પતિ પત્ની અને પ્રેત - 8 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - 8

પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર

પ્રકરણ-૮

વિરેનને કંઇ સમજાતું ન હતું. એ પોતે જ પોતાની ઓળખાણ કેમ પૂછી રહ્યો છે? આ સ્ત્રી હું સાજો થયા પછી મને બધું યાદ આવી જશે એમ કેમ કહી રહી છે? હું મારો ભૂતકાળ ભૂલી ગયો છું? મને કેમ કંઇ યાદ આવી રહ્યું નથી. આ સ્ત્રી ખરેખર છે કોણ? તે મને આટલો બધો પ્રેમ કેમ કરી રહી છે? એનું ચુંબન, એનો સ્પર્શ મને કોઇ બીજી જ દુનિયામાં લઇ જઇ રહ્યો છે. હું તેના મોહપાશમાં બંધાયેલો કેમ લાગું છું? એ છેજ કેટલી સુંદર અને નખરાળી. અત્યારે મને કહીને કેવી મટકાતી ચાલે જઇ રહી છે. તેના અંગેઅંગમાંથી મસ્તી ફૂટી રહી છે. કોઇપણ પુરુષનું મન કાબૂમાં ના રહે એવું એનું મદમાતું યૌવન છે. એના વસ્ત્રો પરથી તે વનકન્યા હોય એવું લાગી રહ્યું છે. શરીર પર નામ માત્રના કપડાં છે. છાતી પરની ટૂંકી ચોળીમાંથી એની જવાની છલકી રહી હતી. કમર પર પેટથી સાવ નીચે નાનકડું સ્કર્ટ જેવું વસ્ત્ર એના સાથ માટે લલચાવે એવું છે. એનો મારી સાથે કયો સંબંધ છે? અને હું એની સુંદરતા વિશે જ કેમ આટલું બધું વિચારી રહ્યો છું. મારી પોતાની ઓળખ કઇ છે? હું ક્યાં છું? ક્યાંથી આવ્યો છું? હું શું કરું છું?

વિરેનના મનમાં પ્રશ્નો ઘૂમરાવા લાગ્યા. હું એને વધારે સવાલો પૂછવા માગું છું. પણ એ નજીક આવે છે અને મદહોશ કરી દે છે. હું ખરેખર હોશમાં રહેતો નથી એમ કેમ લાગે છે? અત્યારે તે ક્યાંક ચાલી ગઇ છે. હવે આવે એટલે મન પર કાબૂ રાખીને મારા વિશે માહિતી કઢાવીને જ રહીશ. વિરેનને પોતાના વિશે જાણવાની એટલી તાલાવેલી થવા લાગી કે ઊઠીને તે બહાર જઇ તપાસ કરે એવો વિચાર આવ્યો. તેણે પગ હલાવ્યા પણ દુ:ખાવાને કારણે એ પોતાના વિચાર પર અમલ કરી શક્યો નહીં. વિરેન આસપાસમાં નજર નાખવા લાગ્યો. તે જ્યાં સૂતો હતો એ એક મોટું ઘર હતું. બે બારી અને એક દરવાજો હતો. બંને બારીમાંથી નજર પહોંચે ત્યાં સુધી વનરાજી હતી. એક બારી તો વૃક્ષની ડાળીથી અડધી ઢંકાયેલી હતી. પોતે કોઇ જંગલ જેવા વિસ્તારમાં છે. એ સ્ત્રીના વસ્ત્રો પણ એવા જ લાગે છે. પોતે આ જગલમાં શું કરતો હશે? તેણે પોતાના કપડાં પર નજર નાખી. કમર પર લુંગી જેવું અને ઉપરના ભાગમાં બંડી જેવું વસ્ત્ર હતું. જો પોતે આવા કપડાં પહેરતો હોય તો તનમનને કેમ વિચિત્ર અનુભવ થઇ રહ્યો છે? ઘરમાં બધી બાજુ નજર નાખી તો ખાસ કંઇ હતું નહીં. વિરેન માથું પકડીને વિચારવા લાગ્યો. તેનાથી માથા પર દબાણ અપાઇ ગયું. તે દર્દથી ચીસ પાડી ઊઠયો.

વિરેનની ચીસ સાંભળી નાગદા દોડતી આવી.

આવીને એ પ્રેમથી બોલી:"શું થયું પ્રિયવર! આમ ચીસ કેમ પાડી?"

એના મધમીઠા શબ્દોએ જાણે મન પર લેપનું કામ કર્યું. વિરેનના હાથને હળવેથી માથા પરથી હટાવી કપાળ પર કોમળ હોઠનું ચુંબન આપી એ બોલી:"તમને માથામાં વાગ્યું છે. ત્યાં કંઇ ના કરો...."

નાગદાની હાજરીથી જ અડધો દુ:ખાવો જાણે અલોપ થઇ ગયો. વિરેન તેની આંખમાંથી છલકાતો પ્રેમ જોઇ રહ્યો. તેનો ગોળ ચાંદ જેવો ચહેરો અને ગોરા-ગોરા ગાલ ચમકી રહ્યા હતા. ગુલાબી હોઠ સળવળી રહ્યા હતા. વિરેને પોતાની જાત પર કાબૂ રાખીને પૂછી જ લીધું:"મને આ ઇજાઓ કેવી રીતે થઇ?"

"મેં તમને પહેલાં જ કહ્યું કે થોડી રાહ જુઓ. બધું સારું થઇ જશે અને તમને યાદ આવી જશે. તમે આમ ચિંતા કરીને મગજ પર દબાણ ના આપો. તમે અહીં સલામત છો. હું છું ને?" નાગદાનો સ્વર વિરેનને સંમોહિત કરી રહ્યો હતો.

"પણ મને જાણવાની ઇચ્છા છે. હું અહીં કેમ છું? ક્યાંથી આવ્યો છું? તું કોણ છે?" વિરેન હવે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કર્યા વગર રહી શક્યો નહીં.

નાગદા મીઠુંમધુરું હસી. તેના હાસ્યની મોહીનીમાં ડૂબી જવાને બદલે વિરેને સવાલનો મારો ચાલુ રાખ્યો:"તું પરીલોકમાંથી આવી છે કે શું? કેટલી સુંદર છે! તારા વિશે પણ કંઇ જણાવને."

નાગદાને લાગ્યું કે વિરેન સાથે વાત કરવી પડશે. તેણે વાતને થોડી ટાળવા કહ્યું:"એક કામ કરું છું. હું જમવાનું લઇ આવું છું. તમે જમો ત્યારે હું વાત કરતી જઇશ."

વિરેનના જવાબની રાહ જોયા વગર નાગદા ઊભી થઇને બાજુના રૂમમાં રસોડું હતું ત્યાં જવા લાગી. વિરેન ફરી એની ચાલ, એના પાછળના અંગોનું આંદોલન આંખ ભરીને જોઇ રહ્યો. વિરેનને થયું કે આ સ્ત્રીનું શરીર કોઇપણ પુરુષને પાગલ બનાવી દે એવું છે. પછી પોતાના મન પર સંયમ રાખવા વિરેને નજર બારી તરફ ફેરવી દીધી.

નાગદા થોડી જ વારમાં જમવાની થાળી લઇને આવી. તેણે ધીમેથી વિરેનને બેઠો કર્યો. થાળીમાં ભાત અને શાક હતા. તેણે ભાત અને શાકને ચોળીને એક કોળિયો લઇ વિરેનના મોંમાં મૂક્યો. વિરેન તેને લાડથી ખવડાવતાં જોઇ રહ્યો. એક પછી એક કોળિયા મોંમાં મૂકતી નાગદાને બસ જોતો જ રહ્યો. તેના ખુલ્લા માંસલ ખભા. અર્ધચોળીમાં ના સમાતું અને બહાર ડોકિયાં કરતું યૌવન. પેટની ડુટીમાં ભરાવેલી રીંગ. કમરનો આકર્ષક વળાંક. તે જાણે નાગદાના યૌવનને અવલોકી રહ્યો. નાગદા એવું જ ઇચ્છતી હતી કે વિરેન તેની જવાનીની મસ્તીમાં મસ્ત રહે. તેણે કોઇ વાત કરવાની ઉતાવળ ના કરી. વિરેન ઘણું બધું ખાઇ લીધા પછી એકદમ તેના રૂપયૌવનમાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો:"સાચું કહે તું કોઇ પરી છે? અપ્સરા છે?"

"હા, તું એવું માનતો હોય તો એ જ છું!" કહી નાગદા હસી.

"તો પછી હું કોણ છું?" વિરેન પૂછી રહ્યો.

નાગદા આંખોને નચાવતી હસીને બોલી:"હું તમારી પત્ની છું."

વિરેન તો ખુશ થઇ ગયો:"હું તારો પતિ છું! તું મારી પત્ની છે! આપણે જન્મોજનમના બંધનમાં છે?"

"હા, પ્રિયવર!" કહી નાગદા થાળી લઇને ઊભી થઇ. વિરેને ઉત્તેજનામાં તેનો હાથ પકડી લીધો. તેનું નાજુક કડું દબાયું. તે મસ્તીમાં છોડાવતાં બોલી:"ઊભા રહો, હું હાથ ધોઇને આવું..."

વિરેનની ખુશીએ નાગદાના તનમનમાં તરવરાટ લાવી દીધો. તેને થયું કે પોતે જે ક્ષણની રાહ જોઇ રહી હતી એ આવી ગઇ છે.

થોડીવાર પછી નાગદા તૈયાર થઇને આવી અને વિરેનને બાઝી પડી. નાગદા વિરેન સાથે સંબંધ બાંધવા ઉતાવળી બની હતી. તેને થયું કે પોતે હવે વધારે રાહ જોવી પડશે નહીં. વિરેન પર પોતાના રૂપની મોહિની પાથરવામાં સફળ થઇ ગઇ છે.

નાગદાને વધારે સુંદર જોઇ વિરેનનું મન લલચાવા લાગ્યું. તે પોતાના શરીરની પીડાને ભૂલી ગયો. તેણે નાગદાના સુંદર ચહેરાને આંખોમાં ભરી લઇને બાથ ભરી. નાગદા પણ એને નાગની જેમ વીંટળાઇ ગઇ. બે જીવ એક થવા માટે થનગનવા લાગ્યા. વિરેન આંખો બંધ કરીને નાગદાના શરીર ફરતે હાથ ફેરવી તેના નાજુક અંગોને અનુભવી રહ્યો હતો. નાગદા હવે આ પળને બરબાદ કરવા માગતી ન હતી. તેણે પોતાના રૂપનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. નાગદા જાણતી હતી કે તેનું આ રૂપ કોઇને પણ પાગલ બનાવી દે એવું હતું. વિરેનને તે આ રૂપના દરિયામાં હિલોળા લેતો કરવા માગતી હતી. અચાનક કોઇ વીજળી પડી હોય એમ વિરેન અટકી ગયો. તેના દિલમાંથી એક અવાજ આવ્યો:"તું આ શું કરી રહ્યો છે? આ સ્ત્રી સાથે કયા સંબંધથી સંબંધ બાંધવા જઇ રહ્યો છે. દિલમાં તો એનું કોઇ નામ- કોઇ વજૂદ નથી. કયા આધારે તું આ સ્ત્રીનો થઇ રહ્યો છે?"

નાગદાને આંચકો લાગ્યો. તેને થયું કે કિનારે આવીને વહાણ ડૂબી જશે કે શું? તે પ્રેમથી બોલી:"પ્રિયવર, શું થયું? કેમ ખસી ગયા?"

"હું..હું..." વિરેનને કંઇક કહેવાનો વિચાર આવ્યો પણ તે અટકી ગયો અને બહાનું કરતાં બોલ્યો:"મને..મને..દુ:ખાવો થાય છે..."

વિરેનને થયું કે તેનું મન આ સ્ત્રીની મોહમાયામાં ફસાઇ ગયું છે. મન મનોરંજન મેળવી રહ્યું છે પણ દિલ કોઇ અજીબ પીડા અનુભવે છે. દિલ મનથી કંઇક અલગ જ કહે છે. મારા દિલ પર આ સ્ત્રીનો અધિકાર નથી? તો કોણ છે એ સ્ત્રી? જેના માટે મારું દિલ ધડકે છે?

વધુ નવમા પ્રકરણમાં...

***

નવેમ્બર -૨૦૨૦ સુધીમાં ૫.૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.