અનંત સફરનાં સાથી - 4 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 4

૪. ચિંતાની પળો

ગૌરીબેન ઘણું વિચારવા છતાંય કંઈ કરી નાં શકતાં. જ્યારે રાધિકા બધું સમજવાં છતાં ચુપ બેસી રહે એવી ન હતી. રાહીને પ્રેમથી કોઈ બે શબ્દો કહે કે રાહી તરત પીગળી જતી. જ્યારે રાધિકાની તો રગરગમાં જાસૂસી દોડતી હતી. તે એક ચાલતું ફરતું તોફાન હતી. જેને પોતાનું કોઈ પણ કામ કરવાથી કોઈ રોકી નાં શકતું. તેનાં મનમાં પણ મહાદેવભાઈનો‌ બદલતો સ્વભાવ જ દોડી રહ્યો હતો. ઘણી વખત વિચાર્યા પછી તેણે મોબાઈલ હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો.
"હેલ્લો, આટલી રાતે પણ તને શાંતિ નથી હો." સામે છેડેથી ભર નીંદરમાં એક છોકરાનો અવાજ આવ્યો.
"મારો જન્મ જ ધરતી પર વાવાઝોડું આવ્યું. ત્યારે થયો હતો. તો મને શાંતિ નહીં મળે. હવે ધ્યાનથી સાંભળ. મારાં પપ્પા પર તારે નજર રાખવાની છે. તે કોને મળે છે. શું વાતો કરે છે. એ બધું મારે જાણવું છે." રાધિકાએ હુકમ આપતાં કહ્યું.
"એ પાગલ, તું મને મહાદેવ અંકલ પર નજર રાખવા કહે છે. તારો મગજ તો ઠેકાણે છે ને!? એ માણસ ક્યારે શાંતમાથી ભયાનક સ્વરૂપ ધારણ કરી લે. કંઈ નક્કી નથી રહેતું. તો શાં માટે મને આગમાં ધક્કો મારે છે??" સામે છેડે રહેલો છોકરો અચાનક જ ઉંચા અવાજે વાત કરવા લાગ્યો. જાણે રાધિકાની વાતથી તેની બધી નીંદર ક્યાંક ગાયબ થઈ ગઈ હોય.
"એ કાર્તિક થોડું તો સમજ, જો જરૂરી નાં હોત. તો હું તને ક્યારેય એવું કરવાનું નાં કહેતી. શાં માટે તું મારી જીંદગીમાં કેતુ બનવા માંગે છે. આટલી મદદ કરી દે." રાધિકાએ વિનંતી ભર્યા સ્વરે કહ્યું.
"ચાલશે, હું કાર્તિકનો કેતુ બની જાવ. એ મારે ચાલશે. આમ પણ તું મને કેતુ જ કહે છે. આજે કામ કઢાવવું છે એટલે કાર્તિક કાર્તિક કરે છે. પણ હું એવું કોઈ રિસ્ક નહીં લઉં. જેમાં મારાં જીવને જોખમ હોય." કાર્તિકે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવ્યો.
"ઠીક છે બેટા, તો કાલે પેલી સ્વીટ સ્વીટીને મળીને કહી જ દઉં. તું પણ રાત્રે મારી સાથે મારાં ફ્રેન્ડસ્ સાથે લેટ નાઈટ પાર્ટી કરે છે. પછી એ સ્વીટી તેની સ્વીટનેસ છોડીને કડવું કારેલુ બની જાય. ત્યારે તું એકલો જ તેને સંભાળી લેજે." રાધિકાએ ધમકી આપતાં કહ્યું.
"ઓકે...ઓકે...ઠીક છે. હું તારું કામ કરી આપીશ. પણ આ છેલ્લીવાર છે. હવે તારી કોઈ ધમકી મારી સામે નહીં ચાલે." કાર્તિકે થોડી સખ્તાઈ પૂર્વક કહ્યું.

રાધિકાએ તરત જ ફોન કટ કરી નાખ્યો. સ્વીટી રાધિકાનુ રામબાણ અસ્ત્ર હતું. તેનાં થકી રાધિકા કાર્તિક પાસે બધાં કામ કઢાવી લેતી. કાર્તિક મહાદેવભાઈના શો રૂમમાં કામ કરતો. રાધિકા મહાદેવભાઈને લગતું કોઈ પણ કામ હોય. કાર્તિક પાસે જ કરાવતી.
સ્વીટી કાર્તિકની ગર્લફ્રેન્ડ છે. જે એક સુંદર અને સુશિલ છોકરી છે. જ્યારે કાર્તિક મોજનો દરિયો...તેને કોઈ પણ રોકી નાં શકતું. તે પોતાનાં મોજશોખ પૂરાં કરવાં કંઈ પણ કરી શકતો. તેનામાં બસ એક જ સારી ક્વોલિટી હતી. તે ક્યારેય તેનાં મમ્મી-પપ્પા અને સ્વીટીને હતાશ થવા નાં દેતો. સ્વીટી રહી સંસ્કારી, તેને પાર્ટીને એવું નાં ગમે. એટલે જ્યારે રાધિકા એ વાત સ્વીટીને કહી દેવાનું કહેતી. તો કાર્તિક રાધિકાની બધી વાત માની લેતો.
રાધિકાએ મહાદેવભાઈના મનની વાત જાણવાં જાસૂસીનો રસ્તો અપનાવી લીધો હતો. જેમાં જાસૂસ કાર્તિક હતો. હવે કાર્તિક જાસૂસી કરી શકશે કે મહાદેવભાઈ તેને પકડી પાડશે. એ તો આવનારાં દિવસો જ જણાવી શકશે.
રાધિકા પોતાનું કામ કરીને આરામથી સૂઈ ગઈ. હવે આગળનું કામ કાર્તિકે સંભાળવાનું હતું. તેની ઉંઘ ઉડાડીને રાધિકા તો ઘસઘસાટ ઊંઘી રહી હતી.

સવાર પડતાં જ દાદીમા પૂજાપાઠમા અને ગૌરીબેન ઘરકામમાં લાગી ગયાં. રાધિકા હજું પણ સૂતી જ હતી. રાહી ઉઠતાંની સાથે જ કંઈક શોધી રહી હતી. ત્યાં જ ગૌરીબેન તેની ગ્રીન ટી લઈને રૂમમાં આવ્યાં.
"સવાર સવારમાં શું શોધે છે?" ગૌરીબેને વોર્ડરોબમા ખાંખાખોળા કરતી અને ફર્શ પર ઉંધા સૂઈને બેડ નીચે જોઈ રહેલી રાહીને પૂછ્યું.
"મારું લેપટોપ નથી મળતું. રાત્રે તો ટેબલ પર મૂકીને જ સૂતી હતી." રાહીએ પરેશાની ભર્યા અવાજે કહ્યું.
ગૌરીબેન પણ રાહીનુ લેપટોપ શોધવામાં તેની મદદ કરવાં લાગ્યાં. ત્યાં જ રાહીના મોબાઈલમાં એક મેસેજ આવ્યો. રાહીએ તરત જ સ્ક્રીન પર નજર કરી. મેસેજ રાધિકાનો હતો. રાધિકા ઘરમાં હોવાં છતાં મેસેજ શાં માટે કરતી હશે. એમ વિચારી રાહીએ મેસેજ વાંચ્યો. મેસેજ વાંચતાની સાથે જ એ રૂમની બહાર નીકળીને દોડતી હોલમાં આવી પહોંચી. જ્યાં મહાદેવભાઈ લેપટોપ લઈને સોફા પર બેઠાં હતાં. રાધિકા સીડીઓ પાસે ઉભી હતી.
"મારું લેપટોપ પપ્પા પાસે. મરી ગઈ રાહી. તું તો ગઈ હવે." રાહી કપાળે હાથ મૂકીને બોલી.
"અરે ઓ મેડમ, જલ્દી જઈને‌ લેપટોપ લઈ આવો. પપ્પાએ મેઈલનુ ફોલ્ડર ખોલ્યું. તો ઘરમાં ભૂકંપ આવી જશે." રાધિકા રાહીને મહાદેવભાઈ તરફ ધક્કો મારતાં બોલી.
મહાદેવભાઈ બસ લેપટોપ ખોલીને ચાલું જ કરવાં જતાં હતાં. ત્યાં જ રાહી ચિલ્લાઈ ઉઠી, "પપ્પાઆઆ..." રાહીના એ રીતે ચિલ્લાઈને બોલવાથી મહાદેવભાઈએ રાહી સામે જોયું. રાધિકા પાસે આવીને ઉભેલા ગૌરીબેન પણ થોડીવાર માટે ડરી ગયાં. દાદીમા પણ માળા ફેરવતાં અટકી ગયાં.
"શું થયું?? સવાર સવારમાં આમ રાડો કેમ પાડે છે?? ક્યાંય આગ લાગી કે શું??" મહાદેવભાઈએ પૂછ્યું.
"દીદુ, ફટાફટ લેપટોપ લઈ લો. નહીંતર પાક્કું આ ઘરમાં જ આગ લાગશે." રાધિકા મનોમન જ બોલી.
રાહીની સમજમાં જ નાં આવ્યું. તે મહાદેવભાઈને શું જવાબ આપે. તે બસ પાગલની જેમ મહાદેવભાઈ સામે જોઈ રહી.
"હવે કંઈ બોલીશ?? શું થયું છે??" મહાદેવભાઈએ ફરી પૂછ્યું.
"પપ્પા, તમે મારાં લેપટોપ સાથે શું કરો છો?? હું ક્યારની તેને શોધતી હતી." રાહીએ આમતેમ નજર ફેરવતાં કહ્યું. તેની મહાદેવભાઈની આંખોમાં જોવાની હિંમત ન હતી.
"મારે એક ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. તું સૂતી હતી. લેપટોપ ટેબલ પર પડ્યું હતું. તો હું લેપટોપ લઈને અહીં આવી ગયો." મહાદેવભાઈએ કહ્યું.
"ટિકિટ?? કોનાં માટે?? તમે ક્યાંય જાવ છો??" રાહીએ પૂછ્યું.
"હું નહીં રાધિકા જાય છે." મહાદેવભાઈએ રાધિકા સામે જોઈને કહ્યું.
રાધિકા મહાદેવભાઈની વાત સાંભળીને હેરાન રહી ગઈ. પોતે જઈ રહી હતી. એ પોતાને જ ખબર ન હતી. તે સીધી મહાદેવભાઈ સામે જઈને ઉભી રહી ગઈ.
"ક્યાં જાવ છું હું?? તમે મને કહ્યું પણ નહીં." રાધિકાએ અચરજના ભાવ સાથે પૂછ્યું.
"તું તારી દીદુ સાથે બનારસ જાય છે. તું સાથે જઈશ. તો તેને ત્યાં થોડી સરળતા રહેશે. તું તેની મદદ કરી શકીશ." મહાદેવભાઈએ કહ્યું.

મહાદેવભાઈની વાત સાંભળ્યાં પછી કોઈ આગ નાં લાગી. ઉલટાનું ખુશીઓનું પૂર આવ્યું.‌ રાધિકાને તો ભાવતું હતું ને વૈદે કહ્યું. એવું જ થઈ ગયું. તેનાં ચહેરા પર એક મોટી સ્માઈલ આવી ગઈ.
"સાચે હું દીદુ સાથે બનારસ જાઉં છું." રાધિકાએ એ જ મોટી સ્માઈલ સાથે કહ્યું.
"હાં, પણ‌ હવે તમે બંને મને ટિકિટ તો બુક કરવા દો. મને હમણાં જ રમેશે બધું શીખવ્યું છે.‌ જો અત્યારે બુક નહીં કરું. તો બધું ભૂલાઈ જશે." મહાદેવભાઈ કહીને સોફા પર બેઠાં. તેમણે લેપટોપ ખોલવા હાથ આગળ વધાર્યા. ત્યાં જ રાધિકાએ લેપટોપ ટેબલ પરથી ઉઠાવી લીધું.
"પપ્પા, એ બધું દીદુ કરી લેશે. તમારે દુકાને જવાનો સમય થઈ રહ્યો છે. તમે નાસ્તો કરી લો." રાધિકાએ રાહીના હાથમાં લેપટોપ આપતાં કહ્યું. રાહી લેપટોપ લઈને પોતાનાં રૂમમાં જતી રહી.
"યાદ કરીને કરી લેજે. પછી ભૂલાઈ જશે." મહાદેવભાઈએ સીડીઓ‌ ચડી રહેલી રાહીને કહ્યું. રાહી તો કંઈ સાંભળ્યું નાં સાંભળ્યું ફટાફટ સીડીઓ ચડીને પોતાનાં રૂમમાં જતી રહી.
"આમના મગજમાં નક્કી કંઈક ચાલી રહ્યું છે." ગૌરીબેન મનોમન કહેતાં મહાદેવભાઈ માટે ચા નાસ્તો તૈયાર કરવાં લાગ્યાં.
કાલની રાત પછી આ બીજો કિસ્સો હતો. જેમાં મહાદેવભાઈનો‌ સ્વભાવ બદલતો નજર આવતો હતો. રાધિકા તરત જ રાહીના રૂમમાં ગઈ. રાહી બાથરૂમના શાવર નીચે આંખો બંધ કરીને ઉભી હતી.
"આજ પપ્પાએ મેઈલ જોઈ લીધાં હોત.‌ તો એક સાથે બે તોફાન ઘરમાં દસ્તક આપી દેત." રાહી મનોમન વિચારતી હતી. ત્યાં જ બહારથી રાધિકાએ કહ્યું, "દીદુ, જલ્દી બહાર આવો."

રાહી નાહીને બહાર આવી. રાધિકા એક મોટી સ્માઈલ સાથે રાહીના બેડ પર બેઠી હતી. રાહીના આવતાં જ રાધિકા તેને વળગી પડી. તેને કોઈ પ્લાન વગર બનારસ જવાનો મોકો મળી ગયો. એનાંથી મોટી વાત હોઈ પણ શું શકે.
"આજ તો માંડ બચ્યાં." રાહીએ રાધિકાને દૂર કરતાં કહ્યું.
"દીદુ, પપ્પા તમારાં માટે કંઈક વધારે પડતું વિચારી રહ્યાં હોય. એવું તમને નથી લાગતું." રાધિકાએ મોબાઈલ મચેડતા કહ્યું.
"હાલ મારી પાસે એ વિચારવાનો સમય નથી. એ બધું તું જ વિચાર્યા કર. હું તો જાવ છું." રાહીએ કહ્યું. "બીજી વાત બનારસ આવતાં પહેલાં કોલેજનું બધું કામ સારી રીતે ખતમ કરી લેજે." રાહીએ દરવાજે પહોંચીને ઉમેરતાં કહ્યું.
"મેં તો મારું કામ ચાલું જ કરી દીધું છે. બસ કાર્તિક બધું સંભાળી લે." રાહી મનોમન જ બોલીને સ્માઈલ કરતી પોતાનાં રૂમમાં જતી રહી.

રાહી નીચે પહોંચી. ત્યારે મહાદેવભાઈ જતાં રહ્યાં હતાં. રાહી દરવાજા તરફ આગળ વધી. ત્યાં જ ગૌરીબેને તેને રોકતાં પૂછ્યું, "હમણાં જે થયું એ બધું શું હતું?? રાધિકાએ તારાં પપ્પા પાસેથી એ રીતે લેપટોપ શાં માટે લઈ લીધું??"
"એ તો એમાં એક વાઈરસ ઘુસી ગયો હતો.‌ તો તેને રિપેર કરવા આપવાનું છે. પપ્પા એમાં કંઈ ખોલતાં. તો મારાં જરૂરી ડોક્યુમેન્ટ નીકળી જવાની સંભાવના હતી. એટલે રાધિકાએ લેપટોપ લઈ લીધું." રાહી હળાહળ ખોટું બોલી ગઈ. ગૌરીબેન વધું કાંઈ પૂછે. એ પહેલાં રાહી જતી રહી.
દાદીમા ક્યારનાં બેઠાં આ બધું જોતાં અને સાંભળતાં હતાં. તેમનો ચહેરો તંગ થઈ ગયો હતો. ગૌરીબેન ફરી તેનાં કામે વળગી ગયાં. દાદીમા ઉપર તેમની નજર પડી ન હતી. રાધિકા તૈયાર થઈને કોલેજે જવાં નીકળી ગઈ. દાદીમા તેમનાં રૂમમાં જતાં રહ્યાં.

ગૌરીબેન તેમનું કામ પતાવીને દાદીમા પાસે ગયાં. તો દાદીમા બેડ પર બેઠાં હતાં. ગૌરીબેન તેમની પાસે ગયાં. તેમણે દાદીમાનો હાથ પકડ્યો. તો તેમનો હાથ ધ્રુજી રહ્યો હતો. શ્વાસ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યાં હતાં. ગૌરીબેન ડઘાઈ ગયાં.
"શું થાય છે તમને?" ગૌરીબેને ગભરાયેલા અવાજે પૂછ્યું.
દાદીમા કંઈ બોલી નાં શક્યાં. ગૌરીબેને તરત જ મહાદેવભાઈને ફોન જોડ્યો. મહાદેવભાઈ તરત જ ઘરે આવ્યાં. તેમણે રસ્તામાં જ ડોક્ટરને ફોન કરી દીધો હતો. તો તેમનાં આવતાંની સાથે જ ડોક્ટર પણ આવી ગયાં. તેમણે દાદીમાનો ચેક અપ કર્યો.
"ગભરાવાની કોઈ‌ જરૂર નથી. બસ બીપી વધી ગયું હતું. દવા સમયસર લેતાં રહેજો. આજે કદાચ દવા ન હતી લીધી. એટલે ચિંતાના કારણે આવું થયું." ડોક્ટરે ચેક અપ કરીને કહ્યું.
ડોક્ટરના ગયાં પછી ગૌરીબેન તરત જ જમવાનું અને દવા લઈને આવ્યાં. તેમણે દાદીમાને જમાડીને દવા આપી. હવે તેમને થોડું સારું હતું. પણ ગૌરીબેન હજું પણ થોડાં ડરેલા હતાં.
"મને કંઈ નહીં થાય. હજું તો મારે રાહી અને રાધિકાના લગ્ન જોવાનાં છે." દાદીએ ગૌરીબેનની ચિંતા હળવી કરવાં કહ્યું.
દાદીમાની વાત સાંભળી ગૌરીબેનના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. મહાદેવભાઈ પણ થોડાં શાંત થયાં. તે બહાર જઈને બેસી ગયાં. દાદીમા દવા લઈને સૂઈ ગયાં. ગૌરીબેન ફરી પોતાનાં કામે વળગી ગયાં. દાદીમાની તબિયત ખરાબ થતાં વાતાવરણ થોડું ગંભીર બની ગયું હતું. જે હવે પહેલાં જેવું નોર્મલ બની રહ્યું હતું.

ગૌરીબેન કામ કરીને સોફા પર બેઠેલાં મહાદેવભાઈ પાસે ગયાં. તેમનાં ચહેરા પર હજું પણ ચિંતાની રેખાઓ હતી. બપોર થઈ ગઈ હતી. પણ મહાદેવભાઈ દુકાને ગયાં ન હતાં.
"શું વિચારો છો? બા હવે બિલકુલ ઠીક છે. એ તો મારી જ ભૂલનાં કારણે તેમનું બીપી વધી ગયું. હવે હું ધ્યાન રાખીશ. પહેલાં તેમને નાસ્તો અને દવા આપીને પછી જ બીજાં કામ કરીશ." ગૌરીબેને મહાદેવભાઈના ખંભે હાથ મૂકી તેમને સાંત્વના આપતા કહ્યું.
"વાત તમારી ભૂલની નથી. બાને રાહી અને રાધિકાના લગ્નની જે ઈચ્છા છે. મુદ્દાની વાત એ છે. રાહી તેનાં સપનાં પાછળ તો રાધિકા તેનાં શોખ પાછળ પાગલ છે. એવામાં તેમની સામે લગ્નની વાત કરી બાની ઈચ્છા કેવી રીતે પૂરી કરવી. એ જ સમજાતું નથી." મહાદેવભાઈએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"બધું સારું થઈ જાશે. એક દિવસ બંને દીકરીઓ સમજી જશે. બસ તેમને થોડો સમય આપો." ગૌરીબેને મહાદેવભાઈની પાસે બેસીને કહ્યું.‌ આજે પહેલીવાર તેમની મહાદેવભાઈ સાથે વાત કરવાની હિંમત થઈ હતી. આજે કદાચ તે એક પત્ની નહીં. પણ માઁ બનીને વાત કરવાં આવ્યાં હતાં.
"સમય જ તો નથી. કોઈ સંતાન એવું ક્યારેય નથી ઇચ્છતું કે તેનાં મા-બાપ તેને છોડીને જતાં રહે. પણ મૃત્યુને કોઈ રોકી નથી શકતું. બાપુજી તો અધૂરી ઇચ્છા મૂકીને જતાં રહ્યાં. તેમણે પણ રાધિકા અને રાહીના લગ્ન માટે ઘણાં સપનાં જોયાં હતાં. પણ ત્યારે એ બંને બહું નાની હતી. તો એમાં હું કંઈ કરી શકું એમ ન હતો. પણ હવે તો બંનેની ઉંમર થઈ ગઈ છે. રાધિકાનુ કોલેજનું છેલ્લું વર્ષ છે. એ પછી તે આગળ ભણવા માંગે છે. પણ આપણે તો એ સમય દરમિયાન તેનાં માટે કોઈ સારો છોકરો શોધવો જ રહ્યો. પણ જ્યાં સુધી મોટી બહેનનાં લગ્ન નાં થાય. ત્યાં સુધી નાની માટે છોકરો કેવી રીતે શોધવો. આ બધું રાહી સમજવાં તૈયાર જ નથી. ત્યાં જ હું લાચાર બની બેઠો છું." મહાદેવભાઈએ લાચારી બતાવતાં કહ્યું.

મહાદેવભાઈની એ વાત તો એક રીતે સાચી હતી. પણ લગ્ન એ કોઈ બે કલાકની રમત ન હતી. ગૌરીબેન એટલી મોટી બાબતે રાહી ઉપર કોઈ દબાણ કરવાં માંગતા ન હતાં. જે સંબંધ મજબૂરીમાં બંધાય. એ લાંબો સમય ટકી નાં શકે. એ વાત ગૌરીબેન સમજતાં હતાં. પણ દાધીની ઉંમર થઈ ગઈ હતી. એવામાં ગૌરીબેને તેમની ઈચ્છા પણ સમજવી જરૂરી હતી. તેમની રાધિકા અને રાહીના લગ્ન જોવાની તીવ્ર ઈચ્છા હતી. છતાંય તેઓ પણ રાહી કે રાધિકા પર કોઈ જાતનું દબાણ નહીં કરે. એ વાતે ગૌરીબેનને વિશ્વાસ હતો.
"હું જમવાનું તૈયાર કરું છું. તમે જમવા બેસો. પછી શોરૂમે જવાની તૈયારી કરો. રાધિકા આવતી જ હશે. તે અત્યારે તમને અહીં જોશે. તો હજારો સવાલ કરશે. તેનું કોલેજનું છેલ્લું વર્ષ ચાલે છે. તો હું તેને પરેશાન કરીને તેનું ધ્યાન ભટકાવવા નથી માંગતી." ગૌરીબેને કહ્યું.
રાહી અને રાધિકા સાથે વાત કર્યા વગર તે આ ટોપિક પર કોઈ લાંબી ચર્ચા કરવાં તૈયાર ન હતાં. એટલે તેઓ જમવાનું તૈયાર કરવાં લાગ્યાં. મહાદેવભાઈ હાથ મોં ધોઈને ડાઇનિંગ ટેબલ તરફ જઈને પોતાની ચેર પર બેઠાં. ગૌરીબેને તેમને જમવાનું પરોસી આપ્યું.
મહાદેવભાઈ જમીને ગયાં. ત્યાં જ રાધિકા કોલેજેથી આવી. રાધિકાને જોતાં જ ગૌરીબેનની અંદરની માતા જાગ્રત થઈ ગઈ. તેમની આંખો ભરાઈ આવી. દિકરીની ઉંમર થતાં દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે. તેઓ તેમનાં ધામધૂમથી લગ્ન કરે. પણ ગૌરીબેન માતા અને પત્નીનાં ફરજ વચ્ચે એવાં પીસાતા હતાં. કે નાં તો દીકરીઓની વિરૂદ્ધ જઈ શકતાં હતાં. નાં તો પતિની વિરુદ્ધ જઈ શકતાં હતાં.

રાધિકા ફ્રેશ થઈને આવી. તો ગૌરીબેને તેને પણ જમવાનું પરોસી આપ્યું. કાલે રવિવાર હતો. તો રાધિકા થોડી ખુશ નજર આવતી હતી. દાદીને નાં દેખતાં રાધિકાએ પૂછ્યું, "અરે મમ્મી, દાદી ક્યાં?? તેમને જમવું નથી??"
"તે જમીને આરામ કરે છે. તું જમી લે." ગૌરીબેને પોતાની નજર ચુરાવતા કહ્યું.
"તો તમે પણ જમી લો." રાધિકાએ કહીને ગૌરીબેનની પ્લેટ તૈયાર કરી.
ગૌરીબેન રાધિકાની જાણ બહાર આંખો લૂંછીને જમવા બેઠાં. રાધિકા ગમે એવી ચંચળ હોય. પણ ગૌરીબેન ક્યારે ખુશ હોય. ક્યારે દુઃખી હોય. એ રાધિકા તરત જ જાણી જતી.
ગૌરીબેન જમીને કામે વળગ્યાં. તો રાધિકા તેમની પાછળ પાછળ કિચનમાં ગઈ. તેણે ગૌરીબેનને પાછળથી હગ કરીને પૂછ્યું, "શું થયું મમ્મી?? આજે ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે??"
"કંઈ નહીં. બસ આજે કામ થોડું વધારે હતું." ગૌરીબેને રાધિકા સામે જોયાં વગર જ કહ્યું. તેમનામાં મહાદેવભાઈએ જે વાત કરી. એ વાત રાધિકા સમક્ષ કરવાની હિંમત ન હતી. રાધિકા થોડું ગરમ ખૂન હતી. વાતવાતમાં તેને જલ્દી ગુસ્સો આવી જતો. અમુક કારણો તેનાં પપ્પાની રોકટોક અને અમુક તેનાં અંગત કારણો આ ગુસ્સાને જવાબદાર હતાં.
ગૌરીબેન તેનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં. તો રાધિકાને થયું, "હવે કંઈ પુછવું બેકાર છે. મમ્મીએ એકવાર પૂછવાથી જવાબ નાં આપ્યો. મતલબ પપ્પાને રિલેટેડ જ કોઈ વાત હશે." એમ વિચારતી રાધિકા પોતાનાં રૂમમાં જતી રહી.
કાલે રવિવાર અને વેલેન્ટાઈન ડે બંને એક સાથે હતું. રાધિકાએ કાલનો દિવસ યાદગાર બનાવવાનું નક્કી કરી લીધું. રાધિકા તેની જ તૈયારીમાં લાગી ગઈ.
સાંજના સાત વાગ્યા સુધી રાધિકા પોતાનાં રૂમમાં જ રહી. આખરે બધી તૈયારી કરીને તે નીચે હોલમાં આવી. ગૌરીબેન રાતનાં ડિનરની તૈયારી કરી રહ્યાં હતાં. રાધિકા તેમની પાસે ગઈ.
"મમ્મી, હું કંઈ મદદ કરું??" રાધિકાએ સલાડના બાઉલમાંથી એક કાકડીનો ટુકડો ઉઠાવીને તેને મોંમાં મૂકતાં પૂછ્યું.
"મદદ...એ પણ તું કરીશ. તું કિચનના કામમાં મદદથી કરીશ. તો તારે ખુદને જ મદદની જરૂર આવી પડશે. કેમ કે મદદ કરતાં તું ખુદને જ નુકશાન પહોંચાડી બેસીસ." ગૌરીબેન હસીને કહ્યું. હવે તેમનો મૂડ કંઈક સારો હતો. તેમની વાત સાંભળી રાધિકાને પણ હસવું આવી ગયું. તેણે આજ સુધી જાતે પાણી પણ ગરમ કર્યું ન હતું. એમાં રસોઈ બનાવવામાં મદદની વાત તો ક્યાંય દૂર હતી.
ગૌરીબેન રસોઈ બનાવી રહ્યાં હતાં. રાધિકા તેને જોઈ રહી હતી. ગૌરીબેન જ્યારે બધું બનાવતાં. ત્યારે જોતી વખતે રાધિકાને બધું સહેલું લાગતું. પણ બનાવવાની વાત આવતાં જ તેનો મગજ ઘુમરી ખાઈ જતો. કેમકે રસોઈ બનાવવી કાંઈ સહેલી વાત થોડી છે. એ તો જેમ કોઈ લોઢાના ચણા ચાવી નાં શકે. એમ કોઈને રસોઈ બનાવતાં જોવાં માત્રથી કોઈ રસોઈ નાં બનાવી શકે. એમાં તો ખાસ્સી એવી મહેનતની જરૂર પડે.
રાધિકા એ મહેનત કરવા માંગતી હતી. પણ તેનું દિમાગ બધાં મસાલા જોતાં જ ચકરી ખાઈ જતું. આખરે તેણે બીજું કાંઈ નાં કરતાં જે વસ્તુઓ બની ગઈ હતી. તેને બહાર ટેબલ પર લગાવવાનું સૌથી સરળ કામ પસંદ કર્યું. તે બધાં બાઉલને બહાર ટેબલ પર સજાવવા લાગી. ત્યાં જ રાહી આવી ગઈ. આજે શનિવાર હોવાથી તે વહેલી જ આવી ગઈ હતી.
"વાઉ દીદુ, હાઉ સો લક્કી. મમ્મી ગરમાગરમ રોટલી બનાવે છે. જલ્દીથી ફ્રેશ થઈને આવો. આપણે સાથે ડિનર કરીશું." રાધિકાએ કહ્યું. રાહી સ્માઈલ કરતી પોતાનાં રૂમમાં જવાં સીડીઓ ચડવા લાગી. ફ્રેશ થઈને તે નીચે આવી. ત્યાં સુધીમાં રાધિકાએ બધી વસ્તુઓ ટેબલ પર મૂકી દીધી હતી. રાહી એક ચેર ખેંચીને જમવા બેઠી. ત્યાં જ દાદીને નાં દેખતાં તેણે પૂછ્યું, "દાદી ક્યાં છે?? હું આવી ત્યારથી દેખાતાં નથી."
રાહીનો સવાલ સાંભળી કિચનમાં રોટલી વણી રહેલાં ગૌરીબેનના હાથ રોકાઈ ગયાં. એ શું જવાબ આપવો. એ અંગે વિચારી રહ્યાં હતાં. ત્યાં જ તેમનાં કાને દાદીનો અવાજ પડ્યો, "હું અહીં જ છું. તમને બધાંને મૂકીને હું ક્યાં જવાની."
દાદીને જોઈને રાહી અને રાધિકા તેમને વળગી પડી. તેમનો પ્રેમ અને દાદીને સ્વસ્થ જોઈને ગૌરીબેનના દિલને શાંતિ થઈ. રોટલી વણતાં અટકી ગયેલાં હાથ ફરી તેનાં કામે લાગી ગયાં. ત્યાં જ મહાદેવભાઈ આવ્યાં. ટેબલ પર દાદી, રાધિકા અને રાહીને એક‌ સાથે ખુશ જોઈને તેમનાં ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.
મહાદેવભાઈ આમ થોડાં ગરમ અને સખ્ત મિજાજના હતાં. પણ એ તેમનો કાયમી સ્વભાવ ન હતો. એ બધું તેમની ચિંતાના કારણે હતું. દિકરીઓ ઉંમરલાયક થાય. એટલે દરેક માઁ બાપને તેમનાં હાથ પીળા થતાં જોવાની ઈચ્છા હોય છે. સાથે જ યોગ્ય વર ગોતવાની ચિંતા પણ હોય છે. બસ એ જ ચિંતાના કારણે મહાદેવભાઈ રાહી અને રાધિકા પ્રત્યે થોડી સખ્તાઈ બતાવતાં. દિકરીઓ ઉપર કોઈ મુસીબત આવે. તો પહેલાં એક બાપને જ ચિંતા થતી હોય છે. તે રડી નથી શકતાં. કોઈને પોતાનું દુઃખ કહી નથી શકતાં. એટલે જ કદાચ કોઈ તેમનું દુઃખ અને તેમની ચિંતા સમજી નથી શકતું.

"અરે, તમે ક્યારે આવ્યાં. આવો તમે પણ બધાંની સાથે જમવા બેસો." અચાનક જ ગૌરીબેનના અવાજે મહાદેવભાઈના વિચારો પર બ્રેક લગાવી. તે હાથ મોં ધોઈને જમવા આવ્યાં. ગૌરીબેને તેમની પ્લેટ તૈયાર કરી આપી. પછી ફરી તે રોટલી બનાવવાનાં કામે લાગી ગયાં.
ગૌરીબેન બધાંને ગરમાગરમ ફૂલકા રોટલી આપતાં ગયાં. બધાં તેમનાં હાથની સ્વાદિષ્ટ રસોઈની મજા માણતાં રહ્યાં. ગૌરીબેનના હાથમાં સાક્ષાત અન્નપૂર્ણા માઁનો વાસ હતો. તેમનાં હાથની રસોઈ એટલી સ્વાદિષ્ટ બનતી કે લોકો આંગળા ચાટી જતાં. એમ જ તેમનું નામ ગૌઈબેન ન હતું પડ્યું. ગૌરી એટલે અન્નપુર્ણા દેવી પાર્વતીનું જ એક નામ.

अन्नपूर्णे सदापूर्णे शंकर प्राण वल्लभे।
ज्ञान वैराग्य सिध्यर्थं भिक्षां देहि पार्वति।।

જ્યારે પૃથ્વી પર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું. ત્યારે શિવજી દ્વારા પાર્વતીજી પાસે અન્નની ભિક્ષા માંગવા પર પાર્વતીજીએ ચોખા પૂરણ કર્યા. જેને શિવજીએ પૃથ્વી પર પીડિત મનુષ્યોમાં વહેંચી દીધાં. ત્યારથી દેવી પાર્વતી અન્નપૂર્ણા તરીકે ઓળખાયા.

"મમ્મી, મારે તમારું એક કામ છે." રાધિકાએ કિચનમાં જઈને કહ્યું.
"હાં, બોલને." ગૌરીબેન રાધિકા તરફ ફર્યા.
"કાલે એક સરસ કેક બનાવી રાખજો. પણ હાં પપ્પાને કંઈ નાં કહેતાં." રાધિકાએ કહ્યું. પહેલાં ગૌરીબેન કેક પાછળનું કારણ સમજી નાં શક્યાં. પછી તરત જ તેમનાં મનમાં એક વિચાર આવ્યો. એ સાથે જ તેમનાં ચહેરા પર સ્મિત આવી ગયું.
રાધિકા એ સ્મિત જોઈને પોતાનાં રૂમમાં જતી રહી. રાધિકા આજે બહું ખુશ હતી. કાનમાં હેડફોન લગાવીને તે પોતાનાં રૂમની બારી પાસે જઈને બેસી ગઈ. ગીતોનાં શબ્દો સાથે રાધિકાના ચહેરાનાં હાવભાવ પણ બદલી રહ્યાં હતાં.
રાહી તેનાં રૂમનાં બેડ પર ખોળામાં ઓશિકું અને તેની ઉપર ડાયરી રાખીને ગાલ પાસે હાથમાં પેન રાખીને તેને હલાવતી બેઠી હતી. અચાનક જ તેનાં મગજમાં કંઈક આવ્યું. એ સાથે જ તેનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. તેણે પેનને ડાયરીના કોરાં કાગળ પર ચલાવવાનું શરૂ કર્યું.

बनारस की तंग गलियों से गुजरकर
ढूंढना है हमें तुमको
वहां कि हवाओं में बहते इश्क में
वहां के पवित्र घाट के पानी में
देखना है तेरा चेहरा हमको
देखकर तुम्हें नहीं संभलेगा हमारा दिल
तब तुम्हारी बांहों में खोकर
महसूस करना है हमें तुमको
बहुत वक्त बाद
मन में तुमसे मिलने की आश लिए
रहें है हम बनारस में
मिल जाओगे तुम हमको तो
फिर कुछ पाने की ख्वाहिश ना रहेगी
देखकर ही तुमको
तुम्हें समाना है अपनी आंखों में हमको
बरसों का ये इंतज़ार अब खत्म होने को है
ऐसा लगता है अब तो
महादेव मिला ही देंगे तुमसे हमको
बस बहुत हुआ ये आंख मिचौली का खेल
अब महादेव के साथ मिलकर
उन्हीं की नगरी में ढूंढना है हमें तुमको

દિલનાં જજબાત કોરાં પર કંડારીને રાહીએ ડાયરી બંધ કરી. બરાબર બારના ટકોરે એ ડાયરીમાં એક વર્ષો જૂનો ઈંતજાર મિલનની એક આશ સાથે કેદ કરવામાં આવ્યો હતો. રાહીએ ડાયરી તેનાં બેડ પાસેનાં ડ્રોવરના ખાનામાં મૂકી.
એ ડાયરીમાં એવું કેટલુંય લખેલું પડ્યું હતું. શાયરીઓ, કવિતાઓ દ્વારા કયારેક ઈંતજારને તો ક્યારેક પ્રેમને વર્ણવાયો હતો. તેમાં રાહીના દિલની લાગણી અને શિવ પ્રત્યેનો પ્રેમ અને ઈંતેજારી વર્ણવાય હતી. રાહીએ ડાયરી મૂકીને બેડ પર લંબાવ્યું. એ સાથે જ તેની આંખો મીંચાઈ ગઈ. તેણી ગાઢ નિદ્રામાં સરી પડી.

"હેપ્પી વેલેન્ટાઇન ડે" સવારે આવાં જ એક મોટાં અવાજ સાથે રાહીની આંખ ખુલી. રાધિકા તેની સામે લાલ કલરનું પેટ દેખાય એવું શોર્ટ ટી-શર્ટ અને ડેનીમ લાઈટ બ્લૂ જીન્સ શોર્ટ્સમા ઉભી હતી. તેનાં એક હાથમાં લાલ કલરનાં હાર્ટ શેઈપના ગુબ્બારા હતાં. બીજાં હાથમાં ગુલાબ હતાં. એ જોતાં જ રાહીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
"આવી જા." રાહીએ પોતાની બાહો ફેલાવીને કહ્યું. રાધિકા ગુબ્બારા અને ગુલાબ સાથે જ રાહીને ભેટી પડી. રાહીને ગળે વળગેલાં જ રાધિકાની નજર રાહીના બેડ પાસે રહેલાં ડ્રોવરના ખાના પર પડી. તો તેણે રાહીને દૂર કરતાં પૂછ્યું, "કાલે શું લખ્યું ડાયરીમાં??"
"તને આખી ડાયરી વાંચવા મળશે. પહેલાં શિવ મળી જાય. એ ડાયરી વાંચી લે. પછી એ ડાયરી તને સોંપી દઈશ. તું નિરાંતે વાંચ્યા કરજે." રાહીએ બેડ પરથી ઉભાં થઈને વોર્ડરોબમાથી ટુવાલ અને કપડાં લઈને બાથરૂમ તરફ આગળ વધતાં કહ્યું.
રાહીના ગયાં પછી રાધિકાની નજર ડ્રોવરના એ ખાના પર ગઈ. જેમાં ડાયરી પડી હતી. રાધિકાના ચહેરા પર શરારતી સ્મિત આવી ગયું. તે ડ્રોવર તરફ આગળ વધી. તેણે ખાનું ખોલ્યું જ હતું.‌ ત્યાં જ તેને કંઈક યાદ આવ્યું. "આમાં મારાં જઝબાત મારી લાગણીઓ લખાયેલી છે. મારી એવી ઈચ્છા છે. પહેલાં શિવ જઝબાત વાંચે, મારી લાગણીઓને સમજે. પછી બીજું કોઈ તેને વાંચે." રાહીએ કહેલાં એ શબ્દો યાદ આવતાં જ રાધિકાએ ફરી ડ્રોવરનુ ખાનું બંધ કરી દીધું. આખરે આમાં પણ રાહીના જઝબાત અને લાગણીઓ જીતી ગઈ.
રાહી નાહીને બહાર આવી. રાધિકા પહેલેથી જ તૈયાર હતી. રાહીએ વાળ બાંધ્યાં. રાધિકાએ તેને ગુબ્બારા અને એક ગુલાબ આપ્યું. પછી રાહી કંઈ કહે એ પહેલાં જ રાધિકા તેણીનો હાથ પકડીને ઝુલા પર પડેલાં બીજાં ગુલાબ લઈને મહાદેવભાઈના રૂમ તરફ આગળ વધી ગઈ.
આજે રવિવાર હતો. તો મહાદેવભાઈ રૂમમાં બેસીને જ ચાનો કપ હાથમાં લઈને ન્યૂઝ પેપર વાંચી રહ્યાં હતાં. ગૌરીબેન બેડ પરની ચાદર સરખી કરી રહ્યાં હતાં. રાધિકા જઈને તેમને પાછળથી ભેટી ગઈ. ગૌરીબેન રાધિકા તરફ ફર્યા. ત્યારે રાધિકાએ તેનાં હાથમાં રહેલું ગુલાબ ગૌરીબેનને આપ્યું. રાહી બંનેને જોઈ રહી હતી. ગૌરીબેને રાધિકાને છાતી સરસી ચાંપીને તેનાં કપાળે ચુંબન કર્યું.
રાધિકા ગુલાબ હાથમાં રાખીને મહાદેવભાઈ સામે જોઈ રહી હતી. રાહીએ ઈશારો કરીને મહાદેવભાઈને પણ ગુલાબ આપવા કહ્યું. પણ રાધિકાએ ડોકું હલાવીને નાં પાડી દીધી. રાહી તેણીને સમજાવવા આગળ વધી. તો રાધિકા એક ગુલાબ રાહીના હાથમાં આપીને રૂમની બહાર નીકળી ગઈ.
રાધિકા મહાદેવભાઈ સાથે બને તેટલી ઓછી વાત જ કરતી. બંને ગરમ મિજાજના હતાં. મહાદેવભાઈ એક શબ્દ બોલે. તો રાધિકા એક આખું વાક્ય કહી દેતી. આજનો દિવસ રાધિકા માટે ખુશીનો હતો. તો રાધિકાએ આજે મહાદેવભાઈથી દૂરી બનાવી રાખવાનું નક્કી કર્યું. જેનાંથી એ બંને ખુશ રહે અને બીજાં બધાં પણ ખુશ રહે.

"પપ્પા.." રાહી ગુલાબ હાથમાં રાખીને મહાદેવભાઈ પાસે જઈને બોલી.
"હં, બોલ." મહાદેવભાઈએ ન્યૂઝ પેપરમાંથી નજર હટાવીને રાહી સામે જોયું.
"આજે વેલેન્ટાઇન ડે છે. તો આ..." રાહી કહેતાં કહેતાં અટકી ગઈ. મહાદેવભાઈએ રાહીના હાથમાં ગુલાબ જોયું. તો તેમનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
"આ થોડાં મહિનાઓ પહેલાં તે ઘરનાં ગાર્ડનમાં જે ફુલ છોડ લગાવ્યાં હતાં. એનું જ ગુલાબ છે ને!?" મહાદેવભાઈએ રાહીના હાથમાંથી ગુલાબ લઈ લીધું. રાહીએ ડોકું હલાવીને સ્મિત વેર્યું. પછી તે રૂમમાંથી બહાર જતી રહી.
મહાદેવભાઈ ગુલાબ લઈને ગૌરીબેન તરફ આગળ વધ્યાં. તેઓ તેમનાં કામમાં વ્યસ્ત હતાં. મહાદેવભાઈએ ગૌરીબેનના બંને હાથ પકડી તેમનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. ગૌરીબેને નેણ ઉંચા કરી શું છે એમ પૂછ્યું. મહાદેવભાઈએ પોતાનાં હાથમાં રહેલ ગુલાબ ગૌરીબેન સામે ધરી દીધું.
"હેપ્પી વેલેન્ટાઇન ડે." મહાદેવભાઈના એ શબ્દો સાંભળી શરમથી ગૌરીબેનની નજર નીચી થઈ ગઈ. એમ જ નજર નીચી રાખીને તેમણે મહાદેવભાઈના હાથમાંથી ગુલાબ લઈ લીધું. પછી પોતાનાં હાથમાં રહેલ ગુલાબ તેમણે મહાદેવભાઈને આપ્યું. બંને ગુલાબ અદલાબદલી કરીને એકબીજાને ભેટી ગયાં.
આ ઉંમરે પણ બંને વચ્ચે પ્રેમ અકબંધ હતો. અરેન્જડ મેરેજ હોવાં છતાં બંને એકબીજાને સમજતાં હતાં. આટલાં વર્ષો એક સાથે પસાર કર્યા પછી બંને વચ્ચેનો સંબંધ પરિપક્વ થઈ ગયો હતો. આટલી ઉંમરે પહોંચ્યા સુધીમાં બંનેએ જીવનનાં ઘણાં ઉતારચઢાવ જોયાં હતાં. જેમાં બંનેએ નિઃસ્વાર્થ ભાવથી એકબીજાનો સાથ આપ્યો હતો. બસ આ કારણે જ બંને આજે ખુશ હતાં. પરિવાર અને સંતાનોની બાબતે થોડી પરેશાની રહેતી. એ પણ એક દિવસ તો દૂર થઈ જ જશે. એવી આશાએ જ બંને એકબીજાનો સાથ નિભાવતાં હતાં.







(ક્રમશઃ)




લેખક_સુજલ બી.પેટલ