Rajkaran ni Rani - 8 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૮

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮

જતિન પોતાનો જ વિડીયો ફાટી આંખોથી જોઇ રહ્યો હતો. હજુ વધારે લોકોએ આ અંગત પળોનો વીડિયો જોયો હોય એવી શકયતા ન હતી. પક્ષના વોટસએપ ગૃપમાં અનેક લોકો ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા. મોટાભાગના લોકોના ધ્યાન બહાર રહી ગયો હોય તો પણ બે-ચાર જણે જોઇ લીધો હોય એમની પાસે તો રહેવાનો જ હતો. પોતાના સ્ત્રી સંગનો આ વીડિયો ઉતારવાની જ નહીં તેને આ રીતે જાહેરમાં મૂકવાની હિંમત કોણે કરી હોય શકે? પોતાની કારકિર્દીની ફિલમ ઉતારવાનું જ આ ષડયંત્ર હોય શકે. જતિને સમય ગુમાવ્યા વગર પહેલો ફોન એ વીડિયો પોસ્ટ કરનારનો નંબર વાંચી તેને ફોન કરવાનું કર્યું. પણ જતિનની ગણતરી પ્રમાણે એ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જતિને બીજું કામ પક્ષના વોટસએપ ગૃપના એડમિન જિલ્લા પ્રમુખને એ વિડીયો દૂર કરવા ફોન કરવાનું કર્યું. કમનસીબે તેમણે ફોન ઉપાડ્યો નહીં. જતિને બીજા એડમિન એવા જિલ્લા મંત્રીને ફોન લગાવ્યો. એમણે ફોન ઉપાડ્યો પણ તેમના તેવર અલગ હતા. તેમણે તરત જ એ વીડિયો દૂર કરી દીધો અને સાથે જતિનને આ કારસ્તાન બદલ સંભળાવ્યું. આ વિડીયોને કારણે થોડી જ વારમાં સ્થાનિક જ સાથે રાજ્યની અને રાષ્ટ્રીય ટીવી ચેનલો પર આ સ્ટોરી શરૂ થઇ જવાની હતી. અને આવતીકાલના અખબારોમાં તો પક્ષના નામ પર માછલા ધોવાવાના હતા. હાઇકમાન્ડમાંથી ઠપકો સાંભળવા તૈયાર રહેવાનું હતું. મંત્રીએ તેને કહ્યું કે અત્યાર સુધી રાજ્યના ઘણા વોટસએપ ગૃપમાં પક્ષના કાર્યકરોએ જાણ્યે –અજાણ્યે અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યાના બનાવ બન્યા હતા. આ વખતે સ્થિતિ વધારે ગંભીર બનવાની છે. કેમકે પક્ષના જાણીતા કાર્યકરનો જ અશ્લીલ વિડીયો પોસ્ટ થયો હતો. વિડીયોમાં જતિનનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો પરંતુ અંદાજ આવી જતો હતો. અને તેના નામનો ઉલ્લેખ થયો હતો. જિલ્લા મંત્રીએ ગૃપમાંથી જતિનને 'રીમૂવ' કરી દીધો. જતિનને ખ્યાલ આવી ગયો કે આ વિડીયો તેને રાજકારણમાંથી 'લેફ્ટ' કરાવી શકે છે.

જતિને તરત જ જનાર્દનને બોલાવી લીધો. જનાર્દન સુધી જતિનના વિડીયોના સમાચાર પહોંચી ગયા હતા. તેણે જનાર્દનને સીધી જ વાત કરતાં કહ્યું:"જો ભાઇ, પાટનગરમાં જાણ કરી દે કે કોઇએ મારી સાથે ગેમ કરી છે. એ વિડીયો મારા જેવા દેખાતા કોઇ માણસનો છે. મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા કોઇએ ખેલ કર્યો છે. એ લોકો પાસે વાત પહોંચે એ પહેલાં આપણો ખુલાસો પહોંચી જવો જોઇએ...."

"જતિનભાઇ, તમે ચિંતા ના કરો. હું હમણાં જ પાટનગર ફોન લગાવું છું અને બધું સંભાળી લઉં છું..." જનાર્દન બોલ્યો ત્યાં જતિનના મોબાઇલની રીંગ વાગી એટલે આગળ બોલ્યો:"તમે અહીંનું સંભાળો..."

જતિનને સ્થાનિક પત્રકારનો ફોન હતો.

"હલો...જતિનભાઇ? હું ટુડે ન્યુઝમાંથી શશાંક બોલું છું...આ વિડીયોની વાત સાચી છે?"

"કયો વિડીયો અને કઇ વાત?" જતિન તાડૂક્યો.

"મને તમારા પક્ષના વોટસએપ ગૃપમાં એક અશ્લીલ વિડીયો મૂકાયો હોવાની માહિતી મળી છે. એ કોનો છે?" શશાંકે ઠંડા અવાજે સવાલ કર્યો.

જતિને પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને કહ્યું:"જુઓ ભાઇ, મને એવી કોઇ ખબર નથી...."

"એ વિડીયોમાં તમારા જેવો માણસ દેખાય છે...બલ્કે તમારું નામ પણ છે." શશાંકે તેને મળેલી બાતમીના આધારે સવાલ કર્યો.

"જુઓ, તમે આ રીતે કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આક્ષેપ ના મૂકી શકો. તમારી પાસે કોઇ પુરાવો છે?" જતિને રીપોર્ટરને આડે હાથે લેવાનો પ્રયત્ન કર્યો.

શશાંક હસ્યો અને બોલ્યો:"જતિનભાઇ, તમે આ બાબતે સ્પષ્ટ ખુલાસો નહીં કરો તો અમારે જે માહિતી સૂત્રો દ્વારા મળી છે એ જ ચલાવવી પડશે..."

"શશાંકભાઇ, મેં ખુલાસો કરી જ દીધો છે. એ વિડીયો 'ફેક' હોય શકે છે.... તપાસ પછી જ વધારે ખબર પડશે. હું પોલીસની મદદ લેવાનો છું...." જતિને નરમ સ્વરમાં જવાબ આપ્યો.

"ઠીક છે..." કહી શશાંકે ફોન મૂકી દીધો.

જતિનને ખ્યાલ આવી ગયો કે હવે પત્રકારો તેને છોડશે નહીં. આટલા અમથા- બે લાખની વસ્તી ધરાવતા શહેરમાં બિલાડીના ટોપની જેમ પત્રકારો ફૂટી નીકળ્યા હતા. પક્ષની પ્રેસનોટ શહેરમાં પચીસેક અખબારો અને પાંચ સ્થાનિક ટીવી ચેનલોને પહોંચતી હતી એની જતિનને ખબર હતી. અત્યારે તેમનાથી છૂટકારો મેળવવાનો એક જ રસ્તો હતો. જતિને મોબાઇલ ફોન બંધ કરી દીધો. અને ફોન પર વાત કરતા જનાર્દનને પોતાની સાથે બહાર નીકળવાનો ઇશારો કરી જતિને સુજાતાને બૂમ પાડી કહ્યું:"સુજાતા, હું બહાર જઉં છું...કોઇ પૂછે તો કહેજે કે ખબર નથી ક્યાં ગયા...."

"પણ થયું છે શું? આમ ભાગો છો કેમ? કોઇ મુસીબતમાં મુકાયું છે? મદદ માટે જાવ છો?" સુજાતાને જતિન અચાનક બહાર જવાનું કહેતો હતો એટલે નવાઇ લાગી.

"હું પોતે જ મુસીબતમાં મુકાયો છું" એમ કહેવાને બદલે "તારા સવાલો બંધ કર. મને બદનામ કરવા કોઇએ ગૃપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કર્યો છે. પણ હું એને છોડીશ નહીં. આ કોઇનું કાવતરું છે...." કહેતો જતિન કાર પાસે પહોંચી ગયો. ત્યારે સુજાતાએ પૂછ્યું:"ડ્રાઇવરને લઇને નથી જતા?"

"ના" કહીને જતિન ઝડપથી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. જનાર્દન તેની પાછળ બેસી ગયો. જતિને કાર દોડાવી મૂકી.

જતિનનું મગજ કારની ઝડપે ભાગતું હતું. તે ઘરેથી નીકળીને બીજી કોઇ અજાણી જગ્યાએ બેસવા માગતો હતો. તેને ખબર હતી કે ફોન બંધ થયા પછી પત્રકારો અને લોકો ઘર પર મળવા આવશે.

"જનાર્દન, વાત થઇ ગઇ?" જતિને વિચારવાનું બંધ કરી શાંત બેઠેલા જનાર્દન પૂછયું.

"જતિન, ફોન તો કર્યો છે પણ હાઇકમાન્ડ સુધી વાત પહોંચી ગઇ છે. હમણાં તેઓ આ બાબતે આપણી સાથે કોઇ વાત કરવા માગતા નથી. કદાચ તાકીદની મીટીંગ બોલાવી કોઇ નિર્ણય લઇ શકે છે..." જનાર્દને ચિંતા સાથે જવાબ આપ્યો.

"મને ધારાસભ્યની ટિકિટ તો મળશે ને?" જતિનને ટેન્શન વધી ગયું.

"જતિન, બહુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસોમાં આ વાતની ચર્ચા બંધ થઇ જશે. અને ધારાસભ્યની ચૂંટણીને તો હજુ ઘણી વાર છે. તને ખબર તો છે કે બિહાર જેવા રાજ્યમાં આપણા જ પક્ષે બળાત્કારના આરોપીને ટિકિટ આપી હતી એ પણ ચૂંટાઇને આવ્યો હતો. અને આ તો તારું સંમતિ સાથેનું કામ હશે ને?"

"હં...પણ...." જતિન કંઇક બોલવા જતો હતો અને અટકી ગયો. કારની આગળ એક છોકરો બોલ પકડવા આવી ગયો હતો. જતિને કારને બ્રેક મારી અને છોકરાને બચાવી લીધો.

"એક કામ કરીએ, શહેર બહાર લાભાભાઇનો ફ્લેટ છે ત્યાં જઇ બેસીએ...." જતિને શાંતિથી બેસીને વિચારવાનો રસ્તો શોધ્યો.

"જતિન, તારે મને અહીં ઉતારવો પડશે. મારે બેંકમાં એક અગત્યનું કામ પતાવવાનું છે. પછી હું આવી શકું..." જનાર્દને ઘડિયાળમાં નજર નાખતા કહ્યું.

"ઓહ! ઓકે, તારું કામ પતે એટલે મને ફોન કર. આપણે કોઇ યોજના બનાવવી પડશે..." જતિને તેને કારમાંથી ઉતારતા કહ્યું.

જનાર્દન ઉતરી ગયા પછી જતિન લાભાભાઇના ફ્લેટ પર પહોંચી ગયો. જતિન પાસે એક ચાવી હતી. તે ફ્લેટમાં પ્રવેશીને પહેલાં ટોઇલેટમાં ગયો. આજે તેની હાલત ખરાબ હતી. વર્ષોની ઉભી કરેલી પ્રતિષ્ઠા અને સન્માન પર પાણી ફરી વળવાની તૈયારી હતી. ટોઇલેટમાંથી બહાર નીકળ્યા પછી શારીરિક રાહત થઇ પણ માનસિક સંતાપ વધી ગયો હતો. તે સોફામાં ફસડાઇ પડ્યો. અને કંઇ વિચાર કરે એ પહેલાં બીજા મોબાઇલની રીંગ વાગી. તે ચોંકી ગયો. આ મોબાઇલ નંબર બહુ જ ઓછા લોકો પાસે હતો. કોણ હશે? એ જાણવા તેણે ઝડપથી ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો.

વધુ નવમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની ૩.૧૨ લાખથી વધુ ડાઉનલોડ થયેલી 'રેડલાઇટ બંગલો' અને રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED