Rajkaran ni Rani - 4 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૪

રાજકારણની રાણી ૪

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪

સુજાતાએ પોતાના નામની બૂમો પાડયા પછી જતિન સતર્ક થઇ ગયો હતો. સુજાતાના અવાજ પરથી તેને ખ્યાલ આવી ગયો કે તે હવે દસેક પગલાં જ દૂર છે. તેણે મજબૂર થઇ ઉપવસ્ત્ર પહેર્યા વગર ભોજપુરી ગીત પર ડાન્સ કરતી ટીનાના ખુલ્લા બદન પરથી નજર જ નહીં તેની સામેથી આખું શરીર હટાવી લીધું. તે એક પલકારામાં ચાર ડગલા પાછો ફર્યો અને નજીકના ગુલાબના છોડ પાસે ઊભો રહી ગયો. તેણે ગુલાબનું ગુલાબી ફૂલ બંને હાથમાં લીધું. તેમાં ટીનાનો ચહેરો તરવરી ઊઠયો. તેના શરીરમાં ઉત્તેજનાની એક લહેર ફરી ઊઠી. તે બંને હાથથી ગુલાબી ફૂલને મસળવા ગયો ત્યાં સુજાતાએ નજીક આવી પૂછ્યું:"જતિન, શું કરો છો? હું ક્યારની બૂમ પાડું છું..."

"હં....આ ગુલાબને જોઇ રહ્યો હતો...." જતિને અભિનય કર્યો.

"ઓહો! શું વાત છે! આજે કુદરતની નજીક આવ્યો એમ ને!" સુજાતાના અવાજમાં એક રાજકારણી માટે પ્રસંશાનો સૂર હતો કે કટાક્ષનો એ કળી શક્યો નહીં. તેણે વધારે ખુલાસો કરવાની જરૂર ના રહી. સુજાતાએ ટીનાને બૂમ પાડી. અને અવાજ ધીમો કરવા કહ્યું. સુજાતાનો ઊંચો અવાજ ટીનાએ સાંભળી લીધો અને તેણે ગીત બંધ જેવું કરી દીધું. જતિને ત્યાં નજર નાખી તો બારી હવે અડધી વસાઇ ગઇ હતી. ટીના બબડી પણ ખરી:"આ એની રોજની સમસ્યા છે. કેટલી વાર કહ્યું છે કે બંગલામાં ખલેલ પહોંચે એટલો મોટો અવાજ ના રાખ તું..."

જતિને વાત બદલવા કહ્યું:"સુજાતા, સવારે સવારે ક્યાં ઊપડી ગઇ હતી? કંઇ કહ્યા વગર. હું કારની રાહ જોતો હતો...."

"તમે ઊંઘતા હતા એટલે હું કહીને ના ગઇ. મને કે સોમેશને ફોન કરવો હતો ને. એક-બે કામ ફરી પતાવત ને આવી જાત."

"સોમેશને હમણા જ ફોન કર્યો. લાગતો ન હતો. હવે તને જ ફોન કરવાનો હતો. ત્યાં આ ગુલાબ પર નજર પડી. સરસ ખીલ્યું છે નહીં!"

"હા."

જતિન બંગલામાં આવ્યો અને સોમેશ સાથે પોતાના કામે નીકળી ગયો.

જતિનના ગયા પછી જનાર્દન આવ્યો.

જતિન સાથે એ ઘણા વર્ષથી કામ કરતો હતો. એને જતિનનો ડાબો હાથ માનવામાં આવતો હતો. એ જતિનને ઓછું મળતો હતો. અલબત્ત અગત્યના કામ વધારે કરતો હતો. જતિન એને પક્ષમાં આગળ લાવતો ન હતો. જનાર્દન પણ કોઇ ગણતરી સાથે કામ કરી રહ્યો હતો. કાર્યકરો સાથેની બેઠકમાં તે ઓછો દેખાતો હતો. જતિન તેને પાટનગરના કામ વધારે સોંપતો હતો. જનાર્દનને પાટનગરમાં ઘણા નેતાઓ સાથે ઓળખાણ થઇ ગઇ હતી. શહેરનું કે જિલ્લાનું કોઇ કામ કરાવવાનું હોય તો જતિન જનાર્દનને જ પાટનગર મોકલતો હતો. એ ફાઇલ પાસ કરીને જ આવતો હતો. થોડા દિવસ પહેલાં શહેરનું રેલ્વે અંડરબ્રીજનું કામ એ જ મંજુર કરાવીને લઇ આવ્યો હતો. આ કામ મંજુર થયા પછી રવિનાના પાલિકા પ્રમુખ તરીકેના કામોની સક્રિયતાના વખાણ વધી ગયા હતા. અંદરખાને બધાને ખબર હતી કે જાતિનની પાટનગરમાં પહોંચ હોવાથી આ પ્રોજેક્ટ પાસ થઇ ગયો હતો. જતિનને ખબર હતી કે જનાર્દનની સક્રિયતા અને મહેનતથી આ કામ સરળતાથી પાસ થયું હતું.

જનાર્દન આવ્યો અને ટેબલ પરના અખબારો પર નજર નાખવા લાગ્યો. સુજાતાએ એને લીંબુનું શરબત આપ્યું. જનાર્દને કોઇ આનાકાની વગર પી લીધું. તે બહુ ઓછું આવતો હતો અને સુજાતા સાથે ઝાઝી વાત કરતો ન હતો. આજે સુજાતાએ તેની સાથે વાત શરૂ કરી:"જતિન તો થોડીવાર પહેલાં જ નીકળી ગયા..."

"હા, મેં મેસેજ કર્યો કે હું તમારા ઘરે આવ્યો છું. તેણે કહ્યું કે થોડી વાર બેસ હું આવું જ છું..."

"આજકાલ જતિન બહુ બીઝી રહે છે. ચૂંટણીની તૈયારી ચાલતી લાગે છે..."

"ના ભાભી, ચૂંટણીને તો હજુ થોડા મહિના બાકી છે. હમણાં તો પક્ષ તરફી વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. કેટલાક પ્રોજેક્ટ પાસ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પછી ચૂંટણીમાં કરેલા કામોની યાદી તો રજૂ કરવી પડશે ને!"

સુજાતાએ આજે રસ લઇને જનાર્દન સાથે કેટલીક વાતો કરી. જનાર્દનને પણ થોડી નવાઇ લાગી. પછી થયું કે આખો દિવસ ઘરમાં રાજકારણની જ વાત થતી હોય ત્યારે બીજું કંઇ સૂઝે પણ નહીં!

જતિનની કારનો અવાજ આવ્યો એટલે સુજાતા સિફતપૂર્વક ત્યાંથી ઊઠીને પોતાના કામે વળગી ગઇ. જતિને આજે જનાર્દન સાથે અલગ રૂમમાં જઇને વાત કરી. કદાચ કોઇ ખાનગી વાત હશે. સુજાતાને થયું કે મારે શું. એમનું તો આ રાતદિવસનું છે.

એક અઠવાડિયા પછી સાંજનો સમય. સુજાતાએ ફોન પર વાત કર્યા પછી કહ્યું:"જતિન, મારી સહેલી સારિકાની તબિયત સારી નથી. એનો પતિ બહારગામ છે. મારે એને ત્યાં જવું પડશે. કદાચ રાત રોકાવું પડે...."

"વાંધો નહીં. સોમેશ તને મૂકી જશે..."

જતિને સોમેશને કાર કાઢવા કહ્યું. ત્રણ કલાકનો રસ્તો હતો. સુજાતા વેળાસર પહોંચી જાય તો સારું એમ વિચારી જતિને તરત જ નીકળી જવા સૂચન કર્યું. સુજાતા પણ ઝટપટ તૈયાર થઇને રવાના થઇ ગઇ.

જતિનના બે કલાક તો પક્ષના કેટલાક કાર્યકરો અને પાટનગરના અધિકારીઓ સાથે વાત કરવામાં નીકળી ગયા. ત્યાં જનાર્દન આવ્યો. જનાર્દન સાથે આગામી ચૂંટણીની તૈયારીની વાત કરવાની હતી.

જનાર્દને સાથે લાવેલી બેગમાંથી બીયરની બોટલ કાઢીને કહ્યું:"જતિન, તું આજે એકલો જ છે એટલે થયું કે નાનકડી પાર્ટી કરી લઇએ. ચિયર્સ!"

જતિને પણ ગ્લાસ ટકરાવ્યો. વાતો કરતાં બંનેને ખ્યાલ પણ ના રહ્યો કે કેટલી પીવાઇ ગઇ. વચ્ચે જતિન ત્રણ વખત પોતાના અલગ ફ્રિઝમાં મૂકેલી દારૂની નવી બ્રાંડની બોટલો ખોલતો ગયો હતો. રાત્રિના દસ વાગી ગયા હતા. જતિન હોશ ગુમાવી રહ્યો હતો. જનાર્દન થોડો ભાનમાં હતો. તેણે રજા લેવાની વાત કહી. જતિન કહે અહીં જ રોકાઇ જા. પણ પત્ની રાહ જોતી હશે એમ કહી તેણે પોતાની મજબૂરી રજૂ કરી. જતિને એને જવા દીધો. જનાર્દનની કાર નીકળવાનો અવાજ આવ્યો એટલે ટીના આવી અને બોલી:"હવે જમવાનું પીરસી દઉં?"

ટીના વચ્ચે એક વખત આવી ત્યારે જતિને એને ના પાડી હતી. અત્યારે જતિનને જમવાની ઇચ્છા ન હતી. તે ટીના તરફ જોઇ રહ્યો. તેની નજર સારી ન હતી. તે ઊભો થયો અને એક ડગલું માંડવા ગયો ત્યાં જ ગબડી પડ્યો. ટીનાએ દોડીને તેને પડતા બચાવ્યો. ટીનાના નાજુક અંગોના સ્પર્શથી જતિનનો નશો બેવડાયો. તેને એ દિવસે ટીનાનું જોયેલું ઉઘાડું રૂપ યાદ આવી ગયું. તેણે ટીનાના નાઇટડ્રેસ પર નજર નાખી. સિલ્કના ડ્રેસમાં તેનું યૌવન ડોકિયા કરી રહ્યું હતું. ટીનાએ પોતાની ફરજ સમજી કહ્યું:"તમારે જમવું નથી? ભૂખ લાગી હશે.."

"ભૂખ તો લાગી છે...!" કહી પોતાની ભૂખાળવી નજર તેના શરીર પર નાખી.

ટીના સહેજ ચમકી ગઇ.

"પણ હવે ખાવાની ઇચ્છા નથી. મને બેડરૂમ સુધી લઇ જા.." કહી જતિન ઊભો થવા લાગ્યો. ટીનાએ તેને સહારો આપ્યો. ટીનાને થયું કે જતિને તેના શરીરનો થોડો ભાર જાણી જોઇને પોતાના પર નાખ્યો હતો. તેનો એક હાથ કમરને ભરડો લેતો હતો. તે ખચકાતી જતિનને સહારો આપતી બેડરૂમ સુધી લઇ ગઇ. બેડ પર તેને બેસાડવા જતી વખતે જતિને તેના બંને હાથ પકડી લીધા અને પોતાના પર એને લઇ લીધી. ટીના છૂટવાનો પ્રયત્ન કરવા લાગી. તેનું ઉપરનું વસ્ત્ર ફાટી ગયું. તેણે બૂમ પાડી. જતિને તેના મોં પર હાથ દાબી દીધો અને કહ્યું:"જો...જો...અવાજ ના કરતી....મારા વશમાં નહીં થાય તો તારો પતિ જીવતો પાછો નહીં ફરે...તું નક્કી કરી લે...."

જતિનની ધમકીથી ટીના થથરી ગઇ.

વધુ પાંચમા પ્રકરણમાં...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED