રાજકારણની રાણી - ૫૭ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૫૭

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૭

'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ની સરકાર બનવાનું નક્કી થઇ ગયા પછી રાજકીય હલચલ અનેકગણી વધી ગઇ હતી. બધાંને સત્તાનો લાડવો દેખાતો હતો. રાજેન્દ્રનાથ ફરી મુખ્યમંત્રી બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા ત્યારે કેટલાક ધારાસભ્યો મંત્રીપદ મેળવવા માટે લાળ ટપકાવી રહ્યા હતા. મોટાભાગના નેતાઓનું છૂપું ધ્યેય પ્રજાના કામો કરવાને બદલે સત્તા મેળવવાનું હતું. સુજાતાબેન થોડા સમયના અનુભવ પછી જાણી ગયા હતા કે જિસકી લાઠી ઉસકી ભેંસ જેવી સ્થિતિ હોય છે. રાજેન્દ્રનાથે ધારાસભ્યોની બેઠક બોલાવીને પોતાનું મુખ્યમંત્રીપદ જાળવી રાખવાની તજવીજ શરૂ કરી દીધી હતી. રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી જ્યારે પાટનગરમાં ઉપસ્થિત હતા ત્યારે એમની આગેવાનીમાં નિર્ણય લેવાની ફરજ રાજેન્દ્રનાથ ચૂકી રહ્યા હતા. શંકરલાલજીએ એમની બેઠક રદ કરીને માપમાં રહેવાનો ઇશારો કરી દીધો હતો.

શંકરલાલજી પણ જાણતા જ હશે કે મોટાભાગના ધારાસભ્યો કઠપૂતળી જેવા હોય છે. તે રાજેન્દ્રનાથના કહ્યા પ્રમાણે જ કરવાના છે. ચૂંટણી લડવા માટે ઘણા ધારાસભ્યોને પક્ષ કરતાં રાજેન્દ્રનાથે વધુ ભંડોળ પૂરું પાડ્યું હતું. રાજેન્દ્રનાથ કેન્દ્રમાં પણ ચૂંટણી વખતે ભંડોળ પૂરું પાડતા હશે. એમના પર શંકરલાલજી વધારે સાહેબગીરી કરી શકે એમ નથી. પોતે બિનહરિફ ચૂંટાઇ આવી હતી અને શંકરલાલજીની ભલામણથી ટિકિટ મળી હતી એટલે આવી કોઇ વાત કરવાની રાજેન્દ્રનાથને જરૂર પડી ન હતી. પરંતુ હવે એમને ખ્યાલ આવી ગયો છે કે મારા કારણે કેટલાક ધારાસભ્યોને જીત મળી છે એમને રાજી રાખવા મારો સાથ લેવો પડશે. અને એમણે મંત્રીપદનું પ્રલોભન આપ્યું છે.

ભલે એમણે શંકરલાલજીને માન આપવા બેઠક રદ કરી દીધી છે પરંતુ ખાનગી રાહે પોતાના સોગઠાં ગોઠવી જ રહ્યા છે. સુજાતાબેન પર બીજા છ ધારાસભ્યોના ફોન આવી ચૂક્યા હતા કે રાજેન્દ્રનાથે કોઇપણ બેઠકમાં એમની ભલામણ કરવાની વિનંતી કરી છે. એમણે સુજાતાબેનને એ ના જણાવ્યું કે એમને કયું પદ આપવાનું પ્રલોભન આપ્યું છે. કદાચ અત્યારે એમને એવી કોઇ આશા ના પણ હોય.

એક સારી હોટલ દેખાતાં ડ્રાઇવરે કારને ઊભી રાખવાની તૈયારી કરી ત્યારે સુજાતાબેને ઇશારો કરીને જનાર્દનને એ હોટલ પર આવવાની સૂચના આપવા હિમાનીને કહ્યું.

થોડીવાર પછી બધાં હોટલમાં ચા-નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા.

રાત્રિનો સમય હતો અને કોઇને વાત કરવાનો મૂડ ન હતો. સુજાતાબેન હમણાં જ ઊંઘમાંથી ઉઠયા હતા. પરંતુ જનાર્દનને ખબર હતી કે આ કતલની રાત છે. દરેક રાજકારણી પોતાનું ચક્કર ચલાવી રહ્યો છે. અત્યારે જે મોકો ચૂકી ગયો એ પાંચ વર્ષ સુધી પસ્તાવાનો હતો. સુજાતાબેન પણ એમાં પાછળ નહીં હોય. એમને મંત્રીપદ મળી શકે છે. સુજાતાબેન હોટલમાં મળવાના હતા ત્યારે વાત કરવાના હતા. અત્યારે કંઇ બોલી રહ્યા નથી. કદાચ થાકને કારણે વાત કરવાની ઇચ્છા થતી નહીં હોય કે પછી તે સતત બદલાતા રાજકીય નિર્ણયોમાં કઇ વાત કરવી તેની મૂંઝવણ અનુભવતા હશે.

જનાર્દનને ચેન પડ્યું નહીં. તે વાત શરૂ કરતાં બોલ્યો:"બેન, પક્ષને બહુમતિ માટે જરૂરી બેઠકો મળી ગઇ છે. આજની બેઠકમાં લગભગ બધું નક્કી થઇ જશે. એમ લાગે છે કે શંકરલાલજીએ દોર પોતાના હાથમાં લઇ લીધો છે."

"હા, બહુ હલચલ વધી ગઇ છે. રાજેન્દ્રનાથ ફરીથી મુખ્યમંત્રી પદ મેળવવા અમારા જેવા ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. 'એમજેપી'નો તો એકડો જ નીકળી ગયો છે. તે સત્તા મેળવવા માટે દાવો કરી શકે એમ નથી. અને 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ના ધારાસભ્યો સામૂહિક રીતે એમના પક્ષમાં જવાની ભૂલ કરે એમ નથી. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને સત્તા પર બેસતાં 'એમજેપી' અટકાવી શકવાની નથી. પરંતુ જે સત્તા સંભાળશે એને મજબૂત વિપક્ષનો સામનો કરવો પડશે. હું તો માનું છું કે સત્તા પક્ષ પાસે પૂરતી બેઠકો હોય પણ જો વિપક્ષ મજબૂત હોય તો એ પ્રજાના લાભમાં છે. વિપક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જ નહીં સત્તા પક્ષને જાગતો રાખવા પ્રજાનો અવાજ બની રહે છે. ખરેખર તો એવી સ્થિતિ જ ના આવવી જોઇએ કે પ્રજાએ પોતાની સમસ્યાઓ માટે રજૂઆત કરવી પડે. હકીકતમાં તો દરેક રાજકીય પક્ષે તેના મેનિફેસ્ટોમાં અને સ્થાનિક ઉમેદવારે એમના પ્રચારમાં તેમની સમસ્યાઓના ઉકેલનો વાયદો કર્યો જ હોય છે. પણ ચૂંટણીઓ હવે વાયદાનો વેપાર બની રહી છે એ પ્રજાની કમનસીબી છે. ખબર નથી આ બધું કેવી રીતે અટકશે કે બદલાશે?"

"બેન, આ વખતની ચૂંટણીમાં તમારા જેવા ઘણા ધારાસ્ભ્યો ચૂંટાઇ આવ્યા છે. જે રાજકારણને બદલવાની ક્ષમતા ધરાવે છે..." હિમાનીએ ઉત્સાહથી કહ્યું.

"હિમાની, આખા દરિયાનું પાણી ખારું હોય ત્યારે એને મીઠું બનાવવાનું કામ મુશ્કેલ હોય છે. પરંતુ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ એક-એક સુધારાથી બધું બદલાઇ શકે છે. જોઇએ હવે આ વખતના મુખ્યમંત્રીશ્રી અને મંત્રીઓ કેટલી સારી ઇચ્છા રાખીને આવે છે...અને એમની દાનત કેવી છે." સુજાતાબેનનો ઇશારો રાજેન્દ્રનાથ તરફ હતો એનો જનાર્દનને ખ્યાલ આવી ગયો.

ચા-નાસ્તો પતી ગયો એટલે જનાર્દને પૈસા ચૂકવ્યા અને બધા બહાર આવ્યા પછી સુજાતાબેન બોલ્યા:"જનાર્દન, તને કહેવાનું રહી ગયું કે કાર્યક્રમ ફરી બદલાયો છે. આપણે પક્ષના કાર્યાલય નજીકની હોટલમાં નહીં પરંતુ બીજી એક જગ્યાએ જવાનું છે. હું એડ્રેસ તને મેસેજ કરું છું. ડ્રાઇવરને એ પ્રમાણે સૂચના આપી દેજે..."

"જી..." કહીને જનાર્દન વિચારતો જ પોતાની કાર તરફ ચાલ્યો. તેને સમજાતું ન હતું કે વારંવાર કાર્યક્રમ કેમ બદલાઇ રહ્યો છે. એક અર્થ એવો થાય છે કે રાજેન્દ્રનાથે પોતાની બેઠક બોલાવવાનું મોકૂફ રાખ્યું નથી. અચાનક જાનાર્દનને મનમાં પ્રશ્ન થયો:"સુજાતાબેન શંકરલાલજીની બેઠક પહેલાં રાજેન્દ્રનાથને મળવાના હશે કે શંકરલાલજીને જ?"

ત્યાં તેના મોબાઇલમાં મેસેજ આવ્યો. તે મેસેજમાં સ્થળ જોઇને ચોંકી ગયો.

ક્રમશ: