Anant Safarna Sathi - 3 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 3

૩.નવી લડાઈ

"પપ્પા પ્લીઝ આવું નાં કરો. મારું બનારસ જવું જરૂરી છે." રાહી મહાદેવભાઈ આગળ વિનંતી કરી રહી હતી.
"કહ્યું ને તું ક્યાંય નહીં જાય. આ વખતે તારી એક પણ જીદ્દ નહીં ચાલે." મહાદેવભાઈ તેમનાં નિર્ણય પર મક્કમ હતાં.
"પણ પપ્પા.." રાહી આગળ કંઈ બોલે. એ પહેલાં જ તેનાં ગાલ પર એક થપ્પડ પડી. એ સાથે જ રાહીની આંખ પણ ખુલી ગઈ. તેણે ઉભાં થઈને રૂમમાં ચારેતરફ નજર કરી. રૂમ આખો ખાલી હતો. દિવાલ પર લટકતી ઘડિયાળ સવારનાં સાતનો સમય બતાવી રહી હતી. રાહીના કપાળે ઠંડીમાં પણ પરસેવાની બુંદો બાઝી ગઈ હતી. તેણે થોડીવાર પહેલાં જ એક ભયંકર સપનું જોયું હતું. જેમાં મહાદેવભાઈએ રાહીની બનારસ જવાની જીદ્દના લીધે તેનાં ગાલ પર એક થપ્પડ લગાવી હતી.
રાહીએ જે જોયું. એ એક સપનું હતું. એ યાદ આવતાં જ રાહીએ એક ઉંડો શ્વાસ લીધો. તેણે ટી-શર્ટની બાંય વડે જ કપાળ પર વળેલો પરસેવો સાફ કર્યો. રાતે સૂતી વખતે ખુલ્લાં કરેલાં વાળને ફરી એકઠાં કરીને તેને સ્ટિક વડે બાંધી લીધાં. પછી બાથરૂમમાં જઈને બ્રશ કરવા લાગી.
રાહીના કાનમાં હજું પણ મહાદેવભાઈએ સપનામાં કહેલા શબ્દો અને થપ્પડની ગુંજ જ ગુંજી રહી હતી. બ્રશ ખતમ કરીને રાહીએ વોર્ડરોબમાથી કપડાં અને ટુવાલ કાઢ્યો. અને નહાવા જતી રહી. અંદર જઈને રાહી શાવર નીચે ઉભી રહી ગઈ. જાણે એ પોતાનાં નેગેટિવ વિચારો એ પાણી સાથે વહાવી દેવા માંગતી હતી.
રાહી નાહીને બહાર નીકળી ત્યારે તે ગજબ લાગી રહી હતી. તેણે સોલિડ ડાર્ક બ્લૂ ડેનીમ જીન્સ પર ગોલ્ડન પ્રિન્ટેડ વ્હાઈટ કલરની શોર્ટ કુર્તી પહેરી હતી. તેનાં કમરથી નીચે સુધીનાં લાંબા વાળમાંથી પાણી નીતરી રહ્યું હતું. જેને રાહી બારી પાસે ઉભી રહીને ટુવાલ વડે સુકવવા લાગી. વાળમાંથી પાણી નીતરવાનુ બંધ થયું. એટલે રાહી મોટાં ડ્રેસિંગ અરિસા સામે પડેલાં મિની સ્ટૂલ પર બેસીને, હેયર ડ્રાયરથી વાળ સૂકવવા લાગી. વાળને સૂકવી લીધાં પછી તેને ફરી ભેગાં કરીને તેમાં લાકડાંની સ્ટીક ખોંસી દીધી. આગળથી એક પાતળી લટ કાઢીને, આંખોમાં કાજલ લગાવી, કાનમાં નાનાં નાનાં ડાયમંડવાળી બુટી પહેરીને રાહી ખુદનું જ પ્રતિબિંબ નિહાળતી અરિસા સામેથી ઉભી થઈ ગઈ.
રાહી બિલકુલ સાદી તૈયાર થઈ હોવાં છતાંય ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાનું પર્સ અને મોબાઈલ લીધો. ત્યાં જ ગૌરીબેન રાહીની ગ્રીન ટી સાથે તેનાં રૂમમાં હાજર થઈ ગયાં. રાહી ગ્રીન ટી લઈને બેડ પર બેસી ગઈ. ત્યાં જ રાધિકા તેનાં રૂમમાં આવી.
"દીદુ, એક સોલિડ વિચાર આવ્યો છે. એ કરવાથી પપ્પા જરૂર તમને બનારસ જવાની પરમિશન આપી દેશે." રાધિકાએ રાહીની બાજુમાં બેસીને કહ્યું. તેનાં ચહેરા પર તેણે વિચારેલ તરીકો જરૂર સફળ થશે. એનું કોન્ફિડન્સ સાફ નજર આવતું હતું.
"રાધુ, આજે સવારે જ ભયંકર સપનું આવ્યું હતું. પપ્પાએ બનારસ જવાની વાત પર ચોખ્ખી નાં પાડી દીધી. અને મારાં જીદ્દ કરવાં પર મને એક થપ્પડ પણ લગાવી દીધી." રાહીનો હાથ થપ્પડની વાત કરતાં અનાયાસે જ તેનાં ગાલ પર જતો રહ્યો.
"એવું કંઈ નહીં થાય. તમે બહું સપનાં જોયાં. હવે હકીકતમાં કંઈક ફીલ કરવાનો સમય છે. જુઓ આ ન્યૂઝમા બતાવે છે કે બનારસમાં એક ફેશન ડિઝાઈનિંગનુ કોમ્પિટિશન છે. જેમાં અલગ-અલગ દેશમાંથી ઘણાં મોટાં મોટાં ફેશન ડિઝાઈનર પાર્ટિસિપેટ કરી રહ્યાં છે. તો તમે પણ આ જ બહાનું કરીને ત્યાં જતાં રહો. આમ પણ કામની વાત આવશે તો પપ્પા ડેફિનેટલી કોઈ સવાલ નહીં કરે. આમ તમારો રસ્તો સાફ થઈ જશે. આમાં એક મોટો ફાયદો એ પણ છે. કે જો તમે કોમ્પિટિશન જીતી ગયાં. તો તમારાં નામનો ઝંડો બનારસ શહેરની સાથે બીજાં અન્ય શહેરોમાં પણ ફરકી જાશે."
રાધિકાનો વિચાર રાહીને પણ પસંદ આવ્યો. પણ તેનાં માટે અલગથી મહેનત લાગે એમ હતી. જેની કોઈ જાતની તૈયારી રાહી આગળ ન હતી. છતાંય થોડાં દિવસોમાં બીજો રસ્તો શોધવા બેસવું. રસ્તો મળ્યાં પછી પણ એ મંઝિલ સુધી પહોંચાડશે કે નહીં. એ નક્કી કરી શકાય એમ ન હતું. એટલે રાહીએ રાધિકાએ આપેલ સુઝાવ ઉપર જ કામ આગળ વધારવાનું નક્કી કર્યું.
રાહી ઉભી થઈ. તેણે ઘડિયાળ તરફ નજર કરી. જે સવારનાં આઠનો સમય બતાવી રહી હતી. મહાદેવભાઈને દુકાને જવામાં અડધી કલાકની વાર હતી. રાહી રાધિકાનો મોબાઈલ લઈને દોડતી નીચે પહોંચી ગઈ. જ્યાં ગૌરીબેન મહાદેવભાઈ માટે ચા બનાવી રહ્યાં હતાં.
"મમ્મી, ચા કડક અને મીઠી બનાવજે." રાહીએ કહ્યું.
રાહી આવી ચા બનાવવાનું ત્યારે જ કહેતી. જ્યારે તેને મહાદેવભાઈ સાથે કોઈ બાબતે ચર્ચા કરવાની હોય. એ જાણતાં ગૌરીબેને રાહીની નજીક જઈને પૂછ્યું, "આજે તારે તારાં પપ્પા સાથે શું ચર્ચા કરવી છે?"
"એ થોડીવારમાં બધાંને ખબર પડી જશે." રાહીએ કહ્યું. અને તે કિચનમાંથી‌ બહાર નીકળી ગઈ.
"હે પ્રભુ, આજ કોઈ લડાઈ ન થવા દેતાં." ગૌરીબેન મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં ચા બનાવવા લાગ્યાં.

રાહી ચેર પર બેઠી. ત્યાં જ મહાદેવભાઈ સીડીઓ ઉતરીને નીચે આવ્યાં. સવાર સવારમાં રાહીને ડાઇનિંગ ટેબલની ચેર પર બેસેલી જોઈને મહાદેવભાઈને પણ કંઈક નવીન થવાની આશંકા થઈ ગઈ.
મહાદેવભાઈ ઘરનાં વડા જે ચેર પર બેસે એ ચેર પર જઈને બેઠાં. એ સમયે જ ગૌરીબેન ચાનો કપ લઈને આવ્યાં. મહાદેવભાઈએ ચાનો એક ઘૂંટ ભર્યો. ત્યાં જ રાહીએ આંખો બંધ કરીને કહ્યું, "બનારસમાં માર્ચ મહિનાની પંદર તારીખે એક ફેશન ડિઝાઈનિંગનુ કોમ્પિટિશન છે. હું તેમાં પાર્ટિસિપેટ કરવાં માગું છું. તો મારે બનારસ જવું છે." રાહી આંખો બંધ કરીને એકીશ્વાસે બધું બોલી ગઈ. પછી તરત જ તેણે આંખો ખોલી. મહાદેવભાઈ ચાનો કપ હાથમાં લઈને રાહી સામે જ જોઈ રહ્યાં હતાં. રાહીએ એક મોટી ભૂલ કરી હતી. પોતે બનારસ જાય કે નહીં. એ પૂછવાના બદલે તેને બનારસ જવું છે. એવું તેણે મહાદેવભાઈ સામે ચોખ્ખું એલાન જાહેર કરી દીધું હતું.
"જ્યારે જવાનું મન બનાવી જ લીધું છે. તો મને જાણ કરવા માટે આટલી બધી તસ્દી લેવાની શું જરૂર હતી." મહાદેવભાઈએ એક અણગમા સાથે કહ્યું.
મહાદેવભાઈના શબ્દો સાંભળી રાહીને પોતાની ભૂલ સમજાઈ. તેણે નજર નીચી કરી લીધી. મહાદેવભાઈ ફરી ચા પીવા લાગ્યાં. ઘરમાં થોડીવાર પૂરતું મૌન છવાઈ ગયું. ગૌરીબેન કિચનમાંથી બહાર ડોકિયાં કરી રહ્યાં હતાં. રાધિકા ઉપર રેલિંગ પર પોતાનાં બંને હાથની કોણીઓ ટેકવીને મહાદેવભાઈના રિએક્શની રાહ જોઈ રહી હતી. દાદીમાની માળા પૂરી થઈ ગઈ હોવાં છતાં તેઓ માળા હજું પણ‌ હાથમાં જ રાખીને એક આંખે મહાદેવભાઈ તરફ જોઈ રહ્યાં હતાં.
"ક્યારે નીકળવાનું છે? કોઈ તૈયારી કરી છે?" મહાદેવભાઈએ અચાનક જ ચુપ્પી તોડતાં પૂછ્યું.
"પહેલી તારીખે નીકળવાનું છે. તૈયારી હજું બાકી છે. પહેલાં..." રાહી પોતાની વાત પૂરી કરે. એ પહેલાં જ મહાદેવભાઈએ વચ્ચે જ કહ્યું, "કોમ્પિટિશન ૧૫ માર્ચે છે. તો પંદર દિવસ અગાઉ જવાની શું જરૂર છે. પછી તારી મરજી કામ તારું છે. તો તને બધી ખબર હશે જ એટલું તો હું પણ જાણું છું."
"અજનબી શહેર છે. ત્યાં જઈને બધી તૈયારી પણ જોવી પડે. કોમ્પિટિશનનુ વેન્યૂ, તેનાં નિયમો બધું જાણવાં માટે થોડાં દિવસ વહેલા જવું જ પડે." રાહીએ કહ્યું.
"ઠીક છે. તો તૈયારી શરૂ કરી દો. પહેલાં ટિકિટ બુક કરજે. અચાનક મળવી મુશ્કેલ છે. એનાં વગર નહીં જઈ શકાય. હવે જવાનું નક્કી જ છે. તો માત્ર પાર્ટિસિપેટ કરવાની જ નહીં. જીતવાની પણ તૈયારી રાખજે." મહાદેવભાઈએ કહ્યું. "અને હાં ત્યાં કોઈ ગરબડ નાં થવી જોઈએ. જે કામ છે એ કરીને પરત અમદાવાદ ફરજે. ત્યાં પણ તારાં ફાલતું સપનાં લઈને નાં બેસી જતી." મહાદેવભાઈએ પાછળથી પોતાનાં મનની વાત ઉમેરી.
મહાદેવભાઈની છેલ્લી વાત રાહીના મનમાં થોડી ખૂંચી. રાહીએ મહાદેવભાઈને જે કારણ‌ કહ્યું. એ કારણ‌ સાચું હતું જ નહીં. રાહીને જે કારણથી બનારસ જવું હતું. એ કારણ કોઈ જાણી નાં શકે. એટલે તેણે કોમ્પિટિશનનુ કારણ બધાં સમક્ષ રજૂ કર્યું. પણ હવે અંકિતાના લગ્ન અને શિવની શોધમાં રાહીનુ કોમ્પિટિશન પણ શામેલ થઈ ગયું હતું. એની તૈયારી માટે રાહી બુટિક પર જવાં માટે પોતાનું પર્સ અને‌ મોબાઈલ લેવાં પોતાનાં રૂમમાં ગઈ. જ્યાં રાધિકા તેની જ રાહ‌ જોઈને બેઠી હતી.
રાહી જેવી રૂમમાં આવી. રાધિકા તેનાં ગળે વળગી ગઈ. પછી તેનાં હાથ પકડી ડાન્સ કરવા લાગી. રાધિકાનો પ્લાન આખરે સફળ રહ્યો હતો. કોઈ લડાઈ વગર મહાદેવભાઈએ રાહીને બનારસ જવાની પરમિશન આપી દીધી.
"થેંક્યું સો મચ રાધુ, તારાં કારણે જ પપ્પા આટલી આસાનીથી માની ગયાં." રાહીએ કહ્યું.
"થેંક્યુંથી કામ નહીં ચાલે. મારે તમારું કોમ્પિટિશન અટેન્ડ કરવાં બનારસ આવવું છે." રાધિકાએ રાહીના બંને હાથ પકડીને કહ્યું.
"વ્હોટ?? પણ પપ્પા?? એ માનશે??" રાહીએ આંખો પહોળી કરીને પૂછ્યું.
"હવે એ તમારે જોવાનું છે.‌ તમારું સેટિંગ મેં કરી આપ્યું. મારું સેટિંગ તમારે કરી આપવાનું છે." રાધિકા કહીને જતી રહી.
હવેથી રાહીની સાચી લડાઈ શરૂ થવાની હતી. કોમ્પિટિશનની તૈયારી, શિવની શોધ અને રાધિકાને બનારસ કેવી રીતે બોલાવવી. આ બધી બાબતો રાહીએ એકલાં મેનેજ કરવાની હતી. ત્યાં તેનો સાથ આપવા રચના કે ગૌરીબેન કોઈ આવવાનું ન હતું.

રાહી પર્સ અને મોબાઈલ લઈને બૂટિક પર જવાં નીકળી ગઈ. તેણે મંઝિલ સુધી પહોંચવા પહેલું કદમ આગળ વધારી દીધું હતું. જેની ખુશી તેનાં ચહેરા પર નજર આવતી હતી. રાહીએ બૂટિકની અંદર એક પગ મૂક્યો. ત્યાં જ રચનાએ આવીને કહ્યું, "કોન્ગ્રેચ્યુલેશન યાર, આખરે અંકલે‌ બનારસ‌ જવાની પરમિશન આપી જ દીધી. મેં તારી પ્લેનની ટિકિટ બુક કરાવી દીધી છે. તું બસ કોમ્પિટિશન અને પેકિંગ પર ફોકસ કર." રચનાની વાતો સાંભળી રાહીને ખબર પડી ગઈ કે રાધિકાએ જ રચનાને જાણ કરી દીધી હતી.
"થેંક્યું.. થેંક્યું...પણ પ્લેન નહીં હું ટ્રેનમાં જઈશ." રાહીએ કહ્યું.
"વ્હોટ?? ટ્રેનમાં?? તેમાં તને પ્રોબ્લેમ થશે." રચનાએ ચહેરા પર પરેશાનીના ભાવ લાવતાં કહ્યું.
"નહીં થાય. હું મેનેજ કરી લઈશ. પણ જઈશ તો ટ્રેનમાં જ." રાહી પોતાનો નિર્ણય સંભળાવીને કેબિનમાં જતી રહી.
રચનાએ ઉતરેલાં ચહેરે પ્લેનની ટિકિટ કેન્સલ કરીને ટ્રેનની ટિકિટ બુક કરવા કેતનને કહી દીધું. પોતે રાહીની કેબિનમાં જતી રહી. જ્યાં રાહી પોતાનાં કામમાં વ્યસ્ત હતી. રચનાને કેબિનમાં જોઈને રાહીએ કહ્યું, "હું અંકિતાનો લહેંગો અહીં જ રાખીશ. જ્યારે નીકળવાનું થશે. ત્યારે અહીંથી જ લેતી જઈશ."
"તું પહેલાં આ બધું છોડ. મને એ કહે કે તે એટલાં મોટાં બનારસમાં તારાં સપનાનાં રાજકુમારને શોધવાં માટે કંઈ વિચાર્યું કે નહીં?" રચનાએ રાહીના હાથમાંથી લહેંગો બનાવવાનું કાપડ ટેબલ પર મૂકતાં પૂછ્યું.
"નહીં, કંઈ વિચાર્યું નથી. હાલ મારે કોમ્પિટિશન પર ફોકસ કરવું છે. પહેલીવાર મને પપ્પાએ કહ્યું છે કે મારે માત્ર પાર્ટિસિપેટ જ નથી કરવાનું. મારે કોમ્પિટિશન જીતવાનું છે." રાહીએ રચનાની આંખોમાં જોઈને કહ્યું.
રચનાને અત્યારે રાહીની આંખોમાં જીતવા માટેનું એક જૂનૂન નજર આવતું હતું. પણ રાહીનુ બનારસ જવાં પાછળનું લક્ષ્ય એ ન હતું. એ વાત રચના સારી રીતે જાણતી હતી. છતાંય મહાદેવભાઈએ પહેલીવાર રાહીને કંઈક કરવાં કહ્યું હતું. જેનાં લીધે રાહી થોડી વધું ઈમોશનલ થઈ ગઈ હતી.
રચના કંઈ કહ્યાં વગર જ કેબિનની બહાર નીકળી ગઈ. રાહી તેનાં કામમાં ડૂબી ગઈ. રચના વારેવારે કેબિનના કાચનાં દરવાજામાંથી અંદર કામમાં ડૂબેલી રાહીને જોઈ લેતી હતી.

*****

રાધિકા તેની કોલેજના દોસ્તો સાથે કેન્ટીનમા બેઠી વાતો કરતી સેન્ડવીચ ખાઈ રહી હતી. આ તેની કોલેજનું છેલ્લું વર્ષ હતું. ગોઠણ અને સાથળેથી ફાટેલી બ્લૂ જીન્સ અને કમરનો ભાગ દેખાય એટલાં શોર્ટ રેડ ટી-શર્ટમા તે હોટ લાગી રહી હતી.
"તો તું પણ બનારસ જવાની છે. યાર, એ જગ્યા ખરેખર ખૂબ સુંદર છે." રાધિકાની બેસ્ટ ફ્રેન્ડ એવી રશ્મિએ કહ્યું.
"હાં, જગ્યા તો કમાલ છે. લોકો પણ ધમાલ છે." રાધિકાએ ચહેરા પર સ્માઈલ સાથે કહ્યું.
રાધિકાની વાત કોઈ સમજી નાં શક્યું. તેનાં મનમાં શું ચાલતું હતું. એ કોઈ સમજી નાં શક્યું. પણ બનારસ નામ આવતાં જ રાહીની જેમ રાધિકા પણ ચમકી ઉઠી હતી. એ કારણે જ તેણે રાતોરાત રાહીને બનારસ મોકલવાનો રસ્તો શોધી લીધો. જેનાં લીધે તેની પાછળ પોતે પણ બનારસ જઈ શકે.
રાધિકા બધાં મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હતી. ત્યારે જ એક છોકરાએ આવીને તેનાં ખંભે હાથ મૂક્યો. રાધિકાએ તરત જ ગુસ્સામાં પાછળ ફરીને જોયું.
આંખો પર બ્લેક ગોગલ્સ, જેલથી સેટ કરેલાં વાળ, સાડા છ ફૂટની ઊંચાઈ, ગોરો અમેરિકન ભૂરિયા જેવો રંગ, બ્લેક ફોડિ ફિટિંગ ટી-શર્ટ નીચે બ્લૂ જીન્સ પહેરીને એક છોકરો ઊભો હતો. તેને જોઈને રાધિકાને એવો તે ગુસ્સો આવ્યો. રાધિકાએ કંઈ બોલ્યાં વગર જ તેનો હાથ પોતાનાં ખંભા પરથી ઝાટકીને તેનાં ગાલે એક થપ્પડ જડી દીધી.
"હાઉ ડેર યુ." છોકરાએ આંખો પરથી ગોગલ્સ હટાવીને કહ્યું. તેની આંખો એકદમ વાદળી કલરની હતી. જાણે બરફની બની હોય.
"હાઉ ડેર યુ, તારી હિંમત કેવી રીતે થઈ. મારી પરમિશન વગર મને ટચ કરવાની." રાધિકા એ છોકરાંની આંખોમાં આંખો પરોવીને બોલી.
"આકાશ, તું અહીં શું કરે છે. તને શું રાધુના હાથની થપ્પડો ખાવાની આદત પડી ગઈ છે. શાં માટે વારંવાર હલાલ થવા માટે આવી જાય છે." રાધિકાની પાછળ ઉભેલી રશ્મિએ કહ્યું.
"રહેવા દે રેશુ. આ એક નંબરનો સનકી છે. એટલે તો વારંવાર થપ્પડ ખાવાં છતાં મારી સામે આવી જાય છે." રાધિકાએ આકાશ સામે જોઈને દાંત પીસીને કહ્યું.

આકાશ ચૂપચાપ ઉભો હતો. રાધિકાએ બોલવાનું બંધ કર્યું. તો એ ગંદુ હસ્યો. તેને એ રીતે હસતો જોઈને રાધિકાને વધું ગુસ્સો આવ્યો. પણ આ વખતે રશ્મિ તેનો હાથ પકડીને તેને ત્યાંથી લઈને જતી રહી. આકાશ ત્યાં જ ઉભો રહીને રાધિકાને જતી જોઈ રહ્યો.
"અરે મારી જાન, હવે તો આ થપ્પડનો બદલો લેવાનો સમય આવી ગયો છે. તું જેનાં માટે બનારસ જાય છે. એ તો તને મળવાથી રહ્યું. પણ હાં મારાં બદલાની આગ ત્યાં જઈને જ શાંત થશે." આકાશ ગંદી રીતે હસીને એકલો એકલો બબડવા લાગ્યો. ત્યાં જ તેનાં મિત્રોની ટોળકી ત્યાં આવી પહોંચી.
"ભાઈ, કામ થઈ ગયું."
"શાબાશ કેતન હવે હું પણ‌ જોવ છું. મારી રાધિકા મને મૂકીને કાનુડા પાસે કેવી રીતે જાય છે." આકાશે કેતનની પીઠ થાબડતાં કહ્યું.
આકાશ અને તેનાં મિત્રોની ટોળકી કોલેજમાં ગુંડાગીરી માટે પ્રખ્યાત હતી. આકાશે જ્યારે રાધિકાને પહેલી વખત જોઈ. ત્યારથી જ આકાશ તેની પાછળ પડ્યો હતો. પણ રાધિકા બીજી છોકરીઓ જેવી ભોળી ન હતી. જે આકાશની જાળમાં ફસાઈ જાય. એવામાં રાધિકાની લાઈફમાં કોઈ બીજાંની જ એન્ટ્રી થઈ હતી. બસ તેને મળવાં જ રાધિકા બનારસ જવાં માંગતી હતી.

રાધિકા કોલેજેથી ઘરે જવા નીકળી ગઈ. આકાશની હિંમત રોજની રોજ વધતી જતી હતી. રાધિકા બનારસ જતાં પહેલાં કોઈ મુસીબતમાં પડવાં માંગતી ન હતી. આમ પણ મહાદેવભાઈને રાધિકા પોતાનાં મનની જ કરતી. કોઈનું માનતી નહીં. એ પહેલેથી પસંદ ન હતું. જેનાં લીધે રાધિકા આકાશથી બને એટલી દૂર રહેતી.
રાધિકા ઘરે પહોંચી. ત્યારે ગૌરીબેન તેમનાં કામમાં વ્યસ્ત હતાં. રાધિકા તેનાં રોક્સ દાદી પાસે જતી રહી. જે પોતાનાં રૂમમાં આરામ કરી રહ્યાં હતાં. રાધિકા તેમને જઈને વળગી પડી.
"દાદી.." રાધિકાનુ વ્હાલ ભર્યું દાદી સાંભળી દાદી ઉભાં થયાં. તેમણે પ્રેમથી રાધિકાના માથે હાથ મૂક્યો.
"આખરે દીદુનો સાથ આપીને મારાં છોકરાંને તમે મનાવી જ લીધો ને." દાદીએ કહ્યું.
"તો તમને બધી ખબર હતી?" રાધિકાએ આંખો ફાડીને પૂછ્યું.
"હાં, રાહી શાં માટે બનારસ જવાં માંગે છે. એ મને ખબર નથી. પણ એક સલાહ જરૂર આપીશ. તારી દીદુને કહેજે ત્યાં જઈને જે કાંઈ કરે. એ બધું તેનાં પપ્પાના સ્વભાવને યાદ રાખતાં કરે." દાદીએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં એક ડોકિયું કરીને કહ્યું.
"દીદુ સમજદાર છે. તે જે કરશે એ સમજી વિચારીને જ કરશે." રાધિકાએ ગર્વથી કહ્યું.
"હું પણ એ ઉંમરમાં બહું સમજદાર હતી. છતાંય મેં એક ખોટું કદમ ઉઠાવ્યું. એ કદમ ઉઠાવતાની સાથે જ હું મારાં મમ્મી-પપ્પાથી દૂર થઈ ગઈ. એટલી દૂર કે તેમનાં અંતિમ સમયે પણ હું તેમનું મોઢું નાં જોઈ શકી. આખરે તારાં દાદુ પણ મને મૂકીને જતાં રહ્યાં." દાદીએ ભીની આંખો સાથે કહ્યું.
રાધિકા તરત જ દાદીને વળગી પડી. દાદાજી ગયાં તેનું દુઃખ દાદીને બહું હતું. આજે પણ બંને વચ્ચે એટલો પ્રેમ હતો. કે દાદીનો એક દિવસ પણ તેમને યાદ કર્યા વગર નાં જતો.
"અચ્છા દાદી, તમારી લવ સ્ટોરી તો કહો. તમે દાદુ સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. તો કોઈ સ્ટોરી તો બની જ હશે." રાધિકાએ ઉત્સાહિત થઈને પૂછ્યું.
"એ સમયે પ્રેમ લગ્ન થતાં જ નહીં. કોઈ કરે તો તેમને મોટો ગુનો ગણવામાં આવતો. જે મેં કર્યો હતો. પણ કહેવાય છે ને જીવનસાથી સારો હોય. તો બધી મુસીબતો સરળતાથી પાર કરી શકાય. તારાં દાદુ પણ એવાં જ જીવનસાથી હતાં. તેમણે મને ક્યારેય કોઈ દુઃખ પડવાં ન હતું દીધું. તારાં દાદુ તેનાં પપ્પા સાથે દુકાને આવતાં. હું મારી મમ્મી સાથે ત્યાં સાડી લેવાં જતી. એમ જ નજર મળી, દિલ મળ્યાં, પણ‌ મારાં પપ્પાને મોટો બિઝનેસ હતો. જ્યારે તારાં દાદુ દશ પાસ અને નાની એવી દુકાન સંભાળતાં. એમ જ અમારા લગ્ન મંજૂર નાં કરાયાં. પછી અમે સાથે રહેવા કોર્ટ મેરેજ કર્યા. મારાં સસરાએ અમને ખુશી ખુશી આશીર્વાદ આપ્યાં. ત્યારે આપણી પાસે આટલું મોટું ઘર ન હતું. નાની એવી સાડીની દુકાન હતી. એમાં જ મહેનત કરીને તારાં દાદુએ મોટો શો રૂમ બનાવ્યો. એમાં જ વધારો કરતાં મીઠાઈની દુકાન ખોલી. બસ એમ જ પ્રગતિ થતી ગઈ. નવું ઘર લેવાયું. મહાદેવનો જન્મ થયો. બસ, પછીનાં બધાં દિવસો ખુશી ખુશી પસાર થયાં. એક દિવસ અચાનક તેમને હાર્ટએટેક આવ્યો. પછી હું ક્યારેય તેમને નાં જોઈ શકી. એ અમારી અંતિમ મુલાકાત હતી. જે હોસ્પિટલમાં થઈ હતી." દાદીએ કહાની સંભાળાવી. ત્યાં સુધીમાં તેમની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યાં. કરચલી પડી ગયેલાં આંખો ઊંડી જતી રહેલાં ચહેરા પરથી આંસુઓ રેલાઈને રાધિકાના હાથ પર પડવાં લાગ્યાં. જે હાથે તેણે દાદીના હાથ પકડ્યા હતાં. તે હાથ દાદીના આંસુઓથી ખરડાઈ ગયાં.
રાધિકા દાદીને ફરી વળગી પડી. તેની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એ જમાનામાં પણ આવો પ્રેમ જોવાં મળતો. એ સાંભળીને રાધિકાને ખૂબ ગમ્યું. દાદીએ પગલું ખોટું ભર્યું હતું. પણ બંનેએ એકબીજાને સમજવાની કોશિશ કરી. બંનેએ અંતિમ સમય સુધી એકબીજાનો સાથ આપ્યો. એ વાત જ તેમનો પ્રેમ સાબિત કરતી હતી. એ પ્રેમ આજની જેમ માલમિલકત અને મોટું ઘર જોઈને ન હતો થયો. એ તો દિલથી દિલનું કનેક્શન હતું. જે આજે દાદુના ગયાં પછી પણ એમ જ અકબંધ હતું.

દાદીમા અને રાધિકા વચ્ચે વાતો ચાલતી હતી. એટલામાં ગૌરીબેન તેમનાં રૂમમાં આવ્યાં. રાધિકા કોલેજેથી આવીને સીધી દાદીમા પાસે આવી ગઈ હતી. તો ગૌરીબેને કહ્યું, "હવે જઈને ફ્રેશ થઈ જા. હું જમવાનું લગાવું છું." ગૌરીબેન કહીને જતાં રહ્યાં.
રાધિકા પણ ઉભી થઈને પોતાનાં રૂમમાં જતી રહી. દાદીમા પોતાની પાસે રહેલાં ટેબલ પર પડેલી દાદાજીની તસ્વીર પર એક નજર કરીને રૂમની બહાર નીકળી ગયાં. ગૌરીબેન જમવાનું ટેબલ પર લગાવતાં હતાં. રાધિકા ફ્રેશ થઈને નીચે આવી. ગૌરીબેને દાદી અને રાધિકાને જમવાનું પરોસી આપ્યું. પછી પોતે પણ જમવા બેઠાં.
"મમ્મી, દીદુ રોજ બપોરે બહારનું જમે છે. આજ હું તેમનાં માટે જમવાનું લઈ જાવ?"
"નાં, તારાં પપ્પાને એ નહીં ગમે." ગૌરીબેને કંઈક વિચારતાં કહ્યું.
"બધું તેને ગમે એવું જ કરવું જરૂરી નથી. બેટા, તું જઈને ટિફિન તૈયાર કર." દાદીમાએ કહ્યું.
રાધિકા ખુશ થતી ટિફિન તૈયાર કરવાં લાગી. બધી વસ્તુઓ પેક કરીને રાધિકા પોતાની એક્ટિવા પર રાહીના બૂટિક પર જવાં નીકળી ગઈ. દાદીમા હંમેશા રાહી અને રાધિકાનો પક્ષ લેતાં. એનાં લીધે મહાદેવભાઈ સાથે ઘણી વખત દાદીમાની લડાઈ થતી. પણ દાદીમા જે રીતે પોતાનાં પરિવારથી દૂર થયાં. એમ દાદીમા પોતાની બંને પૌત્રીઓને તેનાં પરિવારથી દૂર થવા દેવા માંગતા ન હતાં.

રાધિકા ટિફિન લઈને રાહીના બૂટિક પર આવી પહોંચી. રચના બસ જમવાનું ઓર્ડર જ કરતી હતી. ત્યાં જ રાધિકાના હાથમાં ટિફિન જોઈને તેણે હાથમાં લીધેલો ફોન નીચે મૂકી દીધો.
"આન્ટીએ જમવાનું મોકલ્યું?" રચનાએ તાલાવેલી સાથે પૂછ્યું.
"હાં, હવે જલદી દીદુની કેબિનમાં ચાલો. તમારાં બંને માટે લાવી છું. ઠંડુ થાય એ પહેલાં જમી લો." રાધિકાએ કહ્યું.
"વાહહહ.... આજ તો મજા પડી જશે. આમ પણ હું આજે મારું ટિફિન લાવી ન હતી." કહેતાં રચના રાધિકા સાથે રાહીની કેબિનમાં ગઈ.
જ્યાં રાહી કામમાં વ્યસ્ત હતી. આજથી રાહીનુ કામ વધી ગયું હતું. તે બનારસ જતાં પહેલાં બધું કામ પૂરું કરવા માંગતી હતી. જેનાંથી રચનાને એકલાં વધું કામ કરવું નાં પડે. કસ્ટમર્સને પણ કોઈ તકલીફ નાં થાય.
કેબિનનો દરવાજો ખુલતાં જ રાહીએ એ તરફ નજર કરી. રાધિકાને જોઈને રાહીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. તે તરત જ ચેર પરથી ઉભી થઈને રાધિકા પાસે ગઈ. તેણે રાધિકાને ગળે લગાવી લીધી. ઘણાં સમય પછી રાધિકા અહીં આવી હતી. તો એ રાહીની કેબિન જોવાં લાગી. જેમાં ઘણાં બદલાવ આવી ગયાં હતાં.
રાહી રાધિકાના હાથમાં રહેલાં ટિફિનમાથી આવતી ખૂશ્બુ તરત જ ઓળખી ગઈ. તેણે રાધિકાને પૂછ્યું, " આમાં મમ્મીએ બનાવેલું જમવાનું છે ને?"
"હાં, એ તો હું ભૂલી જ ગઈ. આ હું તમારાં બંને માટે લાવી છું." રાધિકાએ કહ્યું.
રાહી રાધિકાના હાથમાંથી ટિફિન લઈને એક પછી એક ડબ્બા ખોલવા લાગી. એ સાથે જ આખી કેબિન ગૌરીબેનના હાથની રસોઈથી મહેંકી ઉઠી. રચના તો ડબ્બા ખુલતાં જ તેનાં પર તૂટી પડી. રચના એક નંબરની ચટોરી હતી. તેને જમવામાં રોજ નવી નવી વેરાયટી મળી જાય. તો તેને બીજું કંઈ નાં જોઈએ.

"તો‌ બોલ રાધુ, આજે અચાનક અહીં આવવાનું કેમ થયું?" રાહીએ જમીને રાધિકા પાસે જઈને પૂછ્યું. જે રાહીએ તૈયાર કરેલ ડિઝાઈન જોઈ રહી હતી.
"મારે તમને એ પૂછવું હતું કે તમે શિવને શોધવાં અંગે કંઈ વિચાર્યું?" રાધિકાએ પૂછ્યું.
"હજું સુધી તો નહીં."
"તો વિચારો ને. એટલાં મોટાં અજનબી શહેરમાં કંઈ વિચાર્યા વગર થોડી શિવ તમને મળશે."
"તને કેમ આટલી બધી ચિંતા થાય છે?" રાહીએ રાધિકા સામે આંખો ઝીણી કરીને પૂછ્યું.
"તમને શિવ મળશે. તમારાં લગ્ન થશે. ત્યારે જ તો મારો નંબર આવશે." રાધિકા મનોમન જ કંઈક વિચારતાં ધીરેથી બોલી.
"ઓય... ક્યાં ખોવાઈ ગઈ?" રાહીએ રાધિકાનો હાથ ઝંઝોળીને પૂછ્યું.
"ક્યાંય નહીં. પણ તમારે શિવને શોધવાં માટે અત્યારેથી જ વિચારવાની શરૂઆત કરી દેવી જોઈએ." રાધિકાએ રાહીના બંને પગ પાસે બેસતાં કહ્યું.
"રાધિકા સાચું જ કહે છે. કેટલાં સમય સુધી માત્ર તેનાં સપનાં જ જોતી રહીશ. હવે તેને શોધવાની શરૂઆત પણ કરવી જોઈએ. આમ પણ તું બનારસ એ મકસદથી જ જાય છે. એ અમે સારી રીતે જાણીએ છે. બાકી મને પણ એવું લાગે છે. બનારસ માટે અંકલે પણ કોઈ પ્રકારની લડાઈ વગર હાં પાડી દીધી. તો નક્કી મહાદેવ પણ એવું જ ઈચ્છે છે. તું શિવને શોધવાની શરૂઆત બનારસથી જ કરે. કેમ ખબર કદાચ શિવ પણ તારી જ રાહ જોઈને બેઠો હોય." રચનાએ પણ રાહી પાસે જઈને કહ્યું.

રાહી એ બંનેનાં ચહેરા જોતી રહી. થોડીવાર પછી તેણે રાધિકાને ઉભી કરી. રાહીને પણ હવે એવું જ કંઈક લાગતું હતું. જેવું રચનાએ કહ્યું.
"જો આ મહાદેવની મરજી હશે. તેમનો જ કોઈક ઈશારો હશે. તો મારે શિવને શોધવો જ નહીં પડે. બનારસમાં પગ મૂકતાં જ શિવ ત્યાં જ છે. એવી મને અનૂભૂતિ થઈ જશે. એ ક્યાંક ને ક્યાંક જરૂર મારી સાથે અથડાશે." રાહીએ એક આત્મવિશ્વાસ સાથે કહ્યું.
રાધિકા રાહીનો આત્મવિશ્વાસ જોઈને હેરાન રહી ગઈ. રાધિકાએ આજે પ્રેમનાં બે અલગ-અલગ રૂપ જોયાં હતાં. એક દાદીનો પ્રેમ જે દાદાજીના મૃત્યુ પછી પણ એવો જ અકબંધ હતો. બીજો રાહીનો પ્રેમ જે એક છોકરાંને માત્ર સપનામાં જોઈને તેને શોધવાનું પાગલપન કરવાં તૈયાર હતો.
રાહી એટલી સુંદર હતી કે કોલેજ સમયમાં જ તેની પાછળ કેટલાંય છોકરાંઓ પાગલ બનીને ફરતાં. કેટલાયે તો તેને પ્રપોઝ પણ કરી હતી. છતાંય રાહીએ કોઈનો પ્રસ્તાવ મંજૂર કર્યો ન હતો. રાહી કંઈક અલગ જ શોધી રહી હતી. જે તેને શિવની અંદર નજર આવ્યું હતું. રાહી ક્યારેય શિવને મળી ન હતી. પણ તેને સપનામાં જોવાં માત્રથી જ તે પોતાનું જીવન તેનાં નામે કરી ચૂકી હતી.
હવે આ રાહીનુ પાગલપન હતું કે પછી મહાદેવે લખેલું તેનું ભવિષ્ય એ તો આવનારો સમય જ નક્કી કરવાનો હતો. બાકી રાહી તો તેની મંઝિલ તરફ આગળ વધી ગઈ હતી. હવે પાછળ હટવાનો સવાલ જ ઉભો થતો ન હતો.
રાહી ફરી પોતાનાં કામે વળગી ગઈ. રાધિકા મહાદેવભાઈ આવે એ પહેલાં ઘરે જવા નીકળી ગઈ. રાધિકા અને રચનાની વાતો સાંભળ્યાં પછી રાહી પણ શિવ વિશે વિચારતી થઈ ગઈ.
"શોધવાં તો તેને પડે. જેને ગુમાવી દીધાં હોય. જ્યારે આપણે તો મળ્યાં જ નથી. તો શોધવાનો સવાલ જ નથી. આપણું મિલન ખુદ મહાદેવ જ કરશે." રાહી મનોમન વિચારતા કામ કરવાં લાગી.

રાતે દશ વાગ્યે રાહી બુટિક બંધ કરીને ઘરે જવા નીકળી ગઈ. રાહી માટે આ રોજનું રૂટિન હતું. તે ક્યારેય કામથી થાકતી નહીં. તેનાં માટે તેનું કામ જ તેનું જીવન બની ગયું હતું. આજે પહેલીવાર ઘરે પરત ફરતી વખતે રાહીના ચહેરા પર ચમક હતી.
રાહી ઘરે પહોંચી. ત્યારે આજે પહેલી વખત મહાદેવભાઈ જાગતાં હતાં. ઘરનો દરવાજો પણ મોડાં સુધી ખુલ્લો હતો. રાહી ઘરની અંદર પ્રવેશી. મહાદેવભાઈ હોલમાં સોફા પર બેઠાં હતાં.
"મેં પ્લેનની ટિકિટ અંગે પૂછાવી જોયું. હવે બધાં ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે. એવું જાણવાં મળ્યું. તો તું પણ આજે જ બનારસની ટિકિટ બુક કરાવી લેજે." મહાદેવભાઈએ રાહી સામે જોયાં વગર જ કહ્યું.
"મેં રચનાને ટ્રેનની ટિકિટ બુક કરવા કહી દીધું છે. તેણે કરાવી પણ દીધી હશે." રાહીએ શાંત અવાજે કહ્યું.
"ટ્રેનમાં તો બે દિવસ નીકળી જશે. તને તકલીફ થશે. બધો સામાન તું એકલી ક્યાં ઉપાડતી ફરીશ!?" મહાદેવભાઈએ રાહી સામે જોઈને ચહેરા પર થોડી ચિંતાની રેખાઓ લાવતાં કહ્યું.
"બધું મેનેજ થઈ જશે. તમે ચિંતા નાં કરો. ત્યાં સામાન ઉપાડવા કુલી હોય છે. હું એમની મદદ લઈ લઈશ."
"ચિંતા નથી કરતો. આ તો લાંબો સમય ત્યાં રોકાવાનું છે. તો સામાન પણ વધું હશે. કોમ્પિટિશન છે તો તેનો સામાન પણ હશે. એટલે પ્લેનમાં જાય તો સરળતા રહે."
મહાદેવભાઈ ભલે કહેતાં તે ચિંતા નથી કરતાં. પણ તેમનાં ચહેરા પર ચિંતા સાફ નજર આવતી હતી. મહાદેવભાઈ કેટલાં સમય બાદ રાહીની ચિંતા કરી રહ્યાં હતાં. એ જાણીને રાહીને ખુશી થઈ. જ્યારે ત્યાં મોજુદ રાધિકા, દાદીમા અને ગૌરીબેન એ બધાંને નવાઈ લાગી. મહાદેવભાઈનો સ્વભાવ બહું ઝડપથી બદલી રહ્યો હતો. રોજ સખ્તાઈ પૂર્વક વર્તન કરતાં મહાદેવભાઈ અચાનક જ ચિંતા કરવાં લાગ્યાં હતાં. શાંતિથી વાત કરવાં લાગ્યાં હતાં. આ બધું શેનાં સંકેત આપી રહ્યું હતું. એ વાતથી બધાં અજાણ હતાં.

"હવે તું ફ્રેશ થઈ જા. હું જમવાનું તૈયાર કરું." મહાદેવભાઈ આગળ કોઈ ચર્ચા કરે. એ પહેલાં જ ગૌરીબેને કહ્યું.
મહાદેવભાઈ પણ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. તેઓ કોઈનાં સવાલોનાં જવાબ આપવા માંગતા ન હતાં. રાહી ફ્રેશ થઈને આવી. તો ગૌરીબેને તેની જમવાની પ્લેટ તૈયાર કરી આપી. રાહી જમવા લાગી. રાધિકા આવીને તેની પાસે પડેલી ચેર પર બેસી ગઈ.
"મમ્મી, આ પપ્પાને અચાનક શું થઈ ગયું?? રોદ્ર રૂપમાંથી મલાઈ જેવાં મુલાયમ ક્યારથી બની ગયાં." રાધિકાએ ટેબલ પર કોણી ટેકવીને પૂછ્યું.
"ચૂપ કર રાધુ, પપ્પાને આપણી ચિંતા છે. એટલે તેઓ સખ્તાઈ પૂર્વક વર્તન કરે છે. બાકી તે એવાં છે નહીં." રાહીએ રાધિકાના માથે ટપલી મારતાં કહ્યું.
"વાહ, પપ્પાએ થોડી ચિંતા શું કરી. પપ્પા સારાં થઈ ગયાં. મારી તો આ ઘરમાં કોઈને પડી જ નથી. ભલે હું બધાંની ગમે એટલી મદદ કરું." રાધિકાએ મોં બગાડતાં કહ્યું.
"એ નોટંકી તારાં નાટક બંધ કર. દીદીને નિરાંતે જમવા દે." ગૌરીબેને રાધિકાને ચેર પરથી ઉભી કરીને તેનાં રૂમ તરફ જતી સીડીઓ તરફ ધક્કો મારતાં કહ્યું. રાહી જમતાં જમતાં હસી પડી. રાધિકા પગ પછાડતી સીડીઓ ચડવા લાગી. રાહી પણ જમીને પોતાનાં રૂમમાં જતી રહી.
ગૌરીબેન બધી વસ્તુઓ ફરી કિચનમાં મૂકવાં લાગ્યાં. બધું કામ પૂરું થતાં તે કિચનમાંથી બહાર આવ્યાં તો જોયું દાદીમા હજું પણ જાગતાં બહાર હોલમાં બેઠાં હતાં. ગૌરીબેન પણ તેમની પાસે ગયાં.
"તમે હજું સૂતાં નથી." ગૌરીબેને દાદીમા પાસે બેસીને કહ્યું.
"રાધિકા કંઈ ખોટું ન હતી કહેતી. મહાદેવનાં મનમાં જરૂર કંઈક ચાલી રહ્યું છે." દાદીમાએ કંઈક વિચારતાં કહ્યું.
"એવું કંઈ નથી. તમે ચિંતા નાં કરો. આખરે એક‌ બાપ તેની દીકરીથી કેટલો સમય નારાજ રહી શકે. બસ એમ જ તેમને પણ તેમની ભૂલો સમજાતી દેખાય છે."
"ભગવાન કરે એવું જ હોય." દાદીમા આરસના મંદિરમાં સ્થાપિત મહાદેવ અને પાર્વતીજીની મૂર્તિ તરફ નજર કરતાં બોલ્યાં.
ગૌરીબેન તેમનો‌ હાથ પકડી તેમને તેમનાં રૂમ સુધી મૂકી આવ્યાં. ગૌરીબેને દાદીમાને તો ચિંતા ના કરવાં કહી દીધું. પણ તેમની અને રાધિકાની વાતોથી તેમનું મન પણ મહાદેવભાઈના બદલતાં સ્વભાવ અંગે વિચારવા મજબૂર થઈ ગયું હતું.
ગૌરીબેન રૂમમાં આવ્યાં. ત્યાં સુધીમાં મહાદેવભાઈ સૂઈ ગયાં હતાં. ગૌરીબેન પણ મહાદેવભાઈ તરફ એક નજર કરીને ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયાં. બંધ આંખોએ પણ તેમનાં મનમાં ઘણાં વિચારો ચાલી રહ્યાં હતાં. શરીર સૂતું હતું. પણ મગજ હજું પણ ચાલું જ હતું.






(ક્રમશઃ)



_સુજલ બી.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED