અશ્વમેધા - પ્રકરણ 4 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્વમેધા - પ્રકરણ 4

વસાવા હજુ એ વ્યક્તિ પાસે ઉભા પગે બેઠો હતો. આ જગ્યા રાજાના એ ઘરથી ખૂબ દૂર તો નહતી, અને નજીક પણ નહતી. વસાવાનું મન જે મેધા માટેના અંદેશાઓ પ્રગટ કરી રહ્યું હતું એ આ વ્યક્તિની હાલત જોતા એને સાચા લાગી રહ્યા હતા. છેવટે વરસાદનો મારો અને ઠંડી સહન ન થતા એ પોતાની દુનિયામાંથી બહાર આવ્યો અને જાડેજા સામે જોયું.
જાડેજાએ એના હાવભાવ જોતા જ બધુ સમજીને કહ્યું, "બસ હવે વધુ ન વિચાર આને લઈને દવાખાને જઈશું એટલે બધી બાબતો સામે આવી જશે. અત્યારથી એ બિચારી પર વહેમાવાની જરૂર નથી..."
જે રીતે જાડેજાએ આ બાબત કહી કે વસાવા સમજી ગયો કે 'એમના સાહેબ સ્ત્રેણ તત્વ પાછળ પીગળી ગયા છે. જ્યાં સુધી આ વ્યક્તિ હોશમાં આવીને જાતે મેધા વિશે ન જણાવે ત્યાં સુધી આગળ કઈ જ કામગીરી શક્ય નથી.'
છેવટે એ માણસને બંને જણાએ ઊંચક્યો અને જીપના પાછળના ભાગમાં ગોઠવ્યો. આગળ જઈ બંને જણા જીપમાં બેસી ગયા. અને ઝડપથી જીપ આહવાના રસ્તા પર લઈ લીધી. આહવા પહોંચતા જ એમણે સરકારી હોસ્પિટલ તરફ જીપ લીધી.
એ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં ડોકટર હાજર નહતા. પણ જેવા જાડેજા અને વસાવા એ માણસને ઉઠાવી લાવ્યા ત્યારે ડૉકટરે ત્યાં રાખેલ એક માણસ કાનું જાડેજાને ઓળખી ગયો. ડોકટરની ખાસ સૂચના એને હતી કે ઈમરજન્સી વગર એમને યાદ ન કરવા. એમ પણ અહીં હેલ્થ વર્કર ગામે-ગામ ફરીને બધાને દવા અને રસીઓ વિશે જાણકારી આપતા હોય છે. તેમ છતાં આ આદિવાસી પ્રજા એ બાબત સમજતી નથી અને ભાગ્યે જ ડોક્ટર પાસે આવતી હોય છે. આ જ કારણ હતું કે અહીંના એકમાત્ર ડોકટર અહીંથી મોટેભાગે ગાયબ રહેતા હતા.
કાનું જાડેજાને જોઈ પોતાના માથા પર વાંસની એક છત્રી જેવી વસ્તુ લઈ વરસાદમાં બચતો ભાગીને ડોકટરના કોટેજ પર ગયો. એ કોટેજ માંડ ૫૦૦ મીટરની દુરી પર હતું. પણ વરસાદનો મારો અસહ્ય હતો. ડોકટર રોહન શર્મા પણ જાડેજાનું નામ સાંભળીને રેઇનકોટ અડધો-પડઘો પહેરતા દોડતા હોસ્પિટલમાં આવ્યા.
હોસ્પિટલમાં આવીને એ સીધા જ જાડેજા સમક્ષ ઉભા થઇ ગયા. "માફ કરજો, થોડીક ઈમરજન્સી આવી હતી બપોરે. તો હું થાકના કારણે જરા આરામ..."
એવામાં જાડેજાએ ડોકટર સામે જોયું અને એમની એક નજરથી જ જવાબ આપ્યો, "હા જાણું છું. અત્યારે આને જુઓ ફક્ત...."
એની આવી કડકાઈથી ડોકટરે તરત એમની સામેથી નજર હટાવી દીધી. અને જેને જાડેજા લઈને આવ્યા હતા એ વ્યક્તિ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને કાનુંને આ વ્યક્તિને પોતાના તપાસરૂમમાં લઈ જવાનું કહ્યું.

અડધો કલાક જેવો સમય વીત્યો. વસાવા અને જાડેજા બહાર જ ઉભા હતા અને ડોકટર હજુ અંદરથી આવ્યા નહતા. આમ તો જાડેજા અહીં ન રોકાયા હોત પણ અત્યારે વાત મેધાની હતી. આ વ્યક્તિ એની ઘર પાસેથી મળ્યો હતો. આ વિચારો ચાલતા હતા એટલામાં ડોકટર બહાર આવ્યા અને બંને એની સામે જાણકારી મેળવવા ઉભા થઇ ગયા.
ડોકટર બોલ્યા, "એ જે પણ છે એને હોશ આવ્યો નથી. એના ઘા જોયા મે. બહુ ખરાબ હાલ છે. ચહેરા પર જેટલા તીક્ષ્ણ વાર છે એ કોઈ કાચના હોય એમ લાગે છે. એ સિવાય શરીર પર મૂઢ મારને કારણે શરીર વાદળી પડી ગયું છે. અત્યારે જેટલું સમજ આવ્યું. એ પ્રમાણે એની દવા કરી છે. અને બાટલો ચઢાવ્યો છે. જો ૨૪ કલાકમાં ભાન ન આવે તો એને સુરત લઈ જવો વધુ યોગ્ય રહેશે...."
આટલી વાત સાંભળી કે વસાવાને વિશ્વાસ બેસી ગયો કે 'હવે એમને મેધા વિરુદ્ધ કોઈ સાક્ષી નહિ મળે....' વસાવાના આ પ્રકારના મનોમંથનમાં એ મેધાને જ દોષી માનતો હતો. એના મતે આ બધાની જડ માત્ર મેધા છે. જ્યારે જાડેજાના મતે, 'મેધા જેવી કુમળી છોકરી કોઈનો જીવ લેવાનું કાર્ય ક્યારેય ન કરી શકે. આ વ્યક્તિ હોશમાં ન આવે ત્યાં સુધી એ બિચારી પર ઈલજામ લગાવવાનો કોઈ મતલબ નહતો.'
એ બંને ત્યાંથી નીકળ્યા અને પોલીસ સ્ટેશન પર ગયા.

આ તરફ જંગલ વચ્ચે રાજાના ઘરમાં....
જાડેજા અને વસાવાના ગયા બાદ દરવાજો બંધ કરી મેધાએ રાહતનો શ્વાસ લીધો. પોતાના અંબોડામાં બંધ વાળ એણે છુટા કર્યા. અને તરત એના વાળ હવામાં લહેરાઈ ઘૂંટણ સુધી ફેલાઈ ગયા. પછી એ બેઠકરૂમ પાર કરી એક દરવાજામાં અંદર ગઈ. આ રૂમ એક બીજો બેઠકરૂમ જ હતો. પણ અહીંની સજાવટ અલગ હતી. અહીંનું ફર્નિચર સાગના લાકડાનું હતું અને ફ્લોર પણ. છત પર લટકતો કાચનો મોટો ઝૂમર, એક મોટી સેટીની એક બાજુ દીપડા અને રીંછના કેમિકલ્સથી સાફ કરેલા અસલી શરીરના પૂતળાઓ, એક આખી દીવાલ પર રાઈફલ્સ અને તલવાર. જ્યાં જુઓ ત્યાં બધે જ ભવ્યતાના દર્શન. લગભગ 30 ફૂટનો મોટો રૂમ.
એ રૂમ પાર કરી મેધા બીજા રૂમમાં પ્રવેશી. અને એના બાદ બીજા બે રૂમમાં.... આ રૂમો પણ જેવા-તેવા નહતા. ફર્નિચર પર નકશીકામ અને કલાત્મક ચીજોનો ભંડાર હતો અહીં.
આ ઘર જાડેજાને દેખાયું એવું કોઈ સામાન્ય ઘર નહતું. એક મોટી હવેલી હતી. પણ બહાર બેઠકરૂમમાં બેસનારને આની ભવ્યતાનો અંદાજો ન આવી શકે. અહીં જે રહે એ જ આ બધી રૂમોની ભૂલભુલામણી સમજી શકે. મેધા એક જ દિવસમાં આ ઘરને ખૂબ સારી રીતે ઓળખી ગઈ હતી.
બધા જ રૂમો સાગના ફર્નિચર અને વાંસ તેમજ કાંચની સજાવટોથી ભરપૂર હતા. આ હવેલી કોઈ આદિવાસી રાજાની નહિ પણ કોઈ મહારાજાધીરાજની હોય એમ હતી. અને એમા હવેલીની આ બાંધણીએ વધારો કર્યો હતો. એક રૂમની અંદર બીજા રૂમનો દરવાજો રાખવો એ એક અલગ જ પ્રકારનું બાંધકામ હતું. બહારથી બે માળની આ હવેલી અઢળક સંપત્તિ અને ઐશ્વર્યનું સાક્ષાત પ્રતિબિંબ હતી. અને એને કારણે જ સામાન્ય પ્રજાનું અહીં આવવું પ્રતિબંધિત હતું.

મેધા એક છેલ્લા રૂમમાં પહોંચી, આખા ઘરથી વિરુદ્ધ અહીં માત્ર એક સામાન્ય વાસનો ખાટલો અને એક નાનકડું બાજોટ. એ સિવાય આખો રૂમ માત્ર સફેદ રંગનો હતો. મેધા એ રૂમમાં પહોંચી કે તરત એ ખાટલા પાસે ગઈ. ખાટલા પર મુકેલી ચાદર પર કરચલી પડેલી હતી, અને એની પર ક્યાંક-ક્યાંક લોહીના ડાઘ હતા. બાજોટ પર જાતજાતના પ્રવાહી પડ્યા હતા. લાલ, પીળું, લીલું... અને સાથે જ વાંસની કેટલીક લાકડીઓ પણ. મેધા ખાટલા પાસે ગઈ અને એની ચાદર પર એક હાથ મુક્યો. હાથ મુક્યાની એક જ મિનિટમાં એ ઉભી થઈ. એણે પોતાના દાંત જોરથી ભીસ્યા અને બુમ પાડી, "માધવ........"
બીજા જ પળે ખાટલો હવામાં ફંગોળાઈ ગયો અને એક વાવાઝોડાની જેમ ગુસ્સામાં એ રૂમમાંથી બહાર જતી રહી.

બીજી સવારે...
જાડેજા અને વસાવા હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોકટર રોહન શર્મા પણ એ વખતે ત્યાં જ હાજર હતા. એમને ખ્યાલ હતો કે જાડેજા દર્દીને લઈને આવ્યા છે તો એનું ખાસ ધ્યાન રાખવું જ પડશે. એ લોકો આવીને સીધા જ એ જખમી વ્યક્તિના વોર્ડમાં ગયા. ત્યાં એ વ્યક્તિ હોશમાં આવી ગયો હતો. પણ એની હાલત એટલી સારી નહતી.
જાડેજાએ તરત પોતાના પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા, "હું અહીંનો પી.આઈ. જાડેજા છું. અમે જ તને અહીં લાવ્યા હતા. મને જાણવું છે કે તું કોણ છે અને તારી આ હાલત કેવી રીતે?"
સામેવાળો ધીમા અવાજમાં ડરતો-ડરતો જવાબ આપી રહ્યો હતો, "હું માધવ.... હું સુરતનો.... અહીં એક ટેક્સીના ફેરા માટે.... અચાનક એક સ્ત્રી.... મારી સામે આવી અને... ત્યારબાદ એણે મને બહાર નીકાળ્યો અને મને ઘસેડવા લાગી... હું હોશમાં ન..... ત્યારબાદ એ.... મેડમ......" આટલી વાત અચકાતા બોલતા તો ફરી એ બેભાન થઈ ગયો. જાડેજા અને વસાવા બેભાન માધવની સામે જોઈ રહ્યા.
ડોકટર આવ્યા અને એ બંને સાથે આગળની વાત કરી, "હવે માધવ હોશમાં આવી ગયો છે તો એના જીવને જોખમ નથી. પણ હા એની હાલત જોતા લાગે છે કે એને ઠીક થવામાં સમય લાગશે. તમે એનું આગળનું કથન પછી લો, એ વધુ યોગ્ય રહેશે."
ડોકટરની આ વાત સાંભળી કે વસાવા અને જાડેજા બંનેને ગુસ્સો આવ્યો. જોકે એ બંને અલગ વાતોને કારણે ગુસ્સે થઈ રહ્યા હતા. પણ એમના ગુસ્સે થવાનું કારણ એક જ વ્યક્તિ હતી, 'મેધા...'
વસાવા આ ઘટના પાછળ મેધાનો હાથ છે એ પુરવાર ન કરી શક્યો એના કારણે ગુસ્સે હતો, જ્યારે જાડેજા મેધાને નિર્દોષ પુરવાર ન કરી શકવા બદલ ગુસ્સે હતો.
છેવટે એ બંને 'માધવના હોશમાં આવતા જ એમને જાણ કરવામાં આવે' એ સલાહસુચન આપી ત્યાંથી નીકળી ગયા.
સાંજે કાનું એમના સ્ટેશન પર માધવના હોશમાં આપવાની બાતમી આપવા માટે ગયો. અને એ બંને જીપ ભગાવી હોસ્પિટલમાં પહોંચ્યા. જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે ત્યાં કોઈ હાજર નહતું. એમને આ જોઈ નવાઈ તો લાગી પણ એ સીધા જ માધવના વોર્ડમાં ગયા અને અંદર જતા જ અંદરનું દ્રશ્ય જોઈ એમની આંખો ખુલ્લી રહી ગઈ. રૂમનો પલંગ અસ્તવ્યસ્ત અને ગાદી નીચે હતી. ચાદર વચ્ચેથી ફાટીને બંને ટુકડા જમીન પર પડ્યા હતા. બાટલાનું સ્ટેન્ડ આડું પડી ગયું હતું અને સૌથી જરૂરી બાબત... માધવ ત્યાંથી ગાયબ હતો.....

('મેધા' નામ જેટલું અનોખું, રહસ્યો એટલા જ ઊંડા... જાડેજા અને વસાવાના આ બ્લેમ ગેમમાં શુ એક નિર્દોષની બલી ચડશે કે સમય રહેતા એ બંને માધવને બચાવી શકશે? જાણવા માટે વાંચતા રહો, "અશ્વમેધા....")