Rajkaran ni Rani - 56 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૫૬

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૬

સુજાતાબેન કઇ બાબતે ચર્ચા થવાની છે એ અંગે સ્પષ્ટ ના બોલ્યા એ પરથી જનાર્દનને શંકા ઉપજી. તે પોતાની મર્યાદા જાણતો હતો. અને અત્યારની પ્રવાહી રાજકીય સ્થિતિમાં ઘણી એવી વાતો હોય છે જેના વિશે બોલવામાં તેમની પ્રતિષ્ઠાને આંચ આવી શકે. એ સાચું કહે તો પણ જ્યારે એ કામ ના થાય કે એમણે કહ્યું હોય એમ ના બને ત્યારે કોઇને તેમના વિશેનો પ્રતિભાવ બદલવાની નોબત આવી શકે. જનાર્દનને થયું કે સુજાતાબેન સમજી વિચારીને પગલાં ભરી રહ્યાં હશે. એક નાનકડી વાત તેમની યોજના બગાડી શકે એમ હતી. કઇ વાત પહેલાં કહેવી અને કઇ પછી એની વિવેકબુધ્ધિ એમની પાસે છે. એ સાથે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' માં તેમનું મહત્વ વધી રહ્યું હતું એનો જનાર્દનને અંદાજ આવી ગયો હતો.

જનાર્દનના વિચારોને પામી લીધા હોય એમ સુજાતાબેન ના રહેવાતાં બોલી ઉઠ્યા:"એમના તરફથી ખાસ બેઠક બોલાવવામાં આવી છે એટલે આગામી સરકાર અને મંત્રીમંડળની રચનામાં બધાંનો અભિપ્રાય માગી શકે છે...."

"હા, તમારી અવગણના એ કરી શકશે નહીં..." હિમાની ખુશ થઇને બોલી.

"જોઇએ હવે શું કહે છે..." કહી એ જમવા બેસવાની તૈયારી કરવા લાગ્યા.

જમીને થોડીવારમાં સુજાતાબેન તૈયાર થઇ ગયા. તેમણે બે અલગ કારની વ્યવસ્થા કરાવી હતી. એક કારમાં તે અને હિમાની બેસી ગયા અને બીજી કારમાં જનાર્દન હતો. જનાર્દનને બે કાર લઇ જવાની વાતથી નવાઇ લાગી હતી. એક કારમાં ત્રણેય જણ જઇ શકે એમ હતા. સુજાતાબેનની શું ગણતરી હશે એની કલ્પના કરવાનું તેણે ટાળ્યું. સુજાતાબેને જનાર્દનની કારના ડ્રાઇવરને એમની કાર સાથે જ રહેવાની સૂચના આપી હતી. જનાર્દનને પણ સતત સંપર્કમાં રહેવા કહ્યું.

જનાર્દને થોડીવાર સુધી ચૂંટણીના પરિણામો જોવાનું ચાલુ રાખ્યું પણ પછી એને ઉંઘ આવવા લાગી હતી. તેણે હિમાનીને ફોન કરીને કહી દીધું કે તે હવે થોડીવાર સૂઇ જશે. હિમાનીએ પણ કહ્યું કે તેને ઉંઘ આવી રહી છે અને સુજાતાબેન ઝોકે ચઢી ગયા છે. જનાર્દનને ઇચ્છા હોવા છતાં તેણે હિમાનીને કંઇપણ પૂછવાનું ટાળ્યું. સૂતા પહેલાં તેણે મોબાઇલમાં લાઇવ ન્યૂઝ પર નજર નાખી લીધી. તેણે જોયું કે 'બ્રેકિંગ ન્યૂઝ' આવી રહ્યા હતા.

'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' સદી ચૂકી ગઇ છે. એક્સો બેઠકો પરથી ધીમે ધીમે નીચે ઉતરીને એક્યાસી બેઠકો પર સરસાઇ ભોગવે છે.

જનાર્દનને ડર ઊભો થયો કે તે જાગશે ત્યારે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' પાસે સત્તા માટે જરૂરી બાસઠ-પાંસઠ બેઠકો તો હશે ને? તેને થયું કે તેની ઉંઘ ઉડાડી દે એવા સમાચાર આવતા હતા ત્યારે સુજાતાબેન તો નિશ્ચિંત થઇને ઉંઘી ગયા છે.

જનાર્દન કંટાળીને મોબાઇલમાં ન્યૂઝ ચેનલ બંધ કરવા જતો હતો ત્યાં ફરી 'બ્રેકિંગ ન્યૂઝ' ચમક્યા.

'સૂત્રો દ્વારા પ્રાપ્ત સમાચાર મુજબ મુખ્યમંત્રી રાજેન્દ્રનાથે આવતીકાલે સવારે જીતેલા ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. એમાં સરકારની રચનાની આગામી રણનિતી નક્કી થઇ શકે છે. અત્યારે રુઝાનોમાં બી.એલ.એસ.પી. મજબૂત સ્થિતિમાં છે. પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. રુઝાનોમાં આગળ રહેલા બી.એલ.એસ.પી.ના ઉમેદવારોની જીત નક્કી થઇ રહી છે.'

જનાર્દનને થયું કે બી.એલ.એસ.પી.ની સરકાર બનવાની વાત હવે પાકી થઇ ગઇ છે. પરંતુ હાઇકમાન્ડને બદલે મુખ્યમંત્રી અલગથી કેમ બેઠક બોલાવી રહ્યા હશે. ન્યૂઝ ચેનલ આ બેઠકને ખાનગી પણ ગણાવી રહી છે. રાજેન્દ્રનાથ ધારાસભ્યોને પોતાની તરફ લેવા માગતા હોય એમ પણ બની શકે. જનાર્દનને બરાબર ઉંઘ ચઢી હતી. તેણે વિચારવાનું બંધ કરી ડ્રાઇવરને સૂચના આપી આંખો મીંચી દીધી.

દોઢ કલાક પછી કારના ચાલકે અચાનક બ્રેક મારી એટલે જનાર્દન જાગી ગયો. આગળ જતી ટ્રકના ચાલકે રોડ પર ઢોર આવી જતાં અચાનક ગતિ ધીમી કરી દીધી હતી. જાગી ગયેલા જનાર્દનને પછી ઉંઘ આવી નહીં. તેણે મોબાઇલમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી. ટીવી એન્કરે રાજકીય સમીક્ષકો સાથે ચર્ચા શરૂ કરી હતી. એમાં સમય પસાર કરવાની જ વાત હતી. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ની જીત કરતાં એને ઓછી બેઠકો મળી એની ચર્ચા વધારે હતી. સમીક્ષકોનું માનવું હતું કે વીતેલા પાંચ વર્ષમાં સરકાર નોંધપાત્ર કહી શકાય કે ઉડીને આંખે વળગે એવા ખાસ કોઇ કામો કરી શકી ન હતી. એક વર્ષ પહેલાં આવેલી કોરોનાની મહામારીની બીજી લહેર પછી રાજ્યની આર્થિક સ્થિતિ વધુ કથળી હોવાથી લોકોપયોગી કામો અટકી ગયા હતા. જે મોડેથી ચાલુ થયા પરંતુ પૂરા કરી શકાયા ન હતા. ચૂંટણીમાં સરકારે તેને પૂરા કરવાનું વચન આપ્યું હતું. સરકારે કોરોનામાં લોકોને હોસ્પિટલોની અને દવાઓની મફતમાં વ્યવસ્થા કરી આપી હતી. વેક્સિનની પણ વિશેષ વ્યવસ્થા કરી આપી હતી. સરકારે કોરોના મહામારીમાં લીધેલા પગલાંને કારણે ત્રીજી લહેર આવી ન હતી. એ કારણે જ 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ફરી સત્તામાં આવી રહી હોવાનો મત હતો. એક સમીક્ષકે તો કટાક્ષમાં કહ્યું કે કોરોનાને કારણે સરકાર બચી ગઇ છે. સરકાર પાસે કોઇ ખાસ વિઝન ન હતું. તેની નબળાઇઓ દેખાવા લાગી હતી. કોરોના પછી સરકાર પોતાની સત્તા બચાવવા કામે લાગી હતી. ટીવી એન્કરે સરકારની કામગીરીના વખાણ કર્યા ત્યારે સમીક્ષકે કહ્યું કે કોઇપણ સરકાર એવા ક્રિકેટર જેવી છે જે છેલ્લી ઓવરમાં વધારે રન બનાવવાનો પ્રયત્ન કરે છે. ચર્ચા ચાલી રહી હતી ત્યારે વચ્ચે 'બ્રેકિંગ ન્યૂઝ' આવ્યા.

'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજીએ સવારે જીત મેળવનારા ધારાસભ્યોની એક ખાસ બેઠક બોલાવી છે. ખબર છે કે રાજેન્દ્રનાથ દ્વારા બોલાવવામાં આવેલી કહેવાતી બેઠક અંગે શંકરલાલજીએ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ રાજેન્દ્રનાથે આવી કોઇ બેઠક બોલાવી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે.

સમાચાર જાણીને જનાર્દનની ઉંઘ ઉડી ગઇ. સુજાતાબેને મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં જવાની વાત કરી હતી. તે વધારે વિચાર કરે એ પહેલાં સુજાતાબેનનો ફોન આવ્યો. જનાર્દને તરત જ ઉઠાવી લીધો.

"જનાર્દન, કાર્યક્રમમાં ફેરફાર થયો છે. મુખ્યમંત્રીના ફાર્મ હાઉસને બદલે પાટનગરમાં પક્ષના કાર્યાલય પર મીટીંગ ગોઠવવામાં આવી છે. ડ્રાઇવરને એની સૂચના આપી દેજે. કાર્યાલય નજીકની એક હોટલમાં આપણે ઉતરવાનું છે...થોડીવાર પછી રસ્તામાં આપણે ચા પીવા હોટલ પર રોકાઇશું ત્યારે વધારે વાત કરીશું..." કહી સુજાતાબેને ફોન મૂકી દીધો.

જનાર્દનને થયું કે સુજાતાબેનની સૂચનાથી શંકરલાલજીએ રાજેન્દ્રનાથની ખાનગી બેઠક રદ કરી હશે કે શું?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED