પતિ પત્ની અને પ્રેત - ૩૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૩૯

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૯

ચિલ્વા ભગતનો સવાલ સાંભળીને જાગતીબેનને ડર ઉભો થયો કે તે પોતાના વિચારમાં સફળ તો થશે ને? એક પ્રેત સાથે વાત કરવાની યોજનામાં કોઇ ભૂલ તો કરી રહ્યા નથી ને? ચિલ્વા ભગતને સવાલ થાય એ સ્વાભવિક હતું. તેમને જાગતીબેનની યોજના જાણવા કરતાં એમની ચિંતા હતી એટલે પૂછી રહ્યા હતા એનો ખ્યાલ આવી રહ્યો હતો. ચિલ્વા ભગત અને તેમના ગુરૂ જે અકસ્માતે જ અહીં આવી ચઢ્યા છે એમના નિસ્વાર્થ પ્રયત્નો પછી પણ બધા જ્યાંના ત્યાં જ છે. નાગદાએ કોઇને અત્યાર સુધી દાદ આપી નથી. તેણે પોતાનો હાઉ ઊભો કરી દીધો છે. આ સંજોગોમાં પોતે મોટું જોખમ લઇ રહ્યા હતા. નાગદા એમના માટે કોઇ પ્રેત કરતાં પોતાની પુત્રી સ્વાલા પહેલાં હતી. એમને મન એ છોકરી નાગદા કે જયના નહીં પણ સ્વાલા જ હતી. જેને વર્ષો સુધી ઉછેરી હતી. તેનામાં પોતાનું લોહી વહી રહ્યું હતું. બાળપણથી લઇને જુવાની સુધીની યાદો જોડાયેલી હતી. નસીબનો કેવો ખેલ રચાયો કે તે સામે હોવા છતાં એને મળી શકાયું નહીં કે એની મા સામે હોવા છતાં તે કોઇ પ્રતિસાદ આપી શકી નહીં. એક મા પોતાની દીકરીથી વિખૂટી પડી ગઇ અને દીકરી માથી અલગ હોવા છતાં એને એ વાતનું ભાન નથી. જો પોતાની યોજના સફળ થઇ જાય તો વહાલી દીકરી સ્વાલા પાછી મળી જાય એમ હતી. અંતિમ ઉપાય તરીકે સાહસ કરવાનું નક્કી કર્યું છે એમાં માતાજી સફળતા જરૂર અપાવશે.

જાગતીબેન ચિલ્વા ભગતના સવાલનો જવાબ આપી શકે એમ ન હતા. પોતાની યોજનાથી અત્યારે બધાને અલિપ્ત રાખવાના હતા. તે બોલ્યા:"ભગતજી, હું એક યોજના પર આગળ વધી રહી છું. મને શ્રધ્ધા છે કે માતાજી મારી સાથે રહેશે અને બધું સારું જ કરશે. મારી યોજના વિશે અત્યારે કોઇને કંઇ કહી શકું એમ નથી. સાવધાનીપૂર્વક એને અંજામ આપવાનો છે. તેનું એક કારણ એ છે કે જયનાનું પ્રેત ચાલાક છે. જો એને કોઇ રીતે ખબર પડી જાય તો નિષ્ફળતા મળે એમ છે. તમે ચિંતા ના કરશો..."

"બેન, અમને તમારી ચિંતા થાય છે. કેમકે અમારી બધી શક્તિઓનો ઉપયોગ કરી ચૂક્યા છીએ. તમારી પાસે તો કોઇ તંત્ર-મંત્રની કે તપસ્યાની શક્તિ કે સિધ્ધિ નથી જે તમારું એ પ્રેતથી રક્ષણ કરી શકે..." ગુરૂ દીનાનાથના શબ્દોમાં અસહાયતા હતી. તે વિરેન અને સ્વાલાને બચાવી શકવામાં અસમર્થ નીવડ્યા એનો અફસોસ તેમના ચહેરા પર ઝલકતો હતો. જોકે તેમને જાગતીબેનમાં કોઇ દૈવીશક્તિના દર્શન થઇ રહ્યા હતા. તે બોલ્યા:"તમે એક મહિલા છો અને માતા પણ છો. એ જ તમારી શક્તિ છે. તમારી પાસે બીજી કઇ શક્તિ છે એનો મને અંદાજ નથી એટલે તમારી યોજના સફળ થાય એવી મારા ગુરૂને પ્રાર્થના કરું છું. સાથે નિર્ધાર કરું છું કે ભૂત-પ્રેત સામે ઝીંક ઝીલવા હું પહાડોની ઉંચી ટોચ પર જઇને લાંબી તપસ્યા કરીશ..."

ગુરૂ દીનાનાથનો નિર્ધાર સાંભળીને ચિલ્વા ભગત કહે:"ગુરૂજી, મને પણ આપની સાથે લઇ લેજો..."

"ના ચિલ્વા, અહીં ગામમાં લોકોને તારી જરૂર છે. તું તારી મર્યાદિત શક્તિથી શક્ય એટલો મદદગાર સાબિત થજે. હું તને બીજી કેટલીક વિદ્યાઓ શીખવીને જઇશ. ભલે આપણે જયનાના પ્રેતને સામે હારી ગયા છીએ પરંતુ તે આપણું નુકસાન કરી શકી નથી. એટલે મને હજુ આપણી શક્તિમાં વિશ્વાસ છે...આપણે ક્યારેય શક્તિઓનો ઉપયોગ કોઇ ખરાબ કામ માટે કર્યો નથી. લોકોની મદદ માટે આપણી શક્તિઓનો ઉપયોગ કર્યો છે." દીનાનાથે શુધ્ધ મનથી કહ્યું.

રિલોક કંઇક કહેવાનું વિચારી રહ્યો હતો. તેને લાગતું હતું કે તેમણે ભગત-ભૂવાનો સાથ લઇને સમય બરબાદ કર્યો છે. પોલીસની કે અન્ય સશક્ત માણસોની મદદ મેળવી હોત તો વિરેનને જલદી મુક્ત કરી શક્યા હોત. પરંતુ ગુરૂજીની વાત સાંભળ્યા પછી થયું કે તે એમને ઓછા આંકી રહ્યો છે. તેમના સાંનિધ્યમાં હજુ સુધી સલામત રહ્યા છે. જયનાના પ્રેતથી એમણે બધાંને બચાવ્યા છે. અને એનું પ્રેત કોઇ ગંભીર નુકસાન પહોંચાડી શક્યું નથી.

રેતા કહે:"જાગતીબેન, તમે એકલા જઇ રહ્યા છો પણ મને ડર લાગે છે."

"બહેન, તું ગભરાઇશ નહીં. આ મારી પણ પરીક્ષા છે. મને વિશ્વાસ છે કે હું તારા પતિને પણ પાછો લાવવામાં સફળ થઇશ..." જાગતીબેન આશ્વાસન આપતાં બોલ્યા.

રિલોક કહે:"બેન, મારી ભૂમિકા શું રહેશે?"

જાગતીબેન એના માથા પર હાથ મૂકી બોલ્યા:"તારી ભૂમિકામાં તું સફળ થાય એવા આશીર્વાદ આપું છું...આપણું પહેલું કામ નાગદાના ઘર પર ધ્યાન રાખવાનું છે. એ પાછી ફરે પછી આપણું કામ શરૂ થશે..."

જાગતીબેન રિલોકને હજુ એની ભૂમિકા વિશે ચોક્કસ કહેતા ન હતા. રિલોકને હવે કોઇ ડર ન હતો. તેણે જાગતીબેન પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું નક્કી કરી લીધું. રિલોક જાગતીબેન પછી ચિલ્વા ભગત અને ગુરૂ દીનાનાથને પગે લાગ્યો. પોતે કોઇ સમજ વગર કઇ ભૂમિકા ભજવશે એ સમજાતું ન હતું. પરંતુ જાગતીબેન જ અત્યારે તો એકમાત્ર સહારો હતા. તેમનો આત્મવિશ્વાસ ગજબનો લાગતો હતો. મિત્ર વિરેનને છોડાવવા માટે હવે જાનની પણ પરવા કરવી નથી.

જાગતીબેન અને ચિલ્વા ભગત નાગદાના ઘર પાસે જવા નીકળતા હતા ત્યારે કબૂતરની પાંખો ફફડવાનો અવાજ આવ્યો. બધાંની નજર એ તરફ ફરી. એક કબૂતર તેમની તરફ આવી રહ્યું હતું. આ એજ કબૂતર હતું જેને છોડી દીધું હતું.

બધાંના મનમાં ફરી ડર પેઠો. નાગદાએ કબૂતરને પાછું મોકલ્યું હશે કે ખુદ જયનાનું આ પ્રેત છે?

***

નરવીરને કેરીઓ તોડવાની મજા આવી રહી હતી. તે એક ડાળ પરથી બીજી ડાળ પર સાવધાનીથી જતો હતો. નાગદા મનોમન મુસ્કુરાતી હતી. નરવીરથી ઝાડ પર ચઢી જવાયું એટલે એના મનમાં હવે પોતે નરવીર છે એ પાકું થઇ ગયું હશે. કેરી પણ કેટલો ઉત્સાહથી તોડીને ફેંકી રહ્યો છે. અચાનક તેના મોંમાંથી ચીસ નીકળી:"ઓ મા...." અને નરવીરે ચોંકીને તેના તરફ જોયું. નાગદા કોઇ મુસીબતમાં આવી હોય એવા અંદેશાથી તે ગભરાયો અને તેના ડાબા હાથની ડાળી પરની પકડ છૂટી ગઇ. તેણે પગનું સંતુલન પણ ગુમાવ્યું...

વધુ ચાલીસમા પ્રકરણમાં...