અશ્વમેધા - પ્રકરણ 7 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્વમેધા - પ્રકરણ 7

મેધા એના ઘરમાંથી બહાર નીકળી. વસાવા આમ તો મેધાને પોતાની કટ્ટર દુશ્મન સમજવા લાગ્યો હતો. પણ જાડેજાને એક વખત મેધાનું ઘર તપાસવું હતું. એટલે એ વસાવાને લઈને બીજા રસ્તેથી પાછળ તરફ ગયો, જે સૂર્યાએ બતાવ્યો હતો. સાંજના પ વાગ્યાનો સમય થયો હતો. વરસાદી માહોલ હતો. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. આમ તો ડાંગમાં જે વ્યક્તિ ન રહેતું હોય એમને અહીંનું વાતવરણ માફક આવે નહિ. પણ મેધાને આ ખરાબ વાતાવરણનો ફરક નથી પડી રહ્યો, એ બાબત જ કયાંક ને કયાંક જાડેજા મેધાના અસામાન્ય હોવાના પુરાવા આપી રહી હતી. એણે હજુ સુધી એને ગુનેગાર માની નહતી. એ બાબત વસાવા પણ જાણતો હતો.
એ બંને જેવા પાછળના દરવાજેથી અંદર જવા ગયા કે એમને ખ્યાલ આવ્યો દરવાજો અંદરથી બંધ છે. એ દરવાજો કોઈપણ રીતે ખોલવો જ પડશે એમ સમજીને એ લોકો દરવાજો તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ લાલ ચંદનના લાકડાનો બનેલો આ દરવાજો એ બંનેના ખૂબ પ્રયત્ન છતાં તૂટ્યો નહિ. ત્યારે એમણે બીજો રસ્તો વિચાર્યો.
ત્યારબાદ એ લોકો ઘરની પાછળથી ફરીને ઝાડી-ઝાંખરાથી બચતા આગળ આવ્યા, આ દરમિયાન એમને આ ઘરના હવેલી હોવા અંગેની બાબતનો અણસાર આવ્યો. કોઈ સામાન્ય ઘરને ગોળ ફરીને આગળ આવતા 10 કે 20 સેકન્ડ થાય. અહીં એ બંનેને પુરી ચાર મિનિટ થઈ. એ પણ માત્ર એક જ બાજુ. હજુ બીજી તરફ ફરવાનું બાકી હતું. જાડેજા આગળ પહોંચ્યા કે એમણે જોયું કે જલ્દીમાં મેધાએ આગળનો દરવાજો ખુલ્લો મુક્યો છે. આ જોયું કે એમને એમની મૂર્ખામીનું ભાન થયું. એમણે મેધાને માત્ર દૂરથી જતા જોઈ, જો એક વખત એના ગયા બાદ દરવાજો જોયો હોત તો આટલી પરેશાની ન ઉઠાવી પડી હોત.
દરવાજો ખોલીને અંદર જતા સીધો બેઠકરૂમ આવ્યો. ઉપર તરફ જતી સીડીઓ હતી જે એક દરવાજામાં પુરી થતી હતી. બેમાંથી એક દરવાજો ખોલ્યો કે સીધું જ રસોડું અને જમવા માટેનો રૂમ આવ્યા. આ એક વિશાળ રૂમ હતો. જેમાં 25 જણ એક જ ટેબલ પર બેસી જમી શકે એટલું મોટું સાગનું ટેબલ હતું. વળી રસોડામાં સ્ટીલના નહિ પણ સોના અને ચાંદીના વાસણો દેખાયા. ગેસની સગડી પણ એક કે બે નહિ ચાર મુકેલી હતી. અને એટલું જ મોટું રસોડાનું પ્લેટફોર્મ. આ બધું જોઈ વસાવા સમજ્યો કે અત્યાર સુધી રાજા દ્વારા કોઈને અંદર આવવાની પરવાનગી કેમ નહતી! ત્યાંથી બહાર આવ્યા કે બીજા દરવાજામાં ગયા તો એ પણ એક બેઠકરૂમ હતો, બહારના રૂમથી બિલકુલ અલગ. અહીં એ બંનેએ એવી ઘણી વસ્તુઓ જોઈ, જે એ લોકોએ જીવનમાં ક્યારેય ન જોઈ હોય.
એ પછી એ લોકો અહીંથી આગળ જવા માટે દરવાજો શોધવા લાગ્યા. પણ એ એમને ન મળ્યો. આ ઘર મુલાકાતીઓ અને પ્રતિબંધિત લોકો માટે અલગ હતું. એ લોકો આ ઘરની બાંધણી ન જાણી શકે એવી અહીંની કારીગરી હતી. ખૂબ શોધવા છતાં એમને દરવાજો ન મળ્યો. ત્યારે વસાવા બોલ્યો, "રહેવા દો સર, અહીં કોઈ શોધખોળ કરીને કોઈ મતલબ નથી. આપણે સૂર્યાની મદદ કરીએ તો આપણને ડોકટર પણ મળી જશે. અહીં તો બધે દીવાલો જ દેખાય છે..."
"વસાવા આ ઘર જેવું દેખાય છે એવું નથી. મેધાનું અહીં રહેવુ, એની ઓળખનો કોઈ પુરાવો ન છોડવો. ખબર નહિ કેમ મને કોઈની પર ભરોસો કરવાનું મન નથી થતું..."
"પણ સાહેબ, સૂર્યા તો આપણને હકીકત સુધી લઈ ગઈ છે તો...." વસાવા એના સાહેબને મનાવવા લાગ્યો.
"તો પણ, મને આ બધી જ ઘટનાઓ અજુગતી લાગી રહી છે. જો એક વખત આ ઘર જોઈ શકાયું હોત તો ખ્યાલ આવી જાત કે માધવને મારવામાં અને ડોકટરના અપહરણમાં મેધાનો હાથ છે કે નહીં???"
વસાવાના મનમાં એના સર માટે ઘણા પ્રશ્નો છવાઈ રહ્યા હતા. એ એમ જ માનતો હતો કે 'મેધાએ એના સરને ફસાવી લીધા છે. આજ કારણ છે કે એ એના વિશે ખરાબ વિચારી શકતા નથી." એ બંને કોઈપણ જાતના પુરાવા વગર ઘરમાંથી બહાર નીકળ્યા.

આ તરફ મેધા ઘોઘલીના રસ્તે પગપાળા જ નીકળી ગઈ હતી. એક આદિવાસી દ્વારા એને આ ગામની માહિતી આપી હતી. છેવટે રસ્તામાં જ સાંજના 7 વાગી ગયા. એ નીકળી તો ગઈ પણ જંગલના રસ્તા પર વારંવારના વરસાદને કારણે કીચડ ખૂબ વધી ગયો હતો. એને ચાલવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી હતી. કોઈ વાહન લેવાનો ઉપાય નહતો એની પાસે, એટલે એ એકલી જ ચાલ્યે જતી હતી. એવામાં એને પાછળથી કોઈક અવાજ સંભળાયો અને એ પહેલાં કે એ કંઈપણ સમજી શકે, કોઈએ પાછળથી જ એના માથા પર એક લાકડી મારી અને એ ત્યાં જ બેભાન થઈને ઢળી પડી.
એ જેવી પડી એ સાથે જ ત્રણ વ્યક્તિ એની આસપાસ ટોળું વળી ગયા. એ લોકોએ કાળા રંગના કપડાં પહેર્યા હતા. માથું અને ચહેરો ઢંકાઈ જાય એવો કાળા રંગનો સાફો બાંધ્યો હતો. એ ત્રણેય મેધા નજીક આવ્યા. એમાંથી એકે, બે છ ફૂટ લાંબી વાસની પટ્ટી કે જેની પર વડવાઈઓથી વચ્ચે પથારી જેવી સુવિધા કરી હતી, એવી સ્ટ્રેચર એની બાજુમાં મૂકી અને બેભાન મેધાને એની પર આરામથી સુવડાવી. અને ત્યારબાદ બે વ્યક્તિ એ સ્ટ્રેચર ઊંચકીને ચાલતા થયા. અને ત્રીજા વ્યક્તિએ એ જગ્યા તપાસી લીધી. ત્યાં કઈ ન છુંટતા એ પણ આગળ એ બંને સાથે ચાલવા લાગ્યો.

આ તરફ, વસાવા અને જાડેજા મેધાના ઘરમાં અંદર ન જઈ શકવાથી ઉદાસ હતા. ડોકટર હજુ સુધી જીવતો હશે કે કેમ? એ બાબતે એમને વ્હેમ હતો. પણ જો સૂર્યા મેધા પાસે બોલાવી શકે તો ડોકટરને બચાવી શકાય એમ સમજી વસાવા જાડેજાને સૂર્યા પાસે લઈ ગયો.
ઘોઘલી પહેલા એક કાચો રસ્તો આવ્યો અને વસાવાએ પોતાની જીપ ત્યાં વાળી.
ડોકટરના ગાયબ થયાના બે કલાક બાદ તરત એ સૂર્યાને મળી આવ્યો હતો. જેથી એ બધા એક બની મેધા સામે લડી શકે અને ડોકટરને બચાવી શકે. સૂર્યાએ જ એને અહીં આવવા વિશે જ જણાવ્યું હતું. વગડામાં જ એક કાચા ઘરમાં મેધાને રાખવામાં આવશે, એ યોજના હતી. જીપ એ કાચા રસ્તે ચાલ્યે જતી હતી. જંગલમાં અંધારું તો હતું જ. આ ડરામણા રસ્તા પર એકમાત્ર અજવાળું એટલે એમની જીપની ફ્લેશલાઈટ. પ્રાણીઓના અવાજો આવી રહ્યા હતા. વાતાવરણ ઠંડક વાળું તો હતું જ સાથે પ્રાણીઓના ભયાનક અવાજને કારણે એ જગ્યા ખૂબ ભયાનક લાગી રહી હતી. કાચા રસ્તે જતા થોડે દુર એમને પ્રકાશની એક નાનકડી કિરણ દેખાઈ. વસાવાએ એ તરફ જીપ હંકારી. છેવટે એ કિરણ નજીક આવતી ગઈ. અને બહુ જલ્દી એ બંને ત્યાં પહોંચી ગયા. ત્યાં જેવા જીપમાંથી એ નીચે ઉતર્યા કે એમને સૂર્યા દરવાજા આગળ જ ઉભેલી દેખાઈ. એ અજવાળામાં જાડેજાએ પોતાની કાંડા ઘડિયાળમાં 8 વાગ્યાનો સમય જોયો.
એણે એ બંનેને જોઈને કહ્યું, "શુ તમને તમારો ડોકટર મેધાના ઘરમાં મળ્યો?"
જાડેજાએ વસાવા સામે જોયું ત્યારે એણે માત્ર પોતાનું માથું હકારમાં હલાવ્યું. જાડેજા સમજી ગયા કે 'વસાવાએ સૂર્યાથી કોઈ બાબત છુપાવી નથી' એ સૂર્યા સામે જોઇને બોલ્યા, "ના, અમે અંદર ન જઈ શક્યા. તમને મેધા મળી?"
જવાબમાં સૂર્યા પાછી ફરી અને રૂમનો દરવાજો અડધો ખોલી જાડેજાને અંદર જોવા ઈશારો કર્યો. જાડેજાએ અંદર જોયું કે એને એક ખુરશી પર મેધાને બાંધેલી પરિસ્થિતિમાં જોઈ. એ એનો ચહેરો જોઈ શકતો નહતો. એ દરવાજાથી ઊંઘી તરફ હતી. પણ એ મેધા જ છે એ બાબત વસાવા માત્ર એનો પાછળનો ભાગ જોઈને જ સમજી ગયો. એ હાલ ખૂબ દુઃખી લાગી હતો. એના હાવભાવ જોઈ તરત સૂર્યાએ દરવાજો બંધ કર્યો. અને જાડેજા પાછળ હટી ગયો.
એ જેવો પાછળ ખસ્યા કે વસાવાએ પૂછ્યું, "શુ એણે ડોકટર વિશે કઈ જ કહ્યું ખરા?"
સૂર્યાએ જાડેજા સામે જોઇને જ જવાબ આપ્યો, "હા, અમારા પંડિતજીએ એનું મોઢું ખોલાવી જ દીધું આખરે! એણે કહ્યું કે એણે જ ડોકટર અને કોઈ માધવને પુરી રાખ્યા છે. એ ક્યાં છે એ હજુ બોલી નથી. પણ એ બહુ જલ્દી પોતાનું મોં ખોલશે..."
"ઠીક છે." વસાવા આમ બોલી પાછળ જીપ તરફ જવા જતો હતો કે જાડેજાએ સૂર્યાને કહ્યું, "અમે અહીંથી એને લઈ જવા ઈચ્છીએ છીએ. અમે એને કાયદાકીય રીતે સજા અપાવવા ઈચ્છીએ છીએ..."
એ આમ બોલ્યા કે વસાવાના ચહેરા પર તરત ડર છવાઈ ગયો. એ પોતાના સાહેબને રોકવા ઈચ્છતો હતો. એ સમજી ગયો કે 'એના સાહેબ ભાવનાઓમાં વહી રહ્યા છે. આ પિશાચને અહીંથી લઈ જવાનો મતલબ પોતાના મૃત્યુને આમંત્રણ આપવું છે. જ્યા સુધી એ સૂર્યા સાથે રહેશે ત્યાં સુધી જ એને રોકી શકાશે. જો એક વખત એ આઝાદ થઈ તો એ બંનેના જીવ મુશ્કેલમાં આવી જશે.'
એ હાલ બુમો પાડીને એના સરને આ બાબત કહેવા ઈચ્છતો હતો. પણ કહી ન શક્યો.
સૂર્યાએ જવાબ આપ્યો, "જી જરૂર, પણ કાલે સવારે. આજની રાત્રે એ અમારી મહેમાન છે. જો એ આજે તમારી પાસે આવશે તો તમારો જીવ લેવાનો પ્રયત્ન જરૂર કરશે."
"તો કાલે સવારે શુ બદલાવ આવવાનો છે આ પરિસ્થિતિમાં?" જાડેજાએ એની કડક નજરો સૂર્યા તરફ કરી.
સૂર્યાએ કોઈ હાવભાવ વગર જ જવાબ આપ્યો, "જુઓ ઈન્સ્પેક્ટર સાહેબ, કોઈના શરીરમાંથી લોહી નીકાળી એ દાન તો કરતી નહિ હોય! એ કોઈ તાંત્રિક વિધિ માટે એના કોઈ ગુરુને ચઢાવતી હશે. અને એ ગુરુ પણ મંત્રતંત્રની શક્તિઓ જ ધરાવતો હશે. તો પંડિતજી બસ એ બંધન છોડાવશે. એના પછી એ કોઈ સાથે ખરાબ નહિ કરી શકે. અથવા એની શક્તિઓનો ઉપયોગ નહિ કરી શકે....."
"જી ઠીક છે." વસાવા આ બાબત વચ્ચે આવીને બોલ્યો. તરત સૂર્યાએ પોતાની સાડીનો એક તરફનો પલ્લું લઈ એનું શરીર ઢાંકી દીધું. વસાવાએ આ બાબતથી ખૂબ બેઇજ્જતી અનુભવી. પણ એ એના સાહેબને લઈ ત્યાંથી લઈ ગયો.
એવી રીતે વસાવા જાડેજાને ખેંચી લાવ્યો કે એમને ખૂબ ગુસ્સો આવ્યો. એ પેસેન્જર સીટની જગ્યાએ ડ્રાઈવિંગ સીટ પર જઈ બેઠો. ત્યાં જ એણે જીપ રિવર્સ કરી અને વળાવી એ બંને ત્યાંથી નીકળવા લાગ્યા. નીકળતા પહેલા એક વખત એણે રિવ્યુ મિરરમાંથી સૂર્યા તરફ જોયું. એને જોઈને જ એને ખૂબ ગુસ્સો આવ્યો. સાથે જ એને ચિંતા પણ થઈ કે 'ખબર નહિ એ મેધા સાથે શુ કરશે?' આ તરફ વસાવા જેમ બને એટલી જલ્દી અહીંથી નીકળવા માંગ્યો.
જ્યાં સુધી જીપની હેડલાઈટનો પ્રકાશ સાવ બંધ ન થયો ત્યાં સુધી સૂર્યા એમને જોતી રહી અને ત્યારબાદ અંદર જતી રહી. આ તરફ જાડેજા ગુસ્સામાં જ ઘોઘલીથી આહવા જવાની જગ્યાએ બીજા રસ્તે જ નીકળી ગયા. બે કલાકની ડ્રાઈવિંગ પછી એમણે ગાડી પર અચાનક બ્રેક મારી, ત્યારે એમણે જોયું કે એ આહવાના રસ્તે નહિ, ક્યાંક બીજે છે. અને બાજુમાં બેઠેલો વસાવા પણ આ બાબતે આખા રસ્તે કઈ બોલ્યો નથી. એની સાથે કોઈ વાતચીત ન કરતા એમણે જીપ તરત પાછી વળાવી.

(આખરે મેધાનો અંત નજીક છે. એક માનવ પિશાચ સાથે એવું જ થવું જોઈએ. આખરે કેટલાય નાદાન માણસોનો જીવ લીધા પછી કોઈ કેવી રીતે બચી શકે? વસાવા સતત મનમાં આ રટણ કરી રહ્યો હતો. ત્યાંનો સ્થાનિક હોઈ એને સૂર્યાની વાત પર સંપૂર્ણ ભરોસો છે પણ જાડેજાને નથી. શુ એ બાબત એનો જીવ જશે ત્યારે એને સમજાશે? જાણવા માટે વાંચતા રહો, "અશ્વમેધા"...)