પતિ પત્ની અને પ્રેત - ૪૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૪૦

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૦

નરવીરને ઝાડ પરથી ફળ તોડવાનો કોઇ અનુભવ ન હતો. તેને ઉત્સાહમાં ફળ તોડતો જોઇ નાગદા ખુશ થઇ રહી હતી. પોતાની વાત નરવીરને સાચી લાગી રહી છે એનો નાગદાને આનંદ હતો. નરવીર ફેંકતો હતો એ ફળ ઝીલીને નાગદા તેની સાથેના જીવનના સપના જોવા લાગી હતી. ત્યાં પગમાં કાંટો વાગ્યો હોય એમ એને ઝાટકો લાગ્યો. તે ચીસ પાડી બેઠી:"ઓ મા..." અને નરવીર ગભરાઇને ઝાડ પરનું સંતુલન ગુમાવવા લાગ્યો. તેણે ઝાડની ડાળીઓ પકડવાનો પ્રયત્ન કર્યો પણ અનુભવ ન હોવાથી સફળ ના થયો અને નીચે પટકાયો.

નાગદા પગમાં કંઇ થતા એને બચાવવા દોડી ના શકી. તેને પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું પણ યાદ ના આવ્યું. તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું. બીજી તરફ જમીન પર પટકાયેલા નરવીરના માથામાંથી લોહી નીકળતું હતું. નાગદાને થયું કે પોતે ચીસ ના પાડી હોત તો નરવીર પડ્યો ના હોત. તેને નવાઇ લાગતી હતી કે પગમાં શું વાગ્યું હશે? ધ્યાનથી જોયું તો કોઇ જીવડું કે પછી સાપ ડંખ મારી ગયો હોય એવું લાગતું હતું. તેણે પોતાની પરવા ના કરી અને નરવીર તરફ દોડી. તેના માથા પર પોતાની ઓઢણીનો ટૂકડો વીંટીને લોહી બંધ કરવાનો પ્રયાસ કર્યો. ઘા ઉંડો હતો. આખરે પોતાની શક્તિનો ઉપયોગ કરીને લોહી બંધ કરવું પડ્યું. અને પોતાના પગનું લોહી પણ વહેતું બંધ કર્યું. નાગદા પ્રેતનગરીના કાળરાજ ભૈરવને યાદ કરી રહી. તેમણે જે કહ્યું હતું એ યાદ આવી રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે લગ્નની જંજાળમાં પડવાને બદલે પ્રેતાત્માના રૂપમાં આનંદિત રહે તો સારું છે. તારું લગ્નજીવન સફળ રહેશે કે નહીં એ કહી શકાય એમ નથી.

નાગદાને થયું કે પોતે લગ્નની ઇચ્છાને પરિપૂર્ણ કરવા એક સ્ત્રીના પતિને પકડીને બેઠી છે. એ સ્ત્રીની સ્થિતિનો ક્યારેય વિચાર કર્યો નથી. અને એ તેના પતિને લેવા આવી ત્યારે એને ગાંડી કરીને પાછી કાઢી હતી. ખરેખર તો હું પોતે જ ગાંડી હતી અને હવે પ્રેતના રૂપમાં પણ એક ગાંડપણ જ કરી રહી છું. પછી અચાનક તેનામાં રહેલી ઇચ્છા જાગૃત થઇ હોય એમ ટટ્ટાર થઇ ગઇ અને જાતને જ સંભળાવતી હોય એમ બોલી:"આ ગાંડપણ નહીં મહેચ્છા છે. પિતાએ મારા લગ્ન કરાવવાને બદલે એમના લગ્નને મહત્વ આપ્યું હતું. લગ્ન માટે મેં મારો જીવ ગુમાવ્યો હતો અને પ્રેતયોનિમાં આવી છું. મારી લગ્નની ઇચ્છા પૂરી કરીને હું ફરી માનવરૂપમાં આવી શકું છું. મારે પ્રયત્ન ચાલુ રાખવા જોઇએ..."

અને નાગદા નરવીરને જગાડવાનો પ્રયાસ કરવા લાગી:'પ્રિયવર! પ્રિયવર, જાગો...હું તમારી સાથે છું..."

નરવીર અચેતન પડ્યો હતો. તેના શ્વાસ ચાલી રહ્યા હતા. તે બેભાન થયો હતો. નાગદાને થયું કે જડીબુટ્ટી લગાવીને તેને ભાનમાં લાવવો પડશે. અને એ માટે ઘરે લઇ જવો પડશે. તે કેટલીક શક્તિઓથી બચવા અહીં આવી ગઇ હતી. પરંતુ પાછું ઘરે જવું પડશે. તે કોઇપણ માનવ શક્તિનો સામનો કરવા સક્ષમ છે. સંઘર્ષ ટાળવા જ અહીં આવી ગઇ હતી. તે પોતાની ઇચ્છાને શાંતિથી પૂર્ણ કરવા માગે છે. નરવીર જાગ્યા પછી અહીં જંગલ જેવા વાતાવરણમાં રહી શકવાનો નથી. એક અકસ્માત તેને નડી ચૂક્યો છે. આ બીજો જીવલેણ સાબિત થશે તો અત્યાર સુધીના પ્રયત્ન એળે જશે. તેણે પોતાની શક્તિઓને જાગૃત કરી અને નરવીરને પકડીને કંઇક બોલી કે તરત જ ઘરમાં પ્રગટ થઇ ગઇ. નરવીરને ફરી એ જ ખાટલામાં સૂવડાવ્યો અને ઝાડના પાનમાંથી દવા બનાવી એને નરવીરના માથા પર લગાવી પાટો બાંધી તેના ભાનમાં આવવાની રાહ જોવા લાગી. નરવીરને હાથપગમાં મામૂલી ઇજાઓ હતી ત્યાં પણ નાગદાએ દવાનો લેપ લગાવી દીધો.

થોડા કલાકો પછી નરવીરના શરીરમાં સળવળાટ થયો. નાગદાએ ખુશી અનુભવી. નરવીર આંખ ખોલવા જઇ રહ્યો હતો. તેના પોપચા અડધા ખૂલીને બંધ થઇ જતા હતા. નાગદાએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું:"પ્રિયવર! જાગો હું તમારી અર્ધાંગિની નાગદા તમારી પાસે જ છું..."

નરવીર નાગદાના શબ્દો સાંભળી ઝડપથી આંખો ખોલવા લાગ્યો. તેને માથામાં સણકો ઉપડ્યો અને ઉંહકારો કરી આંખો બંધ કરી દીધી.

નાગદાની ચિંતા વધી રહી હતી. તેણે પોતાની શક્તિથી નરવીરનો દુ:ખાવો ઓછો કરી દીધો અને આખરે નરવીરે આંખો ખોલી. તેની સામે નાગદાનો ચાંદ જેવો સુંદર ચહેરો હતો. તેન રૂપથી આંખો અંજાઇ જાય એમ હતી. તે ખુશીથી હસી રહી હતી. તેની ખુશી જાણે શરીરમાં સમાઇ રહી ન હતી. નરવીર તેને જોઇ જ રહ્યો.

"તમને હવે સારું છે ને પ્રિયવર!" નાગદા ઉત્સાહથી બોલી રહી.

નરવીર સ્થિર આંખે તેની તરફ જોઇ જ રહ્યો હતો. નાગદાએ સતત પૂછ પૂછ કર્યું તો પણ કોઇ જવાબ આપ્યો નહીં. તેના હોઠ ખૂલવા જતા હતા પણ બંધ થઇ જતા હતા. એક શબ્દ પણ બહાર નીકળતો ન હતો.

નાગદાને ફડકો પેઠો. તે માનોમન વિચારવા લાગી:"તે બોલી શકતો કેમ નથી? તેની વાચા તો હણાઇ ગઇ નહીં હોય ને? હે કાળરાજ ભૈરવ! મારી કેટલી પરીક્ષા લેશો?"

***

કબૂતરને પાછું આવેલું જોઇ બધાંના મનમાં ડર ઊભો થયો. કબૂતર ઉડીને ક્યાં ગયું હશે? તે જાતે પાછું આવ્યું છે કે જયનાની કોઇ ચાલ છે? બધાના મનમાં અલગ અલગ વિચાથી ડર ફેલાયો હતો. કબૂતર આવીને ચિલ્વા ભગતના ખભા પર બેસી ગયું. ચિલ્વા ભગતે તેના તરફ ધ્યાનથી જોયું અને મંત્ર બોલ્યા. પછી તેની પાંખો પર હાથ પસવારતા કહ્યું:"આ એ જ કબૂતર છે જેને આપણે છોડી દીધું હતું. તે થોડું ફરીને પાછું આવી ગયું છે. તેનું મન બીજે લાગ્યું નહીં હોય. ગભરાવાની જરૂર નથી. અમે નાગદાના ઘરે જઇએ છીએ. ત્યાં એને છોડી દઇશું. એને નાગદાનું ઘર જ ગમતું લાગે છે!"

ચિલ્વા ભગતની વાત સાંભળી બધાંને રાહત થઇ. જયનાના પ્રેતનો ડર ઓછો થઇ ગયો.

જાગતીબેન અને ચિલ્વા ભગત નાગદાના ઘર પાસે જવા નીકળતા હતા ત્યારે જશવંતભાઇ કહે:"હું આવું? મારે સ્વાલાને જોવી છે."

"ના, તમારે નહીં રિલોકને અમારી પાછળ આવવાનું છે..." જાગતીબેન આદેશાત્મક સ્વરે બોલ્યા. તે જશવંતભાઇની લાગણી સમજી શકતા હતા. પરંતુ અત્યારે યોજના પર કામ કરવાનું હતું.

રિલોક તેમની પાછળ જવા તૈયાર થયો. રેતાએ એને શુભેચ્છા પાઠવી.

નાગદાના ઘરથી થોડે દૂર પહોંચીને જાગતીબેન બોલ્યા:"ભગતજી, તમે અહીં કોઇ ઝાડ પાછળ છુપાઇ જજો. જો સ્વાલા ઘરમાં આવી હોય એવો અણસાર આવશે તો હું અને રિલોક એના ઘર પાસે જઇશું..."

ચિલ્વા ભગતને થયું કે જાગતીબેન એકલા જવામાં જોખમ લઇ રહ્યા છે. તેમની પાસે પ્રેતનો પ્રતિકાર કરવાની કોઇ શક્તિ નથી. અને મારી જરૂર ન હતી તો મને અહીં કેમ લઇને આવ્યા છે?

વધુ એકતાલીસમા પ્રકરણમાં...