જાડેજા ખ્યાલોમાં ખોવાઈ ક્યાં રસ્તે નીકળ્યા એનો એમને ખ્યાલ જ ન રહ્યો! જ્યારે આ તરફ જેવી એમની જીપ ઓઝલ થઈ કે સૂર્યા એ ઝૂંપડામાં અંદર ગઈ. તરત બીજા ત્રણ વ્યક્તિ જે કાળા કપડામાં હતા, એ જંગલના ઝાડ પાછળથી બહાર આવ્યા અને અંદર ગયા. એ ચારેય અંદર પહોંચ્યા કે સૂર્યા એક પાણીનો ભરેલો કટોરો લઈ આવી. એ કટોરો એણે એક તરફ મુક્યો.
એ પછી એ ત્રણેય તરફ જોતા એક મજબૂત અવાજમાં એમને પૂછવા લાગી, "એને લાવ્યા ત્યારે કોઈ આસપાસ હતું?"
એ ત્રણમાંથી એક વ્યક્તિ એનો જવાબ શાંતિથી આપ્યો, "ના..."
"કોઈ એનો પીછો કરતું હોય અથવા એના સાથે આવ્યું હોય?
"ના...."
એટલું સાંભળતા એને એક હાશકારો થયો, એણે આગળ કહ્યું, "ઠીક છે. તમે ત્રણેય જઈ શકો છો."
એ આટલું બોલી મેધા તરફ આગળ વધવા જતી હતી કે એક વ્યક્તિ બોલ્યો, "બેન આજે અમાસ છે. અને આજે આ શિકાર...."
સૂર્યાએ એ વ્યક્તિ તરફ જોયું કે એ વ્યક્તિ બોલતા અટકી ગયો. સૂર્યાની લાલ આંખો જોઈ આગળ જે પણ બોલવાનું હતું, એ બધું જ એ ભૂલી ગયો. એ પહેલાં કે એની સાથે કઈ ખરાબ થાય એ દરવાજો ખોલી બહાર નીકળી ગયો. એની પાછળ બીજા બે વ્યક્તિ પણ જતા રહ્યા.
એમના ગયા બાદ સૂર્યાએ દરવાજો બંધ કરી દીધો. અને મેધા તરફ ગઈ. મેધાની આંખો બંધ હતી. એના ચહેરા પર કોઈ જાતનો હાવભાવ નહતો. એ નિશ્ચિન્ત બનીને જાણે ઊંઘી રહી હોય એમ બંધાઈ હતી. એવામાં અચાનક સૂર્યાએ લાવેલ કટોરો ઊંચક્યો અને સીધો જ એ કટોરાનું બધું પાણી મેધા પર ફેંક્યું. આમ થતા જ મેધા ઉઠી ગઈ અને હેતબાઈ ગઈ અને આંખો ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. ઠંડા વાતાવરણમાં ઠંડુ પાણી પડતા એની હાલત ખરાબ થઈ ગઈ. જાણે કોઈ માછલીને પાણીની બહાર કાઢી હોય એમ એ તડપવા લાગી. પોતાનો હાથ ખોલવાનો પ્રયત્ન કરવા લાગી.
એવામાં એની સામે કોઈ ઉભું હોય એમ એને લાગ્યું. એણે ઉપર જોયું. સામે સૂર્યા એક મુસ્કાન સાથે ઉભી હતી. એ મેધાને આમ તડપતી જોઈને બોલી, "પ્રયત્નો નિષફળ છે. આજ તું નહિ બચી શકે..."
એણે આમ કહ્યું કે મેધા ખુરશી પાછળ બાંધેલ હાથ ખોલવાના પ્રયત્નો કરતા જ બોલી, "કોણ છે તું? મને કેમ પકડી છે?"
સૂર્યા હસતા-હસતા બોલી, "વાહ મને લાગ્યું કે તું ચાલાક હોઈશ. બધું સમજતી હોઈશ. તારું કેટલું વર્ણન સાંભળ્યું હતું મેં. પણ બધું એળે ગયું. તું તો એટલી પણ સમજદાર નથી કે આ પરિસ્થિતિ સમજી શકે..."
આ બાબત સાંભળી કે મેધાએ બે પળ માટે માથું નીચું કર્યું. એણે આસપાસ એવી વસ્તુઓ જોઈ જે એને છુટવામાં મદદ કરી શકે. પણ એને કઈ જ ન મળ્યું. છેવટે એ સૂર્યા સામે જોઈને બોલી, "જો મને જવા દે. નહિતર તારા માટે સારું નહિ થાય."
"હા... હા... જાણું છું. જાણું છું. સારું નહિ થાય. મારી નાખીશ એ બધું જ.... આ જ ધમકીઓ આપતા આવડે છે નહીં તને...."
મેધા ચોંકી ગઈ. આ વ્યક્તિ એનાથી ડરી રહી નહતી. એ બાબતે એને સૌથી વધુ પરેશાન કરી ગઈ.
મેધા તરત સ્વસ્થ થતા બોલી, "તો કુલ કેટલા લોકોનો આમ જ જીવ ગયો છે..."
સૂર્યા જે રૂમમાં આમ-તેમ ફરી રહી હતી, એ અચાનક એની સામે જોવા લાગી. એ ગુસ્સામાં બોલી, "માત્ર તારો. જો તે આટલી પરેશાની ઉભી ન કરી હોત તો આ બધું ક્યારેય ન થાત!"
મેધા પણ પોતાનો સખત હાવભાવ જાળવી રાખતા બોલી, "મેં તને એવી તો કઈ ઉપાધિ આપી કે તારે મારો જીવ લેવા સુધી જવું પડ્યું?"
સૂર્યા એની સામે આવીને બે હાથ અદબ વાળીને ઉભી રહી ગઈ, "લાગે છે કે તને ખરેખર કોઈ બાબતનો ખ્યાલ જ નથી. તે કેટલાય લોકોની રાતોની ઊંઘ અને દિવસોનું ચેન બગાડ્યું છે. લોકો કેટલા ડરે છે બહાર નીકળતા!"
મેધા તરત આંખો મોટી કરતા બોલી, "એનાથી તારો કોઈ મતલબ નથી. એ મારી સમસ્યા છે. અને એ લોકોની જે ડરી રહ્યા છે. આ બધામાં તું ક્યાં આવી? આ બધી જ બાબતોમાં પડવાથી તારો શુ ફાયદો છે?"
સૂર્યા વિશ્વાસ કરી શકતી નહતી કે 'એની સામે જે સ્ત્રી છે એ આવી બંધાયેલી હાલતમાં પણ એટલું બધું સાહસ બતાવી શકે છે. એ એટલું તો સમજી ગઈ કે આ સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી. એની જગ્યાએ જો કોઈ બીજું વ્યક્તિ હોત તો અત્યાર સુધી બચવા માટેની ભીખ માંગી ચૂક્યું હોત. પણ અહીં તો મેધા સામે અઢળક સવાલો કરી રહી છે. અને એને પોતાની જાતની કોઈ ચિંતા નથી. ક્યાં પ્રકારની સ્ત્રી એવું કરી શકે?' આ જ વિચાર સૂર્યાના મનમાં ચાલી રહ્યો હતો.
મેધા એના મનની ગડમથલ સમજી ગઈ હોય એમ બોલી, "તને નથી લાગતું કે તે કોઈ ખોટી વ્યક્તિને પકડી હોય! હું એ નથી જે તું સમજી રહી હોય! તારી આ પ્રક્રિયામાં મારુ કોઈ મહત્વ નથી." એ આસપાસ બધી જ વસ્તુઓ તરફ જોતા બોલી, "એમપણ મારુ લોહી તારા કોઈ કામનું નથી!"
એના આવું બોલતા જ સૂર્યા જે એનાથી ચાર ફૂટ દૂર ઉભી હતી, એ અચાનક એની તરફ ધસી આવી. એણે તરત મેધાનું જડબું પકડયું એણે એને ધમકીના સ્વરમાં જ જવાબ આપ્યો, "ખબરદાર જો મને ગુસ્સો અપાવવાની કોશિશ કરી તો! હું સારી રીતે જાણું છું કે મેં કોને પકડી છે? હવે તારી કોઈ પણ વાત તને મારાથી બચાવી નહિ શકે. એમપણ હું એ મૂર્ખ જાડેજા નથી કે હું તારી આ વાતો અને..." તરત એનું જડબું છોડી એ એના ચહેરા પર હાથ ફેરવવા લાગી. વાત આગળ વધારતા એ બોલી, "આ સુંદર ચહેરા પર ઘાયલ થઈ જઉં. તારી આ સુંદરતા મને કોઈ પણ રીતે અસર નથી કરી રહી. સમજી....." મેધાએ તરત એની આંખો બંધ કરી લીધી.
સૂર્યા સમજી કે 'એણે મેધાને ડરાવી દીધી છે.' એણે હાથ પાછો લઈ લીધો. અને એ ઝૂંપડીમાં એકમાત્ર લાઈટના સ્ત્રોત તરફ એ ગઈ. ત્યાં જતા જ એણે એક ખાટલા પાછળ છુપાવેલ હવનકુંડ બહાર નીકાળ્યો. કેટલાક લાકડા લીધા અને તરત એક અગ્નિ પ્રગટાવી. અગ્નિની જ્વાળાઓ ધીમે-ધીમે મોટી થઈ રહી હતી. મેધાની સામેથી સૂર્યા અચાનક બહાર જતી રહી, પાંચ જ મિનિટના ટૂંકા અંતરાલ બાદ એ કાળા કપડામાં પરત ફરી. કાળી સાડી અને એમાં એની કાળી આંખો ખૂબ ડરામણી લાગી રહી હતી. મેધા સિવાય અન્ય કોઈ સ્ત્રી હોય એ એને જોઈને જ બેભાન થઈ જાય, એટલી ડરામણી હાલ સૂર્યા લાગી રહી હતી.
મેધા હજુ પણ ત્યાં જ કાદવ-કીચડવાળા કપડામાં બંધાયેલી હતી. સૂર્યા આવી કે એણે હવનકુંડની બાજુમાંથી એક લાંબી છરી ઉઠાવી અને મેધા તરફ આગળ વધી.
એને પોતાની તરફ આમ એક છરી લઈને આવતી જોઈ મેધાની આંખો મોટી થઈ ગઈ. એણે તરત જોરથી બુમ પાડી, "હું કોઈ પિશાચિણી નથી."
સૂર્યાએ હસતા જવાબ આપ્યો, "જાણું છું...."
"તો પછી તું મને આમ????"
"કારણકે હું હવે આ બધાથી મુક્ત બનવા માંગુ છું." એમ કહી એણે સામે રહેલી મેધાની પાછળથી જમણો હાથ, જે દોરડાથી બંધાયેલો હતો, એ ખોલ્યો અને એના કોણી નીચેના ભાગ પર એની પાસે રહેલ છરીથી એક કાપો મુક્યો.
મેધાએ એક ચીસ પાડી અને એ સાથે જ એના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. એ જ છરીના ટોચ પર મેધાનું લોહી લાગેલું હતું. એ લઈ સૂર્યા અગ્નિ પાસે ગઈ અને એ લોહીના ટીપાંની એ અગ્નિમાં આહુતિ આપી.
એ જોરથી એક મંત્ર બોલી, "दैवो: ग्रह्न्ति: अंतिमा जुहोती।"(હે દેવ, મારી આ છેલ્લી બલી સ્વીકારો...)
એ સાથે જ એક વિશાળ અગ્નિની જ્વાળાઓ સર્જાઈ. અને એક મહોરાનો આકાર બની ગયો. મેધાને આ જોઈ ખૂબ જ અચરજ થયું. આ તરફ સૂર્યાની આસપાસ એ જ્વાળાએ એક વર્તુળ બનાવી દીધું હતું. "अमावस्या अभिहरा अभिप्रेता:।"(અમાસની બલી સ્વીકૃત.) આ શબ્દો વાતાવરણમાં ગુંજવા લાગ્યા.
મેધા આ અગન જ્વાળાઓને ઓળખી ગઈ. એ કોઈ અન્ય નહિ પણ સાક્ષાત મંત્ર-તંત્રમાં પૂજ્ય વેતાલદેવ હતા. અહીં એમની જરૂરત મેધાને સમજાઈ નહિ. પણ જે વસ્તુઓ એની સામે થઈ રહી હતી એ નકારી શકાય એમ નહતી.
(તો, શુ લાગે છે આ પરિચય બાદ... ખરેખર પિશાચિણી કોણ છે? ખબર તો પડી જ ગઈ હશે. ખેર હવે શું થશે મેધાનું? જોઈએ આવતા ભાગમાં....)