૨૧
"રગનાથને શોધવા પોલીસ આવશે, પોલીસ આવે ત્યારે શું કરવાનું છે એ તમે જાણોજ છો કાકા. " સાંજ રગનાથની લાશ પર તિરસ્કાર ભરી એક નજર નાખીને ત્યાંથી નીકળી ગઈ. દેવજીકાકાએ રગનાથની ફાટી ગયેલી આંખો સામે જોયું અને માથું હલાવીને ઉપર જોયું.
સાંજ ઘરે આવી ત્યારે અડધી રાત વીતી ચુકી હતી, તેણીએ જેવો ઘરમાં પગ મુક્યો કે તરત અરુણએ તેનો રસ્તો રોક્યો.
"તું આ સમયે કેમ જાગે છે?" સાંજએ પૂછ્યું.
"આ જ સવાલ હું તને પણ પૂછી શકું છું, કે તું આ સમયે કેમ જાગે છે અને ક્યાં ગઈ હતી." અરુણએ પૂછ્યું.
"આજ સુધી કોઈએ હિંમત નથી કરી મને એમ પૂછવાની કે હું ક્યાં જઉં છું અને કેમ જઉં છું. આ ઘરના નિયમ અને કાયદા જાણી લઈશ તો સારુ રહેશે." સાંજ સડસડાટ ઘરનાં પગથિયા ચડી ગઈ.
"આટલી નાની વાતમાં ગુસ્સે થઇ ગઈ, તો પછી જયારે ખબર પડશે કે હું એના પર નજર રાખવા આવ્યો છું તો મારો જીવ ન લઇ લે ક્યાંક. હે ભગવાન! તમે તો જાણોજ છો કે હું આ બધું કેમ કરી રહ્યો છું, મારી રક્ષા કરજો પ્રભુ." અરુણએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને તેના ઓરડામાં જતો રહ્યો.
બીજા દિવસની સવાર આમ તો સામાન્ય હતી પરંતુ છતાંય અસામાન્ય હતી, આ સવાર બધાયની જિંદગીમાં એક અજાણ્યું તોફાન લઈને આવી હતી જેના વિશે કોઈને આભાસ પણ ન્હોતો.
પોલીસને રગનાથની લાશ જે ઓરડામાં મળી હતી ત્યાંથી એક મોંઘી ઘડિયાળ અને પોકેટ ડાયરી મળી હતી, અને તપાસ પછી જાણવા મળ્યું કે આ બન્ને વસ્તુઓ સવાઇલાલ ઠાકોરની હતી.
અડધા કલાકમાં તો સવાઇલાલની ધરપકડની ખબર દેશભરની ન્યૂઝ ચેનલઓ પર છવાઈ ગઈ, મોહનલાલ અને રામપાલએ સવાઇલાલને છોડાવવા મથામણ કરવા માંડી.
"મોહનભાઈ આ કામ સાંજનું છે, હું જઈને એ છોકરીને ઉપાડી લાવું છું. પછી એના મોઢે સાચી હકીકત બોલાવડાવશું અને સવાઇલાલ બચી જશે." નાનજીએ ગાડીની ચાવી લીધી અને દાંત ભીંસ્યા.
"હું પણ જાણું છું કે આ કામ સાંજનું છે; પણ એને ઉપાડી લાવવી એટલે સિંહની ગુફામાંથી એનો ખોરાક લાવવો, જે શક્ય નથી નાનજી." મોહનભાઈએ નાનજીને રોક્યો.
"હા, એને પછી જોઈ લેશુ. પણ જો સવાઈએ પોલીસ સામે કંઈ બાફી નાખ્યુંને તો આપણે બધા ફસાઈ જઈશુ, એટલે હાલ એને છોડાવવો જરૂરી છે." રામપાલ વકીલને ફોને લગાવી રહ્યો હતો.
"આ છોકરી તો ધાર્યા કરતાં વધારે ચાલાક નીકળી, હવે શાંત બેસ્યે મેળ પડે એમ નથી મોહનભાઈ." નાનજીએ ખુરશીને લાત મારીને દૂર ફેંકી દીધી. આ ત્રણેયને સવાઇલાલને સજા થાય એના કરતાં વધારે ચિંતા પોતાના ધંધાને આ ઘટનાથી જે નુકસાન થવાનું છે એ બાબતની હતી અને એટલેજ ત્રણેય જણ સવાઇલાલને નિર્દોષ પુરવાર કરવા દોડધામ કરવા લાગ્યા હતા.
"સાંજ દીકરા, જયારે તમે કીધું હતું કે રગનાથને ઉઠાવી લાવો એના પહેલા સવાઇલાલની કોઈ એકાદ બે વસ્તુ લેતા આવજો ત્યારે મને લાગ્યું જ હતું કે તમે કંઈક મોટી યોજના બનાવી છે, અને આજે સવાઇલાલની ધરપકડના સમાચાર જોઈને હું સમજી ગયો કે તમારી યોજના સાચેજ બઉ મોટી અને સટીક હતી." દેવજીકાકા સવારે ઉઠતાજ સમાચાર જોઈને ખુશ થઇ ગયા હતા.
"રગનાથના મોત પછી એ પાપીઓ સાવચેત થઈ ગયા હશે, એટલે હવે સવાઇલાલ ને' મોહનલાલ સામે બાથ ભીડવી બઉ મુશ્કિલ કામ છે. પણ જો બન્નેને અલગ કરી દેવામાં આવે તો આપણું નેક્સટ ટાર્ગેટ સરળતાથી આપણી યોજનામાં ફસાઈ જશે." સાંજ આકાશ તરફ જોઈને બેઠી હતી.
"તમે કોઈ વિચારમાં ખોવાયેલાં છો બેટા." દેવજીકાકા સાંજની બાજુમાં બેઠા.
"કાકા મધપુડામાં હાથ નાખ્યો છે, હજારો ડંખ વાગવાના છે હવે. પણ હું આ બધાથી મારા પરિવારને દૂર રાખવા માંગુ છું, તમે નીરજભાઈ ને શિવાનીને થોડા દિવસ ક્યાંક ફરવા મોકલી દો અને અમુક માણસોને એમની સાથે મોકલજો." સાંજ ઉભી થઈને ઘરમાં જતી રહી.
નીરજએ જયારે ફરવા જવાની વાત સાંભળી તો એણે ચોખી ના પાડી દીધી, "મારા વગર ફેક્ટરી કોણ સંભાળશે? હું મારી નાનકડી બેન ઉપર ભાર નાખીને ફરવા જઉં એ તમે વિચાર્યું જ કંઈ રીતે?"
"તારી નાનકડી બેનએ જ આ બધું વિચાર્યું છે, તારે અને ભાભીને આજેજ નીકળવાનું છે અને હું હવે એકેય શબ્દ નઈ સાંભળું." સાંજએ તેનો નિર્ણય જણાવી દીધો અને ફેક્ટરી જવા નીકળી ગઈ.
"તું આટલી ચિંતા મત કર નીરજ, હું છું ને. હું સાંજની હેલ્પ કરીશ તું અને શિવાની થોડા દિવસ બહાર જઈને થોડું હરીફરી લો." સુરજએ હસીને કહ્યું અને સાંજની પાછળ ગયો.
સુરજ જયારે આંગણામાં પહોંચ્યો ત્યારે અરુણ પહેલેથીજ સાંજ જોડે ઉભો હતો, સુરજને ગુસ્સો આવ્યો પણ બહારથી શાંત રહેવાનો દેખાવ કરતો એ સાંજ પાસે આવ્યો, "સંજુ હું તારી સાથે આવું છું, જેથી તારા કામમાં મદદ કરી શકું અને નીરજ પણ બેફિકર થઈને એન્જોય કરી શકે."
"હું સંજુ સાથે જઉં છું સુરજ, તમેં ઘરે જ રહીને આરામ કરો." અરુણએ જવાબ આપ્યો.
"હા સૂરજ અને અરુણ, તમે બન્નેય ઘરે રહો ને' આરામ કરો. આમેય નીરજભાઈ પાછો આવશે ત્યાં સુધીજ વધારે કામ રહેશે." સાંજ ગાડીમાં બેસીને નીકળી ગઈ, બન્ને જણએ એકબીજા સામે ગુસ્સામાં જોયું.
એકની આંખમાં તેની યોજના નિષ્ફ્ળ થયાનો ગુસ્સો હતો અને બીજાની આંખમાં પોતાની પ્રિય વ્યક્તિની નજીક આવનાર માટે ઈર્ષ્યા, અને જાણે અજાણ્યે બન્ને વચ્ચે શીતયુદ્ધની શરૂઆત થઇ ચુકી હતી.
ક્રમશ: