પતિ પત્ની અને પ્રેત - ૪૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૪૨

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૨

રેતાનો અવાજ સાંભળીને બધા ચમકી ગયા હતા. જાગતીબેનને થયું કે એમણે સ્પષ્ટ ના પાડી હોવા છતાં એ શા માટે આવી છે? અને ગીત ગાઇને કેમ વિક્ષેપ પાડી રહી છે? જો રેતાને રોકવામાં નહીં આવે તો પોતે ગોઠવેલી આખી બાજી બગડી જશે. પોતાના આયોજનમાં રેતાને કોઇ સ્થાન નથી. જાગતીબેન પાછળ ફરીને બોલ્યા:"રિલોક, નાગદા એના મકાનમાં આવી ગઇ લાગે છે. દરવાજો ખૂલી રહ્યો છે. આ રેતા કેમ વચ્ચે લંગર નાખી રહી છે. એનો દરવાજો રેતાને કારણે અડધો જ ખૂલ્યો છે. તારે મારી સાથે આવવાનું છે. પણ અત્યારે પહેલાં તું જઇને રેતાને અટકાવી દે. હું નાગદાના મકાન પાસે પહોંચું છું..."

જાગતીબેનનો હુકમ માથા પર ચઢાવતો હોય એમ રિલોક રેતાનો સ્વર જે દિશામાંથી આવતો હતો એ તરફ નજર નાખીને ચાલવા લાગ્યો. તેને પણ રેતાની આ હરકત અજીબ લાગી રહી હતી. બધું નક્કી થયા પછી એણે જાગતીબેન પર ભરોસો રાખવાનો હતો. હું પોતે એમની યોજના જાણ્યા વગર સાથ આપી જ રહ્યો છું ને? રેતાને સમજાવીને પાછી વાળવી પડશે. રિલોક વિચાર કરતો આગળ વધી રહ્યો હતો ત્યારે રેતાનું ગાવાનું ચાલુ જ હતું.

પ્રેમના બંધને બંધાયા રે... સાથે સાથે હરખાયા રે...

કદી ના ભૂલીશું પ્રેમને રે... એકબીજાના છે પડછાયા રે....

ઓ સાયબા રે......ઓ સાયબા રે...

રિલોકની આખરે રેતા પર નજર પડી. તે દોડીને ઝાડ પાછળ ઊભી રહીને આંસુ સારતા ગાઇ રહેલી રેતા પાસે પહોંચ્યો. તેને બે ક્ષણ તો રેતાની દયા આવી ગઇ. વિરેનના વિયોગમાં એ તડપી રહી હતી. પતિને પામવા માટે તલપાપડ બની હતી. તેની નજર નાગદાના મકાન પર જ હતી. તેની આંખો વિરેનનો ચહેરો જોવા માટે ઝૂરી રહી હતી. તેના શબ્દોમાં અપાર લાગણી હતી. રિલોકને પહેલાં એમ હતું કે તે ખીજવાઇને રેતાનું ગાવાનું બંધ કરાવી દેશે. રેતાની સ્થિતિ જોયા પછી એ પણ ભાવુક બની ગયો અને બોલ્યો:"રેતા, અમે પણ વિરેનને પાછો લાવવા માગીએ છીએ. પ્લીઝ, જાગતીબેનને એમનું કામ કરવા દે..."

રેતા રડતાં રડતાં બોલી:"રિલોક, હું મારી જાતને રોકી શકી નહીં. વિરેન નાગદાના ઘરમાં હોય અને મળી જાય એ આશાએ અહીં આવી પહોંચી છું..."

"પણ તારા ગીતને કારણે નાગદા જો હશે તો સાવધાન થઇ જશે. અગાઉ તારો એની સાથે સામનો થઇ ચૂક્યો છે. એ આપણાને વધારે નુકસાન પહોંચાડી શકે છે."

"હું તો એટલે ગાઇ રહી છું કે જો વિરેન એના ઘરમાં હોય તો એને ખ્યાલ આવે કે એની રેતા એને યાદ કરી રહી છે. એના વગર તડપે છે. એના વગર જીવી શકે એમ નથી. અમે તારી આસપાસમાં જ છીએ. તું ગભરાતો નહીં..."

"રેતા, તારી બધી વાત સાચી છે. પણ જાગતીબેનને અત્યારે એમનું કામ કરવા દઇએ એમાં જ આપણું ભલું છે."

રેતા રિસાઇને નીચે બેસી પડી. રિલોકને ડર લાગ્યો. રેતા કોઇ અસામાન્ય પગલું તો ભરશે નહીં ને? તેની સહનશક્તિનો અંત આવી રહ્યો છે.

રેતાનો અવાજ સાંભળી વિરેન ખુશીથી ઝૂમી ઉઠવાનો હોય એમ ખાટલામાં બેઠો થવા ગયો અને અટકી ગયો. પાછો ખાટલામાં સૂઇ ગયો. એને ખ્યાલ આવ્યો કે તે બીમાર અને મૂંગો છે. નાગદા બહાર જાય પછી જ ઊભા થવું પડશે. તેણે ત્રાંસી નજરે જોયું તો નાગદા દરવાજો ખોલતાં અટકી ગઇ હતી. એ બહાર જાય પછી જ બેઠા થવું જોઇએ. આ અવાજ રેતાનો જ છે. આ ગીત એ જ ગાઇ શકે. હું કોઇ સ્ત્રીની ચુંગાલમાં ફસાઇ ગયો હોઇશ કે શું? મને કંઇ યાદ કેમ આવી રહ્યું નથી? કોઇએ મારા પર કાળી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે? આ સ્ત્રી તો પરી જેવી સુંદર છે. એ મારા પર કોઇ તંત્ર મંત્રની વિદ્યાનો ઉપયોગ કરતી હોય એમ લાગતું નથી. તે મારી કેટલી બધી કાળજી લઇ રહી હતી. એ મારી સાથે કયા સંબંધથી રહેતી હશે. અને હું અહીં આવ્યો કેવી રીતે? રેતા બહાર મને ગીત ગાઇને શોધી રહી છે. વિરેન ફરી વિચારોન ચકરાવે ચઢી ગયો.

આ તરફ રેતાનું ગીત સાંભળી નાગદા અડધો દરવાજો ખોલીને અટકી ગઇ હતી. તેને થયું કે નરવીરની પત્ની ફરી આવી ગઇ છે. એક વખત ગાંડી કરીને પાછી મોકલી હતી પણ હજુ સાન ઠેકાણે આવી નથી. આજે એને મારી શક્તિનો પરચો આપવો જ પડશે.

નાગદા કંઇક વિચાર કરીને દરવાજાની બહાર આવી અને દરવાજો આડો કરીને આગળ ડગ ભરવા લાગી. તેની ચાલમાં ગજબનો ઉત્સાહ હતો. તે મકાનની વાડના દરવાજા તરફ આગળ વધી રહી હતી. તેણે જોયું કે સામેથી એક સ્ત્રી આવી રહી છે અને એ નરવીરની પત્ની નથી. અચાનક જાગતીબેનનો ચહેરો જોઇ તે અટકી ગઇ. જાગતીબેનને એક વખત તો પોતે છેતરી હતી. પોતાનો ચહેરો બીજાનો દેખાય એવો ભ્રમ ઊભો કર્યો હતો. આ વખતે પણ એવું જ કરવું જોઇએ કે નહીં?

રિલોક રેતાને સમજાવીને ચિલ્વા ભગત જે ઝાડ પાછળ હતા ત્યાં આવી ગયો હતો. અને ચિલ્વા ભગતને કહી રહ્યો હતો:"ભગતજી, તમે કોઇ શક્તિનો ઉપયોગ કરીને નાગદાને કાબૂમાં રાખજો. તે જાગતીબેનને કોઇ ઇજા પહોંચાડી ના જાય. નાગદાનો ભરોસો થઇ શકે એમ નથી."

ચિલ્વા ભગત કહે:"ભાઇ, મારી પાસેની શક્તિઓથી નાગદા પર કોઇ મોટી અસર થવાની નથી. અને જાગતીબેનની મને સૂચના છે કે તે મદદ માટે બોલાવે તો જ જવાનું છે. તેમની ઉપરવટ જઇ શકું નહીં. એમણે જે આયોજન કર્યું છે એમાં ખલેલ પહોંચાડવી નથી..."

નાગદાને ઘરની બહાર આવીને આગળ વધતી જોઇ રિલોક કહે:"નાગદા તો ઘરમાં જ છે. તમે ગુરૂ દીનાનાથ સાથે આવ્યા ત્યારે એ તમને કેમ દેખાઇ નહીં? અને આપણે પેલું કબૂતર છોડી દીધું એ મકાનમાં તરત જ જતું રહ્યું હતું..."

"અમે આખા મકાનમાં જોઇ વળ્યા હતા. નાગદા કે વિરેન કોઇ દેખાયું ન હતું. બસ બે કબૂતર જ હતા. અમારી દોરેલી રેખાને ભેદીને એ ભાગી જવામાં સફળ રહી હતી. એ પાછી ફરી છે એનો મતલબ જ કે એને અમારી શક્તિઓનો ડર નથી. અમે એનું કંઇ બગાડી શકવાના નથી...એ અમારાથી વધારે શક્તિશાળી છે. અને હોય જ શકે. પ્રેત પાસે ઘણી શક્તિઓ હોય છે." ચિલ્વા ભગત અફસોસ સાથે બોલી રહ્યા હતા.

બધાંએ જોયું કે નાગદા અને જાગતીબેન વચ્ચે દૂરથી જ કોઇ વાતચીએત શરૂ થઇ છે. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવી રહ્યા હતા. બંને વચ્ચે તીખી બહસ ચાલતી હોય એમ હાથ ઉંચાનીચા થવા લાગ્યા હતા.

ચિલ્વા ભગત કહે:"જાગતીબેન મોટું જોખમ લઇ રહ્યા છે. એમને ખબર નથી કે તે નાગદાનું કંઇ બગાડી શકે એમ નથી. જયનાનું પ્રેત ક્રોધે ભરાશે તો એમની હાલત ખરાબ કરી કરી નાખશે."

અચાનક જાગતીબેને કમર પરની સાડીમાં હાથ નાખ્યો અને ચાકુ બહાર કાઢી નાગદાને બતાવ્યું. એ જોઇ બધાં ચોંકી ઉઠ્યા. નવાઇની વાત એ હતી કે નાગદા ચમકી ગઇ હતી તે બે હાથ ઉંચા કરીને એમને રોકી રહી હતી.

ચિલ્વા ભગતને થયું કે નાગદા નાટક કરી રહી છે. તે જાગતીબેનથી શા માટે ડરવાની હતી?

વધુ તેંતાલીસમા પ્રકરણમાં...