અશ્વમેધા - પ્રકરણ 5 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

અશ્વમેધા - પ્રકરણ 5

માધવને ગાયબ જોયો કે જાડેજા અને વસાવાનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એ બંને એના વિશે વિચારવા લાગ્યા. એ ખૂબ ચિંતિત થઈ ગયા. જોકે આ વખતે ચિંતા જાડેજાને મેધા કરતા માધવની વધુ હતી.
આ જોઈને તરત વસાવાએ કહ્યું, "સર, અહીં ઉભા રહેવાનો અને આ રૂમમાં કોઈ પુરાવો શોધવાનો કોઈ મતલબ નથી. વહેલી તકે અહીંથી પગ ઉપાડો અને ચલો મેધારાણીની હવેલીએ. મને ૧૦૦% ખાતરી છે કે માધવ આપણને ત્યાં જ મળશે."
જાડેજાએ વસાવાની સામે જોયુ, આ વખતે વિરોધ કરવાની કે વસાવા સાથે ઝઘડવાની પરિસ્થિતિ એમની નહતી. એ માત્ર માધવની સલામતી માટે વિચારી રહ્યા હતા. એમણે વસાવા સાથે જવા માટે પોતાની મંજૂરી બતાવી.
એવું પણ નહતું કે વસાવા માત્ર મેધાના એક કટાક્ષથી એની પર ગુસ્સે હતો કે અપમાનનો બદલો લેવા માંગતો હતો. એને મેધામાં કંઈક અજુગતું લાગતું હતું. જેને કારણે એ આ મેધાની આંખોથી દુર રહી શકતો નહતો. એક પોલીસવાળો અને સામાન્ય વ્યક્તિ બંનેની વિચારવાની શક્તિ અલગ હોય છે. અને એને પહેલેથી જ મેધાની આંખો જોઈ એની પ્રત્યે ડર અનુભવવા લાગ્યો હતો. એની છઠ્ઠી ઇન્દ્રિય એને સંકેત આપી રહી હતી કે કઈ-કેટલાય રહસ્યો આ ચહેરા પાછળ છુપાયેલા છે. એ જ એક કારણ હતું કે એ આ અજાણી સ્ત્રી પર થોડોક પણ ભરોસો કરવા ઈચ્છતો નહતો.

એ લોકો ઝડપથી હોસ્પિટલથી જીપ લઈને મેધાના ઘર પર પહોંચ્યા. આજે પણ આંગણું એવું જ હતું, જેવું ૨ દિવસ પહેલા હતું. એ બંને કેટલાક ઝેરી છોડોથી બચતા ઘરના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. અને આ વખતે વસાવાએ પોતાની અંદર રહેલા મેધા પ્રત્યેના બધા જ ગુસ્સાને એ દરવાજો ખખડાવવામાં કાઢ્યો. દરવાજો ખૂબ જોરથી ખખડાવવામાં આવ્યો હતો. તેમ છતાં અંદરથી કોઈના દરવાજા તરફના પગરવ એમને સંભળાયા નહિ, ત્યારે વસાવાએ ફરી એ જ જોશથી દરવાજો ખખડાવ્યો.
છેવટે આ વખતે એક જ મિનિટમાં દરવાજો ખુલ્યો, અને સામે મેધારાણી સાક્ષાત ઉભા હતા. આ વખતે કાળી સુતરાઉ સાડી અને પહેલા દિવસ કરતા એકદમ અલગ અલંકારોમાં. આ વખતે એમનું રૂપ પ્રથમ દિવસ કરતા કંઈક અલગ હતું. વાળ તો એ જ રીતે અંબોડામાં કેદ હતા. પણ ચહેરા પર એક અલગ જાતનું સુકુન હતું. કોઈ જ બેચેની નહિ. આંખો હરણી જેવી અને કાજલથી ભરેલી. હોઠ પર મરૂન લિપસ્ટિક અને સાથે જ આ વખતે એના રૂપનો નિખાર વધી ગયો હતો. એની ઉંમર તો જાણે દિવસે-દિવસે ઘટી રહી હતી. એને જોઈને કદાચ જ કોઈ એની ઉંમર બાવીસ કરતા વધુ વિચારી શકે.
એ દરવાજો અડધો ખોલીને એક શિકારીની જેમ બહાર ચાંપતી નજર રાખીને ઉભી હતી.
એનો આ હાલ અને એની તીવ્ર નજર જોઈને જ વસાવા ડરી ગયો. એને લાગ્યું જાણે એણે કોઈ સિંહણની ગુફામાં પગ મૂક્યો હોય. મેધાના હાવભાવ શાંત હતા, પણ અહીં વસાવાને આ કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ લાગી.
વસાવા કંઈપણ બોલતા પહેલા ખચકાઈ રહ્યો હતો, આથી જાડેજાએ વાતની શરૂઆત કરી, "નમસ્કાર, અમે તમારું ઘર એક વખત જોવા ઇચ્છીએ છીએ..."
મેધાએ એની એક ભ્રમર ઊંચી કરીને વળતો સવાલ પૂછ્યો, "જાણી શકું કેમ?"
આગળ શું જવાબ આપવો એ જાડેજાને સૂઝયો નહિ. તેમ છતાં એ પોતાના વાક્યો ગોઠવતા બોલ્યો, "અમને... મતલબ મને ડર છે કે.. તમે અહીં જંગલની વચ્ચે એકલા રહો છો તો..... તો ક્યાંક તમારા ઘરમાં કોઈ અજાણી વસ્તુ કે વ્યક્તિ ન આવી જાય.. બસ એ જ..."
મેધાએ એક મોટો ઠહાકો લગાવ્યો અને બોલી, "મને લાગે છે તમે કંઈક બીજું બોલવા ઈચ્છો છો અને મોમાંથી વાક્ય કંઈક બીજું જ નીકળી રહ્યું છે. મને અહીં કોઈનો ડર નથી." તરત એ ગંભીર થઈ અને બોલવા લાગી, "આ મારી જગ્યા છે. એ સિવાય આ વખતે હું તમને અંદર આવવાની રજા નથી આપતી. તમે જઈ શકો છો..."
એને શુ જવાબ આપવો એ વિશે જાડેજા વિચારી શક્યા નહિ પણ આ વખતે વસાવાએ પોતાનો ડર બાજુમાં મૂકી જવાબ આપ્યો, "અમે તમારા ઘરની તપાસ કરવા માંગીએ છીએ. અમે એક વ્યક્તિને શોધી રહ્યા છીએ અને અમને લાગે છે કે એ...."
"મારા ઘરમાં છે...." મેધાએ એક ગુસ્સાભરી નજર વસાવા તરફ નાંખી અને એ ડરી ગયો. ત્યારબાદ એ આગળ બોલી, "તમને જે પણ લાગતું હોય મને એ બધાથી કોઈ મતલબ નથી. હું તમને આ અંતિમ ચેતવણી આપું છું કે આજ પછી આવુ કોઈ પણ બેકાર કારણ આપીને મારા ઘરમાં પ્રવેશ ન કરતા. આ ઘર ભલે પહેલા તમારા રાજાનું હશે પણ હવે આ મારું છે. અને મને તમારી કોઈ બાબતથી કોઈ ફરક નથી પડતો" આમ કહી એણે 'ધડામ...'ના અવાજ સાથે દરવાજો જોરથી બંધ કરી દીધો.
વસાવા અને જાડેજા ત્યાં જ એ બંધ દરવાજાને જોઈ રહ્યા હતા. વસાવાના મનમાં મેધા એક ગુનેગાર પુરવાર થઇ ચુકી હતી, અને એ હવે કોઈપણ ભોગે એના ગુનાઓ માટેના પુરાવા એકત્રિત કરવા થનગની રહ્યો હતો.
આ બાજુ જાડેજાનું હૃદય મેધાના આ વર્તાવથી તૂટી ચૂક્યું હતું. એના મનની એક આખરી ઉમ્મીદ 'મેધા નિર્દોષ છે...' એ એના મનમાં જ દમ તોડી ચુકી હતી.
એ બંને ત્યાંથી બહાર નીકળ્યા અને પોલીસ સ્ટેશન પર આવ્યા. મેધા એક રહસ્ય બની ગઈ હતી. રાજાનો કોઈ
અતોપતો નહતો કે એને આ બલા વિશે પૂછી શકાય. એકમાત્ર માધવ જે આ વાવાઝોડા વિશે જાણતો હતો એ લાપતા હતો. સૌથી મોટી બાબત જે વસાવા અને જાડેજાને સમજાઈ એ હતી કે આહવા અને આખું ડાંગ હવે સુરક્ષિત નહતું.

એવામાં એક દિવસ ત્રણ જણાની લાશ જંગલના એક દીપડો પકડવાના ખાડા(જાળ)માં મળી આવી. એ ત્રણેયની લાશ પ્રાથમિક રીતે તપાસતા ડોકટર રોહન શર્માએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "એ ત્રણેયના મૃત્યુ એક જ પ્રકારે થયા છે. એમના શરીરમાંથી લોહીનું એક ટીપું નીકળ્યું નથી. માત્ર એક સોઈનો ઘા જ એમના શરીરમાં મળ્યો, એ સિવાય એમના શરીર સાજા-સારા હતા."
જાડેજા આ માટે શહેરથી કોઈ સ્પેશિયલ ટિમને બોલાવવાનો આગ્રહ રાખતા હતા. પણ જંગલખાતાએ આ બાબતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. તેમના મતે અહીં જો કોઈને બહારથી બોલાવવામાં આવશે. તો શક્ય છે કે અહીંના પ્રશાસનનો મજાક બનાવવામાં આવે. એ ઉપરાંત એમને આ બાબત એટલી ગંભીર ન લાગી.

જાડેજા અને વસાવા આ દરમિયાન મેધાના ઘરની વોચ રાખવા લાગ્યા હતા. તે લોકોએ આ ઘરનો માત્ર બેઠકરૂમ જ જોયો હતો. અને બહારથી જોતા ઘર ખૂબ નાનું જ લાગતું હતું. એટલે એમને આ ઘર/હવેલી વિશે અંદાજો ન આવ્યો. એમને એવું જ લાગ્યું કે મેધા દિનભર ઘરમાં રહે છે. અહીંથી નીકળવાના કઈ-કેટલાય રસ્તાઓ વિશે એ બંને અજાણ હતા.

અંધશ્રદ્ધામાં માનતા આદિવાસીઓ વચ્ચે આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ કે એમની આસપાસનું કોઈ એમનો જીવ લેવા તત્પર બની રહ્યું છે. એ બધા હવે રાત થયે વહેલા ઘરે આવી જવા લાગ્યા. અને જે ગામો જંગલમાં હતા એ સર્વે એક કે બે ઘરમાં ભેગા થઈને રહેવા લાગ્યા. એ લોકો રાજાના ઘરથી પણ દૂર જ રહેતા. આ ક્રિયાઓ શરૂ કરવામાં આવી કે એની અસર તરત દેખાવા લાગી. પંદર દિવસ જૂની લાશો જે એમને મળી એ સિવાય કોઈ નવું મૃતક એમને ન મળ્યું.

જંગલના અલગ-અલગ ભાગોમાં જે તપાસ ચાલી એ પરથી માલુમ પડ્યું કે કુલ મળીને પંદર લોકોનો જીવ આ સરખી જ પ્રક્રિયાથી લેવામાં આવ્યો હતો. આ પંદર લોકો ઘરેથી લાપતા હતા પણ એમની ખોટને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. કોઈ જાણતું નહતું કે આ બધું કેમ થઈ રહ્યું છે. અહીંના લોકોની માન્યતા એવી હતી કે આ કોઈ કાળા જાદુની પ્રક્રિયા હોઈ શકે છે.
મેધાને આવ્યે પણ હવે તો ૨૦ દિવસ થઈ ગયા હતા. જાડેજા અને વસાવા પણ હવે તો ઘર પર નજર રાખીને થાક્યા હતા. એ સાથે એમણે આવી અમુક ઘટનાઓની જાણકારી મેળવવાની શરૂ કરી હતી. અલગ-અલગ જગ્યાઓએ તાર અને ટપાલ દ્વારા આવી બીજી ઘટનાઓની માહિતી મેળવવામાં આવી.
એવામાં એમને જાતજાતની જગ્યાએથી ટ્રંકકોલ આવી રહ્યા હતા. આવી ઘટનાઓ શિમલા, મનાલી, દહેરાદુન, ડેલહાઉસી, ચંબા, ખજિયાર, ચમોલી, ઓલી, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ઉટી, કોડાઈકેનાલ, મુન્નાર ઘણી જગ્યાએ બની હતી. એ કેસ માત્ર કેટલાક સીમિત વિસ્તારો પૂરતા હતા.
જાડેજાએ આ બધામાં એક સામાન્ય કડી જોઈ, જંગલ વિસ્તાર અને પર્વતીય પ્રદેશ... બસ એટલું પૂરતું હતું એમની માટે. એ બંને પણ આ કોઈ કાળા જાદુની વિધિ છે એમ સમજી ગયા. મેધા વિશે પણ બાતમી મેળવવામાં આવી, પણ ફોટાના અભાવે એવી કોઈ વ્યક્તિ એમને મળી નહિ જે મેધાને જાણતી હોય.
આ રહસ્ય ખૂબ ઘેરાઈ રહ્યું હતું. એવામાં એક દિવસ એમને એક સ્ત્રી મળવા આવી, જે આ રહસ્ય પરથી પરદો ઉઠાવવાનો દાવો કરી રહી હતી....

(કોણ છે એ સ્ત્રી? મેધા વિશે એ શું જાણે છે? કોઈ કહી શકે ખરા કે શું કારણ છે કે આ બધા જ કત્લ આ એક રીતે જ થઈ રહ્યા છે? જાણવા માટે માત્ર થોડી જ રાહ જોવાની છે તમારે...)