લવ બાઇટ્સ
પ્રકરણ-53
સ્તુતિ ઓફીસથી નીકળીને સીધી ઘરે પહોચી આખાં રસ્તે એની આંખમાં વિચારોમાં સ્તવનનોજ ચહેરો ફરતો રહ્યો. એને થયું હું પણ સ્તવનને જોયો ત્યારથી આકર્ષાઇ હતી. સ્તવનનાં ચહેરાંથી મારી નજર હટતી નહોતી એની સાથે શું સંબંધ ? એતો મારો બોસ છે. એણે મને ચુંબન કેમ કર્યું ? મેં કેમ રોક્યો નહીં ? એણે મારાં ઘા પર ચુંબન કર્યું મને કેમ સારુ લાગ્યું. બધુજ દર્દ જાણે ગાયબ થઇ ગયું ? મારા ઘા સાથે એનો શું સંબંધ છે ? મેં મારી જાતને કેમ કાબૂ ના કરી ? મેં પણ એને ચુંબન કર્યુ. પ્રેમભર્યું એ દીર્ધ ચુંબનમા મને આટલું સુખ અને આનંદ કેમ મળ્યું ? આ કયું આકર્ષણ છે ?
સ્તુતિ ઘરે પહોચીને સીધી એનાં રૂમમાં ગઇ. માંએ કહ્યું બેટાં થોડું ખાઇલે ઓફીસથી આવી સીધી રૂમમાંજ કેમ ગઇ ? શું થયું ? તારો પહેલો દિવસ હતો કેવો ગયો ? કંપની અને માણસો કેવાં છે ? મંમી બોલતી રહી... પછી સ્તુતિને થયું માં રૂમમાં આપવા આવશે એટલે એણે ફાઇલ રૂમમાં મૂકીને બહાર આવીને કહ્યું માં કંપની અને માણસો બધાં સારાં છે હું કામ સમજીને આવી છું એ પુરુ કરવાનું છે એટલે સીધી અંદર ગઇ હતી પછી માં ને પૂછ્યું માં પાપા અને તુષાર ક્યાં ગયાં છે ?
માં એ કહ્યું પાપા કામથી બહાર ગયાં છે હમણાંજ એમની પૂજા પતી આવું છું કહીને ગયાં છે. તુષાર એનાં ફેન્ડને ઘરે ગયો છે. હું તારી રાહ જોઇને બેસી રહી હતી.
સ્તુતિએ કહ્યું માં તું આરામ કર હું મારું કામ નીપટાવું કહીને પાછી એનાં રૂમમાં ગઇ. રૂમમાં જઇને સીધી બેડ પર આડી પડી અને સ્તવન વિશેજ વિચારવા લાગી. સ્તવન કેવો પ્રેમાળ અને મીઠો છે. મને એ પ્રથમ નજરેજ આકર્ષી રહેલો. એનો સ્પર્શ મને જાણ સ્વર્ગ જેવો અનુભવ કરાવી ગયો. એણે સ્તવનને યાદ કરતાં એનાં ગળાનાં ડાઘ પર હાથ ફેરવશો એનાં સૂકૂન મળી રહ્યું હતું સ્તુતિ સ્તવનનેજ યાદ કરી રહી.
એણે એનાં હોઠ પર હાથ ફેરવ્યાને મનોમન બોલી મારાં કુંવારા હોઠ આજે જાણે તરસ બૂઝાવીને કોઇનાં થઇ ગયાં. સ્તવનનાં હોઠ કેટલાં મીઠાં હતાં. મને વારંવાર એને ચૂમવાનું મન થતું હતું હું આટલી બધી એનાંથી આકર્ષાઇ ગઇ મને તો જાણે મારો વિસામો મારી મંઝીલ મળી ગઇ.
પરંતુ સ્તવનનાં તો પરમ દિવસે વિવાહ છે. એ કોઇ બીજાનો થવાં જઇ રહ્યો છે એનું પહેલું પગથીયું મંડાઇ જશે. પછી સ્તવન મને નહીં મળે ? સ્તવનને મળ્યાં પછી હું એ ભૂલી શકું એમ નથી. મેં એ કહી દીધુ હું ઓફીસ નહીં આવું મેઇલ કરી દઇશ.
હું સ્તવનને મળ્યાં વિના રહી શકીશ ? એતો કાલે એનાં ગામ જશે. પછી 3-4 દિવસની લીવ મૂકેલી છે આમ પણ આખુ અઠવાડીયું નીકળી જશે. એનાં વિના હું કેવી રીતે જીવી શકીશ ? આમ માત્ર થોડી પળોમાં જાણે મારુ જીવન બદલાઇ ગયુ ? સ્તવન તું મને કેમ મળ્યો ? મળ્યો છે તો જુદાઇ કેમ ? સ્તવન મને એહસાસ થઇ રહ્યો છે. તુંજ મારાં ગત જન્મનો પ્રેમી છે તુંજ છે આ ગળાનાં નિશાન તારાં ચુંબનની દેન છે તારી આપેલી જ નિશાની છે. આમ આ જન્મે તું બીજાનો થવા જઇ રહ્યો છે ?
સ્તુતિ એનાં અગોચર એહસાસોને યાદ કરી રહી એ ગીત મેં ગાયું. અને મને સંભળાયુ હતું એ સ્તવનને ગાયું હશે ? અત્યારે સુધીનાં એહસાસ સ્તવનનાંજ હતાં ? સ્તવન મને બોલાવતો હશે ? મારી જેમ એને પણ અગમ્ય એહસાસ થતો હશે ? તો જ એ એકદમજ મને જોઇ મારી નિશાનીઓ જોઇ આકર્ષાયો મને વળગી પડ્યો. મને ચુંબનોની વર્ષાથી ભીની કરી દીધી.
સ્તવનજ મારો પ્રેમ છે ? મારી જેમ એને પણ મારી યાદ આવતી હશે ? એનાં વિચારોમાં હું હોઇશ ? એનાં ચુંબનોથી મારામાં મારાં મન શરીરમાં આનંદ આનંદ થઇ ગયો હતો. હું એને ફરીથી પામી શકીશ ?
સ્તુતિ સતત સ્તવનનાં વિચારોમાં હતી એને થયુ સ્તવનને મેળવવા મે કુદરતે કેવો ત્રાગડો રચ્યો. એજ પળ માટે તરસતી હું એ મળી મને પ્રેમ કર્યો અને બીજીજ પળે મારાંથી જુદો થઇ ગયો ? એ હવે બીજાનો થઇ જવાનો ? એને એહસાસ નથી કે હું એં વિના નહીં રહી શકું ? આ જન્મમાં બીજાને સ્વીકારી મને દગો દઇ રહ્યો છે ? હું જન્મોથી એની પ્રેમીકા છું ભલે કાળવશ જુદી થઇ પણ પ્રેમનાં નિશાન હજી મારાં શરીર પર જીવતાં છે. એ મને છોડી ના શકે.
પણ... મારી વાત સાચી કોણ માનશે. સ્તવન એકજ એવી વ્યક્તિ છે જેને હું એહસાસ કરાવી શકુ મનાવી શકું. સાબિત કરી શકું ? એનું જીવન શરૂ થતાં પહેલાં જ બરબાદ થશે. પેલી છોકરી આશાનું શું થશે ? મારાં લીધે એનું જીવન બરબાદ થશે.
ના.. ના.. હું એવુ ના કરી શકું... હું સ્તવનનેજ નહીં મળુ મેઇલ અને ફોન પર કામ પતાવીશ અને મારાંથી કાબૂ નહીં થાય તો નોકરીજ છોડી દઇશ એની યાદમાં જીવન જીવી લઇશ.
સ્તુતિનું મન બોલ્યું. આખો જન્મ તે વિરહની અનેક પીડાઓમાં કાઢ્યો છે એક ક્ષણનાં મિલાપમાં પ્રેમમાં તુ બાકીનું જીવન જીવી લઇશ ? આવી કેવી તારી મનોદશા ? આવું બલીદાન ? કોઇની જીંદગી સુધારવા તું તારી બગાડીશ ? હજી કેટલી વેદના તારે સહેવી છે ? જન્મોનો તારો પ્રેમ હવે તારી સામે છે તને મળી ગયો હવે શા માટે પાછાં પગલાં ભરવાં છે ?
સ્તવનને મળીને એહસાસ કરવા કે તુંજ એનો જન્મોનો પ્રેમી છે તારો પ્રેમી છે. તારાં વિના એક પળ નહીં જાય... સ્તુતિ એવું તું કરી શકીશ ? તારો પ્રેમી પાછો મેળવી શકીશ ?
આશા અઘોરીજી પાસે કેમ ગઇ હતી ? એને અમારો કોઇ અણસાર આવ્યો હશે ? કોઇ વિધી કરાવવા ગઇ હશે ? સ્તુતિ વિચારોમાં વમળમાં ફસાઇ છે.
**************
સ્તવન આશાનાં ઘરે આશાની બાહોમાં છે એ આશાને કંઇ કહી શક્તો નથી. અપરાધભાવ એને અંદરથી કોરી રહ્યો છે. આશાને વળગીને એની નબળાઇ છૂપાવી રહ્યો છે. સ્તુતિનાં આકર્ષણ એનું મન દ્વિધામાં છે એને આશાને દગો નથી દેવો પણ સ્તુતિ પણ ભૂલાતી નથી.
આશાએ સ્તવનને કહ્યું એય મારાં બાવરા કંઇ ખાવુ પીવું છે ? મંમી પપ્પાને આવવાની વાર છે એ લોક અત્યારે તમને જોશે તો સાચેજ પાગલ માનશે કે મારી છોકરી પાછળ પાગલ છે.
સ્તવને કહ્યું ભલે એવું માને પણ મને તારી યાદ ખૂબ આવી હોય તો આવું જ ને ? ક્યાં જઉ ?
આશાએ કહ્યું અહીં મારી પાસેજ આવવાનું ને મારાં સ્તવન એમ કહીને સ્તવનનાં કપાળે ચૂમી ભરી. કાલે તો તમારે ગામ જવાનું છે. પણ પરમ દિવસે તો અડધું લગ્ન થઇ જવાનું વિવાહ આપણે સમાજમાં અને ક્રિયાવિધીથી એકબીજાનાં થઇશું આપણું નક્કી થયેલું એનાં પર મ્હોર વાગી જવાની પછી તે હું મારાં સ્તવનને એક પળ આઘો નહીં રાખુ બસ તમને વળગેલીજ રહીશ. કોઇની નજર ના લાગી જાય આપણાં પ્રેમને સંબંધને એવી માઁ ને પ્રાર્થના કરીશ. માઁ મહાકાળી આપણુ રક્ષણ કરશે.
માઁ મહાકાળીનું નામ લીધું. અને સ્તવનને એકદમ યાદ આવ્યુ એણે પૂછ્યું આશા તું પહેલાં એકલી અઘોરીજી પાસે ગઇ હતી ? માઁ મહાકાળીનાં દર્શન કરવા ગઇ હતી ?
આશા એકદમ ચમકી એનો ચહેરો બદલાઇ ગયો એટલે ચોરી પકડાઇ હોય એમ ડરી ગઇ એણે કહ્યુ. અરે તમને કોણે કીધું ?
સ્તવને કહ્યું અમારાં ઓફીસનાં ક્લીગે કહ્યું કે મેં આશાભાભીને એકલાંજ આશ્રમે આ મંદીરે જોયાં હતાં ? સર તમે સાથે નહોતાં ગયાં ?
આશા સ્તવન સામે જોઇ રહી અને બોલી.....
વધુ આવતા અંકે - પ્રકરણ -54