Anant Safarna Sathi - 34 books and stories free download online pdf in Gujarati

અનંત સફરનાં સાથી - 34

૩૪.રમત


સવારનાં નવ વાગ્યે ડોક્ટર રાહીનો ચેકઅપ કરીને બહાર આવ્યાં. બધાનાં ચહેરાં પર ડોક્ટર શું કહેશે? એ વાતની મુંઝવણ સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. પ્રવિણભાઈની જીદ્દનાં કારણે શ્યામ એ બંનેને અને પોતાનાં મમ્મી-પપ્પાને પણ હોસ્પિટલ લઈ આવ્યો હતો. બધાં ડોક્ટરને ઘેરીને ઉભાં રહી ગયાં.
"રાહી હોશમાં આવી ગઈ છે." ડોક્ટરે સ્મિત સાથે કહ્યું. શિવાંશ એ સાંભળીને દરવાજા તરફ ભાગ્યો.
"એક મિનિટ...તમારે અને રાહીને મળ્યાને કેટલો ટાઈમ થયો?" ડોક્ટરે સવાલનું તીર છોડ્યું. જેણે શિવાંશને તરત ઘાયલ કરી દીધો.
"એક વર્ષમાં બસ એક મુલાકાત....એક અઠવાડિયા જેવું સાથે રહ્યાં." શિવાંશે જવાબ આપ્યો.
"તો હું કહીશ કે તમે પહેલાં રાહીને નાં મળો તો સારું રહેશે." ડોક્ટરે સલાહ આપી, "પહેલાં તેમનાં પરિવારને જ મળવાં દો. જો એ તમારું નામ લે તો જ તમે તેમની સામે જાજો." કહીને ડોક્ટર જતાં રહ્યાં. અને શિવાંશ માટે મુંઝવણ ઉભી કરી ગયાં. રાહીએ શિવાંશને મળવાની વાત જ નાં કરી તો? તો શું એ રાહીને નહીં મળી શકે? તેને મળવાં શું કરવું? એવાં કેટલાંય સવાલ શિવાંશનાં મન પર કબ્જો જમાવીને બેસી ગયાં. મલયભાઈએ શિવાંશ પાસે જઈને તેને બેન્ચ પર બેસાડ્યો. મહાદેવભાઈ, રાધિકા અને ગૌરીબેન અંદર રાહીને મળવાં ગયાં. રાહી હવે ખતરાની બહાર હતી. જેનાં લીધે મુંબઈનાં ડોક્ટરે રજા લીધી.
ગૌરીબેને રાહી પાસે જઈને જોયું રાહીનાં આખાં માથાને સફેદ પટ્ટીથી કવર કરી દેવાયું હતું. એ જોતાં જ ગૌરીબેન એક ડગલું પણ આગળ વધી નાં શક્યાં. મહાદેવભાઈએ તેમનો હાથ પકડીને તેમને હિંમત આપી. બંને રાધિકાની સાથે આગળ વધ્યાં. રાહીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું, "રાધુ!" કહીને રાહીએ એક હાથ ઉંચો કરીને રાધિકાને પોતાની પાસે આવવાં કહ્યું. રાધિકા આંખમાં આંસું સાથે રાહીને ભેટી પડી. રાહી પ્રેમથી તેનાં માથાં પર હાથ પસવારી રહી.
"બેટા! તું ઠીક છે ને?" રાધિકા ઉભી થઈ એટલે તરત જ મહાદેવભાઈએ રાહીનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવીને પૂછ્યું. રાહીએ આંખોનાં પોપચાં ઢાળીને પોતે સ્વસ્થ છે એવું જણાવી દીધું. મહાદેવભાઈને હાશકારો થયો. ગૌરીબેને રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈને પ્રેમથી તેને ચૂમી લીધો.
"રાધુ! કાર્તિક અને સ્વીટી નથી આવ્યાં?" રાહીએ રાધિકા સામે જોઈને સવાલ કર્યો.
"સ્વીટી તો તેનાં પરિવાર સાથે અમદાવાદની બહાર ગઈ છે. ત્યાંથી આવીને તરત જ તમને મળવાં આવશે." રાધિકાએ હળવું સ્મિત કર્યું, "કાર્તિક ઘરે દાદીનું ધ્યાન રાખે છે." રાધિકા થોડીવાર રોકાઈ પછી તરત જ પૂછ્યું, "બીજાં કોઈને મળવું છે?"
"અમમ... આર્યન અને શ... શ્યામ...એ તો આવ્યાં જ હશે ને.! આર્યન તો કેટલાં સમયથી અમદાવાદ જ છે." રાહીએ વિચારીને કહ્યું. મહાદેવભાઈએ બહાર જઈને શ્યામ અને આર્યનને અંદર બોલાવ્યાં. શિવાંશ બસ બધાંને અંદર જતાં જોઈ રહ્યો. શ્યામની સાથે તેનાં મમ્મી-પપ્પા પણ આવ્યાં.
"આર યૂ ફાઈન નાઉ?" આર્યને આવતાંની સાથે જ પૂછ્યું. રાહીએ પાંપણો જપકાવીને એક સ્મિત સાથે આર્યનનાં સવાલનો જવાબ આપ્યો. આર્યનનાં ચહેરાં પર પણ સ્મિત આવી ગયું. શ્યામ અને તેનાં મમ્મી-પપ્પાએ પણ રાહીનાં હાલચાલ પૂછ્યાં. પછી એ બંને બહાર જતાં રહ્યાં.
રાધિકા બસ‌ રાહી સામે જ જોયાં કરતી હતી. તેણે હજું સુધી શિવાંશ વિશે પૂછ્યું ન હતું. શિવાંશ રાહીને મળવાં તડપી રહ્યો હતો. પણ રાહી તેનું નામ સુદ્ધાં લઈ રહી ન હતી. રાધિકા લાચાર બનીને આર્યન અને શ્યામ સામે જોઈ રહી. શ્યામ રાધિકા પાસે ગયો. મહાદેવભાઈ પણ રાહીએ શિવાંશનું નામ નાં લીધું. એ વાતથી મુંઝાયા હતાં. બહાર શિવમ અને તેનો પરિવાર પણ આવી પહોંચ્યો હતો. આગલી રાતે જ્યારે શિવાંશ પ્રવિણભાઈ અને કાન્તાબેનને ઘરે મૂકવાં ગયો અને આર્યન આયશા સાથે બહાર કમ્પાઉન્ડમાં હતો. ત્યારે રાધિકાને મહાદેવભાઈએ શિવાંશ ધૂળેટીનાં દિવસે કોઈને મળ્યાં વગર જ શાં માટે અમદાવાદ છોડીને ગયો? એ જણાવી દીધું હતું. એટલે રાહીએ શિવાંશને મળવાનું નામ નાં લીધું. એ વાતે રાધિકા વધું જ પરેશાન થતી હતી. શિવાંશે પણ બહું સહન કર્યું હતું. રાહીથી અલગ રહીને એ પણ ખુશ ન હતો. તેણે બધું રાહી માટે જ કર્યું હતું. એવામાં જો રાહી તેને ભૂલી ગઈ હશે તો? એ વિચારે જ રાધિકાને ડરાવી મૂકી હતી. રાહી આર્યન સાથે વાત કરી રહી હતી. ત્યારે રાધિકા બધાંથી નજર બચાવીને બહાર જતી રહી. શ્યામ પણ તેની પાછળ ગયો.
"ચાલ...દીદુને મળી લે." રાધિકાએ બહાર આવીને શિવાંશનો હાથ પકડીને તેને ઉભો કરીને કહ્યું.
"રાહીએ બોલાવ્યો?" શિવાંશે તરત જ પૂછ્યું.
"નહીં....પણ....એવી રાહ થોડી જોવાય. તું એકવાર તેમની સામે તો જા. કદાચ....એ ભૂલી ગયાં હોય તો પણ તેમને બધું યાદ આવી જાય." રાધિકાએ શબ્દો જોડી જોડીને કહ્યું. પોતાનાં નિર્ણય ઉપર એ પણ સ્યોર ન હતી. એ શિવાંશે તેની આંખોમાં જ વાંચી લીધું. શિવાંશ હાથ છોડાવીને ફરી બેન્ચ પર બેસી ગયો.
"શિવમ! રાહી તમને બોલાવે છે." આર્યને આવીને કહ્યું. શિવમ તેનાં પરિવાર સાથે અંદર ગયો. એ જોઈને શિવાંશનું દિલ તૂટી ગયું. રાહીએ બધાનાં નામ લીધાં. જ્યારે શિવાંશ તેને યાદ હતો કે નહીં? એ પણ કોઈ જાણતું ન હતું. રાધિકા થોડીવાર ચૂપચાપ શિવાંશ સામે ઉભી રહી. શિવમ અને તેનો પરિવાર પણ રાહીને મળીને બહાર આવી ગયો. ઘણો સમય પસાર થઈ ગયો હતો. રાહીએ હજું સુધી શિવાંશને યાદ કર્યો ન હતો. હવે તો શિવાંશનાં પરિવારને પણ ડર લાગવા લાગ્યો હતો. તેમણે તેમની નજર સમક્ષ એક વર્ષ સુધી શિવાંશને સ્ટ્રગલ કરતાં જોયો હતો. એવામાં જેનાં માટે શિવાંશે એ બધું કર્યું હતું. એ જ જો શિવાંશને ભૂલી જાય તો કરવાનું શું? એ સવાલ બધાંને પરેશાન કરી રહ્યો હતો.
"ભાઈ! મને પણ લાગે છે તમારે એકવાર રાહી સામે જવું જોઈએ. આમ છુપાઈને કેટલો સમય રહેવાનું?" તન્વી પણ જોશમાં ગઈ. એ શિવાંશની આવી હાલત જોઈ શકતી ન હતી, "કાં આર ને કાં પાર...તમે એકવાર રાહી સામે જાવ."
તન્વીનાં શબ્દો શિવાંશનાં કાનમાં ગુંજવા લાગ્યાં. તેને તરત જ સુજલનાં શબ્દો યાદ આવ્યાં. એ પણ કંઈક એવું જ બોલી હતી. 'કાં આર ને કાં પારની પરિસ્થિતિ પરિણમવાની છે. યોગ્ય નિર્ણય કર્યો તો પ્રેમ અને બિઝનેસ બંને મળી જાશે.' શિવાંશ સુજલની એ વાત યાદ કરી રહ્યો. તેણે ભવિષ્યની કોઈ આગાહી કરી હોય. એમ જ બધું સાચું પડી રહ્યું હતું. શિવાંશ તરત જ ઉભો થયો. તેની આંખોની ચમક જોઈને રાધિકા અને તન્વીનાં ચહેરાં પર પણ સ્મિત આવી ગયું. બંને શિવાંશનો એક એક હાથ પકડીને આગળ વધી. રાધિકાએ એક હાથે રૂમનો દરવાજો ખોલ્યો. ત્રણેય એક સાથે જ અંદર પ્રવેશ્યાં. દરવાજો ખુલવાનો અવાજ કાને પડતાં જ રાહીની નજર એ તરફ દોરાઈ. શિવાંશને જોઈને તેનાં ચહેરાનાં હાવભાવ એક ક્ષણ માટે પણ નાં બદલ્યાં. એ જોઈને રાધિકાને શાંતિ અને ચિંતા બંને થઈ. શિવાંશને આવેલો જોઈને આર્યન સાઈડમાં ઉભો રહી ગયો. મહાદેવભાઈ અને ગૌરીબેન પણ આગળ બનનારી ઘટના સામે લડલા માનસિક રીતે તૈયાર થઈ ગયાં.
"તન્વી! તું ક્યારે આવી?" રાહીએ તન્વી સામે જોઈને પૂછયું.
"બસ કાલે આવ્યાં. તમે તો થોડો સમય અમારાથી દૂર શું રહ્યાં. કેવી હાલત કરી લીધી." તન્વીએ શિકાયત કરી.
"એ તો છે...પણ જલ્દી ઠીક થઈ જઈશ." રાહીએ સ્માઈલ કરી. તેની સ્માઈલ જોઈને જ શિવાંશને શાંતિ થઈ. એ એક તરફ ઉભો રહી ગયો. રાહીએ તન્વી સાથે વાત કરીને તેની સામે જોયું. એ થોડીવાર એકીટશે શિવાંશને જોઈ રહી.
"તું મારાં હાલચાલ નહીં પૂછે?" રાહીનાં ચહેરાં પર શરારતી સ્મિત આવી ગયું. રાહીનાં એટલાં શબ્દો જ સાંભળીને શિવાંશનાં ચહેરાં પરની સ્માઈલ તેનાં ગાલ સુધી ખેંચાઈ ગઈ. જે તેની પ્રમાણમાં થોડી વધારે વધી ગયેલી દાઢીમાં પણ જોઈ શકાતી હતી.
"જેવી છે એવી નજર સામે જ તો છે. એમાં પૂછવાની શું જરૂર?" શિવાંશે પણ શરારત કરતાં કહ્યું.
"ઓહ! એવું એમ ને. તો પછી અહીં સુધી આવ્યો જ શાં માટે?" રાહીએ મોં ફુલાવી લીધું, "બનારસથી આવ્યાં પછી બંને ભાઈ બહેનમાંથી કોઈએ એકવાર પણ કોલ કર્યો નહીં. આજે મળવાં આવ્યો. એમાં પણ એટિટ્યૂડ બતાવે છે."
રાહીનાં છેલ્લાં વાક્યથી શિવાંશને એક ઝટકો લાગ્યો. રાહી બનારસથી ગઈ પછી તેણે કેટલીવાર ફોન પર રાહી સાથે વાત કરી હતી અને રાહી અત્યારે એમ કહી રહી હતી કે શિવાંશે તેને એકેય વખત ફોન જ નથી કર્યો. રાહીને શિવાંશ યાદ હતો. પણ તે અમદાવાદ આવી ગઈ પછી તેણે શિવાંશ સાથે વાત કરી એ યાદ ન હતું. ત્યાં મોજુદ શિવાંશ સહીત રાધિકા પણ ચકડોળે ચઢી. તેણે જ તો શિવાંશે આપેલ ગિફ્ટ અને ચીઠ્ઠી રાહીને આપી હતી. તો આવું કેમ થયું? એ તેને સમજાતું ન હતું.
"તું જ ફ્રી નાં હોય. તો કેમ વાત કરવી તારી સાથે? બનારસમાં કોમ્પિટિશન જીત્યા પછી તો તું સેલિબ્રિટી બની ગઈ ને.!" શિવાંશે વાત જ ફેરવી નાંખી.
"એવું કંઈ નથી હો. હું બનારસથી આવી ત્યારે તારી સાથે અસ્સી ઘાટ...." કહેતાં રાહી અટકી. તેણે પોતાનાં માથાં પર બંને હાથ મૂકી દીધાં. આંખો બંધ કરતાં જ તેને ધૂંધળા દ્રશ્યો દેખાવા લાગ્યાં. કંઈ સ્પષ્ટ નાં દેખાવાથી તેનું માથું દુઃખવા લાગ્યું. ત્યાં જ ડોક્ટર આવ્યાં.
"તમે આટલાં બધાં વ્યક્તિ એક સાથે કેમ અંદર આવી ગયાં? પેશન્ટને આરામની જરૂર છે." ડોક્ટરે સખ્ત અવાજે કહ્યું. મહાદેવભાઈ અને ગૌરીબેન રાહી તરફ જોતાં બહાર નીકળી ગયાં. શ્યામ તન્વી અને રાધિકાને લઈને બહાર જતો રહ્યો. આર્યન પણ તેમની પાછળ ગયો. રૂમમાં ડોક્ટર, શિવાંશ અને રાહી જ વધ્યાં, "તમે અહીં કેમ આવ્યાં? પેશન્ટે તમને બોલાવ્યાં?" રાહીની હાલત જોઈને ડોક્ટરે સખ્ત અવાજે શિવાંશને પૂછ્યું. શિવાંશે માત્ર ડોક હલાવીને જ નાં પાડી દીધી. ડોક્ટરે રાહીને ચેક કરી અને નર્સે આવીને તેને અમુક દવાઓ આપીને સુવડાવી દીધી, "તમે મારી સાથે આવો." કહીને ડોક્ટર બહાર નીકળી ગયાં. શિવાંશ રાહી તરફ એક નજર કરીને તેમની પાછળ ગયો. ડોક્ટર પોતાની રિવોલ્વિંગ ચેર પર બેસીને રાહીની ફાઈલ ચેક કરી રહ્યાં હતાં. શિવાંશ જેવો અંદર આવ્યો તેમણે તેને બેસવા ઈશારો કર્યો. શિવાંશ ડોક્ટરની સામેની ખુરશીમાં ગોઠવાયો.
"ડોક્ટર! રાહી મને ઓળખે છે. પણ એ..." શિવાંશ થોડો ગુંચવાયો, "તેણે મને બનારસમાં પ્રપોઝ કર્યો હતો. અમદાવાદ આવ્યાં પછી અમારી વચ્ચે વાતો થઈ. એ બધું એ ભૂલી ગઈ છે." કહેતાં શિવાંશ ગંભીર થઈ ગયો.
"મતલબ તેને અમે વિચાર્યું હતું. એ કરતાં પ્રમાણમાં વધારે જ યાદ છે." ડોક્ટર ચમક્યાં, "બસ અમુક ઘટનાઓ જ તે ભૂલી ગયાં છે. આપણે થોડું સમજદારીથી કામ લેવું પડશે. તે કંઈ ઘટનાં ભૂલી ગયાં છે? એ જાણીને એ મુજબ જ વર્તન કરવું પડશે."
"એટલે રાહીને હું તો યાદ છું. પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ યાદ નથી?" શિવાંશ મૂંઝવણમાં મુકાયો.
"તમે જે કહ્યું એ મુજબ તો એવું જ સાબિત થાય છે. પણ તમે ચિંતા નાં કરો." ડોક્ટર વિચારે ચડ્યાં, "તેમને લગભગ બધું જ યાદ છે. તો અમુક ઘટનાઓ જે તેમનાં મગજમાંથી મિસિંગ છે. એ પણ સમય જતાં યાદ આવી જાશે. બસ તેમનાં મગજ પર પ્રેશર નાં પડવું જોઈએ." એમનો ચહેરો ગંભીર થયો, "સર્જરી સક્સેસફુલ રહી છે. ક્લોટ નીકળી ગયો છે. પણ જો એ ફરી મગજને પ્રેશર આપશે, કોઈ વાત પર સતત વિચાર્યા કરશે. તો જે ઘટનાઓ તેમને યાદ નથી એ યાદ આવવાનાં બદલે એ વધું ઘટનાઓ ભૂલવા લાગશે." હકીકત પચાવવી અઘરી હતી. પણ હકીકત તો આ જ હતી. નાં તો કંઈ યાદ અપાવી શકાય એમ હતું. નાં તો યાદ અપાવ્યા વગર ચાલે એમ હતું. આટલો સંઘર્ષ કર્યા પછી હવે શિવાંશ એક પણ મિનિટ રાહીથી દૂર રહેવા માંગતો ન હતો.
"રાહી જે ભૂલી ગઈ છે. એ ફરી યાદ કરાવવાનો કોઈ ઉપાય? તેનાં મગજને પ્રેશર નાં પડે એ રીતે." શિવાંશે ચોખવટ કરી.
"તમારી લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ? એ પરથી તમે કંઈ કરી શકો." ડોક્ટર સહેજ હસ્યાં, "પહેલી મુલાકાત કેવી રીતે થઈ? પ્રેમ પહેલાં લડતાં કે શાંત જ રહેતાં? ખાસ કરીને તમે એકબીજાને પ્રેમ કરો છો. એકબીજા માટે જ બન્યાં છો. એ કેવી રીતે ખબર પડી? તેનાં આધારે રાહીને એ જ ઘટનાઓ ફરી જીવાડીને કંઈક યાદ અપાવી શકાય." ડોક્ટરની વાતો થોડી ફિલ્મી હતી. પણ કર્યા વગર છૂટકો ન હતો. એમાંય એક સમસ્યા હતી.
"અમારી સ્ટોરી જૂની લવ સ્ટોરી જેવી નથી." શિવાંશે ભૂતકાળમાં એક ડોકિયું કર્યું, "અમારી મુલાકાત નાનપણમાં થઈ હતી. માત્ર બે મિનિટ પૂરતી જ...ત્યારે જ હું તેની આંખોમાં ડૂબી ગયો હતો. કાચી ઉંમરનો પ્રેમ કહી શકાય. મેં પંદર વર્ષ તેની રાહ જોઈ હતી. તેણે એક વર્ષ સુધી મને સપનામાં જ જોયો હતો. એ મને ઓળખતી પણ નહીં. તે તો નાનપણની એ મુલાકાત પણ ભૂલી ગઈ હતી. છતાંય તેને જેવાં મારાં સપનાં આવવાની શરૂઆત થઈ. એ મને શોધવાં બનારસ આવી પહોંચી." એ સહેજ હસ્યો, "અમારી પહેલી મુલાકાત ફિલ્મી સીન જેવી હતી. ઝઘડાં પણ કર્યા. મુસીબતમાં એકબીજાનો સાથ પણ આપ્યો. અંતે જ્યારે બનારસથી આવવાનો દિવસ હતો. ત્યારે પણ તેને મારું સપનું આવ્યું. એ પણ અમારી નાનપણની મુલાકાત વાળું... મેં તેની નાનપણની એક પેઇન્ટિંગ બનાવી હતી. એ મારી બહેને તેને બતાવી. મારો નાનપણનો ફોટો પણ બતાવ્યો. એ ફોટો તેણે સપનામાં મારો નાનપણનો ચહેરો જોયો. તેની સાથે મેળવવાની કોશિશ કરી. ત્યારે જ તેને ખબર પડી કે તેનાં સપનામાં આવતો શિવ એ હું એટલે કે શિવાંશ જ છું." એ સહેજ અટક્યો, "તેનાં સપનાંનો રાજકુમાર તેની સાથે જ છે. એવી જાણ તેને થતાં જ એ બનારસનાં અસ્સી ઘાટ પર મને મળવાં દોડી આવી. તેણે પોતાનું દિલ અને તમામ ઘટનાઓની એક કહાની મને સંભળાવી. મેં પણ મારું દિલ તેની સમક્ષ ખોલી દીધું. એમ જ તેનાં સપનાંનો રાજકુમાર તેને મળી ગયો અને મને મારો કાચી ઉંમરનો પ્રેમ મળી ગયો. જે આજે પરિપક્વ થઈ ગયો છે." બધું કહીને શિવાંશની આંખના ખૂણા ભીનાં થઈ ગયાં. સપનાં પર વિશ્વાસ નાં કરનારાં ડોક્ટર પણ શિવાંશ અને રાહીની કહાની સાંભળીને ભાવુક થઈ ગયાં.
"કહેતાં થોડું ખરાબ લાગે છે પણ કદાચ જે સપનાનાં લીધે તમે બંને મળ્યાં. એ સપનાં જ કદાચ રાહી ભૂલી ગઈ છે." ડોક્ટર થોડાં હતાશ થઈ ગયાં, "એટલે જ તેમને તમે તો યાદ છો પણ એ તમને શોધવાં જ બનારસ આવી હતી અને તેણે ખુદ જ તમને પ્રપોઝ કર્યા હતાં. એ બધું તે ભૂલી ગઈ છે."
"મતલબ હવે બધું શરૂઆતથી જ શરૂ કરવું પડશે. એક સપનાંને લીધે તેણે મને પ્રપોઝ કર્યો. હવે એ સપનાંને હકીકત બનાવવાં મારે તેને અમારા પ્રેમનો અહેસાસ અપાવીને પ્રપોઝ કરવી પડશે." શિવાંશે જાણે આગળ શું કરવું? એ અંગે વિચારી લીધું હતું.
"રાઈટ! એવું જ કરવું પડશે." ડોક્ટરનાં ચહેરાં પર પણ ચમક આવી, "બેસ્ટ ઓફ લક... સાયન્સ ચમત્કારમાં નથી માનતો. પણ આજે રાહીને તમે યાદ છો. એ એક ચમત્કાર જ કહી શકાય. દુઆ કરીશ કે તેમને તમારો પ્રેમ પણ જલ્દી જ યાદ આવી જાય." કહીને ડોક્ટર શિવાંશનો ખંભો થાબડીને જતાં રહ્યાં. થોડાં સમય પહેલાં શિવાંશ વિચારી રહ્યો હતો, કે રાહી તેને ભૂલી જશે તો? જ્યારે અત્યારે રાહીને શિવાંશ તો યાદ હતો. પણ એ તેને પ્રેમ કરતી એ વાત જ ભૂલી ગઈ હતી. જે શિવાંશ માટે પચાવવી અઘરી હતી.

પન્નાલાલ ઇસ્કોન ક્રોસ રોડ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી ફાઈવ સ્ટાર નોવોટેલ હોટેલનાં એસી વાળા ડબલ બેડ ધરાવતાં રૂમમાં આખી કાચથી બનેલી વિન્ડો પાસે પડેલાં સોફા પર બેસીને બહાર દેખાતો અમદાવાદની બિલ્ડિંગોનો નજારો માણી રહ્યાં હતાં. એ સમયે જ રૂમનાં દરવાજે કોઈએ દસ્તક દીધી. પન્નાલાલનું ધ્યાન એ તરફ દોરવાયુ. દરવાજે પન્નાલાલનો ખાસ આદમી નાગજી ઉભો હતો. એ પણ પન્નાલાલ સાથે જ અમદાવાદ આવ્યો હતો.
"તો શું માહિતી લાવ્યો?" પન્નાલાલ સોફા પરથી ઉભાં થયાં.
"શિવાંશ અહીં કોઈ રાહી સિનોજા નામની છોકરી પાછળ આવ્યો છે. તેની કાલે જ સર્જરી થઈ છે. મગજમાં કંઈક લોહી જામી ગયું હતું. તેની સર્જરી કરી છે." નાગજી પન્નાલાલ સામે ઉભો રહ્યો, "એ સર્જરીમાં પેશન્ટની જૂની યાદો જતી રહી છે. એવું મુંબઈનાં ડોક્ટરે જણાવ્યું. એમણે જ રાહીની સર્જરી કરી છે." કહીને એણે વાત પૂરી કરી.
"બસ...આટલી જ માહિતી? શિવાંશનો રાહી સાથેનો સંબંધ શું છે? એ કોણ જાણશે?" પન્નાલાલ થોડાં ચીડાયા. તેમને જે જાણવું હતું. એ તો નાગજીએ જણાવ્યું જ ન હતું.
"હું તો હોસ્પિટલ પહોંચ્યો. ત્યારે જ મને ડો.શેટ્ટી હોસ્પિટલનાં દરવાજે જ મળી ગયાં. તે મુંબઈ જઈ રહ્યાં હતાં. તો તેમની સાથે વાતવાતમાં જ મને આ વિશે જાણકારી મળી." નાગજી થોડો ડરી ગયો હતો, "આપણે અને શિવાંશ બંને ડો.શેટ્ટીને ઓળખીએ છીએ. તો એમણે સામેથી જ શિવાંશ રાહી માટે અમદાવાદ આવ્યો છે એવું કહ્યું."
નાગજી અમદાવાદ પહોંચતા જ હોસ્પિટલ પહોંચી ગયો હતો. રાહીનો ચેકઅપ કરીને ડો.શેટ્ટી મુંબઈ જવાં નીકળી રહ્યાં હતાં. ત્યારે જ બંનેની મુલાકાત હોસ્પિટલની બહાર થઈ ગઈ હતી. તેમને જોઈને નાગજી તરત જ તેમની પાસે ગયો હતો. નાગજી અમદાવાદ આવવાં નીકળ્યો ત્યારે અમદાવાદનાં તેનાં એક સગાએ શિવાંશ અમદાવાદ સીટી હોસ્પિટલમાં છે એવું જણાવ્યું હતું. સાથે જ અમદાવાદની બધી ન્યૂઝ ચેનલમાં અમદાવાદની જાણીતી અને માનીતી ફેશન ડિઝાઈનર રાહીની અમદાવાદની સીટી હોસ્પિટલમાં સર્જરી થવાની છે. એ ન્યૂઝ પણ નાગજીએ મોબાઈલમાં જોયાં હતાં. એમાંય સર્જરી સ્પેશ્યાલિસ્ટ ડો.શેટ્ટીને સીટી હોસ્પિટલની બહાર જોઈને તેમની પાસેથી કંઈક જાણકારી મળી રહેશે. એવાં ઈરાદાથી નાગજી તરત તેમની પાસે જ ગયો હતો.

"ડો.શેટ્ટી! તમે અહીં?" નાગજીએ ચહેરાં પર ખુશીનાં ભાવ સાથે પૂછ્યું.
"હાં, એક સર્જરી માટે આવ્યો હતો. હવે મુંબઈ જાવ છું." ડો.શેટ્ટીએ કહ્યું.
"ઓહો.. તમારું નામ તો બહું મોટું થતું જાય છે. સર્જરી સ્પેશ્યાલિસ્ટ બની ગયાં હો." કહીને નાગજી હસ્યો.
"બની ગયો નહીં હું સર્જરી સ્પેશ્યાલિસ્ટ જ છું." ડો.શેટ્ટી પણ હસ્યાં, "સર્જરી કોઈ નાની વ્યકિતની નહીં. અમદાવાદની ફેમશ ફેશન ડિઝાઈનર રાહી સિનોજાની હતી."
"ઓહ, તો થઈ ગઈ સર્જરી?" નાગજીએ પૂછ્યું.
"હાં, એટલે જ તો મુંબઈ પરત ફરી રહ્યો છું." એ સહેજ અટક્યાં, "શિવાંશ પણ અહીં જ છે. એ પણ કદાચ રાહીની સર્જરી થવાની હતી એટલે જ આવ્યો છે." ડોક્ટરે પાછળથી ઉમેર્યું.
"કેમ? તેનો એની સાથે શું સંબંધ છે?" શિવાંશનું નામ રાહી સાથે જોડાતાં જ નાગજીનો દિમાગ કામ કરવાનો શરૂ થયો.
"એ તો મને નથી ખબર. શિવાંશ અંદર જ છે. તમે તેને જ મળી લો." કહીને એમણે ઉમેર્યું, "આયશા પણ અંદર છે. શિવાંશ થોડો વધારે જ પરેશાન છે. સર્જરી પછી રાહીને કેટલું યાદ છે? ને કેટલું નહીં? એ કોઈ જાણતું નથી. તમે અંદર જઈને આયશા અને શિવાંશ બંનેને મળી લો." કહીને ડોક્ટર હાથ ઉંચો કરીને રવાનાં થયાં. નાગજી હોસ્પિટલની બહારથી જ હોટેલ આવી ગયો.

"આવી અધૂરી માહિતીનું હું શું કરું?" પન્નાલાલ તીખાં થયાં, "બધી વાતો કરી પણ શિવા‌ંશ ક્યાં સંબંધથી અહીં આવ્યો? એ જાણીને નાં આવ્યાં." એ ફરી સોફા પર અદબથી બેઠાં, "કાલ સવાર સુધીમાં મારે રાહી અને તેનાં પરિવાર વિશે બધી જાણકારી જોઈએ. શિવાંશ એક વર્ષ પહેલાં અમદાવાદ શાં માટે આવ્યો હતો? તેણે અમદાવાદથી મુંબઈ આવીને બિઝનેસ શાં માટે છોડી દીધો? એ બધી માહિતી પણ જોઈએ." એમણે હુકમ કર્યો. નાગજી તરત પોતાનાં કામે લાગી ગયો. પન્નાલાલ આંખો મીંચીને સોફા પર બેસી રહ્યાં.
"આપણાં બે આદમીને હોસ્પિટલની બહાર તૈનાત કરી દીધાં છે. હવે એ આપણને એક એક પળની માહિતી આપશે." થોડીવારમાં નાગજીએ આવીને કહ્યું. પન્નાલાલે બંધ આંખોએ જ હાથ ઉંચો કર્યો.
"તમે આયશા બેબીને જ બધું કેમ પૂછી નથી લેતાં?" નાગજીએ કંઈક વિચારીને પૂછ્યું. આયશા હોસ્પિટલમાં જ હતી. તેને બધી ખબર હશે એવી નાગજીને ખાતરી હતી. છતાંય પન્નાલાલ તેને કંઈ પૂછી રહ્યાં ન હતાં. એ વાત નાગજીને અજીબ લાગી.
"તું કેટલાં વર્ષથી મારી સાથે કામ કરે છે?" પન્નાલાલે આંખો ખોલીને નાગજીની આંખોમાં સ્થિર કરી.
"માલિક! દશ વર્ષથી." નાગજીએ આંખો નીચી કરી લીધી.
"મતલબ તું આયશાને પણ દશ વર્ષથી ઓળખે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે કોઈ વાતનો સીધો જવાબ આપ્યો છે કે આજ આપે?" એ ગંભીર થયાં, "તેને તેની જ મરજી કરવી છે. તો હું પણ મારી મરજી કરીશ. કોઈ વિશે માહિતી મેળવવી એ મારાં માટે ચા પીવા જેટલું સરળ છે. બનાવે કોઈ ને મજા લે કોઈ!" એ સહેજ હસ્યાં, "એક વર્ષથી આયશા શિવાંશને મળે છે. મારી દિકરીને હું જ્યાં સુધી જાણું છું. ત્યાં સુધીમાં તેણે શિવાંશ વિશે બધી વાતો જાણી લીધી હશે. પણ પોતાનાં વિશે તેને નહીં જણાવ્યું હોય. મારે પણ શિવાંશનું એ રાઝ જાણવું હતું. પણ મારી દિકરીએ મને નાં કહ્યું. આજ સુધી મેં તેને નાં પૂછ્યું. તો હવે શાં માટે પૂછું? અત્યાર સુધી શિવાંશે બધું છુપાવવા રમત રમીને મજા લીધી. હવે હું જાણવાં માટે રમત રમીશ" હવે તેમનો રૂપિયાનો નશો બોલ્યો, "હું જાતે જ શિવાંશ વિશે જાણી લઈશ. મારામાં બધી આવડત છે. આજ સુધી તો એક કામયાબ બિઝનેસમેનને રસ્તો ભટકવાથી રોકવા માટે મારે તેનું રાઝ જાણવું હતું. પણ હવે તો એ રાઝ જાણવાં પાછળ એક બીજું ખાસ કારણ છે." એ ફરી આંખો મીંચીને બેસી ગયાં. તેમની બંધ આંખોમાં આયશા સાથે તેમનાં જ ઘરમાં કોઈનાં પણ રૂંવાડા ઉભા કરી દે એવી ઘટના ઘટી એનાં દ્રશ્યો તરવરવા લાગ્યાં. આયશાએ એસિડથી થતી બળતરા વખતે પાડેલી ચીસો એમનાં કાનમાં ગુંજવા લાગી.

હોસ્પિટલની બહાર એક આદમી અને હોસ્પિટલની અંદર એક એમ પન્નાલાલનાં બે આદમીઓ સતત પહેરો આપી રહ્યાં હતાં. નોર્મલ કપડામાં સજ્જ કોઈ તેમની ઉપર શંકા પણ કરી નાં શક્યું. બાકી એ હંમેશાં યુનિફોર્મમાં જ રહેતાં. હોસ્પિટલમાં હવે માત્ર રાહીનો પરિવાર અને શિવાંશ જ હતાં. ડોક્ટરનાં કહેવાથી હોસ્પિટલમાં ભીડ વધી જવાનાં કારણે શિવાંશનાં મમ્મી-પપ્પા અને તન્વી પ્રવિણભાઈ સાથે તેમની ઘરે જતાં રહ્યાં હતાં. શિવમનો પરિવાર પણ રાહીને મળીને પોતાની ઘરે જવાં નીકળી ગયો હતો. આર્યન આયશા સાથે રાહીની ઘરે જતો રહ્યો હતો. આયશા આખી રાત સૂતી ન હતી એટલે શિવાંશે જ આગ્રહ કરીને તેને આર્યન સાથે મોકલી દીધી હતી. શિવાંશ રાહી પાસે તેનાં રૂમમાં બેઠો હતો. બાકી બધાં બહાર લોબીમાં હતાં. રાહી દવાની અસર હેઠળ સૂતી હતી. તો શિવાંશ પણ રાતનાં દશ વાગ્યે બહાર આવી ગયો.
"કાલે રાહીને ડિસ્ચાર્જ મળી જશે." શિવાંશનાં બહાર આવતાં જ મહાદેવભાઈએ કહ્યું. શિવાંશ ડોક હલાવીને બેન્ચ પર બેઠો.
"મેં તારી અને રાહીની વાત સાંભળી લીધી હતી. ભૂલ મારી હતી. જે હવે હું સુધારવા માગું છું." મહાદેવભાઈએ કહ્યું. રાધિકા અને ગૌરીબેન બધું સાંભળી રહ્યાં. રાધિકાનાં ચહેરાં પર સ્મિત આવી ગયું.
"રાહી અને હું એકબીજાને પ્રેમ કરતાં એ વાત સાચી. આજે પણ કરીએ છીએ. છતાંય તેને હવે અમારો પ્રેમ યાદ નથી." એનો અવાજ રૂંધાઈ ગયો, "બધું પહેલેથી શરૂ કરવું પડશે. જેટલું દેખાય એટલું કંઈ સહેલું નથી."
"હું હવે તારી સાથે છું. તું સમજે એટલું કંઈ અઘરું પણ નથી." મહાદેવભાઈએ શિવાંશનાં માથાં પર હાથ મૂક્યો. જાણે શિવાંશની અંદર એક નવી જ શક્તિનો સંચાર થયો. એ કંઈ બોલી નાં શક્યો. પણ મહાદેવભાઈ બધું સમજી ગયાં.
"તારો બિઝનેસ હજું પણ થોડો સમય ઋષભે સંભાળવો પડશે. જ્યાં સુધી રાહીને બધું યાદ નાં આવી જાય. ત્યાં સુધી તું અમારી સાથે મારી ઘરે રહીશ‌." મહાદેવભાઈ સહેજ હસ્યાં. શિવાંશે તરત જ તેમનાં ચરણ સ્પર્શ કરીને તેમનાં આશીર્વાદ લીધાં. મહાદેવભાઈએ શિવાંશનાં ખંભા પકડીને તેને પોતાની છાતી સરસો ચાંપી લીધો. જે થતું હોય એ સારાં માટે જ થતું હોય છે. આજે એક મોટી બિમારીનો સામનો કર્યા પછી રાહી સ્વસ્થ હતી. પોતે જે સપનાંઓ થકી શિવાંશને મળી એ સપનાં તે ભૂલી ગઈ હતી. છતાંય શિવાંશ તેને આજે પણ યાદ હતો. મતલબ શરૂઆત નવેસરથી કરવાની હતી. છતાંય એક રસ્તો બંધ થતાં બીજો રસ્તો પણ ખુલી ગયો હતો.
"બિઝનેસ થોડો સમય ઋષભને સંભાળવો પડશે મતલબ? પપ્પા." રાધિકાએ લાંબા લહેકા સાથે પૂછ્યું.
"રાહી અને શિવાંશનાં લગ્ન પછી રાહી શિવાંશ સાથે મુંબઈ જશે અને શિવાંશ ફરી તેનો બિઝનેસ સંભાળી લેશે." મહાદેવભાઈએ ચોખવટ કરી.
"મતલબ હવે તમારી કોઈ શરત નથી?" રાધિકાએ આંખો મોટી કરી.
"નહીં! હવે મારી કોઈ શરત નથી. મારી દિકરી મને મળી ગઈ. અને જ્યાં પ્રેમ હોય ત્યાં શરતને કોઈ સ્થાન નથી. પ્રેમ તો રસમો કસમોની પરે હોય છે." મહાદેવભાઈએ કહ્યું. એ સાથે જ રાધિકા તેમને વળગી પડી. તે આજે જ બધી ચોખવટ કરી લેવાં માંગતી હતી. એક વર્ષ પછી શિવાંશ ફરી એકવાર રાહીનાં જીવનમાં આવ્યો હતો. હવે રાધિકા હંમેશાને માટે રાહીનાં જીવનમાં શિવાંશની એન્ટ્રી કરી દેવાં માંગતી હતી. એવી રીતે કે પછી ક્યારેય એક્ઝિટ થઈ જ નાં શકે. પણ રાધિકા બીજી ચાલથી વાકેફ ન હતી. જે આ હોસ્પિટલની અંદર જ ચલાઈ ગઈ હતી.


(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED