રક્ત ચરિત્ર - 26 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 26

૨૬

"જેલમાં કેમ? હું અહીં કેવી રીતે આવી? કોણ લાવ્યું મને અહીં? "સાંજ હકીકત જાણવા અધિરી થઇ હતી.
"તું આરામ કર, હું તને પછી બધુજ જણાવીશ." સુરજએ સાંજને ટેકો આપીને સુવડાવવાનો પ્રયત્ન કર્યો.
"નથી કરવો આરામ, તું મને બધી વાત હાલ કરીશ કે હું પોલીસ સ્ટેશન જઈને દેવજીકાકાને પૂછી આવું?" સાંજએ એક ઝટકા સાથે સુરજનો હાથ છોડાવી દીધો.

"રાત્રે ફોન આવ્યો હતો પોલીસનો, એમણે કીધું કે તું હોસ્પિટલમાં છે તો હું અહીં આવી ગયો. બીજું બધું મને ખબર નથી, અને તું પણ ક્યાંય નઈ જાય હાલ." સુરજએ સાંજનો હાથ તેના હાથમા લીધો અને બોલ્યો, "નીરજનો ફોન હતો, એ ઘરે આવે છે. એ આવશે એટલે હું દેવજીકાકાને મળવા જઈશ, બધું ઠીક થઇ જશે."

"સંજુ..." નીરજ અને શિવાની સાંજ એડમિટ હતી એ વોર્ડમાં આવ્યાં.
"ભાઈ..... ભાભી...... " સાંજએ ઉભા થવાનો પ્રયત્ન કર્યો, સુરજએ તેને ટેકો આપીને ઓશિકાને સહારે બેસાડી.
"હું પાછો ન આવું ત્યાં સુધી તું સાંજને એકલી ન મુકતો." સુરજએ નીરજના ખભે હાથ મુક્યો, સાંજ તરફ જોઈને હળવું સ્મિત કર્યું અને ત્યાંથી નીકળી ગયો.

"બઉ થયો બદલો, હવે હું તને તારી મરજી નઈ ચલાવા દઉં. તું ઠીક થાય એટલે ચુપચાપ ઘરે આવીને ફેક્ટરી સંભાળ, નહીં તો હું તારા લગ્ન એવા ઘરમાં કરાવીશ જ્યાં ૫૦ ભેંશો હશે." નીરજએ સાંજ તરફ જોયું પણ નઈ.
"હા, સાચી વાત કરી નીરજએ. એવુ કામ કેમ કરે છે જેમાં આટલુ બધું જોખમ હોય?" શિવાનીએ નીરજનો પક્ષ લીધો.

"બસને ભાભી, લગ્ન થતાંજ દોસ્તી ભુલાવી દીધી. અને તું ભાઈ, તું પણ જબરો છે. ના હાલચાલ પૂછ્યા, ના આ હાલતનું કારણ પૂછ્યું બસ બોલવા લાગ્યો મને."
"સંજુ..." નીરજએ ચિડાયેલા ચેહરે સાંજ તરફ જોયું.
"સાચું બોલજે મને આમ હોસ્પિટલમાં જોઈને મનોમન કેટલો ખુશ થયો હશે ને તું, કે આજ તો સાંજને વઢવાનું મસ્ત બહાનું મળી ગયું છે તો ત્રણ ચાર મહિનાનું હોલસેલમાં વઢી લઉં." સાંજ ખડખડાટ હસી પડી.

"ગાંડી છોકરી...." નીરજએ સાંજને ગળે લગાવી લીધી.
"એય ભાભી, તને શું કંકોત્રી મોકલું?"
સાંજની વાત સાંભળીને શિવાનીએ બન્નેને મજબૂત આલિંગન આપી દીધું.
"પરિવાર મિલાપ પૂરો થયો હોય તો હું અંદર આવું?" અરુણ વોર્ડનો દરવાજો ખોલીને અડધો અંદરને અડધો બહાર એમ અધવચ્ચે ઉભો હતો.

"આવ આવ અરુણ..." નીરજના શબ્દો અરુણ પાછળ ઉભેલી રતનને જોઈને ગળામાંજ અટકાઈ ગયા.
"બેનબા, હું ટિફિન લાવી છું." રતનએ તેના ખભેથી બેગ ઉતારી અને ટિફિન કાઢીને ટેબલ પર મૂક્યું.
"હવે તારી તબિયત કેમ છે?" અરુણ સ્ટુલ લઈને સાંજની બાજુમાં બેઠો.

"તને કોણે કીધું કે હું હોસ્પિટલમાં છું?" સાંજએ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન પૂછ્યો, આ સવાલ માટે અરુણ તૈયાર ન્હોતો.
"મમમ.... મને સુરજએ કીધું હતું. હા.... જ્યારે એ ઘરેથી અહીં આવવા નીકળ્યો ત્યારે મને કઈને નીકળ્યો હતો." હડબડાટમાં અરુણએ જૂઠું બોલ્યો અને આજ જૂથ તેની સૌથી ગંભીર ભુલ સાબિત થવાની હતી.

"અરે, એક વાત તો કહેવાનું હું ભૂલી જ ગયો. મને એક છોકરી ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવાનો છું." અરુણએ પૂર્વભૂમિકા બાંધી.
"કોણ છે એ બદનસીબ?" નીરજએ સાંજને તાળી આપી અને બન્ને ખડખડાટ હસી પડ્યાં.
"આ છે એ ખુશનસીબ છોકરી." અરુણએ રતન તરફ આંગળી ચીંધી.

નીરજ સિવાય બધાના ચેહરા પર ખુશી છવાઈ ગઈ, પણ જગ્યાનું ભાન થતાંજ નીરજ સ્વસ્થ થયો અને ચેહરા પર નકલી હાસ્ય લાવ્યું.
પણ નીરજના ચેહરાનો ઉતરેલો રંગ શિવાનીના ધ્યાનમાં આવ્યા વગર રહ્યો ન્હોતો, અને શિવાની હવે એટલી નાદાન ન્હોતી રઈ કે પળભર માટે નીરજના ચેહરાના બદલાયેલા હાવભાવ ન સમજે.

રતનએ જમવાનું થાળીમાં કાઢ્યું અને સાંજને ખવડાવવા જ જતી હતી કે તરત શિવાનીએ થાળી તેના હાથમાંથી લઇ લીધી, "હું કરી લઈશ, તું અરુણ સાથે ઘરે જતી રહેજે અને સાંજનો ઓરડો વ્યવસ્થિત કરી દેજે. કદાચ આજ રાત સુધી રજા આપી દે..."

"હું છું ત્યાં સુધી તમારે કઈ કામ કરવાની જરૂર નથી શિવાનીબેન, લાવો." રતનએ થાળી શિવાનીના હાથમાંથી લેવા હાથ આગળ કર્યા.
"સાંજ મારી નંણદ છે અને મારી બાળપણની મિત્ર, તેનું ધ્યાન રાખવાનો હક મને છે. ઉભી શું છે, તને કીધુંને ઘરે જા." શિવાનીનો અવાજ થોડો ઊંચો થઇ ગયો.

અરુણ ચુપચાપ રતનને લઈને નીકળી ગયો, સાંજના કહેવાથી નીરજ પણ વોર્ડની બહાર આવી ગયો.
"શું થયું છે શિવી?" બધાના ગયા પછી સાંજએ પૂછ્યું.
"તું એકવાર ઘરે આવીજા, પછી હું તને બધુજ સાચેસાચું જણાવીશ." શિવાની સાંજને હકીકત જણાવવાનો નિર્ણય લઇ ચુકી હતી.

શિવાનીએ સાંજને જમાડી અને વોર્ડની બહાર આવી ત્યારે સુરજ પહેલેથીજ નીરજ સાથે બહાર બેઠો હતો.
"ભાઈ આવી ગયો છે, હું ઘરે જઉં છું અને ફ્રેશ થઈને હમણાં પાછી આવી જઈશ." શિવાનીએ વોર્ડમાં આવીને બેગ લીધી અને વોર્ડની બહાર નીકળી ગઈ.
"અરુણ કેમ આવ્યો હતો? એને કોણે કીધું કે તું અહીં હોસ્પિટલમાં છે?" સુરજએ વોર્ડમાં આવતાંજ પૂછ્યું.
સુરજના સવાલથી સાંજ ચોંકી હતી, તેણીએ સામે પૂછ્યું, "અરુણને તેં ન્હોતું કીધું કે હું અહીંયા એડમિટ છું?"


"ના, હું તો કોઈનેય કાંઈજ કીધા વગર નીકળી ગયો હતો." સુરજએ ચોખવટ કરી.

સાંજ પળવારમાં બધું સમજી ગઈ, તેણીએ અરુણને યાદ કરીને દાંત કચકચાવ્યા,"દ્રોહી નંબર ૨, છોડીશ નઈ તને તો હું હવે."

ક્રમશ: