પતિ પત્ની અને પ્રેત - 1 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - 1

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

વિરેન અને રેતાના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષના પરિવારો ઉમંગથી લગ્નની દરેક વિધિને જોતા અને માણતા રહ્યા. કેટલાકે કહ્યું પણ ખરું કે આ જમાનામાં હવે લોકો આટલી ધાર્મિકતા અને શ્રધ્ધાથી લગ્નમાં ભાગ લેતા નથી. વિરેન અને રેતાનું જોડું જ એવું છે કે હર કોઇને એમના માટે લાગણી છે. બધાં સમયસર આવી ગયા અને દરેક વિધિને જોઇ જ નહીં સમજી પણ ખરી. રવિભાઇ મહારાજે પણ સમયની ચિંતા કર્યા વગર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવ્યા. તેમણે પહેલાં જ કહ્યું હતું કે જો તમારે ઉતાવળ ના હોય તો હું દરેક વિધિ જ નહીં શ્લોક પણ સમજાવીશ. વિરેન જ નહીં તેના આખા પરિવારે એમને સંમતિ આપી હતી. વર્ષો પછી લોકોએ સાચા લગ્ન જોયા હોય એવું લાગ્યું. લગ્નમાં કોઇને કોઇ કારણસર મોડું થઇ જતું અને એની સીધી અસર લગ્નની વિધિના સમય પર થતી. લગ્નની વિધિનો સમય બીજા બિનજરૂરી કામોને કારણે ટૂંકો થઇ જતો. એવી કોઇ સમસ્યા ઊભી ના થઇ. મહારાજે પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવાના લાભ વચ્ચે જણાવ્યા અને આજકાલ લગ્ન જલદી તૂટી જાય કે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ વધારે થાય છે એ માટે તેને સમજ્યા ન હોવાની ટકોર કરી. મહારાજે એટલું સરસ સમજાવ્યું કે દૂરદૂરથી આવેલા લોકોને પહેલી વખત ખ્યાલ આવ્યો કે બીજા બધાં ધાર્મિક અનુષ્ઠાનોની જેમ વિવાહ સંસ્કાર એક ધાર્મિક વિધિ જ છે. વર અને કન્યા એકબીજાને ફૂલના હારની વરમાળા પહેરાવે છે. પણ મહારાજ સૂતરની એક જ આંટી બંનેને પહેરાવે છે, એનો અર્થ એ થાય કે બંનેના દિલ એક થાય. બધાંને થયું કે આ જોડી જન્મોજનમ જ નહીં યુગો યુગો માટે બંધાઇ રહી છે.

વિરેન અને રેતાના મનમાં લગ્નનો અનેરો ઉમંગ તો હતો એની સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા હોય એટલી જ શ્રધ્ધા સાથે રવિભાઇ મહારાજના આદેશોનું ધ્યાનથી અનુસરણ કરી રહ્યા હતા. હસ્તમેળાપ કરાવવાનું કારણ એકબીજાનો સાથ એવું સામાન્ય જ્ઞાન ધરાવતા લોકોને રવિભાઇએ સમજાવ્યું કે આ બે હૈયાનો મેળાપ છે. તેમના દિલમાં એકબીજા માટેની આત્મિયતા પ્રગટે છે. લગ્ન એ બે આત્માઓના મિલનનું પર્વ છે. રવિભાઇએ સપ્તપતિના એક-એક શ્લોક સમજાવ્યા ત્યારે વિરેન અને રેતાએ એકબીજા સામે આંખો ઝુકાવી જાણે એનું અનુસરણ કરવાની ખાતરી આપી. રવિભાઇ પણ ખુશ થઇ ગયા કે પહેલી વખત કોઇ દંપતિએ વિવાહને પવિત્ર અને મહત્વપૂર્ણ સંસ્કાર ગણીને લગ્ન કર્યા. તે ગદગદ હ્રદયથી બોલી ઊઠ્યા:"ભગવાન તમારી જોડી અમર રાખે. તમને બંનેને કોઇ અલગ ના કરી શકે. ભવોભવ આ બંધન રહે..." હાજર રહેલા વડિલોએ પણ વિરેન અને રેતાને દિલથી આશિર્વાદ આપ્યા. બધાંને આ યુગલના ચહેરા પર એક અલગ જ આભા જોવા મળી.

લગ્નના બીજા દિવસે સ્નેહમિલન જેવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અને સાથે એક સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ માટે બંને પક્ષના પરિવારોએ સુંદર કૃતિઓ તૈયાર કરી હતી. બધાંના ગીતો પ્રેમના અને પરિવારના હતા. સંગીત ધમાલિયું નહીં પણ ખળખળ વહેતા ઝરણા જેવું હતું. વિરેન અને રેતાએ સ્ટેજ પર બેસીને એ કાર્યક્રમને માણવાનો હતો. પરંતુ રેતાએ એક ગીત ગાવાની ઇચ્છા પ્રગટ કરી હતી. રેતા સારું ગાતી હતી. એણે ગીતમાં પોતાની લાગણીઓ રજૂ કરવી હતી. એણે ગીત છેડ્યું ત્યારે બધાં એના શબ્દોને અનુભવી રહ્યા. રેતાનું આ પ્રિય ગીત હતું. તે સગાઇ થઇ ત્યારથી જ વિરેનને સંભળાવતી રહી હતી. આજે બધાંની વચ્ચે લાગણીથી ગાઇ રહી હતી.

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

મને ભૂલી ના જાતો રે...જન્મોજનમનો નાતો રે...

યુગોયુગો યાદ રહેશે.... તારી-મારી વારતા રે...

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

પ્રેમના બંધને બંધાયા રે...સાથે સાથે હરખાયા રે...

કદી ના ભૂલીશું પ્રેમને રે... એકબીજાના છે પડછાયા રે....

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

રેતાના ગીત પછી તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. તેના ચહેરા પર ગીતના શબ્દોના ભાવ ઊગી નીકળતા હોય એવું વિરેન હેતની નજરે નિહાળી રહ્યો હતો. રેતાએ દિલથી ગીત ગાયું હતું. વિરેનને આ ગીત આજે વધારે સ્પર્શી ગયું હતું. તે મનોમન ગાઇ રહ્યો:" ઓ સાયબા રે......ઓ સાયબા રે...મને ભૂલી ના જાતો રે...જન્મોજનમનો નાતો રે..." તેને ભાવુકતા અનુભવતો જોઇ રેતાએ તેના હાથની હથેળી પોતાના હાથથી દબાવી. વિરેન ધીમેથી બોલ્યો:"સાયબા, તને ક્યારેય ભૂલી નહીં શકું...આ નાતો કોઇ તોડી નહીં શકે...." વિરેનના શબ્દોથી રેતાનું હ્રદય લાગણીની ભીનાશ અનુભવી રહ્યું.

બંનેએ હનીમૂન માટે દેશના કે વિદેશના કોઇ હિલસ્ટેશન પર જવાને બદલે એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નાનકડા ધોધ પાસે પ્રવાસે જવાનું ગોઠવ્યું હતું. બંને માનતા હતા કે લગ્નજીવનની શાંતિ કુદરતી વાતાવરણમાંથી જ મળશે. બંનેને પ્રકૃતિનો સાથ પસંદ હતો. પ્રકૃતિની ગોદમાં કલાકો સુધી બેસી રહેવાનું ગમતું હતું. બંનેના વિચારો અને શોખ સરખા જેવા હતા. બંને એકબીજા માટે જ બન્યા હોય એમ લાગતું હતું. લગ્નના ચાર દિવસ પછી બંને કાર લઇને પ્રવાસે નીકળી પડવાના હતા. સ્નેહમિલન કાર્યક્રમ પછી વિરેન અને રેતાએ બે દિવસ આરામ કર્યો. પ્રવાસે જવાની તૈયારી પૂરી કરી. વિરેને પંદર દિવસની રજા લઇ લીધી હતી. વિરેનને ખબર ન હતી કે તેને છેલ્લી ઘડીએ એક કામ આવી જવાનું હતું. કંપનીમાંથી ફોન આવ્યો કે એક દિવસ માટે તારાગઢ જવું પડશે. વિદેશથી એક ડેલિગેશન આવે છે અને એમને તારાગઢ પાસેની ફેકટરીની મુલાકાત કરાવવાની છે. તેમની કંપની સ્કિન કેરની વસ્તુઓ બનાવતી હતી. એમાં ફ્રૂટ જેલની માંગ વધારે રહેતી હતી. વિદેશમાંથી એનો મોટો ઓર્ડર મળે એમ હતો. વિદેશી ડેલિગેશન જેલને અસલ ફ્રૂટમાંથી બનાવવામાં આવે છે કે નહીં એ જોવા માટે આવ્યું હતું. જેને કામગીરી સોંપવામાં આવી હતી એ ભાઇ બીમાર પડી ગયો હતો. વિરેન સિવાય એમની પાસે કોઇ બીજો વિકલ્પ ન હતો. કંપનીએ વિરેનને વિનંતી કરી કે તે વિદેશી ડેલિગેશન સાથે તારાગઢની કંપની પર જઇ આવે. સવારે જઇને રાત્રે પાછા ફરવાનું હતું. વિરેન વર્ષોથી આ એક જ કંપની સાથે કામ કરતો હતો. તે ના પાડવાની સ્થિતિમાં ન હતો. તેણે રેતાને પોતાની પરિસ્થિતિની વાત કરી જવાની રજા માગી. રેતાએ કોઇ ફરિયાદ કે નારાજગી વગર વિરેનને જવા માટે પરવાનગી આપી દીધી. વિરેનને જ નહીં આખા પરિવારને થયું કે છોકરી કેટલી સમજુ છે. સમય સાથે અને બધાં સાથે અનુકૂળ થાય એવી છે. બધાંના મનમાં તેના પ્રત્યેનું માન વધી ગયું. લગ્ન પછી ફરવા જવાનું આયોજન માત્ર એક દિવસ મોડું થવાનું હતું તેનો કોઇ રંજ કે અફસોસ તેના ચહેરા પર દેખાયો નહીં. તેણે વિરેનના જવાની તૈયારી કરી દીધી. આખી રાત તે વિરેન સાથે જ રહી. સતત વાતો કરતી રહી. જાણે વિરેન યુધ્ધ લડવા જતો સૈનિક હોય અને જલદી પાછો ફરવાનો ના હોય કે જેના ફરવાની આશા ન હોય એ રીતે તેની સાથે સમય ગાળી રહી હતી. વિરેન નવવધુની આશા અને અપેક્ષાઓથી પરિચિત હતો. તેણે રેતાને પૂરતો સમય આપ્યો. મોડી રાત્રે વાતો કરતાં કરતાં રેતાની આંખો મીંચાઇ ગઇ. વિરેનને થયું કે રેતાને હવે આરામની જરૂર છે. તેણે વહેલી સવારનું એલાર્મ મૂક્યું અને સૂઇ ગયો.

સવારે પાંચ વાગે વિરેન ઊઠી ગયો અને ઝટપટ પરવારીને જવાની તૈયારી કરવા લાગ્યો. પહેલાં તેને થયું કે રેતાને ઉઠાડવી નથી. બહુ મોડેથી ઊંઘી ગઇ છે. પણ પછી થયું કે એને મળીને નહીં જઉં તો અફસોસ થશે. તેણે રેતાને ઉઠાડી. રેતાની આંખો પર ભાર હતો પણ પતિ બહારગામ જઇ રહ્યો હતો એટલે તે ઉઠી ગઇ. અચાનક વાદળો ગરજવા લાગ્યા. વીજળી ચમકવા લાગી. રેતા ગભરાઇને વિરેનની બાંહોમાં સમાઇ ગઇ.

વિરેને તેનો ખભો થાબડી અળગી કરતાં કહ્યું:"ચોમાસું છે તો ગાજવીજ તો થવાની જ ને?"

રેતા કહે:"મને ના જાણે કેમ ડર લાગી રહ્યો છે...."

વિરેન કહે:"જીવનનું આ પહેલું ચોમાસું થોડું છે તો ડરવાનું હોય. કેટલાય ચોમાસા આપણે જોયા છે. ગાજવીજ જ નહીં વરસાદી તોફાન જોયા છે..."

"રેતા કહે:"આ ચોમાસું અલગ છે. હું હવે પરિણીતા છું. મને મારા ચાંદલાની ચિંતા થાય..."

વિરેન હસીને બોલ્યો:"અરે મારી ચાંદની, હું આ ગયો ને આ આવ્યો. રાત્રે તો પાછો તારી પાસે હાજર થઇ જઇશ..."

"ન જાણે કેમ મારા મનમાં આજે ડર કેમ પેઠો છે. તમારો સાથ છોડતાં એક વિચિત્ર ડર સતાવી રહ્યો છે...." રેતાનું મન વલોવાતું હતું.

"આપણે જન્મોજનમ માટે જોડાયા છે. એકબીજાની સાથે જ રહેવાના છે.. અને એમાં ડરવાનું શું? હું પહેલી વખત બહાર જતો નથી. ચાલ હસતા મોંઢે વિદાય આપ!"

રેતા ફિક્કું હસી. કોઇ અજાણ્યો ડર તેને કેમ કોરી રહ્યો છે એ સમજાતું ન હતું. બહાર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વિરેન કાર લઇને નીકળ્યો. તેણે ગલીની બહાર નીકળતા પહેલાં કારમાંથી હાથ લહેરાવ્યો. રેતાએ પણ 'આવજો' ની મુદ્રા કરી અને બોલી:"આવજો...જલદી આવજો..." વાતાવરણ ડરામણું બની રહ્યું હતું. તેની આંખોમાં પણ ચોમાસું જામ્યું હતું. બહાર વરસાદની તીવ્રતા વધી રહી હતી. અચાનક મોટા અવાજ સાથે વીજળી ચમકી. વરસાદની એક મોટી છાલક રેતાને ભીંજવી ગઇ. તે ડરથી ચીસ પાડી ઊઠી:"વિરેન...."

વધુ બીજા પ્રકરણમાં...

***

ઓકટોબર -૨૦૨૦ સુધીમાં ૫.૩૮ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. તેમની સૌથી વધુ વંચાયેલી અને ૩.૨૪ લાખ ડાઉનલોડ થઇ ચૂકેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.