પતિ પત્ની અને પ્રેત - ૩૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૩૩

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૩

રિલોકની સાથે રેતા પણ ચોંકી ગઇ હતી. રેતાએ હમણાં જ પહેરેલા પોતાના અસલી મંગળસૂત્ર પર હાથ ફેરવ્યો. ચિલ્વા ભગત આંખો બંધ કરી ધ્યાન ધરીને જયનાના પ્રેતનો સામનો કરવા સજ્જ થઇ રહ્યા હતા.

જામગીરે પોતાના ધ્રૂજતા હાથથી રિલોકનો હાથ પકડી લીધો ત્યારે તેનો હાથ પણ ડરથી ધ્રૂજતો હોવાનો અનુભવ કર્યો. જશવંતભાઇ અને જાગતીબેન પણ સતર્ક થઇ ગયા હતા. હવે પછીની ઘડીએ શું બનશે એ કોઇ કહી શકે એમ ન હતું.

અચાનક સાધુના મુખેથી "ચિલ્વા..." નો ઉચ્ચાર સાંભળી ચિલ્વા ભગતે ચમકીને આંખો ખોલી અને ગુસ્સાથી બોલ્યા:"તું ગમે તેટલી ચાલાકી કરીશ પણ અમે તને ઓળખી ગયા છે...'

સાધુ દાઢી પર હાથ ફેરવીને બોલ્યા:"ચિલ્વા, તેં મને ઓળખ્યો નથી. પણ હું તને બરાબર ઓળખું છું..."

ચિલ્વા ભગત હાથમાં ફરી ભસ્મ લઇને બોલ્યા:"તું મને ઓળખતી નથી. તારી કોઇ ચાલ હવે સફળ થવા દઇશ નહીં. અહીંથી હમણાં ને હમણાં ચાલી જા..."

"ચિલ્વા... તને થઇ શું ગયું છે? હું કોઇ સ્ત્રી નથી. તું મને જોઇ શકતો નથી કે શું? તારા ગુરૂને ભૂલી ગયો...? લાંબી દાઢી અને માથાના વધેલા વાળથી તું ઓળખી શક્યો નથી." સાધુએ નવાઇથી પોતાની ઓળખ આપતાં પૂછ્યું.

"ગુરૂ...જી?" બોલતાં ચિલ્વા ભગતને સ્મરણ થયું:"ગુરૂ દીનાનાથ?"

"હા, હું તને પહેલી જ નજરથી ઓળખી ગયો. તેં મને ઓળખ્યો નહીં. હું તારા ઘરે જઇને આવ્યો. તું દેખાયો નહીં એટલે થયું કે ક્યાંકથી એક ટંકનું ભોજન બનાવવા સામગ્રી લઇ લઉં. પછી જમીને ફરી તને મળવા આવું..."

"મારા પરમ ભાગ્ય ગુરૂજી! તમે મારે ત્યાં પધારો..." બોલતાં બોલતાં ચિલ્વા ભગત હાથ જોડીને ઝૂકી ગયા.

દીનાનાથે નજીક આવીને તેના હાથ પકડી લીધા:"ચિલ્વા, તારા ઘરે જરૂર આવીશ. અત્યારે તારી સાથે આ બધાં પણ કોઇ સમસ્યાથી ગભરાયેલા લાગે છે. તેં મને બીજી કોઇ વ્યક્તિ ધારી લીધો એ પરથી લાગે છે કે કોઇ ભૂત-પ્રેતનો સામનો કરી રહ્યા છો..."

"હા ગુરૂજી, અમે અત્યારે મુસીબતમાં સપડાયા છે. એક પ્રેતથી બે જણનો જીવ બચાવવાની મથામણ કરી રહ્યા છે...અમને અત્યારે બધામાં એ પ્રેત હોવાની શંકા ઊભી થાય છે." ચિલ્વા ભગતના સ્વરમાં ખુશી હતી.

"અલખ નિરંજન...હવે એ બધું તમે મારા પર છોડી દો..." દીનાનાથે આશીર્વાદની મુદ્રામાં હાથે ઊંચો કરીને કહ્યું.

દીનાનાથે ગુરૂની વાતથી ચિલ્વા ભગત, જામગીર, રેતા, રિલોક, જશવંતભાઇ અને જાગતીબેનને ઘર બેઠા ભગવાન મળ્યા હોય એવો આનંદ થયો. દીનાનાથના આગમનથી બધાંને બમણી ખુશી થઇ રહી હતી. એક તો જયનાનું પ્રેત ન હોવાની અને બીજી તેમણે બંનેને બચાવવાનું આશ્વાસન આપ્યું એની. રેતાની આંખમાંથી આંસુ છલકી રહ્યા. તે એમના ચરણમાં બેસી ગઇ:"ગુરૂજી, મારા પતિને એ પ્રેતની ચુંગાલમાંથી છોડાવો..."

જામગીરે વચ્ચે બોલવું પડ્યું:"બધાં બાજુ પર ખસી જાવ. પહેલાં ગુરૂજીને ઘરમાં પધારવા દો. એમને પહેલાં ભોજન-પાણી આપીએ અને પછી આપણી સમસ્યા જણાવીએ.

રેતા ઊભી થઇ ગઇ. દીનાનાથને ઘરમાં બોલાવી બેસાડ્યા.

ચિલ્વા ભગત વર્ષો પછી પોતાના ગૂરૂના દર્શન કરીને ધન્ય થઇ રહ્યા હતા. આજે એવા સમય પર આવ્યા હતા જ્યારે પોતાને પોતાની શક્તિ માટે શંકા થઇ રહી હતી. પ્રેત સામે કેવી રીતે લડીશું એની ચિંતા થઇ રહી હતી.

જામગીરે દીનાનાથને પાણી આપ્યું. તેમણે ભગવાનનો આભાર માની હાથ ઊંચો કરી પીધું.

ચિલ્વા ભગતે જયનાના પ્રેતની બધી વાત વિગતવાર કરી દીધી.

થોડીવાર માટે તેમણે ધ્યાન ધર્યું. બધાં એમની સામે જ ઉત્સુકતાથી જોઇ રહ્યા હતા.

દીનાનાથે થોડીવાર પછી આંખો ખોલી અને રેતા પર નજર નાખી. તેની આંખો પતિની દયાની ભીખ માંગી રહી હતી.

દીનાનાથે તેના હાથની રેખાઓ જોઇને ગંભીર સ્વરે પૂછ્યું:"દીકરી, ચિંતા ના કરીશ. તારા પતિને પાછો લાવવા આપણે પ્રયત્ન કરીશું. પહેલાં એક વાત કર કે તારા પતિને લગ્ન પહેલાં બીજી કોઇ સ્ત્રી સાથે પ્રેમ હતો?"

રેતા ચોંકી ગઇ. આ કેવો સવાલ આવ્યો? શું વિરેનને લગ્ન પહેલાં કોઇ સ્ત્રી સાથે પ્રેમ હશે? પોતાને તો આવી કોઇ વાતની જાણ નથી. ગુરૂજીને કોઇ ખ્યાલ આવી ગયો હશે?

રેતાએ ડરતાં ડરતાં પૂછ્યું:"મને ખબર છે ત્યાં સુધી એમને મારી સાથે પહેલી મુલાકાતમાં જ પ્રેમ થયો હતો. પણ જો બીજી કોઇ સ્ત્રી સાથે એમને પ્રેમ હોય તો એ મને હવે નહીં મળે?"

"દીકરી, જો તારા પતિને બીજી કોઇ સ્ત્રી સાથે પ્રેમ રહ્યો હશે તો એ જયનાના પ્રેતની જાળમાં વધારે ફસાઇ શકે છે. જો માત્ર તને જ ચાહતો હશે તો એ પ્રેત એનું કંઇ બગાડી શકશે નહીં. તારું મંગળસૂત્ર મને આપીશ?"

ગુરૂજીએ મંગળસૂત્ર માંગ્યું એટલે રેતા સાથે બધાં જ ચોંકીને એકબીજાને જોવા લાગ્યા. રેતાને થયું કે આ ખરેખર ચિલ્વા ભગતના ગુરૂજી જ હશે કે જયનાનું પ્રેત છે? તે ગુરૂજીના રૂપમાં આવ્યું હોય એવું પણ બની શકે...તેમના પર કેટલો વિશ્વાસ કરવો?

વધુ ચોત્રીસમા પ્રકરણમાં...