દિલની સગાઈ Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની સગાઈ

નાનુ અને રાજીને નાનપણથી સારું બને.રાજી નાનુથી એક ધોરણ પાછળ ભણતી હતી. નાનુ ભણયે હોશિયાર હતો.રાજીને લેસન ના આવડે તો તે નાનુના ઘરે આવતી. બંને સાથે બેસી લેસન કરતાં.ક્યારેક નાનુનો ભાઈબંધ પ્રતાપ ઉર્ફે પત્યો પણ આવતો. નાનુ શરમાળ ને અંતર્મુખી છોકરો.રાજી ચુલબુલી ને ધડનું ફડ બોલવાવાળી. પત્યો ફાકા ફોજદાર.
રાજી એ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભણવાનુ છોડી દીધું.તે પોતાનાં બાપાની ખેતી કામમાં ને પશુપાલનમાં લાગી ગઈ.પત્યો પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ગામમાં હીરાનાં કારખાને બેસી ગયો.પત્યાને હાથમાં પૈસા આવવા લાગ્યાં. તે મોજી લાલો હતો.જે કમાય તેનાં સારા સારા કપડાં લાવે, નવાં નવાં બૂટ પહેરે, અત્તર થી મઘમઘતો હોય.હંમેશા આત્મવિશ્વાસથી ભરેલો હોય.

નાનુ એ આગળ ભણવાનું ચાલું રાખ્યુ. તે s.t. માં updown કરતો.સાંજે ઘરે આવી જતો.નાનુ સરળ સ્વભાવનો ને સીધોસાદો હતો.ઘરની પરિસ્થિતિ સાધારણ હોવાને લીધે કપડાં ને બાહ્ય દેખાવે બહું ટીપટોપ નહોતો.
કાયમ સાંજે ૬ વાગ્યે બસમાંથી નાનુ ઉતરે.ખભે દફતર ને હાથમાં ટિફિન હોય.મોટાભાગે આ સમયે રાજી હવાડે ભેંસો પાવા આવે.હવે રાજી પ્રાથમિક શાળામાં ભણતી તે બે ચોટલી વાળેલી બચૂકડી રાજી નહોતી રહી.હવે તો રાજીના યૌવનની અટારીએ મોરલિયા ટહુકવા લાગ્યાં હતાં. પેલાની રાજીનો ચહેરો પાતળો,વિખરાયેલા વાળ, ગમે તેમ ચાલતી,કોઈની સામે જોવે તો બસ જોયાં જ કરે,બસ બિંદાસ! ને અત્યારે, ચહેરો ગોળમટોળ ને તેમાં શરમ ને હયા ભળેલા હતાં.રોજ સરસ રીતે માથું ઓળેલું હોય.ક્યારેક ફૂલ પણ નાખેલું હોય. ચાલવામાં એકદમ ધીમી ચાલ.નજર ઢાળી ને ચાલતી.ક્યારેક કોઈક સામે જોવે તો પણ કોઈને ખબર ન પડે તેમ જોતી.ને ફરી નજર ઢાળી જતી. તેની એક નજર પામવાં જુવાનિયા બજારે કલાકો સુધી અડિંગો જમાવી બેસી રહેતાં.પણ કોઈનામાં રાજી ને બોલાવવાની પણ હિંમત નહોતી.

નાનુ બસમાંથી ઉતરે એટલે રાજી તેની સાથે ચાલતી. હવે તો નાનુને પણ રાજી સાથે વાત કરવામાં શરમ આવતી. રાજી મોટી થઈ ગઈ હતી ને! નહિતર પહેલાં તો રાજી લેસન કરવા આવતી ત્યારે લખવામાં ધ્યાન નો રાખે તો નાનુ તેને વાહામાં ધબ્બો મારતો. તે યાદ આવતાં નાનુએ ચોરી છુપી રાજી નાં વાહાં તરફ જોઈ લીધું ને નાનુનાં શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ.

રાજી નાનુ સામે જોઈ ને સ્મિત આપતી.નાનુ આજુબાજુ જોઈ લેતો કે કોઈ જોતું નથી ને! રાજી નાનુ ને ડરતો જોઈને ચિડવતી, " કેમ બહું બીક લાગે છે?" આમ, કહી મોઢાં આડે હાથ રાખી હસી પડતી. તો ક્યારેક નાનુ ને પૂછી લેતી, " સેર માંથી મારી હારું સુ લાવ્યો?" નાનુ વળી આજુબાજુ જોઈ ગભરાય ને કહેતો,

" કાઈ નહિ!"

રાજી મોઢાં આડે હાથ દઈ હસી લેતી ને કહેતી, " અમારી હારું પણ કારેક કાકય લેવાય હો..."

લગભગ રોજની બંને ની આ મુલાકાત ને નાનુ રાતે ખાટલામાં સુતોસુતો યાદ કરતો ને મનમાં હરખાતો. હવે પોતે પણ રાજી ને ચાહે છે, તે વાત પાક્કી હતી.પણ મોકો જોઈને રાજી ને આ વાત કરી દઈશ તેમ નાનુ વિચારતો.

એક દિવસ નાનુ બસમાંથી ઉતર્યો ને તરત તેની નજર રાજી ને શોધવા લાગી.રાજી હવેડે પાણી પીતી ભેંસો પાછળ સંતાઈને આ જોઈ રહી હતી.અચાનક નાનુ ની નજર રાજી સાથે મળતાં રાજી જોરથી હસી પડી ને નાનુ એ કોઈ ગુનો કર્યો હોય તેમ શરમાઈ ગયો. રાજી ને નાનુ સાથે ચાલવા લાગ્યાં. રાજી નાનુ નું ઇન્ટરવ્યૂ લેતી હોય તેમ પૂછવા લાગી,

" કાલ રજા સે ને? "

નાનુ એ આજુબાજુ જોઈ લીધું પછી રાજી સામે જોઈ હા પાડી.

" કાલ તારા ઘરે કોઈ નથી ને? બધાં ખોળો ભરવા જાવાના છે." રાજી એ જાસૂસ હોય તેમ જાણકારી સાથે ની વાત કરી.

નાનુ એ હા પાડી.

" કાલ બપોરે હું તારા ઘરે આવવાની છું." એમ કહી રાજી ત્રાસી નજર કરી નાનુ ને ઘાયલ કરી જતી રહી.

નાનુ ને બધું આટલું ઝડપી ચાલશે તેવી ધારણાં પણ ન હતી. હજું તો તે એવું વિચારતો હતો કે પોતે સમય આવે રાજી સમક્ષ પોતે તેને પ્રેમ કરે છે તેનો ઈઝહાર કરશે. પણ રાજી ખૂબ ઉતાવળી નીકળી.તે મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો.આજે રાત્રે તેને કેમે કરી ઊંઘ જ નહોતી આવતી. કાલે રાજી સાથે શું વાત કરશે તેની ગોઠવણ નાનુ કરતો હતો.નાનુની સામે રાજીનું જોબન તરવરતું હતું.બસ હવે તો કાલની વાટ હતી.પણ કાયમ મીઠી લાગતી રાત આજે વેરણ લાગતી હતી.કેમે કરી જાતી નહોતી. પડખા ઘસી સવાર પડી.આજે નાનુ ખૂબ ઘસીને નહાયો.સારા કપડાં પહેર્યા ને વારે વારે અરીસા સામે ઊભો રહેવા લાગ્યો.

માંડ માંડ બપોર થયા, પવનની ખડકી ખખડે તો પણ નાનુને રાજી આવ્યાંનાં ભણકારા થાય.એટલાંમાં કોઈ આવ્યું નાનુ હરખાયો.ઓસરીની કોર ઉતરી સામે ચાલ્યો.ખડકી ખુલી ને પત્યો પ્રવેશ્યો.પોતાનો ખાસ મિત્ર પત્યો આજે નાનુ ને કબાબમાં હડ્ડી જેવો લાગ્યો.નાનુ એ મોઢું બગાડી સીધો પ્રશ્ન કર્યો,

" તું કેમ આવ્યો છો? મારે અત્યારે બહાર જવાનું છે!".

" લે તને રાજી એ વાત નહોતી કરી? તે આજે મને મળવા આવવાની છે.ઈ તો મને એમ કહેતી હતી કે મે નાનુ ને કહી રાખ્યું છે!"

નાનુ ને વાઢો તોય લોહી ના નીકળે એવો થઈ ગયો. પત્યાએ નાનુ તરફ જોયાં વગર તેની ને રાજીની પ્રેમ કહાણીની વાતો કહેવા લાગ્યો. નાનુ કશું બોલ્યા વગર નીચી મુંડી કરી ને સાંભળવા લાગ્યો. તેને દુઃખ તો બહું લાગ્યું પણ શું થાય? પત્યો પણ તેનો ખાસ દોસ્તાર હતો.તે સમસમીને બેસી રહ્યો. એટલામાં રાજી ગભરાતી ખડકીમાં પ્રવેશી. પહેલાં નાનુ સામે જોઈ હસી ને બોલી,

" પાછો કોઈ ને કે 'તો નહિ હો.."

નાનુ એ પડી ગયેલાં મોઢે પરાણે સ્મિત કર્યું. રાજી એ આવીને ખાટલે બેઠેલાં પત્યા નાં વાહા માં ધબ્બો માર્યો ને બોલી,

" બોલ હુંકામ મને બોલાવી? "

અચાનક પત્યા એ ઊભા થઈ રાજીને પોતાનાં તરફ ખેંચી બાહુપાશમાં દબાવી દીધી. ને ગુલાબની પાંખડી જેવા રાજીના હોઠને ચૂમી લીધા.નાનુ આ જોઈ થોડો ગુસ્સે થયો ને થોડો ધરબાઈ ગયો.તે ફળિયામાં આ લોકો ન દેખાય તેમ દૂર જઈ ઉભો રહી ગયો. નાનુને પોતાનાં ઘરનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. તેણે આ બાજું આવી જોયું તો રાજી ને પત્યો ઘરમાં ગરી ગયાં હતાં ને ઘરનો દરવાજો બંધ કરી દિધો હતો.

નાનુ ખૂબ ગભરાયો.જો કોઈ આવી જશે તો ન થવાની થાશે.પણ પેલાં તો પ્રેમનાં ઉન્નમદ થયેલાં, મહાસાગરનાં મોટા મોજાઓ પર પોતાની મોજ મસ્તીની નાવડી હંકરવામાં મશગુલ હતાં.આજે તેને નોતી કોઈની બીક કે નોતી કોઈની શરમ.બહાર નાનુ આઘો પાછો થવાં લાગ્યો.

અડધાં કલાક પછી ઘરનો દરવાજો ખૂલ્યો.રાજી તરત બહાર આવી.વિખાય ગયેલાં વાળ હતાં. ચોળાય ગયેલાં કપડાં હતાં. તે નાનુ સામે જોઈ શરમાઈને નીચું જોઈ ગઈ.નાનુ ને પહેલી વાર રાજી પ્રત્યે તિરસ્કાર થયો. ડેલી તરફ જઈ રહેલી રાજી ને નાનુ ગુસ્સા ભરી નજરે જોઈ રહ્યો.રાજી જતી રહી.ડેલી જોરથી બંધ થવાનો અવાજ આવ્યો.

પછી પત્યો ઓરડામાંથી બહાર આવી ખાટલે બેસી પોતાનાં પરસેવાથી અસ્તવ્યસ્ત થઈ ગયેલાં વાળ સરખા કરવાં લાગ્યો.નાનુ કશું બોલ્યા વગર પત્યા પાસે ખાટલે બેસી ગયો.તેને પત્યાને બે અડબોથ આટવા નું મન થયું પણ શું થાય? પત્યો પણ તેનો દોસ્ત હતો.ઘડીક કોઈ કાઈ બોલ્યાં નહિ.પછી પત્યા એ નાનુનાં ખભે હાથ મૂકી કહ્યું,

" કેદુની મારી વાહે પડી 'તી. પણ મળવું ક્યાં એનો મેળ નોતો આવતો.તે આજ હારો મેળ પાડી દિધો. આપડે હીરામાં હારું કામ થાય છે.ક્યારેક ભાવનગરથી કાઈ ને કાઈ વસ્તું રાજી હારું લાવ્યાં કરીએ. આપડે એને રાજી રાખવી એણે આપણને મોજ કરાવી."

પત્યો આ બધું નફ્ફટાઇથી બોલ્યે જતો હતો.નાનુ નું લોહી ઉકળતું જતું હતું.

" ઠીક લે હું જાવ, આ વાત આપડી ત્રણ પૂરતી જ રાખજે.કોઈ ને કહેતો નહિ." એમ કહીને પત્યા એ નાનુનાં ખભે ટેકો લઈ ખાટલામાંથી ઉભો થયો. ડેલી બંધ થવાનો અવાજ આવ્યો ત્યારે નાનુ જાગ્રત થયો ને તેને ખબર પડી કે પત્યો ગયો.

નાનુ કેટલીય વાર સૂધી ખાટલે સૂનમૂન બેસી રહ્યો.પછી કંઇક વિચારી એક જટકે ઉભો થયો. ને પોતાનાં કામમાં લાગી ગયો. તેણે દિલો દિમાગમાંથી રાજીને અને પત્યાને કાઢી નાખ્યાં.તે પોતાનાં અભ્યાસમાં લાગી ગયો.પહેલાં તે સાંજે બસમાંથી ઉતરી બીજા પેસેન્જર આગળ જતાં રહે ને પોતે રાજી સાથે ચાલી શકે તે માટે ઘડીક પેન્ટ ખંખેરે ને ઘડીક વાળ સરખાં કરે.પછી દફતર ઝાપટે ને ટિફિન સમુનમુ કરે. પછી રાજી ભેંસો ને પાણી પાઈને પાછીવળે તેનાંથી થોડું અંતર રાખી ચાલતો રહે. ને વાતું કરતો આવે .

હવે રાજી તો રોજ હવેડે ભેંસો પાવા આવતી જ હતી.પરંતુ નાનુ બસમાંથી ઉતાવળથી ઉતરી બધાં પેસેન્જર ની આગળ ચાલવા લાગતો.રાજી સાથે નજર પણ નહોતો મિલાવતો.રાજીને પણ કારણ ની ખબર જ હતી.

આમને આમ એકાદ વરસ નીકળી ગયું. રાજી ને પત્યો અલગ અલગ જગ્યાએ મળીને પ્રણયફાગ ખેલી લેતાં. હવે પત્યો પણ નાનુને ખાસ મળતો ન હતો.નાનુએ પત્યા ની રાજી સિવાય ગામમાં બીજી બે છોકરીઓ સાથે પણ વાત સાંભળી હતી. પત્યો હીરામાં જે રળતો તે બધું આમ જ ઉડાવી દેતો.

એક દિવસ નાનુ બસમાંથી ઉતર્યો ને ઉતરી ને તરત ચાલવા લાગ્યો. ત્યાં રાજી હવેડે તેની રાહે જ ઉભી હતી. તેણે નાનુ ને સાદ દઈ બોલાવ્યો. નાનુએ ચારેબાજુ જોયું આજે બસમાંથી ખાસ કોઈ ઉતરવાવાળા પેસેન્જર નહોતા. નાનુ ઉભો રહ્યો. રાજી તેની સાથે થઈ ગઈ.તે રડવા જેવી થઈ ગઈ.

" નાનુ તારા ભાઈબંધે મારી સાથે દગો કર્યો. " ઘડીક કંઈ બોલી નહિ પછી પેટ પર હાથ ફેરવીને કહ્યું, " દોઢ મહિનો થયો.હું માસિકમાં નથી બેઠી. મેં પત્યા ને કીધું તો તે કહે,

' ઈ મારું નથી, તું ક્યાં ક્યાં રખડીને આવી હો મને સુ ખબર! જેનું હોય એને કેજે. આમ કહીને તે નફ્ફટ નીકળી ગયો."

રાજી રડવા જેવી થઈ કહેવા લાગી." મેં તપાસ કરાવી તો પત્યો ગઈ કાલે સુરત ભેગો થઈ ગયો છે. હવે તું જ મને મદદ કરી હકે એમ છો"

નાનુ એ આજુબાજુ જોઈ લીધું,તેનાં મોઢાં પર અણગમો આવી ગયો. તેણે રાજી નાં પેટથી જોવાનું ચાલું કરી મોઢાં પર નજર સ્થિર કરી કહ્યું,

" હું...? હું શું મદદ કરી શકું?"

" તું મને મહુવા દવાખાને આનો નિકાલ કરાવવા લઈ જા" રાજી એ ધીમો અવાજ કરી પેટ પર હાથ ફેરવીને કહ્યું.

નાનુ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, " અરે નારે... ના, હું તને દવાખાને સુ કરવાં લઈ જાવ! ને મને બાયુંનો ડોક્ટર કોઈ ઓળખતો પણ નથી.ને કોક ભાળી ગયું હોય તો હું ખાલી ખોટો બદનામ થાવને! જલ્સા તમે કર્યા ને અમારે......" નાનુનું મોઢું ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયું.

રાજી ની આંખમાંથી આંસુ ખરી પડ્યાં, " નાનુ તારી પાસે મને આશા હતી,તું મારો નાનપણનો ગોઠિયો થઈ આવું કે તો હવે મારે બીજા તો કોની પાહે જાવું? કાલ હુંધિમાં ઉત્તર આપજે નકર પરમ દાડે મારે કપામાં છાંટવાની દવાની બોટલ પીધાંનો વખત આવશે."

આટલું કહી રાજી ભેંસો હંકારતી શેરી વળી ગઈ. નાનુ ઘડીક ઉભો રહી તે તરફ જોતો રહ્યો.તેનાં મનમાં શું કરવું તેનાં વિચારો ઘુમવા લાગ્યાં.

ઘરે જઈ જેવું તેવું વાળું કરી તેની કાયમી જગ્યાએ ફળિયામાં કાથીનાં ખાટલે ગોદડું પાથરી સૂઈ ગયો.પણ આજે ફરી નીંદર વેરણ થઈ હતી.મનમાં ઘમાસાણ વિચારોનું યુદ્ધ ચાલે." મારાં બેટાએ મોજ એણે કરી ને દવાખાને આપડે લઈ જવાના ! સૌ નાં કર્યા સૌ ભોગવે. આપડે સુ?" વળી રાજીના શબ્દો યાદ આવ્યાં, " કપાસ માં છાંટવાની દવા પી જવાની, તું મારો ગોઠિયો નહિ?" વળી વિચાર આવ્યો, " હું રાજી ને મરવા તો નહિ દવ, પણ કો'ક દવાખાને જતાં જોઈ જશે તો?" " ભગવાન...ભગવાન...જે થાય તે જોયુ જશે. વળી નાનુને રાજીનાં શબ્દો યાદ આવ્યાં, " તું મારો ગોઠીયો નહિ?" આમને આમ વિચારોમાં નાનુ ને છેક વહેલી પરોઢે નીંદર આવી.

સવારે તે બસમાં ભણવા માટે નીકળી ગયો પણ આજે તેનું મન ભણવામાં પણ નહોતું લાગતું. સાંજે બસમાંથી ઉતર્યો તો સીધું ધ્યાન હવાડા તરફ જ ગયું. રોજ ની રમતિયાળ આંખો વાળી રાજી ની જગ્યાએ આજે ખરી પડેલાં ને શીમળાયેલા ચંપાનાં ફૂલ જેવી રાજી લંઘાયને ઊભી હતી. નાનુએ પાસે આવી રાજી ને કહ્યું,

" કાલે સવારે તૈયાર થઈ જાજે.આપડે બેય અલગ અલગ વાહનમાં તળાજા જાશું.ન્યાથી મહુવાની બસ પકડી ને મેં એક દવાખાના નું પૂછી રાખ્યુ છે. ન્યાં તારું કામ થઈ જાસે" નાનુ એક શ્વાસે આટલું બોલી ગયો.

રાજી એ, " હું ટેમે આવી જાશ" એટલું જ કહ્યું. પણ તે નાનુ ની સામે જ જોઈ રહી. આજે તો નાનુ પણ આજુબાજુ વાળાનો ડર રાખ્યાં વગર રાજી સામે જ જોઈ રહ્યો.રાજી ની આંખોમાં નાનુ પ્રત્યે વિશ્વાસ છલકતો હતો.રાજીની આંખો થોડી ઝીણી થઈ, મલકી ને ભરાયેલાં આંસુ ઉભરાઈ ગયાં.રાજી શેરીનો વળાંક વળી ગઈ. આજે નાનુ કોઈ જોવે છે કે નહિ તેની પરવા કર્યા વગર રાજી ને છેક સુધી જતી જોઈ રહ્યો.

બીજા દિવસે સવારે નાનુ દરોજ જતો હતો તે જ રીતે st બસમાં ને રાજી રિક્ષામાં તળાજા આવી ગયા. ત્યાંથી મહુવાની બસ પકડી. મહુવા સ્ટેશનથી બંને દવાખાના તરફ ચાલવા લાગ્યાં.પણ બંનેની ધડકન તેજ ચાલતી હતી. રખેને કોઈ ઓળખીતો મળી જશે તો શું કરીશું? બન્ને ગાયનેક દવાખાને દરવાજામાં પહોંચ્યા ત્યાં સામેથી નાનુનાં ઓળખીતા આવ્યાં. જેનો ડર હતો તે જ થયું.નાનુ ધ્રુજી ગયો. પેલાં ભાઈએ સીધો જ પ્રશ્ન કર્યો,

" લે... નાનુ આયા બયરાવનાં દવાખાને કેમ આવ્યો સો?"

નાનુ એ થોથરાતા કહ્યું, " આમને બતાવવાનું છે? "

બીજો અઘરો પ્રશ્ન, " કોણ સે આ?"

નાનુ એ ફરી ગભરાતા કહ્યું, " મારું વેહવાળ કર્યું ઈ સે."

પેલાં ભાઈ આગળ કંઈ પૂછે એ પેલાં નાનુ દવાખાના માં ઘુસી ગયો. રાજી પણ પાછળ પાછળ આવી.

કેસ કઢાવી બંને બેઠાં. વારો આવ્યો ત્યાં સુધી એકબીજા સામે ક્યારેક જોવાં સિવાય કોઈ વાત ના થઈ.ડોક્ટરે ચેમ્બરમાં બોલાવ્યા. સીધો પ્રશ્ન કર્યો,

" બોલો બેન શું તકલીફ છે?"

રાજી કંઈ ન બોલી.

નાનુ એ કહ્યું, " સાહેબ, અમારાં લગ્ન ને હજી છ મહિના જ થયાં છે.અમારે ભૂલ પડી ગઈ છે.એટલે....."

ડોક્ટરે ઊંચા અવાજે કહ્યું, " મિસ કરાવવું ગુન્હો બને છે ખબર ને? આમાં હું ને તમે બંને સલવાઈ જઈએ. ને તમે બંને પતિ પત્ની તો લાગતા નથી!"

રાજી ને નાનુ બંને મુંજાઈ ગયાં. ત્યાં કોને ખબર ડોક્ટર માં શું ભગવાન વસ્યાં તેણે સીધી ઓફર કરી,

" પાંચ હજાર થશે. ને મારી કોઈ જવાબદારી નહિ.અહિ રોકિશ નહિ.તરત રજા આપી દઈશ."

રાજી નાનુ સામે જોઈ રહી.તેની પાસે તો આટલાં પૈસા પણ ન હતાં. નાનુ એ સો ની નોટની થપ્પી કાઢી ડોક્ટર સાહેબનાં ટેબલ પર મૂકી. ડોક્ટરે નાનુ સામે જોઈ પ્રશ્ન કર્યો,

" કેટલા મહિના છે?"

નાનુ રાજી સામે જોઈ રહ્યો.રાજી નીચું જોઈ સંકોડાઈ ને બોલી, " દોઢ "

ડોક્ટર નાનુ ને ખિજાયા, " તને ખબર નથી?"

નાનુ નીચું જોઈ મુંગો રહ્યો.

રાજી ને અંદર લઈ ગયાં. સાથે એક નર્સ પણ હતાં. લગભગ વીસેક મિનિટ પછી ડોક્ટર હેન્ડ ગ્લવ્સ ઊતરતાં બહાર આવ્યાં. નાનુ સામે જોઈ કહે,

" બધું બરાબર થઈ ગયું છે.જા અંદર. ને પંદર મિનિટ પછી રજા."

નાનુ અંદર ગયો.જોયું તો રાજી બેડ પર એકદમ થાકેલી સૂતી હતી. નાનુ નજીક ગયો. રાજી સામે જોયું તો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. રાજી એકદમ ઉભી થઇ નાનુ ને બાજી પડી. નાનુ નાં ખભે માથું રાખી રડી પડી.નાનુ નો હાથ રાજીના વાળમાં ફરતો હતો.

આ વાતને વર્ષો વીતી ગયાં. નાનુ ને રાજી સિવાય કોઈને આ વાતની ખબર નથી.રાજી નાં લગ્ન થઈ ગયાં. તે તેનાં સાસરે ખુશ છે. નાનુ નાં પણ લગ્ન થઈ ગયાં. રાજી ફરી નાનુ ને ક્યારેય મળી નથી.પત્યો દારૂનાં રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ કરી રહ્યો છે.

લેખક : અશોકસિંહ ટાંક
તા. ૧/૫/૨૦૨૧
( આ વાર્તા કાલ્પનિક છે.)