Infinite Travel Companion - 2 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 2

૨.એક મક્કમ નિર્ણય


વહેલી સવારે જ્યારે રાહીની આંખ ખુલી. ત્યારે સવારનાં પાંચ થયાં હતાં. રાહી ઉઠીને જોગિંગ સુટ પહેરીને જોગિંગ પર નીકળી ગઈ. અમુક વખતે મનને શાંત કરવાં મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા રાહી જોગિંગનો રસ્તો અપનાવતી.
આમ તો રાહીને મોડાં સુધી સુવાની આદત હતી. પણ રાહી પોતાની મુસીબતનો રસ્તો બીજું કોઈ શોધી આપશે. એવી ખોટી ઉમ્મીદ કોઈ પાસે રાખી નાં શકતી. બસ એનાં જ કારણે તે ક્યારેક વહેલાં ઉઠીને એક અલગ સફર પર નીકળી પડતી. જેનો એક અંત તો હતો. પણ એમાંય એક નવી શરૂઆત છુપાયેલી હતી.
રાહી ઘરેથી દોડતી આવીને વસ્ત્રાપુર તળાવ પાસે એક ઝાડ નીચે રહેલાં બાંકડા પર બેસી ગઈ. અમદાવાદનાં પોશ વિસ્તારમાં રહેતી રાહીને આ તળાવ ઘરથી નજીક થતું. આ જગ્યા સાથે પણ રાહીની ઘણી યાદો જોડાયેલી હતી. રાહી અવારનવાર પોતાનાં પ્રશ્નોના જવાબ મેળવવા અહીં આવી પહોંચતી.
સવારની દિલને ટાઢક આપે એવી ઠંડી, મંદ મંદ પવન, સુરજના સોનેરી કિરણો જે તળાવનાં પાણી પર પડતાં પાણીને ચમકાવી રહ્યાં હતાં. એ જોઈને રાહીના ચહેરા પર એક સ્મિત આવી ગયું.

"આ પાણી કેટલું શાંત છે. કાશ આ પાણી જેવું જ મારું જીવન પણ શાંત હોત." રાહી પાણીને જોઈને એકાએક જ બોલી ઉઠી.
"તારું જીવન પણ આ પાણી જેવું જ શાંત થશે. બસ હાર માન્યાં વગર નિરંતર આગળ વધતી રહેજે. તારી મંઝિલ તને જરૂર મળશે." એક વિશ્વાસથી ભરપૂર અવાજ રાહીના કાને પડ્યો. રાહીએ એ દિશામાં નજર કરી.
ચહેરા પર નિતરતુ તેજ, આંખોમાં એક ચમક, ગળામાં મોટાં મોટાં રૂદ્રાક્ષના પારાની માળા, એક હાથમાં કમંડળ અને ભગવા વસ્ત્ર ધારણ કરીને આત્મવિશ્વાસથી છલોછલ એવાં સાધુ મહારાજ રાહીની નજર સમક્ષ ઉભાં હતાં.
"પ્રણામ મહારાજ." રાહીએ હાથ જોડતાં કહ્યું.
સાધુ મહારાજે એક હાથ ઉંચો કરીને આશીર્વાદ આપ્યાં. સાધુ મહારાજની વાતો સાંભળી તેમને જોયાં પછી રાહી શું બોલવું એવી અસમંજસમાં મૂકાઈ ગઈ. તો સાધુ મહારાજે ફરી કહ્યું, "અમુક સવાલોનાં કોઈ જવાબ નથી હોતાં. સવાલમાં જ જવાબ છુપાયેલો હોય છે. તારાં નવાં સફરની શરૂઆત થઈ ગઈ છે. બસ તારે સમજવાં જેટલી જ વાર છે."
રાહી કંઈ સમજી શકે એ પહેલાં જ સાધુ મહારાજ એટલું કહીને ચાલતાં થયાં. રાહી ફરી એ શાંત પાણીને તો સામે ચાલતાં જતાં સાધુ મહારાજને જોવાં લાગી. એકાએક તેની નજર ઉપર આકાશ તરફ પડી. આંખો અંજાઈ જાય એવો સુરજ આકાશમાં ઉગી નીકળ્યો હતો. રસ્તા પર વાહનોની અવરજવર પણ ચાલું થઈ ગઈ હતી. અમદાવાદ એક રાત પછી ફરી દોડતું થઈ ગયું હતું. રાહી પણ પોતાનાં ઘર તરફ જતાં રસ્તે ફરી દોડવા લાગી.

રાહી જ્યારે ઘરે પહોંચી. ત્યારે બધાં નાસ્તાના ટેબલ પર મોજુદ હતાં. રાહી એક નજર મહાદેવભાઈ તરફ કરીને પોતાનાં રૂમમાં જતી રહી. મહાદેવભાઈ ન્યૂઝ પેપર વાંચવામાં મગ્ન હતાં. છતાંય તેમણે સીડીઓ ચડી રહેલી રાહી પર એક ત્રાંસી નજર કરી લીધી.
આંખો પર નંબરના ચશ્માં, લંબગોળ ચહેરો જેનાં પર હંમેશાં થોડો ગુસ્સો અને અસમજના મિશ્રિત ભાવ જોવાં મળતાં. ઉંમરની સાથે ચહેરા પર થોડી કરચલીઓ પણ દેખાઈ આવતી. હંમેશાં લાંબો સફેદ ઝભ્ભો અને ચુડીદાર પહેરીને ફરતાં મહાદેવભાઈનો રૂઆબ તેમનાં કપડાં અને ચહેરા પરથી જ દેખાઈ આવતો.
ગૌરીબેન રસોડાનાં કામમાં વ્યસ્ત હતાં. રાહી આવી એટલે તેમણે એક કપમાં ગ્રીન ટી લાવીને રાહીને આપી. રાહી ડાઇનિંગ ટેબલની ખુરશી પર નાં બેસીને હોલમાં રહેલાં સોફાની ખુરશી પર બેસીને ગ્રીન ટી પીવા લાગી.
"હું નીકળું છું. મારું ટિફિન તૈયાર હોય તો મને આપી દો." મહાદેવભાઈએ ઉભાં થઈને રાહી તરફ નજર કરીને કહ્યું.
ગૌરીબેન રસોડામાંથી આવીને ટિફિન આપી ગયાં. મહાદેવભાઈ થોડાં ગુસ્સામાં નજર આવતાં હતાં. ગૌરીબેને એક નજર સોફાની ખુરશી પર બેસેલી રાહી તરફ કરી. એ પણ મહાદેવભાઈને સામી ટક્કર આપે એવી નજરથી મહાદેવભાઈને જોઈ રહી હતી. એકાએક રાહીની નજર ગૌરીબેન પર પડી. ગોળ ગોરાં ચહેરા પર એક ડર અને મોટી મોટી વ્હાલથી ભરપૂર આંખોમાં એક ચિંતા રાહીને સ્પષ્ટપણે દેખાઈ આવી. એમનો ડર અને ચિંતા મિશ્રિત ચહેરો જોઈને રાહીએ પોતાની નજર મહાદેવભાઈ પરથી હટાવીને ગ્રીન ટીના કપ પર કરી લીધી.
મહાદેવભાઈના ગયાં પછી રાહી ગ્રીન ટી પીને કપ ટેબલ પર મૂકીને પોતાનાં રૂમમાં જતી રહી. રાધિકા કોલેજ જવા માટે તૈયાર થઈ રહી હતી. રાહી પર્સ લઈને બુટિક પર જવાં નીકળતી હતી. ત્યાં જ રાધિકા રૂમનાં દરવાજા પાસે તેની સાથે અથડાઈ ગઈ.
"અરે...અરે... આટલી ઉતાવળે ક્યાં જવું છે." રાહીએ રાધિકાના ખંભા પકડીને તેને સરખી ઉભી રાખતાં કહ્યું.
"દીદી...મારે થોડાં..."
"રૂપિયાની જરૂર છે." રાહીએ રાધિકાનુ છોડેલુ અધૂરું વાક્ય પૂરું કરતાં કહ્યું.
રાધિકા તરત જ રાહીને ગળે વળગી પડી. રાહીએ પ્રેમથી તેને દૂર કરતાં પર્સમાંથી બે હજારની નોટ કાઢીને આપી. "થેંક્યું દીદી." રાધિકા એટલું કહીને જતી રહી. તે હજું સીડીઓ સુધી પહોંચી જ હતી. ત્યાં જ તે ફરી દોડીને રાહી પાસે આવી.
"દીદી, તમારે કોઈ મદદની જરૂર હોય તો કહેજો. પૈસાની નહીં પણ તમને તમારી મંઝિલ સુધી પહોંચવા માટે પપ્પા સાથે લડાઈ કરવામાં જરૂર મદદ કરીશ." રાધિકાએ એક આંખ મીંચીને કહ્યું.
રાહીએ રાધિકાની વાત પર પ્રેમથી તેનાં માથા પર ટપલી મારી. રાધિકા હસતી હસતી કોલેજ જવા નીકળી ગઈ. રાહી પણ પોતાનાં રૂમનો દરવાજો બંધ કરીને બુટિક પર જવાં નીકળી ગઈ.

રાહી બુટિક પર પહોંચી ત્યારે રચના થોડાં પેપર્સ લઈને બેઠી હતી. જેમાં તે સંપૂર્ણપણે તેને જોવામાં ડૂબી ગઈ હતી. રાહીએ તેની પાસે જઈને તેનાં ચહેરા આગળ હાથ હવામાં લહેરાવ્યો.
"શું આટલું બધું જુએ છે એમાં?" રાહીએ પૂછ્યું.
રાહીનો અવાજ સાંભળી રચનાની તંદ્રા તૂટી. તેણે રાહીને એ પેપર્સ આપતાં કહ્યું, "આ તે બનાવેલાં લહેંગાના ડિઝાઈનસ્ છે. આમાંથી કોઈ એક સારી ડિઝાઈન પસંદ કરીને અંકિતાનો લહેંગો બનાવવાની શરૂઆત કરી દે. માત્ર અઢાર દિવસ જ છે. તું લહેંગો બનાવવામાં ધ્યાન આપ. હું બીજાં કામ સંભાળી લઈશ."
રાહીએ રચનાનાં હાથમાંથી બધાં પેપર્સ લઈને ટેબલ પર મૂકી દીધાં. રચના તરફ જોઈને તેને એક સ્માઈલ આપીને રાહી કેબિનમાં જતી રહી. તેનું આવું વર્તન રચના સમજી નાં શકી. તો એ પણ રાહીની પાછળ તેની કેબિનમાં ગઈ.
"કેટલું કામ છે અને તું આ રીતે સ્માઈલ કેવી રીતે કરી શકે?" રચનાએ રાહીની સામે બેસતાં પૂછ્યું.
રાહી કોઈપણ જાતનો જવાબ આપ્યા વગર તેનાં ટેબલની પાછળ એક કબાટ હતો. એ તરફ જતી રહી. એ ખોલીને તેણે એમાંથી એક મોટું બોક્ષ કાઢ્યું. એ લાવીને તેણે રચના સામે મૂકી દીધું.
રચના એ બોક્ષ જોઈને થોડીવાર રાહી સામે તો થોડીવાર બોક્ષ સામે જોવાં લાગી. રાહીએ રચનાને એ બોક્ષ ખોલવા ઈશારો કર્યો. રચનાએ બોક્ષ ખોલ્યું. તો એમાં આંખો આંજી દે એવો ચમકીલો લાલ અને ક્રીમ કલરનો લહેંગો હતો. જેને જોતાં જ રચનાનાં ચહેરા પર એક મોટી સ્માઈલ આવી ગઈ.
"તો તે આ પહેલેથી જ બનાવી લીધો હતો." રચનાએ લહેંગા પર હાથ ફેરવીને કહ્યું.
"હાં, જ્યારથી અંકિતાની સગાઈ થઈ. ત્યારથી નવરાશના સમયે મેં આનું કામ શરૂ કરી દીધું હતું. બસ એક અઠવાડિયા પહેલાં જ કામ પૂરું થયું." રાહીએ કહ્યું.

લહેંગો એટલો સુંદર બન્યો હતો કે રચનાની તો તેનાં પરથી નજર જ હટતી ન હતી. રાહી તેની જગ્યાએ જઈને બેસી ગઈ. તે અવિરતપણે લહેંગાને નિરખતી રચનાને જોવાં લાગી. એ લહેંગો જોતી વખતે તેણે લગ્નને લઈને જોયેલાં સપનાંઓ તેની આંખોમાં અને ચહેરાની ખુશી પર છલકાતાં હતાં.
"બસ કર હવે. તારાં લગ્ન માટે પણ હું આવો જ બલ્કે આનાથી પણ સુંદર લહેંગો બનાવી આપીશ." રાહીએ રચનાનાં હાથ પર હાથ મૂકીને કહ્યું.
રચનાનું આ દુનિયામાં રાહી સિવાય કોઈ ન હતું. વીસ વર્ષની ઉંમરે એક કાર એક્સિડન્ટમા તેનાં મમ્મી-પપ્પાનુ મૃત્યુ થયું. એ પછી તેની રાહી સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી મિત્રતા હતી. એટલાં વર્ષમાં રાહી જ રચનાનું સર્વસ્વ બની ગઈ હતી.
રાહીની વાત સાંભળી રચનાએ તેની આંખના ખૂણે આવેલાં આંસુને સાફ કર્યા. વાતાવરણ થોડું તંગ થઈ જતાં રાહીએ બે કપ કોફી ઓર્ડર કરી. કોફી આવી ત્યાં સુધીમાં રાહીએ ફરી લહેંગો કબાટની અંદર મૂકી દીધો. કોફી આવ્યાં પછી રચનાએ કોફી પીતાં પીતાં જ રાહીને પૂછ્યું, "તે ઘરે બનારસ જવાવાળી વાત કરી?"
"નહીં, ક્યાંથી શરૂઆત કરું. એ જ સમજ નથી આવતું. એ વાતથી ઘરમાં એક નવી લડાઈ થશે. એનાં જ ડરના લીધે કંઈ કહેવાની હિંમત નથી થતી." રાહીએ કોફીનો એક ઘૂંટ ભરતાં કહ્યું.
"તું નહીં જાય. તો અંકિતાને બહું દુઃખ થશે. આમ પણ તું ક્યારેય કોઈ વાતથી ડરતી નથી. તો આ વખતે શાનો ડર!? એકવાર આન્ટી અને રાધિકા સાથે વાત કરી જો. પછી બધાં મળીને અંકલ સાથે વાત કરજો." રચનાએ સુજાવ આપ્યો.
"આજે સાંજે ઘરે જઈને કંઈક વિચારું. ત્યાં સુધીમાં તું બધાં ઓર્ડરની ફાઈલ મારાં ટેબલ સુધી પહોંચાડી દે. પહેલાં અહીંનું કામ ખતમ કરું. પછી કંઈક વિચારું." રાહીએ કોફીનો ખાલી કપ ટેબલ પર મૂકીને કહ્યું.

રચના ઉભી થઈને કેબિનનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. રાહી આંખો બંધ કરીને કંઈક વિચારવા લાગી. અચાનક જ તેને સાધુ મહારાજે કહેલાં શબ્દો યાદ આવ્યાં. 'તારાં સફરની શરૂઆત થઈ ગઈ છે. બસ તારે સમજવાં જેટલી વાર છે.' રાહીને ત્યારે તો એ વાત કંઈ ખાસ સમજમાં નાં આવી. પણ હવે તેને થોડું થોડું સમજાઈ રહ્યું હતું. ત્યાં જ રચના આવીને એક ફાઈલ આપી ગઈ. તો રાહી કામમાં ડૂબી ગઈ.
સવારનાં નવ વાગ્યે શરૂ કરેલ કામ બપોરનાં બે વાગ્યે પણ પૂરૂં થયું ન હતું. ત્યારે રચના ઘરેથી બનાવેલ બપોરનું જમવાનું લઈને રાહીની કેબિનમાં પહોંચી ગઈ. રાહી હજું પણ કામમાં ડૂબેલી હતી. રચના તેને ડિસ્ટર્બ કર્યા વગર ટિફિનના એક પછી એક ડબ્બા ખોલીને ટેબલ પર મૂકવાં લાગી. છેલ્લો રસગુલ્લાનો ડબ્બો ખુલતાં જ રાહીની નજર એ ડબ્બા પર જઈને અટકી.
રાહીના ચહેરા પર રસગુલ્લા જોઈને આવેલી સ્માઈલ જોઈને રચના પણ મુસ્કુરાઈ. રાહીએ ફાઈલ ટેબલ પર મૂકી દીધી. તેની નજર ભરેલ ભીંડાનું શાક, રૂમાલી ફુલકા રોટલી, મસાલા છાશ, અડદના પાપડ, બૂંદીનુ રાયતું અને સલાડના ડબ્બા તરફ મંડરાવા લાગી.
"હવે જોઈશ જ કે શરૂ પણ કરીશ?" રચનાએ ચહેરા પર સ્માઈલ લાવીને પૂછ્યું.
"યાર, તું અને મમ્મી આટલું સરસ જમવાનું બનાવીને મારી ડાયટની તો બેંડ બજાવી દો છો. આટલું સરસ જમવાનું જોઈને તેની તીવ્ર સુગંધમાં મારી ડાયટ તો ક્યાંય ઉંડી ખોવાઈ જાય છે." રાહી રચનાની રસોઈના વખાણ કરી રહી હતી કે તેને પોતાની ડાયટમાં ખલેલ પહોંચાડવા માટે સંભાળાવી રહી હતી. એ જ રચનાને નાં સમજાયું.
રચના કંઈ સમજી શકે. એ પહેલાં જ રાહી બધી વસ્તુઓ પર તૂટી પડી. રચનાએ અચાનક જ રાહીએ હાથમાં લીધેલી ફુલકા રોટલી તેનાં હાથમાંથી ખેંચી લીધી. રાહી તેની સામે જોવાં લાગી.‌ તો રચનાએ ટેબલ પર પડેલી પ્લેટમાં એક એક કરીને બધી વસ્તુઓ મૂકી પછી રાહી તરફ એ પ્લેટ લંબાવતા કહ્યું, "આટલી મોટી ફેશન ડિઝાઈનર છે. પણ જમવાનું જોતાં જ પાગલ બની જાય છે. જમવાનું પ્લેટમાં મૂકીને જમીએ તો જ સારું લાગે. આ રીતે કોઈ સીધું ટિફિનના ડબ્બામાંથી ખાતું હશે કંઈ!?"
રચના તો રાહીને સમજાવવામાં લાગી હતી. ત્યાં રાહીએ તો જમવાનું શરૂ પણ કરી દીધું હતું. રચના તેને નાનાં બાળકની જેમ જમતી જોઈને સ્માઈલ કરતી કરતી ખુદ પણ જમવા લાગી.

"તો ઘરે વાતની શરૂઆત કેવી રીતે કરીશ. એ અંગે કંઈ વિચાર્યું?" રચનાએ એકાએક જ પૂછ્યું.
"નહીં યાર, રાતે ઘરે જઈશ. બધાંનો મૂડ કેવો છે. એ જોઈને જ કંઈક નક્કી કરીશ. હાલ તો જમવા પર ફોકસ કરવા દે." રાહીએ જમીને એક રસગુલ્લાને પોતાનાં મોંમાં મૂકતાં કહ્યું.
રસગુલ્લાને મોંમાં મૂકતાં જ એ રાહીની જીભ પર જ પાણી પાણી થઈ ગયું.‌ એ સાથે જ રાહીની આંખો બંધ થઈ ગઈ. જાણે એ સંપૂર્ણપણે એ રસગુલ્લાના સ્વાદમાં ખોવાઈ જવા માંગતી હતી.
રચના જમી લીધાં પછી ટિફિન પેક કરવા લાગી. ટિફિન પેક કરીને બંને ફરી પોતપોતાના કામે લાગી ગઈ. આ વખતે રાહીના મનમાં રાતે ફરી કેવી લડાઈનો આરંભ થશે. એ અંગે વિચારો ચાલી રહ્યાં હતાં.
રાહીએ એક જ દિવસમાં કયો ઓર્ડર કેટલાં દિવસમાં પૂરો કરવો. એ અંગે એક લિસ્ટ તૈયાર કરી લીધું. બનારસ જવાં માટે પરિવારનાં સભ્યો અને ખાસ કરીને મહાદેવભાઈને કેવી રીતે મનાવવા એ અંગે રાહીએ હજું કંઈ વિચાર્યું ન હતું. પણ પોતે બનારસ જશે એ વાત પર તે મક્કમ નિર્ણય કરી ચુકી હતી.
રાહીએ ઓર્ડરના લિસ્ટ મુજબ એક કાચાં માલની લિસ્ટ પણ તૈયાર કરી લીધી. જે તેણે રચનાનાં ટેબલ પર મોકલાવી દીધી. એ આવ્યાં પછી જ રાહીનુ કામ શરૂ થઈ શકે એમ હતું. રાહી બની શકે એટલાં ઓર્ડર પોતે જ તૈયાર કરવાં માંગતી હતી. જેની તૈયારી તેણે શરૂ કરી દીધી હતી.
રાતનાં અગિયાર વાગ્યે બધાં લિસ્ટ તૈયાર કર્યા પછી રાહી ઘરે જવા નીકળી. આજનો દિવસ બધું નક્કી કરવામાં જ ગયો હતો. અસલી કામની શરૂઆત તો કાલથી થવાની હતી. એ પહેલાં આજે તેને એક નવી લડાઈની શરૂઆત કરવાની હતી. જે તેને તેનાં નવાં સફરની શરૂઆત કરવાં માટે ફરી એકવાર તેનાં જ પરિવાર અને પપ્પા સાથે લડવાની હતી.

રાહી પોતાની કારમાં ઘરે જવા નીકળી. મ્યુઝિક સિસ્ટમ પર ગીત પ્લે કરતાં જ ૧૯૫૭ના હિલ સ્ટેશન મુવીનુ લતા મંગેશકર અને હેમંત કુમારે ગાયેલું અને એસ.એચ. બિહારીએ લખેલું એક ગીત વાગ્યું. 'નયી મંઝિલ નયી રાહે નયા હૈ મહર્બા અપના, નાં જાને જાકે ઠહરેગા કહાઁ યે કારવા અપના..' એ ગીતની એક એક કડી રાહીના જીવનનાં સફર સાથે જોડાયેલી હતી.
રાહી એ ગીતને સાંભળતી એની એક એક કડીને પોતાનાં જીવન સાથે સરખાવતી ઘરે પહોંચી ત્યારે લગભગ રાતનાં સાડા અગિયાર થઈ ગયાં હતાં. રાહી કારમાંથી બહાર ઉતરીને પોતાનાં આલિશાન ઘર સામે ઉભી રહી ગઈ.
નીલકંઠ વિલા..બે માળની ઈમારત.. જેમાં કોઈપણ જાતની કમી ન હતી. મોટો લાકડાંની કોતરણીવાળો દરવાજો, જેને ખોલતાં જ અંદર મોટી મોટી કાચની બારીઓ, કાચનાં દરવાજા, મોંઘુ ઈન્ટીરીયર, લાકડાની અદભૂત કોતરણીવાળા સોફા, એક મોટું આરસના કોતરકામ વાળું મંદિર, મોટો હોલ, ભવ્ય અને બધી સુવિધાઓથી સજ્જ કિચન, ઉપરની તરફ જવા હોલની વચ્ચોવચ જતી બે સીડીઓ, મોટાં મોટાં રૂમમાં એસીથી માંડીને દરેક રૂમમાં ટીવી સુધીની સુવિધા ઉપલબ્ધ હતી. બસ કોઈ કમી હતી તો આ વિલાને ઘર બનાવવાની.!! કારણ કે આ બધી સુવિધા વિલાની સુંદરતા અને મોટાઈ દર્શાવતી હતી. તેની અંદર રહેતાં લોકોનાં વિચારો મળતાં નાં હોવાથી આ વિલા માત્ર વિલા બનીને જ રહી ગઈ હતી. તે હજું સુધી ઘર બની ન હતી.
રાહી ઘરનાં દરવાજે ઉભી રહીને બધું જોતી હતી. ત્યાં જ ગૌરીબેન સીડીઓ ઉતરીને નીચે આવ્યાં. આજે રાહીને આવવામાં વધું મોડું થઈ ગયું હોવાથી દાદી સુઈ ગયાં હતાં. રાહી અંદર ગઈ.
"તું બેસ હું જમવાનું લગાવું." ગૌરીબેને એ જ શાંત અને પ્રેમાળ અવાજે કહ્યું.
રાહી એક ચેર પર પર્સ મૂકીને બાજુની ચેર પર બેસી ગઈ. ગૌરીબેને જમવાનું પીરસી આપ્યું. રાહી કંઈક વિચારતી જમવા લાગી. તે જમીને ઉભી થઈ. ત્યાં સુધીમાં રાતનાં બાર વાગી ગયાં હતાં. રાહી બાજુની ચેર પર પડેલું પર્સ લઈને પોતાનાં રૂમમાં જવાં સીડીઓ ચડવા લાગી.

રાહી રૂમમાં જઈને પોતાનાં વિશાળ બાથરૂમમાં ઘુસી ગઈ. જ્યાં નહાવા માટે મોટું બાથટબ, એક કાચની જડેલી પહોળી પટ્ટી પર મોંઘુદાટ શેમ્પુ, કન્ડિશનર, ફેશવોશ જેવી કેટલીયે વસ્તુઓ મૂકેલી હતી. બાથટબથી થોડે દૂર વોશબેઝિન હતું. જેની સામેની દિવાલ પર મોટો અરીસો લગાવેલ હતો. રાહી બાથરૂમનો દરવાજો બંધ કરીને એ વોશબેઝિન પાસે જઈને ઉભી રહી ગઈ. તેણે એક નજર અરીસામાં રહેલાં પોતાનાં પ્રતિબિંબ પર કરી પછી પાણીનો નળ ચાલું કરીને તેની નીચે હાથ રાખી એમાં પાણી લઈને તેની છાલક પોતાનાં ચહેરા પર મારવાં લાગી. બે-ચાર વખત એવું કર્યા પછી બાજુમાં લટકતાં ટુવાલને ચહેરા આડે રાખી દીધો. ટુવાલે ચહેરા પરનું બધું પાણી શોષી લીધું. તો તેને ફરી પોતાની જગ્યાએ લટકાવી રાહી બાથરૂમની બહાર નીકળી ગઈ.
બાથરૂમની બહાર નીકળીને રાહીએ બાથરૂમના દરવાજાની દિવાલ પર જ થોડે દૂર આવેલાં પોતાનાં વોર્ડરોબમાથી પાયજામો અને લૂઝ ટી-શર્ટ કાઢ્યું. રાહી બહાર ભલે બ્રાન્ડેડ કપડાં પહેરતી પણ ઘરે તો તેને સાદા અને પોતાને કમ્ફરર્ટેબલ કપડાં જ પહેરવાં ગમતાં. જે તેની પસંદના હોય. જેમાં તેને કોઈ ખોટો ડોળ કે દંભ કરતી હોય એવું નાં લાગે.
રાહી પોતાનાં લાંબા વાળને ભેગા કરી તેમાં એક લાકડાની સ્ટીક ખોંસીને તેને બાંધીને રૂમની મોટી કાચની બારી પાસે આવીને બેસી ગઈ. ત્યાં જ તેને કંઈક પડવાનો અવાજ આવ્યો. રાહી બારી બહાર એક નજર કરીને, રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી. તેણે થોડું આગળ જઈને જોયું. ત્યાં કંઈ ન હતું. આગળની તરફ રાધિકાનો રૂમ હતો. પાછળની તરફ મહાદેવભાઈ અને ગૌરીબેનનો રૂમ હતો. એ તો ક્યારના સુઈ ગયાં હતાં. તો તેનાં રૂમમાંથી અવાજ આવવો શક્ય ન હતું. રાહીએ એક નજર રેલિંગ પાસે જઈને નીચે હોલમાં કરી. ત્યાં પણ કંઈ ન હતું. થોડીવાર ત્યાં જ ઉભી રહીને રાહીએ પોતાનાં રૂમ તરફ જવા પગ ઉપાડ્યા. પછી કંઈક વિચાર કરીને એ રાધિકાના રૂમ તરફ આગળ વધી. તેણે તેનાં રૂમનાં દરવાજાને ધીમેથી ટેપ કર્યો.
રાહી બહાર જ દરવાજો હમણાં ખુલશે. એવી આશાએ ઉભી હતી. પાંચ મિનિટ સુધી દરવાજો નાં ખુલતાં એ પોતાનાં રૂમ તરફ આગળ વધી. ત્યાં જ દરવાજો ખુલ્યો. રાહીએ પોતાનાં રૂમ તરફ જવા ઉપાડેલ કદમ પાછળ ખેંચ્યા. રાધિકા થોડો એવો દરવાજો ખોલીને ઉભી હતી. રાહીને દરવાજે જોઈને રાધિકાએ તેનો હાથ પકડી તેને અંદરની તરફ ખેંચી લીધી.
"આ શું છે? તું ફરી પાર્ટી કરીને આવી છે? એ પણ સાડા બાર વાગ્યે, મતલબ તું પાઈપ ચડીને બારીએથી આવી. હમણાં કંઈક પડવાનો અવાજ આવ્યો. એ શું હતું? તને ક્યાંય લાગ્યું?" રાહીએ રાધિકાને શોર્ટ બ્લેક પાર્ટી વેર ડ્રેસમાં જોઈને એક સાથે કેટલાંય સવાલ પૂછી લીધાં.
"દીદીઈઈ... શાંત થાવ. મને કંઈ નથી થયું. મારી હિલ્સ પાઈપ ચડતી વખતે નીચે પડી ગઈ. તેનો જ અવાજ હતો." રાધિકાએ રાહીને બેડ પર બેસાડીને કહ્યું.
"તો સવારે તું આ માટે જ રૂપિયા લઈ ગઈ હતી. રાધુ, મેં તને કેટલીવાર કહ્યું છે. આ રીતે નહીં કરવાનું. પપ્પાને પૂછીને જતી હોય. તો આવો કોઈ પ્રોબ્લેમ જ નાં રહે." રાહીએ રાધિકાને સમજાવવાની એક નાકામયાબ કોશિશ કરી. નાકામયાબ એટલે કે રાધિકા સમજવાની ન હતી. છેલ્લાં બે વર્ષથી આવું જ ચાલ્યું આવતું હતું. મહાદેવભાઈ મોડી રાત સુધી રાધિકાને બહાર જવાની પરમિશન નાં આપતાં. એમાંય પાર્ટી માટે તો બિલકુલ નહીં. આ રૂલ રાધિકા એક માટે જ હતો. રાહી મોડાં સુધી બહાર રહી શકતી. જેનું એકમાત્ર કારણ મહાદેવભાઈનો રાહી પ્રત્યેનો વિશ્વાસ હતો. બંને વચ્ચે અવારનવાર લડાઈ થતી. બંને એકબીજા સાથે સરખી રીતે વાત પણ નાં કરતાં. છતાંય રાહી ક્યારેય કોઈ મુસીબતમાં નહીં પડે. પડશે તો પણ એ તેમાંથી નીકળવાનો રસ્તો શોધી લેશે. એ વાત મહાદેવભાઈ જાણતાં હતાં.
જ્યારે રાધિકા સાવ પાગલ હતી. તેને મોજમસ્તી સિવાય કંઈ નાં દેખાતું. જેનાં લીધે તે અવારનવાર મોડી રાત્રે પાર્ટી કરીને ઘરે આવતી. જેનાં લીધે મહાદેવભાઈની પરેશાની વધી જતી. એક જ વખત રાધિકાએ ઘરે પાર્ટી માટે પૂછ્યું હતું. ત્યારે મહાદેવભાઈએ ઘરને રણનું મેદાન બનાવી દીધું હતું. રાધિકા અને મહાદેવભાઈ વચ્ચે ભયંકર લડાઈ થઈ હતી. બહું બધી દલીલો છતાંય રાધિકાને પાર્ટી માટે પરમિશન મળી ન હતી. એ દિવસ પછી રાધિકાએ ઘરે કોઈને પૂછ્યાં વગર જ પાર્ટીમાં જવાનું નક્કી કર્યું હતું.
"દીદી, પપ્પા ક્યારેય આ બધાં માટે પરમિશન નહીં આપે. એ તમે જાણો છો. તો આ ઘરમાં શાંતિ બની રહે અને મને મારાં શોખ પૂરાં કરવાનો મોકો પણ મળે. તો એમાં વાંધો શું છે!?" રાધિકાએ પોતાનો વિચાર પ્રગટ કર્યો.
રાહીને રાધિકાની આવી હરકતો પસંદ ન હતી. પણ એ એટલી પણ નાદાન ન હતી. કે કોઈ ખોટું પગલું ભરે. બસ આ કારણથી જ રાહીએ આ અંગે ઘરમાં વાત કરી ન હતી. રાધિકાની વાત સાંભળી રાહી બનારસ જવાં વિશે વિચારવા લાગી. તેને ખબર હતી. ત્યાં જવાની વાત કરવાથી પણ ઘરની શાંતિનો ભંગ થાય એમ હતો. પણ રાહીની નજરમાં આ ઘર જ ક્યાં હતું. આ તો માત્ર બે માળની ઈમારત હતી. જેનાં પર તેનો કોઈ હક ન હતો. આ ઈમારત મહાદેવભાઈએ ઉભી કરેલી હતી. એમાંની એક એક વસ્તુ તેમની પસંદગીની હતી. માત્ર રાહીનો રૂમ અને એ રૂમની વસ્તુઓ પર જ રાહીનો હક હતો.
"દીદી, હવે તમે શું વિચારવા લાગ્યાં? કોઈ પ્રોબ્લેમ છે?" રાધિકાએ વિચારોમાં ખોવાયેલી રાહી આગળ હાથ હલાવીને પૂછ્યું.
"મારે બનારસ મારી એક ફ્રેન્ડના લગ્નમાં જવાનું છે. માર્ચ મહિનામાં...તે આમ તો મારી કસ્ટમર છે. પણ રેગ્યુલર કસ્ટમર હોવાથી અમારી વચ્ચે બહું સારી દોસ્તી છે. તે મૂળ રાજકોટનાં ગુજરાતી પરિવારની છે. જે તેનાં પપ્પાના બિઝનેસના લીધે છેલ્લાં બે વર્ષથી બનારસ શિફ્ટ થઈ છે. તેનો ઘણો આગ્રહ છે. હું તેનાં લગ્નની બધી રસમમા સામેલ થાવ. કાલે જ તેણે મને તેનાં લગ્નનું ઇન્વિટેશન કાર્ડ પણ મોકલ્યું છે. મારી પણ ઈચ્છા છે. કે હું પણ..." રાહી વાતને વધું લાંબી બનાવે એ પહેલાં જ રાધિકાએ તેને રોકતાં કહ્યું, "ઈન શોર્ટ, તમારે બનારસ જવું છે. પણ પપ્પા કેવી રીતે માનશે. એ સમજાતું નથી."

રાધિકાની વાત સાંભળીને રાહી ચુપ થઈ ગઈ. તે વાતને એટલી હદ સુધી ખેંચી ગઈ હતી. કે રાધિકા પણ તેનાં મનમાં ચાલી રહેલી ઉલજન સમજી ગઈ હતી. રાધિકા રાહીના પગ પાસે નીચે ફર્શ પર જ બેસી ગઈ.
"જો દીદી, પપ્પાને આ બાબતે સમજાવવા થોડું અઘરું કામ છે. ભલે તમે ગમે એટલી મોટી હસ્તી બની ગયાં હોય. પપ્પા તમને અજનબી શહેરમાં એકલાં જવાની પરમિશન તો ક્યારેય નહીં આપે. છતાંય આપણે એક ટ્રાય જરૂર કરીશું. હું કંઈક વિચારીને કાલ તમને કહું." રાધિકાએ રાહીને હિંમત આપવાની એક નાની એવી કોશિશ કરી.
"હવે તો મહાદેવ જ કંઈક કરી શકે." રાહી આંખો બંધ કરીને ધીમેથી બોલી.
"કોણ મહાદેવ?? બાપ્પાના પપ્પા કે આપણાં પપ્પા મહાદેવ?" રાધિકાએ થોડી મજાક કરતાં કહ્યું.
રાહીએ આંખ ખોલીને રાધિકાના માથાં પર એક ટપલી મારીને કહ્યું, "મારે આ કામમાં બંને મહાદેવની જરૂર છે. મારાં પપ્પાની બનારસ જવાં પરમિશન માટે જરૂર છે. તો બાપ્પાના પપ્પા દેવોનાં દેવ મહાદેવની જરૂર મારે બનારસ જે નવી સફરની શરૂઆત કરવાની છે. એમાં તેમનાં સાથની જરૂર છે. ઈન શોર્ટ, એક મહાદેવનો સાથ અને એક મહાદેવનો સહકાર જોઈએ છે."
રાધિકા રાહીની વાત સાંભળીને હસવા લાગી. રાતનો એક થઈ ગયો હતો. રાધિકા ઉભી થઈને કપડાં બદલવા જતી રહી. પાર્ટી વેર શોર્ટ ડ્રેસમાંથી રાધિકા અમેરિકન સ્ટાઈલ પિંક કલરનાં મીની નાઈટ ગાઉનમાં આવી ગઈ. તેમાં રાધિકા નાની માસૂમ બાળકી જેવી લાગી રહી હતી. તેનાં ગોરાં બદન પર ડાર્ક પિંક કલર ખૂબ જ સારો લાગી રહ્યો હતો.
"દીદુ, હવે બહું ઉંઘ આવે છે. તમે પણ સૂઈ જાવ. બનારસ અંગે કાલે કોઈ સારો પ્લાન બનાવીએ." રાધિકાએ આંખો પર નાઈટ ગાઉનને મેચ થતું પિંક કલરનુ સ્લિપિંગ આઈ માસ્ક લગાવીને કહ્યું.
રાહી પણ ઉઠીને રૂમની લાઈટ ઓફ કરીને પોતાનાં રૂમમાં જતી રહી. તેની આંખોમાંથી આજે ઉંઘ ગાયબ હતી. અચાનક જ તેને કંઈક યાદ આવ્યું. તો એ બેડની પાસે પડેલાં ડ્રોવરમાથી એક ડાયરી અને પેન કાઢીને તેમાં કંઈક લખવા લાગી. એ લખ્યાં પછી તેની આંખોમાં એક ચમક અને ચહેરા પર સ્મિત આવી ગયું. ડાયરી અને પેન ફરી એ જ ડ્રોવરમા મૂકીને રાહી પોતાનાં રૂમની બારી પાસે જઈને તેનાં ટેકે ઉભી રહી ગઈ.
રાતનાં બે વાગે એકદમ નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી. એવામાં રાહી આકાશમાં રહેલાં ચંદ્રને નિહાળવા લાગી. આજે અમાસ હતી. જેનાં લીધે ચોતરફ અંધકાર છવાયેલો હતો. પણ આજની રાત પછીનાં દરેક દિવસે થોડું થોડું અજવાળું પાથરવાની શરૂઆત થવાની હતી. કારણ કે અમાસ પછી પૂર્ણિમાનો પૂરો ચંદ્ર નજર આવવાનો હતો.
૧૧ ફેબ્રુઆરી.. આજ તારીખે એક મહિના પછી મહાશિવરાત્રી હતી. જે રાહીના જીવનમાં ઘણાં બદલાવ લાવવાની હતી. જેની રાહી પણ રાહ જોઈ રહી હતી. અમાસનો અંધકાર રાહીને કંઈ ખાસ પસંદ નાં આવતાં એ બેડ પર જઈને સૂઈ ગઈ. બેડ પરની મુલાયમ ગાદીએ રાહીને પ્રેમથી પોતાનાં આગોશમાં સમાવી લીધી. આંખ બંધ થતાં જ રાહીને ઉંઘ આવી ગઈ.





(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED