અનંત સફરનાં સાથી - 35 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 35

૩૫.ખુશીઓની લહેર



પન્નાલાલ હોટેલ રૂમમાં ડીનર કરી રહ્યાં હતાં. તેમણે પોતાની ચાલ મુજબ એક કદમ આગળ વધારી દીધું હતું. હવે બસ બીજું કદમ આગળ વધારવા માટે તેમને એક નવી જાણકારીની જરૂર હતી. જેમની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. એ સમયે જ તેમનાં ફોનની રિંગ વાગી. તેમનાં પત્નીનો ફોન આવી રહ્યો હતો. તે પણ પન્નાલાલ અહીં શું કરી રહ્યાં છે? એ જાણવાં આતુર હતાં. જો કે કામ નાં થાય. ત્યાં સુધી પત્નીને કોઈ વાત નાં કરવી એવું વિચારીને મુંબઈથી નીકળેલાં પન્નાલાલે પત્નીનો ફોન નાં ઉપાડ્યો.
"માલિક! આપણાં માણસો ખબર લઈને આવ્યાં છે." નાગજીએ આવીને કહ્યું. પન્નાલાલનાં ચહેરાં પર ખબર જાણ્યાં પહેલાં જ કોઈ જંગ જીતી ગયાનું સ્મિત ફરી વળ્યું. જેનું કારણ તેમનો પોતાનાં માણસો પરનો વિશ્વાસ હતો. તેમને ખબર હતી કે તેમનાં માણસો એકવાર કોઈ કામ હાથમાં લે પછી અધૂરું છોડતાં નથી.
"તેમને અહીં લઈ આવો." પન્નાલાલે કહ્યું. નાગજી બંને માણસોને પન્નાલાલ સામે લઈને આવ્યો.
"શિવાંશ અને રાહી એકબીજાને પ્રેમ કરે છે. રાહીને સર્જરી પછી શિવાંશ તો યાદ છે પણ બંને એકબીજાને પ્રેમ કરતાં એ યાદ નથી." પન્નાલાલનાં એક માણસે કહ્યું.
"માલિક! મને લાગે છે શિવાંશે પોતાનો બિઝનેસ પણ એ રાહી માટે જ છોડ્યો હતો. એ છોકરીનાં બાપે શિવાંશને કહ્યું કે, હવે તેમને એ બંનેનાં સંબંધથી કોઈ તકલીફ નથી." બીજાં માણસે વધારે જ રસ દાખવતાં કહ્યું, "રાહી અને શિવાંશનાં લગ્ન પછી શિવાંશને ફરી બિઝનેસ સંભાળી લેવા પણ કહી દીધું." એણે પોતાની વાત પૂરી કરી.
"બસ...થઈ ગયું. હવે કંઈ જાણવાની જરૂર નથી. આ જ મહત્વનો મુદ્દો છે. હવે રાહી ઉપર નજર રાખો. શિવાંશની કોઈ જરૂર નથી." પન્નાલાલે ખુશ થઈને કહી દીધું. બંને માણસો તેમનાં માલિક આગળ ડોક નમાવીને નીકળી ગયાં. નાગજી દરવાજો બંધ કરીને પન્નાલાલ સામે ઉભો રહી ગયો. જાણે તેને અગાઉ જ ખબર પડી ગઈ હતી કે હવે તેનું કામ શરૂ થવાનું છે.
"માલિક! હુકમ કરો." નાગજીએ પૂરી વિનમ્રતાથી કહ્યું.
"આ કવર ઉઠાવ. જ્યારે હું કહું ત્યારે આ કવર રાહીને આપી દેજે. બાકીનું કામ રાહી જ કરી દેશે." પન્નાલાલે જાણે આખી વ્યૂહરચના ઘડી કાઢી હતી.
નાગજી કવર ઉઠાવીને જતો રહ્યો. પન્નાલાલનાં ચહેરાં પર ખુશી ફુલી સમાતી ન હતી. તેમણે પગ પર પગ ચડાવીને ટેબલ પરથી ફોન ઉઠાવીને સામે ચાલીને પોતાની પત્નીને ફોન જોડ્યો. જાણે સોનાક્ષીબેનને ફોન આવશે એવી ખબર જ હોય. એમ તેમણે તરત જ ફોન ઉપાડ્યો.
"દિકરીનાં હાથ પીળા કરવાની તૈયારી કરો. બસ એક બે દિવસમાં જ કામ થઈ જાશે." પન્નાલાલે ખુશી વ્યક્ત કરી.
"તમે આયશા સાથે વાત કરી?" સોનાક્ષીબેને જાણે પોતાની ચિંતા વ્યક્ત કરી.
"એક જ સવાલ વારેવારે કરવો જરૂરી છે?" પન્નાલાલ થોડાં ચીડાયા, "મેં તેને સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી છે. આજ સુધી હું તેને કંઈ આપી શક્યો નથી. આ વખતે તેનાં જીવનની સૌથી મોટી ખુશી તેને આપવા માગું છું." એમની આંખોમાં ચમક આવી ગઈ, "એ જ્યારે જાણશે કે તેનાં બાપે તેનાં માટે શું કર્યું? ત્યારે એ અત્યાર સુધી થયેલી બધી શિકાયત ભૂલી જાશે."
"દુનિયાની એ પણ એક ખરી હકીકત છે કે વ્યકિત જે વિચારે એ નથી થતું અને જે થાય એ વિશે વ્યક્તિ વિચારતો નથી." સોનાક્ષીબેન ગંભીર અવાજે બોલ્યાં, "તમારાં કેસમાં તમે વિચારો છો એ નાં થયું તો તો પ્રોબ્લેમ થશે જ! સાથે જ તમે જે વિચારો છો તેનાં બદલે બધું ઉલટું જ થયું. તો તો બધાનાં જીવનમાં સુનામી આવશે અને એ સુનામી તમારી દિકરી આયશા જ લાવશે." કહીને એમણે ફોન જ મૂકી દીધો. જ્યારથી આયશા સાથે એ ઘટના ઘટી. ત્યારથી આયશા અને પન્નાલાલ પોતાની મરજીના માલિક થઈ ગયાં હતાં. જેમાં સોનાક્ષીબેન હંમેશા પીસાતા.
પન્નાલાલને સોનાક્ષીબેનની વાતોએ પોતાનાં પ્લાન પર ફરી એકવાર વિચારવા મજબૂર કરી દીધાં. જે દિકરીની ખુશી માટે એ આ બધું કરી રહ્યાં હતાં. એ દિકરી જ જો સમય આવતાં ફરીને ઉભી રહી જાય તો પન્નાલાલ માટે નીચું જોવાં જેવું થાય. સાથે જ આયશા પહેલેથી જ પન્નાલાલથી ઘણી દૂર જતી રહી હતી. એમાં જો પન્નાલાલનાં પાસાં ઉલ્ટા પડે તો આયશા તેમનાથી વધું દૂર જતી રહે. એવી સંભાવના વધું હતી. એમણે બેડ પર લંબાવીને ફરી આખો પ્લાન વિચાર્યો. તેમને કંઈ ખોટું કર્યાનો અહેસાસ તો નાં થયો. છતાંય દિલ હવે ગભરામણ અનુભવતું હતું. દિકરીની ખુશી, પોતાનો પ્લાન, એક માઁ ની ચિંતા અને દિકરી સાથે બનેલી એ ઘટના યાદ કરતાં જ પન્નાલાલની આંખો ભરાઈ આવી.

સીટી હોસ્પિટલમાં સવાર પડતાં જ રાહીનાં ડિસ્ચાર્જની તૈયારી થઈ રહી હતી. હોસ્પિટલમાં માત્ર મહાદેવભાઈ અને શિવાંશ જ હતાં. શિવાંશે ડિસ્ચાર્જ પેપર્સની ફોર્માલિટી પૂરી કરી. ત્યાં સુધીમાં નર્સે રાહીને ચેન્જ કરાવી દીધું. શિવાંશ અને મહાદેવભાઈ એક સાથે રાહીનાં રૂમમાં પ્રવેશ્યા. રાહી તેમને જોવાને બદલે તેમની પાછળ જોઈ રહી.
"તમે બે જ કેમ? બાકી બધાં ક્યાં?" રાહીનાં ચહેરાં પર હળવી ઉદાસી છવાઈ ગઈ.
"બધાં થાકી ગયાં હતાં તો ઘરે જતાં રહ્યાં. હવે આપણે પણ ઘરે જવાનું છે." શિવાંશે મહાદેવભાઈ સામે એક નજર કરીને કહ્યું. તેણે રાહીને વ્હીલચેર પર બેસાડી અને બહાર લઈને ગયાં. રાહી ત્રણ દિવસથી હોસ્પિટલમાં હતી. જતી વખતે તેણે આખાં હોસ્પિટલ પર એક નજર કરી. બહાર જઈને શિવાંશે તેને ગાડીમાં બેસાડી. મહાદેવભાઈ પાછળ રાહી સાથે બેઠાં અને શિવાંશે ગાડી ઘર તરફ ચલાવી મૂકી.
રાહી વિન્ડોની બહાર નજર કરીને બેઠી હતી. જાણે કેટલાંય વર્ષો પછી એ અમદાવાદને જોઈ રહી હોય એમ દરેક વસ્તુ જોઈને તેનાં ચહેરાં પરનાં હાવભાવ બદલતાં હતાં. મહાદેવભાઈ રાહીને જોઈને કંઈક વિચારી રહ્યાં હતાં. શિવાંશે જૂની ખરાબ યાદો પાછળ છોડીને નવી સારી યાદો બનાવવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો. એક વર્ષનાં વિયોગ અને રાહીની સર્જરી પછી શિવાંશે એક નવી શરૂઆત કરવાનું વિચારી લીધું હતું. જેનો આખો પ્લાન તેનાં મગજમાં સેટ થઈ ગયો હતો. મહાદેવભાઈ સહિત બીજાં બધાંને પણ બધું સમજાવી દેવામાં આવ્યું હતું. છતાંય એક વાત હતી જે હજું સુધી કોઈનાં મગજમાં આવી ન હતી.
રાહીનું ઘર આવતાં જ શિવાંશે ગાડી રોકી. પહેલાં શિવાંશ અને પછી મહાદેવભાઈ ઉતર્યા અને બંનેએ મળીને રાહીને ઉતારી. રાહીનો એક એક હાથ પકડીને મહાદેવભાઈ અને શિવાંશ આગળ વધ્યાં. રાહી બનારસનું કૉમ્પિટિશન જીતીને આવી ત્યારે ગૌરીબેન જેવી રીતે પૂજાની થાળી લઈને દરવાજે ઉભાં હતાં. એમ આજે પણ તેમનાં હાથમાં પૂજાની થાળી હતી. ફરક બસ એટલો જ હતો કે એ દિવસે રાહીએ ફેશન ડિઝાઈનિંગ કૉમ્પિટિશન જીત્યું હતું. જ્યારે આજે તે પોતાનાં જ જીવન સાથે એક લડાઈ લડીને એમાં જીતીને આવી હતી. ગૌરીબેને પૂજાની થાળીમાં પ્રગટી રહેલી જ્યોતની સાક્ષીએ રાહીની આરતી ઉતારી, તેનાં કપાળે કુમકુમનો ચાંદલો કરી, તેની નજર ઉતારી. રાહી બધું જોઈને ખૂબ જ ખુશ હતી. હોસ્પિટલમાં બધાં તેને લેવાં કેમ નાં આવ્યાં? સવાલનો જવાબ તેને ઘરે આવીને મળી ગયો. આરતી ઉતારીને ગૌરીબેન અને દાદી રાહીને લઈને ઘરની અંદર ગયાં. રાહીએ દાદીના આશીર્વાદ લીધાં. દાદીએ ખુશ થઈને તેને ગળે લગાવી લીધી. એટલામાં જ રાધિકા પણ આવીને રાહીને ભેટી પડી. રાહીએ રાધિકાને ભેટીને વારાફરતી બધાનાં આશીર્વાદ લીધાં અને બધાંને મળી. સ્વીટી અને કાર્તિક તો રાહીને સ્વસ્થ જોઈને ખૂબ જ ખુશ થયાં. રાહી બાકી બધાંને ઓળખતી હતી. બસ અમુક ચહેરાં નવાં હતાં. જેમાં આયશા અને તેની બાજુમાં ઉભેલાં પ્રવિણભાઈ અને કાન્તાબેન અને શિવાંશનાં મમ્મી-પપ્પા પર રાહીની નજર અટકી. એ ચહેરાં રાહી માટે ખરેખર અજાણ્યા હતાં. કારણ કે રાહીનાં હોશમાં આવ્યાં પછી એ લોકો રાહીને મળવાં ગયાં ન હતાં.
"આ મારાં નાના-નાની છે. પ્રવિણભાઈ અને કાન્તાબેન ચારોત્રા!" તન્વીએ પ્રવિણભાઈ અને કાન્તાબેનની વચ્ચે ઉભાં રહીને કહ્યું અને પછી પોતાનાં મમ્મી-પપ્પા તરફ આગળ વધી, "આ મારાં મમ્મી-પપ્પા છે. ગાયત્રીબેન અને મલયભાઈ." તન્વીનાં નાના નાનીનું નામ સાંભળતાં જ રાહીનાં કાનમાં અમુક અવાજો ગુંજવા લાગ્યાં. જે સ્પષ્ટ ન હોવાથી રાહીનું માથું દુખવા લાગ્યું. તેણે બંને હાથ માથા પર મૂકી દીધાં. પરિસ્થિતિનો અંદાજો લગાવીને મહાદેવભાઈએ રાહીને સોફા પર બેસાડી. થોડીવાર બધાંએ કંઈ પણ બોલવાનું ટાળ્યું. રાહીની સર્જરી થઈ એ પહેલાં શિવાંશે પ્રવિણભાઈ અને કાન્તાબેન વિશે ઘણી વાતો રાહી આગળ કરી હતી. જેમાંની એક પણ વાત રાહીને અત્યારે સ્પષ્ટપણે યાદ ન હતી. એનાં જ કારણે રાહીનાં કાનમાં શિવાંશની એ વાતો ગુંજવા લાગી. આ બધાં વચ્ચે ગજબની વાત એ હતી કે રાહીને બધું યાદ હતું. એ બસ શિવાંશનો પ્રેમ અને બનારસથી આવ્યાં પછી તેની સાથે થયેલી વાતોની સાથે શિવનાં જે સપનાં જોયાં એ જ ભૂલી ગઈ હતી. સાથે જ હોસ્પિટલમાં શિવાંશે રાહી સાથે જે વાતો કરી એ પણ રાહીને યાદ ન હતી. અસ્સી ઘાટ પર બનેલી ઘટનાનાં ધૂંધળા દ્રશ્યો દેખાતાં અને હોસ્પિટલમાં થયેલી વાતોનાં પડઘા જ રાહીને સંભાળાતા. બાકી તેને દર સોમવારે આવેલાં સપનાંનો તો તેને એક પણ અંશ યાદ ન હતો. જેનાં લીધે તે કંઈ સમજી કે વિચારી નાં શકતી.
રાધિકા અને શ્યામ અંદર અંદર કંઈક ઈશારા કરી રહ્યાં હતાં. જો કે એ રાહીને લઈને પરેશાન હતાં પણ રાહી તેમનાં ઈશારાનો બીજો જ કંઈક મતલબ સમજી રહી હતી. રાધિકા અને શ્યામ વચ્ચે એક વર્ષમાં સારી એવી સમજણ આવી ગઈ હતી. કોલેજ પછી શ્યામ તેનાં પપ્પાને કામમાં મદદ કરવાં સાથે આગળ ભણી રહ્યો હતો. તો રાધિકા અને રાહીનું સ્કુલ ખોલવાનું સપનું પણ પૂરું થઈ ગયું હતું. એક મહિના પહેલાં જ સ્કુલની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં શરૂઆતમાં જ પચાસેક જેટલાં સ્ટુડન્ટ્સનું એડમિશન થઈ ગયું હતું. રાધિકા સ્કુલ સંભાળવાની સાથે આગળ ભણી પણ રહી હતી. તેનો ભણીને બીજું કોઈ કામ કરવાનો કે નોકરી કરવાનો કોઈ ઈરાદો ન હતો. પણ તેનું ભણતર જેટલું વધું હશે એમ એ સ્કુલમાં પણ સારું શિક્ષણ આપી શકશે. એ વિચારે તેણે આગળ ભણવાનો નિર્ણય કર્યો હતો. જેમાં શ્યામનો પરિવાર પણ તેનાં વિચાર સાથે સહમત હતો.
"પપ્પા! હવે હું એકદમ ઠીક છું. તો આપણે શ્યામ અને રાધિકાની સગાઈ કરી દેવી જોઈએ." અચાનક જ રાહીએ કહ્યું. તો બધાં તેની વાત સાંભળીને, આંખો ફાડીને તેને જ જોઈ રહ્યાં. રાહીએ ખોટી વાત કરી ન હતી. છતાંય તેને પોતાનો પ્રેમ યાદ ન હતો. એવામાં રાધિકાની સગાઈ વિશે તો કોઈએ વિચાર્યું જ ન હતું. જેનાંથી બધાંને થોડું આશ્ચર્ય થયું.
"બેટા! મોટી બહેન કુંવારી હોય ત્યાં સુધી નાની બહેનની સગાઈ કેવી રીતે થાય? પહેલાં તારાં માટે કોઈ સારો છોકરો શોધીએ. આમ પણ રાધિકા અને શ્યામ હજું નાના છે અને એ ક્યાં ક્યાંય ભાગી જવાનાં છે કે ઉતાવળ કરીએ." ગાયત્રીબેને કહ્યું. તેમણે વાત તો વાળી લીધી. પણ જે કારણ કહ્યું એ શિવાંશને જરાં પસંદ નાં આવ્યું. શિવાંશ બસ ગાયત્રીબેનને જ જોઈ રહ્યો.
"નાનાં મોટાનું તો કંઈ નાં હોય. પણ પહેલાં તું બિલકુલ સ્વસ્થ થઈ જાય. ત્યાં સુધીમાં જો તારાં યોગ્ય કોઈ છોકરો મળી જાય તો બંને બહેનની સગાઈ સાથે જ કરીએ." મલયભાઈ જાણે શિવાંશનાં મનની વાત જાણી ગયાં હોય એ રીતે બોલ્યાં.
"હાં બેટા! પહેલાં તું સ્વસ્થ થઈ જા." મહાદેવભાઈએ પણ મલયભાઈની વાતમાં સૂર પૂરાવ્યો.
"તને કોઈ છોકરો પસંદ હોય તો બોલ. આપણે કાલ જ સગાઈ ગોઠવી દઈએ." શિવમે રાહીની પાસે બેસીને તેને કોણી મારીને કહ્યું.
"જાને દોઢ ડાહ્યા!" રાહીએ પણ શિવમને ધક્કો માર્યો.
"હું પસંદ છું? તો આપણે સગાઈ કરી લઈએ. હું તને અમેરિકા ફરવા લઈ જઈશ." આર્યન પણ રાહીને પરેશાન કરવાં આવી ગયો.
"અમેરિકા તો હું એકલી પણ ફરી આવું. એમાં તારી સાથે સગાઈ કરવાની શું જરૂર?" રાહીએ નેણ નચાવતાં કહ્યું.
"તો કોની સાથે કરવી છે? સગાઈ." આર્યન અને શિવમ બંનેએ એક સાથે પૂછ્યું. રાહીની નજર દૂર ઉભાં શિવાંશ પર જઈને અટકી. તેને બનારસમાં બનેલી બધી ઘટનાઓ યાદ આવવાં લાગી. રાહીનાં હાથમાં છપાયેલું શિવાંશનું નામ, તેની સાથે કરેલો ડાન્સ, અર્પિતાનાં રિસેપ્શનમાં શિવાંશ ટેરેસ પર સિગારેટ પીતો હતો ત્યારે થયેલી વાતો, શિવાંશે રાધિકાને બચાવી એ ઘટનાં, કૉમ્પિટિશનમાં શિવાંશે રાહીને કૉમ્પિટિશનમાંથી પીછેહઠ નાં કરવાં સમજાવી એ બધું જ રાહીને યાદ હતું. બસ એક ઘટનાં જ તેને ધૂંધળી દેખાતી હતી. જે રાહીએ અસ્સી ઘાટ પર શિવાંશને પ્રપોઝ કર્યો એ ઘટનાં હતી.
રાહીની નજર બધું યાદ કરતાં જ શિવાંશની બાજુમાં ઉભેલી આયશા પર પડી. જે રાહી અને શિવાંશની લવ સ્ટોરી જાણવાં આવી હતી. પણ હવે એ શક્ય ન હતું. આયશા જે જાણવાં આવી હતી. એ જ વાત રાહી ભૂલી ગઈ હતી. જેનાં લીધે આયશાએ રાહીને સામે ચાલીને મળવાનું ટાળ્યું હતું. એ તો બધું જાણ્યાં પછી ફરી મુંબઈ જતી રહેવા માંગતી હતી. પણ આર્યને તેને રોકી લીધી. આયશા પણ આર્યન પ્રત્યે આકર્ષિત હતી. જેનાં લીધે તેણે આર્યનની વાત માની લીધી.
"પેલી છોકરી કોણ છે?" રાહીએ આર્યનનાં કાને પાસે પોતાનો ચહેરો લઈ જઈને ધીરેથી પૂછ્યું.
"એ શિવાંશની ફ્રેન્ડ છે. શિવાંશ સાથે આવી છે." આર્યને પણ સાવ ધીરેથી જવાબ આપ્યો.
"ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ?" રાહીએ નેણ સંકોચીને પૂછ્યું.
"અરે નાં નાં! માત્ર ફ્રેન્ડ જ." આર્યન એક ઝટકા સાથે બોલી ગયો. પછી તરત જ તેણે શિવાંશને ઈશારો કર્યો. એ આયશાને લઈને રાહી પાસે આવ્યો.
"રાહી! આ મારી ફ્રેન્ડ છે. આયશા હિ.."
"હાય..આઈ એમ આયશા." શિવાંશની વાત વચ્ચે જ કાપતાં આયશાએ પોતાનો હાથ રાહી તરફ લાંબો કર્યો. રાહીએ પોતાનો હાથ આયશાનાં હાથમાં પરોવીને શેકહેન્ડ કર્યું.
"દીદુ! હવે તમારે આરામ કરવો જોઈએ." રાધિકા રાહીને લઈને રૂમમાં જતી રહી. રાહીનાં ગયાં પછી શિવમે પણ તેનાં પરિવાર સાથે વિદાય લીધી.
"પપ્પા! હવે તમારે લોકોએ પણ નીકળવું જોઈએ. ઋષભ માટે એકલાં હાથે બધું મેનેજ કરવું અઘરું થઈ પડશે." શિવાંશે મલયભાઈ પાસે જઈને કહ્યું.
"ઠીક છે બેટા." કહીને મલયભાઈએ પણ તેનાં પરિવાર સાથે વિદાય લીધી. પ્રવિણભાઈ અને કાન્તાબેન પણ જતાં રહ્યાં. શ્યામનો પરિવાર પણ તેમની સાથે જ જતો રહ્યો. શ્યામ રાધિકા પાસે જ રોકાઈ ગયો. કાર્તિક મહાદેવભાઈની દુકાને તો સ્વીટી પોતાની ઘરે જવાં નીકળી ગઈ. ત્યાં સુધીમાં રાધિકા રાહીને સુવડાવીને નીચે આવી ગઈ.
"હવે હું પણ નીકળું." બધાનાં ગયાં પછી આયશાએ અચાનક જ શિવાંશ સામે ઉભાં રહીને કહ્યું. આયશાની જવાની વાત આવતાં જ આર્યનનો ચહેરો લટકી ગયો. જે શિવાંશની નજરે નોટિસ કરી લીધું.
"જો કોઈ કામ નાં હોય તો થોડાં દિવસ રોકાઈ જા." શિવાંશે આર્યનનાં મનની વાત જાણી લેતાં કહ્યું. એ પણ ઈચ્છતો હતો કે આયશા રોકાઈ જાય. બસ બધાંની સામે કહી શકતો ન હતો.
"કામ તો કંઈ નથી. પણ..."
"તો રોકાઈ જા ને." આયશાએ વાતને લંબાવી તો આર્યને વચ્ચે જ કુદી પડતાં કહ્યું. આ વખતે તેનો ઉત્સાહ રાધિકા અને શ્યામથી પણ છૂપો નાં રહી શક્યો.
"ઓકે ફાઈન!" આયશાએ જેવું કહ્યું આર્યનનાં ચહેરાં પર સ્મિત ફરી વળ્યું. ગૌરીબેન અને મહાદેવભાઈ હજું સુધી આયશાને સરખી રીતે મળ્યાં ન હતાં. એ આયશા પાસે આવીને તેને પોતાની સાથે લઈ ગયાં. તેમણે આયશાને પોતે બનાવેલો નાસ્તો આપ્યો. ગૌરીબેન સાથે આયશાને પણ ફાવી ગયું.
શિવાંશ આયશાને ગૌરીબેન પાસે મૂકીને રાહી પાસે તેનાં રૂમમાં ગયો. રાહી પોતાનો વૉર્ડરોબ ખોલીને ઉભી હતી. તેને ઉંઘ આવતી ન હતી. એ રાધિકાનાં જતાંની સાથે જ કંઈક શોધવામાં લાગી ગઈ હતી. શિવાંશ જઈને તેની પાસે ઉભો રહી ગયો. રાહીએ એક નજર શિવાંશ તરફ કરી અને કપડાં વચ્ચે કંઈક શોધવાં લાગી. એ વખતે જ તેનાં હાથમાં શિવાંશે લખેલી ચિઠ્ઠી અને તેણે આપેલ ચેઈન અને પેન્ડન્ટ આવી ગયું.
"તું શું શોધી રહી છે?" કહીને શિવાંશે એ ચિઠ્ઠી રાહીનાં હાથમાંથી લઈ લીધી.
"હું જે શોધી રહી હોય તે. પણ એ ચિઠ્ઠીમાં શું છે?" રાહીએ ચિઠ્ઠી લેવાં હાથ લાંબો કર્યો.
"એ મારી ચિઠ્ઠી છે. મતલબ મેં તારાં મમ્મી માટે એક સાડી ખરીદી હતી. તેનું બિલ છે." શિવાંશે કંઈક વિચારીને કહ્યું, "મેં રાધિકાને આપ્યું હતું. તેણે ભૂલથી તારાં વૉર્ડરોબમા મૂકી દીધું હશે." શિવાંશ ચિઠ્ઠીવાળો હાથ પોતાની પીઠ પાછળ છુપાવી દીધો. રાહી છતાંય એ ચિઠ્ઠી પાછળ જ પડી ગઈ. રાહી નહીં માને એવી ખબર પડતાં જ શિવાંશે ચિઠ્ઠીવાળો હાથ રાહી સામે ધરી દીધો. રાહી તરત જ ચિઠ્ઠી ખોલીને જોવાં લાગી. ચિઠ્ઠી જોયાં પછી એણે શિવાંશે સામે એ રીતે જોયું. જાણે શિવાંશ સાચો અને પોતે ખોટી સાબિત થઈ હોય. થયું પણ એવું જ હતું. એ ચિઠ્ઠી શિવાંશે લખેલી ચિઠ્ઠી નહીં પણ ખરેખર સાડીનું બિલ જ હતું. શિવાંશે જ્યારે ચિઠ્ઠી છુપાવવા હાથ પીઠ પાછળ કર્યો ત્યારે તેનાં જિન્સનાં પાછળનાં ખિસ્સામાં રહેલાં સાડીના બિલ સાથે તેણે પોતે લખેલી ચિઠ્ઠી બદલી નાંખી હતી.
"તને શું થયું? એ લવ લેટર છે એમ!" શિવાંશે ખડખડાટ હસીને કહ્યું.
"કદાચ હોય પણ શકત." રાહી કહીને પોતાનાં હાથમાં રહેલ ચેન અને પેન્ડન્ટ જોવાં લાગી.
"એમ શું જુઓ છો? એ તમારાં માટે જ છે. હું લાવી હતી." રાહી વધું વિચારે એ પહેલાં જ રાધિકા ત્યાં પહોંચી ગઈ અને રાહી પાસે આવીને કહેવા લાગી. તેણે એ ચેન અને પેન્ડન્ટ રાહીની ડોકમાં પહેરાવી દીધું. પછી શિવાંશ તરફ એક નજર કરી. રાહીને ભલે એ ચેન અને પેન્ડન્ટની હકીકત ખબર ન હતી. છતાંય એ પહેરતાં જ તેનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. જેનાં લીધે શિવાંશને પણ ખુશી થઈ. શિવાંશ અને રાધિકા એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. એટલામાં રાહી ફરી કંઈક શોધવાં લાગી.
"હવે કહીશ તું શું શોધે છે?" શિવાંશે ફરી પૂછ્યું.
"મારી ડાયરી!" રાહીએ થાકીને કહ્યું.
"તમને ડાયરી યાદ છે?" રાહીએ જાણે કોઈ મોટું રહસ્ય જાણી લીધું હોય એવાં અવાજમાં રાધિકાએ પૂછ્યું.
"યાદ છે મતલબ? એક વર્ષથી ડાયરી લખું છું. યાદ તો હોય ને." રાહીએ કહ્યું. શિવાંશ હજું સુધી આ ડાયરી નામની પહેલી ઉકેલી શક્યો ન હતો. એવું એ ડાયરીમાં શું હતું? જે રાહીને આજે પણ યાદ હતી અને એ ગાંડાની જેમ અત્યારે તેને શોધી રહી હતી. એ શિવાંશની સમજમાં નાં આવ્યું.
"ડાયરી ડ્રોઅરમાં છે. તેમાંથી લઈ લો. હું હમણાં આવી." કહીને રાધિકા શિવાંશનો હાથ પકડીને તેને પોતાનાં રૂમમાં લઈ ગઈ. રાહીનું એ તરફ ધ્યાન પણ ન હતું.
"તું મને અહીં કેમ લાવી? અને આ ડાયરીનું શું ચક્કર છે?" શિવાંશે પરેશાન અવાજે પૂછ્યું.
"તમારાં માટે એક ખુશખબર છે." રાધિકાએ ખુશીથી ઉછળીને કહ્યું.
"મતલબ?" શિવાંશ હજું પણ કંઈ સમજ્યો ન હતો.
"દીદુને જ્યારે તમારાં સપનાં આવતાં ત્યારે એ તમારી કલ્પનાઓ શાયરી, કવિતાનાં રૂપમાં ડાયરીમાં ઉતારતાં અને બીજું ઘણું એવું ડાયરીમાં લખતાં." રાધિકાએ ફોડ પાડી, "મને એમ કે તેમને સપનાં યાદ નથી તો એ ડાયરી પણ ભૂલી ગયાં હશે. પણ એમને ડાયરી યાદ છે. મતલબ આપણી પાસે હજું એક ચાન્સ છે. તમે દીદુને એ બધું યાદ અપાવો. જે દીદુએ તમને બનારસ પ્રપોઝ કર્યા ત્યારે બન્યું હતું."
"અહીં અસ્સી ઘાટ ક્યાંથી લાવું?" શિવાંશે મોં બનાવ્યું.
"અસ્સી ઘાટ નાં સહી વસ્ત્રાપુર તળાવ હી સહી." રાધિકાએ વાતનો ટોન બદલ્યો. શિવાંશ હજું પણ અસમજની સ્થિતિમાં રાધિકા સામે જોઈ રહ્યો હતો.
"અરે મારાં ભોલે ભંડારી ફ્યુચર જીજાજી!" રાધિકા મસ્તીનાં મુડમાં આવી ગઈ, "માન્યું કે, બનારસનો અસ્સી ઘાટ અહીં નાં આવી શકે પણ દીદુનું ફેવરીટ અમદાવાદમાં આવેલું વસ્ત્રાપુર તળાવ તો અમદાવાદમાં જ છે ને! તમે ત્યાં જઈને દીદુને પ્રપોઝ કરો. એક વર્ષ પહેલાં તેણે પોતાનાં સપનાંની જે વાતો તમને કહી એવી જ વાતો તમે તેને કહો. ભલે ખોટી! પણ તમે એક ટ્રાય તો કરી જ શકો." એણે નેણ નચાવ્યા, "તો બોલો શું વિચાર છે? લવ સ્ટોરી એ જ રહેશે. બસ તમારે તમારાં પાત્રો બદલવાના રહેશે. દીદુ પોતાને આવતાં સપનાં ભૂલી ગયાં છે. તો હવે તમે તેમને જઈને એમ કહો કે તમારાં સપનામાં કોઈ છોકરી આવે છે અને એ બિલકુલ દીદુ જેવી જ છે. તમને દીદુ પસંદ છે. તમે તેની સાથે લગ્ન કરવાં માંગો છો." એ આરામથી બેડ પર બેસી ગઈ, "હવે આમાં વધારાની વાતો, ફિલિંગ્સ અને તમારું ક્વૉલિફિકેશન અને તમારાં બિઝનેસ વિશે તમે તમારી રીતે જણાવી દેજો. યૂ નૉ મારાં દીદુ અમદાવાદી છે. એટલે છોકરો જ્યાં સુધી ભરોસાપાત્ર નાં લાગે. એ કોઈ જવાબ નહીં આપે. તો પહેલીવારમાં જવાબ લેવાં માટે બધું જણાવવું પડશે." એ હસવા લાગી.
"ઓહ એવું એમ ને! મેં સાંભળ્યું છે છોકરીની નાની બહેન માની જાય એટલે છોકરીને પટાવવી અઘરી વાત નથી." શિવાંશ પણ હસ્યો, "તું તો માનેલી જ છે અને આમ પણ તારી દીદુ તારી બધી વાત માને છે." કહીને એ રાધિકા પાસે બેસી ગયો.
"મારી વાત‌ માને છે. હવે તમારી પણ બધી વાતો માને તેની તૈયારી કરો જીજાજી! મારે બીજાં પણ ઘણાં કામ છે." રાધિકા શિવાંશને ધક્કો મારીને જતી રહી. શિવાંશ પોતાનાં મગજમાં પ્લાન સેટ કરવા લાગ્યો.

આયશા ગૌરીબેન સાથે મળીને કિચનમાં રસોઈ બનાવતાં શીખી રહી હતી. ગૌરીબેન તેને પ્રેમથી બધું શીખવી રહ્યાં હતાં. આયશા થોડાં જ સમયમાં ગૌરીબેન સાથે એટલી હદે ભળી ગઈ હતી કે જાણે એ તેમને વર્ષોથી ઓળખતી હોય. આર્યન કિચનનાં દરવાજે ઉભો બધું જોઈ રહ્યો હતો. એક વિકટ પરિસ્થિતિ પછી નીલકંઠ વિલામાં આજે ફરી નવો જીવ આવી ગયો હતો. બધાનાં ચહેરાં પર ખુશી જોવાં મળતી હતી. પણ કહેવાય છે ને વધું દુઃખ કે વધું ખુશી માણસ‌માત્ર માટે સારી નથી. એક વર્ષ પહેલાં જેમ રાહીની ખુશીઓને નજર લાગી હતી. એમ જ આજે પણ એની ખુશી પર પન્નાલાલ હિરાણી ગ્રહણ બનીને બેઠાં હતાં. જે કોઈ પણ સમયે રાહીની ખુશીઓને ભરખી જવાનાં હતાં. એ વાતથી અજાણ સિનોજા પરિવાર નીલકંઠ વિલામાં ખુશીઓનું ઉમંગભેર સ્વાગત કરવામાં લાગ્યો હતો. એમની ખુશીઓ સાથે એક કાળો સાયો પણ નીલકંઠ વિલામાં પ્રવેશી ચૂક્યો હતો. જેની નીલકંઠ વિલા પર બાજ નજર હતી.
"મનમાં લાડું ફૂટે છે?" કોઈએ આવીને કિચનના દરવાજે ઉભેલાં આર્યનનાં કાનમાં કહ્યું. આર્યને તરત જ પાછળ નજર કરી. તેની પાછળ શિવાંશ ઉભો હતો. આર્યન જાણે ચોરી પકડાઈ ગઈ હોય. એ રીતે નજર નીચી કરીને ઉભો રહી ગયો.
"આવ મારી સાથે." શિવાંશ તેને લઈને બહાર ગાર્ડનમાં ગયો. શિવાંશ આયશાને લઈને આર્યનનાં દિલમાં શું ચાલી રહ્યું હતું? એ બરાબર જાણી ગયો હતો.
"આયશા સારી છોકરી છે. એકદમ બેફિકરાઈથી જીવવાવાળી અને નિખાલસ છે. પણ તેનાં એ સ્વભાવ પાછળ એક રાઝ છુપાયેલું છે." શિવાંશ આર્યનને કંઈ પૂછ્યાં વગર જ ચાલું થઈ ગયો, "હું આયશાને એક વર્ષથી ઓળખું છું. હજું સુધી તેણે મને પણ એ રાઝ વિશે નથી કહ્યું. જેનાં લીધે તે આટલી હદે બદલી ગઈ." એ વિચારે ચડ્યો, "એ બેફિકર તો પહેલેથી જ હતી. પણ માત્ર જીવનને લઈને! જ્યારે હવે તો લોકો અને સંબંધોને લઈને પણ એટલી જ બેફિકર થઈ ગઈ છે. તેનું કોઈ ઠેકાણું નથી. સિગારેટ પીવે છે, ડ્રિન્ક કરે છે, લેટ નાઈટ પાર્ટી અને મિત્રોમાં તો કોણ અને કેવાં છે? એ તેનાં પરિવારને પણ નથી ખબર! ઈન શોર્ટ, તે તેનાં પરિવારથી પહેલાં કરતાં વધું દૂર થઈ ગઈ છે. પહેલાં માત્ર પાર્ટી કરતી અને ઘરથી દૂર રહેતી. જ્યારે હવે તેનામાં બધી ખરાબ આદતો ઘર કરી ગઈ છે અને ઘરની સાથે ઘરનાં સભ્યોથી પણ દૂર થઈ ગઈ છે. જેની પાછળ કોઈ મોટું કારણ જવાબદાર છે."
"એ કારણ હું જાણું છું." આર્યને ધડાકો કર્યો. જે કારણ શિવાંશ છેલ્લાં એક વર્ષમાં નાં જાણી શક્યો. એ કારણ આર્યન બસ થોડાં કલાકોમાં જ જાણી ગયો હતો. એ જાણીને શિવાંશને આંચકો લાગ્યો.
"સાચે તું એ કારણ જાણે છે? મતલબ આયશાએ જણાવ્યું કે કોઈ પાસેથી જાણવા મળ્યું?" શિવાંશ શબ્દો જોડી જોડીને બોલવાં લાગ્યો.
"મેં જ તેને જણાવ્યું." શિવાંશ અને આર્યનની વાતો વચ્ચે આયશા પણ ત્યાં આવી પહોંચી.
શિવાંશ આયશાને જ જોઈ રહ્યો. જે વાત આયશાએ શિવાંશને પણ કહી ન હતી. એ વાત આયશાએ આર્યનને કહી દીધી હતી. મતલબ શિવાંશ બંનેને લઈને જે વિચારતો હતો. એ સાચું હતું. છતાંય શિવાંશ આયશાની રાહ જોઈ રહ્યો. અત્યાર સુધી તેણે તેની મરજી બતાવીને જ શિવાંશને તેનાં ભૂતકાળની વાત કહી ન હતી. આજે પણ શિવાંશ તેની મરજી વગર તેની પાસેથી કંઈ જાણવાં માંગતો ન હતો.
"યૂ નો વ્હોટ? મને અહીં આવીને ઘણું બધું એવું મળ્યું છે. જે અત્યાર સુધીમાં ક્યારેય મળ્યું નથી. જે તારાં લીધે જ શક્ય બન્યું છે." આયશા શિવાંશને વળગી પડી, "તારાં લીધે મને આજે દુનિયાની સૌથી મોટી ખુશી મળી છે. એટલે આજે હું તને એ વાત પણ કહી દઈશ જે મેં તારાથી છુપાવી હતી." કહીને તેણે શિવાંશને બધું જ જણાવી દીધું. જે તેણે આર્યનને જણાવ્યું હતું. હકીકત જાણ્યાં પછી આર્યન અને શિવાંશ બંને એકબીજાને જોઈ રહ્યાં.


(ક્રમશઃ)


સુજલ બી.પટેલ