અશ્વમેધા - પ્રકરણ 6 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્વમેધા - પ્રકરણ 6


એ સ્ત્રી પોલીસ સ્ટેશનમાં અંદર આવી કે જાડેજા અને વસાવા એને જ જોઈ રહ્યા. 30-32 વર્ષની ઉંમરની એ સ્ત્રી ખૂબ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. એનો પહેરવેશ બિલકુલ મેધાને મળતો આવતો હતો. એ એનાથી સહેજે રૂપમાં ઓછી નહતી. એ જ કાળી બોર્ડર ધરાવતી સફેદ સાડી, એ જ ઓકાઓડાઈઝના અલંકાર, એ જ મોટા વાળનો અંબોડો અને એવી જ મરૂન લિપસ્ટિક. પાણીયારી આંખો, કસાયેલું શરીર અને આકર્ષક દેખાવ...

એની મેધાથી અલગ ઓળખમાં બીજી વસ્તુઓ સમાવિષ્ટ થતી હતી. ગળાના ભાગ પર અર્ધચંદ્રનું ટેટુ, જેની પર એક મૂળાક્ષર હતો. એ મૂળાક્ષર જોકે કોઈ બીજી ભાષામાં હતો, એટલે એ બંનેને સમજાયો નહિ. મેધાથી અલગ એણે નાક પર એક મોટી ઓકસોડાઈઝની ચુની પહેરી હતી. અને હાથમાં અઢળક નંગ ધરાવતી વીંટીઓ હતી. લગભગ આઠ વીંટીઓ પહેરી હશે એણે. જેમાં પોખરાજ અને હીરો મુખ્ય હતા. એ સિવાય હાથના ઓસોડાઈઝના પાટલા પર એકજાતના લાલ ધાગા બાંધેલા હતા.

આ નિરીક્ષણ કર્યું કે જાડેજાને એમ લાગ્યું કે આ ઘટના ફરી બેવડાઈ રહી છે. મેધાની જેમ જ એ સ્ત્રી આવીને સીધી જ જાડેજાની સામેના ટેબલની બીજી તરફની ખુરશી પર રાણીની જેમ બેસી ગઈ.

જાડેજાએ એને જોતા એક શંકાસ્પદ નજરે જ સવાલ પૂછ્યો, "હા તો બોલો મેડમ, કોણ છો તમે? અને શુ જાણો છો તમે મેધા વિશે?"

એ સ્ત્રી એક મહારાણીની અદામાં પોતાના હાથ પર સાડીનો પલ્લું સરખો કરતા બોલી, "હું સૂર્યા, આમ તો સુરતથી છું. પણ અહીં ઘોઘલી ગામમાં જ વસવાટ કરું છું. હું એક એન.જી.ઓ. સાથે સંકળાયેલી છું. અને અમે લોકો આદિવાસીઓને જાગૃત કરવાના કાર્યક્રમમાં રોકાયેલા છીએ."

આટલી વાત કર્યા બાદ એણે પાણી માંગ્યું,. જેવો વસાવા પાણીનો ગ્લાસ લઈને આવ્યો. કે એ સ્ત્રીએ પોતાના પર્સમાંથી એક સફેદ રૂમાલ નીકાળ્યો અને ગ્લાસની કિનારીઓ લૂછી. પછી પાણી પીધું. આ જોઈ વસાવાએ ખૂબ બેઈજ્જતી અનુભવી. પણ એ કઈ બોલ્યો નહિ.

સૂર્યાએ વાત આગળ વધારતા કહ્યું, "હું એક દિવસે સાંજે આહવાથી ઘોઘલી પગપાળા આવી રહી હતી કે મેં એક ટેક્સી જોઈ અને એ સ્ત્રી - મેધા કદાચ બહાર ઉભી હતી. મને લાગ્યું કે મને જો ટેક્સી મળશે તો જલ્દી પહોંચીશ એટલે ઝડપથી ત્યાં ગઈ. પણ ત્યાં પહોંચતા તો એ લોકો નીકળી ગયા. થોડીક વાર પછી આહવા નજીક પહોંચી અને ત્યાં એ જ ટેક્સી મળી અને ડ્રાઈવર ત્યાં નહતો. મેં તરત આસપાસ જોયું, અને મને ત્યાં એક બંગડી મળી." એણે એના પર્સમાથી એક બંગડી નીકાળી અને સામે મૂકી.

જાડેજા એ બંગડી સામે જોઈ રહ્યો, એને યાદ આવ્યું કે મેધાએ આવી જ બંગડીની જોડ પહેરી હતી. એણે ગુસ્સામાં એ સ્ત્રી સામે જોયું અને બોલ્યો, "આમ જોવા જઈએ તો તમે કાનૂનનો ભંગ કર્યો છે. એક પુરાવો ઘટનાસ્થળથી ગાયબ કર્યો છે. મને એક કારણ આપો કે હું તમને જેલમાં કેમ ન નાંખું?"

એ સ્ત્રી એક મુસ્કાન સાથે બોલી, "કારણકે હું મેઘાની હકીકત જાણું છું એટલે...."

જાડેજા તરત ચોંક્યો, "મતલબ??"

"મતલબ, આ બંગડી જોઈ મને વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ સાધારણ સ્ત્રીની ન હોઈ શકે. આની કિંમત લાખોમાં છે. અને આમ જ કોઈ મૂકીને તો ન જ જાય. કોઈનેકોઈ અગત્યતા તો હોય જ. અને અમે લોકો તો લોકોના ભલા માટે કામ કરીએ છીએ. એટલે મેં જાતે જ એ સ્ત્રી પાછળ જવાનો નિર્ણય કર્યો. પહેલા માત્ર બંગડી આપવા ગઈ હતી. પણ પછી એના વિશે જાણીને મને ખ્યાલ આવ્યો કે એ ડ્રાઈવર જખમી હાલમાં એના ઘરમાં હતો. મેં વિચાર્યું કે હું એના ઘરમાં જઉં અને જોઉં, પણ મને એની હરકતો શંકાસ્પદ લાગી. એના ઘરની પાછળના ભાગમાં મને ઘણી લોહીવાળી સિરિન્જ મળી. એટલે મેં એની પર નજર રાખી. જ્યારે તમે આવ્યા ત્યારે માધવે પાછળથી ભાગવાની કોશિશ કરી અને એ તમને મળ્યો. એ પછી એ કોઈ કથન આપી શકે એ પહેલાં એને ફરી ગાયબ કરી દેવાયો. આ બધી પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન હું એ મેધાના ઘરમાં ઘુસી અને એ ક્યાંથી આવી છે? એ જાણી એના મૂળિયા સુધી પહોંચી. અને હવે એ બધા સત્ય સાથે હું તમારી સામે છું."

જાડેજા કંઈક બોલવા માંગતા હતા પણ એમણે એટલું કહીને પોતાના શબ્દોને રોકી રાખ્યા, "હા તો બોલો મેડમ, શુ છે એના મૂળિયા?"

એ વગર કોઈ હાવભાવે બોલી, "એ એક સ્ત્રી નથી. પણ એક જીવતી-જાગતી પિશાચ છે...."

આ સાંભળતા જ જાડેજા અને વસાવાની આંખો પહોળી થઈ ગઈ.

સૂર્યા વાત આગળ વધારતા બોલી, "તમે લોહી પીનાર પિશાચ વિશે તો જાણતા જ હશો. બસ આવું જ છે અહીં પણ. એ લોહી તો નથી પીતી. પણ હા જીવવા માટે લોકોના લોહી જરૂર નીકાળી લે છે."

"મેડમ તમે કલ્પનાકથામાંથી બહાર નીકળો તો સારું. આ ૧૯૮૫નું વર્ષ છે. તમને લાગે છે કે કોઈ તમારી આવી વાતો પર વિશ્વાસ કરવાનું?" જાડેજા એની વાત પર હસતા બોલ્યો. થોડાક સમય પહેલા જે એની વર્તણુક હતી અને અત્યારે જે હતી, એમાં સુર્યાને જમીન-આસમાનનું અંતર લાગ્યું.

તરત સામે સૂર્યાએ જવાબ આપ્યો, "હા તમે તો એની પાછળ લટ્ટુ છો એટલે એવું બોલવાના જ...."

આ સાંભળી જાડેજાએ પોતાના દાંત ભીંચી દીધા.

"જુઓ મારી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પણ હું આખી વાત તમારી સમક્ષ મુકું છું. એ સ્ત્રી ભલે બાવીસ વર્ષની લાગતી હોય પણ એની અસલી ઉંમર છે ૫૫ વર્ષ. આ કોઈ તો કાળા જાદુની વિધિ છે જેના કારણે એની ઉંમર નથી દેખાતી. આ બધાની શરૂઆત લંડનની પ્રિન્સેસ સ્ટ્રીટમાં થઈ, જ્યાં એ ભણવા ગઈ હતી. પણ એ જ સમયે એ સ્ટ્રીટના બે લોકોના અચાનક મોત થયા. જેને ત્યાંનો એક રખેવાળ જોઈ ગયો. અને એણે બધાને મેધા વિશેની બાતમી આપી. ત્યાંના લોકો એને પિશાચ સમજી એનું ઘર બાળવા ગયા. ત્યાંથી નોકરાણીની લાશ તો મળી પણ મેધા કોઈક રીતે બચી ગઈ. એ બાદ દહેરાદૂન અને બીજી જગ્યાઓના જંગલોમાં જાતજાતની જગ્યાએ ઘણા લોકોને મોતને ઘાટ ઉતારી એ અહીં આવી. અને મને લાગે છે ત્યાં સુધી અહીં પંદર લોકોની લાશ તમને જે મળી છે એના કરતા વધુ લોકોને મારવાનો પ્લાન એનો હોઈ શકે છે. કારણકે હું એ વિધિ નથી જાણતી, એટલે હાલ તો હું તમને આટલું જ કહી શકું છું. જો હું જાણતી હોત તો ચોક્કસ મદદ કરી શકત. ગામમાં એક પંડિતજી છે જે આ બધી વિધિ કરીને મેધાને રોકી શકે છે. પણ એની માટે મેધા એમની સામે આવવી જોઈએ..."

જાડેજાને જોકે આ બધી વાતો પર ભરોસો નહતો તેમ છતાં એણે પોતાના પ્રશ્નો ચાલુ રાખ્યા, "તો તમે આ બધું કઈ રીતે જાણો?"

"હું ઘણા લોકોને જાણું છું, જે મારા માટે આ બધું શોધી શકે છે. તમારે હાલ મારી નહિ, મેઘાની ચિંતા કરવી જોઈએ. જો એને જીવતી રાખવામાં આવી તો કદાચ આહવા સુરક્ષિત નહિ રહે. જો શહેર સુરક્ષિત રાખવું હોય તો તમે મારી આ તપાસ સ્વીકારી લો... નહિતર તમે જાતે જ સમય લઈને આ તપાસ કરી શકો છો. હું તમને મારી આ તપાસના બધા જ પત્રો અને ફેક્સની ફાઇલ આપવા જ આવી છું."

એટલું કહ્યું કે એ સ્ત્રીએ એક ફાઈલ ટેબલ પર મૂકી અને નમસ્કારની મુદ્રામાં હાથ જોડી ત્યાંથી નીકળી ગઈ. પાછળ જાડેજા અને વસાવા એ ફાઈલ સામે જોઈને વિચારતા થઈ ગયા. એ લોકોના મતે, 'શુ આજની દુનિયામાં આવા પિશાચ અને લોહી પીનારની વાતો શક્ય છે ખરા? કાળા જાદુની વિધિ શક્ય છે ખરા?' એ બંને જેટલું વિચારતા એટલું એમનું મગજ ખરાબ થઈ રહ્યું હતું.
જાડેજા હજુ ફાઇલ ઉઠાવવા જ જતા હતા કે એટલામાં બહારથી કાનું રડતા-રડતા આવ્યો, આવીને એ સીધો જ જાડેજાના પગમાં પડી ગયો. અને રડતા-રડતા જ બોલવા લાગ્યો, "સાહેબ... સાહેબ.. એમને બચાવી લો. દાક્તરસાહેબને બચાવી લો, કોઈ પિશાચિણી એમને ઉઠાવી ગઈ. એમને બચાવી લો..."

એ માંડ એટલું બોલી શક્યો અને એ બંને ચમક્યા. બંનેના મનમાં એકસાથે સવાલ આવ્યો, "ક્યાંક મેધા????"

વસાવાએ કાનુંને બાજુમાં બેસાડી દીધો. અને જાડેજાને સીધું જ કહ્યું, "સર હવે તો એને રોકવી જ પડશે...."

"પણ કઈ રીતે? જો એ ખરેખર પિશાચ હોય તો એને રોકવા કોઈની જરૂર તો પડશે...." જાડેજા આ બાબત વિચારી રહ્યા હતા કે એના મનમાં એક નામ ઝબકયું, "સૂર્યા... હવે એ જ આ બધામાંથી બહાર નીકાળી શકે એમ છે. એણે જ કહ્યું હતું ને જો એ આ વિધિ જાણી જાય તો જ એ અને પંડિતજી મદદ કરી શકે એમ છે."

"હા સર, પણ આપણે આ બધું કરશું કઈ રીતે?"

"મેધાને હવેલીમાંથી બહાર નીકાળી..."

"એ કેવી રીતે?"

"વાત ફેલાવ કે માધવને લઈ જનાર વ્યક્તિને જાણનાર મળી ગયો છે. એ જરૂર આવશે."
"જી સર..." આમ કહી સેલ્યુટ કરતા વસાવા સીધો જ વીસીના માલિક જેડા પાસે ગયો. અને આ વાત જાણીજોઈને એને કહી. એને ખ્યાલ હતો કે 'જેડા આવતા-જતા બધાને આ ખબર પ્રસાદની જેમ વહેંચશે.'

અને થયું પણ બિલકુલ એવું જ.

આ વાત એક આદિવાસી દ્વારા મેધા સુધી પહોંચી અને એ એની હવેલીમાંથી બહાર નીકળી.

(શુ મેધા જાડેજા અને વસાવાના આ જાળમાં ફસાશે? સૂર્યા મેધાથી આહવાને કઈ રીતે બચાવશે? શુ હકીકત જાણી મેધા વસાવા અને જાડેજાને મારી નાંખશે? જાણવા માટે વાંચતા રહો, "અશ્વમેધા..")