hastu gulab mara hathma books and stories free download online pdf in Gujarati

હસતું ગુલાબ મારા હાથમાં

હસતું ગુલાબ મારા હાથમાં

એ માત્ર ગુલાબ નહોતું. એ મારી હથેળીઓમાં રમતું મારું પ્રિય 'ગુલાબ' હતું. શરમના શેરડે રાતું, અંબોડે બીજું લાલ ગુલાબ ઝૂલવતું, એની અદમ્ય ઇચ્છાઓની પૂર્તિ સ્વરૂપ, મારા દ્વારા ચુમાઈ રહેલું ગુલાબ હતું. એ કયું ગુલાબ? તમને એની સુગંધની વાત કરું?

તો ચાલો, તમને માંડીને કરું એ ગુલાબની વાત.

મારી નોકરી એક ઉચ્ચ સરકારી અધિકારીની છે. દર અઢી ત્રણ વર્ષે નવા શહેરમાં જવાનું. જાઓ એટલે નવું વાતાવરણ, નવો સ્ટાફ, નવું ઘર ગોતવું, ત્યાં નવા પાડોશીઓ, મારી પત્ની માટે નવા વેપારીઓ, નવરાશે બે વાતો માટે નવી પાડોશણો - આ બધું મળતાં સમય લાગે. હા, અમારા લગ્નને બહુ વખત થયો નથી તેથી નવરાશની પળોમાં અમે જ એકમેકનાં મિત્રો.


વારંવાર નાનાથી મોટાંથી નાના શહેરમાં જવાનું હોઈ મારી સહચરીએ નોકરી લીધી જ નથી. એ મારામાં ઓગળી ગઈ છે. મારી નોકરી જે જિંદગી જીવાડે એ જીવવાનું એણે પસંદ કર્યું છે.


આ શહેરમાં નવું ઘર થોડા પ્રયત્નો અને દલાલને બે મહિનાની દલાલી આપ્યા પછી મળ્યું. અમને બન્નેને ગમી ગયું. સુંદર બેઠા ઘાટનું ઘર. આગળ નાનું આંગણું, આંગણામાં થોડી માટીવાળી ક્યારાની જગ્યા.


તેણી કહે, અહીં થોડા ફુલ છોડ વાવીએ. થોડો ડેકોરેટીવ એક તુલસીક્યારો લાવીએ. નજીકની નર્સરીમાંથી અમે થોડા ફુલ છોડ અને માટલાંવાળા પાસેથી સુંદર તુલસીક્યારો લઈ આવ્યાં. તેણી ખુશીખુશી રોજ સવારે છોડવાઓને પાણી સિંચતી. નહાઈને તુલસીને જળ સીંચતી તથા સૂર્યને અર્ધ્ય આપતી.


એક વાર એને જોઈ મેં લલકાર્યું 'આ ઈન નઝારોં કો તુમ દેખો, મેં બસ તુમ્હેં દેખતે હુએ દેખું.'

મને સદ્યસ્નાતા પત્નીને છુટા લાંબા, જલબિંદુઓ નીતરતા કેશ સાથે આંખ મીંચી સૂર્યને અર્ધ્ય આપતી જોવી ગમતી. તેના ગોરા ગાલ સૂર્યનાં મૃદુ કિરણો પડતાં અનેરા ચમકી રહેતા. સૂર્યનાં કિરણોથી જાણે તેનાં અંગેઅંગમાં લાલિમા વ્યાપી રહી હતી. એ ખુદ જાણે જુઈની વેલ પર ખીલેલું ગુલાબ હતી જે રાતરાણી જેવી માદક સુવાસથી મહેકતી હતી. તેના બાગબાનીના શોખને પોષવા મેં પણ તેની સાથે મળી નવો નાનો બાગ બનાવવાનું નક્કી કર્યું. ક્યારાઓ તૈયાર કર્યા.


ક્યારામાં સુંદર રાતરાણી, જૂઈ તો હતાં જ. એક દિવસ સહચરી કહે “આપણે ગુલાબનો છોડ વાવીએ. અહીં માટી અને પાણી સારાં છે.” આજ્ઞા સર આંખો પર! ગુલાબ વાવ્યાં. ફુલ આવતાં વાર તો લાગે જ ને?


જૂઈ, રાતરાણી હજુ વધતાં હતાં. ફુલ આવવાને વાર હતી.


જીવનની દરેક સુંદર વસ્તુ થોડો સમય લઈને જ મળતી હોય છે.


નર્સરીનાં ગુલાબ ઉગે ના ઉગે તે પહેલાં બે ત્રણ ઘર દૂર રહેતા પાડોશીના ઘરમાં ઊગેલાં ગુલાબની કલમ તેમને પૂછતાં તેમણે રાજીખુશીથી કાપી આપી. મેં સુડીથી છેડેથી ત્રાંસી કાપી, પાન તોડ્યાં, અને માટીમાં ત્રાંસી રોપી. બન્નેએ મળી માટીને બન્ને હાથે દબાવી હાથથી કડક આધાર કર્યો. રોજ હવે ગુલાબને પાણી સીંચાતું, ચા ના કુચા પણ નંખાતા. થોડા દિવસમાં તેની ટોચ પર સુંદર, નાજુક લાલ ચટક કૂંપળ ફૂટી. અમે બન્ને નવું જીવન પાંગરતું જોઈ ખુશ થયાં.


ગોળ મઝાની પાંદડીઓ ફૂટી. આગળ સુંદર અણી. નાજુક કાંટા પણ ઉગ્યા. નાનું બાળક નખ મારે એમ તેનું હળવું ચુભવું તેને ગમતું.


ઓફિસેથી તો હું અંધારાં જામી ગયા પછી જ આવતો પરંતુ ઉગતી સવારે અમે સાથે નવા બગીચામાં બેસીને જ ચા પીવાનું રાખેલું. આગળ કહ્યું તેમ સદ્યસ્નાતા પત્નીને ફુલોને પાણી પાતી જોતો જ રહેતો. ફુલો વાતાવરણ પંચવટી જેવું રંગીન બનાવી દેતાં.


“હેઈ.. જુઓ કેવી સુંદર કળી ખીલી ગુલાબને? ઉપરથી અણીદાર નીચેથી દડા જેવી“ કહેતી એક સવારે મારી સહચરી ઝૂમી ઉઠી.


પરંતુ ઓચિંતી ડાળ પીળી પડતી લાગી. કોઈ કહે રાખ નાખો. કોઈ કહે ભેજ વધી જાય છે રેતી નાખો. પણ કાંઈ થયું નહીં. હળવેહળવે એ ગુલાબનો છોડ કરમાઈ ગયો. પત્ની હવે તો નિશ્ચય કરી ચુકેલી કેજ્યાં સુધી ઘરમાં ગુલાબ ન ખીલે ત્યાં સુધી વાવ્યે જ રાખવું. મેં બીજી કલમ નર્સરીમાંથી લાવીને વાવી. હવે ચા ના કુચામાં રાખ ભેળવી નાખતો. થોડા કાંકરા ક્યારાની માટી પર નાખી દીધા જેથી ભેજ ઉડી જાય નહીં. આ વખતે તો લાલ ચટક ગુલાબ નાનું સરખું પણ થયું ખરું. પ્રથમ ગુલાબ સહચરીએ ચૂંટ્યું ત્યારે મેં તેનો કોમળ હાથ પકડી લીધો. બેઉએ સાથે એ ગુલાબની સ્નિગ્ધ પાંદડીઓ પંપાળી. પત્નીએ એ સાવ નાનું પ્રથમ ગુલાબ ઘરમાં પુજાના દેવને અર્પણ કર્યું. મને કહે “હવે મોટું ગુલાબ થાય એટલે તમે મારા વાળમાં પરોવજો. જલ્દીથી થશે જ.“


અમે રજાઓમાં નજીકના સ્થળે ચારેક દિવસ ફરવા ગયાં. પાછાં આવતાંજ જોયું તો ગુલાબનો છોડ જ ગુમ! કોઈ પ્રાણી કૂતરાં બિલાડાંએ કૂદીને ઉખેડી નાખ્યું હશે કે ગાય ખાઈ ગઈ હશે. કોઈ ગમ્યો એટલે ઉપાડી ગયું હશે. આસપાસ કરમાઈ ગયેલા અવશેષો પડેલા. પત્નીની નિરાશા હું જોઈ શક્યો. વળી નર્સરીમાંથી નાનો છોડ જ લઇ આવી વાવ્યો. નર્સરી વાળો કહે ચોમાસુ તો ગયું. હવે શિયાળામાં ફૂલો થશે. માવજત કર્યે રાખો.


ફરી કાળી માટી, ચાના કુચા, રાખ ઉપર કાંકરાનું સ્તર, ફરીફરી કુમળી પાંદડીઓનું ફૂટવું, છોડ ફાલવો. પત્ની રોજ “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો” ગાતી ગણગણતી. હવે નવી ખરીદેલ જળ ઝારીથી પાણીનો ફુવારો સીંચતી. છોડવાઓ અને પત્ની બંને થોડાં ભર્યાં ભર્યાં થઈ ગયેલાં તેથી વધુ ને વધુ સુંદર લાગતાં હતાં.


મારા પણ એ શહેરમાં દિવસો પુરા થવા આવેલા. પત્નીને ઇંતેજાર હતો ખીલેલા ગુલાબનો તો મને એના અંબોડે પરોવવાનો. કળી આ છોડ પર પણ ખીલી. હવે તો રાતરાણીની સુગંધથી બેડરૂમ ભરાઈ જતો હતો. જૂઈ શરમાળ ષોડશી કન્યાની પેઠે લળી જઈ, પોતાની જ નાજુકતાના ભારથી ઝૂકી ગઈ હતી. એક સુંદર મોડી સાંજે ઘેર પરત આવતાં જ પત્નીએ મને “સાચુકલાં ગુલાબ” ની વધામણી આપી- તે માતા બનવાની હતી, હું પિતા. હું ખુશીથી ઝૂમી ઉઠ્યો. બહાર મસ્ત રાત્રિના પવનમાં ખીલું ખીલું થતું ગુલાબ લહેરાતું, આછુંઆછું ઝૂમતું હતું. બીજી સવારે જોયું, તો ગુમ! ગાય ખાઈ ગઈ હશે. કે કોઈ તોડી ગયું હશે. પત્ની રડમસ થઈ ગઈ. ફરીથી ઘરઆંગણે એક હસતું ગુલાબ જોવાની, તેને પોતાને અંબોડે લગાવવાની તેની આશા પર પાણી ફરી વળ્યું.


હવે ગુલાબ ફરતે અમે કાંટાની વાડ કરી. હા, કાંટા ધરાવતા છોડને પણ રક્ષા માટે મોટા કાંટાની વાડ જોઈએ. પોતાના સ્વરક્ષણના સાધનો હોય તો પણ અન્ય વધુ પ્રબળ દુશ્મનથી બચવા વધુ સક્ષમ રક્ષકનો સહારો આપણે પણ લેવો જ પડે છે.


કળી ખીલી. શિયાળો પણ દસ્તક દઈ રહ્યો હતો. એવામાં મારો પણ નવાં શહેરમાં બદલીનો ઓર્ડર આવી ચુક્યો.


એક જાહેર રજા સાથે જોઈનીંગ લીવ ભેગી કરી અમે સામાન બાંધ્યો. વળી નવી દુનિયા, નવો સ્ટાફ, નવું ઘર, નવો પાડોશ. હશે. આ જ તો મારી દુનિયા હતી.


શિયાળાની વહેલી સવાર હતી. સામાન માટેનો ટ્રક નવેક વાગે આવવાનો હતો. અમે છેલ્લે છેલ્લે આ મકાનના બાગમાં સાથે ચા પીવાનું નક્કી કર્યું ને હું બેઠો. પત્ની ચા લઈ આવતાં ટ્રે મુકી તુરત કુદી. પુરા રણકતા અવાજે, ઉભરાતા ઉમળકાથી મારો હાથ પકડી કહે “લ્યો જુઓ આ ખીલ્યાં બે મોટાં મઝાનાં ગુલાબ. કેવાં લાલ ચટક છે?”


મેં કહ્યું “અને હા, કોમળ પાંદડીઓ પર ઝાકળ બિંદુઓ પણ છે. તારા મેં ચુંમેલા હોઠની જેમ.” તે શરમાઈ ઉઠી.


મને હળવેથી કહે “દેવને તો ચડી ગયું. હવે આમાંથી એક મારા વાળમાં તમે જ ભરાવો, ઝાકળ બિંદુઓ સાથે. હું અંદરથી ગુલાબી સાડી પહેરીને આવું છું. ગુલાબી સાડી અને મેચિંગ લાલ ગુલાબ. મારા માથામાં તમે ગુલાબ પરોવતા હોય તેવી સેલ્ફી સાથે જ ખેંચશું. “


થોડી જ વારમાં તે સુંદર ગુલાબી સાડી પરિધાન કરીને આવી, જે પેક થઇ ગયેલી બેગમાંથી કાઢી હતી. સામાન સંપૂર્ણ પેક હતો પણ અરમાનો ક્યાં પેક હતાં?


મેં ઝાકળ બિંદુ સાથે એક હસતું મહેકતું ગુલાબ તેના વાળમાં ખોસ્યું. તે અરીસામાં જોઈ મીઠું હસી. તેની પીઠ મારી તરફ હતી. ગુલાબ મને મારી સામે ખીલખીલાટ હસતું લાગ્યું.


ત્યાં તો બહારથી ટ્રકવાળાનો અવાજ આવ્યો ”સાબ, સામાન લઈએ. પહેલાં તો આ કૂંડાં સાચવીને અંદર ટ્રકમાં મૂકી દઈએ.” ગલગોટા, તુલસી, બારમાસી વગેરે ટ્રકમાં ચડયાં. ગુલાબના છોડને અનેક વિકસતી કે વિકસી ચુકેલી કળીઓ બેઠી હતી. પણ અત્યારે કયો માળી એને કૂંડાંમાં નાખે? કાશ એ અમારી આંગળી પકડી ક્યારામાંથી બહાર આવતું હોત!


કમ્પાઉન્ડમાંથી બહાર આવી અમે છેલ્લી નજરે મકાન સામે જોયું. બગીચાના છોડ અમને વિદાય આપતા ઝુમતા હતા. પત્નીની એક મોટું ગુલાબ ઘરમાં ઉગાડી પોતાના વાળમાં પરોવવાની આશા ફળીભૂત થઈ હતી એનો આનંદ એના મુખ પર સ્પષ્ટ હતો. હજુ એક હસતું ગુલાબ પણ છોડની ટોચે નમીને અમને વિદાય આપતું લાગ્યું.


એ મહેકતા ગુલાબની મીઠી યાદોને ખોબામાં ભરી, ના, કહો કે અલગ પેકીંગમાં ભરી અમે સાથે લઈ ગયાં. પરિવર્તન તો કુદરતનો નિયમ છે. વાવ્યા કર્યાની મહેક સાથે આવે છે. બીજું બધું પાછળ રહી જાય છે.


અમે પાછળ ટેક્ષીમાં નીકળ્યાં. હું નવા વાતાવરણમાં જવા અને આવતી પરિસ્થિતિને વધાવવા ઉત્સુક હતો પણ પત્ની કઈંક ઉદાસ લાગી. કહે કે ત્યાં ખાસ મોટી ખુલ્લી જગ્યા નથી. છેવટ એક કુંડાંમાં પણ આટલી મહેનત કરી વાવેલો ગુલાબનો છોડ લઈ લીધો હોત તો સારું થાત. એક વાર તો કહે, ટ્રકવાળાને મોબાઈલ કરો. આગળ ચા-પાણી પીવા રોકાય ત્યાં સુધીમાં આપણે ટેક્ષી પછી લઈ, ગુલાબનો છોડ ખોદીને પણ લઇ આવીએ કે કમ સે કમ એની એક કલમ તોડી આવીએ. નવી જગ્યાએ કૂંડાંમાં વાવવા થશે. નાની પાળી તો છે એ મુકવા માટે. પણ ટેક્ષીડ્રાઈવરે કહ્યું કે પાછળ જાશું તો ટ્રાફિકજામ નડશે અને હવે ઘણાં આગળ નીકળી ગયાં છીએ.


હશે. બધે આપણને ગમતું થોડું જ હોય? એમ કહી સહચરીએ હતાશા સાથે મન મનાવી લીધું.


બપોર ઢળતાં અમે નવા શહેરમાં નવા ઘરે આવી પહોંચ્યાં. એ વખતે ટ્રક પણ આવી ગયેલો. તેણી સહુથી પહેલાં ઉતરી મારી પાસેથી ચાવી લઈને આગળ ગઈ. કહે કે પહેલાં દીવો કરીએ. મારી પર્સમાં વાટ છે. ઘીવાળી કરી રાખી છે. ડ્રાઈવર પાસેથી હમણાં બાક્સ માંગી લો.


જ્યાં અંદર કમ્પાઉન્ડમાં તેણીએ પગ મુક્યો ત્યાં તો એ હર્ષથી “વાઉ.. ક્યા બાત હૈ“ કરતી પરત દોડી, મારું બાવડું પકડી મને લગભગ આલિંગનમાં જ લઈ લીધો. કહે “જુઓજુઓ, મારું હસતું રમતું ગુલાબ અહીં પણ આવી ગયું!” મને નવાઈ લાગી. આમતેમ જોઉં ત્યાં ક્લીનર જ બોલ્યો “મેમ સાબ, મેં તમને છેલ્લે પાછળ જોતાં જોયેલાં. તમારી આંખમાંથી એ ગુલાબ જાણે ડોકિયાં કરતું હતું. મેં ટ્રક સહેજ આગળ ટર્ન પર ઉભી ત્યારે મારો જેક માટેનો રોડ લઈ, કોઈના બાઈક પાછળ બેસી ત્યાં જઈ એ ખોદી લીધું અને મારી પાસેની તમારી જ એક વધેલી પ્લાસ્ટિક બેગમાં માટી સાથે રાખી દીધું. એ છોડ ખુબ માવજતથી ઉછેરેલો લાગે છે. લો ત્યારે જાઉં.”


ગુલાબ તો હસતું હતું જ પણ મારી પ્રેયસીનો ફુલગુલાબી ચહેરો વધુ હસતો, વધુ ખીલી ઉઠેલો સુંદર લાગતો હતો. અમે બેઉએ સાથે એ ગુલાબની સ્નિગ્ધ પાંદડીઓ પર હાથ ફેરવ્યો. મારા હાથમાં એનો ફુલગુલાબી હાથ પકડી હું ઘરમાં દાખલ થયો. દીવાને અમે પગે લાગ્યાં. દરવાજો બંધ કર્યો. અને- બહાર પાંદડીઓ વચ્ચે એક હસતું ગુલાબ, તો બીજું ગુલાબી, લાલચટક અધર રૂપી પાંખડીઓવાળું હસતું ગુલાબ મારા હાથમાં!

***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED