અગાધ ઊંડી હૂંફ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગાધ ઊંડી હૂંફ

તીકેટ વાવાઝોડું કાંઠા ઉપર વસેલાં ગામોમાં ભયંકર ખાનાખરાબી વહોરશે એ તો અમને અગાઉથી સંદેશ હતો. અમે NDRF ફોર્સ સાથે સંકલનમાં હતા. જોકે અમારું તટ રક્ષક દળનું કામ કિનારાઓ પર સતર્કતાથી પહેરો ભરવાનું હતું. અત્યારે તો તકનો લાભ લઈ પાકિસ્તાન કે કદાચ ચીન પણ આ 1500 કીમી લાંબા પશ્ચિમના દરિયાકાંઠે આવી શકે.

અમને સંદેશ આવે તે પહેલાં અમારું પોતાનું જહાજ જ મધ દરિયે સંભાળવાનું કપરું કામ આવ્યું. મધ દરિયે એટલે કાંઠાથી માંડ આઠ દસ નોટીકલ માઈલ દૂર. અમારી લડાઈ વખતે પણ કામ આવે એવી સુસજ્જ સ્ટીમર ચાલકના કાબુમાં ન રહી. ભર બપોરે દરિયે ભૂરું ઘોર અંધારું થઈ ગયું અને પવન તમે કલ્પના ન કરી શકો એવી ઝડપથી જહાજને ધક્કો મારી ઢસડવા, ના, તાણી જ જવા માંડ્યો. આમથી તેમ ફંગોળાતું જહાજ અમારે આડું પડી જળસમાધિ લેતું બચાવવાનું હતું.

ઓચિંતાં મોજાં ખૂબ તાકાતથી ઊંચાં ઉછળી અમને થપાટો મારવા લાગ્યાં. દરિયે વિજળીનો ગડગડાટ એટલે? હીરોશિમાના બોમ્બનો હશે એવો પ્રચંડ. આભના અતિ બિહામણા, અનંત ઊંચા ઘુમ્મટમાંથી આભના બે ભાગ કરી દેતી હોય એવી અતિ તેજસ્વી વીજળી થવા લાગી. આ તો હજી તોફાન પહેલાંનું વાતાવરણ હતું. તીકેટ ત્રાટકે ત્યારે શું થશે?

અમારી લાઈફબોટ્સ અમે ભંડકીયાંમાંથી કાઢી ઉપર સામાન રહેતો ત્યાં સુરક્ષિત રીતે મૂકી. વચ્ચે અમારે દરિયા વચ્ચે તો રાક્ષસી કદની બેટરીઓ અને જનરેટરોથી જ ચાલતી ઇલેક્ટ્રિસિટી. એ જ બંધ થઈ ગઈ એટલે અમે ક્યાં છીએ એનું લોકેશન, અમારાં સાધનો અને ચાલક યંત્રો પણ બંધ પડી ગયાં. થોડી વાર એમ ને એમ તણાતા રહીએ ત્યાં અમારી કુશળ ટીમે ડીઝલ અને જે પણ જનરેટરને આપવું પડે તે, બારેય મેઘ ખાંગા થયા હતા એની વચ્ચેથી આપી ઇલેક્ટ્રિસિટી ચાલુ તો કરી.

મેં લોકેશન જોયું. મુંબઇ હાઈ થી 32 નોટીકલ માઈલ અને વાશીથી 22. કોંકણ તરફ જહાજનો મોરો એટલે મોઢું હતું. બધું ચાલુ કરી ચેક કરીએ ત્યાં સંદેશવ્યવહારની સિસ્ટીમ ચાલુ થતાં જ મેસેજ ફ્લેશ થયો કે તીકેટ અમારી ખૂબ નજીક છે અને અમે વાવાઝોડાની વચ્ચેથી પસાર થશું.

જહાજ આમથી તેમ ડોલવા લાગ્યું. સહુથી ઊંચો કુવાથંભ પણ જાણે હમણાં પડી જશે એમ ઝૂલવા લાગ્યો. જાણે રબરની પટ્ટી જોઈ લો, એમ વળીને ઊંચો થવા લાગ્યો. વૉચ ટાવર પર આધુનિક દૂરબીન લઈને સતત વૉચ રાખતો સાથી પણ નીચે ઉતરી ગયો. અમે જહાજમાં પાણી ભરાઈ જાય નહીં તે માટે પ્રયત્નો કરવા લાગ્યા. એ સાથે અમારું પોતાનું બેલન્સ રહેતું નહોતું એની વચ્ચે કામ કરવા લાગ્યા.

થોડી વારમાં ભુરી સફેદ પ્રચંડ દીવાલે અમને જહાજ સીખે ઊંચકયા. અમે દરિયામાં પડીએ નહીં એટલે જે હાથ કે પગમાં આવે તેને પકડીને સમતોલન જાળવી રહ્યા. વાવાઝોડું અમારી ઉપરથી પસાર થઈ રહ્યું હતું. એક બાજુ વિરાટકાય મોજાં અમને આમથી તેમ ફંગોળે અને બીજી બાજુ ઉપરથી જોરદાર વરસાદનો માર. સાથે ફૂંકાતો પવન અને આકાશ આંજી દેતા, કાન ફાડી નાખતા વીજળીના કડાકા ભડાકા. અમારા સાથીઓ સામાન માટેનાં ભંડકીયાં, જે મળે એ બારણું ભટકાવતી કેબિન કે કોઈ પણ જગ્યાએ શરણ લઈ રહ્યા.


ત્યાં તો સંદેશ વ્યવહારની સિસ્ટીમમાં મેસેજ ગુંજવા માંડયો- 'મે ડે.. મે ડે..'

એ તો મુશ્કેલીમાં મુકાએલાનો પોકાર. અત્યારે કોણ હશે અમારા સિવાય આ તોફાની દરિયે? સરકારે ચેતવણીઓ આપી માછીમારી કરતી બોટો, કાર્ગો સ્ટીમર ને બધાં જહાજોને દરિયાથી દૂર જમીન પર સલામત જગ્યાએ ખસી જવા કહેલું. અમે કોસ્ટગાર્ડ જહાજોએ રડીખડી બોટ્સ ને પકડી પકડી કાંઠે સુરક્ષિત જગ્યાએ મોકલેલી. અમારે તો છૂટકો ન હતો આ વિકરાળ તોફાનમાં પણ દરિયામાં રહ્યા વગર. આ અત્યારે કોણ?

મેં, આ જહાજના કેપ્ટને મેસેજ ઉપાડ્યો. ઓએનસીજી નું જહાજ દરિયામાં ફસાયેલું અને અમને લાઈટ પણ મોકલવા પ્રયત્ન કરતું હતું. જેમતેમ કરી તેના કેપ્ટનનો મેસેજ સાંભળ્યો. જહાજ દરિયાથી માંડ છ કે સાત કીમી હતું, પણ આ તોફાનમાં ગમે ત્યાં ટકરાય કે ડૂબી જાય એમ હતું. અમે તો 32 કિમી કિનારાથી હતા એટલે એક કલાક જેવાં અંતરે!

મેં પવનની દિશા જોઈ. સદ્ભાગ્યે એ જહાજ જે કિનારે હતું તે તરફ હતી. પણ અમે, મેં કહ્યું તેમ કોંકણ તરફ મોં રાખી જતા હતા. જહાજને આ વાવાઝોડાં વચ્ચે યુ ટર્ન તો મરાવી શકાય એમ જ ન હતું. જેમ તેમ કરી જહાજને એ તરફ ટર્ન મરાવવાનું કર્યું. જહાજ ઉછળીને આડું પડતાં રહી ગયું.

અમારી ફરજ કિનારાના ચોકી પહેરાની છે. સામાન્ય જનતાને, એમાંયે ચેતવણી છતાં દરિયે રહેલ જહાજને બચાવવા માટે દેશની રક્ષા માટેનું જહાજ ખતરામાં ન મુકાય. અત્યારે મારા ઉપરીઓનો સંપર્ક પણ થઈ શકે તેમ નહોતો ને એટલો ટાઈમ પણ ન હતો.

દેશને બચાવવો એટલે દેશના નાગરિકોને બચાવવાનું પણ એમાં આવી જાય. જહાજ વળી શકે એટલે એની એક સાઈડે પાણી ભરતા જઈ એ નમતું જાય એટલે બીજી સાઈડે વાળતા જવાનું. કામ ખુબ જોખમી હતું. પણ મેં હુકમ આપ્યો અને મારી પર અટલ વિશ્વાસ રાખતા ચાલકે એ માન્યો. બહાર ટ્રેઇન્ડ જવાનો પાણી એક બાજુ આવવા દેતા રહ્યા અને બીજી બાજુ અટકાવતાં રહ્યા. આખરે જહાજ એ તરફ વળ્યું અને એન્જીન ઓપરેટરે ફૂલ થ્રોટલ સાથે પાછળ પાણીની છોળો ઉડાવતાં એ ઓએનજીસીનાં જહાજ તરફ મારી મુક્યું. વીસ પચીસ મિનિટમાં વાવાઝોડું થોડું નરમ પડ્યું કેમ કે તે આગળ ગુજરાતની જમીન તરફ ગતિ કરી ગયું હતું. અમને વળી ફ્લેશ લાઈટ દેખાઈ અને થોડી વાર 'મે ડે.. મે ડે..' ની ચીસો ગુંજી. ઓચિંતું બધું શાંત થઈ ગયું. અમે નજીક હતા ત્યાં જ એ જહાંજે દરિયાનાં રાક્ષસી મોજાંની થપાટે જળ સમાધિ લેવી શરૂ કરી હતી.

ઓપરેટર કેપ્ટને અમારું જહાજ તેની નજીક લીધું ત્યાં તો દરિયામાંથી નાની ટોર્ચોના શેરડા અને 'બચાઓ' ની બુમો સંભળાવા લાગી. એ જહાજ ઉછળીને આડું પડી ગયું હતું અને તેના ખલાસીઓ અને સવાર લગભગ સહુ કોઈ દરિયામાં ફેંકાઈ ગયા હતા. એ પહેલાં તેમણે ફટાફટ લાઈફ જેકેટ પહેર્યાં હશે જેથી હજી તેઓ ડૂબ્યા ન હતા. અંધારામાં તેમાંના અમુક લોકોનાં જેકેટ પરની ટમટમતી લાઈટો મોજાંઓ સાથે ઉછળતી દેખાઈ.

મેં મારા બધા જ ખલાસીઓને દરિયામાં કૂદી જે હાથમાં આવે તેને બચાવવા આદેશ આપવા માગ્યો પણ એક સેકન્ડ હું થંભી ગયો.

ચાલુ તોફાને અન્ય જહાજના ઓલરેડી ડૂબી રહેલા ખલાસીઓને બચાવવા, જે હવે અશક્ય જ હતું, હું મારા જવાનો અને લાઈફબોટ્સને કેવી રીતે જોખમમાં મુકું? જવાનો ટ્રેઇન્ડ હતા અને દેશની સંપત્તિ. બધા જ 22 થી 27 વર્ષ વચ્ચેના. ગમે તેમ કરી એ જહાજના ખલાસીઓને બચાવવા મારા રિસોર્સિઝ એટલે કે જાનમાલને સો ટકા જોખમમાં મુકવાનું હતું. આવા તોફાનમાં ડુબતાઓને બચાવવા જતાં જે જાનમાલની મારે પક્ષે ખુવારી થાય એ ઘણી મોટી હતી. મારા જવાનો પરનું જોખમ લેવાનું, બલ્કે અશક્ય છે તે કામ કરૂં કે નહીં?

મારી પાસે સેટેલાઇટ ફોન હતો જે સંકટ સમયે વપરાય. મેં હેડક્વાર્ટરની આજ્ઞા માંગવા લગાવેલો પણ વિચાર બદલ્યો ને હું આ જોખમ લઉં છું એટલું જ બે ચાર વાક્યોમાં કહી મારી આખી ટીમને દરિયામાં, એ પણ ચાલુ વાવાઝોડાં, પ્રચંડ ગાજવીજ અને મુશળધાર વરસાદ સાથે ફૂંકાતા પવનમાં દરિયામાં કૂદી જે હાથમાં આવે તેને બચાવવા કહ્યું. હું પોતે પણ કૂદતો દોડતો મારી કેબિનમાં જઈ મારો ડ્રેસ કાઢી, ફેંકી લગભગ વસ્ત્રહીન દશામાં ક્યાંકથી હાથમાં આવ્યું એ લાઈફ જેકેટ અને એક સ્કીઇંગ માટે વાપરીએ એવું લાબું પાટિયું લઈ કૂદી પડ્યો. એ પહેલાં મારે ઘેર મેસેજ મૂકી દીધો કે હું ક્રાઇસીસ મેનેજમેન્ટ માં છું ને જીવતો હોઈશ તો ફરી ફોન કરીશ. વાવાઝોડામાં સલામત છું. બાળકોની સંભાળ રાખવી. અને હું ખૂબ ઊંચેથી વગર પેરેશૂટ કુદયો.

આ ફૂદવું એટલે? નહીંનહીં તો સિત્તેર થી સો ફૂટ ઊંચેથી. પડો એટલે તમે એટલા જ ઊંડા જાઓ. મારી પાસે ઓક્સિજન ટેન્ક કે માસ્ક પણ ન હતાં. અંધારામાં હું દરિયામાં ઊંડે ખાબક્યો ને એ સાથે બે શરીર મને ભટકાયાં. એ બેયને એક એક હાથે પકડી મને ખ્યાલ હતો કે જહાજની સીડી કઈ તરફ છે, ત્યાં એમને દોરી ગયો. ઉપર આવવું મારી જેવા ટ્રેઇન્ડ યોદ્ધા માટે એટલું અઘરું ન હતું પણ સીડી હતી હજી પચાસેક ફૂટ ઉપર. ક્યાંકથી ઉપરથી કોઈક હોંશિયાર સાથીએ ફેંકેલ દોરડું હાથમાં આવ્યું એ તે બેયને પકડાવી હલાવવા કહ્યું. તેઓ ઉપર ખેંચાયા એટલે હું ફરી નજીકમાં બીજા ડૂબતા પાંચને ખેંચી લાવ્યો. તેઓ તો બુડબુડ કરતા પાણી પી ગયેલા. ચાલુ બચાવ કાર્યે તેમનાં પેટમાં ગોઠણથી લાત મારી તેમને પણ હોશમાં લાવી ઉપર પહોંચાડ્યા. તક મળતાં એક યુનિફોર્મમાં ઉભી તરતી લાશને મારી પીઠે ચિપકાવી હું દરિયામાં ઉપર ગયો અને એ દોરડી અને સીડી પકડી જહાજ ઉપર. લાશ જમીન પર ફેંકી ત્યાં તો જોયું - એ તો તે જહાજનો કેપ્ટન હતો! એને આગળ પાછળથી લાત મારી પછી પદ્ધતિસર પાણી કાઢી, હૃદય પર મુઠીઓ મારી મારા માણસે જીવતો કર્યો એ દરમ્યાન મેં પગમાં માછલીઓ જેવા ડાઇવિંગ શુઝ અને ડાઇવિંગ યુનિફોર્મ પહેરી લીધાં અને ફરી ખાબક્યો. બીજાઓને બચાવવા લાગ્યો.

એ દરમ્યાન કોમ્બાટ માટે ટ્રેઇન્ડ મારા જવાનોએ બીજી દસ બાર જે મળી એ દોરડીઓ જહાજ પર બાંધી દીધેલી અને એક એક માણસ દોરી હલે એટલે નીચેથી કોઈ બચાવકાર્યમાં રહેલો છે એ સમજી ઉપર ખેંચે.

મારા ડાઈવર જવાનોએ લાઈફબોટ, બોયાં અને જે ઉપયોગી થયું એની મદદથી ગમે તેટલે ઊંડે જઈ લોકોને બચાવ્યા.

માનશો? અમે પાંત્રીસ સૈનિકોએ એંસી લોકોને બચાવ્યા.

એ બધા ખૂબ ડરી ગયેલા. ભાનમાં આવતાં જ ઘણાખરા રડી પડ્યા. એમનું બીપી પણ હાઈ હતું.

મેં તાત્કાલિક હેડક્વાર્ટરને આ ઓચિંતાં રિસ્ક્યુ ઓપરેશનની માહિતી આપી. તેઓએ મને અભિનંદન પાઠવ્યાં અને ઓએનજીસીનો સંપર્ક કર્યો. તેમના અધિકારીઓએ પણ દરિયામાંથી તેલ, ગેસ કાઢવાનું એમનું ઓપરેશન બંધ કરવા સૂચના આપેલી પણ કોન્ટ્રેક્ટરે મધદરિયે એટલે ખૂબ ઊંડે જઈ નિર્ધારિત કામ પતાવીને જ પાછા ફરવાનું પસંદ કરેલું. તેઓ થોડા ધીમા પડ્યા કે વાવાઝોડું વહેલું આંબી ગયું. કિનારાથી માત્ર પાંચ કીમી દૂર રહ્યા ત્યારે તેઓ આ તોફાનમાં ફસાયેલા.

માણસ માણસને સંકટમાં મુઠી હૂંફ આપવા તો સર્જાયો છે પણ આ તો મુઠી નહીં, આભ ઊંચી હૂંફ. ના, સાગર હોઈ અગાધ ઊંડી હૂંફ અમે આપી. ખરું એ છે કે અમારાથી અપાઈ ગઈ. આજે થોડા દિવસ પછી યાદ કરું છું તો પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

***