અનંત સફરનાં સાથી - 5 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત સફરનાં સાથી - 5

૫. વેલેન્ટાઈન ડે



રાધિકા દાદીના રૂમમાં આવી પહોંચી હતી. રાહી પણ તેની પાછળ આવી પહોંચી. રાધિકાએ એક ગુલાબ દાદીને પણ‌ આપ્યું. દાદીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. હવે દાદી પાસેથી તેની અને દાદાની લવ સ્ટોરીનો એક કિસ્સો સાંભળવાનો સમય હતો. રાહી અને રાધિકા તેમની સામે આવીને બેસી ગઈ.
"ત્યારે આ દિવસનું કંઈ ખાસ મહત્વ ન હતું. અમુક જ લોકો આ દિવસ વિશે જાણતાં હતાં. પણ તારાં દાદાએ સોશ્યલ મીડિયા પર આ દિવસ વિશે વાંચ્યું. તો તેમણે એમાંથી જ અમારા બંને માટે ઘરની અંદર જ અમારા રૂમની નાની એવી બાલ્કનીમા કેન્ડલ લાઈટ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું હતું. બસ એ જોઈને મારી ખુશીનો કોઈ પાર જ રહ્યો ન હતો. તેમણે મને ફિલ્મી સ્ટાઈલમાં ઘૂંટણ પર બેસીને મને ગુલાબ આપ્યું. પછી અમે એકબીજાને પોતાની હાથે ખવડાવ્યું." દાદીએ એક અલગ જ સ્મિત સાથે પોતાની વાત પૂરી કરી. જાણે એટલાં વર્ષો પછી તેમણે ફરી એ દિવસ જીવી લીધો હોય.
"સો રોમેન્ટિક દાદી." કહેતાં રાધિકા દાદીને ભેટી પડી.
રાધિકા પાસે હવે છેલ્લું એક ગુલાબ વધ્યું હતું. એ તેણે દાદીના રૂમનાં અરિસા સામે જઈને ખુદ જ ખુદને આપ્યું. રાહીએ રાધિકાની એ હરકત પર તેનાં માથે ટપલી મારી.
"શું દીદુ, બધી મજા ખરાબ કરી નાંખી." રાધિકાએ મોઢું બગાડ્યું.
"એ દીદુ વાળી, એટલી જ ઈચ્છા હોય. તો જલ્દી કોઈ છોકરો પસંદ કરી લે. આમ પણ પપ્પા જાતે જ કોઈ છોકરો શોધીને તારાં તેની સાથે લગ્ન કરી દે. પછી તું દિવસ રાત મોઢું ફુલાવીને ફરે. એ કરતાં તું જ કોઈ શોધી લે. જે પપ્પાને પણ પસંદ આવે." રાહીએ છેલ્લાં વાક્ય પર થોડો ભાર આપ્યો.
"વેઈટ દીદુ, શું ખબર બનારસમાં મને પણ મારાં સપનાંનો રાજકુમાર મળી જાય." રાધિકાએ પહેલી બુઝાવતા કહ્યું. રાહી તેનો ઈશારો નાં સમજી. તો એ ઉભી થઈને બહાર જવાં લાગી. ત્યાં જ દાદીએ તેનો હાથ પકડી તેને ફરી બેસાડી દીધી.
"શું થયું દાદી??" રાહીએ દાદી સામે જોઈને પૂછ્યું.
દાદીએ રાધિકાનો હાથ પકડીને તેને પણ પોતાની પાસે બેસાડી. રાધિકા દાદીના ઘૂંટણ પર હાથ મૂકીને બેડ પાસે નીચે જ બેસી ગઈ.

"તમારાં બંનેના અમુક સપનાંઓ છે. એ હું જાણું છું. પણ મેં ઘર છોડીને જે ભૂલ કરી. હું જે રીતે મારાં પરિવારથી દૂર થઈ ગઈ. એવું તમારે બંનેએ નથી કરવાનું. મેં જે કર્યું.‌ તેનાંથી મને મારો પ્રેમ તો મળી ગયો. પણ‌ મેં મારો પરિવાર અને મારાં જન્મદાતા મારાં મમ્મી-પપ્પાને ગુમાવી દીધાં. જે બહું ખોટું હતું. તમારે બંનેએ એવું ખોટું પગલું નથી ભરવાનું. જો તમે બંનેએ એવું કર્યું. તો તારાં મમ્મી-પપ્પા એ સહન નહીં કરી શકે. મારાં મમ્મી-પપ્પા તો જીવી ગયાં. પણ તમારાં મમ્મી-પપ્પા નહીં જીવી શકે." દાદીએ પોતાની વાત રજૂ કરી. વાત પૂરી થતાં સુધીમાં તેમની આંખો ભરાઈ આવી. તેમાંથી આંસુ બહાર આવે. એ પહેલાં જ રાહી અને રાધિકાએ દાદીનો એક એક હાથ પોતાના હાથમાં લઈ લીધો.
"દાદી, અમે એવું કોઈ કામ નહીં કરીએ. જેનાં થકી મમ્મી-પપ્પાને તકલીફ થાય." રાહી અને રાધિકા એક સાથે જ બોલી ઉઠી.
વાતાવરણ થોડું તંગ થઈ ગયું હતું. દાદીની વાતોએ રાધિકા અને રાહીના મનમાં ઉથલપાથલ મચાવી દીધી હતી. રાહીએ જે રાહ પર ચાલવાનું નક્કી કર્યું હતું. એની ઉપર હવે તેનું મન ડગવા લાગ્યું હતું. રાહીએ દાદીનો જે હાથ પકડ્યો હતો. એની પકડ ઢીલી પડવા લાગી. તો દાદીએ રાહીનો હાથ પોતાનાં કરચલીઓ વાળા હાથ વચ્ચે મજબૂતાઈથી દબાવી દીધો.
"બનારસ તું શિવને શોધવાં જાય છે. એ હું જાણું છું. તને શિવ મળી જાય. એવી હું મહાદેવને પ્રાર્થના પણ કરીશ. તને રસ્તો મળ્યો છે. તો તેનાં પર ચાલવાની હિંમત પણ એકઠી કરી લે. કદાચ ભવિષ્યમાં બનનારી એ ઘટના પછી તારાં અને શિવનાં મિલન પછી ભૂતકાળનાં અમુક પાસાંઓ વણઉકેલ્યા જ પડ્યાં છે. એ પણ ઉકેલાઈ જાય. એવું મને લાગે છે." દાદીએ ભૂતકાળમાં એક ડોકિયું કરીને કહ્યું.

દાદીની વાતોથી રાહીને ફરી હિંમત મળી. તેનું થોડીવાર પહેલાં મન ડગી ગયું હતું. એ પણ ફરી તેનાં નિર્ણય પર મક્કમ બની ગયું. રાહી દાદીને ફરી એકવાર ભેટી પડી. રાધિકા ચૂપચાપ હજું પણ નીચે બેઠી હતી.
"તું પણ તારો સપનાંનો રાજકુમાર શોધી લેજે. પણ કંઈક સારો શોધજે. તારાં જેવો લડાકુ અને તૂફાની નાં શોધતી." દાદીએ રાધિકાના માથે હાથ મૂક્યો. તેમની વાત સાંભળી રાધિકા બ્લશ કરવાં લાગી.
"ચાલો, હવે કેક પણ કટિંગ કરી લઈએ." ગૌરીબેને પાછળથી આવીને કહ્યું. સાથે મહાદેવભાઈ પણ હતાં. બધાં એક સાથે બહાર હોલમાં ગયાં. ગૌરીબેન પોતાનાં હાથે બનાવેલી રેડ વેલ્વેટ કેક લઈને આવ્યાં.
"આજનો દિવસ દાદીની પ્રેમકહાનીના નામે." કહેતાં રાધિકાએ ચપ્પુ દાદીના હાથમાં પકડાવી દીધું. દાદીએ કેક કટ કરીને બધાંને વારાફરતી ખવડાવી. ત્યાં સુધીમાં સાડા અગિયાર વાગી ગયાં હતાં. ગૌરીબેન સીધાં કિચનમાં જઈને રસોઈના કામે લાગી ગયાં.
દાદીમા સોફા પર જઈને બેઠાં. મહાદેવભાઈ પણ હોલમાં જ સોફાની ચેર પર ટેકો આપીને બેસી ગયાં. રાહી અને રાધિકા ગૌરીબેન પાસે કિચનમાં ગઈ. તેઓ રસોઈ બનાવવામાં વ્યસ્ત હતાં. રાધિકાએ પાણી પીધું અને તે બહાર આવી. મહાદેવભાઈ હોલમાં જ બેઠાં હતાં. તો રાધિકા બહાર ગાર્ડનમાં જતી રહી. રાહી પણ તેની પાછળ ત્યાં જ આવી.
"તે સવારે પપ્પાને ગુલાબ કેમ નાં આપ્યું?" રાહીએ રાધિકાની પાસે બેસીને પૂછ્યું.
રાધિકા ગાર્ડનની બેન્ચ પર બેઠી હતી. રાહીનો સવાલ સાંભળી તેણે રાહી સામે જોયું. થોડીવાર પછી ગાર્ડનના ફુલો તરફ નજર કરતાં રાધિકાએ કહ્યું, "મારી અને પપ્પા વચ્ચે મનની દૂરી કાયમ થઈ ગઈ છે. એ કાંઈ પણ કહે મને બધું ખોટું જ લાગે. કદાચ તે મને સમજી નથી શકતાં. એ કારણથી આ બધું થાય છે. તો અમારી વચ્ચે નાહકની લડાઈ થતી રહે. એ કરતાં હું તેમની સાથે વધું વાત કરવાનું ટાળું છું. બસ એ કારણથી જ સવારે મેં તેમને ગુલાબ નાં આપ્યું."
"આવું કેટલો સમય ચાલશે? પપ્પા આપણી ચિંતા કરે છે. એટલે આપણને અમુક કામ કરતાં રોકે છે. તેની ચિંતાને તું તારાં મનનો ગુસ્સો નાં બનાવ." રાહીએ રાધિકાને સમજાવવાની કોશિશ કરી.
"દીદુ, તમે કદાચ પપ્પાને સમજતાં જ નથી. તેમણે તમને બનારસ જવાની હાં પાડી. સાથે મને પણ તમારી જોડે મોકલી રહ્યાં છે. આ બધું અમસ્તાં જ નથી થતું. તેમનાં મનમાં જરૂર કંઈક ચાલી રહ્યું છે." રાધિકાએ પોતાનાં મનની વાત જાહેર કરી.
"તારી ગાડી હજું પણ ત્યાં જ અટકી છે. જેવું તું વિચારે છે. એવું કંઈ નથી." રાહીએ રાધિકાનો ચહેરો પોતાનાં ચહેરા તરફ ઘુમાવીને કહ્યું.
"જો એવું નાં હોય. તો જ બધાં માટે સારું રહેશે. પણ મારાં અંદાજ મુજબ મારાં વિચાર ખોટાં નથી. જે બહું જલ્દી તમને પણ સમજાઈ જશે." રાધિકા કહીને ઉભી થઈ ગઈ. રાહી તેને વધું સમજાવવાની કોશિશ કરે. એ પહેલાં જ રાધિકા ઘરની અંદર જતી રહી. રાહી પણ કંઈક વિચારતી અંદર આવી ગઈ.
ગૌરીબેન જમવાનું ટેબલ પર લગાવી રહ્યાં હતાં. રાહી તેમની મદદ કરવાં લાગી. રાધિકા દાદી પાસે રહેલી ચેર પર બેઠી હતી. ગૌરીબેને બધાંને જમવાનું પરોસ્યુ. રાહી ગૌરીબેનની પ્લેટ તૈયાર કરવાં લાગી. બધાં જમવા લાગ્યાં એટલે રાહીએ ગૌરીબેનને મહાદેવભાઈ સામે રહેલી ચેર પર બેસાડી દીધાં. પછી પોતે તેમની પાસે ક્રોસમા રહેલી ચેર પર બેઠી. બધાં સાથે જ જમવા લાગ્યાં.

રાધિકા જમીને પોતાનાં રૂમમાં જતી રહી. રાહી પણ રૂમમાં જઈને પોતાનું કામ કરવાં લાગી. રાધિકા કંઈક વિચારતી બેડ પર બેઠી હતી. ત્યાં જ તેનાં મોબાઈલમાં એક મેસેજ આવ્યો. "કંઈ ખાસ જાણવાં નથી મળ્યું. કાલે જોઈએ કંઈ જાણકારી મળશે. તો તને ફોન કરીશ." રાધિકાએ મેસેજ વાંચ્યો. મેસેજ કાર્તિકનો હતો.
રાધિકા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. બધું જેટલું સીધું દેખાતું હતું. એટલું સીધું હતું નહીં. એ માત્ર રાધિકા જ જાણતી હતી. "દીદુ ભલે ગમે તે કહે. બાકી પપ્પા કંઈક તો મોટું કરવાની તૈયારીમાં છે." રાધિકા મનોમન જ બોલી ઉઠી. પોતાનાં વિચારો પરથી મગજ હટાવીને શાંત થવા તેણે હેડફોન લગાવીને મોબાઈલ પર ગીત શરૂ કર્યું. પણ જાણે ગીત પણ રાધિકાના મનને સમજી ગયું હતું. એમ રાધિકાના કાને ગીતનાં શબ્દો પડ્યાં. 'ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ, સીધે રસ્તે કી એક ટેઢી ચાલ હૈ, ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ.'
ગીત સાંભળતાં જ રાધિકા કાનમાંથી હેડફોન કાઢીને બોલી ઉઠી, "આ મોબાઈલ પણ હવે તો મનની મુશ્કેલી સમજવાં લાગ્યો છે. સાચે અહીં બધું ગોલમાલ જ ચાલી રહ્યું છે."
ગીત અને રાધિકાના મનનાં હાલ મેચ થવાથી રાધિકાના ચહેરા પર પરેશાનીના ભાવ આવી ગયાં હતાં. તે ઉભી થઈને રૂમમાં આમથી તેમ ચક્કર લગાવવા લાગી. તેને ક્યાંય નાં ગમ્યું. તો તે દાદીના રૂમમાં પહોંચી ગઈ.
રાધિકાનો દાદી સાથે વાતોમાં અને રાહીનો કામમાં દિવસ ક્યારે પસાર થઈ ગયો. કોઈને કંઈ ખબર જ નાં પડી.
વેલેન્ટાઈન ડે હોવાથી આજે ઘરમાં વિન્ટર પાર્ટી રાખવામાં આવી હતી. રચના, સ્વીટી અને કાર્તિક રાતનાં આઠ વાગ્યે રાહીની ઘરે પહોંચી ગયાં. ગૌરીબેને રાતનાં ડિનરની લગભગ બધી તૈયારી કરી લીધી હતી. રચના અને કાર્તિક સાથે થોડી ઘણી વાતો કર્યા પછી બધાં ડિનર માટે બેઠાં. રચના, રાહી, રાધિકા અને દાદી એક લાઈનમાં ચેર પર બેઠાં. મહાદેવભાઈ તેમની ચેર પર અને રાહીની સામેની ચેર ઉપર કાર્તિક અને સ્વીટી બેઠાં હતાં. સ્વીટી વિશે રાહીની અને કાર્તિક અને સ્વીટીની ઘરે પણ બધાંને બધી ખબર હતી. એટલે બંને કોઈની પણ ઘરે કોઈ ફંકશન કે પાર્ટી હોય. ત્યારે એકબીજાને ઇન્વાઇટ કરતાં. ડિનર પછી બધાં ગાર્ડનમાં લાકડાં ગોઠવી આગ લગાવી તેની ફરતે ચેર લગાવીને તેની ઉપર બેસી ગયાં. આજે રવિવાર હતો. તો બધાં એકદમ રિલેકસ્ ફીલ કરતાં હતાં. કોઈનાં માથે કામનો બોજ ન હતો. રાહી અગિયાર વાગ્યે કિચનમાં જઈને ફ્રીઝમાંથી આઈસ્ક્રીમ લઈ આવી. બધાંએ ગુલાબી ઠંડીમાં આગની સામે બેસીને ઠંડા આઈસ્ક્રીમની લિજ્જત માણી.
"હવે આપણે નીકળવું જોઈએ." સ્વીટીએ એક નજર પોતાનાં હાથ પર બાંધેલી ઘડિયાળ તરફ કરતાં કહ્યું. કાર્તિકે ઉભાં થઈને બધાંની રજા લીધી. રચના પણ એ બંનેની સાથે જ જતી રહી. તેમનાં ગયાં પછી રાત ઘણી થઈ ગઈ હતી. તો બધાં પોતપોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં. સવારે ફરી એ જ રૂટિન ચાલું થઈ ગયું.

રાહી પોતાની કારમાં બુટિક પર જતી હતી. ત્યાં જ તેને રાધિકાનો ફોન આવ્યો. ફોન પર વાત કરતાંની સાથે જ રાહીએ કારને જોરથી બ્રેક લગાવી. કારના ટાયર રોડ સાથે ઘસાઈને અવાજ કરવાં લાગ્યાં. કાનેથી ફોન ફરી બાજુની સીટ પર મૂકીને રાહીએ કારને બુટિક તરફ નાં લઈ જઈને બીજાં રસ્તે વાળી. રાહી કારને પ્રહલાદ નગર તરફ જતાં ૧૦૦ ફીટ રોડ તરફ ભગાવવા લાગી. અચાનક જ કાર એક મીઠાઈની દુકાન સામે આવીને ઊભી રહી ગઈ. જ્યાં ઘણાં લોકોની ભીડ એકઠી થઈ હતી. દુકાન સામે જ એક બુલડોઝર પડ્યું હતું. તેની પાસે ફોર્મલ કપડાંમાં બે વ્યક્તિ ઉભાં હતાં. રાધિકા અને મહાદેવભાઈ દુકાનનાં પગથિયે ઉભાં હતાં. કાર્તિક થોડો ડરેલો જણાતો હતો. રાહીને જોઈને રાધિકા દોડતી તેની પાસે આવી.
"દીદુ, આ લોકો કહે છે. આપણી દુકાન ઈલીગલ છે. તેને તોડવી પડશે." રાધિકાએ પરેશાન સ્વરે કહ્યું.
રાહી પણ થોડીવાર પૂરતી ડરી ગઈ. પણ તેણે હિંમત નાં હારી. તે પેલા બે વ્યક્તિઓ તરફ આગળ વધી. તે બંને ચહેરા પર કોઈપણ પ્રકારનાં હાવભાવ વગર ઉભાં હતાં. રાહી તેમની સામે જઈને ઉભી રહી ગઈ.
"આ દુકાન મારાં પપ્પાના જન્મ પહેલાંની આ જગ્યાએ જ છે. તો અચાનક આટલાં વર્ષો પછી આ ઈલીગલ કેવી રીતે થઈ ગઈ??" રાહીએ તે બંનેની આંખોમાં જોઈને પૂછયું.
"અ..અમને તો આ દુકાન તોડવાનો ઓર્ડર મળ્યો છે. બાકી અમને કાંઈ જ ખબર નથી." એમાંના એક વ્યક્તિએ નરમ પણ ડરેલા અવાજે કહ્યું. તેમને ડરેલા જોઈને રાહીને વધું હિંમત મળી.
"તો ઓર્ડરના પેપર્સ લાવો. તમને ઓર્ડર મળ્યો છે. તો સરકાર તરફથી પેપર્સ પણ મળ્યાં જ હશે. દુકાન ઈલીગલ છે. એ સાબિત કરવા પુરાવો તો જોઈશે ને."
"એ અમારે તમને આપવાની જરૂર નથી. અમને દુકાન તોડવાનો ઓર્ડર મળ્યો છે. અમને અમારું કામ કરવાં દો." બીજાં વ્યક્તિએ થોડો ગુસ્સો બતાવતાં કહ્યું.
"એય, આમ રાડો કોની સામે પાડે છે. તારો ગુસ્સો બીજે જઈને બતાવજે. આ દુકાન છેલ્લાં કેટલાંય વર્ષોથી મારાં દાદીને નામે છે. જેનાં અમારી પાસે લીગલ પેપર્સ પણ છે. હવે રહી વાત તમારી આ દુકાનને ઈલીગલ કહેવાની. તો જેમ આ દુકાનને લીગલ સાબિત કરવા અમારી પાસે પેપર્સ છે. તેમ આને ઈલીગલ સાબિત કરવા તમારે પણ પેપર્સ બતાવવા જ પડશે. બાકી આ દુકાનનું પગથિયું પણ કોઈ તોડીને બતાવે. પછી જો રાધિકા સિનોજા તેનાં કેવાં હાલ કરે છે. તે તેનાં પગ પર એક કદમ ચાલી શકે. તો આ દુકાન જ નહીં. આ આખો એરિયો તેનાં નામે કરી દવ." રાધિકા ગુસ્સામાં નોન સ્ટોપ બોલવાં લાગી. તેની વાત સાંભળી ફોર્મલ કપડાંમાં સજ્જ બંને વ્યક્તિઓ એકબીજાની સામે જોવાં લાગ્યાં.

"અરે અરે, શું ચાલે છે આ બધું??" અચાનક જ પાછળથી કોઈનો અવાજ સંભળાયો. રાધિકાને એ અવાજ જાણીતો લાગ્યો.‌ તેણે તેજ ગતિથી ગરદન પાછળની તરફ ઘુમાવી. તેની પાછળ આકાશ ઉભો હતો. એ અહીં કેવી રીતે અને શાં માટે આવ્યો. રાધિકા એ જ વિચારમાં ખોવાયેલી હતી. ત્યાં જ આકાશ તેની નજીક આવીને ઉભો રહી ગયો.
"આ બુલડોઝર અહીં કેમ ઉભું છે? આટલાં બધાં લોકો તેનું કામ છોડીને અહીં કેમ ભેગાં થયાં છે?" આકાશે બધાં તરફ નજર દોડાવીને કહ્યું.
રાહી પણ આકાશને અહીં જોઈને હેરાન હતી. રાધિકાએ ઘણી વખત રાહીને આકાશ વિશે જણાવ્યું હતું. જે સાંભળીને રાહીના મનમાં પણ આકાશની એક ખરાબ છાપ ઉભી થઈ ગઈ હતી.
"તારે આ બધાંથી કોઈ મતલબ નથી. તું અહીંથી જતો રહે." રાધિકાએ આંગળી બતાવીને ગુસ્સો કરતાં કહ્યું.
"પહેલાં હકીકત તો જાણી લેવાં દે. કદાચ હું કોઈ મદદ કરી શકું." આકાશે એકદમ શાંતિથી વાત કરતાં કહ્યું.
"આ લોકો અમારી દુકાન તોડવા આવ્યાં છે. એ કહે છે આ દુકાન ઈલીગલ છે." દૂર ઉભેલાં કાર્તિકે કહ્યું.
કાર્તિકની વાત સાંભળી રાધિકાને વધું ગુસ્સો આવ્યો. તેની હંમેશાથી ખોટાં સમયે જ બોલવાની આદત હતી. રાધિકાએ તેને ઘણી વખત સમજાવ્યો પણ હતો. પણ કાર્તિક કંઈ સમજતો જ નહીં.
"જો ભાઈ, મેં પણ આ દુકાનની મીઠાઈ બહું ખાધી છે. આ ઘણાં વર્ષોથી અહીં છે. એવું મારાં બાપુ કહે છે. તો આ ઈલીગલ તો નથી જ. એટલે આ બધું અહીંથી હટાવો અને તમારાં કામે લાગો." આકાશે ફોર્મલ કપડાંમાં સજ્જ એક વ્યક્તિનાં બંને ખંભે હાથ મૂકીને કહ્યું.
"મેં તને કહ્યું ને... અમારે તારી મદદની જરૂર નથી.‌ આ અમારી દુકાન છે. અમારો પ્રોબ્લેમ છે. જેને સોલ્વ કરતાં મને સારી રીતે આવડે છે." રાધિકાએ આકાશનો હાથ પકડી તેને રીતસરનો દૂર ધકેલતા કહ્યુ.
"રાધિકા, આમ બધાં સામે કોઈની બેઇજ્જતી નાં કરાય. એ આપણી મદદ કરી રહ્યો છે. જ્યારે તું તેનાં પર જ ગુસ્સે થઈ રહી છે." મહાદેવભાઈએ રાધિકા પાસે આવીને કહ્યું.
"આને તમે નથી ઓળખતા. તો અત્યારે આનો પક્ષ લેવાં કરતાં. આ લીગલ ઈલીગલનો મામલો રફાદફા કરો." રાધિકા ગુસ્સામાં કહીને જવાં લાગી.
"મામલો તો દુકાન તોડ્યાં પછી જ રફાદફા થશે." અચાનક જ રાધિકાના કાને એ શબ્દો પડ્યાં. રાધિકાએ આવીને ફોર્મલ કપડાંમાં સજ્જ એક વ્યક્તિનો કોલાર પકડી લીધો. તે હવે પોતાનો ગુસ્સો કંટ્રોલ કરવાનાં મૂડમાં ન હતી.
"પહેલાં કાનૂની પેપર્સ લઈને આવ. એ પેપર્સ આ દુકાનને ઈલીગલ સાબિત કરશે. પછી જ કોઈપણ પ્રકારની હરકત થશે. બાકી લગાવું છું હમણાં પોલીસને ફોન એ જ આવીને બધું સાબિત કરશે." રાધિકાનો ગુસ્સો જોઈને પેલો વ્યકિત છટપટાવા લાગ્યો. મહામુસીબતે રાધિકાએ તેનો કોલાર છોડ્યો.
"પેપર્સ પણ લાવીશું. ત્યારે અમને રોકીને બતાવજે." બીજાં વ્યક્તિએ કહ્યું અને બંને પોતાની કારમાં બેસીને તેજ ગતિથી કારને ભગાવી નાસી ગયાં.
"અરે ફિલ્મી સીન જ બનાવવો હતો. તો પહેલાં કહેવાય ને... તમને બંનેને એક સારી એવી ફિલ્મમાં રોલ અપાવી દેત. જેમાં તમે બંને આવાં નાટકો કરી શકત." બંનેને નાસી જતાં જોઈને રાધિકા હસતાં હસતાં ઉંચા અવાજે બોલી. આજુબાજુની દુકાનોવાળા પણ હસવા લાગ્યાં. થોડીવાર પહેલાં જે બન્યું. એ ફિલ્મી સીન કરતાં ઓછું ન હતું. તો બધાંનું હસવું વ્યાજબી હતું.

આકાશ હજું પણ ઢીટની જેમ ત્યાં જ ઉભો હતો. રાધિકાએ તેનાં પર એટલો ગુસ્સો કર્યો. તો પણ તેને જાણે કોઈ ફરક જ નાં પડ્યો હોય. એમ તે રાધિકાની સામે જઈને ઉભો રહી ગયો.
"તને હવે અલગથી જવાનું કહેવું પડશે!? મારે તારી કોઈ જરૂર નથી. મને આવાં પ્રોબ્લેમસ્ સારી રીતે સોલ્વ કરતાં આવડે છે." રાધિકાએ કહ્યું.
"પણ હું તો..." આકાશ કહેતો રાધિકાની નજીક જવાં લાગ્યો. તો રાધિકાએ તેને વચ્ચે જ અટકાવી ધક્કો મારતાં કહ્યું, "ડોન્ટ યૂ ડેર, હિંમત પણ નાં કરતો. રાધિકા સિનોજા કોઈથી ડરતી નથી. હું બોક્સિંગ પણ જાણું છું. આજ સુધી તો તારી હરકતો પર મેં તને માત્ર થપ્પડો જ મારી છે. ક્યારેક બોક્સિંગનો પંચ પડી ગયો. તો તને જ ભારે પડી જશે. ઉલટાનું બધાં એમ કહેશે, કે આકાશ એક છોકરીનાં હાથે પોતાની પિટાઈ કરાવી આવ્યો. એ તો અલગ...એટલે દુનિયા સામે હાંસીપાત્ર ન બનવું હોય. તો મારાથી દૂર જ રહેજે. હું મારી ઔકાત પર આવું. એ પહેલાં નીકળ હવે અહીંથી." રાધિકા આકાશને બધાં વચ્ચે કેટલુંય સંભાળાવીને તેને એક સાઈડ કરીને આગળ વધી ગઈ.
રાધિકાએ આકાશને એવું બધું કેમ કહ્યું. એ મહાદેવભાઈ નાં સમજી શક્યાં. આજુબાજુ ઉભેલાં લોકો રાધિકા આકાશને જે રીતે ધમકાવીને ગઈ. એ જોઈને હસતાં હતાં. આકાશ ગુસ્સે થઈને નીચી નજર કરીને ત્યાંથી જતો રહ્યો.
"ખરી દબંગ છોકરી છે. આજ સુધી તો માત્ર આનાં વિશે કોલેજમાં સાંભળ્યું જ હતું. આજે સાક્ષાત દર્શન પણ થઈ ગયાં." ટોળામાંથી એક છોકરો બોલ્યો. ખંભે લટકતું બેગ, સાડા છ ફૂટની ઊંચાઈ, રેડ ટી-શર્ટ અને બ્લૂ લોફર જીન્સ પહેરેલો એ છોકરો બધો સીન જોયાં પછી રાધિકાના વખાણ કરતો આગળ વધી ગયો.

"પપ્પા, તમે ચિંતા નાં કરો. આપણી દુકાનને કોઈ કંઈ નહીં કરી શકે." રાહીએ મહાદેવભાઈના ખંભે હાથ મૂકીને તેમને આશ્વાસન આપતાં કહ્યું.
"આ રાધિકા આકાશને એ બધું શાં માટે કહેતી હતી? આકાશ તો એક સારો છોકરો છે. આપણી દુકાને ઘણીવાર મીઠાઈ લેવાં પણ આવ્યો છે. જોતાં તો સંસ્કારી લાગે છે. તો પછી રાધિકા..." મહાદેવભાઈ રાધિકાના વર્તનને લઈને થોડાં ચિંતિત હતાં. તેઓ વધું કાંઈ બોલે એ પહેલાં જ રાહી મહાદેવભાઈને દુકાનની અંદર લઈ ગઈ. તેણે મહાદેવભાઈને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું, "બીજી વાતો પછી કરીશું. હું હવે નીકળું. તમે તમારું અને દુકાનનું ધ્યાન રાખજો." કહીને રાહી જતી રહી.
રાહી જે રીતે મહાદેવભાઈની વાત ટાળીને ગઈ. એ પછી તે પણ સમજી ગયાં હતાં. કંઈક તો ગરબડ છે. છતાંય આજે જે રીતે રાધિકાએ હિંમત બતાવી. એ પછી તેમને રાધિકા પર ગર્વ થતો હતો. રાધિકાનું આજનું રૂપ જોયાં પછી તેમને ખરેખર પોતાનાં વિચાર પર વિશ્વાસ થઈ ગયો કે તેમણે પોતાની દિકરીઓને જ દીકરા માન્યાં. એમાં કંઈ ખોટું કર્યું ન હતું.
રાધિકા પોતાની સાથે બીજાંને પણ સંભાળી લેવા સક્ષમ હતી. છોકરી હોવાં છતાં તેની આંખોમાં ડર ન હતો. તે પોતાનાં હક માટે લડી શકવા સક્ષમ હતી. મહાદેવભાઈ તો થોડી ક્ષણો માટે દુકાનને તોડવી પડશે. એ સાંભળીને ડરી ગયાં હતાં. પણ રાધિકા જરાં પણ ડરી ન હતી. ઉલટાનું તેણે મહાદેવભાઈને સંભાળતા દુકાન પણ બચાવી લીધી. મહાદેવભાઈ રાધિકા અને રાહી વિશે વિચારતાં પોતાનાં કામે લાગ્યાં.

આ તરફ રાહી જ્યારે બુટિક પર પહોંચી. ત્યારે રાધિકા અંદર અહીંતહીં ચક્કર લગાવી રહી હતી. તે પૂરાં ગુસ્સામાં હતી. રચના તેનાં ટેબલ પાસે રાધિકાને જોતી ઉભી હતી. તેની નજર રાહી પર પડી. તો રાહીએ રચના સામે હાથ વડે શું થયું? નો ઈશારો કર્યો.
"કંઈ ખબર નથી. આવી ત્યારથી આમ જ ચક્કર લગાવે છે. પૂછવા છતાંય કંઈ નાં કહ્યું." રચનાએ રાહી પાસે આવીને ધીરેથી કહ્યું.
રાહી ધીરેથી રાધિકા પાસે ગઈ. પણ રાધિકાએ જાણે રાહીને જોવાં છતાંય અનદેખી કરી હોય. એમ તેનું ચક્કર લગાવવાનું ચાલું જ હતું. રાહી રાધિકાનો હાથ પકડી તેને પોતાની કેબિનમાં લઈ ગઈ.‌ ચેર પર રાધિકાને બેસાડીને તેને ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ આપ્યો. ત્યાં સુધીમાં રચના પણ ત્યાં આવી પહોંચી.
"હવે બોલ. શું છે આ બધું?" રાધિકાના પાણી પીધાં પછી રાહીએ પૂછ્યું.
"આજે જે થયું. એ આકાશનો જ પ્લાન હતો. તે ખુદ એ બધું કરીને ખુદ જ આવીને આપણી દુકાન બચાવીને પપ્પાની નજરમાં સારો બનવા માંગતો હતો. જેનાંથી હું ક્યારેક પપ્પાને તેનાં વિશે કહું તો પણ પપ્પા તેને નહીં મને જ ખોટી સમજે." રાધિકાએ વાત પૂરી કરતાં ટેબલ પર મુક્કો માર્યો.
"ઓય બોક્સર, ટેબલ તૂટી જશે. અને આમ પણ આ બધું તે ખુદ જ વિચારી લીધું કે પછી તે ખુદ જ તપાસ કરી??" રાહીએ રાધિકાનો હાથ પકડીને પૂછ્યું.
"આકાશનો એક મિત્ર છે. તે રહે છે આકાશ સાથે પણ તેનાં કામની બધી ખબર એ મને આપે છે. તેણે જ બધી વાત મને કરી."
"આકાશનો મિત્ર આકાશનાં કામની ખબર તને કેમ આપે છે?" રાહીએ નેણ ઉંચા કરીને પૂછ્યું.
"આકાશે એક વખત તેનાં મિત્રની બહેનને પણ હેરાન કરવાની કોશિશ કરી હતી. ત્યારે તેની બહેનને મેં બચાવી હતી. બસ ત્યારથી જ એ આકાશનાં બધાં સારાં ખરાબ કામની જાણકારી મને આપે છે. જેમાં સારું કામ તો ક્યારેય હોતું જ નથી." રાધિકાએ મોઢું બગાડતાં કહ્યું.
"એ બધું તો બરાબર છે. પપ્પા સાચે જ આકાશને સંસ્કારી અને સારો છોકરો માને છે. પણ આ બધું હવે તારે જલ્દી ખતમ કરવું પડશે. આજે તે જે કર્યું. એ પછી પપ્પા તારી અને આકાશ પર પૂરતી નજર રાખશે. પછી જો તેમને ખબર પડી કે આકાશ તને હેરાન કરે છે. તો બધું બગડશે. પપ્પા આ મેટરમા કારણ વગર જ ઈનવોલ્વ થઈ જાશે." રાહીએ રાધિકાને સમજાવી.

રાધિકા પણ આ બધું મહાદેવભાઈ સુધી પહોંચવા દેવાં માંગતી ન હતી. છેલ્લાં બે વર્ષથી એ એકલી જ આકાશનો સામનો કરી રહી હતી. આજે આકાશે હદ પાર કરી હતી. હવે તો રાધિકા પણ ઈચ્છતી હતી કે કોલેજ પૂરી થયાં પહેલાં અને મહાદેવભાઈના આ મામલામાં ઈનવોલ્વ થયાં પહેલાં જ આકાશનો મામલો થાળે પડી જાય.
"અત્યારે તમે બંને તમારાં કામ અને પેકિંગ પર ધ્યાન આપો. તમારાં બંનેની ટિકિટ બુક થઈ ગઈ છે." રચનાએ રાધિકા અને રાહીને વિચારતી જોઈને કહ્યું.
સવાર સવારમાં જે બન્યું. એ પછી બંને બહેનો એ તો ભૂલી જ ગઈ હતી કે પહેલી તારીખે બંનેને બનારસ જવાં નીકળવાનું છે. જેમાં હવે બાર દિવસ જ બાકી રહ્યાં હતાં. રાધિકાએ રાહી સામે એક મીઠું સ્મિત કરીને કહ્યું, "દીદુ, આજથી કામ પર લાગી જાઓ. જેટલાં પણ સારાં અને યુનિક કપડાં હોય. એ બધાં પેક કરી લેજો. કેમકે બનારસ ગયાં પછી એક નવાં જ સફરની શરૂઆત થવાની છે. જેની એક એક પળને યાદગાર બનાવવાની છે."
રાધિકાની વાત સાંભળી રાહી સહિત રચના પણ હસવા લાગી. રાધિકા બંનેને બાય કહીને બહાર નીકળી ગઈ. અગિયાર તો ક્યારનાં થઈ ગયાં હતાં. ઘરેથી કોલેજ જવાં નીકળેલી રાધિકા કોલેજે પહોંચી જ ન હતી. હવે કોલેજ જવાનો કોઈ ફાયદો પણ ન હતો. રાધિકાએ બુટિક પરથી જ પોતાની એક્ટિવા પર સવાર થઈને ઘર તરફ જતાં રસ્તે એક્ટિવા દોડાવી મૂકી.
રાહી પોતાનાં કામમાં લાગી ગઈ. તે મહાદેવભાઈએ પૂછેલ સવાલ વચ્ચે જ કાપીને આવી હતી. તે વાતનું તેને દુઃખ હતું. પણ એ મહાદેવભાઈને હેરાન કરવા માંગતી ન હતી. બાકી રાધિકા સમજદાર હતી. આકાશની મેટર કેવી રીતે ક્લોઝ કરવી. એ અંગે તેનું વિચારવાનું ચાલું જ હતું. ત્યાં જ તેની નજર ક્યારનાં કંઈક વિચારી રહેલાં કેતન પર પડી. ક્યારનાં કંઈક વિચારતાં વિચારતાં જ કામ કરી રહેલાં કેતનને રાહીએ કેબિનના કાચથી બનેલાં દરવાજામાંથી જોઈ લીધો. રાહી કેબિનની બહાર નીકળીને કેતનની પાસે ગઈ.
"શું થયું?? કોઈ પ્રોબ્લેમ છે?" રાહીએ કેતનના ખંભે હાથ મૂક્યો. તો કેતન રાહીનો સવાલ સાંભળી ઉભો થયો.
"કંઈ ખાસ નહીં. બસ..." કેતન આગળ કંઈ કહે. એ પહેલાં રાહીએ તેનાં ચહેરા પરનાં પરેશાનીના ભાવ જોઈને કહ્યું, "કેબિનમાં આવ ત્યાં વાત કરીએ." કહીને રાહી કેબિનના દરવાજા તરફ આગળ વધી ગઈ. કેતન પણ તેની પાછળ ચાલતો થયો.
"હવે બોલ. આટલો પરેશાન કેમ છે?" રાહીએ કેતનને ચેર પર બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું.
"મારો એક મિત્ર છે. હમણાં તેનાં મમ્મીનો ફોન આવ્યો હતો. તેમણે મારાં મિત્રનાં લગ્ન માટે એક છોકરી શોધી છે. પણ..." કેતન કહેતાં કહેતાં અટકી ગયો.
"પણ શું?? લગ્નની ઉંમર થાય એટલે લગ્ન તો કરવાં જ પડે. કે પછી તારાં ફ્રેન્ડને કોઈ બીજી છોકરી પસંદ છે??" રાહીએ કેતન સામે જોઈને પૂછયું.
"એવું જ છે. તેને બીજી છોકરી જ પસંદ છે." કેતને કંઈક વિચારીને કહ્યું.
"હાં, તો એવું જ હોય. તો તેણે તેનાં મમ્મી-પપ્પા જોડે વાત કરવી જોઈએ." રાહીએ પ્રોબ્લેમનુ સોલ્યુશન આપતાં કહ્યું.
"પણ સાચો પ્રોબ્લેમ એ નથી. સાચો પ્રોબ્લેમ એ છે કે મારો ફ્રેન્ડ જે છોકરીને પસંદ કરે છે. તેને તે ઓળખતો પણ નથી. તે ક્યાં રહે છે? તેનું નામ શું છે? તેનો પરિવાર કોઈ જાતની ખબર નથી. એનાંથી મોટો પ્રોબ્લેમ એ છે. મારાં મિત્રએ તે જ્યારે દશ વર્ષનો હતો. ત્યારે તે છોકરીને જોઈ હતી. હાલ એ વાતને પંદર વર્ષ થઈ ગયાં. હવે તો એ છોકરી કેટલી બદલી ગઈ હશે. એવામાં મારો મિત્ર એ છોકરીને શોધે છે. બસ આ જ વાતની તેનાં મમ્મી-પપ્પાને ચિંતા થાય છે."
કેતનની આખી વાત સાંભળીને રાહી પણ વિચારમાં પડી ગઈ. એટલી નાની ઉંમરે જોયેલી છોકરીને કોઈ એટલી હદ સુધી કેવી રીતે પસંદ કરી શકે?? કે આજ સુધી તેને શોધવાની કોશિશ કરે. રાહી પોતાનાં જ વિચારોમાં ખોવાઈ ગઈ. તેને આગળ પૂછવાની ઇચ્છા થઈ. ત્યાં જ કેતનને કોઈકનો કોલ આવ્યો. તો એ બહાર જતો રહ્યો.
રાહી એ બાબતે વિચારતી કામમાં વ્યસ્ત થઈ ગઈ પછી તો એ એવી વ્યસ્ત થઈ કે રાતે નવ વાગ્યે તેને સમયનું ભાન થયું. રાહી રાતે નવ વાગે બુટિક બંધ કરીને ઘરે જવા નીકળી.

બનારસ જવામાં બાર દિવસ જ બાકી હોવાથી બંને બહેનો કોલેજ અને બુટિકના કામમાં એવી લાગી કે બાર દિવસ ક્યારે પૂરા થઈ ગયાં. કોઈને જાણ પણ નાં થઈ.
એક દિવસ સવારે રાહી પોતાનું બેગ પેક કરી રહી હતી. રાધિકા તેનાં રૂમમાં તેનું બેગ પેક કરી રહી હતી. આજે પહેલી માર્ચ હતી. સાંજે ૦૫:૪૫ વાગ્યે રાહી અને રાધિકાની બનારસ જવાની ટ્રેન હતી. રાહી પોતાનું બેગ પેક કરવામાં વ્યસ્ત હતી. ત્યારે જ ગૌરીબેન તેનાં માટે ગ્રીન ટી લઈને આવ્યાં.
"બેટા, કોઈ કામ હોય તો જણાવજે." ગૌરીબેને કહ્યું.
"નાં મમ્મી, મારે કોઈ કામ નથી. પણ કદાચ રાધિકાને તારી જરૂર હશે." રાહીએ ગ્રીન ટીનો એક ઘૂંટ ભરતાં હસીને કહ્યું.
ગૌરીબેન રાહીના રૂમમાંથી રાધિકાના રૂમમાં આવ્યાં. રાધિકા બેગની ચેન બંધ કરવાની કોશિશ કરી રહી હતી. પણ ચેન એટલી અલ્લડ હતી કે બંધ થતી જ ન હતી. ગૌરીબેને તેની પાસે જઈને જાતે જ ચેન બંધ કરવાની કોશિશ કરી. પણ ગૌરીબેન પણ ચેન બંધ નાં કરી શક્યાં. આખરે તેમણે બેગ ખોલીને જોયું. તો તેમનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.
રાધિકાએ બધો સામાન મનફાવે એમ ભરી દીધો હતો. એક વસ્તુ સરખી રીતે મૂકેલી ન હતી. એમાંય તે બે-ત્રણ મહિના રોકાવા જતી હોય. એટલો સામાન બેગની અંદર હતો. એવામાં ચેન કેવી રીતે બંધ થાય. ગૌરીબેને આખી બેગ બેડ પર ઉંધી વાળી દીધી. પછી એક એક વસ્તુ સરખી રીતે ગોઠવીને એમાં ભરવાં લાગ્યાં. પછી જ્યારે ગૌરીબેને ચેન બંધ કરી. તો ચેન કોઈપણ જાતનાં નખરાં કર્યા વગર બંધ થઈ ગઈ. રાધિકા સ્માઈલ કરીને ગૌરીબેનને ભેટી પડી. ગૌરીબેને વ્હાલથી રાધિકાના માથે હાથ ફેરવ્યો. બંને બહેનોની પેકિંગ પૂરી થઈ. ત્યાં સુધીમાં બપોર થઈ ગઈ હતી. ગૌરીબેન નીચે જઈને રસોઈના કામે લાગ્યાં.
આજે સોમવાર હતો. રાહી બેગ પેક કરીને આજે ફરી તેને જે સપનું આવ્યું. એ વિશે વિચારી રહી હતી. ત્યારે તેને પોતાની ડાયરી યાદ આવી. તેણે ડ્રોવરના ખાનામાંથી ડાયરી કાઢીને એ પણ બધાં સામાન સાથે મૂકી દીધી. પછી ફરી એ સપનાંની દુનિયામાં ખોવાઈ ગઈ.

એક હેન્ડસમ અને ડેશિંગ છોકરો વ્હાઈટ શર્ટ પર બ્લેક બ્લેઝર અને નીચે બ્લેક જીન્સ પહેરીને મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કારની ડ્રાઈવર સીટ પર બેઠો હતો. જેની મુંબઈમાં રોડ પ્રાઈઝ ૬ થી ૧૦.૪૯ લાખ કિંમત હતી. એવી રેડ કલરની કારને એ છોકરો મુંબઈની સડકો પર દોડાવી રહ્યો હતો.
મુંબઈનાં બધાં કાફે, હોટેલ અને પાર્કમાં તેની નજર ફરી રહી હતી. બધી જગ્યાઓ ખચોખચ ભરી હતી. એ બધાંની વચ્ચે આ હેન્ડસમ છોકરો એકલો જ મુંબઈની સડકો પર કારને મુંબઈનાં જુહૂ બીચ તરફ જતાં રસ્તે હંકારી રહ્યો હતો. આંખો પર લગાવેલાં કાળાં ચશ્માંના પડદાએ તેની આંખોની કીકીઓ અને તેમાંની ખૂબસૂરતી છુપાવી રાખી હતી. બાકી સતત જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, ડાબા હાથની બ્રાન્ડેડ વોચ, ગોરો રંગ, જમણાં આઈબ્રો પાસે નાનું એવું કાળું તલ, ગુલાબી સખ્ત હોંઠ આટલું તેનાં આકર્ષક દેખાવ માટે કાફી હતું. જૂહુ બીચ પર પહોંચીને એ એકલો જ ત્યાં બેસીને સમુદ્રનાં પાણીને નિહાળી રહ્યો. આ થોડું અજીબ હતું. આટલો હેન્ડસમ છોકરો મુંબઈ જેવી માયાનગરીમા એકલો બેઠો હોય. એ વાત પોતાનામાં જ અલગ રૂપ લેવાં કાફી હતી.
એ એક મોટાં પથ્થર પર બેઠો સમુદ્રનાં પાણીને નિહાળી રહ્યો હતો. ત્યાં જ તેનાં મોબાઈલ પર એક‌ મેસેજની નોટિફિકેશન પોપ‌‌‌ અપ થઈ. તેણે મેસેજ વાંચ્યો. ફરી કારમાં બેઠો. અને કારને ફરી રસ્તા પર દોડાવી મૂકી. કાર મલબાર હિલ તરફ જઈ રહી હતી. ત્યાં એક વિશાળ બંગલો સામે કાર ઉભી રહી. કારને રોકતાની સાથે જ કારની વિન્ડો ખુલી. એ સાથે જ એક છોકરી ટ્રોલી બેગ સાથે કાર તરફ આગળ વધી.
"ભાઈ, મેં તમને કહ્યું હતું ને આપણે સવારે નીકળવાનું છે. છતાંય તમે બપોર કરી દીધી." છોકરીએ આવીને કહ્યું.
છોકરાએ સામે કંઈ બોલ્યાં વગર જ કાન પકડી લીધાં. અંદરથી કડક સાડીમાં સજ્જ ગોરી નમણી સ્ત્રી આવી. તેને જોઈને છોકરી ચૂપ થઈ ગઈ.
"તન્વી, ભાઈને વધું પરેશાન નાં કર. તેને ઘણાં કામ હોય છે. હવે જલ્દી તમે બંને નીકળો. અમદાવાદથી તારી ૦૯:૪૫ ની ટ્રેન છે." એ સ્ત્રીએ છોકરાનો પક્ષ લેતાં કહ્યું.
તન્વી ચૂપચાપ પાછળની સીટ પર બેગ મૂકીને આગળની સીટ પર બેસી ગઈ. કાર અમદાવાદ તરફ જતાં રસ્તે ફરી દોડવા લાગી.
"ભાઈ, મમ્મી હંમેશાં તમારો જ પક્ષ લે છે. તમે મોડાં પડ્યાં. તો પણ મમ્મીએ કાંઈ નાં કહ્યું. જ્યારે હું મોડી પડું તો મમ્મી એક આખી કલાકનું લાંબુ લેક્ચર આપી દે." તન્વીએ શિકાયત કરતાં કહ્યું. છોકરો કંઈ બોલ્યાં વગર માત્ર સ્માઈલ કરવાં લાગ્યો. સ્માઈલ કરતી વખતે તેનાં ગાલે પડતાં ખંજન તેને વધું સારો લૂક આપતાં હતાં. પણ આંખો પર લાગેલાં કાળાં ચશ્માંના પડદાં હજું પણ હટ્યા ન હતાં.
કાર તેની ગતિથી અમદાવાદ તરફ દોડી રહી હતી. બપોરનાં બે વાગ્યા હતાં. નવ કલાક ઉપરનો રસ્તો હતો. સફર કંટાળાજનક નાં લાગે એટલે છોકરાએ મ્યુઝિક સિસ્ટમ પર ગીતો શરૂ કર્યા.







(ક્રમશઃ)






_સુજલ બી.પટેલ