રાજકારણની રાણી - ૧ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૧

મિત્રો, મારી આ અગાઉની નવલકથા 'પ્રેમપથ' અને 'મોનિકા'ને આપનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. આ નવી નવલકથા મારા પતિ રાકેશ ઠક્કર સાથે સહિયારી લખી છે. રાકેશ ઠક્કરની સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' અને એ પછીની 'લાઇમ લાઇટ', 'ઇન્સ્પેકટર ઠાકોરની ડાયરી' કે 'આત્માનો પુનર્જન્મ' પણ ખૂબ લોકપ્રિય રહી છે. 'આત્માનો પુનર્જન્મ' તો માતૃભારતીની સ્પર્ધામાં વિજેતા રહી છે. આ 'રાજકારણની રાણી' નવલકથાનું બીજ મારા મનમાં રોપાયું અને મેં રાકેશને એના વિશે વાત કર્યા પછી અમે એના પર વિચાર કર્યો. એમને વિચાર બહુ ગમ્યો અને સંયુક્ત રીતે લખવાનું નક્કી કર્યું. આ નવલકથામાં એક નારીની શાણી બનવાની, રાજકારણની રાણી બનવાની કથા છે. તેની 'ફર્શથી અર્શ સુધી' ની જીવનયાત્રા અનેક પડાવ સાથે વાર્તા આગળ વધે છે. એમાં રાજકારણના કાવાદાવા, ખેલ અને સેવા-સ્વાર્થ સાથેના સંબંધ ઉપરાંત એક મહિલાના દિલની-પ્રેમની વાત પણ છે. જે આપને જરૂર ગમશે. આ સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. એમાંના કોઇ પ્રસંગ કે પાત્ર કોઇ સાથે મળતા આવે તો એ જોગાનુજોગ જ હશે. માત્ર મનોરંજનના હેતુથી જ આ નવલકથા લખવામાં આવી છે. કોઇએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં. માતૃભારતીએ આ તક આપી એ બદલ આભાર. આપના પ્રતિભાવ અને રેટીંગની અપેક્ષા સાથે શરૂઆત કરીએ છીએ.

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

જતિનભાઇ સાથે લગ્ન કરીને સુજાતા આવી ત્યારે તેને ખબર ન હતી કે તે રાજકારણનો આટલો મોટો જીવ છે. લગ્ન નક્કી થતા પહેલાં એને ખબર હતી કે જતિનને રાજકારણમાં રસ છે. અને તે રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. સુજાતાને ખબર ન હતી કે જતિને પહેલા લગ્ન રાજકારણ સાથે કરેલા હતા. તે રાજકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતો હતો. તેની વાહનોના સ્પેરપાર્ટસની દુકાન હતી. અને તે સારી ચાલતી હતી. તેના વિશે પિતાએ અભિપ્રાય સારો જ મેળવ્યો હતો. અને લગ્ન પછી એ ખોટો પડ્યો ન હતો. સુજાતાએ જતિનની રાજકારણ સાથેની વ્યસ્તતાને સ્વીકારી લીધી હતી. જતિન તેને બહુ સમય આપી શકતો ન હતો. ક્યારેક વહેલી સવારે તો મોડી રાત્રે તેને કામથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પણ જવાનું થતું હતું. સુજાતાએ આ જિંદગીને સ્વીકારી લીધી હતી.

છેલ્લા ત્રણ વર્ષથી તે જતિન સાથે સુખદ દેખાતું લગ્નજીવન ગાળી રહી હતી. જતિન હવે વધારે મહત્વાકાંક્ષી બન્યો હતો. વર્ષોથી તે 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' માં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યો હતો. તેના કારણે જ શહેરમાં પક્ષનું સ્થાન મજબૂત હતું. સ્થાનિક સ્તર પરની ચૂંટણીઓમાં પક્ષને તેની મદદથી જ જીત મળતી હતી. તે હવે કાર્યકરને બદલે હોદ્દેદાર બનવા માગતો હતો. અસલમાં પક્ષના પ્રમુખે બહુ પહેલાં તેને સંગઠન મંત્રી બનવાની ઓફર કરી હતી. જતિને જ ના પાડી હતી. તેનું લક્ષ્ય ઊંચું હતું. તે પહેલાં પોતાની ઇમેજ મજબૂત બનાવવા માગતો હતો. તેના પક્ષના નામને સાર્થક કરી રહ્યો હતો. તે લોકો સાથે સંવાદ કરીને તેમનું સમર્થન મેળવી રહ્યો હતો. આ બાબતે તે સુજાતા સાથે ઘણી વખત ચર્ચા કરતો હતો. સુજાતાને તેની વાત સાચી લાગતી હતી. કાર્યકર તરીકે લોકપ્રિય થયા પછી હોદ્દો સ્વીકારવાથી ઝડપથી મોટા હોદ્દા તરફ આગળ વધી શકાય છે.

સુજાતાને પહેલાં તો રાજકારણમાં કોઇ ગતાગમ પડતી ન હતી. જતિન સાથે લગ્ન કર્યા પછી તે રાજકારણને સમજવા લાગી હતી. રાજકારણીના મનમાં લોકોની સેવા કરવાની ભાવના સાથે સ્વાર્થ ધરબાયેલો હતો. જતિન પણ મોટા હોદ્દા પર બેસવાનું સપનું જોતો હતો. જતિન લોકોની સેવા કરવામાં રાત-દિવસને જોતો ન હતો. કોઇની પણ સમસ્યા જાણ્યા પછી મદદરૂપ બનતો હતો. લોકોના વિસ્તારોની નાની-મોટી સમસ્યાઓના નિરાકરણ માટે જે-તે વિભાગના અધિકારીઓને મળતો રહેતો હતો. મહિલાઓની સમસ્યા હોય ત્યારે સુજાતા તેની સાથે જવાની વાત કરતી ત્યારે જતિન ઇન્કાર કરી દેતો. તે માનતો હતો કે રાજકારણમાં મહિલાઓનું બહુ કામ નથી. તે સુજાતાને ઘરમાં શાંતિથી બેસી રહેવાની સલાહ આપતો. આ વાત સુજાતાને ગમી ન હતી. પણ તેને થયું કે મારે ક્યાં રાજકારણમાં જવું છે તો ચિંતા કરું. મારે ક્યાં રાજકારણની રાણી બનવું છે? ઘરની રાણી બનીને રહું છે એ ક્યાં ઓછું છે? તેણે જતિન સાથે આ બાબતે વધારે ચર્ચા કરી ન હતી. પણ તે રાજકારણમાં રસ લેતી જરૂર થઇ ગઇ હતી. તે નવરી પડતી ત્યારે અખબારમાં રાજકીય સમાચારો વાંચતી અને ટીવી પર આવતી રાજકારણીઓ વચ્ચેની ડિબેટ ધ્યાનથી સાંભળતી હતી. એમાં એક વાત સામાન્ય રહેતી કે વિપક્ષ હંમેશા સત્તાધારી પક્ષની ખામીઓ રજૂ કરતો અને સત્તાધારી પક્ષના પ્રવક્તા અગાઉની સરકારના પક્ષના રાજકારણીઓને તેમની ભૂલો બતાવતા રહેતા હતા. એમણે કોઇ કામ કર્યા નહીં એટલે દેશ પાછળ રહી ગયો એવો આક્ષેપ કરવા સાથે પોતાના પક્ષની સરકાર દ્વારા લેવાતા પગલાંઓની પ્રશંસા કરતા હતા. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલતો અને અડધા કલાકમાં ટીવીની એન્કર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાને બદલે પાણી વલોવીને જતી રહેતી. એ પછી ટીવી પર સમાચારો આવતા એમાં પણ દરેક મુદ્દે પક્ષ-વિપક્ષ દ્વારા ખેલવામાં આવતા રાજકારણના જ સમાચારો વધુ રહેતા હતા.

સુજાતા પોતાના સાડાત્રણ વર્ષના લગ્નજીવન પર નજર નાખતી ત્યારે થતું કે તે ખરેખર સુખી છે? લગ્ન કરીને આવી ત્યારે તે પાતળી હતી. હવે શરીર ભરાયું છે. આ સહજ છે કે તે પ્રવૃત્તિ વગરની હોવાથી છે? તે અરીસામાં પોતાના વધેલા વજનને જોઇને વિચારતી કે શરીરથી તે સુખી દેખાતી હતી પણ મનથી? આ અરીસો મન થોડું બતાવે છે? સ્ત્રીના મનની વાતને પતિ પામી શકતો હોવો જોઇએ. પણ જતિન તો લોકોના મનની વાતને વધુ જાણે છે. એમની સેવામાં સતત દોડતો રહે છે. તેમના ઘરમાં ગઇકાલે જ કાર્યકરોની એક બેઠક યોજાઇ હતી. એમાં શહેરના ઘણા કાર્યકર ભાઇ-બહેનો એકત્ર થયા હતા. બધા લોકો જતિનને માનથી જોતા હતા અને તેની વાતને માનતા હતા. પક્ષને આગળ લઇ જવા અને તેની લોકપ્રિયતા વધારવા સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી લઇ જવા તે સૂચન કરતો હતો. ત્યારે તેની નજર એક મહિલા કાર્યકર પર વધારે ફરતી હતી અને એને સંબોધીને તે વધુ કહેતો હતો એ વાત બાજુની રૂમમાં દરવાજા પાસે બેસીને જતિનને સાંભળતી સુજાતાના ધ્યાન બહાર ના રહી. એ કારણે જ તે ચા-નાસ્તો આપવા માટે એમની વચ્ચે આવી ત્યારે સીધી અને ત્રાંસી નજરે તેણે એ મહિલાને સતત જોયા કરી. બધાની વાતો ચાલી રહી હતી ત્યારે કેટલાક સુજાતાને 'કેમ છો' કહી ચર્ચામાં પાછા જોડાઇ જતા હતા. સુજાતાએ સાંભળ્યું કે એનું નામ રવિના છે. એ રાજકારણમાં ઘણી સક્રિય લાગે છે. તેની સુંદરતા અને બોલવાની છટા પ્રભાવિત કરે એવી છે. તેણે જાણ્યું હતું કે આવી સ્ત્રીઓને રાજકારણમાં ઝડપથી આગળ વધવાની તક મળે છે. તેણે ટીવી પર બોલવામાં એક્ષપર્ટ ઘણી મહિલા કાર્યકરોને જોઇ હતી. રવિના જે આત્મિયતાથી જતિન સાથે કોઇ મુદ્દે વાત કરી રહી હતી એ જોઇ સુજાતાના મનમાં કંઇક ખૂંચવા લાગ્યું. આંખમાં કણું પડે અને આંખને સતત ચોળવી પડે એમ મનને તે ચોળવા લાગી અને તેને દિલમાં અસુખ જેવું થયું. તેના મનની જમીનમાં અવિશ્વાસની એકસાથે અનેક કૂંપળ અચાનક ફૂટી નીકળી. જતિન અને રવિનાને બે રાજકીય કાર્યકર વચ્ચે હોય છે એવો જ સંબંધ હશે ને? રવિના કુંવારી તો નહીં હોય ને? રવિના આટલી સક્રિય છે તો તેના વિશે જતિને કેમ ક્યારેય તેને જાણ કરી નથી?

એ દિવસે જતિન તો થાકને કારણે તરત જ ઘસઘસાટ ઊંઘી ગયો. પણ સુજાતાને ઊંઘ ના આવી. તેના મનમાં કેટલાક રાજકારણી સ્ત્રી-પુરુષોના સંબંધોની વાતો આવી ગઇ. તેનું મન બેચેન બની ગયું. જતિન સાથે લગ્ન કર્યા પછી તેની સાથે વીતાવેલી રોમેન્ટિક પળો આંગળીના વેઢે ગણાય એટલી હતી. તો શું તેણે માત્ર લગ્ન કરીને પોતાની જિંદગીનું એક પારંપરિક કાર્ય પૂરું કર્યાનો સંતોષ લીધો છે? મારી લાગણીઓ, પ્રેમ, શારીરિક ઇચ્છાઓ તેને મન કંઇ જ મૂલ્ય ધરાવતી નથી. તેને મન રવિનાનું મૂલ્ય મારાથી વધારે હશે? સતત વીંઝાતા મનના સવાલોનું તોફાન તેને ઊંઘવા દેતું ન હતું. ત્યાં જતિનના મોબાઇલની રીંગ વાગી. તે વોલ્યુમ ઓછું રાખીને જ સૂતો હતો. તેણે એવું કારણ આપ્યું હતું કે અડધી રાતે કોઇ સમસ્યા આવી જાય તો તેણે દોડવું પડે અને તને ખલેલ પહોંચે. આજે કદાચ પહેલી વખત તેણે આ રીતે જાગવાને કારણે તેના મોબાઇલની રીંગ સાંભળી હતી. તેને લાગ્યું કે જતિનની દિવસ દરમ્યાન વાગતી રીંગથી આ અલગ જ છે. તેણે કંઇક વિચારીને અંધારામાં રીંગને મ્યુટ કરી દીધી અને નામ-નંબર જોવા નજર કરી. નામમાં કેપિટલ 'આર' અને પછી 'વીન' શબ્દો હતા. પહેલી નજરે ખ્યાલ આવે એમ ન હતું. પણ આજે રવિનાને જોયા અને સાંભળ્યા પછી સુજાતાને સમજાયું કે આ એનો જ ફોન હશે. જતિનને જગાડવો કે નહીં એની અવઢવમાં રીંગ પૂરી થઇ ગઇ. આ રીતે તેને જગાડવાનું સુજાતાને અનુચિત લાગ્યું. સવારે ઊઠીને એ 'મિસકોલ' જોઇને જતિને જે કરવું હશે તે કરશે. એમ વિચારી સુજાતાએ ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પાંચ જ મિનિટમાં ફરી રીંગ વાગી. આ વખતે તેણે ઊંઘવાનો ડોળ કર્યો. ચાર-પાંચ સેકન્ડસ પછી જતિનની ઊંઘ ઊડી. તેણે ઝડપથી રીંગનો અવાજ બંધ કર્યો અને મોબાઇલ હાથમાં લીધો. ફોનમાં નામ જોઇ તે બેડરૂમની બહાર જતો રહ્યો. સુજાતા એટલી જ ઝડપથી ધીમા પગલે જઇ જતિને અટકાવેલા દરવાજાની પાછળ ઊભી રહી અને તેની વાત સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. જતિનના શબ્દો સાંભળી તેના કાનમાં સીસું રેડાયું. તેનો ચહેરો લાલઘૂમ થવા લાગ્યો.

વધુ બીજા પ્રકરણમાં...