Rajkaran ni Rani - 7 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૭

રાજકારણની રાણી ૭

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

રવિનાની ધારાસભ્ય પદની ટિકિટની વાત સાંભળી જતિનનું મગજ ચકરાઇ ગયું. જે રવિના 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ની એક સામાન્ય કાર્યકર હતી એને નગરપાલિકાનું સભ્યપદ અપાવ્યું અને પ્રમુખ પદ પર બિરાજમાન કરી દીધી એ જાણે-અજાણે પોતાનું પદ છીનવવાની વાત કરી રહી હતી. પોતે ચાહ્યું હોત તો નગરપાલિકાનું પ્રમુખપદ કે ઉપપ્રમુખપદ મેળવી લીધું હોત. પણ જતિનને આવા નાના પદનો મોહ ન હતો. તે કૂવામાંના દેડકાની જેમ શહેર સુધી તેની રાજકીય કારકિર્દી મર્યાદિત રાખવા માગતો ન હતો. તેનું સપનું મોટું હતું. રવિના તેના સપનાની રાણી હતી અને તેની ઇચ્છા પૂરી કરતી હતી એટલે તેને પ્રમુખપદ પર બેસાડી હતી. હવે તે પોતાની ઇચ્છા સાકાર ના થાય એમ ઇચ્છી રહી હતી. જતિન હમણાં પોતાનો ઇરાદો જાહેર કરવા માગતો ન હતો. આ બાબતે વિચાર કરવાની વાત કરી તે રવિનાની નજીક સરી ગયો. રવિનાને કંઇ કહેવાઇ ના જાય એ માટે તેણે જાત ઉપર સંયમ રાખ્યો. અલબત્ત એને જે ઇરાદાથી બોલાવી હતી એ વાત પર સંયમ રાખી શકે એમ ન હતો. રવિનાએ પણ પોતાની ધારાસભ્ય પદની ઇચ્છાને પૂરી કરવા જાત સોંપીને જતિનની ઇચ્છા પૂરી કરી. રવિના પોતાને બરાબર ખુશ કરી રહી હતી એનો જતિનને આજે અંદાજ આવી ગયો. રવિના પોતાના સ્વાર્થ માટે રખાત બની હતી એની તેને ખબર હતી.

જતિનને આજે તન-મનમાં રવિના સાથે પહેલાં જેવો આનંદ ના આવ્યો. તેના મનમાં ગડમથલ વધી ગઇ હતી. તે ઘરે પહોંચ્યો ત્યાં સુધી વિચારો આવતા રહ્યા અને પોતાના ભવિષ્ય પર જોખમ હોવાનો અંદાજ આવવા લાગ્યો. જતિન માટે હવે પડકાર વધી ગયા હતા. તેની જાણમાં જ તેના ધારાસભ્ય પદના હરિફો વધી રહ્યા હતા. રતિલાલ અને તેની દીકરી અંજના પછી રવિનાના મોંમાં પણ પદની લાળ ટપકી રહી હતી. પોતે વર્ષોથી જે પદ માટે અનેક પદ ઠુકરાવી રહ્યો છે એના દાવેદારો વધી જાય એ ચિંતાની વાત હતી. બીજા પણ ઘણા કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો હશે જેમણે ધારાસભ્ય પદની ટિકિટ માટે દાવો નોંધાવવાનું નક્કી કર્યું હશે. હવે સતર્ક થવું પડશે. પોતાની ટિકિટને અત્યારથી જ સલામત કરી લેવી પડશે.

જતિને જનાર્દનને ફોન કર્યો અને આ અઠવાડિયે પોતાની ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવવા કહ્યું. જનાર્દને કહ્યું કે તું ચિંતા ના કરીશ. તારી પક્ષ માટેની આટલા વર્ષોની સેવા જોતાં ટિકિટ મેળવવી એ ડાબા હાથનો ખેલ છે. તેં આજ સુધી કોઇપણ હોદ્દાની મોહમાયા રાખ્યા વગર પક્ષની સેવા કરી છે એનું સારું ફળ મળશે જ. જનાર્દનના આશ્વાસનથી જતિનને રાહત થઇ. થોડા જ દિવસોમાં બેઠક માટેનો સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. નિરીક્ષકો આવે ત્યારે તેમને પ્રભાવિત કરવા જરૂરી હતા. જતિને નક્કી કર્યું કે તે એક પ્રેઝન્ટેશન બનાવશે અને એમાં પોતે પક્ષ માટે કરેલી કામગીરીનો અહેવાલ રજૂ કરશે. આ ઉપરાંત મોટા નેતાઓને ફોન કરી પોતાની ભલામણ કરાવશે. જરૂર પડશે તો રવિના જેવી બે-ત્રણ સુંદર મહિલા કાર્યકરોને ભેટસોગાદો સાથે નાના-મોટા હોદ્દાની લાલચ આપી મદદ લેશે. જતિન જાણતો હતો કે રવિના જેવી ઘણી મહિલાઓ પોતાના અંગત લાભ માટે પણ પક્ષમાં કામ કરી રહી છે. જતિને પોતાના ખાસ કાર્યકરો મારફત તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી કે ધારાસભ્યની ટિકિટ માટે એક-બે નહીં પચીસ જેટલા કાર્યકરો- હોદ્દેદારો દાવેદારી નોંધાવે એવી શકયતા છે. એમાંના ચાર-પાંચને તો પોતે મોટો દાવેદાર છે એવો અહેસાસ કરાવીને બેસાડી દેશે. કેટલાક માટ સામ-દામ-દંડ-ભેદ બધા જ ઉપાય અજમાવશે. પણ બાકીનાની સામે પોતાને યોગ્ય સાબિત કરવાનું સરળ નહીં હોય. નિરીક્ષકો ઘણી વખત નવા નિશાળિયાને પણ ટિકિટ આપી દેતા હોય છે. પક્ષની પૉલીસી દર વખતે બદલાય છે.

આજે જતિનને સતત વિચારતો જોઇ સુજાતાએ કહ્યું:"જતિન, શું વાત છે? આવ્યો ત્યારથી અપસેટ જેવો લાગે છે? કોઇ તકલીફ છે?"

"હં..ના...તું સૂઇ જા...મારે કેટલાક આયોજનો કરવાના છે..."

"તમને ઊંઘ ના આવે તો હું કેવી રીતે સૂઇ શકું?" કહી સુજાતાએ જતિનના ગળામાં હાથોનો હાર પહેરાવ્યો. સુજાતાના શ્વાસોચ્છવાસ તેના મોં સાથે અથડાતા હતા. સુજાતાનો આટલો બધો પ્રેમ તેને નવાઇ પમાડી રહ્યો હતો. સુજાતા તેના હોઠ જતિનના હોઠ પર મૂકવા જતી હતી ત્યાં તે હટી ગયો.

"આજે ઉખડેલા કેમ લાગો છો? થોડો રોમાન્સ કરો તો બધો ભાર હળવો થઇ જશે." કહીને સુજાતાએ જતિનની છાતી પર ચહેરો મૂકી દીધો અને તેના શરીર પર હાથ ફેરવવા લાગી.

"સુજાતા, તું સૂઇ જા..."

"અરે, ચિંતા શું છે એ તો કહો..."

આખરે જતિને ધારાસભ્ય પદ માટેની પોતાની બધી ચિંતા કહી દીધી. સુજાતા કહે:"એમાં ગભરાવાનું શું? ટિકિટ તો તમને જ મળવાની છે. કોઇની તાકાત નથી કે તમને ના આપે. અને જનાર્દનભાઇ જેવા તમારા મિત્રો છે પછી ચિંતા શું કામ કરો છો...."

જતિન વિચાર કરતાં સૂઇ ગયો.

સવારે ઊઠીને તેણે થોડીવાર પછી મોબાઇલ હાથમાં લીધો. વારાફરતી મેસેજ- ઇમેઇલ અને સમાચારો જોવા લાગ્યો. પહેલાં તેણે ઓનલાઇન આવતા સ્થાનિક અખબારો પર નજર નાખી. રવિનાના સમાચાર જોઇ તેને નવાઇ લાગી. રવિનાએ શહેરના બે રોડ અને એક ગટરના કામનું ઉદઘાટન કર્યું હતું. કેટલાક કામોના ખાતમુહુર્ત કર્યા હતા. રવિનાએ શહેરની પ્રજાની સુખ-સુવિધાઓમાં વધારો કરવાની ખાતરી આપી હતી. રવિનાએ આ કાર્યક્રમો વિશે તેને જાણ કરી ન હતી. રવિના પોતાની પ્રજા વત્સલ રતિલાલની પુત્રી નેતા તરીકેની છબિ બનાવી રહી હોય એમ લાગ્યું. બીજા એક સમાચારમાં ધારાસભ્ય રતિલાલની પુત્રી રાજકીય ક્ષેત્રે સક્રિય થઇ હોવાનું લખ્યું હતું. 'મોરના ઇંડાને ચિતરવા ના પડે' જેવી કહેવત સાથેના એ લેખ જેવા સમાચાર અંજનાની પ્રશંસામાં 'પેઇડ ન્યુઝ' હોવાનું તેને લાગતું હતું. અંજનાની ઇમેજ બનાવવાનું રતિલાલે ચાલુ કરી દીધું હતું. રતિલાલ એમપી અને એમએલએમાંથી એક બેઠક પોતાના નામ પર કરવા માગતા હતા. જતિનને ખ્યાલ આવી ગયો કે બધાંની નજર ધારાસભ્યની બેઠક પર છે. પોતે જરા પણ ગાફેલ રહેશે તો તક ગુમાવશે. અને આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે.

જતિનને ખબર ન હતી કે તેની ઇજ્જત પર પાણી ફરી વળ્યું હતું. તે પક્ષના કાર્યકરોના વોટસએપ ગૃપમાં મેસેજ જોઇ રહ્યો હતો. રવિનાએ અને અંજનાએ પોતાના સમાચારોના કટિંગની ફાઇલ પોસ્ટ કરી હતી. કેટલાકે ટીવી ચેનલોના વિડીયો પોસ્ટ કર્યા હતા. જતિન વિડીયો ખાસ જોતો ન હતો. પણ તેને એક વિડીયોનો ઉપરનો ઝાંખો ફોટો અસામાન્ય અને કંઇક વિચિત્ર લાગ્યો. તેણે વીડિયો ડાઉનલોડ કરી જોવાનું શરૂ કર્યું તો તેના હોશ ઊડી ગયા. એક સ્ત્રી અને પુરુષનો અંગત પળોનો વિડીયો હતો. એમાં પુરુષ અને સ્ત્રીના મોં દેખાતા ન હતા. પણ એમાં લખ્યું હતું કે આપણા પક્ષના એક સક્રિય સભ્યની આ વર્તણૂક પક્ષ માટે હાનિકારક છે. જતિને ધ્યાનથી જોયું તો એ વિડીયો તેનો જ હતો. આ વિડીયો કોણ ચોરીછૂપીથી ઉતારી ગયું? શું એ મારો હરિફ છે? મારી ધારાસભ્ય પદની ટિકિટ કાપવા કોઇએ આ ચાલ ચાલી છે? જતિન પરસેવે રેબઝેબ થઇ ગયો. કોણે આ વીડિયો બનાવ્યો અને કોણે પોસ્ટ કર્યો હશે? સ્ત્રીઓના મોહમાં પોતે જ રાજકીય કારકિર્દી પર જોખમ ઊભું કરી દીધું છે?

વધુ આઠમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની ૩.૧૨ લાખથી વધુ ડાઉનલોડ થયેલી 'રેડલાઇટ બંગલો' અને રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED