પતિ પત્ની અને પ્રેત - ૧૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૧૦

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

નાગદા જાણતી હતી કે વિરેન ઇજાગ્રસ્ત છે, એના શરીરમાં હજુ દુ:ખાવો છે. તે સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી રાહ જોવાનો સમય ન હતો. પોતાની કામુક અદાઓથી તેને વશમાં કરી લેવાનો હતો. જયારે ખબર પડી કે વિરેન અકસ્માતમાં તેની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે ત્યારે તે વધારે ખુશ થઇ હતી. હવે વિરેન પોતાના પર આધારિત હતો. પોતે જે કહે એ એણે માની લેવાનું હતું. તેના માટે પોતાનો આશય પૂરો કરવાનું સરળ બની ગયું હતું. પોતે જે કહેશે એ વાત વિરેન સ્વીકારી લેવાનો હતો. વિરેન તેના પર મોહિત થઇ રહ્યો હતો. પોતાની કાયાને શસ્ત્ર બનાવીને નાગદા આજે કામ પૂરું કરવાની હતી. તે ગીત ગાતી અને નૃત્ય કરતી વિરેન પાસે પહોંચી ત્યારે વિરેનના ચહેરા પરથી લાગતું હતું કે તેના તનબદનમાં કામના જાગી ચૂકી હતી. આજે બંનેને એક થતાં કોઇ રોકી શકશે નહીં. નાગદાએ પોતાના રૂપનો ખજાનો ખુલ્લો કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે અડધું ઉપવસ્ત્ર ઉતાર્યું અને કામુક અદાઓ સાથે વિરેન તરફ જોયું. નાગદાને હતું કે વિરેન હવે તેની ઇચ્છા પર કાબૂ રાખી શકશે નહીં. તેનું આખુ ઉપવસ્ત્ર એ જ ઉતારશે. નાગદાની ગણતરી ખોટી પડી. તે ઉપવસ્ત્ર ઉતારતાં અટકી ગઇ એટલે વિરેને તેના વસ્ત્ર પર હાથ મૂક્યો અને એને ઉપર ચઢાવવામાં મદદ કરી. નાગદાને નવાઇ લાગી. એક સ્ત્રી જેનો પત્ની તરીકે ઉલ્લેખ કર્યો છે એના સાથ માટે પણ આ પુરુષ કેમ તૈયાર થઇ રહ્યો નથી. વારંવાર તે અટકી જાય છે. જો બીજો કોઇ પુરુષ હોત તો તેના બધાં કપડાં ઉતારીને ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો હોત. પોતે સામેથી એને હદ ઓળંગવા આમંત્રણ આપી રહી હોવા છતાં તે લાભ લઇ રહ્યો ન હતો. નાગદાને થયું કે હવે હદ થાય છે.

નાગદાના વસ્ત્રો સરખા કરીને વિરેન બોલ્યો:"તું મારી પત્ની છે ને? તો પછી આટલી ઉતાવળ શું કામ કરે છે? મને સાજો થવા દે. અને તેં તારું નામ પણ કહ્યું નથી..."

નાગદાને વિરેન માટે દિલના છાના ખૂણે માનની લાગણી થઇ આવી. તે બોલી:"હું નાગદા છું. તમારી પત્ની. ઘણા દિવસોથી તમારો સાથ માણ્યો નથી એટલે મનમાં ઇચ્છાઓ જાગી છે."

"તારી વાત સાચી હશે. પણ મને પહેલાં તારા-મારા જીવન વિશે પરિચય આપ. મને કંઇ જ યાદ આવતું નથી. મગજ પર ભાર આપું છું તો દુ:ખાવો થાય છે. હું મારા વિશે કંઇ પણ જાણ્યા વગર કોઇ પગલું ભરી શકું નહીં. આપણે ક્યારે અને ક્યાં લગ્ન કર્યા? આપણી વચ્ચે કેવો સંબંધ છે? હું કંઇ જ જાણતો નથી. પહેલાં તું મને મારી જિંદગી વિશે જણાવ. એ પછી જ હું આપણા વિશે આગળ વિચારી શકું એમ છું. હું કોઇ સ્ત્રીને ઓળખ્યા વગર એના શીલ સાથે છેડછાડ કરી શકું નહીં..." વિરેન છેલ્લા ઘણા સમયથી પોતાના વિશે જાણવા માગતો હતો એની વાત ફરી કરી.

નાગદાને થયું કે વિરેન હવે માનવાનો નથી. તેને લાગ્યું કે આ પોતાની હાર છે. માત્ર પોતાના રૂપયૌવનથી વિરેન રીઝવાનો નથી. તેની સાથે પ્રેમથી જ વાત કરવી પડશે. પ્રેમથી જ તેને વશ કરવો પડશે. તે બોલી:"હું બધી જ વાત તમને કરીશ. હમણાં તમે આરામ કરો...."

નાગદાને એ વાતનો ખ્યાલ આવતો હતો કે આ પ્રકારે એના ભૂતકાળ વિશે વાત કરવાનું ટાળીને તેની શંકા વધારી રહી છે. પણ અત્યારે વાતને ટાળવા સિવાય કોઇ રસ્તો ન હતો.

નાગદા વિરેનને આરામ કરવાનું કહીને ગયા પછી તેના દિલોદિમાગમાં વિચારો વધી રહ્યા હતા. નાગદા...ના...ગ...દા... આ નામ કેમ મારા દિમાગમાં આવતું નથી. એ મને પોતાની પત્ની કહી રહી છે. એનું વર્તન, એનો પ્રેમ સ્વજન જેવો છે. હું મારા વિશે જ જાણતો નથી પછી એને કેવી રીતે પત્ની માની શકું? એ દર વખતે મને મારા ભૂતકાળ વિશે કંઇ કહેતી જ નથી. મને પ્રેમ કરવા આવે છે ત્યારે મારું દિલ કેમ એનો પ્રેમ સ્વીકારતું નથી? એનો પ્રેમ સાચો નથી? મારા દિલમાં એ પહેલાંથી વસતી નથી? એની સુંદરતાને કારણે મારા મનમાં પુરુષ સહજ વિષય વાસના જાગે છે પણ દિલ અને શરીર એની સાથે જોડાવા માગતા નથી. મારું દિલ મને એની સાથે સહજ રીતે પ્રેમ કરવા દેતું નથી.

થોડીવાર પછી નાગદા આવી અને વિરેનના માથામાં હાથ ફેરવવા લાગી. નાગદાનો હાથ વિરેનના માથામાં ફરી રહ્યો હતો. તેને માથાના દુ:ખાવામાં રાહત થઇ. એણે આંખો ખોલી. નાગદાના ચહેરા પર મધુર મુસ્કાન રમતી હતી. વિરેનને થયું કે એની કાતિલ અદાઓ મનમાં કામના જગાવે છે પણ હવે એને વશમાં રાખીને મારું રહસ્ય જાણવું છે. અગાઉ તેણે મારા વિશેની વાતોને સિફતથી ઉડાવી દીધી હતી. વિરેને નક્કી કર્યું હતું કે હવે જ્યાં સુધી તેના વિશે જાણવા નહીં મળે ત્યાં સુધી એ આ ઘરમાં અજાણ્યા મહેમાન તરીકે જ રહેશે. સાજો થયા પછી આસપાસમાં જઇને પોતાના વિશે તપાસ કરશે.

નાગદાને અંદાજ આવી ગયો હતો. તે બોલી:"પ્રિયવર! મારું સૌભાગ્ય છે કે મને તમારા જેવા પતિ મળ્યા. થોડા મહિના પહેલાં જ આપણા લગ્ન થયા છે. પ્રિયવર! તમારું નામ નરવીર છે. તમારી સુંદરતા પર હું એવી મોહિત થઇ ગઇ હતી કે દિલ દઇ બેઠી. અને તમે મારા સાલસ સ્વભાવને કારણે પ્રેમમાં પડ્યા હતા. હું એકલી હતી અને તમે પણ એકલા હતા. બંનેને જાણે યુગોથી એકબીજાની તલાશ હતી. મળતાંની સાથે જ એ તલાશ પૂરી થઇ ગઇ. આપણે ફળ-ફૂલ વેચીને શાંતિથી જીવન ગુજારીએ છીએ. આપણી જોડીને ન જાણે કોની નજર લાગી ગઇ કે તમને એક અકસ્માત નડ્યો. તમે આપણી વાડીમાં ઝાડ પર ફળ તોડવા ચઢ્યા હતા અને પગ લપસી જતાં નીચે પડ્યા. પડતાની સાથે જ બેભાન થઇ ગયા. તમે થોડા કલાક સુધી આવ્યા નહીં એટલે હું તમને શોધવા નીકળી. જ્યારે તમે બેભાન અને ઇજાગ્રસ્ત હાલતમાં દેખાયા ત્યારે જાણે મારો જીવ જ નીકળી ગયો. હું તમને ઉંચકીને ઘરે લાવી અને એક વૈદ્યને સારવાર માટે લઇ આવી. નસીબ સારું કે એ મળી ગયા. મોટાભાગનો સમય એ બહાર જ રહે છે. એમણે તમને સારવાર આપી અને માથામાં વધારે ઇજા હોવાથી પાટો બાંધી આરામ કરવા સલાહ આપી. થોડા દિવસથી તમારી તબિયતમાં સુધારો છે. નરવીર, બોલો બીજું શું જાણવું છે?"

નાગદાની વાત સાંભળી તે વિચારવા લાગ્યો:"ઓહ, હું નરવીર છું. હું આ સ્ત્રીનો પતિ જ છું. એણે મને નવું જીવન આપ્યું છે...."

નરવીરના મનમાં શાંતિ થઇ હોય એમ એ ઊંઘી ગયો.

નાગદાએ એને ઊંઘવા દીધો. નાગદા વિચારવા લાગી:"નરવીરને એના જીવનની વાર્તા સાચી લાગી છે. એના ચહેરા પર સંતોષ છે. જો એને ખબર પડી હોત કે હું એને એક કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા પછી લઇ આવી છું તો એ અહીંથી ભાગી છૂટ્યો હોત...."

નાગદાને એ દ્રશ્ય આંખ સામે દેખાવા લાગ્યું. વિરેન કાર લઇને સનસેટ પોઇન્ટ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે એક પક્ષી તેને દેખાવા લાગ્યું. મેના પક્ષીએ તેની કારના કાચ પર ચાંચ મારી....

***

ડ્રાઇવર શીવલાલે વિરેનને સારવાર આપનાર નર્સની ઓળખ આપ્યા પછી જામગીરની માનસિક સ્થિતિ ચિંતાજનક બની હતી. પહેલાં તો રેતાને થયું કે શીવલાલની વાત અને જામગીર કાકાની બગડેલી તબિયત વચ્ચે કોઇ સંબંધ નહીં હોય. પણ જામગીરના શરીરની ધ્રૂજારી અને એમના ચહેરા પરનો ડર જોઇ ખાતરી થઇ ગઇ કે વિરેનના ગાયબ થવામાં આ નર્સનો હાથ હોય શકે છે. રેતાએ થોડીવાર સુધી જામગીરને કોઇ પ્રશ્ન પૂછ્યો નહીં. રેતાએ રિલોકને ચૂપ જ રહેવા ઇશારો કર્યો અને શીવલાલને ઇશારો કરી કારમાંથી પાણીની બોટલ લાવવા કહ્યું. શીવલાલ કારમાંથી સ્ટીલની પાણીની બોટલ લઇ આવ્યો. રેતાએ બોટલ પરનો ગ્લાસ કાઢી જામગીરને તેમાં પાણી પીવા આવ્યું. જામગીર એક જ ઘૂંટડે પાણી પી ગયા. તેમના શરીરની ધ્રૂજારી ઓછી થઇ ગઇ હતી. રેતાએ તેમની હિંમત વધારતાં કહ્યું:"કાકા, તમે ચિંતા ના કરશો. અમે તમારી સાથે છે. તમને કશું થવાનું નથી. તમે એ નર્સ વિશે શું જાણો છો?"

"નર્સ? કઇ નર્સ? આ દવાખાનામાં તો કોઇ નર્સ કામ કરતી ન હતી.." જામગીર સહેજ ગભરાતા બોલ્યા.

રિલોકે રેતા તરફ જોયું. એને જામગીર પર ગુસ્સો આવતો હતો. રિલોકને થયું કે તે નર્સ વિશે કહેવા માગતા નથી એટલે અજાણ્યા બને છે. જામગીર ઊભા થવા ગયા. રેતાએ એમને પ્રેમથી બેસવા કહ્યું:"કાકા, તમે થોડીવાર આરામ કરો. પછી તમારે જ્યાં જવું હશે ત્યાં અમે મૂકી આવીશું..."

જામગીરમાં ઊભા રહેવાની હિંમત ન હતી. તે ઓટલા પર પાછા ફસડાઇ પડ્યા.

રેતાએ પૂછ્યું:"કાકા, હમણાં આ શીવલાલે નર્સનું વર્ણન કર્યું ત્યારે તો તમે કંઇક વિચારમાં પડી ગયા હતા. અમને તો લાગે છે કે તમે એ નર્સને ઓળખો છો..."

જામગીર કહે:"દીકરી, આ દવાખાનામાં કોઇ નર્સ કામ જ કરતી ન હતી..."

રેતા કહે:"તો પછી શીવલાલે વર્ણન કર્યું એ નર્સ છોકરી કોણ હતી?"

જામગીરના હોઠ ધ્રૂજવા લાગ્યા:"એ...એ..."

વધુ અગિયારમા પ્રકરણમાં...

***