Rajkaran ni Rani - 55 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૫૫

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૫

બી.એલ.એસ.પી. ના ધારાસભ્યો એમજેપીના સંપર્કમાં હોવાની વાત સાચી હશે કે અફવા? એના કરતાં જનાર્દન ધારેશ વિશે વિચાર કરવા લાગ્યો હતો. ધારેશ પાટનગરમાં બેસીને સુજાતાબેન વતી નજર રાખી રહ્યા છે એનો મતલબ બંનેની દોસ્તી અગાઉથી હશે કે હમણાં રાજકારણમાં સક્રિય થયા પછી થઇ હશે? ટીનાની વાતમાં દમ તો હતો. રાજકીય સમીકરણો ઝડપથી બદલાવાના હતા. કોણ કઇ તરફ જશે અને કોણ શું કરશે એ કોઇ જ્યોતિષ પણ આગાહી કરી શકે એમ ન હતા. રાજકારણમાં બધી જ આગાહીઓ સાચી પડતી નથી. 'જીસકી લાઠી ઉસકી ભેંસ' ની જેમ દરેક પોતાની પાસેની શક્તિઓનો ઉપયોગ કરે છે. મોટાભાગના રાજકારણીઓ હવા જોઇને સઢ ફેરવતા હોય છે. જનાર્દન જાણતો હતો કે સુજાતાબેન એમાંના ના હોય શકે. તે બિનહરિફ જીતી ગયા અને પક્ષ માટે પ્રચાર કર્યા પછી તેમનું મહત્વ વધી ગયું છે. એમણે પણ વધારે મહત્વ મેળવવા રમત રમી હતી. અત્યારે રાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકારણીઓના વિચારો પળેપળ બદલાય એવી સ્થિતિ ઊભી કરી હતી. પાંચ વર્ષની સત્તાનો સવાલ હતો. સત્તા એક વખત આવે પછી ફરી આવશે કે પૂરા પાંચ વર્ષ ટકી શકાશે કે નહીં એ કોઇ કહી શકે એમ ન હતું.

જનાર્દને લાંબો વિચાર કરીને કહ્યું:"બહેન, રાજકીય સ્થિતિ બહુ તરલ બની રહી છે. એમજેપીએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું અને હવે સત્તા મેળવવા આપણા પક્ષના સભ્યોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે..."

જનાર્દનની વાત પૂરી થાય ત્યાં સુધીમાં તો ટીવીની ન્યૂઝ ચેનલ પર 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના પ્રવક્તાના હવાલાથી ખુલાસો કરવામાં આવી રહ્યો હતો કે તેમના કોઇ ધારાસભ્ય કે ઉમેદવાર એમજેપીના સંપર્કમાં નથી. એમજેપી સત્તાથી દૂર જઇ રહી છે એટલે ખોટી વાતો ફેલાવી રહી છે.

"સાચી વાતને પણ જૂઠી આ રીતથી સાબિત કરી શકાય છે!" કહી સુજાતાબેન હસી પડ્યા:"જનાર્દન, આજના કેટલાક સમાચારો તું લખી રાખજે. એમાંથી નવ્વાણું ટકા ખોટા પડવાના છે. ટીવીની ચેનલો લોકોમાં ઉત્સુક્તા જગાવીને પોતાના દર્શકો વધારે છે. દરેક ચેનલને ખબર છે કે અત્યારે આખું રાજ્ય ચૂંટણીના પરિણામો પર નજર રાખી રહ્યું છે. સૂત્રોના હવાલાથી અને આધારભૂત માહિતીને આધારે દર્શકોને પોતાની તરફ ખેંચવા ચેનલો 'બ્રેકિંગ ન્યૂઝ' આપી રહી છે..."

ત્યાં ફરી એક 'બ્રેકિંગ ન્યૂઝ' બધી જ ચેનલો પર આવવા લાગ્યા.

રાજ્યની તમામ ૧૨૨ બેઠકોના રુઝાન આવી ગયા છે. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' બધાથી આગળ ચાલી રહી છે. અત્યારે બી.એલ.એસ.પી.ના ૧૦૦ થી વધુ ઉમેદવારો તેમના હરિફ ઉમેદવારો પર સરસાઇ ભોગવી રહ્યા છે. એમાં ઘણા ઉમેદવારોની સરસાઇ પાતળી હોવાથી ફેરફાર થતો રહેશે. પરંતુ રુઝાન પરથી લાગે છે કે બી.એલ.એસ.પી. સરકાર બનાવવા જઇ રહી છે. બી.એલ.એસ.પી.ના કાર્યકરોમાં આનંદનો માહોલ છે. કેટલીક જગ્યાએ જીતની ખુશીમાં મીઠાઇ વહેંચવામાં આવી રહી છે.

ટીવી ચેનલો પર બી.એલ.એસ.પી. કાર્યકરોને નાચતા અને મીઠાઇ વહેંચતા બતાવવામાં આવી રહ્યા હતા.

ફરી 'બ્રેકિંગ ન્યૂઝ' ચમક્યા.

મુખ્યમંત્રી રાજેન્દ્રનાથ દ્વારા જણાવાયું છે કે બી.એલ.એસ.પી.ને સત્તા પર આવતા કોઇ અટકાવી શકશે નહીં.

જનાર્દન કહે:" બી.એલ.એસ.પી.ની જીતની પાઘડી રાજેન્દ્રનાથના માથે જ બંધાશે એમ લાગે છે. તે ફરી મુખ્યમંત્રી બનવાની દોડમાં આગળ રહેશે..."

"પરિણામ પછી હાઇકમાન્ડની બેઠકમાં એનો નિર્ણય લેવાશે. ધારાસભ્યોના મત ઉપર મુખ્યમંત્રીનું નામ જાહેર થશે. રાજેન્દ્રનાથની તરફેણમાં કેટલા ધારાસભ્યો છે એના પર બધો આધાર રહેશે..." સુજાતાબેન પોતાનો મત વ્યક્ત કરી રહ્યા.

"બેન, તમે એમને ફરી મુખ્યમંત્રી તરીકે ઇચ્છો છો?" હિમાનીએ ભોળાભાવે પ્રશ્ન પૂછી નાખ્યો.

સુજાતાબેને એના પ્રશ્નને સ્વાભાવિક રીતે લઇને કહ્યું:"આપણી ઇચ્છા કે અનિચ્છાથી કશું થતું નથી. હું હજુ નવી છું. કાલે પાટનગરમાં વાતાવરણ જોઇને બધો નિર્ણય લેવાની મારી ઇચ્છા છે..."

હિમાની સાથે જનાર્દનને પહેલી વખત થયું કે સુજાતાબેન કોઇ રાજકારણી જેવો જવાબ આપી રહ્યા છે.

અચાનક સુજાતાબેનના ફોનની રીંગ વાગી. તે નામ જોઇને ચમકી ગયા. રાજેન્દ્રનાથનો ફોન હતો. રાજેન્દ્રનાથે પ્રથમ વખત અંગત મોબાઇલ પરથી ફોન કર્યો હતો. સુજાતાબેન ફોન લઇને બાજુના રૂમમાં જતા રહ્યા.

થોડીવાર પછી તે બહાર આવ્યા અને કહ્યું:"આપણે હમણાં જ પાટનગર જવા નીકળી જવું પડશે. હિમાની, જમવાની તૈયારી કરી દે. જમીને તરત જ નીકળી જવું પડશે. મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા ઉમેદવારોની એક ખાસ બેઠક યોજી છે. એમાં મારે પણ હાજરી આપવાની છે...."

"કોઇ ખાસ બાબતે ચર્ચા થવાની હશે." જનાર્દને સુજાતાબેનને આવેલા ફોનની વિગતના અનુસંધાને પોતાનો અભિપ્રાય આપ્યો.

"હા, એવું જ કંઇક છે." સુજાતાબેન ટૂંકાક્ષરી જવાબ આપી ટીવી તરફ જોવા લાગ્યા. એમણે એ ના જણાવ્યું કે રાજેન્દ્રનાથે તેમની તરફણમાં મત આપવાની વાત કરી છે અને આડકતરી રીતે સંકેત આપીને એના બદલામાં મંત્રી બનાવવાનું પ્રલોભન આપ્યું છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED