Rajkaran ni Rani - 6 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૬

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬

જતિન એ છોકરીનું મોં જોવા તલપાપડ બન્યો હતો. પણ ખબર ન હતી કે એનો સુંદર ચહેરો જોઇને જતિનનું મોં પડી જવાનું હતું. જતિન એ છોકરી સાથે 'હાય હેલો!' કરવા ઉત્સાહથી આગળ વધ્યો હતો. તેને એમ હતું કે કાર્યાલયમાં પક્ષના જે નવા કાર્યકરો નોંધાયેલા છે એમાંની કોઇ હસીન છોકરી હોય તો તેને આગળ વધવાની તક આપી શકાય. જતિને આવી ઘણી છોકરીઓને આગળ વધવાની લાલચ આપી નાના-મોટા હોદ્દા પર બેસાડી હતી. એમાં તેનો અંગત સ્વાર્થ રહ્યો હતો. આજે ફરી કોઇ સુંદર છોકરી આવી છે એમ વિચારી મનોમન ખુશ થતા જતિનને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો હતો. જતિને 'હલો મિસ!' કહ્યું એ પછી છોકરીએ પોતાની સાવનની ઘટા જેવા લાંબા વાળ હટાવી ચહેરો બતાવ્યો ત્યારે જતિનને સમજાયું નહીં કે આગળ શું બોલવું. પણ જતિનના ઉત્સાહભર્યા શબ્દોના જવાબમાં અંજનાએ બંને હાથ જોડી 'નમસ્તે જતિનજી!' કહ્યું ત્યારે જતિને હાથ મિલાવવાને બદલે હાથ જોડીને પ્રતિભાવમાં 'નમસ્તે!' કહેવું પડ્યું. જતિનને કલ્પના ન હતી કે ધારાસભ્ય રતિલાલની હજુ છ માસ પહેલા જ પરણેલી છોકરી અંજના રાજકારણમાં જોડાઇ ગઇ છે. જતિને આશ્ચર્યથી પૂછ્યું:"અંજના, તું ક્યારથી પક્ષમાં જોડાઇ? આજે પહેલી જ વખત આ મંચ પર તારા દર્શન થયા!"

"જતિનજી, આમ તો હું જન્મ થયો ત્યારથી જ આ પક્ષમાં જોડાયેલી કહેવાઉં! કેમકે મારા પપ્પા ત્યારે પક્ષના અદના કાર્યકર હતા. હું તેમના રાજકીય જીવન સાથે જ મોટી થઇ છું. હવે લગ્ન પછી એમની ઇચ્છા છે કે હું એમને જાહેર જીવનમાં મદદરૂપ થાઉં. સભ્ય તો હું પહેલી વખત મતદાન કર્યું ત્યારથી જ થઇ ગઇ હતી. આજથી સક્રિય કાર્યકરના રૂપમાં જોડાઇ છું. તમારે કોઇ કામકાજ હોય તો જણાવશો. પપ્પાએ મને કહ્યું છે કે જતિનજી ખૂબ સક્રિય અને જૂના કાર્યકર છે. એમની પાસેથી તને સારું માર્ગદર્શન મળશે..." અંજનાના સ્વરમાં કટાક્ષ હતો કે સહજતા હતી એ જતિના કળી શક્યો નહીં. તેને થયું કે રતિલાલ કોઇ ચાલ ચાલી રહ્યા છે. અચાનક પોતાની પરિણીત પુત્રીને જાહેર રાજકારણમાં ઉતારી દીધી છે.

જતિન તેને સામો જવાબ આપતો હોય એમ બોલ્યો:"તમારે માટે તો ઘરમાં જ રાજકારણના ગુરૂ છે. બહાર કોઇના માર્ગદર્શનની જરૂર પડશે નહીં...."

અંજના આંખો નચાવતી બોલી:"એ તો છે! પપ્પા જેવા રાજકારણી અત્યારે મળવા મુશ્કેલ છે. એમણે પક્ષની જ નહીં જનતાની ખૂબ સેવા કરી છે. એમનું માર્ગદર્શન તો મળી જ રહ્યું છે."

"બસ તો પછી ચિંતા શેની છે?" કહી જતિને અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ હાથમાંના મોબાઇલનું લોક ખોલ્યું અને કોઇને ફોન લાગાવી કાને લગાવતાં 'પછી મળીએ' કહી કાર્યાલયની બહાર નીકળી ગયો. જતિનને થયું કે પાછળ ફરીને અંજનાના ચહેરાના હાવભાવ જોઉં પણ તે એમ કરી શક્યો નહીં. તે બહાર આવીને કારમાં બેસી ગયો. અને ફોન પાછો ખિસ્સામાં મૂકી વિચારવા લાગ્યો. જતિનને સમજાતું ન હતું કે રતિલાલ અંજનાના રૂપમાં કયું પત્તુ ઉતર્યા છે?

આજે રવિના સાથે મુલાકાત હતી. ઘણા દિવસથી ફોન પર વાતચીત થતી હતી. આજે મીટીંગના નામ પર બંને એક મિત્રના ખાલી બંગલા પર મળવાના હતા. રવિનાને ફોન લગાવી પૂછ્યું તો એ ત્યાં આવી ગઇ હતી. જતિને કંઇક વિચાર્યું અને સોમેશનું કહ્યું કે ઘરે લઇ લે. સોમેશને નવાઇ લાગી. હજુ હમણાં કાર્યાલય પર આવ્યા અને પાછા ઘરે કેમ જઇ રહ્યા છે. સોમેશે હુકમનું પાલન કર્યું. કાર ઘર પાસે ઊભી રાખી અને જતિનના ઉતરવાની રાહ જોવા લાગ્યો. ત્યાં જતિને એને કહ્યું:"તું એક કામ કર. મારે એક જગ્યાએ એકલા જ જવાનું છે. તારી જરૂર પડશે તો બોલાવીશ. આજે તું ઘરે આરામ કરજે."

જતિન નીચે ઉતર્યો અને ડ્રાઇવરના દરવાજા પાસે ઊભો રહ્યો. સોમેશે બહાર નીકળી કહ્યું:"ઠીક છે સાહેબ, જરૂર પડે તો ફોન કરજો..."

જતિને કંઇ બોલ્યા વગર કારને હંકારી મૂકી. તે ઝડપથી મિત્રના બંગલા પર પહોંચ્યો. રવિના જાણે આંખો બિછાવી તેની રાહ જોતી હતી. "જતિન! આવી ગયા?" કહી તેને ભેટી પડી. જતિને તેને પોતાની છાતી સાથે જોરથી ભીંસી અને પ્રેમ કરવા ગયો ત્યાં રવિના કહે:"મહાશય! ધીરજ ધરો! આખી બપોર આપણે સાથે જ છીએ. અંદર એસીની ઠંડકમાં બેસો તો ખરા!"

જતિન હસીને તેની કમર પકડી બેડરૂમમાં આવી બાજુમાં બેઠો. પછી બોલ્યો:"તારી કંપની મળે ત્યારે ઠંડક જ થઇ જાય છે!"

રવિનાએ હસીને સાથે લાવેલા જગમાંથી ચા પીરસી. જતિન શોખથી ચાના ઘૂંટ ભરવા લાગ્યો. તેની નજર રવિનાના બદન પર ફરી રહી હતી.

રવિના બોલી:"જતિન, આજકાલ રાજકારણમાં બહુ ધમાલ છે નહીં?"

"શેની? રાજકીય કાર્યક્રમો તો ચાલતા જ રહે છે..."

"હા, પણ આ એમપી અને એમએલએની બેઠકની ચૂંટણી આવી રહી છે એમ રાજકીય દોડધામ વધી રહી છે. પાટનગરમાં ઘણા લોકો પહોંચી રહ્યા છે..."

"હા, ઘણા કાર્યકરોની નજર આ બેઠકો પર છે..." કહેતી વખતે જતિનની સામે રતિલાલ અને તેમની પુત્રી અંજનાનો ચહેરો તરવરી રહ્યો.

"તમને શું લાગે છે? કોને ટિકિટ મળશે?"

"જો આ વાત તને જ કરું છું....આ વખતે મારી નજર બેમાંથી એક ટિકિટ પર છે..."

"તમે તો એમપી બનવાને લાયક જ છો. તમે ઘણા કાર્યકરોને હોદ્દા અપાવ્યા છે. મારા જેવી સામાન્ય કાર્યકરને આજે પાલિકા પ્રમુખના પદ પર બેસાડી દીધી છે. હવે તમને પણ મોટો હોદ્દો મેળવવો જોઇએ... "

"એમપી જ કેમ? એમએલએ કેમ નહીં?"

"સંસદ સભ્ય તો આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. દિલ્હીમાં રાજ કરવાની તક મળે છે. મારું તો માનવું છે કે તમારે એમપીની ટિકિટ માટે દાવો કરવો જોઇએ."

જતિન ગૂંચવાયો. તેને પહેલાં થયું કે પોતે ધારાસભ્યની બેઠક માટે ટિકિટ મેળવવા માગે છે એવું કહી દે. પછી થયું કે આ વાતમાં ઉતાવળ કરવા જેવી નથી. મારીએ ઇચ્છા જાહેર થઇ જશે તો મારાથી જલતા કાર્યકરો મારા વિરુધ્ધ થઇ શકે છે. મારા આયોજનની કોઇને ખબર પડવી ના જોઇએ.

"હજુ તો ઘણીવાર છે. પછી જોયું જશે. આપણે તો રાજકારણમાં સેવા જ કરવી છે અને આવા મીઠા મેવા ખાવા છે.." કહી વાતને ઉડાવી દેવાની પેરવી સાથે તેણે રવિનાના ગોરા ચહેરા પર પોતાનો ચહેરો ઝુકાવ્યો. ત્યાં રવિનાએ તેના મોં પર હાથ મૂકી દૂર કરતાં પ્રેમથી કહ્યું:"અરે! ચા તો પી લેવા દો!"

જતિન અટકી ગયો. રવિના ચા પીતાં વિચારમાં પડી હતી. તેને મૂંઝવણમાં જોઇ જતિન કહે:"જાનુ! શું વાત છે? કોઇ મૂંઝવણ છે? તકલીફ છે?"

"ના-ના, પણ મને એમ થતું હતું કે રાજકારણમાં એક પગથિયું હવે ઉપર ચઢવું જોઇએ. જો તમારી મદદ મળે તો એ શક્ય બની શકે..."

"મતલબ? તું કયા પદની વાત કરે છે? જિલ્લા સંગઠનમાં મોટું સ્થાન જોઇએ છે? બોલ, જિલ્લા પ્રમુખ બનાવી દઉં?"

"ના... હું ધારાસભ્ય પદનું વિચારતી હતી..."

જેનું રૂપ વીજના ચમકાર જેવું હતું એ રવિનાના મોંએથી ધારાસભ્યની બેઠકની ટિકિટની વાત સાંભળીને જતિનને લાગ્યું કે એણે તેના પર વીજળી પાડી છે.

વધુ સાતમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની ૩.૧૦ લાખથી વધુ ડાઉનલોડ થયેલી 'રેડલાઇટ બંગલો' અને રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED