રાજકારણની રાણી - ૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૩

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩

જતિન ધારાસભ્ય રતિલાલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બાજુના રૂમમાં બેઠેલી સુજાતા બધું જ સાંભળતી હતી. રતિલાલ જતિનને સાંસદની ટિકિટ અપાવવાની વાત કરી રહ્યા હતા. જતિને એમની વાતને નકારી કાઢી હતી. આજે સાંસદની ટિકિટ મળવી એટલે મોટી વાત હતી. એક નાના શહેરમાંથી સીધા દિલ્હીની ગાદી પાસે પહોંચી જવાની તક હતી. સુજાતાને એ સમજાતું ન હતું કે જતિન આટલા વર્ષોથી રાજકારણમાં પક્ષ માટે મહેનત કરી રહ્યો છે અને જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી રહી છે ત્યારે ના પાડી રહ્યો છે. શું તેનો રાજકારણમાંથી મોહ ઊઠી ગયો છે? સુજાતા મનમાં અનેક પ્રશ્ન ઊઠી રહ્યા હતા. તેને ખબર ન હતી કે રાજકારણનો મોહ વધી ગયો હોવાથી તેણે ના પાડી હતી. તે પાણીનો ગ્લાસ લઇને જતિન પાસે પહોંચી. જતિનને નવાઇ લાગી. તેણે પાણી પીધું અને સુજાતા સામે મર્માળુ હસ્યો.

સુજાતા પણ સહેજ હસી અને અચાનક પૂછ્યું:"રતિલાલ હતા ને? આપણા વિસ્તારના ધારાસભ્ય?"

"હા, બહુ મોટી વાત લઇને આવ્યા હતા..." એટલું બોલતા જતિનના ચહેરા પર અભિમાનની ઝલક આવી ગઇ.

"અચ્છા, તમે શું કહ્યું?" સુજાતા તેની વાત જાણવાની ઉત્સુક્તા બતાવતી આત્મિયતાથી બાજુમાં જ બેસી ગઇ.

"મેં તો ના પાડી દીધી. મારે સાંસદ બનવું નથી...."

"સાંસદ? આ તો બહુ મોટી વાત કહેવાય. આખા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનું ને?"

"હા, પણ રતિલાલ એકસાથે બે શિકાર કરવા માગે છે. તે જાણે છે કે પક્ષ હવે મને જે બેઠકની ટિકિટ જોઇએ તેની ટિકિટ આપી દે એટલું મારું રાજકીય કદ થઇ ગયું છે. મેં અત્યાર સુધી ઘણી બધી જગ્યાઓની ટિકિટ સ્વીકારી નથી...."

"એનું કારણ શું?"

"તને ખબર છે? કારનો વીમો હોય છે. પણ એને જ્યારે નાનું નુકસાન થાય ત્યારે કોઇ વીમો પકાવતા નથી. કેમકે મોટું નુકસાન થાય ત્યારે વધારે મળે છે. મોટા લાભ માટે નાનો લાભ જતો કરવો પડે. એવું જ રાજકારણમાં છે. જો નાની જગ્યાની ચૂંટણીની ટિકિટ લઇ લઇએ તો મોટી જગ્યા માટે તક ના મળે. હું મારી રાજકીય કારકિર્દીનું ફળ પકાવવામાં ઉતાવળ કરી રહ્યો નથી. રતિલાલ અત્યારે ધારાસભ્ય છે. જો હું સંસદ સભ્યની ચૂંટણી લડું તો એને ધારાસભ્યની ટિકિટ ફરી મળી જાય. અને એ રીતે તે પાંચ વર્ષ સલામત રીતે રાજકારણમાં રહી શકે. તેને ખબર નથી કે સાંસદ માટેની ટિકિટ હું શા માટે ઠુકરાવી રહ્યો છું. એ એવું સમજે છે કે મને હમણાં રસ નથી. મેં ના પાડી એટલે એ સમજ્યો હશે કે હું કોઇ ચૂંટણી લડવા માગતો નથી. એને ખબર નથી કે હું ધારાસભ્યની બેઠકની ચૂંટણી માટે દાવો કરવાનો છું. સાંસદ પછી ધારાસભ્યની ચૂંટણી પણ આવવાની છે."

"પણ સાંસદ કરતાં ધારાસભ્યનો હોદ્દો નાનો ગણાય છે. તમે આમ કેમ વિચારો છો..."

"તને ખબર ના પડે. ધારાસભ્ય બનીને મુખ્યમંત્રી બનવાની તક રહે છે. સાંસદ બનીને પ્રધાનમંત્રી બનવાનું સરળ નથી. દિલ્હીમાં મોટા માથા બેઠા છે. અને સાંસદના કામ એટલા થતા નથી જેટલા ધારાસભ્યના થાય છે. રાજ્યમાં ધારાસભ્યની વાત વધારે સાંભળવામાં આવે છે. સાંસદની સંસદમાં થતી રજૂઆત ઘણી વખત કાગળ પર જ રહી જાય છે. અને ધારાસભ્યને જે માન મરતબો અને માલપાણી મળે છે એ સાંસદને મળતા નથી એવો મારો અનુભવ છે. જોજે, આ વાત કોઇને કરતી!"

"ના-ના, મારે ક્યાં કોઇ સાથે વાતચીત થાય છે. તમે રસ લેવા દેતા નથી..."

"તને ખબર નથી રાજકારણ કિચડ જેવું છે..."

"એ તમે જાણો..."

સુજાતા ઊભી થઇને જતી રહી. જતિનને જે ચૂંટણી લડવી હોય એ લડે. મારી સાથે ના લડે એ જ મહત્વનું છે. જતિને ડ્રાઇવર સોમેશ અને એની પત્ની ટીનાને પોતાની તહેનાતમાં રાખી લીધા પછી આરામ જ હતો. ટીના કપડાં –વાંસણ ધોઇ જતી હતી અને બંગલાની પાછળ જ રહેતી હતી એટલે રસોડાના અને બીજા કામમાં મદદ કરતી હતી. સુજાતાને એની સાથે સારું ફાવી ગયું હતું. ટીના સાથે વાત કરવામાં સમય પસાર થઇ જતો હતો. સોમેશ અને ટીના બહુ ગરીબ પરિવારના હતા. સોમેશ ઘણા સમયથી નોકરી શોધતો હતો. તેને ખબર ન હતી કે ટીના પણ નોકરીએ લાગી જશે. ટીના સુંદર હતી અને ઉત્સાહી હતી. તેનો તરવરાટ ગજબનો હતો. યુવાનીમાં કોઇપણ છોકરીને જાતજાતના શોખ પૂરા કરવાની ઇચ્છા થતી હોય એમ ટીનાને ટાપટીપનો અને નવા કપડાં પહેરવાનો શોખ હતો. નોકરી મળ્યા પછી તે પોતાના થોડા શોખ પૂરા કરી શકી હતી. એટલે તે સુજાતાનો પડ્યો બોલ ઝીલતી હતી. સુજાતા ક્યારેક તેને સારા કામ બદલ બક્ષિશ પણ આપતી હતી.

જતિનને ડ્રાઇવર સોમેશને રાખ્યા પછી શાંતિ થઇ ગઇ હતી. બંગલાની પાછળની જ રૂમમાં રહેતો હતો એટલે ગમે ત્યારે તેને બોલાવી શકાતો હતો. રાત્રે મોડું થાય તો વાંધો આવતો ન હતો. સોમેશને પણ ડ્રાઇવરનું કામ ફાવી ગયું હતું.

જતિન આજે મોડો ઊઠયો હતો. તે તૈયાર થઇને સોમેશને બોલાવવા ફોન કરવા લાગ્યો. બે વખત ફોન કર્યો પણ લાગ્યો નહીં. તેને થયું કે મારા મોબાઇલમાં નેટવર્ક છે અને એનામાં નાથી? ઘરમાં જોયું તો સુજાતા ન હતી. જતિને બહાર જઇને જોયું તો કાર ન હતી. નક્કી સુજાતા એને લઇ બજારમાં ખરીદી કરવા ઉપડી ગઇ છે. અચાનક તેને જોરજોરથી સંગીત વાગતું હોવાનો અવાજ આવ્યો. અવાજ બંગલાની પાછળની બાજુથી આવી રહ્યો હતો. તેને થયું કે આટલા મોટા અવાજે ટીના કેમ સાંભળી રહી છે. જતિને એક જણ સાથે વાત કરવા મોબાઇલ લગાવતા પહેલાં ટીનાને અવાજ ધીમો કરવા બૂમ પાડી. સ્પીકરનો અવાજ એટલો મોટો હતો કે જતિનનો અવાજ ત્યાં સુધી પહોંચતો ન હતો. તે બંગલાના પાછળના દરવાજા પાસે ગયો અને બાગ વળોટીને સોમેશના ઘર સુધી પહોંચતો હતો ત્યાં તેની નજર રૂમની ખુલ્લી બારી પર પડી અને તે ત્યાં જ ઊભો રહી ગયો. ભોજપુરી ગીત 'આજા આજા, હેન્ડસમ રાજા, ખોલ દરવાજા, આ દિલમેં સમાજા..." મહિલાના સ્વરમાં વાગી રહ્યું હતું. ટીના નહાઇને આવી હતી અને ટુવાલથી ભીના વાળ લૂછી રહી હતી. જતિનની નજર તેના પર જ સ્થિર થઇ ગઇ. ટીનાએ વાળ લૂછી જેવો ટુવાલ નીચો કર્યો કે જતિનના દિલમાં ગલગલી થવા લાગી. ટીનાએ ઉપરના ભાગે કંઇ જ પહેર્યું ન હતું. તેને ખબર જ ન હતી કે બારી ખુલ્લી છે. તેના રૂપનું દર્શન કરીને જતિનની આંખોમાં ચમક આવી રહી હતી. ટીનાને ઘણી વખત તેણે ઘરમાં કામ કરતી જોઇ હતી. તેના ચુસ્ત કપડામાં બદન જોયું હતું. આજે તેને ઉપવસ્ત્ર વગર જોઇને અંગેઅંગમાં એક અજીબ લાગણી થઇ રહી હતી. તેનું કાતિલ રૂપ જોઇ જતિનનું મન મચલવા લાગ્યું. જતિનને થયું કે તેનું મન ટીનાના શરીરમાં ચલિત થવા લાગ્યું છે. ત્યાં જ તેને સુજાતાની બૂમ સંભળાઇ. 'જતિન....જતિન...."

જતિનને સમજાતું ન હતું કે તે શું કરે? સુજાતા તેનાથી દસ પગલાં જ દૂર હતી. બારી પાસે બિંદાસ રીતે ગીત પર નાચતી ટીનાના શરીરના અંગોના ઉછાળા જતિનના દિલમાં દરિયાના મોજાંની જેમ ઇચ્છાનો ઉછાળ લાવી રહ્યા હતા.

વધુ ચોથા પ્રકરણમાં...