એક જગ્યાએ તેને દૂરથી કોઇ વસ્તુ ચમકતી દેખાઇ. તેણે કારને ઊભી રાખવા કહ્યું.

***

વિરેન પોતાની ઓળખ પૂછી રહ્યો હતો. એના સવાલો સાંભળી નાગદાના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ ખેંચાઇ અને વીજળીના ચમકારની જેમ તરત જ ચાલી ગઇ. તેણે પોતાનું આશ્ચર્ય છુપાવતાં હસીને કહ્યું:"કેમ ભૂલી ગયો? કે નાટક કરે છે?"

સુંદર યુવતીના ટહુકતી કોયલ જેવા સ્વરથી અભિભૂત થઇ રહેલો વિરેન જવાબ આપવાને બદલે વિચારમાં પડી ગયો. પોતે પોતાના વિશે જ આ સ્ત્રીને પૂછી રહ્યો છે? હમણાં તો એની સાથે પ્રેમ કરી રહ્યો હતો. એના અધરોના પ્યાલા તો ગટગટાવીને પીધાં. આ સ્ત્રી નક્કી પોતાની કોઇક છે. એક પુરુષ સાથે પ્રેમની મસ્તી અમસ્તી ના કરે. વિરેન ચારે તરફ જોવા લાગ્યો. જગ્યા યાદ આવતી નથી. આ જગ્યાએ અગાઉ કોઇ વખત આવ્યો હોઉં કે રહેતો હોઉં એવું લાગતું નથી. સ્ત્રીનો ચહેરો ગમી જાય એવો છે, પણ પહેલી વખત જોતો હોઉં એવું જ કેમ લાગે છે. આ સ્ત્રી સાથે પોતાનો કોઇ સંબંધ હોવો જોઇએ. તે આત્મિયતાથી વાત કરી રહી છે. પોતાની વ્યક્તિ હોય એવું વર્તન કરી રહી છે. જો એમ ના હોય તો આવી અંગત રીતે વાત કે પ્રેમ વ્યવહાર કરે નહીં. આ કોઇ અપ્સરા જેવી દેખાય છે. હું સ્વર્ગલોકમાં તો નથી? તે બેઠો થવા ગયો. શરીરનો દુ:ખાવો વધી ગયો. તે દુ:ખાવાને અવગણીને બેઠો થયો.

નાગદાએ તેના બંને ખભા પર હાથ મૂકી અટકાવતા કહ્યું:"તું આરામ કર. શરીરને કષ્ટ ના આપ..."

"પણ મને શું વાગ્યું છે? મારું શરીર કેમ દુ:ખે છે?" વિરેન જોઇ રહ્યો કે તેના માથા પર પાટો બાંધેલો છે અને શરીર પર નાના ઘાવ છે. તે ઇજા પામ્યો છે. આ સ્ત્રીએ જ તેને સારવાર આપી હોવી જોઇએ.

"તું સાજો થઇ જઇશ એટલે યાદ આવી જશે કે શું થયું હતું..." નાગદા બોલી અને વિરેનને જબરદસ્તી સૂવડાવી દીધો. વિરેનને આરામ લાગ્યો.

નાગદા ફરી ઝૂકી અને તેના ગાલ પર ચુંબન કર્યું. વિરેનને થયું કે ગાલ પર મોરપિંછ ફરી રહ્યું છે. વિરેનને સમજાતું ન હતું કે આ સ્ત્રી પોતાના પર આટલો પ્રેમ કેમ લૂંટાવી રહી છે? શું તે મારી પ્રેમિકા કે પત્ની હશે?

વધુ સાતમા પ્રકરણમાં...

***

નવેમ્બર -૨૦૨૦ સુધીમાં ૫.૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED