પતિ પત્ની અને પ્રેત - ૩૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૩૨

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૨

રેતા પાસેથી જયનાનું ભૂત મંગળસૂત્ર લઇ ગયું છે એ જાણી બધાના ચહેરા પર ડર છવાઇ ગયો. રિલોકને થયું કે રેતાએ બહુ મોટી ભૂલ કરી દીધી છે. એમાં એનો વાંક કાઢી શકાય એમ નથી. એણે વિરેનને મંગળસૂત્ર આપ્યું છે. એને છોડાવવા માટે જ તો એ આટલી મહેનત કરી રહી છે. જામગીરને થયું કે મંગળસૂત્ર ગયા પછી ચિલ્વા ભગતની બધી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જયનાના ભૂત સામે રેતા માટે મંગળસૂત્ર એક અમોઘ હથિયાર જેવું હતું. મંગળસૂત્રને કારણે જયના એનું કંઇ બગાડી શકે એમ ન હતી. તેણે આ ભૂલ કરીને પોતાને જ મુસીબતમાં મૂકી દીધી છે.

"તમે કેવી રીતે કહી શકો કે એ વિરેન ન હતો?" રેતાએ ભગતને પૂછ્યું.

ચિલ્વા ભગત નિરાશા સાથે બોલ્યા:"વિરેન જયનાની જાળમાં ફસાયો હોય તો પછી અહીં આવી શકે જ કેવી રીતે? એનો તારે વિચાર કરવાની જરૂર હતી. અને તારું મંગળસૂત્ર વિરેનને એનાથી કેવી રીતે મુક્તિ અપાવી શકે? એ તો સ્ત્રીનું અણમોલ ઘરેણું છે. મેં તને પહેલાંથી જ અનેક વખત કહ્યું છે કે મંગળસૂત્ર સાચવજે. એ જ તારી રક્ષા કરશે. વિરેન આવ્યો ત્યારે તારે એને સમજાવીને મારી પાસે લઇ આવવાની જરૂર હતી. તું જયનાની વાતોમાં આવી ગઇ અને તારું મંગળસૂત્ર ગુમાવી બેઠી છે."

અચાનક રેતા જોરજોરથી હસવા લાગી. તેનું શરીર ધ્રૂજવા લાગ્યું.

ચિલ્વા ભગત સાથે રિલોક અને જામગીર ચિંતિંત બન્યા. રેતાને ફરી કોઇ દોરો પડ્યો છે કે જયનાએ તેના પર કોઇ જાદૂ કર્યો છે? ચિલ્વા ભગતે ધ્યાન ધરવાનું શરૂ કર્યું.

રેતા પોતાના હસવા પર કાબૂ રાખીને બોલી:"ભગતજી, તમે ચિંતા ના કરશો. હું સારી જ છું. અને જયનાના પ્રેતને છેતર્યું એ વાત પર હસી રહી છું..."

રિલોક કહે:"વાત શું છે? તું એમ કહેવા માગે છે કે તને ખબર પડી ગઇ હતી કે એ વિરેન નથી પણ જયનાનું પ્રેત છે?"

"હા, પહેલાં તો હું વિરેનને હેમખેમ જોઇ ખુશ થઇ ગઇ હતી. પણ જ્યારે એણે એમ કહ્યું કે મને સ્પર્શ ના કરતી ત્યારે હું વિચારમાં પડી ગઇ. એણે એમ કહ્યું કે તારો ચહેરો જોઇને મારી યાદશક્તિ આવી ગઇ છે ત્યારે મને શંકા ગઇ કે મેં એની યાદશક્તિ વિશે કંઇ પૂછ્યું જ નથી. મને ખબર પણ નથી કે એની યાદશક્તિનું શું થયું છે. એણે મંગળસૂત્રના પ્રભાવની વાત કરી મને ઓળખી હોવાની વાત કરી ત્યારે પાકી ખાતરી થઇ ગઇ કે એ જયનાનું પ્રેત જ છે. જે વિરેનનું રૂપ લઇ મને છેતરીને મારું મંગળસૂત્ર લઇ જવા માગે છે. તેણે એમ કહ્યું કે નાગદાના ગળામાં આ મંગળસૂત્ર નાખવાથી એ ભસ્મ થઇ જશે. એણે મંગળસૂત્રની જ સતત માગણી કરી. મને ખબર હતી કે જયનાના પ્રેતમાં શક્તિ હશે. એનો પ્રતિકાર કરવા કરતાં હમણાં મૂરખ બનીને એને જ છેતરવામાં ભલાઇ છે. મેં એને જાણી જોઇને મંગળસૂત્રનું મારે મન કેટલું મહત્વ છે એ પણ કહ્યું. સારી વાત એ હતી કે તમે મંગળસૂત્ર સાચવવા તાકીદ કરી હતી એટલે આજે જ નકલી મંગળસૂત્ર બનાવી લાવી હતી. અસલીને મેં મારી કુર્તીના ખિસ્સામાં રાખ્યું હતું. જરૂર પડે તો હું એને કાઢવાની હતી. મેં ગળામાંથી નકલી મંગળસૂત્ર કાઢી આપી દીધું એટલે એ ખુશ થઇને જતી રહી..."

રેતાની વાત સાંભળી બધાને દિલમાં હાશ થઇ. જયનાના પ્રેતને છેતરીને રેતાએ મોટું કામ કર્યું હતું. સાથે એવી ચિંતા કોરી ખાવા લાગી કે જ્યારે તેને આ વાતની ખબર પડશે ત્યારે એ ફરી કોઇ કાવતરું કરશે. હવે આરપારની લડાઇ લડવાનો વખત આવી ગયો હતો.

ચિલ્વા ભગત કહે:"રેતા, તેં સારું કામ કર્યું છે. અમે તો એ તારું અસલી મંગળસૂત્ર લઇ ગઇ છે એમ જાણીને ડરી ગયા હતા."

રેતાએ કુર્તીના ખિસ્સામાંથી અસલ મંગળસૂત્ર કાઢીને પહેરી લીધું.

ચિલ્વા ભગત કંઇક વિચારીને બોલ્યા:"આપણે જામગીરકાકાના ઘરે જઇએ અને આગળની યોજના બનાવીએ. નાગદાના એટલે કે સ્વાલાના માતા-પિતાને પણ આ યોજનામાં સામેલ કરવા પડશે. આપણી એક ભૂલ સ્વાલાનો જીવ જોખમમાં મૂકી શકે છે. મને નાગદા સાથેની લડાઇમાં સ્વાલાની ચિંતા થઇ રહી છે..."

"સારું છે કે સ્વાલાના મા-બાપ આપણા સંપર્કમાં આવી ગયા. નહીંતર આપણે નાગદાને માત્ર જયનાનું પ્રેત માનીને એના અંત માટે જ પ્રયત્ન કરવાના હતા." જામગીર રાહત અનુભવી રહ્યા.

જામગીરના ઘરે પહોંચીને બધાં વિચાર કરતા બેઠા ત્યારે જશવંતભાઇએ કહ્યું:"અમે સમજીએ છીએ કે તમારા પર એક નહીં બે જણને બચાવવાની જવાબદારી આવી ગઇ છે. રેતાના પતિને મુક્ત કરાવવા સાથે સ્વાલાને પણ તેના પ્રેતથી મુક્ત કરવાની છે. અમે કોઇ મદદ કરી શકીએ કે કેમ?"

ચિલ્વા ભગત કહે:"તમારી મદદની જરૂર પડશે પણ કેવી રીતે એ કહી શકાય એમ નથી. તમે સ્વાલાની સામે જઇ આવ્યા અને તેણે તમને ઓળખવાનો ઇન્કાર કરી દીધો છે. પરંતુ એક વાત નક્કી છે કે જયનાનું પ્રેત તમને ઓળખું ગયું છે. જો એમ ના હોત તો તમને એ સ્વાલા ન હોવાનો ભ્રમ ઊભો કર્યો ના હોત. જયનાનું પ્રેત સમજી ગયું છે કે સ્વાલાના મા-બાપ આવી ગયા છે. અને એની પણ ખબર પડી હશે કે અમે તમારી સાથે છીએ...એને વિરેન સાથે જ મતલબ છે. એવું ના થવું જોઇએ કે આપણે વિરેન અને સ્વાલા બંનેને ગુમાવી બેસીએ..."

રેતા રડવા લાગી.

જામગીર કહે:"બેટા, તું હતાશ કે નિરાશ ના થઇશ. ચિલ્વા ભગત પ્રેતને જવાબ આપી શકે એટલા સક્ષમ છે. પરંતુ હવે આયોજન જડબેસલાક કરવું પડશે..."

"અલખ નિરંજન..." અચાનક કોઇ પુરુષનો ઘેઘૂર અવાજ સાંભળી બધાને નવાઇ લાગી.

બધાની નજર અને પછી શરીર અવાજ જે તરફથી આવતો હતો એ તરફ ફર્યા. જોયું તો એક દાઢીધારી ભગવા કપડાં પહેરેલો પુરુષ હાથ ઊંચો કરીને બોલી રહ્યો હતો:"અલખ નિરંજન...કોઇ અનાજ આપશે? એક ટંકના ભોજનનો સવાલ છે..."

બધાંની આંખોની તીક્ષ્ણતા વધી ગઇ. નક્કી જયનાનું પ્રેત સાધુના રૂપમાં આવ્યું છે. રાક્ષસો પણ સાધુના રૂપમાં જ માનવજાતને છેતરતા રહ્યા છે. ચિલ્વા ભગત સતર્ક થઇ ગયા. એમણે તરત ધ્યાન ધર્યું અને સમય ગુમાવ્યા વગર પોતાની પાસેની ભસ્મ મંત્રીને એ સાધુ તરફ ફેંકી. ભસ્મ સાધુના શરીર પર પહોંચે એ પહેલાં જ તણખા ઝર્યા. ભગત ચોંકી ગયા. તેમની ભસ્મની શક્તિને નબળી બનાવી દેવામાં આવી હતી. ચિલ્વા ભગતે ધીમેથી બધાંને કહ્યું: જયનાનું પ્રેત જ છે. મારી શક્તિઓનો જવાબ આપી રહ્યું છે. તમે બધા મારી પાછળ આવી જાવ..."

રિલોક બબડ્યો:"આ પ્રેત આપણાને તૈયારી કરવાનો સમય આપવા માગતું નથી..."

વધુ ૩૩ મા પ્રકરણમાં...